Reshmi Dankh - 17 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | રેશમી ડંખ - 17

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

રેશમી ડંખ - 17

17

થોડીક વારમાં તેની સામે અહીં કંઈક એવું જબરજસ્ત બનવાનું હતું કે, જેનાથી તે અવાચક બની જવાનો હતો ! તે હેબતાઈ જવાનો હતો-ચકરાઈ જવાનો હતો ! ! !' એવી આ વાતથી બેખબર રાજવીર અત્યારે કૈલાસકપૂરના ફાર્મહાઉસમાં, કૈલાસકપૂરના બેડરૂમમાં બેઠો હતો. તેની સામે, જમીન પર વનરાજ બેહોશ પડયો હતો. અને તે સિમરનનો મોબાઈલ ફોન આવે એની વાટ જોઈ રહ્યો હતો.

ત્યાં જ અત્યારે તેના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી. તે સમજી ગયો. સિમરનનો મોબાઈલ હશે. તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢયો. એમાં સિમરનનો મોબાઈલ નંબર ઝળકતો હતો. તે મલકયો. તેણે મોબાઈલની રીંગ વાગવા દીધી. તે સમજી ગયો. અત્યારે સિમરને તેને આ મોબાઈલ એ પૂછવા માટે નહોતો લગાવ્યો કે, ‘તેણે વનરાજને ખતમ કરી દીધો કે કેમ ? !' પણ એ માટે લગાવ્યો હતો કે, એને એ વાતની ખાતરી થઈ જાય કે ‘તે જીવતો છે કે નહિ ? ! વનરાજે તેને ખતમ કરી દીધો કે નહિ !'

અને રાજવીરના મોબાઈલ ફોનની રીંગ વાગવાની બંધ થઈ. તેણે મોબાઈલ હાથમાં પકડેલો જ રાખ્યો. ‘હજુ પણ સિમરન પૂરી ખાતરી કરવા માટે તેના આ મોબાઈલ પર ફોન લગાવશે અને પછી જ વનરાજ સાથે વાત કરવા માટે વનરાજને ફોન લગાવશે.' રાજવીરે ગણતરી માંડી અને તેની ગણતરી સાચી પડી. ફરી તેના મોબાઈલની રીંગ વાગી ઊઠી. મોબાઈલમાં સિમરનનું જ નામ ઝળકતું હતું.

તેણે વનરાજ તરફ જોયું. વનરાજ બેહોશ પડયો હતો. ‘તેને મોબાઈલ કર્યા પછી, સિમરન વનરાજને મોબાઈલ લગાવે ત્યારે વનરાજ સિમરન સાથે મોબાઈલ પર વાત કરે એ જરૂરી હતું, અને એ માટે વનરાજ હોશમાં હોય એ જરૂરી હતું.’ વિચારતાં રાજવીરે આસપાસમાં ઝડપી નજર દોડાવી. નજીકમાં જ ટિપૉય પર પાણીનો બાટલો પડયો હતો. તેણે બાટલામાંથી પાણી હથેળીમાં લઈને વનરાજના ચહેરા પર છાંટયું.

વનરાજ જેમનો તેમ જ પડયો રહ્યો. સળવળ્યો નહિ. રાજવીરના મોબાઈલની રીંગ વાગવાની બંધ થઈ.

હવે નક્કી સિમરન વનરાજને મોબાઈલ લગાવશે.’ વિચારતાં રાજવીરે ફરી વનરાજના મોઢે પાણી છાંટયું. અને આ સાથે જ વનરાજ ઝબકીને બેહોશીમાંથી હોશમાં આવ્યો. એ સફાળો બેઠો થઈ ગયો એ સાથે જ રાજવીરે વનરાજના લમણે રિવૉલ્વરની અણી અડાડી.

ત્યાં જ વનરાજના ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી.

‘એક મિનિટ !’ કહેતાં રાજવીરે વનરાજના ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢીને, એના સ્ક્રીન પર જોયું તો એમાં સિમરનનો મોબાઈલ નંબર જ ઝળકી રહ્યો હતો.

‘વનરાજ !’ રાજવીરે પોતાના અવાજને ધારદાર બનાવતાંકહ્યું : ‘સિમરનનો જ ફોન છે. તું એની સાથે એવી રીતના વાત કર કે, તમે બન્નેએ બનાવેલી યોજના પ્રમાણે તે મને ખતમ કરી નાંખ્યો છે.’

‘પણ...’

હું જે કહું છું, એનો કોઈ પણ જાતના સવાલ-જવાબ વગર અમલ કર.' રાજવીરે અવાજમાં વધુ ધાર લાવી : ‘સિમરન સાથે મને ખતમ કરી નાંખ્યાની વાત કરીને પછી તમારી યોજનાને આગળ વધાર.’

ત્યાં જ વનરાજના મોબાઈલ ફોનની રિંગ વાગતી બંધ થઈ ગઈ.

‘ભુવન અને બલ્લુને મેં ખતમ કરી નાખ્યા છે.' રાજવીરે વનરાજને કહ્યું : ‘સિમરન સાથે વાત કરવામાં જો તે જરાય હોંશિયારી બતાવવાનો કે, ચાલાકી કરવાનો પ્રયત્ન કર્યો છે તો પછી મારે મજબૂર થઈને તારી લાશ ઢાળી દેવી પડશે.'

વનરાજે હકારમાં ગરદન હલાવી. વનરાજે જાણે પોતાના બધાં હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં.

ફરી વનરાજના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી.

‘સિમરનને તારી વાતમાં જરાય શંકા ન જાય એવી રીતના વાત કરજે.' કહેતાં રાજવીરે તે પોતે પણ સિમરનનો અવાજ સાંભળી શકે એ માટેનું મોબાઈલ ફોનનું બટન દબાવ્યું અને એ સાથે જ મોબાઈલ ફોનમાંથી સિમરનનો અધીરો અવાજ ગૂંજ્યો : ‘હેલ્લો, વનરાજ !’

‘હા, સિમરન.’ વનરાજે કહ્યું.

‘મોબાઈલ પર વાત કરવામાં કેમ આટલી વાર લાગી ? !' મોબાઈલમાંથી સિમરનનો શંકાભર્યો સવાલ ગૂંજ્યો : ‘શું રાજવીર...’

‘...હા, રાજવીરને મેં આપણી યોજના પ્રમાણે મારી નાંખ્યો છે, અને...' વનરાજ હોઠ પર જીભ ફરવતાં બોલ્યો : ‘હું એની લાશને ખાડામાં નાખી રહ્યો હતો, એટલે જ તારો મોબાઈલ લેવામાં વાર લાગી.’

‘ઠીક છે.’ મોબાઈલમાંથી સિમરનનો અધીરો સવાલ ગૂંજ્યો : ‘તમે કૈલાસકપૂરને ત્યાંથી લઈને નીકળ્યા હતા, એ હીરા અને રૂપિયા...’

‘...મારી પાસે જ છે.’ વનરાજે કહ્યું : ‘અને હવે હું આપણે નકકી થયા પ્રમાણે કૈલાસકપૂરના ફાર્મહાઉસ તરફ જ આગળ વધી રહ્યો છું.'

‘ગુડ !’ મોબાઈલ ફોનમાંથી સિમરનનો અવાજ ગૂંજ્યો.

‘હું કૈલાસના ફાર્મહાઉસની નજીકમાં જ છું.' વનરાજે કહ્યું : ‘હું ત્યાં પાંચેક મિનિટમાં જ પહોંચી જઈશ.'

‘હું પણ કૈલાસના ફાર્મહાઉસની નજીકમાં જ છું.' મોબાઈલ ફોનમાંથી સિમરનનો અવાજ ગૂંજ્યો : ‘બસ, દસ મિનિટમાં જ હું પણ ત્યાં પહોંચું છું.' અને સામેથી સિમરને મોબાઈલ કટ કરી દીધો.

રાજવીરે વનરાજનો મોબાઈલ પોતાના ખિસ્સામાં મૂકયો. વનરાજના ચહેરા પર પરસેવો નીતરી આવ્યો હતો.

‘ચાલ ! ઊભો થા. આપણે નીચે જઈને સિમરનની વાટ જોઈએ.' અને રાજવીર પોતાની રિવૉલ્વરની અણીએ વનરાજને નીચેની તરફ લઈ ચાલ્યો.

નીચે-ડ્રોઈંગરૂમના સોફા પર વનરાજને બેસાડીને રાજવીરે તેને કડક શબ્દોમાં સૂચના આપી : ‘હમણાં સિમરન આવી પહોંચે એટલે તારે, તે મને ખતમ કરી નાખ્યો છે, તેમ જ વેનમાં હીરા ને રૂપિયા પડયા છે, અને કૈલાસકપૂરનું લૅપટોપ ઉપર કૈલાસકપૂરના બેડરૂમમાં પડયું છે, એવું નાટક ચાલુ રાખવાનું છે.'

‘તો તું કયાં...? !’

‘હું આ સામેના રસોડામાં હોઈશ.' રાજવીરે કહ્યું : ‘ત્યાં છુપાઈને હું બધું જોઈશ. મને લાગશે ત્યારે હું સિમરન સામે જીવતો-જાગતો હાજર થઈને એને ચોંકાવીશ. જોકે, તું એક વાતનું સતત ધ્યાન રાખજે કે, મારી રિવૉલ્વરની અણી તારી ખોપરી તરફ તકાયેલી હશે. મને લાગશે કે, તું એક યા બીજી રીતે સિમરનને હકીકત જણાવવાનો કે અહીંથી ભાગી છુટવાનો પ્રયત્ન કરી રહ્યો છે તો હું ગોળી છોડીને તારી ખોપરી દઈશ.' ઊઠાવી

‘હા, પણ.., ’ વનરાજ અચકાતા અવાજે બોલ્યો : ‘તું જે કંઈ કરવા ઈચ્છે છે એ કરી લઈશ પછી તો તું મને જીવતો જવા દઈશ ને ? !'

‘મેં તને કહ્યું જ ને..,’ રાજવીરે કહ્યું : ‘મને તને ખતમ કરવામાં રસ નથી. પણ જ્યાં સુધી મને નહિ લાગે કે, હું કૈલાસકપૂર અને એના પાર્ટનરોથી પૂરી રીતે સલામત નથી થઈ ગયો ત્યાં સુધી હું કંઈ કહી શકું એમ નથી.’ અને રાજવીરે પોતાની વાતનું વનરાજ પર વજન પડે એ માટે કહ્યું : ‘વનરાજ ! હું તો ભાડૂતી હત્યારો છું. જો મારી જિંદગી જોખમમાં મુકાય તો હું મારી જિંદગી બચાવવા માટે, મને જન્મ આપનારી મારી મા ને પણ ગોળી મારી દઉં

રાજવીરે આ વાત પૂરી કરી, ત્યાં જ બહારથી કારનો અવાજ સંભળાયો.

‘જીવતો રહેવા માંગતો હોય તો મારી બધી વાતોને બરાબર ધ્યાનમાં લેજે.' કહેતાં રાજવીર વનરાજને ત્યાં જ બેઠેલો રહેવા દઈને રસોડા તરફ સરકી ગયો.

તે રસોડામાં પહોંચીને, સર્વિસ વિન્ડો પાસે એવી રીતના ગોઠવાયો કે, તે ડ્રોઈંગરૂમનો-વનરાજ બેઠો હતો એ ભાગ બરાબર જોઈ શકે, પણ ત્યાંથી એ જલદીથી કોઈની નજરે ન પડી શકે.

રાજવીરે અહીંથી વનરાજને એ જ રીતના સોફા પર બેઠેલો જોઈને મેઈન દરવાજા તરફ નજર દોડાવી. તેની ગણતરી હતી કે, સિમરન મેઈન દરવાજાની બેલ નહિ વગાડે. એ પોતાની પાસેની ડુપ્લીકેટ ચાવીથી મેઈન દરવાજાનું લેચ-કી વાળું લોક ખોલીને અંદર દાખલ થશે, અને એવું જ બન્યું.

સિમરન લેચ-કીવાળું તાળું ખોલીને-દરવાજો ધકેલીને અંદર આવી.

રાજવીર હાથમાંની રિવૉલ્વરને એ રીતના જ તાકેલી રાખતાં રસોડાની સર્વિસ વિન્ડોમાંથી સિમરન અને વનરાજ તરફ જોઈ રહ્યો.

સિમરન અંદર આવી એટલે વનરાજ સોફા પરથી ઊભો થયો, ને તેણે પરાણે પોતાના ચહેરા પર સ્મિત લાવ્યું.

વનરાજ.., માય ડાર્લિંગ !' બોલતાં સિમરન વનરાજ પાસે દોડી આવી અને વનરાજને વળગી પડી. ‘આપણો આખોય પ્લાન સફળ થયો.’

રાજવીર રસોડાની સર્વિસ વિન્ડોમાંથી આ દશ્ય નિરખી રહ્યો. તે મનોમન સિમરન વિશે વિચારી રહ્યો. સિમરન ઝેરીલી નાગણથીય વધુ ખતરનાક સાબિત થઈ રહી હતી. પહેલાં સિમરને પોતાના પતિ કૈલાસકપૂર સાથે બેવફાઈ કરી. પછી  તેની સાથે પ્રેમનું નાટક કર્યું અને હવે એ વનરાજને ગળે વળગી હતી ! !

‘વનરાજ !' વનરાજથી અળગી થતાં સિમરને ખુશીથી ખણકતા અવાજે કહ્યું : ‘કૈલાસનો માલ આપણી પાસે આવી ગયો એટલે હવે તારી સાથે પરણીને વિદેશમાં વસી જવાનું મારું સપનું પૂરું થઈ જશે.' અને એણે આસપાસમાં નજર ફેરવી : ‘રૂપિયા, હીરા અને’

અને સિમરન પોતાનો સવાલ પૂરો કરે એ પહેલાં જ વનરાજે જવાબ આપ્યો : ‘હીરાની બ્રીફકેસ તેમજ રૂપિયાથી ભરાયેલી ચાર બેગ વેનમાં જ પડી છે, અને કૈલાસનું લૅપટોપ ઉપર એના બેડરૂમમાં જ પડયું છે.’

‘ગુડ !’ સિમરનની આંખો ખુશીથી ચમકી ઊઠી : ‘આ ખુશીમાં આપણે મોઢું મીઠું કરીએ.' કહેતાં સિમરને પોતાના પર્સમાંથી કેડબરી કાઢી અને એનું રેપર ખોલ્યું. ‘ચાલ મોઢું ખોલ, હું મારા હાથે તારું મોઢું મીઠું કરાવું છું.

‘તું તો...’

‘હું પણ મોઢું મીઠું કરું છું !' સિમરન બોલી : ‘પણ પહેલાં તું તો મોઢું ખોલ !'

વનરાજે મોઢું ખોલ્યું.

સિમરને એના મોઢામાં કેડબરી નાખી દીધી.

વનરાજ કમને કેડબરી ચગળવા માંડયો. તે મનોમન વિચારવા લાગ્યો. તેણે ધાર્યું હતું એના કરતાં રાજવીર વધુ ચાલાક ને ચપળ સાબિત થયો હતો. જો રાજવીરે એના સિમરન સાથેના આ આખાય ખેલને ઊંધો ન વાળ્યો હોત તો અત્યારે એ આમ કમને કેડબરી ન ખાતો હોત, પણ પૂરા મનથી કેડબરી ખાતો હોત અને એણે આ ખુશીમાં સિમરનને પોતાના બન્ને હાથોમાં ઊંચકી લીધી હોત અને...' અને વનરાજના મગજમાંનો આ વિચાર હજુ તો પૂરો થયો નહિ ને ત્યાં તો એના ગળામાં જાણે એકદમથી જ ભીંસ આવવાની અને અસહ્ય બળતરા થવાની સાથે જ આંખો આગળ અંધારા છવાવા માંડયા. ‘સિમરન !' તે ગળા પર હાથ ફેરવતાં માંડ-માંડ બોલ્યો : “મને... કંઈ...ક, મને કંઈક થઈ...’

‘કંઈક થઈ નથી રહ્યું, વનરાજ પણ..,' સિમરન જાણે ઝેરીલી નાગણની જેમ હસી : ‘...કાતિલ ઝેરની અસર થઈ રહી છે !'

‘કા..તિલ ઝેરની અસર...?' વનરાજ ગળા પર હાથ ફેરવતાં-ફાટેલી આંખે સિમરન સામે જોઈ રહેતાં માંડ-માંડ બોલી શકયો.

‘મારા પ્યારા હાથે હમણાં તે જે કેડબરી ખાધી ને..,’ સિમરન જીતભર્યું મલકતાં બોલી : ‘...એમાં મેં મારા પ્યારા હાથે જ કાતિલ ઝેર મેળવ્યું હતું !'

‘તે...? ! ?’ વનરાજની આંખોમાં લોહી ઊતરી આવ્યું, તે આગળ કંઈ કહેવા-બોલવા ગયો, પણ બોલી શકયો નહિ. તે બેવડ વળ્યો. તેને જાણે એક ઊબકો આવ્યો હોય એવું લાગ્યું, તેના મોઢામાંથી ફીણ નીકળ્યા અને એ ફીણ સાથે જ તેના શરીરમાંથી જીવ નીકળી ગયો. તે સોફા આગળ પડેલા ટેબલ સાથે ટકરાઈને પછી જમીન પર ઢળી પડયો. તેનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. તેની આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ !

રસોડાની સર્વિસ વિન્ડોમાંથી રાજવીર આ દશ્ય જોઈ રહ્યો હતો. તેના માટે આ દશ્ય આંચકો પમાડનારું હતું.

તે સિમરન સાથે સંકળાયો એ પછી સિમરન માટેની તેની અત્યાર સુધીની બધી જ ગણતરીઓ સાચી પુરવાર થઈ હતી. પણ સિમરન વનરાજ સાથે મળીને આ ખતરનાક ખેલ ખેલ્યા પછી, આ રીતના વનરાજનો પણ ખેલ ખતમ કરી નાખશે, એવી તો તેણે ગણતરી રાખી જ કયાંથી હોય ? !

રાજવીર આશ્ચર્યભેર જોઈ રહ્યો. અહીંથી જ વનરાજને જોઈને, વનરાજ મરી પરવાર્યો હતો એ રાજવીરને ખબર પડી ગઈ.

પણ સિમરન વાંકી વળી. એણે વનરાજની નાડ તપાસી. વનરાજ મરી ગયો છે, એ વાતની એને ખાતરી થઈ ગઈ હોય એમ એની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ.

એ ઊભી થઈ. એણે પર્સમાંથી મોબાઈલ ફોન કાઢયો. એક નંબર લગાવ્યો અને પછી કાને મોબાઈલ ફોન મૂકીને એણે મોબાઈલ પર વાત કરી : ‘ડાર્લિંગ ! આપણો પ્લાન સો ટકા સકસેસ થયો છે. મેં વનરાજને મોતને ઘાટ ઉતારી દીધો છે. હીરા અને રૂપિયા અહીં જ છે.' અને એણે સામેવાળાની વાત સાંભળીને પછી કહ્યું : ‘હા, તું આવી જા. હું તારી વાટ જોઈને જ બેઠી છું.’ અને સિમરને મોબાઈલ કટ કર્યો.

હવે રસોડાની અંદર-સર્વિસ વિન્ડો પાછળ છુપાઈને ઊભેલા રાજવીરની મૂંઝવણ વધી, આ સિમરનની બચ્ચીએ તે વળી બીજા કોનો સાથ લીધો છે ? !' તે આ વિશે કોઈ અંદાજ બાંધે એ પહેલાં જ બહારથી કાર આવવાનો અવાજ સંભળાયો.

“તો સિમરને જૈનો પણ સાથ લીધો છે, એ વ્યક્તિ કમ્પાઉન્ડના ઝાંપાની બહાર જ સિમરનની વાટ જોઈને ઊભી હશે અને એટલે જ એ વ્યક્તિ આટલી જલદી આવી પહોંચી છે.’ રાજવીરે મનોમન વિચાર્યું, ત્યાં જ મેઈન દરવાજો ખૂલવાનો અવાજ સંભળાયો.

રાજવીર સિમરનના આ નવા સાથીને જોવા માટે આતુર હતો. તેણે ચહેરો સહેજ આગળ કર્યો અને સર્વિસ વિન્ડોની બહાર-મેઈન દરવાજા તરફ નજર નાખી.

અને મેઈન દરવાજાની અંદર દાખલ થયેલા યુવાનને જોતાં જ રાજવીરની આંખો ફાટી.

-એ યુવાને પોતાના બન્ને હાથ ફેલાવ્યા.

મોરને જોઈને ઢેલ થનગનતી દોડે એમ સિમરન એ યુવાન તરફ દોડી.

સિમરન એ યુવાન નજીક પહોંચી એટલે એ યુવાને પૂરા જોશ સાથે સિમરનને પોતાના બન્ને હાથોમાં ઉઠાવી લીધી અને સિમરનને લઈને ગોળ-ગોળ ઘૂમવા લાગ્યો.

-તો રાજવીરનું મગજ ઘૂમવા લાગ્યું હતું. તેને આ યુવાનને જોઈને જબરજસ્ત આંચકો લાગ્યો હતો. તેને જિંદગીમાં કદી, કોઈ વાત કે વસ્તુ માટે આટલો મોટો આંચકો લાગ્યો નહોતો !

 

(ક્રમશઃ)