Reshmi Dankh - 1 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | રેશમી ડંખ - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રેશમી ડંખ - 1

એચ. એન. ગોલીબાર

1

સિમરને પોતાના પતિ કૈલાસકપૂર સાથે બેવફાઈ કરવા માટેની નકકી કરેલી પળો હવે ખૂબ જ નજીક આવી પહોંચી હતી. તેણે પોતાના પતિને દગો આપવા માટેનો જે ફૂલપ્રુફ પ્લાન બનાવ્યો હતો,

અને આ માટે તે બિલકુલ તૈયાર અને ખૂબ જ તત્પર હતી !

તેણે પોતાના ચહેરા પર આ તત્પરતા ડોકાઈ ન જાય એની સાવચેતી સાથે બાજુની સીટ પર બેઠેલા પોતાના પતિ કૈલાસકપૂર સામે જોયું

કૈલાસકપૂર દોડી રહેલી કારની બારી બહાર જોતો બેઠો હતો.

સિમરને પોતાના સોનાના તાર જેવા ગોલ્ડન ને શાઈની વાળમાં પોતાની લાંબી-કોમળ આંગળીઓ ફેરવતાં કૈલાસકપુરના ચમકતાકાળા-ધોળા વાળ તરફ તુચ્છકારભરી નજરે જોયું.

કૈલાસકપૂર ઉંમરમાં તેનાથી સત્યાવીસ વરસ મોટો-બાવન વરસનો

હતો. તેણે છ મહિના પહેલાં આ ઘરડા ઘોડાને પોતાની લગામ સોંપી હતી, એને પોતાનો પતિ બનાવ્યો હતો, અને આની પાછળ તેની પાકી ગણતરી હતી.

અને તેની એ ગણતરીમાં કેટલા સરવાળા અને કેટલી બાદબાકી હતી ? એનો જવાબ હવે ગણતરીની મિનિટોમાં આવી જવાનો હતો અને પછી કૈલાસકપૂરની હાલત જે થવાની હતી, ... જે થવાની હતી......

અને સિમરનથી હસી પડાયું.

બારી બહાર જોઈ રહેલા કૈલાસકપૂરે તુરત જ સિમરન તરફ પોતાનો લંબગોળ ચહેરો ફેરવતાં પૂછ્યું : ‘..શું થયું, ડાર્લિંગ ? !'

‘..એ તો ગઈકાલે રાતના તમે કહેલો પેલી વાત યાદ આવી ગઈ.’

કૈલાસકપૂરે સિમરનના સફરજન જેવા ગાલ પર થપકી મારી, ત્યાં જ કાર રોકાઈ. કાર બૅન્કના પાર્કિંગમાં પાર્ક થઈ ચૂકી હતી.

‘હું હમણાં આવું છું, ડાર્લિંગ!' કૈલાસકપૂરે કહ્યું, એટલી વારમાં તો આગળની ડ્રાઇવિંગ સીટ પરથી કૈલાસકપૂરનો જમણો હાથ વિક્રાંત બહાર નીકળી આવ્યો.

કૈલાસકપૂર કાર બહાર નીકળ્યો અને લાંબા પગથી, લાંબા પગલાં ભરતો બેન્ક તરફ ચાલ્યો.

વિક્રાંત પણ તેની સાથે ચાલ્યો.

સિમરન એકીટશે કૈલાસકપૂર તેમજ વિક્રાંતને જતાં જોઈ રહી. એ બન્ને જણાં બેન્કમાં દાખલ થઈને દેખાતા બંધ થયા, એટલે સિમરને કાંડા ઘડિયાળમાં જોયું. સવારના સવા દસ વાગ્યા હતા. તેણે મોબાઈલ ફોનમાં ઝડપભેર એક નંબર લગાવ્યો. સામેથી બે રીંગ વાગી એટલે તેણે ફોન કટ કર્યો અને બટન દબાવીને ડાબી બાજુની બારીનો કાચ ઊતાર્યો.

આની પંદરમી પળે એક કાર તેની બારીની બાજુમાં આવીને પાર્ક થઈ.

એ કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા લાંબા વાળવાળા માણસે તેની તરફ એક નજર નાંખી અને લૅપટોપની બેગ તેની બારી પાસે ધરી.

સિમરને હાથ લંબાવીને એ લૅપટોપની બેગ લઈ લીધી, અને એ સાથે જ એ કારમાં બેઠેલા લાંબા વાળવાળા માણસે કારને પાછી રિવર્સમાં લીધી અને બેન્કના પાર્કિંગમાંથી બહાર કાઢીને મેઈન રસ્તા પર હંકારી મૂકી.

સિમરને આસપાસમાં ઝડપી નજર દોડાવી. તેણે આ રીતના લૅપટોપની બેગ લીધી હતી એની નોંધ લેનારું નજીકમાં કોઈ નહોતું.

તેણે રાહતનો શ્વાસ લીધો અને પેલી લૅપટોપની બેગ પગ પાસે, પોતે પહેરેલી કિમતી-જાજરમાન સાડીની ઑથમાં એવી રીતે મૂકી કે, તેનો પતિ કૈલાસકપૂર તેની બાજુમાં આવીને બેસે ત્યારે એને આ લૅપટોની બેગ દેખાય નહિ.

હવે તેણે ફરી બેન્કના મેઈન ડોર તરફ જોયું.

થોડીક મિનિટોમાં જ તેનો પતિ કૈલાસકપૂર અને એનો જમણો હાથ વિક્રાંત બેન્કની બહાર નીકળતો દેખાયો. કૈલાસકપૂરના હાથમાં એક લેપટોપની બેગ હતી.

બરાબર એવી જ લૅપટોપની બેગ, જેવી લૅપટોપની બેગ હમણાં થોડીક પળો પહેલાં જ એક લાંબા વાળવાળો માણસ સિમરનને આપી ગયો હતો.

સિમરને તેના પતિની એ લૅપટોપની બેગ સાથે, તેની પાસેની લૅપટોપની બેગ બદલવાની હતી !

સિમરનની જમણી બાજુનો દરવાજો ખુલ્યો અને તેનો પતિ કૈલાસકપૂર તેની બાજુમાં બેઠો.

વિક્રાંત ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાયો. વિક્રાંતે કાર ચાલુ કરી અને આગળ વધારી, એટલે કૈલાસકપૂરે સિમરન સામે જોયું.

સિમરને પોતાની લીલી આંખોને નશીલી બનાવતાં પોતાના લાલ અને લસબસતા હોઠ પર લુચ્ચું સ્મિત રેલાવ્યું. તેણે ફાર્મહાઉસ પર પહોંચતાં સુધીમાં લૅપટોપની બેગ બદલવાની હતી અને એ માટે તેણે કૈલાસકપૂરને પોતાની ખૂબસૂરતીના દરિયામાં ડૂબકીઓ ખવડાવવાની હતી.

તેણે આગળની વિક્રાંત અને તેમની સીટ વચ્ચેનો પડદો પાડયો અને કૈલાસકપૂરને પોતાની તરફ ખેંચ્યો.

ત્રીજી પળે તો કૈલાસકપૂર સિમરનની ખૂબસૂરતીમાં ખોવાઈ ગયો, અને....

***

……અને કૈલાસકપૂર તેનાથી અળગો થયો, એટલી વારમાં તો સિમરને લૅપટોપની બેગ બદલી નાંખી હતી !

તેણે કૈલાસકપૂરે બેન્કમાંથી લાવેલી લૅપટોપની બેગ લઈ લીધી હતી અને પોતાના પગ પાસે છુપાવેલી લૅપટોપની બેગ કૈલાસકપૂરની લૅપટોપની બેગની જગ્યાએ મૂકી દીધી હતી.

અને હવે જાણે તે કૈલાસકપૂર સાથે પ્રેમ કરીને થાકી હોય એમ તેણે આંખો મિંચી. અને ફાર્મહાઉસ પર પહોંચ્યા પછી, પોતાના પતિ કૈલાસકપૂરને દગો આપવાના પોતાના આગળના પગલાંને ફરી એકવાર મનોમન વાગોળવા માંડી.

***

કૈલાસકપૂરના ચહેરા પર અત્યારે સિમરન જેવી હુસ્નપરીને પત્ની તરીકે પામ્યાની ખુશી રમતી હતી. તેણે બાજુમાં જોયું. સિમરન મીઠી ઊંઘમાં સરી ગઈ હોય એમ લાગતું હતું.

કૈલાસકપૂર સમજણો થયો ત્યારે તેણે પોતાની જાતને અનાથ અને ઝુંપડપટ્ટીમાં રખડતી જોઈ હતી. એ પછી તે મોટો થતો ગયો હતો ને ઝુંપડપટ્ટીની દુનિયામાંથી મહેલોની દુનિયામાં પહોંચ્યો હતો. આ માટે તેણે શામ-દામ-દંડ-ભેદનો સહારો લીધો હતો. પણ એકવાર શિખર પર પહોંચ્યા પછી તેણે પોતાની એક શરીફ અબજોપતિની ઈમેજ ખડી કરી હતી. અંદરખાને તે પોતાના અંધારી આલમના દોસ્તો સાથે બે નંબરનો ધંધો ચલાવતો હતો. અને આની જાણ તેના એ ચાર દોસ્તો અને તેના ખાસ માણસ વિક્રાંત સિવાય છઠ્ઠા કોઈનેય નહોતી. તેની પત્ની સિમરનને પણ નહિ.

જોકે, સિમરન સાથે તેણે લગ્ન કર્યાને હજુ છ મહિના થયા હતા.

ઉંમરના બાવનમા વરસે પહોંચતાં સુધીમાં તેણે ઓરતને પત્ની તરીકે ગળે બાંધવાનું ટાળ્યું હતું. મની અને પાવરથી તેણે ઘણી ખૂબસૂરત સ્ત્રીઓ સાથે સંબંધો બાંધ્યા હતા, પણ કોઈનીય સાથે લગ્નબંધનથી બંધાયો નહોતો.

પણ ‘ન્યૂ ઈયર’ની પાર્ટીમાં તે પોતાની માલિકીની ‘હોટલ કૈલાસ’માં ગયો, ત્યારે તેની નજર રિસેપ્શનીસ્ટનું કામ કરતી સિમરન પર પડી હતી. અને તે સિમરન પર વારી ગયો હતો. તેણે અનેક ખૂબસૂરત સ્ત્રીઓ જોઈ હતી, પણ સિમરનની ખૂબસૂરતીની વાત એકદમ અલગ હતી. સિમરનની ખૂબસૂરતીએ તેને જાણે પાગલ બનાવી મૂકયો હતો. તે સિમરનને પામવા માટે બેચેન બન્યો હતો.

તેણે વિક્રાંતને સિમરનને તેડી લાવવા માટે મોકલી હતી.

પણ વિક્રાંત પહેલી વાર એકલો પાછો ફર્યો હતો.

‘‘બોસ !’’ વિક્રાંતે કહ્યું હતું : ‘‘સિમરન એ ટાઈપની છોકરી નથી. મેં એને રૂપિયાની લાલચ આપી તો એ ડગી નહિ, અને ધાક-ધમકી આપી તોય એ ડરી નહિ. એ મરી જવા માટે તૈયાર છે, પણ આ રીતના એની જાત તમને સોંપવા માટે તૈયાર નથી.’’

સાંભળીને પહેલાં તો તે ગુસ્સે થયો હતો, પણ પછી તેને સમરન તરફ વધુ પ્રેમ જાગ્યો હતો. આવી છોકરીને તો તેણે જીવનભર સંગાથ રાખવી જોઈએ.

અને તેણે સિમરન સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો હતો.

અને તે પોતાના સ્વભાવ અને માન-મરતબા વિરૂધ્ધ સામે ચાલીને સિમરન પાસે પહોંચી ગયો હતો.

તેણે સિમરન સામે લગ્નની પ્રપોઝલ મૂકી હતી.

સિમરન એક ધ્રૂસકું મૂકતાં તેના પગે પડી ગઈ હતી ‘‘કૈલાસજી !: હું તમારી દાસી બનવાને લાયક પણ નથી અને તમે મને તમારી જીવનસાથી બનાવવા માંગો છો. હું..હું...”

‘...એ બધું મેં સમજી-વિચારી લીધું છે.’' તે બોલ્યો હતો : ‘‘તું મને એ કહે, તું મારી સાથે લગ્ન કરવા રાજી છે ને ?’’

સિમરન બોલી નહોતી. એણે કારમાં ગરદન હલાવી હતી.

અને આના પાંચમા દિવસે જ તેણે સિમરન સાથે લગ્ન કરી લીધાં હતાં. સિમરનને પત્ની તરીકે પામીને તે ખુશ હતો. સિમરન પચીસ વરસની હતી, અને તે સિમરનથી સત્યાવીસ વરસ મોટા-બાવન વરસની હતી, અને તે સિમરનથી સત્યાવીસ વરસ મોટા-બાવન વરસનો હતો, પણ એનો સિમરન જરાય ખ્યાલ આવવા દેતી નહોતી. તે સિમરન જેટલો જ યુવાન હોય એટલા જોશ અને જુસ્સાથી સિમરન તેને પ્રેમ આપતી હતી!

કાર ઊભી રહી, એટલે કૈલાસકપૂર વિચારોમાંથી બહાર આવ્યો. તેણે પોતાની હુસ્નપરી પરથી નજર હટાવી અને આગળ જોયું તો તેની કાર મુંબઈ-પંચગીની વચ્ચેના હાઈવે પરના તેના ફાર્મહાઉસ પર પહોંચી ચૂકી હતી.

તેણે સિમરનને જગાડી નહિ. તેણે અહીં પોતાની લૅપટોપની બેગ મૂકવાની હતી અને પછી અહીંથી સિમરનને લઈને પંચગીની જવાનું હતું. ત્યાં પોતાના માલિકીના બંગલામાં તેણે સમરન સાથે શનિ-રવિની રજાની મજા અને મસ્તી માણવાનું નકકી કર્યું હતું.

તે હાથમાં લૅપટોપની બેગ લઈને બહાર નીકળ્યો.

એ જે લૅપટોપની બેગ લઈ જઈ રહ્યો છે, એ લૅપટોપની બેગ તેની નથી અને સિમરને બદલેલી લૅપટોપની બેગ છે, એ હકીકતથી બેખબર તે અંદર ફાર્મહાઉસમાં પહોંચ્યો. ફાર્મહાઉસના ઉપરના માળે તેનો માસ્ટર બેડરૂમ હતો. તે એ બેડરૂમ પાસે પહોંચ્યો.

વિક્રાંત બેડરૂમની બહાર ઊભો રહ્યો.

કૈલાસકપૂર અંદર દાખલ થયો અને અંદરથી દરવાજો બંધ કર્યો.

તે જમણી બાજુની દીવાલ પાસે પહોંચ્યો. ત્યાં એક બુકશેલ્ફ હતું. એમાં ઘણાં પુસ્તકો મુકાયેલા હતા.

કૈલાસકપૂરે એમાંથી ‘લાઈફ લાઈન’ ટાઈટલવાળું પુસ્તક ખેંચી કાઢયું, એ સાથે જ એ શેલ્ફ સ્લાઈડરની જેમ એક તરફ સરકી ગયું ને પાછળ દીવાલમાં જડાયેલી મોટી-લોખંડી તિજોરી દેખાઈ. નંબરના કૉમ્બીનેશનથી ખુલતી તિજારીના લૉકના નંબર મેળવીને કૈલાસકપૂરે લૉક ખોલ્યું ને તિજોરી ખોલી. એમાં નોટોના બંડલો, સોના-ચાંદીની પાટો અને હીરાની કીંમતી જ્વેલરી પડી હતી.

કૈલાસકપૂર બાજુના ટેબલ તરફ ફર્યો અને તેણે મૂકેલી લૅપટોપની બેગ ખોલી. તેણે લૅપટોપ ચાલુ કર્યું તો એમાં સ્ક્રિન પર-ડેસ્કટોપ પર સિમરનનો ફોટો દેખાયો. તેને નવાઈ લાગી. તેના લૅપટોપમાં, તેણે ડેસ્કટોપ પર સિમરનનો ફોટો મૂકયો નહોતો.

તેણે ધ્યાનથી લૅપટોપમાંના પ્રોગ્રામો જોયા અને તે ચોકયો.

-આ લૅપટોપ તેનું નહોતું.

-તેણે બેન્કના પોતાના લૉકરમાંથી લૅપટોપની બેગ કાઢી હતી અને લૅપટોપ ખોલીને જોયું જ હતું. અને ત્યારે આ લૅપટોપ નહિ પણ તેનું પોતાનું જ લૅપટોપ હતું, પછી આ હૅપટોપ બદલાઈ કેવી રીતના ગયું ? !

તેના ચહેરા પર પરસેવો આવી ગયો. તેણે લૅપટોપના સ્ક્રીન પર નજર નાંખી. તેનું ધ્યાન ‘માય ડીયર ડાર્લિંગ' નામની ફાઈલ પર પડી. તેણે એ ફાઈલ ખોલી અને એમાંનું લખાણ વાંચવા માંડ્યું.

‘માય ડીયર-ડીયર ડાર્લિંગ !

‘તારા લૅપટોપને બદલે આ લૅપટોપ જોઈને તું ચોંકી ગયો ને ? તારા બ્લડપ્રેશરમાં વધઘટ થઈ ગઈ ને ? !

‘પણ ચિંતા ન કર. તારું લૅપટોપ મારી પાસે છે, અને સેફ છે.

‘હવે જો તારે એ લૅપટોપ મેળવવું હોય તો તારે એ માટે શું કરવાનું છે ? એ હું તને પછી કહીશ. કયારે ? ! કેટલા વાગ્યે ? એ કંઈ નકકી નહિ.

‘અને હા, ત્યાર સુધી તું નિરાંતે મે લૅપટોપમાં લૉડ કરેલી કૉમેડી ફિલ્મો જો.'

-તારી વાઈફ, તારી લાઈફ.,

-ને મારી વાત નહિ માને તો તારું ડૅથ વૉરન્ટ.....

-સિમરન

કૈલાસકપૂરને લાગ્યું કે, તે ચકકર ખાઈને જમીન પર પડી જશે. પણ બીજી પળે તેણે પોતાની જાતને સાચવી લીધી. તે બારી પાસે પહોંચ્યો. તેણે બારી ખોલીને બહાર-પોર્ચમાં નજર નાંખી. તેની ગણતરી સાચી હતી. તેની કાર નહોતી. તેની કાર લઈને સિમરન રફુચકકર થઈ ચૂકી હતી.

તે પલંગ પર બેસી પડયો.

તેની પત્ની સિમરન તેની સાથે આ શું ખેલ ખેલી રહી હતી ? !

તેનું હૃદય ઝડપભેર ધબકતું હતું. તેનું માથું ફાટફાટ થતું હતું. તેણે સિમરનને ઓળખવામાં ભૂલ કરી હતી અને એ ભૂલ તેને ખૂબ જ ભારે પડી શકે એમ હતી.

સિમરન તેનું લૅપટોપ લઈ ગઈ હતી. એ લૅપટોપમાં તેને તેમજ તેના સાથીઓને જેલના સળિયા પાછળ પહોચાડી દેવા માટેનો પૂરતો મસાલો ભરાયેલો હતો.

તે થોડીક પળો સુધી રૂમમાં આમથી તેમ આંટા મારતો રહ્યો.

તેણે જિંદગીમાં પાકકા બદમાશો-ભલભલા ખેરખાંઓ સામે માત ખાધી નહોતી. પણ સિમરને તેને જબરજસ્ત માત આપી હતી. સિમરન સાથેના લગ્ન પછીના આ છ મહિનામાં, સિમરન તેની સાથે આવો કોઈ ખેલ ખેલી રહી છે એવો સિમરને તેને જરા-સરખોય અણસાર આવવા દીધો નહોતો. સિમરને તેને દગો આપ્યો હતો ! અને એ પણ તે કેટલો બધો પહોચેલો હતો એ જાણતી હોવા છતાંય....

સિમરને તેને આપેલા આ જોરદાર આંચકામાંથી તેને બહાર આવતાં થોડીક વાર લાગી. પછી તેણે એક ઊંડો શ્વાસ લીધો, અને ઊભો થયો. તેણે દરવાજો ખોલ્યો.

બહાર વિક્રાંત ઊભો હતો.

વિક્રાંત તેની.., તેના કામ-ધંધાની રગેરગ અને રજેરજથી વાકેફ હતો.

‘વિક્રાંત !’ કૈલાસકપૂરે કહ્યું : “ટાઈગરને અરજન્ટ બોલાવ.'

‘ટાઈગરને...? !’ વિક્રાંતની આંખો ઝીણી થઈ : ...શું કોઈની ચિઠ્ઠી ફાડવાની છે ? !’

‘હા..,’ કૈલાસકપૂરે કહ્યું : ‘સિમરનની !' ‘વ્હોટ ? !’ વિક્રાંત કૈલાસકપૂર સામે તાકી રહ્યો.

‘સિમરન મારું લૅપટોપ લઈને રફુચકકર થઈ ગઈ છે.’ ‘ઓહ, નૉ !’

‘મારા મોતનો સામાન લઈને ભાગેલી સિમરન માર મોતનો તખ્તો ગોઠવે એ પહેલા એને મોતના મોઢામાં ધકેલવી પડશે !'

‘ઑ. કે. બોસ !’ વિક્રાંતે કહ્યું અને ખિસ્સામાંથી મોબાઈલ ફોન કાઢીને એક નંબર લગાવ્યો.

‘વિક્રાંત બોલું છું !' સામેથી મોબાઈલમાં ટાઈગરનો અવાજ સંભળાયો, એટલે વિક્રાંતે ઓછા શબ્દોમાં વાત કરી : ‘બોસના ફાર્મહાઉસમાં પાર્ટી છે.' અને સામેથી માબાઈલમાં ટાઈગરનો જવાબ સાંભળીને વિક્રાંતે કહ્યું : ‘ઑ. કે.’ અને તેણે બટન દબાવીને મોબાઈલ ખિસ્સામાં મૂકતાં કહ્યું : ‘બોસ ! ટાઈગર વીસ મિનિટમાં હાજર થશે.’

‘હું !' કહેતાં કૈલાસકપૂર પાછો અંદર પલંગ પર જઈને બેઠો અને ટાઈગરના આવવાની બેચેનીપૂર્વક વાટ જોવા લાગ્યો.

-ટાઈગર હત્યારો હતો ! ભાડૂતી હત્યારો ! ! ટાઈગર તેના જેવા લોકો પાસેથી રૂપિયા લઈને માણસોને મોતને ઘાટ ઉતારવાનું કામ કરતો હતો.

-અને આજ સુધીનો ટાઈગરનો એ રેકોર્ડ હતો કે, એણે જેની સુપારી લીધી હતી, એની ચોકકસ લાશ ઢાળી આપી હતી ! ! ! !

(ક્રમશઃ)