Island - 22 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 22

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

આઇલેન્ડ - 22

પ્રકરણ-૨૨.

પ્રવીણ પીઠડીયા.

મેં ધીરેથી, આંખનાં ઈશારે જ માનસાને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. માનસા એ સમજી હતી. તેની મોટી આંખોમાં આશ્વર્ય ઉભર્યું અને આંખોથી જ હામી ભરી. મે મારો હાથ તેના મોં પરથી હટાવ્યો એ સાથે જ તેણે એક ઉંડો શ્વાસ તેની છાતીમાં ભર્યો. ખરેખર તો મેં તેનું મોં બંધ કરી દીધું હતું એટલે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. મારી સામું તેણે ડોળા કાઢયાં અને અંદર શું ચાલી રહ્યું છે એ જોવા એકદમ મને ઘસાઈને બારસાખની અંદર ડોકુ તાણ્યું. એક તો ઓલરેડી હું ત્યાં ઉભો હતો તેમાં તેની એ ચેષ્ઠાથી તે લગભગ મારી ઉપર આવી પડી હતી. તેનાં કંઈક ભરાવદાર ઉરોજો મારી છાતી સાથે ચંપાયા. તેના જીસ્મમાંથી ઉઠતી આછા સેન્ડલ પાવડરની સુગંધ મારા નસકોરામાં ઘૂસી. તેના ગરમ શ્વાસોશ્વાસ મારી છાતી સાથે અથડાતાં રહ્યાં. હું સ્થિર થઈને ઘડીક એમ જ ઉભો રહ્યો અને તે પણ એ સ્થિતીમાં જ… મને ચોંટીને અંદર કમરામાં જોવાની કોશિશ કરતી રહી. તેનું કોમળ જીસ્મ મારા રુક્ષ શરીર સાથે એક હલકા… આહલાદક સ્પર્શથી ભિંસાઈ રહ્યું હતું એ અહેસાસ મારા દિલને તરબતર કરી રહ્યો હતો. હું ચાહતો હતો કે આ સમય અહી જ થોભી જાય અને અમારું સાનિધ્ય અનંત સમય સુધી ચાલ્યાં કરે. પરંતુ… એકાએક જ તેને ખ્યાલ આવ્યો હતો અને તે મારી ઉપરથી હટી હતી. તેણે મારી સામું ડોળા કાઢયાં. હું હસ્યો.

“સાવ નફ્ફટ છે. કહેતો પણ નથી કે દૂર હટ…!” એકદમ હળવા અવાજે તેણે મને ખખડાવ્યો અને મારી બાજુમાં દિવાલે પીઠ ટેકવી. હું આભો બનીને તેને જોઈ રહ્યો. મેં કહ્યું હતું ને કે તે અજીબ છોકરી છે..! એક તો અચાનક આવી ચડીને તેણે મને ચોંકાવ્યો હતો અને એટલું ઓછું હોય એમ લગભગ મને ચિપકીને ઉભી રહી ગઈ હતી છતાં હવે ઉપરથી મને જ ખીજાતી હતી. હું ઘણું કહેવા માંગતો હતો પરંતુ કંઈ બોલ્યો નહી કારણ કે અંદર શું ચાલી રહ્યું છે એ જાણવું જરૂરી હતું. જો એ લોકોને ખબર પડી જાય કે બહાર કોઈક તેમની વાતો સાંભળી રહ્યું છે તો ચોક્કસ તેઓ સાવધ બની જાય.

એ દરમ્યાન ડો.ભારદ્વાજે ઈન્સ્પેકટર દેવ બારૈયાને ફોન લગાવ્યો હતો. પોસ્ટમાર્ટમ રિપોર્ટ તો હજું સવારે તૈયાર થવાનો હતો પરંતુ તેમને ખબર હતી કે આ કેસ તે હેન્ડલ કરે છે એટલે પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં શું હોઈ શકે એ તેને જણાવવું જરૂરી હતું. જો તે આ સમયે જ અહી આવી શકતો હોય તો વધું બહેતર રહેશે એવું તેમનું માનવું હતું.

“હેલ્લો, ઈઝ ધેર મિ.દેવ..?”

“યેસ, હુ ઈઝ સ્પિકિંગ..?” બારૈયાનો અવાજ ઉંચો હતો. એલીટ ક્લબમાં જે થયું એની ઝૂંઝલાહટ હજું તેના મનમાં છવાયેલી હતી. તે જસ્ટ હજું આવીને બેઠો જ હતો કે ફોન આવ્યો તેમાં એ ઝૂંઝલાહટ બહાર આવી હતી.

“જૂઓ મિ.બારૈયા, હું સીટી હોસ્પિટલથી ડો.ભારદ્વાજ બોલું છું. આજે સવારે જે કેસ અહી આવ્યો હતો ને, મારે એ વિશે વાત કરવી છે. શું તમે અત્યારે અહી આવી શકશો..?”

“એની સિરિયસ મેટર…?” બારૈયાનું માથું ઠનક્યું. આટલી મોડી રાત્રે કોઈ ડોકટર તેને પોસ્ટમાર્ટમ રીપોર્ટ જોવા બોલાવે એ ઘણી અજૂગતી બાબત હતી. એક ક્ષણમાં તેનો ગૂસ્સો, તેનું ફ્રસ્ટ્રેશસન ગાયબ થઈ ગયું હતું અને તે સતર્ક બન્યો હતો. તે વાત કરતો કરતો જ ઉભો થયો અને કોન્સ્ટેબલ માનજી ગામિતને ઈશારાથી જ જીપ બહાર કાઢવાં કહ્યું.

“જૂઓ, મારે તમને કંઈક કહેવું છે. કદાચ એ વાત સવારે ન થઈ શકે એમ બને. તમે આવો તો ઠીક રહેશે.” ડો.ભારદ્વાજ દૂરંદેશી વ્યક્તિ હતા. તેમને ખ્યાલ હતો કે જો આ વાત સવાર ઉપર ગઈ તો ચોક્કસ કોઈકનું દબાણ તેમની ઉપર આવશે અને તેમણે બધું દફન કરી દેવું પડશે. એવું ન બને એ માટે જ તેમણે દેવ બારૈયાને તાબડતોબ બોલાવવું મુનાસિબ માન્યું હતું.

“ઓ.કે. આવું છું.” બારૈયાનાં મનમાં ધમધમાટ વ્યાપ્યો. તેને આવી જ કોઈ ક્ષણની વાટ હતી.

તેની બીજી જ ક્ષણે બારૈયા અને ગામિત સીટી હોસ્પિટલનાં રસ્તે પડયા હતાં. ફૂલ વરસાદમાં તેમની જીમ સડક ઉપર ભરાયેલા પાણી ઉડાવતી ફરીથી વેટલેન્ડની દિશામાં ભાગી રહી હતી.

-------------------

બધું જ અજૂગતું અને અસંગત બની રહ્યું હતું. મને સમજાતું નહોતું કે આખરે આ મામલો છે શું..? જીવણાનાં મોતને કેમ આટલું બધું મહત્વ અપાઈ રહ્યું છે..? જીવણા સુથારનું પોસ્ટમાર્ટમ કરતાં ડોકટરે અધૂરા ઓપરેશનમાં જ તેના ઉપરીને બોલાવ્યાં હતા અને તેમણે પેલા ખડૂસ ઈન્સ્પેકટરને ફોન કરી અડધી રાત્રે હોસ્પિટલે તલબ કર્યો હતો. એ થોડું વધું પડતું હોય એવું મને લાગ્યું. જીવણા સુથારનું મોત ભલે અસ્વાભાવિક રીતે થયું હોય પરંતુ તેની જેવી વ્યક્તિને જરૂર કરતા વધું મહત્વ અપાઇ રહ્યું છે એ ચોક્કસ હતું. મારી જીજ્ઞાષાવૃત્તી વધતી જતી હતી. એકાએક મને મારી આસપાસ કોઈ ભયંકર રહસ્ય ઘૂમરાઈ રહ્યું હોય એવું ’ફિલ’ થવા લાગ્યું. તેમાં માનસા મારી મુશ્કેલીઓ ઓર વધારી રહી હતી. તેની અદાઓ મારું ધ્યાન ભંગ કરતી હતી અને તેના જીસ્મમાંથી ઉઠતી ખૂશ્બું મને કોઈ અલગ જ વિશ્વમાં લઈ જતી હતી.

“પેલો ઈન્સ્પેકટર આવે એ પહેલા આપણે અહીથી હટવું પડશે.” આખરે અત્યંત ધીમા અવાજે મેં માનસાનાં કાનમાં કહ્યું. આ સમયે હું એ ઈન્સ્પેકટરનાં હાથમાં પડવા માંગતો નહોતો. માનસાએ અંદર થતી વાતચીત સાંભળી હતી એટલે તેને પણ એ જ યોગ્ય લાગ્યું હતું એટલે અમે બન્ને ત્યાંથી હટયા હતા અને દૂર એક ખૂણામાં સંતાઈને ઉભા રહી ગયા હતા. અહીથી અમે પોસ્ટમાર્ટમ રૂમનો દરવાજો સ્પષ્ટ જોઈ શકતાં હતા.

“કોણ છે એ…?” માનસાએ એકાએક મને પૂછયું. તે અહી પણ મને ચીપકીને જ ઉભી રહી ગઈ હતી.

“કોની વાત કરે છે…?”

“તું જેની પાછળ આવ્યો છે એ…?” તે સહેજ અળગી થઈ અને મારી સન્મૂખ આવી. તે મારાથી થોડી જ નીચી હતી. મેં તેની તપખીરી કાળી ભૂખરી આંખોમાં તાકયું. એ આંખોમાં અજીબ સંમોહન હતું. રાત ઘણી વિતી ગઈ હતી એટલે તેને ઉંઘ ચડતી હતી. એ ઉંધનો આછો ઓછાયો તેની આંખોમાં છવાયો હતો જેની આછી લાલાશ કંઈક અલૌકિક આભા ઉત્પન્ન કરતી હતી. હું આસક્ત બનીને એ આંખોમાં ડૂબતો ગયો. લોબીનાં એક કોર્નર પાછળ અમે બન્ને એમ જ ઉભા હતા અને તે મને કંઈક પૂછી રહી હતી. થોડે દૂર દિવાલ પર જગતી ટ્યૂબલાઈટનાં પ્રકાશમાં તેના સિલ્કી વાળ અજબ રીતે ચમકતાં હતાં.

“જાણીને શું કરીશ…?” મેં પૂછયું.

“કોનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું છે…? તેના મોત પાછળ આટલો હંગામો કેમ છે..?” મારાં સવાલને અધ્યાહાર રાખીને તેણે વળતો સવાલ કર્યો. તે જીવણા વિશે પૂછી રહી હતી. હું ઘડીભર ખામોશ ઉભો રહ્યો. મને તેના વાળમાં હાથ ફેરવવાનું મન થતું હતું. તેના વાળ કેટલા મૂલાયમ હતા..! એક-એક વાળ છૂટો રહેતો હતો અને લોબીનાં કોર્નરેથી વહેતા પવન સાથે થોડા વાળ હવામાં લહેરાઈને તેના રતુંબડા ગાલ ઉપર છવાતાં હતા.

“એનું નામ જીવણ હતું. આજે સવારે બસ્તીની નાળીમાં તે મરેલો પડયો હતો. એનું જ પોસ્ટમોર્ટમ ચાલું છે.”

“ઓહ… પણ તેમાં તારે શું, તારો ઓળખીતો હતો એ..?” માનસા સવાલો ઉપર સવાલો પૂછી રહી હતી. હવે હું એને કેમ કરતા સમજાવું કે ખરેખર તો એ સવાલોનાં જવાબ મારી પાસે પણ નહોતાં. જીવણાનાં મોતથી મને કોઈ ફરક પડવાનો નહોતો છતાં હું તેની પાછળ હતો. અરે, તેની એક ચીજ પણ મારી પાસે આવી પડી હતી. “શું વિચારમાં ખોવાઈ ગયો..? ન કહેવું હોય તો કંઈ નહી.” મને વિચારમાં ગરકાવ જોઈને માનસાએ અનુમાન લગાવ્યું હતું કે હું તેને કહેવા માંગતો નથી.

“એવું નથી. ખરેખર તો મને પણ આ બધું અજીબ લાગે છે કારણ કે હું પણ તેને બરાબર ઓળખતો નથી. છતાં હકીકત એ છે કે હું તેની પાછળ છું. આખા વર્ષમાં ભાગ્યે જ તે ક્યારેક અમારાં ગેરેજ પર તેનું લ્યૂના રિપેર કરાવવા આવતો હશે. બસ, અમારી એટલી જ ઓળખાણ છે. અને તને ન જણાવાનું મારી પાસે કોઈ કારણ પણ નથી.” મેં ચોખવટ કરી.

“ઓહ અચ્છા, મતલબ કે તું જાસૂસ બનીને તેની પાછળ પડયો છે એમ જ ને…” તેણે મઝાક કરી. મેં ખભા ઉલાળ્યાં.

“એમ જ સમજી લે.”

“ઓહો, તો હું શું છું…? તારી સેક્રેટરી…? ગ્રેટ, આજથી તું મારો બોસ અને હું તારી સેક્રેટરી. આપણે બન્ને સાથે મળીને આ કેસ સોલ્વ કરીશું અને પછી એક જાસૂસી કંપની ખોલીને ધૂમ મચાવીશું.” એકાએક તે મઝાકનાં મૂડમાં આવી ગઈ હોય એમ કંઈક અદાથી તેણે હવામાં હાથ લહેરાવ્યાં અને પછી એકટિંગ કરતી હોય એમ બોલી. ખરેખર આ છોકરી પાગલ જ હતી. જો કે પૈસાદાર બાપનાં છોકરાં મોટેભાગે આવાં જ હોય છે એનો મને ખ્યાલ હતો. હું કંઈક કહેવા જતો હતો કે અચાનક ખામોશ બની ગયો. લોબીમાં કોઈક આવતું હોય એવા ભારેખમ પગલાનાં આવાજો સંભળાયા અને ઈન્સ્પેકટર દેવ અને તેની પાછળ માનજી ગામિત દેખાયાં.  એકાએક ફરીથી હું કોર્નરની દિવાલ પાછળ ભરાયો અને માનસાનો હાથ પકડીને તેને ખેંચી. સાવ અણીનાં સમયે તે દિવાલ સરસી આવી હતી. જો સહેજ મોડું થયું હોત તો તે દેવ બારૈયાની નજરે ચડી ચૂકી હોત. મેં ડોળા કાઢયા અને તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.

ઈન્સ્પકટર દેવ અને ગામિત ઝડપી ચાલે ચાલતાં પોસ્ટમાર્ટમ રૂમમાં દાખલ થયા. હું દબાતા પગલે દોડયો અને પાછો પોસ્ટમાર્ટમ રૂમની બારસાખે આવીને ઉભો રહી ગયો. મારી પાછળ માનસા પણ આવી હતી. બારૈયાનાં આવવાથી અંદર ખાસ્સી ચહલ-પહલ મચી ગઈ હતી. ડો.ભારદ્વાજે બારૈયાને ટૂંકમાં બધું સમજાવ્યું હતું.

“તમારો કહેવાનો મતલબ કે આ માણસને મરતાં પહેલા ટોર્ચર કરીને રિબાવામાં આવ્યો હતો…?” બારૈયાની ભ્રકૃટી તણાઈ હતી. તેને પહેલેથી દાળમાં કઈંક કાળું લાગતું હતું.

“લગભગ એમ જ કહી શકાય.” ભારદ્વાજે કહ્યું. જો કે તેમનું એ અનુમાન બિલકુલ ગલત હતું.

“તો એ બસ્તીમાં કેવી રીતે પહોંચ્યો..?”

“કદાચ તે ભાગી છૂટયો હોવો જોઈએ.” ભારદ્વાજે અનુમાન લગાવ્યું. “યુ મસ્ટ ફાઈન્ડ ઈટ ઈન્સ્પેકટર. વેટલેન્ડમાં આવા કિસ્સા ભાગ્યે જ બને છે અને…” ડો.ભારદ્વાજ અગમ્ય કારણોસર બોલતાં અટકી ગયા.

“અને… અને શું ડોકટર…?”

“જો ક્યારેક આવું બને તો તેની તપાસ ન થાય એવા ફોન કોલ્સ આવી જતાં હોય છે. કદાચ આ કિસ્સામાં પણ એવું થાય તો કાલે સવારે હું તમને કંઈ જણાવી ન શકું એવું બને.”

બારૈયા સમજી ગયો. જીવણાનાં મૃતદેહને પહેલી વખત જોતાં જ તેની સિક્સ્થ સેન્સ સળવળી ઉઠી હતી કે જરૂર કોઈ મોટી ગરબડ છે નહિતર આવાં ફટિચર જીંદગી જીવતાં વ્યક્તિને કોઈ આટલી બેરહમીથી મારી શું કામ નાંખે…? તેણે પોસ્ટમાર્ટમ રૂમમાં જરૂરી લાગતી બધી જ નોંધો પોતાની પાસેની નાનકડી ડાયરીમાં ટપકાવી લીધી. લગભગ અડધી કલાક એ ગડમથલ ચાલી હતી. બારૈયાએ તેનું કામ પૂરું કર્યું ત્યારે તેના કપાળે પરસેવો ચમકતો હતો.

“થેંક્યું ડો.ભારદ્વાજ. હું આ હેલ્પને ભૂલીશ નહી.” કહીને તે બહાર નિકળી આવ્યો. “ગામિત, બસ્તીનાં રોડનાં છેવાડે એક લ્યૂનાં મળ્યું હતું. તે આ જીવણા સુથારનું જ હતું ને…? કાલે સવારે એની ઓળખ માટે તેની છોકરીને પોલિસ સ્ટેશને બોલાવી લેજે.” તેણે સાથે આવેલા હેડ કોન્સ્ટેબલ માનજી ગામિતને કહ્યું.

“હો સાહેબ,” ગામિતે મૂંડી હલાવી અને તે બન્ને લોબીનાં છેવાડા તરફ અંતર્ધાન થયા.

બારૈયાને બહાર નિકળતો જોઈને અમે બન્ને ફરી પાછાં કોર્નર પાછળ ચાલ્યાં ગયા હતા. મેં અને માનસાએ પોસ્ટમાર્ટ રૂમમાં થતી તમામ વાતો સાંભળી હતી અને… એ વાતો સાંભળીને મારી કરતાં માનસા વધું ઉત્તેજીત થઈ ઉઠી હતી.

“રોની, ચાલ આપણે જીવણાનાં કાતિલોને શોધીએ.” માનસાએ એકાએક ધડાકો કર્યો. હું આશ્વર્ય-ચકિત બનીને તેના ગૌર રૂપાળા ચહેરાને તાકતો એમ જ ઉભો રહી ગયો હતો.

(ક્રમશઃ) 

મિત્રો આ કહાની આપને કેવી લાગે છે એ નીચે કોમેન્ટ સેકશનમાં ચોક્કસ જણાવજો.