Savai Mata - 28 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 28

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

સવાઈ માતા - ભાગ 28

બીજાં દિવસનું પરોઢ બેય તરફ થોડું અલગ હતું. આ તરફ મેઘનાબહેન માંડ પોતાનાં મનને શાંત કરી છેક ત્રણ વાગ્યે સૂતાં ત્યાં તો થોડાં જ કલાકોમાં આકાશમાં સૂર્યનારાયણનું આગમન થઈ ગયું. છેલ્લે નિખિલ ધોરણ દસમાં આવ્યો પછી ક્યારેય મેઘનાબહેન સાડા પાંચ વાગ્યાથી વધુ સૂઈ રહ્યાં નહોતાં. આજે તેમની આંખો ખૂલી ત્યારે સવા સાત થઈ ગયાં હતાં.

તેઓ વિચારી રહ્યાં, 'હું આટલું મોડે સુધી કેવી રીતે સૂઈ રહી? અને રમીલા, તેણે બધું જ કામ જાતે કરી લીધું હશે? નિખિલ પણ તેમની રાહ જોતો બેઠો હશે. અને, પતિને પણ જવાનું મોડું ન થઈ જાય!... '

ત્યાં જ ઓરડાનું બારણું હડસેલાયું. આગળ સમીરભાઈ અને પાછળ નિખિલ બે ટ્રે લઈને ઓરડામાં પ્રવેશ્યાં.

સમીરભાઈ બોલ્યા, "ઊઠી ગઈને? ચાલ જલ્દી ફ્રેશ થઈ જા. આજે તો મેં ચા બનાવી છે. નિખિલ કે રમીલા જેવી મઝાની ભલે ન હોય પણ, બસ મનથી બનાવી છે."

પાછળ પાછળ નિખિલ બોલ્યો, "જો મમ્મી, મેં પહેલી વખત પૂડલા ઉતાર્યા છે. થોડા પરફેક્ટ નથી પણ સ્વાદની તો ખાતરી આપું છું."

મેઘનાબહેન બેયની હરકતથી હસી પડ્યાં પણ રમીલા હવે ઘરમાં નથી એ યાદ આવતાં જ તેમનું હાસ્ય સિવાઈ ગયું. તેઓ જાણે પોતાનાં શરીરને ધક્કો દઈ પરાણે બેડ ઉપરથી ઊતર્યાં અને ચહેરા ઉપર નિર્મળ સ્મિત લાવવાની અથાગ કોશિશ કરતાં ફ્રેશ થવા જતાં રહ્યાં. પંદર-વીસ મિનિટ બાદ જ્યારે ઓરડામાં પાછાં ફર્યાં ત્યારે, તાજાં ધોવાયેલાં ચહેરા ઉપર મિશ્ર લાગણીઓની ભીનાશ તરતી હતી. તેમણે નેપકિન વડે મોં થોડું દબાવીને લૂછ્યું પણ વરસી પડેલી એ ભાવનાઓએ તેમનાં મોં ની સાથેસાથે આંખો પણ લાલચોળ કરી દીધી હતી.

તેમની સ્થિતિ જોઈ સમીરભાઈ વિચારી રહ્યા, 'રમીલા હજી તો આ જ શહેરમાં અલગ રહેવા ગઈ ત્યાં મેઘના પોતાને સંભાળી નથી શકતી, તેનું પોસ્ટિંગ ક્યાંક દૂર થયું કે તેનો લગ્ન બાદ નિવાસ બીજાં શહેરમાં થયો તો તેનાં શા હાલ થશે? અરે! આ નિખિલ જશે ત્યારે, સળંગ બે વર્ષ તે કઈ રીતે રહેશે? આખરે તેણે નિખિલ માટે જ તો પોતાની માધ્યમિક શાળાની શિક્ષિકા તરીકેની નોકરી જતી કરી હતી અને પી. એચ. ડી. પણ અધૂરું મૂક્યું હતું.'

વિચારતાં વિચારતાં તેઓ ચા નો કપ મેઘનાબહેન તરફ ધરી રહ્યા. નિખિલે ત્રણેયની પ્લેટમાં પૂડલા પીરસ્યાં અને બેડની સામેનાં સ્ટડી ટેબલ ઉપર મૂકી. બે ખુરશીઓ તેની નજીક ખસેડીને બેઠકરૂમમાંથી પોતાને માટે એક સ્ટૂલ લઈ આવ્યો.

મેઘનાબહેન ધીમે ધીમે સ્વસ્થતા ધારણ કરતાં ગયાં. તેઓ બોલ્યાં, "રમીલા ઊઠી ગઈ હશે? તેને કાંઈ જોઈતું હશે તો કેવી રીતે લાવશે? એ તો આખોયે અજાણ્યો વિસ્તાર છે તેનાં માટે."

સમીરભાઈ તેમને સાંત્વના આપતાં બોલ્યા, "વિસ્તાર ભલે અજાણ્યો રહ્યો, પણ રમીલાને જરૂરિયાતની દુકાનો શોધતાં આવડે છે. અને હા, એક ગાડી આપણે તેના માટે મૂકીને જ આવ્યાં છીએ, એટલે કાંઈ લેવા જવું હશે તો તેને સરળતા જ રહેશે. ચિંતા ના કરીશ. તૈયાર થઈ જા. આપણે એક આંટો મારી આવીએ. આજે બંને બાળકોને લઈ પણ આવીએ. એક-બે દિવસમાં તેમની નવી શાળામાંથી કૉલ પણ આવશે."

બદલાયેલી જીંદગીમાં એડજસ્ટ થવા મથતાં મેઘનાબહેન જલ્દીથી તૈયાર થવા જતાં રહ્યાં. નિખિલ આજે સાથે જવાનો ન હતો. તેણે પોતાનાં એક મિત્રને ઘરે બોલાવ્યો હતો. બંને સાથે બેસી, વાંચી પછી બપોરે નજીકનાં વાચનાલયમાં કેટલાંક ઉપયોગી પુસ્તકોનો અભ્યાસ કરવા જવાનાં હતાં.

મેઘનાબહેને નિખિલ અને તેનાં મિત્ર માટે રોટલી - શાક બનાવી દીધાં. મોટો બાઉલ ભરીને દહીં જમાવેલું હતું જે ફ્રીજમાં હતું. વેજીટેબલ રાઈસ વધારીને કૂકરમાં તૈયાર રાખ્યો અને નિખિલને જમવા બેસવું હોય ત્યારે ચાર વ્હીસલ વગાડી લેવાનું કહ્યું જેથી જમતી વેળા ભાત ગરમાગરમ મળે. આમ તો નિખિલ પોતાનાં જોગ રસોઈ બનાવી લે તેમ હતો, પણ તેનાં અભ્યાસમાં વધુ વિક્ષેપ ન પડે તેથી મેઘનાબહેને બધી તૈયારીઓ કરી લીધી.

સમીરભાઈએ તેમજ નિખિલે મેઘનાબહેનનાં ઉઠતાં પહેલાં જ રમીલા સાથે ફોન ઉપર વાત કરી લીધી હતી. દૂધ રાત્રે ફ્રીજમાં મૂકેલ હતું તેમજ નાસ્તો બધાંને એકાદ અઠવાડિયું ચાલે તેટલો બંધાવેલ હતો જેથી તેઓ બધાં પણ ઊઠીને ચા-નાસ્તો કરી, નહાઈને તૈયાર હતાં.

મેઘનાબહેન ફોન કરવા કરતાં રમીલાને જાતે જ મળવા માંગતા હતાં તેથી તેઓ જલ્દીથી થોડો સામાન લઈ ગાડીમાં બેઠાં. નિખિલને ઘર સોંપી સમીરભાઈ પણ ગાડીમાં બેઠાં અને રમીલાનાં નવાં ઘર તરફ ગાડી હંકારી. ત્યાં પહોંચી મેઘનાબહેન પળનીયે રાહ જોયા વિના લિફ્ટમાં પ્રવેશી રમીલાનાં ફ્લોર સુધી પહોંચી ગયાં.

સમીરભાઈ નીચે વોચમેન સાથે દૂધ - શાકભાજીની નજીકની દુકાનો વિશે પૂછપરછ કરી રહ્યાં. બંને સવલતો ફ્લેટનાં પ્રાંગણ સુધી આવતી હતી માટે તેઓ આ બાબતે નિશ્ચિંત થઈ ગયાં. એક જ રાતનો રમીલાનો વિયોગ જેને ભારે પડ્યો હતો એવી પત્ની તેનાં ઘરે પહોંચી જ ગઈ હશે એ આશાએ તેઓ પણ લિફ્ટમાં પ્રવેશ્યાં.

આ તરફ રમીલાને જાણે મોટી મા નાં આવવાનો આભાસ થઈ ગયો હતો. તે લોટ બાંધવાનું છોડી, હાથ ધોઈ મુખ્ય દ્વાર પાસે આવી, બારણું ઉઘાડી લિફ્ટ તરફ મીટ માંડી રહી. તેનો આભાસ મૂર્તિમંત થયો અને લિફ્ટનું બારણું ઉઘડકયું અને હાથમાં બે પેપરબેગ્સ અને પર્સ સાથે મેઘનાબહેન બહાર નીકળ્યાં. વર્ષોથી વિખૂટા પડેલ બચ્ચાની માફકને મોટી મા ને વળગી પડી.

તેમનો પ્રેમ એકમેક ઉપર વરસ્યો ત્યાં સુધીમાં લિફ્ટ નીચે જઈને ફરીથી ઉપર આવી, જેમાં સમીરભાઈ આવ્યા. પેસેજમાં જ મા-દીકરીને ભાવુક થયેલાં જોઈને બોલ્યા, "આ તારી મોટી મા તને મળવાની ઘેલછામાં મનેય ભૂલી જાય હં, દીકરા!"

લીલા પણ બહાર આવી ચૂકી હતી. તેણે મેઘનાબહેનનાં તેમજ સમીરભાઈનાં હાથમાંથી સામાન લઈ લીધો અને બધાંયને અંદર આવવાનું કહ્યું. રમીલાનાં માતા-પિતા પણ તેમની જ રાહ જોતાં બેઠાં હતાં. સમુ અને મનુ ટેલિવિઝન ચાલુ થવાની રાહ જોતાં હતાં. સમીરભાઈએ લીલાએ બેઠકરૂમમાં મૂકેલ એક બેગ તરફ આંગળી ચીંધીને કહ્યું, "છોકરાંઓ, જાવ પેલી બેગ લઈને ઉઘાડો. તમારે માટે કાંઈ છે તેમાં."

બંને તે તરફ દોડ્યાં અને સાથે મળીને બેગ ઉઘાડી. બેગમાં સાપસીડી ઉપરાંત કેટલીક બોર્ડે ગેઈમ હતી જેમાં વિવિધ ઐતિહાસિક બનાવો ક્યારે અને ક્યાં બન્યાં હતાં, વિવિધ દેશોનાં નદી, તળાવ, સરોવર, પહાડ, ટેકરી, શહેર, ગામ જેવાં સ્થળો શોધવાની રમત, તેમની બુદ્ધિશક્તિને લાયક જિગ્સો પઝલ્સ હતાં. બેય ખુશ થઈ સમીરભાઈને પ્રેમથી ભેટી, બેગ લઈ તેમનાં બેડરૂમમાં જતાં રહ્યાં જેથી ખલેલ વિના રમી શકાય.

સમીરભાઈએ રમીલાને ઉદ્દેશી, "બેટા, સમુ અને મનુનાં છેલ્લાં વર્ષનાં શાળાનાં પરિણામપત્રકો આપજે. અહીંથી હું સીધો તેમનાં એડમિશન માટે જાઉં છું."

રમીલાએ થોડાં જરૂરી કાગળો ફાઈલમાં મૂકી આપતાં કહ્યું, "પાપા, આ ફાઈલમાં પેલો આવકનો દાખલો પણ છે જેનાથી મારી ફીમાં રાહત મળતી હતી.

સમીરભાઈ તેની ચતુરાઈથી ખુશ થયા અને મેઘનાબહેનને જાણ કરી શાળાએ જવા નીકળી ગયા.

આ તરફ રમીલા સાથે મળીને લીલાએ મેઘનાબહેન લાવ્યાં હતાં એ સામાન ગોઠવવા માંડ્યો.

સામાન ગોઠવતાં લીલા બોલી," રમલી, આ બુન તો તું હાચે જ એમની સોડી હોવ એવું તારું ધિયાન રાખે સ. જો તો, તન ગમતી, તાર કામની બધ્ધી જ ચીજો આંય લઈ આઈવાં સ.તું ય ત એમને ભૂલતી નંઈ. એમનો સોકરો બા'ર ગામ ભણવા જાય તંઈ બેયનું ધિયાન રાખજે. અન તારથી ન થાય તો મન કે' જે."

રમીલા બોલી, "હા, લીલા, એ તો કાંઈ કહેવું પડે? મારી મા નું ધ્યાન રાખવા તો મારી બે મોટીબેન, ભાઈ અને ભાભી છે. વળી, કાલ ઊઠીને આ સમુ અને મનુ પણ તેમને સંભાળે એવાં થઈ જશે પણ, મારી મોટી મા અને પાપાનાં તો અમે બે જ સંતાનો છીએ - નિખિલ અને હું. એ બેયનું તો ધ્યાન મારે જ રાખવાનું ને વળી?"

વાતો કરતાં કરતાં બધો જ સામાન ગોઠવાઈ ગયો. રમીલાની માતાએ મેઘનાબહેનની મદદ લઈ જમવાનું બનાવી દીધું. રાંધતાં તો તેને આવડતું પણ થોડું અવનવું શીખવામાં અને બ્લેન્ડર, મિક્સર જેવાં સાધનો વાપરતાંહમેઘનાબહેન પાસે શીખતી રહી.

રમીલાનાં પિતાને હાલ ઘરમાં કાંઈ ન કરવાનું હોઈ તે નીચે લટાર મારવા નીકળ્યા હતા. તેને જોઈ ગઈકાલે ઉપસ્થિત બધાં જ વોચમેન તેને વધાવી રહ્યાં. તે જોઈ ગ ઈકાલે રજા ઉપર હતા એવા વોચમેનને નવાઈ લાગી.

તે પોતાનું કુતૂહલ સંતોષવા થોડો નજીક આવ્યો અને હાથનું નેજવું કરી જોતાં ઓળખી ગયો, "અરે, મારા ભૈ, તમ આંય કંઈથી?"

રમીલાના પિતાને પણ પોતાનો ગામનો પાડોશી અને નાનપણનો ભાઈબંધ ઓળખાઈ ગયો. તે બોલ્યાં, "અરે, શામજી, તું આંય કામ કરે કે?"

પછી તો બધી જ વાતો વિસ્તારમાં કહેવાઈ અને સંભળાઈ. પોતાનાંમાંથી કોઈકનો પરિવાર આ આલીશાન ફ્લેટમાં રહેવા આવ્યો છે એ જાણ થતાં બધાં જ વોચમેન પોતાને ગૌરવાન્વિત અનુભવવા લાગ્યા. તે બધાં જોડે વાતો કરતો બેસી રહ્યો.

બપોર થતાં સુધીમાં સમીરભાઈ બાળકોનાં એડમિશનનું કામ પતાવી આવી ગયાં. પાછાં ફરતાં, રમીલાનાં પિતાની નોકરી પણ પાકી કરતાં આવ્યાં. તે દુકાન તેમનાં ફ્લેટથી સો ડગલાંનાં અંતરે જ હતી.

આ તરફ ઘરે બધાં જમવા બેસી ગયાં હતાં. પોતે ઘરે રસોઈ બનાવીને આવ્યાં હોઈ, મેઘનાબહેન સમીરભાઈની વાટ જોતાં બેસી રહ્યાં. રમીલાએ આ સમયનો ઉપયોગ મોટી મા સાથે વાતો કરવામાં પસાર કર્યો. હવે, પરમદિવસે તો તેને પણ નોકરી ઉપર જવાનું હતું.

સમીરભાઈએ ઘરમાં આવી જાણ કરી, "સમુ અને મનુની શાળા આવતીકાલથી જ શરૂ થાય છે માટે તેમને ઘરે નહીં લઈ જઈ શકાય. ચાલો આજે જ તેમાં ગણવેશ, દફતર, બૂટ, પુસ્તકો બધું જ લઈ લઈએ."

બાળકો ત્વરાથી તૈયાર થયાં અને અનહદ ખુશીથી સમીરભાઈ તેમજ મેઘનાબહેન સાથે નીકળ્યાં. સમીરભાઈએ રમીલાને બાળકોની શાળાની વિગતો તેમજ ફી રસીદો આપી દીધી હતી.

પહેલાં ઘરે જઈને જમ્યાં બાદ સાંજે મેઘનાબહેન બંને બાળકોને લઈ તેમને માટેની જરૂરી ખરીદી કરી આવ્યાં. સાંજે ઘરે આવતાં ઘણું જ મોડું થયેલ તેથી રમીલાને ફોન કરી જણાવી દેવાયું કે બંને બાળકોને જમાડીને જ તેમનાં ઘરે મોકલાશે. મેઘનાબહેને ઝડપથી રસોઈ કરી પછી બધાંએ ભોજનનો આનંદ માણ્યો.

ત્યારબાદ, સમુ અને મનુને તેમનાં ઘરે મૂકવા જવા જેવાં સમીરભાઈ તૈયાર થયાં કે મેઘનાબહેન તેમની ખરીદીની સામગ્રી સોંપતા બોલ્યાં, "આ થેલીઓમાં બંનેનાં ગણવેશ, પુસ્તકો, દફ્તર તેમજ બીજી સામગ્રી છે. રમીલાને આપજો."

બેય બાળકો ભાવથી મેઘનાબહેનને વળગી પડ્યાં. મેઘનાબહેને તેમનાં વાળમાં હેતસભર હાથ ફેરવી આવતીકાલથી શરૂ થતી નવી શાળા માટે શુભેચ્છાઓ પાઠવી.

સમીરભાઈ તે બેય બાળકોને લઈને ગાડી હાંકતાં તેમનાં નવાં ઘર તરફ નીકળ્યાં.

આ તરફ રમીલાને પણ આવતીકાલથી ઓફિસ જવાનું હોઈ તેણે જમી-પરવારીને પોતાની હેન્ડબેગ તૈયાર કરી દીધી હતી. ઓફિસમાં સવારે નવ વાગ્યે હાજર થવાનું હોઈ તેને વહેલાં સૂઈ જવું હતું, પણ સમુ અને મનુને ઘરે આવતાં હજી એક કલાક થશે એમ મેઘનાબહેનનો ફોન આવ્યા પછી તે ઝોકાં ખાતી સોફા ઉપર બેઠી હતી. તેનાં માતા-પિતા તો હંમેશથી વહેલાં સૂઈ જવાં ટેવાયેલાં તે ક્યારનાંયે નિંદ્રાધીન થઈ ગયા હતા.

લીલાએ તેને જોઈ કહ્યું, "જા બુન, અંદર જૈ સૂઈ જા. બેય જમીને આવાનાં સ. ઉં એમને ઉંઘાડી દૈશ. હવારમાં બધ્ધાંયને વે'લાં જ ઉઠવાનું સ."

રમીલા તેની વાત માની અંદર જઈને સૂઈ ગઈ. બાળકો આવતાં જ લીલાએ બેયને હાથ-પગ ધોઈ કપડાં બદલવાં કહ્યું. સમીરભાઈએ લીલાને બધી થેલીઓ પકડાવી સામાન બતાવી દીધો અને તેઓ ઘરે પરત આવવા નીકળી ગયાં.

જો કોઈની ઉંઘ વેરણ બની હોય તો તે મેઘનાબહેન હતાં. સતત પડખાં બદલતાં રહ્યાં અને આખરે નિખિલના માટે કૉફી બનાવી તેનાં ઓરડામાં ગયાં. હજી સાડા બાર થયાં હતાં માટે નિખિલ વાંચી રહ્યો હતો.

મમ્મીને આવેલ જોઈ બોલી ઉઠયો, "મમ્મી, રમુ દી વિના ઊંઘ નથી આવતી?"

તેને કોફીનો મગ ધરતાં મેઘનાબહેન બોલ્યાં, "હા બેટા, હજી વાર લાગશે તેના વગર જીવવાની આદત પાડતાં."

નિખિલ વાંચવાનું મૂકી મમ્મી સાથે અલકમલકની વાતો કરી રહ્યો. આખરે બે વાગ્યાની આસપાસ મેઘનાબહેનનું મન હળવું થયું અને તેઓ સૂવા ગયાં.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા