Savai Mata - 29 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 29

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

સવાઈ માતા - ભાગ 29

આજે સૂર્યનારાયણનાં શહેરી વાતાવરણમાં દર્શન થતાં સુધીમાં તો સમુ અને મનુ બેય ઉમંગભેર તૈયાર થઈ ગયાં. લીલા અને રમીલાની મદદથી તેમનાં પુસ્તકો, પાણીની બોટલ અને ગરમ તાજો નાસ્તો ભરી લંચબોક્સ તૈયાર થઈ ગયાં. સામાન્ય રીતે વહેલાં જ ઉઠવા ટેવાયેલાં માતા-પિતાનો પોતાનાં બાળકોને આટલી સુઘડતાથી તૈયાર થયેલ જોઈ આનંદ માતો ન હતો.

સમુ અને મનુ રમીલાની સૂચના અનુસાર માતા-પિતાનાં ચરણસ્પર્શ કર્યાં. બેયનાં મોંમાંથી "બૌ ભણજો." આપોઆપ સ્ફૂટ થયું.

ભાઈ - બહેનને નીચે સુધી મૂકવા રમીલા અને લીલા બેય આવ્યાં. સમીરભાઈએ ગઈ કાલે શાળામાં નોંધાવ્યા પ્રમાણે શાળાથી વિવિધ અંતર અને વિસ્તાર માટે નક્કી થયેલ વાન પોણા સાત વાગ્યે આવી ગઈ અને બેય બાળકોને પૂરતાં સૂચનો આપી બેય બહેનોએ અંદર બેસાડ્યાં.

લીલાએ વાન ડ્રાઈવરને સંબોધિત કરી પૂછ્યું, "બપોરે કેટલા વાગ્યે પાછાં મૂકી જશો?"

વાન ડ્રાઈવર બોલ્યો, "બેન, શાળા એક વાગ્યે પૂરી થશે. લગભગ દોઢ વાગ્યે અહીં પહોંચી જશે બેય."

તેને બાળકોને અહીં છેક વીંગ સુધી ઉતારવાનું કહી બેય બાળકોને શુભેચ્છાઓ સહિત વિદાય કર્યાં. ઉપર પહોંચી રમીલા એકાદ કલાકમાં તૈયાર થઈ ગઈ. રસોડાનો હવાલો રમીલાની માતા - સવલી ઉર્ફે સવિતાએ સંભાળી લીધો હતો. લીલાએ રમીલાનો લંચબોક્સ અને પાણીની બોટલ ભરવામાં મદદ કરી. મેઘનાબહેને જે ઈશ્વરપ્રતિમાઓની ભાવપૂર્ણતાથી સ્થાપના કરી હતી તે પૂજાઘરમાં ભક્તિભાવપૂર્વક માથું નમાવી રમીલાએ મેઘનાબહેનને ફોન કર્યો.

મેઘનાબહેન તો વહેલી સવારથી તેના ફોનની રાહ જોતાં મોબાઈલ ફોન લઈ ડાઇનિંગ ટેબલ ઉપર જ બેસી રહ્યાં હતાં. તેમની મનઃસ્થિતિ સમજતાં નિખિલ અને સમીરભાઈએ ચા અને નાસ્તો બનાવી લીધો હતો. નિખિલનાં ત્રણ-ચાર વખતનાં આગ્રહ પછી માત્ર ચા પીધી હતી પણ નાસ્તો કરવાની ઈચ્છા જ ન હતી. પાંચ વર્ષનો બંધાયેલ લાગણીનો તંતુ આજે ખેંચાણ અનુભવતો હતો. વધુ ખેંચાતાં ક્યાંક તૂટી ન જાય એ ભીતિ તેમનાં મનમાં ઊંડે ઊંડે સેવાઈ રહી હતી.

ફોન રણકતાં જ નામ જોયાં વિના જ ઊંચકીને મેઘનાબહેન બોલ્યાં, "તૈયાર થઈ ગઈ, દીકરા?"

રોજ પ્રત્યક્ષ સાંભળવા મળતો અવાજ ફોનની પેલે પાર સંભળાતાં રમીલા પણ થોડી ખચકાઈ. લીલા તેની સામે જ ઊભી હોવાથી સમય પ્રત્યે સભાન થઈ અને બોલી, "હા, મોટી મા. તૈયાર જ છું. બસ થોડી વારમાં નીકળીશ. બહુ જ નજીક છે ને ઓફિસ. ઓટોરીક્ષા પણ મળી જ જશે અને... "

મેઘનાબહેન તેની વાતને વચ્ચે જ અટકાવતાં બોલ્યાં, "ના, ના. તારી કાર લઈને જ જજે. રીક્ષામાં નહીં. લાગવું જોઈએ ને કે નવી આસિસ્ટન્ટ મેનેજરને પસંદ કરવામાં તેઓ કોઈ થાપ નથી ખાઈ ગયાં. અને હા, શું પહેર્યું છે?
સાડી કે પંજાબી સૂટ?"

રમીલાએ પ્રત્યુત્તર વાળ્યો, "સારું મોટી મા. ગાડી જ લઈ જઈશ. અને હા, સાડી જ પહેરી છે. તમે આજના માટે લીધી હતી તે જ - આસમાની મૂંગા સિલ્ક. આ લીલાએ કહ્યું હું બહુ જ સુંદર દેખાઉં છું."

મેઘનાબહેને સામા છેડેથી પ્રત્યુત્તર વાળ્યો, "સુંદર તો દેખાય જ ને મારી દીકરી. લંચબોક્સ ભર્યો કે કાંઈ મોકલું? તારા પાપા ઓફિસ જવા નીકળે તેમની સાથે જ મોકલી દઈશ."

રમીલાએ કહ્યું, "મોટી મા, લીલાએ સવારે વહેલાં ઊઠીને મસાલાપૂરી બનાવી અને છૂંદા સાથે અમારાં ત્રણેયનાં ટિફિન ભર્યાં છે. આજે જોઈ લઉં, ઓફિસમાં કેન્ટિનની સગવડ કેવી છે. અને પાપાને ધક્કો ના ખવડાવતાં. તમારાં હાથની રસોઈ જમવા તો હું આવતી રહીશ. હું મૂકું ફોન? મોડું થાય છે."

મેઘનાબહેને વરસતી આંખે, ગળામાં આંસુની ખારાશ રોકી, મનથી આશિર્વાદ વરસાવતાં બોલ્યાં," ખૂબ સફળ રહે તારી આ પ્રથમ નોકરી. ઉત્તરોત્તર તારી ઘણીય પ્રગતિ થાય, દીકરા."

રમીલા ફોનકોલ કટ કરે તે પહેલાં જ સામા છેડે દૂરથી સંભળાતાં અવાજ આવ્યાં, "નોકરીનો પ્રથમ દિવસ ખૂબ જ શુભ નીવડે!"

રમીલાએ હર્ષભેર તેનો જવાબ વાળ્યો, "ખૂબ ખૂબ આભાર પાપા, નિખિલ. મળીએ સાંજે."

બંને છેડે ફોન મૂકાયાં અને રમીલાએ ટિફિન અને પાણીની બોટલ હૅન્ડબૅગમાં મૂક્યાં. મોબાઈલ ફોન અને કારની ચાવી લઈ, માતા-પિતાને પગે લાગી. લીલાને થોડી રોકડ રકમ આપી જેથી ઘર માટે શાકભાજી કે બીજું કાંઈ લેવું હોય તો તે સરળતાથી લઈ શકે.

તેનો ભાવ અને કાળજી જોઈ લીલાની પાંપણો ભીંજાઈ ગઈ. તે ભાવથી રમીલાને ભેટી અને શુભેચ્છાઓ આપી.

રમીલાએ ફ્લેટ બહાર નીકળી લિફ્ટને ઉપર લાવવાનું બટન દબાવ્યું. લિફ્ટ આવતાં જ તેમાં પ્રવેશી અને ત્રણેય જણ તરફ મધુર સ્મિત સાથે હળવેથી હાથ હલાવતી વિદાય થઈ. નીચે પાર્કિંગમાં મૂકેલ મોટી મા અને પાપા તરફથી ભેટ સમાન મળેલ કારમાં સવાર થઈ તેની એ જ ખુમારી અને આત્મવિશ્વાસથી કાર સ્ટાર્ટ કરી કંપનીનાં રસ્તા તરફ દોડાવી.

પાંચમી મિનિટે ત્યારે તે લેવેન્ડર કોસ્મેટિક્સનાં પાર્કિંગ એરિયામાં પ્રવેશી અને પોતાનો નિમણૂક પત્ર બતાવી તેને ફાળવાયેલ જગ્યા ઉપર કાર પાર્ક કરી. અહીં, પાર્કિંગથી લઈ દરેક બાબત બહુ જ શિસ્તબદ્ધ રીતે ચાલતી હતી.

પાર્કિંગમાં મહેમાનો, મુલાકાતીઓનો વિભાગ જુદો હતો અને કર્મચારીઓનાં પાર્કિંગનો વિભાગ જુદો હતો. દરેક વાહનનાં પ્રવેશ સાથે કોમ્પ્યુટરમાં તેની આપમેળે નોંધણી થઈ જતી. માનવીની હાજરી અનુભવતાં સેન્સર્સ એક વાહનમાં એકસાથે કેટલાં વ્યક્તિ આવ્યાં તેની પણ નોંધ કરતું. જેમની પાસે નિમણૂક પત્ર કે ઓળખપત્ર હોય તેઓ કર્મચારી તરીકે નોંધાતાં અને તેમની હાજરી પણ અહીંથી જ પૂરાતી. વળી, આ કોમ્પ્યુટર વિવિધ વિભાગો સાથે જોડાયેલ હોઈ, જે તે વિભાગનાં વડા અને માનવ સંસાધન અધિકારીને પોતાના વિભાગના કર્મચારીનાં આગમનની જાણ થઈ જતી.

ઝડપભેર પહોંચાય તે માટે ફેક્ટરીમાં જવાનાં રસ્તા ઘણાં પહોળા હતાં અને વિવિધ ઓફિસમાં પહોંચવા અલગ-અલગ લિફ્ટ હતી. જે વ્યક્તિ જે વિભાગમાં નિયુક્ત હોય ત્યાં જ પહોંચે અને તેનો સમય બિનજરૂરી રીતે ન વેડફાય તેની ખાસ કાળજી લેવાતી. માલ સામાનનાં આવાગમન માટે અલગ દ્વાર હતાં જેથી આ પ્રવેશપથમાં કોઈ જ ભારવાહક વાહનો ન આવતાં.

આવી જ એક લિફ્ટ પાસે રમીલા આવીને ઊભી રહી. તેની બહાર ઊભેલ મદદનીશે તેનો નિમણૂક પત્રનો કોડવાળો ભાગ લિફ્ટનાં સેન્સર પાસે ધરવાનો કહ્યો અને રમીલાનાં કાર્યવિભાગની નોંધણી થઈ જતાં તે લિફ્ટ તેનાં પ્રવેશ માટે ખૂલી. જો ક્યારેક કોઈ યાંત્રિક ક્ષતિ ઊભી થાય તે માટે અંદર લિફ્ટમેન તો હતો જ પરંતુ સામાન્ય સંજોગોમાં આ લિફ્ટ એક રોબોટ તરીકે કામ કરતી. કર્મચારીઓનાં ગંતવ્ય સ્થાનનાં માળ સુધી તેમને જાતે જ પહોંચાડતી. રમીલા લિફ્ટમાં પ્રવેશી અને તેનો કાચનો દરવાજો બંધ થયો અને લિફ્ટે ઉર્ધ્વગમન શરૂ કર્યું. તે છઠ્ઠા માળે આવીને અટકી અને દરવાજો ફરી ખૂલ્યો. આ લિફ્ટની વિશેષતા એ હતી કે જે તે કર્મચારી તેનાં સ્થાને ઉતરી જાય ત્યાં સુધી તેનો દરવાજો બંધ થતો નહીં.

રમીલા લિફ્ટની બહાર નીકળી અને ડાબે પછી જમણે જોયું તો આ લોબી બંને તરફ લગભગ બસોથી અઢીસો ફૂટ જેટલી વિસ્તરેલી હતી. નીચે હાથીદાંતના રંગની બે બાય બે ફૂટની ટાઈલ્સ બેસાડેલ હતી, તો છતમાં અરીસા લગાડેલાં હતાં જે લાઈટનાં અજવાસને પરાવર્તિત કરીને અનેકગણો ફેલાવી રહ્યાં હતાં. ડાબે- જમણે બંને તરફ લગભગ વીસ-પચીસ ફૂટનાં અંતરે વિવિધ ઓરડાઓનાં પ્રવેશદ્વાર હતાં. તે સિવાય ખાલી રહેતી હળવા લીલા રંગની દિવાલો ઉપર કંપનીનાં વિવિધ ઉત્પાદનો સાથે તેમનાં મોડેલ સાથે આકર્ષક ચિત્રો રૂપે સજ્જ હતાં. કંપનીની વિશેષતા એ હતી કે તેનાં મોડેલ સામાન્ય લોકોમાંથી પસંદગી પામેલાં હતાં.

એક અનોખાં જ વાતાવરણમાં હોવાનો તેને આભાસ ઈ રહ્યો.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા