Savai Mata - 46 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 46

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સવાઈ માતા - ભાગ 46

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૪૬)
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
લેખન તારીખ : ૨૬-૦૭-૨૦૨૩

મિત્રો
સૌપ્રથમ આપ સર્વેની માફી ચાહું છું કે લગભગ ૪૦ દિવસ પછી નવો ભાગ મૂકી રહી છું. કેટલાંક કારણો એવાં હતાં જેને લીધે લેખન અટકી ગયું હતું. આશા છે આપ સર્વે મને માફ કરશો.

* # *#*#*#*

લીલાની જીંદગી છેલ્લાં બે વર્ષમાં એક મઝાનો વળાંક લઈ ચૂકી હતી અને આગળ તે વધુને વધુ નવાં ખેડાણ ખેડવાની હતી.

* બે વર્ષ પાછળ : રમીલાની જીવનયાત્રા
બી. બી. એ. ની પદવી સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને આવેલ રમીલા નવી ઓફિસ, લૅવેન્ડર કોસ્મેટિક્સ, માં જોડાઈ, એમ. બી. એ. ની પદવી મેળવવા અભ્યાસને પણ સુપેરે આગળ ધપાવી રહી હતી.

નોકરીનાં પહેલાં જ અઠવાડિયે તેની બુદ્ધિપ્રતિભાનો સાક્ષાત્કાર તેણે સઘળાંય કર્મચારીઓને તેમજ પોતાનાં ઉપરીઓને કરાવ્યો. આગામી અઠવાડિયાથી તેનો વિચાર ખરેખર આકાર લેનાર હતો.

જ્યારે લીલા શુક્રવારે સાંજે પોતાનાં ક્વાર્ટર ઉપર પાછી ફરી અને તેની જીંદગીને વરસાદી વાતાવરણે અનોખો અને સુખદ વળાંક આપી દીધો. આ તરફ શહેરનાં બે જુદા જુદા છેડે ઊંચાણવાળા વિસ્તારમાં વસતાં રમીલા અને મેઘનાબહેનનાં ઘરની આસપાસ પરિસ્થિતિ ઘણી સારી હતી. વરસાદથી તેમની રાબેતા મુજબની જિંદગીને ખાસ ફરક પડ્યો ન હતો. રવિવારે સાંજે પરિવાર સાથે પૂરતો સમય વિતાવી રમીલા સૂવા ગઈ.

આવતીકાલથી શરૂ થતી જીંદગીનો પંથ ઘણી જ ઝડપથી, સેટ કરેલાં, સરકી રહેલા ટ્રેડમિલના પટ્ટા સમ ચાલવાનો હતો. તે આવતીકાલની મિટીંગ, કામ-કાજ, બધાં સાથે સંતુલન જાળવીને ચાલવાની બાબતો વિચારતી બારી બહાર ચંદ્રને શોધવા મથી રહી. આ વાદળછાયી રાત્રે આકાશમાં ન તો ચંદ્રદર્શન શક્ય હતાં કે ન તો તારલાઓની મહેફિલ. આખરે મોડી રાત્રે થાકેલી એ આંખો જંપી ગઈ અને અંતરમન સુંદર સ્વપ્નો સજાવતું રહી ગયું.

સવારે એલાર્મના સૂરે તેની ગાઢ નિંદ્રામાં ખલેખલ પહોંચાડી. પોતે ઊઠી અને સમુ તેમજ મનુને પણ ઊઠાડી દીધાં. તેણે બધાંનાં ચા-દૂધ તૈયાર કર્યાં ત્યાં સુધીમાં તેની માતા પણ ઊઠી ગઈ હતી. દીકરીને તૈયાર થવા મોકલી તેણે રસોડાનો હવાલો સંભાળ્યો. એકલા હાથે તેણે નવ વાગતાં સુધીમાં બધાંનો નાસ્તો, બેય બાળકોનાં ટિફિન અને સંપૂર્ણ જમવાનું બનાવી તૃપ્તિનો અનુભવ કર્યો. સવલીની થાળી સાદી પણ પોષણ અને સાત્ત્વિકતાથી ભરપૂર રહેતી. સમુ-મનુ સ્કૂલવાનમાં ક્યારનાંય નીકળી ગયાં હતાં. રમીલા પિતાને લઈ ઓફિસ જવા નીકળી. આ તરફ એકલી પડેલ સવલીએ ઘરની સાફસફાઈ, કપડાં ધોવાનું અને વાસણ સાફ કરવાનું આરંભ્યું. પછી અવકાશ થતાં મેઘનાબહેનને ફોન કરી વાતચીત કરી.

વાતવાતમાં મેઘનાબહેને જાણ્યું કે લગભગ દસ વાગ્યાથી એક વાગ્યા સુધી અને સાંજે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી સવલી સાવ જ નવરી પડતી. સાવ સાત-આઠ વર્ષની ઉંમરથી ગામનાં ખેતરમાં અને શહેરમાં કોઈને કોઈ સાઈટ ઉપર લગભગ દસ-બાર કલાક ભારે થકવી દે તેવાં કામમાં વ્યસ્ત રહેલી આ સવલીને હવે ફારેગ સમયમાં કામે લગાડવાની જવાબદારી મેઘનાબહેનની પોતાની હતી, એમ તેમને લાગતું માટે તેમણે સવલીને વ્યસ્ત કરવા બાબતે વિચારવા માંડ્યું.

સવલી પોતાનાં ઘર પૂરતી બાર-પંદર માણસોની પરંપરાગત આદિવાસી વાનગીઓ સરળતાથી બનાવી લેતી. તેનાં મસાલા સાદાં રહેતાં પણ વાનગીઓમાં જમીનની મહેક રહેતી. વળી, નાગલી અને બાવટાનાં રોટલા, વિવિધ ભાજીનાં શાક અને ઘેંશમાં અનોખો જ સ્વાદ પ્રસ્તુત થતો. મેઘનાબહેનને અચાનક વીણાબહેન શુકલ અને કૃષ્ણકુમાર શુકલ યાદ આવ્યાં. તે પતિપત્નીનું જોડલું નેચરોપેથ ડૉક્ટર હતું. પોતાનું ક્લિનીક ખોલી તેમાં ધૂમ કમાણી કરવાનાં બદલે બેય જણ રોજ વિવિધ સરકારી હોસ્પિટલ અને ક્લિનીકમાં ફરી ફરીને ડૉક્ટર્સને મળતાં. કુપોષણથી પીડાતાં બાળકો અને ગર્ભવતી મહિલાઓની વિગતો મેળવી તેમને પોષણક્ષમ આહાર માત્ર લખી જ નહીં, ઉપલબ્ધ પણ કરાવી આપતાં અને તે પણ એકદમ મફતમાં.

કુપોષિત લોકોનાં સરનામાં લઈ, તેઓ છેક તેમની વસ્તીમાં રોજેરોજ આહાર પહોંચાડતાં. તેઓએ અઢાર જેટલાં યુવક-યુવતીઓને પણ આ સેવામાં જોડ્યાં હતાં જેઓ વિવિધ વિસ્તારોમાં જઈ એક ટંકનું જમવાનું માત્ર પહોંચાડતાં જ નહીં પણ, સાથે બેસી તેમને જમાડીને જ આવતાં. પોતાને સોંપાયેલાં કુપોષિત વ્યક્તિઓની વિગતોનો આખો ચાર્ટ જેમાં ડૉક્ટરનાં રિપોર્ટ, શુકલ દંપતીની આહારની ભલામણ, રોજે રોજ દરેકને અપાતાં ભોજનની ગુણવત્તા, તેમાં રહેલાં પોષકતત્વોની યાદી વગેરે રહેતાં. દર અઠવાડિયે મળતી મિટિંગમાં તે વ્યક્તિઓનાં સ્વાસ્થ્યમાં આવેલ સુધાર નોંધાતાં.

રમીલા અને નિખિલ પણ આ દંપતીનાં સ્વયંસેવક તરીકે ધોરણ અગિયારથી જોડાયેલાં હતાં અને એટલે જ મેઘનાબહેન તેમની આ સેવાને સારી રીતે જાણતાં. પોતે પણ દર અઠવાડિયે ઘઉંના લોટમાં બાજરી, જુવાર, ચોખા અને મકાઈના લોટ ભેળવી, થોડી સૂંઠ નાંખી, શુદ્ધ ઘીમાં લસલસતું શેકી, ઓર્ગેનિક ગોળ ભેળવી, સુખડી બનાવી આપતાં, જે આ કુપોષણથી પીડાતાં બાળકોને નાસ્તા તરીકે પેકેટ બનાવીને અપાતી.

હવે, વીણાબહેન સાથે થયેલ વાત મુજબ કેટલાંક પરંપરાગત, ભૂલાઈ રહેલાં ધાન્ય અને તેની વાનગીઓને આ ડાયેટમાં સામેલ કરવાનાં હતાં જેમાં નાગલી, બાવટો, બંટી, રાગીનો સમાવેશ થતો હતો. વળી, ઓછાં તેલ-ઘી અને મસાલા વાપરી વાનગીઓનો સ્વાદ જગાવવાનો હતો. આ કામ એ જ કરી શકે જેમનાં રસોડામાં તૈયાર મસાલાનાં પેકેટ અને તેલ-ઘીનાં ડબ્બાની રેલમછેલ ન રહેતી હોય.

લગભગ ત્રણેક મહિનાથી આવી વ્યક્તિઓનાં ઈન્ટરવ્યુ થયાં હતાં પણ બધાં જ શહેરી ઢબે ડાયેટ વાનગી શીખેલાં લોકો હતાં. જે સાચે જ આ ડાયેટ વાનગીઓને સાદાઈથી બનાવી શકતાં તેઓનો ચાર્જ તોતીંગ રહેતો જે શુકલ દંપતીને પોસાય તેમ ન હતું. તેમણે પણ પોતાનાં ફંડને વ્યવસ્થિતપણે વાપરવાનાં હતાં, જેથી તેઓ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. મેઘનાબહેનને સિમિત મસાલા વાપરી સ્વાદિષ્ટ અને પરંપરાગત ઢબે ભોજન બનાવતી સવલી આ કામ માટે બિલકુલ બંધબેસતી લાગી.

તેઓએ પહેલાં વીણાબહેનને ફોન જોડી તેમની સાથે વિગતે વાત કરી. વીણાબહેન આ સૂચનથી હરખાઈ ઉઠ્યાં. બેય સ્ત્રીઓએ નક્કી કર્યું કે આજે જ બપોરે સવલીને ઘરે જઈને મળવું.

*****

આ તરફ ઓફિસ પહોંચેલી રમીલાનાં કામકાજની ગાડી એક્સપ્રેસ નહીં બુલેટ ટ્રેઈનની ઝડપે દોડવા લાગી. આૅફિસ આવતાં સાથે જ તેણે પોતાની ડેસ્ક ઉપર જઈ સેક્રેટરી મૈથિલીને બોલાવી.

મૈથિલી : ગુડ મોર્નિંગ, મેડમ.

રમીલા : અ વેરી ગુડ મોર્નિંગ, મૈથિલીજી. બેસો. સૌથી પહેલાં ખૂબ ખૂબ આભાર, શુક્રવારે સાંજે આૅફિસ છૂટતી વેળા મારું આટલું ધ્યાન રાખવા બદલ. અને પેલા પ્યુન ભાઈને પણ બોલાવો ને, તેમનો પણ આભાર માની લઉં. એક મોટાભાઈની માફક મારું ધ્યાન રાખવા બદલ.

મૈથિલી : અરે મેડમ. આભાર નહીં. મને એક અંતઃસ્ફૂરણા થઈ કે તમે આમ સાવ અજાણી છોકરીઓ સાથે ગયાં જેમનો આપણી આૅફિસમાં કોઈનેય પરિચય ન હતો. થોડી સાવચેતી જરૂરી લાગી. વળી, તે બેય ઘણી વ્યગ્ર હતી.

રમીલા : ખૂબ સારું છે કે તમે આટલું આગળનું વિચારો છો પણ, તે બેય સાચે જ મારી સહાધ્યાયી હતી. તેઓ પણ આપણો ટ્રેઈનિંગ પ્રોગ્રામ જોઈન કરશે. કન્ફર્મેશન ઇ-મેઈલ ચેક કરી લેજો.

મૈથિલી : હા, મેડમ.

રમીલા : મૈથિલી, હમણાં અડધા કલાકમાં જ માર્કેટિંગની ટીમને બોલાવી લો. આપણે તેઓની સાથે શહેરનાં વિવિધ ભાગોમાં જાહેરાતનું કામકાજ શરૂ કરવાની વ્યૂહરચના સમજાવવી પડશે.

મૈથિલી : ઓકે, મેડમ.

રમીલા (પોતાની ઓફિસબેગમાંથી એક કાગળ કાઢી મૈથિલીને આપતાં) : અને હા, આ કાગળની ફોટોકોપી કરી લો, માર્કેટિંગ ટીમનાં દરેક મેમ્બરને એક-એક આપી દો, એક અને આ ઓરિજિનલ મારી ડેસ્ક ઉપર મૂકજો, એક તમારી ફાઈલમાં રાખજો. એક નકલ વધુ કરાવજો. એક નવો મેમ્બર બે દિવસ પછી આ ટીમમાં જોડાશે.

મૈથિલીએ કાગળ હાથમાં લીધો અને વિચારવા લાગી : મેડમે વગર ઈન્ટરવ્યુ લીધે જ કોઈ નવી ભરતી કરી લીધી. (પછી પોતાનાં મનને વાળતાં વિચારી રહી) :મેડમ છે તો ખૂબ હોંશિયાર. કાંઈક વિચાર્યું જ હશે ને કંપનીના હિતમાં. (તે રમીલા સામે મીઠું હસી અને કહ્યું) :ઓકે મેડમ. બસ દસ મિનિટમાં થઈ જશે. (અને પોતાની જગ્યા તરફ જવા લાગી)

રમીલા : અરે મૈથિલી, બેસો. હજી તો શરૂઆત છે. સેલ્સ ટીમની મિટીંગ બરાબર સાડા અગિયારે બોલાવો. તેઓને પોતાનો સેલ્સ આઈડિયા પણ તૈયાર કરી લાવવાનું કહેશો. કદાચ કોઈ પાસે મારાં વિચારથી પણ વધુ સારો વિકલ્પ હોઈ શકે. એક કામ કરો, આ બાબતનો એક સર્ક્યુલર જ બનાવી બધાંની સહીઓ મંગાવી લો.

મૈથિલી : યેસ, મેડમ. (તે વિચારી રહી) મેડમ સાચે જ ખૂબ સકારાત્મક વિચારે છે.

રમીલા : ક્યાં ખોવાઈ ગયાં? આપણે બધાંનાં જ તેજસ્વી મગજની ક્ષમતાઓને રસ્તો આપવાનો છે, કોઈને રુંધવાનાં નથી, બરાબર?

મૈથિલીએ સસ્મિત માથું ધુણાવ્યું.

રમીલા : છેલ્લે, આપણી પર્ચેઝ ટીમનાં મેનેજરને બરાબર સાડા બાર વાગ્યે મારી સાથે મિટિંગ માટે બોલાવી લો. તેમની સાથે હું સીધી જ વાત કરીશ. હવે તમે જઈ શકો છો. હું મારાં ગુરુજીને મળીને આવું.

મૈથિલી : સૂરજ સરને?

રમીલા : હા, તેઓનાં લીધે જ મને આટલી મોટી પદોઉન્નતિ મળી છે. તેઓ તો મારાં સાચાં પથદર્શક છે.

મૈથિલી : મેડમ, તમે નાનકડી મદદ પણ ભૂલો તેમ નથી. તમે સાચે આ બઢતીને લાયક છો અને તમારી સાથે કામ કરીને મને સાચે જ ખૂબ જ સારું લાગી રહ્યું છે. હું પેલા પ્યૂન, મેઘનાથજીને મોકલું.

રમીલા : અચ્છા, તેમનું નામ મેઘનાથજી છે? હા, હા, મોકલો.

(મૈથિલી બહાર જાય છે. થોડીવારમાં મેઘનાથ રમીલાનાં ઓફિસખંડનાં પ્રવેશી તેનાં ટેબલ પાસે આવે છે.)

મેઘનાથ : ગુડ મોર્નિંગ, મેડમ. હું, મેઘનાથ.

રમીલા : મેઘનાથજી, તમારો ખૂબ ખૂબ આભાર. શુક્રવારે સાંજે જે રીતે આપ મારી સાથે નીચે સુધી આવ્યાં અને અજાણ્યી છોકરીઓ સાથે હું સાવ એકલી ન પડું તેનું ધ્યાન રાખ્યું તે બદલ.

મેઘનાથ : અરે મેડમ, એમાં આભાર ન હોય. તમે ભલે મારાં મેડમ છો, ઊંચા પદે છો, પણ આખરે તમે મારી નાની બહેનની ઉંમરનાં જ લાગો છો. આવું આૅફિસનાં સમય પછી કોઈ મળે કે જે અજાણ્યું લાગે તો મારી પણ ફરજ બને છે તમારું અને આૅફિસનાં દરેક સ્ટાફનું ધ્યાન રાખવાની.

રમીલાએ હસીને બે હાથ જોડી ફરી થેન્કયુ કહ્યું.

મેઘનાથે સસ્મિત રમીલાની રજા માંગી. તેનાં જતાં જ રમીલાએ પોતાની આૅફિસ બેગમાંથી બે ફાઈલ કાઢી અને તે સૂરજ સરનાં ખંડ તરફ જવા નીકળી.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા