Island - 21 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 21

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

આઇલેન્ડ - 21

પ્રકરણ-૨૧.

પ્રવીણ પીઠડીયા.

માનસા સ્તબ્ધ હતી. સામે દેખાતું દ્રશ્ય તેના માટે કલ્પનાતિત હતું. વિક્રાંત અને ડેની ભાંગેલી હાલતમાં બેડ ઉપર પડયા હતા અને ડો. ભારદ્વાજ તેની સારવારમાં લાગ્યાં હતા. માનસાની પાણીદાર આંખોમાં દુનિયાભરનું વિસ્મય ઉભરી આવ્યું. ખરેખર તો આ સમયે તેને ક્રોધ ઉદભવવો જોઈએ પરંતુ કોણ જાણે કેમ પણ આ પરિસ્થિતી પસંદ આવી હતી. ન ચાહવા છતાં તેનાથી મનોમન રોનીની પ્રશંસા થઈ ગઈ. વિક્રાંત તેનો બોયફ્રેન્ડ હતો, તેને માથાનો કોઈ મળ્યો હતો અને તેની ધૂલાઈ કરી નાંખી હતી એ બાબતનું ખરેખર તો દુઃખ થવું જોઈએ તેના બદલે એવી કોઈ જ ફિલિંગ્સ દિલમાં ઉઠી નહી એ ખરેખર આશ્વર્ય જનક હતું. તે વિક્રાંતનાં બેડ તરફ ચાલી અને તેની નજીક જઈને ઉભી રહી. વિક્રાંતનો આખો ચહેરો પાટામાં વિંટળાયેલો હતો એ જોવાની તેને મજા પડી. અનાયાસે જ તે મુસ્કુરાઈ ઉઠી. વિક્રાંતે એ જોયું અને છટપટાઈ ઉઠયો. માનસાની નજરોમાં આજે અલગ જ ભાવ હતા.

“હું છોડીશ નહી તેને.” દાંત ભિસિંને તેણે રોની વિશે કહ્યું. એ શબ્દો ખોખલા હતા. તેનાથી અત્યારની પરિસ્થિતીમાં કોઈ ફરક પડવાનો નહોતો. હકીકત એ હતી કે તે હાર્યો હતો. વેટલેન્ડનો સૌથી ખતરનાક માણસ અધમૂઈ હાલતમાં હોસ્પિટલનાં બિછાને પડયો હતો અને તેની સામે તેની જ ગર્લફ્રેન્ડ ઉપહાસભર્યું હસી રહી હતી એ તેનાથી સહન થતું નહોતું. તેનાં રોમેરોમમાં આગ સળગી ઉઠી હતી. એવી જ હાલત ડેનીની હતી. જો કે એ નશામાં હતો એટલે તેને એટલી બધી બળતરા નહોતી થતી જેટલી વિક્રાંતને થતી હતી.

“હમમમ્….” માનસાએ ફક્ત હુંકાર ભણ્યો. “ગેટ વેલ સૂન બડી…” અને તે બહાર નિકળી ગઈ. એ સમયે  વિક્રાંતનો ચહેરો જોવા જેવો હતો. વધું કંઈ બોલ્યાં વગર માનસા તેના મર્મ ઉપર ઘા કરતી ગઈ હતી. એ સમયે જ તેણે મનમાં ગાંઠ વાળી લીધી હતી કે તે માનસાને બતાવી દેશે કે વિક્રાંત કઈ બલાનું નામ છે. તેણે પ્રણ લીધું કે રોનીને માનસાનાં પગમાં નાંખશે ત્યારે જ તે જંપીને બેસશે.

-----------------

“ઓહ ગોડ…” ડો.અવસ્થી વિચલિત બની ગયા. તેમણે તુરંત ડો.ભારદ્વાજને બોલાવી લાવવા એક વોર્ડબોયને દોડાવ્યો હતો. તેમની નજરો સામે પોસ્ટમાર્ટમ ટેબલ ઉપર જીવણા સુથારનું ખૂલ્લું  બોડી પડયું હતું અને તેમણે જે નોટીસ કર્યું હતું એ ભયાનક હતું. એ ડો.ભારદ્વાજને કહેવું જરૂરી હતું. પોસ્ટમાર્ટમમાં સ્પષ્ટ માલૂમ થતું હતું કે જીવણા સુથાર ઉપર ઘાતક હથીયારોથી અસંખ્ય વાર કરવામાં આવ્યાં છે. કદાચ એ કોઈ ’કોઈતા’ જેવું વાંકાં ફણાનું લાંબું દાતરડું હોય શકે અથવા તો માછલીનાં શરીરમાં ખૂંપાવાનો હૂક હોઈ શકે. કદાચ એ બન્નેનો પ્રયોગ એક સાથે પણ થયો હોય એવું બને. મતલબ કે આ એક કોલ્ડ બ્લડેડ મર્ડરનો કેસ હતો. વેટલેન્ડમાં આવો બનાવ ભાગ્યે જ ક્યારેક બન્યો હશે એટલે ડો.અવસ્થીનું ગભરાવું સ્વાભાવિક હતું. તે ડો.ભારદ્વાજની સલાહ લીધા વિના હવે જીવણાની બોડીને હાથ પણ લગાવવાં માંગતાં ન હોય એમ એક બાજું ચાલ્યાં ગયા હતા.

ડો.ભારદ્વાજ પાસે આજે અઢળક કામ હતું. તેઓ એક પછી એક ક્રિટિકલ પરિસ્થિતીઓને સંભાળી રહ્યાં હતા. સૌથી પહેલા જીમી, ત્યારબાદ વિક્રાંત અને ડેની અને હવે પોસ્ટમાર્ટમ રૂમનો વોર્ડબોય એક નવા જ મોકાણનાં સમાચાર લઈને તેમની સમક્ષ ઉપસ્થિત થયો હતો. ડો.ભારદ્વાજ કાબેલ આદમી હતો, તે આનાથી પણ ભયાનક પળોજણમાંથી પસાર થયો હતો પરંતુ અત્યારે સૌથી મોટી તકલીફ એ હતી કે ઉપસ્થિત થયેલી તમામ પરિસ્થિતીઓને છાને ખૂણે થાળે પાડવાનો હુકમ હોસ્પિટલનાં ડિન તરફથી તેમને મળ્યો હતો જેમાં તેઓ અટવાઈ ગયાં હતા. તેમણે એક લાંબો શ્વાસ છોડયો અને વોર્ડબોય સાથે પોસ્ટમાર્ટમ રૂમ તરફ પગલાં ભર્યાં. એ સમયે અડધી રાતનો સમય વિતી ગયો હતો બહાર વરસાદ અવીરતપણે ચાલું હતો.

--------------

“ઓહ જીમી, કેમ છે તને…?” આઈસીયુમાં પગ મૂકતાં બેડ ઉપર જીમીને સ્વસ્થ હાલતમાં જોતા જ મને અજીબ રાહત ઉપજી હતી. પણ જીમીએ મારી વાત સાંભળી ન હોય એવું લાગ્યું. તેનાં પાટા મઢયાં ચહેરા ઉપર અપરંપાર ખુશી ઝળકતી હતી. મને જોતાં જ તે પથારીમાં અધૂકડો બેઠો થઇ ગયો અને મારી તરફ બન્ને હાથ પહોળા કર્યાં. મને સમજ ન પડી કે આખરે તે કરવા શું માંગે છે.

“અરે મોટા ભાઈ. અહી આવોને…” તે બોલ્યો. હું તેની નજીક સર્યો અને બેડની સાવ પાસે જઈને ઉભો રહ્યો કે તેણે મારા હાથ પકડીને મને ખેચ્યોં અને  બેઠા-બેઠા જ બાથમાં ભરી લીધો. “મને નહોતી ખબર કે તમે મને આટલો બધો પ્રેમ કરો છો. થેંક્યું.” તેની આંખોમાં ઝળઝળિયા છવાયાં.

“અરે પણ… થેંક્યું કઈ બાબતનું…?” તેનો ઉમળકો જોઈને મને ખ્યાલ તો આવી જ ગયો હતો કે તે આટલો ખૂશ કેમ છે..!

“તમે વિક્રાંત અને ડેનીને એની ઓકાત દેખાડી દીધી. એ હરામખોરો બહુ હોંશિયારી ઠોકતાં હતા અને આ ટાપુને પોતાના બાપની જાગિર સમજતા હતા. હવે એ લોકો કોઈની ઉપર હાથ ઉપાડતાં હજારવાર વિચાર કરશે. પણ… મને નહોતી ખબર કે તમારી બોડીમાં આટલી તાકત હશે.”

“રિલેક્ષ યાર, તું મને મોટાભાઈ કહે છે પછી એટલું તો કરવું પડે કે નહી..! જો કે એમાં મોટો ભાગ બાબીએ ભજવ્યો હતો.” હું તેનાથી અળગો થઈને પલંગની ધારે બેઠો. મારી વાત સાંભળીને જીમીએ ઝટકો અનુભવ્યો.

“બાબી… એ ક્યાંથી આવ્યો આમાં..?” ભારે હેરાનીભર્યા સ્વરે તેણે પૂંછયું. મે તેને એલીટ ક્લબમાં શું બન્યું હતું એ વિગતવાર જણાવ્યું. તે આભો બનીને સાંભળતો રહ્યો હતો. બધાને ખ્યાલ હતો કે બાબી કેવા સ્વભાવનો છે! ગામમાં તે બધા સાથે ઝઘડતો ફરતો અને ઘણી વખત તો સાવ અકારણ કોઈની પણ ઉપર હાથ ઉગામી લેતો. જીમીને પહેલેથી તેની બીક લાગતી અને બને ત્યાં સુધી તેનાથી દૂર જ રહેવાનો પ્રયત્ન કરતો. એ વ્યક્તિ તેની મદદ કરે પછી આશ્વર્ય ઉદભવવું સ્વાભાવિક હતું. “પોલીસ લફડું થયું તો…?” વાત ખતમ થતાં તેને ચિંતા ઉદભવી. હું હસ્યો. તે મારી સામું આશ્વર્યથી તાકી રહ્યો.

“નહી થાય, અને જો થશે તો ડેનીનો બાપ સંભાળી લેશે.” મને એ બાબતની પાક્કી ખાતરી હતી કે ડેની કોઈ પ્રોબ્લેમમાં ફસાય એ શ્રેયાંશ જાગીરદારને સહેજે પસંદ નહી આવે. “સારું હવે તું આરામ કર, હું જરા ડોકટરને મળી આવું છું. તારી હાલત જોતા મને નથી લાગતું કે તારે અહી રહેવાની જરૂર પડે. ડોકટર કહેશે તો આજે જ રજા લઈને ઘરે ચાલ્યાં જઈશું.”

જીમીને અહી લાવવામાં આવ્યો ત્યારે ખરેખર તેની હાલત નાજૂક હતી પરંતુ વિક્રાંત અને ડેનીનાં સમાચાર સાંભળ્યાં બાદ તેનામાં ગજબનો ફેરફાર થયો હતો અને જાણે સાવ સાજો થઈ ગયો હોય એવું લાગતું હતું. મારી વાત સાંભળીને તેણે હકારમાં માથું ધૂણાવ્યું અને બેડ ઉપર લંબાવ્યું. હું હળવેક રહીને આઈસીયુમાંથી બહાર નિકળી આવ્યો.

ડોકટરનાં બહાને ખરેખર તો હું માનસાને મળવા માંગતો હતો. તેણે મારા મનમાં અજબ ધમાસાણ મચાવી મૂક્યું હતું. લિફ્ટમાં એકાએક તે સામે ભટકાઈ ત્યારે અને પછી તેણે જે વર્તન કર્યું હતું એ ભલભલાને આંટીએ ચડાવી દેવા પૂરતું હતું. આટલી બિન્ધાસ છોકરી આજ સુધી મારા જીવનમાં આવી નહોતી. અરે બિન્ધાસ્ત તો છોડો… અત્યાર સુધી એ બાબતમાં હું સાવ ડફોળ જ રહ્યો હતો એ બાબત સ્વિકારવામાં મને સહેજે શરમ નડતી નહી. જો કે મારાં તમામ દોસ્તોમાં હું એક જ કંઈક ઠિક-ઠિક કહી શકાય એવો દેખાવડો હતો. એ ચર્ચા ઘણી વખત રાત્રે ગેરેજ ઉપર અમારી મંડળી જામતી ત્યારે થતી. તેમાં જીમી સૌથી વધારે મારી ફિરકી લેતો. તે અમારી બસ્તીની કઈ છોકરી મારી ઉપર લટ્ટું છે એ કોણ જાણે ક્યાંથી જાણી લાવતો હશે…! પછી તો નત-નવિન કહાનીઓ ઘડાતી અને આખી રાત મારા નામનાં ફાતયા ગવાતા. પણ મને એ બધામાં કોઈ રસ પડતો નહી. મારી મંઝિલ પહેલેથી અલગ જ હતી. નાનપણ જે પરિસ્થિતીમાંથી હું પસાર થયો હતો તેણે મને સાવ રુક્ષ બનાવી દીધો હતો. મારાં જીવનનું ધ્યેય ફિક્સ હતું… અઢળક પૈસા કમાવા અને મારા માં-બાપ સાથે શું બન્યું હતું એ સત્ય જાણવું. એ સિવાય બીજી કોઈ બાબત ક્યારેય મને વિચલિત કરી શકી નહોતી. પરંતુ… આજે કંઈક અલગ જ બન્યું હતું. હું ખૂદ અચંભીત હતો કારણ કે માનસા જેવી તૂંડ-મિજાજી છોકરીનાં કારણે છેક અંદર સુધી હું ખળભળી ઉઠયો હતો. આખરે એ છોકરી છે શું એ સમજવા માટે તેની નજદીક જવું જરૂરી હતું. એમ સમજોને કે માનસા અત્યારે સંપૂર્ણપણે મારી ઉપર છવાયેલી હતી. તેના જ  વિચારોમાં ખોવાયેલી હાલતમાં હું નીચે ઉતર્યો જ હતો કે અચાનક મારી આંખો પહોળી થઈ. ડો.ભારદ્વાજ દોડાદોડી કરતા હોય એટલી ઉતાવળમાં લોબીમાં ચાલતાં ક્યાંક જઈ રહ્યાં હતા. મારું માથું ઠનક્યું. આમ અડધી રાત્રે આટલી ઉતાવળ શેની હશે…? અનાયાસે જ મને જીજ્ઞાષા ઉદભવી. માનસાનાં વિચારો એકાએક હટયા હતા અને તેનું સ્થાન ડો.ભારદ્વાજે લીધું હતું. હું દબાતાં પગલે સાવધાની પૂર્વક તેમની પાછળ ચાલ્યો.

હોસ્પિટલની લોબીમાં સફેદ દૂધ જેવો પ્રકાશ વેરતી ટ્યૂબલાઈટનાં અજવાશમાં એ દ્રશ્ય કોઈ જાસૂસી ફિલ્મમાં દર્શાવાતા ’સિન’ જેવું લાગતું હતું. ડો.ભારદ્વાજ ઝડપી ચાલે ચાલતાં પોસ્ટમાર્ટમ રૂમમાં ઘૂસ્યા હતા. એ જોઈને મારું હદય એક ધબકારો ચૂકી ગયું અને આશ્વર્ય ઓર બેવડાયું. જેવા ડો.ભારદ્વાજ પોસ્ટમાર્ટમ રૂમમાં અંતર્ધાન થયા કે હું એ કમરાની બારસાખે ચોંટીને ઉભો રહી ગયો. અંદર તેમનાં સિવાય બીજો એક ડોકટર હાજર હતો.

“ડો.અવસ્થી, તમને ખ્યાલ છે ને કે મારે કેટલું કામ હોય?” ભારદ્વાજે અંદર પહોંચતાં જ અવસ્થીને સંભળાવ્યું. તેમને તાત્કાલિક અહી આવવું પડયું એ સહેજે નહોતું ગમ્યું. જીવણાની બોડી જોઈને તેમને ધક્કો જરૂર લાગ્યો હતો પરંતુ એક દારૂડિયાનાં મોતને જરૂર કરતાં વધું ફૂટેજ આપવામાં આવી રહ્યું છે એવું તેમનું માનવું હતું.

“સોરી સર બટ… ઈટ્સ બ્રૂટલ મર્ડર કેસ. આઈ એમ ડેમ્ડ શ્યોર કે આ વ્યક્તિને બહું ખરાબ રીતે મારવામાં આવ્યો છે. તમે એના ઘાવ જૂઓ. શરીર રીતસરનું ઉતરડી નાંખવામાં આવ્યું છે. મને લાગ્યું કે… એ બાબત ઉપર તમારું ધ્યાન દોરવું જોઈએ.” અવસ્થીએ એકદમ શાંતીથી તેની વાત રાખી. વેટલેન્ડ જેવાં લગભગ ક્રાઈમ ફ્રી ગણાતાં આઈલેન્ડ ઉપર આટલી બર્બરતા પૂર્વક કોઈનું મર્ડર થયું હોય એવો કિસ્સો તેના ધ્યાને ચડયો નહોતો એટલે જ તેણે ડો.ભારદ્વાજને બોલાવ્યાં હતા જેથી આ કેસની ગહન તપાસ થાય. ભારદ્વાજ બે-ઘડી અવસ્થીનાં ચહેરાને ગંભિરતાથી તાકી રહ્યાં અને પછી જીવણાનાં સ્ટ્રેચર નજીક ગયાં. તેમની નજર જીવણાનાં સૂકાયેલા ચહેરા ઉપર પડી, લાગ્યું જાણે એ વ્યક્તિને આ જન્મે કંઈ ખાવાનું મળ્યું જ નહી હોય. ભલા આવી વ્યક્તિનું કોઈ મર્ડર શું કામ કરે…! પરંતુ અવસ્થીની વાત સાચી હતી. તેમને પણ લાગ્યું કે આ કેસની તપાસ થવી જોઈએ. તેઓ ત્યાંથી હટયા હતા અને ઘડીભર માટે રૂમમાં આમથી તેમ આંટા મારતાં રહ્યાં. અને… અચાનક કંઈક સૂઝયું હોય એમ તેમણે ફોન કાઢયો અને ઈન્સ્પેકટર દવેને કોલ લગાવ્યો.

મેં અંદર થતી વાતચીત સ્પષ્ટ શબ્દોમાં સાંભળી હતી. હજું હું કંઇ રિએક્ટ કરું એ પહેલા મારી પીઠ પાછળ કશીક હલચલ થઈ હોય એવું મને મહેસૂસ થયું. એકદમ જ ચોંકીને હું પાછળ ફર્યો. મારાં ભયંકર આશ્વર્ય વચ્ચે એ માનસા હતી. મને ખ્યાલ પણ ન રહ્યો અને કોણ જાણે ક્યારે એ અહી આવી ચડી હતી. તેની નજરોમાં પણ આશ્વર્ય છવાયેલું હતું. એકાએક જ કંઈક બોલવા તેનું મોં ખૂલ્યું કે મેં તેના અધખૂલ્લા હોઠ ઉપર મારી હથેળી દાબી દીધી અને આંખોથી જ એકદમ ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તેની કાળી ઘેરી સહેજ તપખીરી આંખો વધું પહોળી થઈ. એ આંખોમાં હજ્જારો સવાલો રમતાં હતા. હું ઘડીભર માટે એ આંખોમાં તાકતો ઉભો રહી ગયો.

(ક્રમશઃ)