Reshmi Dankh - 12 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | રેશમી ડંખ - 12

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

રેશમી ડંખ - 12

12

રાજવીર સાથે મોબાઈલ ફોન પર વાત થયા પ્રમાણે કૈલાસકપૂર કોઈને ખબર ન પડે એવી રીતના પોતાના બંગલાની પાછળ આવેલા ચર્ચ પાછળ પહોંચ્યો, ત્યારે રાજવીરની કાર ત્યાં ઊભી જ હતી.

કૈલાસકપૂર કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા રાજવીરની બાજુની સીટ પર બેઠો અને દરવાજો બંધ કર્યો : ‘હા, તો બોલ !' કૈલાસકપૂરે સીધું જ પૂછ્યું, “તેં મને શા માટે આ રીતે અડધી રાતે બોલાવ્યો છે ?'

અને રાજવીરે કાર આગળ વધારવાની સાથે, સિમરન અને વનરાજે કૈલાસકપૂર વિરૂદ્ધ ગોઠવેલી બાજી વિશે કહેવા માંડયું.

રાજવીરે વાત પૂરી કરી, એટલે કૈલાસકપૂરે કહ્યું, ‘રાજવીર ! તો તારું એમ કહેવું છે કે, મારો ખાસ દોસ્ત અને પાર્ટનર વનરાજ મારી પત્ની સિમરન સાથે મળેલો છે ને એ મારી પીઠમાં ખંજર ભોંકી રહ્યો છે ?'

‘હા !’

‘પણ વનરાજ મારો ખાસ દોસ્ત છે, એ આવું...'

તમે મને એ કહો કે, તમને સિમરનનો ઈ-મેઈલ મળ્યો, એ પછી તમે જે મિટીંગ કરી એમાં કોણ-કોણ હાજર હતું ? !'

‘હું અને વનરાજ બે જ જણાં !'

‘પણ એ લૅપટોપમાં તો તમારા ‘લોટસ ગ્રુપ’ના બાકીના પાર્ટનરો બાદશા, કાબરા અને ડેનીના નામ અને હિસાબ-કિતાબ પણ છે ને ?’

‘હા, પણ વનરાજે એ ત્રણેયને સિમરન લૅપટોપ લઈ ગઈ છે, તેમજ હું સિમરનને પચાસ કરોડ આપવા તૈયાર થયો છું એ જાણ કરવાની ના પાડી. વનરાજનું કહેવું...'

‘લો ! આના પરથી જ શું તમને એ ખ્યાલ નથી આવતો કે, વનરાજ તમારી સાથે દગો કરી રહ્યો છે ?' રાજવીર બોલ્યો : ‘એ પોતે સિમરન સાથે મળીને તમને ખતમ કરી રહ્યો છે, એ ભેદ ખૂલી ન જાય એ માટે જ વનરાજ તમારા બાકીના ત્રણેય પાર્ટનરોને સિમરન પ્રકરણથી દૂર રાખી રહ્યો છે.’

કૈલાસકપૂર રાજવીર તરફ જોઈ રહ્યો.

‘તમે આ પચાસ કરોડ આપી દેશો તો પણ એ તમને લૅપટોપ પાછું નહિ આપે. એ તમે બરબાદ ન થઈ જાવ અને તમે થાકી-ત્રાસીને આપઘાત ન કરી લો, ત્યાં સુધી તમારી પાસેથી રૂપિયા ઓકાવ્યા કરશે.’

કૈલાસકપૂરે નિસાસો નાંખ્યો : “તો તારું શું કહેવું છે ? મારે શું કરવું જોઈએ ? !’'

‘તમારે વનરાજથી સાચવવાનું છે, અને...' રાજવીરે કહ્યું : ‘...અને મને ફી આપવાની છે !'

‘ફી ? !’ કૈલાસકપૂરે પૂછ્યું : ‘શાની ફી ? !' ‘વનરાજ અને સિમરનની યોજના ઊંધી પાડી દેવાની, તમારું લૅપટોપ પાછું લાવીને તમારી ઈજ્જત અને જિંદગી બચાવવાની.’

‘કેટલી ફી ? !’

‘પાંચ કરોડ રૂપિયા ? !'

‘પાંચ કરોડ રૂપિયા ? !' કૈલાસકપૂર બોલી ઊઠયો.

‘હા ! જો તમે બરબાદ થવા અને છેવટે મરવા માટે સિમરન તેમજ વનરાજને પચાસ કરોડ આપવા તૈયાર થયા હો, તો તમારી જિંદગી બચાવવા માટે પાંચ કરોડનો મારો આ સોદો તો બિલકુલ સસ્તો છે. આ પાંચ કરોડ રૂપિયામાં તમારી કરોડો રૂપિયાની માલ-મિલકત અને તમારી અમૂલ્ય જિંદગી બચી જશે.’

‘હું !’ કૈલાસકપૂરે કહ્યું : ‘મને પાંચ કરોડ આપવાનો વાંધો નથી, પણ...' કૈલાસકપૂરે કહ્યું : ‘...તું સાચું બોલી રહ્યો છે, : એની સાબિતી શું ?'

‘ચાલો, હું તમને સાબિતી આપું છું.’ અને રાજવીરે કાર જમણી બાજુ વળાવીને દોડાવી.

૦૦૦

મુંબઈના ‘અપના ગેસ્ટ હાઉસ'ના રૂમમાં, પલંગ પર સુમિત્રા ઊંઘી રહી હતી. એની બાજુમાં નતાશા જાગતી પડી હતી. તે સુમિત્રા સાથે બે-ત્રણ દિવસ રહીને જાણે-અજાણે સુમિત્રા સાથે લાગણીના બંધનથી બંધાઈ ગઈ હતી. ને આજે બપોરના સુમિત્રા અને રાજવીર વચ્ચે થયેલી વાત સાંભળીને તો તેણે નકકી કરી લીધું હતું, ‘હવે તે મમતાના સાગર સમી સુમિત્રાને તેમ જ તેના માટે પોતાનો જીવ જોખમમાં મૂકવા તૈયાર બનેલા રાજવીરને છોડીને નહિ જાય.’

ઠક - ઠંક ! અચાનક દરવાજે ટકોરા પડયા, એટલે નતાશા વિચારોમાંથી બહાર ખેંચાઈ આવી ને સફાળી બેઠી થઈ, તો સુમિત્રા પણ ઝબકીને જાગી ગઈ.

‘અત્યારે રાતના પોણા બે વાગ્યે વળી કોણ આવ્યું હશે ?’ બોલીને સુમિત્રાએ અવાજમાં રૂઆબ ભર્યો : ‘કોણ છે ? !’ ‘હું છું, મા !' બહારથી રાજવીરનો ધીમો અવાજ સંભળાયો : ‘દરવાજો ખોલ !'

‘હા !’ કહેતાં સુમિત્રા દરવાજા તરફ આગળ વધી ગઈ. એણે દરવાજો ખોલ્યો, એ સાથે જ રાજવીર અંદર આવ્યો. એની પાછળ-પાછળ કૈલાસકપૂર પણ અંદર આવ્યો, એટલે રાજવીરે દરવાજો બંધ કર્યો.

સુમિત્રા કૈલાસકપૂરને જોઈ રહી, તો કૈલાસકપૂર પલંગ પરથી ઊભી થઈ ગયેલી નતાશાને ફાટેલી આંખે તાકી રહ્યો. આ તો, આ તો અદ્દલો-અદ્દલ સિમરન જ લાગતી હતી.

‘નતાશા !’ રાજવીરે નતાશાને કહ્યું : ‘આ ભાઈ તને જે સવાલો પૂછે એના જવાબો આપ.’

‘કેમ ? !’ નતાશા કંઈ કહે એ પહેલાં જ સુમિત્રાએ પૂછ્યું : ‘શું આ પોલીસનો માણસ છે ? !'

‘ના !' રાજવીરે કહ્યું : “આ ભાઈને સરકારી તંત્ર સાથે કોઈ લેવા-દેવા નથી.'

‘તારું નામ શું છે ? !’ કૈલાસકપૂરે નતાશાને પૂછ્યું.

‘નતાશા ’’

‘તું મને તારા વિશે.., તારી જિંદગી અને તારા ઘર-પરિવાર વિશેની વાત કર.’

‘મારી જિંદગીમાં કંઈ જ જાણવા જેવું નથી.' નતાશાએ કૈલાસકપૂરને કહીને પછી રાજવીર સામે જોયું : રાજુ, આ બધું...'

‘તું ચિંતા ન કર.’ રાજવીરે કહ્યું : ‘આ ભાઈ તને કંઈ નહિ કરે, એમને જવાબ આપ.'

‘હું દિલ્હી રહેતી હતી, પણ હમણાં થોડા સમયથી પૂનામાં વસી ગઈ છું.' નતાશાએ કૈલાસકપૂર સામે જોતાં કહ્યું : ‘હું નાની હતી ત્યારે જ મારી મા મરણ પામી હતી, એ પછી મારા પિતાએ મને ઉછેરી હતી. એક વરસ પહેલાં મારા પિતા ગુજરી ગયા, એ પછી હું એકલી જ છું.’

‘એટલે તારે કોઈ બહેન...’

‘...એક મોટી બહેન હતી, પણ એ નાનપણથી જ આઝાદ સ્વભાવની હતી. મા મરી ગઈ પછી એ મારા પિતાને ગાંઠતી નહોતી. એ રાતના મોડે સુધી બહાર રખડ્યા કરતી અને મારા પિતાના રૂપિયા ઉડાવ્યા કરતી.

મારા પિતાએ એને સમજાવવાનો-સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ એ ન સમજી-સુધરી એટલે મારા પિતાએ પોતાની બધી મિલકત મારા નામે કરી નાંખી.

‘એ રાતના મારી બહેન મારા પિતા સાથે ખૂબ જ ખરાબ રીતના લડી-ઝઘડી અને ઘર છોડીને ચાલી ગઈ. આ બે વરસ પહેલાંની વાત છે.’ નતાશાએ નિસાસો નાંખ્યો, ‘એ ગઈ એ ગઈ, ત્યારથી એ પાછી ફરી નથી. એ પછી મેં એને ફરી કદી જોઈ નથી.’

‘તારી બહેનનું નામ શું હતું ?'

‘સિમરન !’

‘અત્યારે એ કયાં છે, એની તને ખબર છે ? !'

‘ના !'

હવે કૈલાસકપૂરે રાજવીર સામે જોયું : ‘બરાબર છે, રાજવીર ''

‘તો હવે તમે જરા બહાર..,'

‘હા-હા, જરૂર !' કહેતાં કૈલાસકપૂર દરવાજો ખોલીને રૂમની બહાર નીકળી ગયો.

‘રાજુ...! આ બધું શું માંડયું છે ?’ સુમિત્રાએ પૂછ્યું. ‘પછી નિરાંતે બધી વાત કરીશ.' રાજવીરે કહ્યું : ‘હું

નીકળું છું. તમે બન્ને સાચવજો.’ અને વારા-ફરતી સુમિત્રા અને નતાશા સામે જોઈને તે રૂમની બહાર નીકળી ગયો.

સુમિત્રાએ દરવાજો બંધ કર્યો.

નતાશા પલંગ પર બેઠી : ‘આન્ટી !' નતાશા બોલી : ‘એ

ભાઈ કોણ હતા ?’

એ માણસ કોણ હતો એની મને ખબર નથી.' સુમિત્રા તેની બાજુમાં લેટતાં બોલી : ‘જોકે, એ તને જે રીતના પૂછપરછ કરી રહ્યો હતો એના પરથી હું એટલું તો સમજી ચૂકી છું કે, એ માણસ માટે તું મહત્વની વ્યકિત છે.’

તે પોતે એ માણસ માટે કેવી રીતના મહત્વની વ્યક્તિ હોઈ શકે ?' એ વિશે નતાશાએ વિચાર્યું, પણ તેને કોઈ જવાબ મળ્યો નહિ. આની પાછળ તેની બહેન સિમરન કારણરૂપ હતી, એવો તો વિચાર ભોળી નતાશાને કયાંથી આવી શકે ? !

***

રાજવીર કૈલાસકપૂરના બંગલા નજીક આવેલા ચર્ચ તરફ કાર આગળ વધારી રહ્યો હતો.

‘મને તારી પર વિશ્વાસ બેસી ચૂકયો છે.' રાજવીરની બાજુમાં બેઠેલા કૈલાસકપૂરે કહ્યું : “તને પાંચ કરોડ રૂપિયા મળી જશે. મને મારું લૅપટોપ મળી જવું જોઈએ.'

‘મળી જશે.’ રાજવીરે કહ્યું : ‘પણ તમારી સામે વનરાજનો ભેદ ખૂલી ગયો છે, અને તમે મારી સાથે ભળી ગયા...’

‘...ના, હું વનરાજને આ વાતની ખબર નહિ પડવા દઉં.’

‘બસ, તો પછી તમે વનરાજ અને સિમરન કહે એમ કરતા જાવ.’ રાજવીર બોલ્યો : ‘હું મારી રીતના એમની આખી ચાલ ઊંધી પાડી નાંખીશ.'

‘ઠીક છે.’ કૈલાસકપૂરે કહ્યું.

રાજવીરે કૈલાસકપૂરના બંગલા નજીક, ચર્ચ પાસે જ્યાંથી એણે કૈલાસકપૂરને કારમાં બેસાડયા હતા, ત્યાં કાર ઊભી રાખી.

કૈલાસકપૂર કારની બહાર નીકળ્યો, એટલે રાજવીરે ત્યાંથી કાર દોડાવી મૂકી.

૦૦૦

રાજવીર ફાર્મહાઉસ પર પહોંચ્યો, ત્યારે રાતના સવા ત્રણ વાગવા આવ્યા હતા. તેણે પોતાની પાસેની ચાવીથી મેઈન દરવાજાનું લેચ-કીવાળું તાળું ખોલ્યું અને અંદર દાખલ થયો. તે બિલ્લી પગલે સિમરનના રૂમના દરવાજે પહોંચ્યો. અંદર સિમરન ઘસઘસાટ ઊંધી રહી હતી.

તે બાજુના રૂમમાં પહોંચ્યો. ત્યાંથી તેણે જરાય અવાજ ન થાય એવી રીતના પોતાનો સામાન સમેટયો અને પાછો ઘરની બહાર નીકળ્યો અને મેઈન દરવાજાનું લૉક લગાવીને કારમાં બેઠો. તેણે કાર ત્યાંથી મુંબઈ તરફ દોડાવી મૂકી. મુંબઈમાં તેણે ‘હોટલ બ્લૂ મૂન’માં એક રૂમ લીધો. તેણે એ રૂમમાં પોતાનો બધો સરસામાન મૂકો અને પલંગ પર લંબાવ્યું.

***

બુધવાર સવારના આઠ વાગ્યા હતા. રાજવીરે મુંબઈ- પંચગીની વચ્ચે આવેલા કૈલાસકપૂરના ફાર્મહાઉસ નજીક કાર પહોંચાડીને ઊભી રાખી. ફાર્મહાઉસના દરવાજે તાળું લાગેલું હતું. રાજવીર કારની બહાર નીકળ્યો, અને ફાર્મહાઉસ તરફ જોઈ રહ્યો.

કૈલાસકપૂરે તેને કહ્યું હતું કે, તે બેન્કમાંથી સિમરન અને વિક્રાંત સાથે અહીં આ ફાર્મહાઉસ પર પહોંચ્યો હતો ને ઉપરના પોતાના માસ્ટર બેડરૂમમાં લૅપટોપની બેગ મૂકવા ગયો હતો. ત્યારે તેને ખ્યાલ આવ્યો હતો કે, સિમરને તેની લૅપટોપની બેગ બદલી નાંખી હતી. એ તેની અસલ લૅપટોપની બેગ લઈને ભાગી ગઈ હતી.

ટૂંકમાં સિમરન અહીંથી જ લૅપટોપની એ બેગ સાથે રફુચકકર થઈ હતી.

રાજવીરે આ વિશે વિચારતાં ફાર્મહાઉસ ફરતે ચકકર લગાવ્યું અને પાછો કાર પાસે પહોંચ્યો, ત્યાં જ તેના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. તેને જાણે કોઈ મોટો-છુપો ખજાનો મળી ગયો હોય એવી એ મુસ્કુરાહટ હતી !

***

રાજવીર કૈલાસકપૂરના ફાર્મ-હાઉસ પરથી નીકળીને કારમાં મુંબઈમાં દાખલ થયો, ત્યાં જ તેના મોબાઈલ ફોનની રીંગ વાગી ઊઠી. તેણે સ્ક્રિન પર જોયું. કૈલાસકપૂરનો નંબર ઝળકતો હતો. તેણે મોબાઈલ કાને મૂકયો અને ‘હા, બોલો !' કહ્યું, ત્યાં જ સામેથી વનરાજનો અવાજ સંભળાયો : ‘હું વનરાજ બોલું છું. હમણાં થોડીક વાર પહેલાં જ કૈલાસજીને સિમરનનો ઈ-મેઈલ મળ્યો છે. તું તુરત જ કૈલાસજીને બંગલે આવી જા.'

‘આવું છું.’ કહીને રાજવીરે કૈલાસકપૂરના બંગલા તરફ કાર દોડાવી મૂકી.

૦૦૦

રાજવીર કૈલાસકપૂરના બંગલે પહોંચ્યો, તો ત્યાં કૈલાસકપૂર અને વનરાજ બે જ જણાં બેઠા હતા.

રાજવીર સોફા પર બેઠો એટલે વનરાજે તેના હાથમાં સિમરનનો ઈ-મેઈલ થમાવી દીધો. રાજવીરે એની પર નજર દોડાવી.

‘માય ડીયર, ડીયર ડાર્લિંગ !

‘આજ સાંજના પાંચ વાગ્યે તારે હીરા અને રૂપિયા પહોંચાડવાના છે. આ માટે તારે તારા બે માણસ મોકલવાના છે. તું તારો મોબાઈલ એમને આપી દેજે. તારા બન્ને માણસો તારા બંગલેથી નીકળશે, એટલે પછી રસ્તામાં એમને મોબાઈલ કરીને હું જણાવી દઈશ કે, એમણે માલ કયાં પહોંચાડવાનો છે.

‘હું એ બન્ને પાસેથી માલ લઈને તારી લૅપટોપની બેગ આપી દઈશ.

‘તું પોલીસની મદદ ન લઈશ. તારા માણસોને પણ મને ઝડપી લેવા માટે ન દોડાવીશ. જો મને ખ્યાલ આવશે કે, તું આવી કોઈ બેવકૂફી કરી રહ્યો છે, તો હું તરત જ પોલીસને લૅપટોપની બેગ પહોંચાડી દઈશ.

તારી વહાલી વાઈફ -સિમરન

આ ઈ-મેઈલ વાંચીને રાજવીરે કૈલાસકપૂર સામે જોયું. ‘આ તો એણે ખૂબ જ મોટી ચાલ ચાલી છે.' રાજવીર બોલ્યો : ‘એણે એવું કર્યું છે કે, તમે એને પકડવા માટે કંઈ જ ન કરી શકો.’

‘એટલે જ અમે તને બોલાવ્યો છે.' વનરાજ બોલ્યો : ‘માલ આપવા તારે જવાનું છે. તારે તારી રીતના એમને સંભાળવાના છે.’

‘મારી સાથે બીજો માણસ કોણ આવશે ?’ ‘હું આવીશ !’ વનરાજે કહ્યું.

‘ઠીક છે.’ કહેતાં રાજવીર ઊભો થયો : “તો હું સાંજે ચાર વાગ્યે આવી જઈશ.'

‘રાજવીર !' કૈલાસકપૂરે કહ્યું : ‘તું બધું....’

‘તમે ફિકર ન કરો.’ રાજવીર બોલ્યો : ‘હું બધું સંભાળી લઈશ. હું વનરાજ સાથે માલ લઈને જઈશ અને તમારી લૅપટોપની બેગ લઈને પાછો ફરીશ.'

અને સિમરનની લાશ…'

એ મારી સામે આવશે તો જરૂર એની લાશ ઢાળી દઈશ.' રાજવીર બોલ્યો.

‘જો તું આમાં સફળ થઈશ તો હું તને ખુશ કરી દઈશ.’ કૈલાસકપૂર બોલ્યો.

રાજવીર ફકત મલકો. તેણે વનરાજ સામે જોયું. વનરાજ હોઠના ખૂણે મલકી રહ્યો હોય એવું લાગ્યું.

રાજવીરે કૈલાસકપૂર સામે એક નજર નાંખી અને બહાર નીકળી ગયો. કૈલાસકપૂરે તેની વાત માની હતી અને વનરાજની ગદ્દારીથી તેઓ અજાણ હોય એવો વનરાજ સામે જે અભિનય કર્યો હતો, એ બદલ રાજવીરે ખુશી અનુભવી.

જોકે, તેના મનની આ ખુશી વધુ ટકી નહિ. તેને ખબર હતી, માલ આપવા જવાનું અને લૅપટોપની બૅગ પાછી લાવવાનું આ કામ આસાન નહોતું !

સિમરને અને વનરાજે આખરે શું જાળ બિછાવી રાખી છે ? એ વાતથી તે બિલકુલ અજાણ હતો.

જોકે, તેને એટલી તો ચોકકસ જાણ હતી કે, થોડાંક કલાકો પછી તેની ગણતરી કાં તો કરોડપતિમાં થાય એટલા રૂપિયા તેની પાસે આવી ગયા હશે, અને કાં તો પછી તેની લાશ પડી ગઈ હશે !

 

(ક્રમશ:)