Island - 16 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 16

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

આઇલેન્ડ - 16

પ્રકરણ-૧૬.

પ્રવીણ પીઠડીયા.

“બાબી, હજું કહું છું… ગન પાછી આપી દે. એ ઉપાધી કરાવશે.” ઘરે આવ્યાં બાદ ભીના કપડા બદલાવીને ઉભડક જીવે હું જમ્યો હતો. જમીને બાબીને મારી રૂમમાં લઈ આવ્યો હતો. એ સમગ્ર સમય દરમ્યાન બાબી તો એવી રીતે વર્તી રહ્યો હતો જાણે કશું થયું જ ન હોય. મને એ જ બીક હતી. ડેની અને વિક્રાંત જેવા માથા ફરેલ છોકરાઓ સાથે જે પંગો અમે લીધો હતો એ આસાનીથી પતવાનો નથી એનો મને ખ્યાલ હતો. તેમા વળી બાબીનાં હાથમાં ગન આવી હતી એ વાંદરાને નિસરણી મળવા બરાબર હતું. હવે તે એ ગન આખા ગામમાં બતાવતો ફરશે અને ગમે તેને દબડાવશે એની મને ખાત્રી હતી. એટલું ઓછું હોય એમ હજું મારે જીમીની ભાળ કાઢવા પણ જવું હતું. હું ત્યાંથી નિકળ્યો પછી તેનું શું થયું એની પણ ખબર નહોતી. પેલી છોકરી… માનસા, જીમીને છોડીને ચોક્કસ તેના ઘરે ચાલી ગઈ હશે.  અત્યારે તો ચારે બાજુથી હું ઘેરાઈ ગયો હોઉં એવું મને ફિલ થતું હતું.

“રિલેક્ષ યાર, એ લૂખ્ખાઓ વર્ષોથી આપણી ઉપર હુકમ ચલાવતા આવ્યાં છે. એમની પાસે રૂપિયાનો પાવર છે એટલે ચાહે એમ કરી શકે એવા વહેમમાં જો એ લોકો જીવતાં હોય તો તેમનો એ વહેમ દૂર કરવો જરૂરી છે.” બાબીનાં અવાજમાં ધાર હતી. તેને પહેલેથી આઈલેન્ડવાસીઓ પ્રત્યે નફરત હતી તેમાં આ બનાવે ઓર વધારો કર્યો હતો. તેણે ફરીથી ગન કાઢી. કમરાની દિવાલે જગતી સફેદ ટ્યૂબલાઈટની આછી રોશનીમાં તેના હાથમાં ચળકતી ગન જોઈને એકાએક મારા ધબકારા વધી ગયા હતા. અને એ ગન જોઈને બાબીની આંખોમાં વિચિત્ર પ્રકારની ચમક ઉદભવી હતી.

“તું સમજતો કેમ નથી યાર, ગનનાં લીધે પોલીસ લફડું થશે અને એ જાન ઘરે આવશે ત્યારે શું જવાબ આપીશ? અને બીજી વાત,  વગર લાઈસન્સે તું ગન રાખી શકે નહી.” મેં ખોખલી દલિલ કરી.

મારી વાત સાંભળીને બાબી ખડખડાટ હસ્યો. “એ ઉપાદી આપણે નહી, એ લોકોએ કરવાની હોય. એ બધા કંઈ દૂધે ધોયેલા નથી. ચલ, હવે મને ઉંઘ આવે છે.” તે બોલ્યો અને દરવાજા તરફ ચાલવા લાગ્યો. હું મોં વકાસીને તેની પીઠને તાકી રહ્યો. મને તેની ઉપર ખીજ ચડી. તેણે એકપણ વખત જીમી વિશે પૂંછયું નહોતું કે નહોતું હોસ્પિટલે જવા કહ્યું. મને ખબર હતી કે તે પહેલેથી આવો જ છે પરંતુ ક્યારેક તે હદ વટાવી જતો. જો કે… ક્લબમાં એન્ડ સમયે તે આવ્યો ન હોત તો મારી શું હાલત થાત એ કલ્પના કરવી મુશ્કેલ હતી. તેણે મને બચાવ્યો હતો એમાં કોઈ બેમત નહોતો. મેં નિસાસો નાંખ્યો અને પલંગ ઉપર બેસી પડયો.

----------------

શ્રેયાંશનું માથું ભમતું હતું. તેણે મનસાને ફોન કર્યો હતો અને હોસ્પિટલમાં બધું દિગંત વોરા ઉપર છોડીને ઘરે પહોંચવા કહ્યું. તે નહોતો ઈચ્છતો કે માનસા કોઈ ઝમેલામાં ફસાય. આમ તો જો કે વાત બહુ મોટી નહોતી કારણ કે જૂવાન છોકરાઓમાં આપસમાં તકરાર થવી ઘણી સામાન્ય બાબત હતી. તેમાં નવું કંઈ નહોતું પરંતુ… ગન ફાયર થયો એ નાની-સૂની ઘટના નહોતી. તેના છાંટા ઉડયા વગર રહેવાનાં નહોતા. ખાસ કરીને વેટલેન્ડમાં જે લોકો તેને પસંદ નહોતા કરતા એ લોકોને તો ગોલ્ડન ચાન્સ હાથ લાગ્યો હતો. તેઓ એ ઘટનાને વધું વળ દઈને ચગાવે એ પહેલા મામલાને કુનેહથી હેન્ડલ કરવો જરૂરી હતો… અને એ બાબતમાં તે એક્ષપર્ટ હતો. માનસા સાથે વાત કરીને તેણે પોલીસ કમિશનરને ફોન જોડયો.

-----------------

જીમી એકલો હોસ્પિટલમાં હતો. મારો જીવ ક્યારનો તેની પાસે પહોંચી ગયો હતો કેમ કે ત્યાનાં ડોકટરો ઉપર મને ભરોસો નહોતો. એ હોસ્પિટલ ફક્ત નામ પૂરતી બધા માટે હતી પરંતુ હકીકત એ હતી કે તેમા ફક્ત વેટલેન્ડનાં લોકોની જ યોગ્ય સારવાર થતી. બાકી અમારી બસ્તીમાંથી કે તેની આજુબાજુનું કોઈ ત્યાં દાખલ થયું હોય તો હોસ્પિટલમાં જાણે કોઈ અછૂત વ્યક્તિ આવી ગયું હોય એવું ઓરમાયું વર્તન તેની સાથે કરવામાં આવતું. એટલે જ મારું જીમી પાસે હોવું જરૂરી હતું. રખેને એ લોકો જીમી ઉપર તેની પીટાઈનો મામલો દબાવી દેવા પ્રેશર નાખે તો…? હું ફટાફટ તૈયાર થયો. નાઈટપેન્ટ ઉપર સફેદ ટિ-શર્ટ પહેરીને હું કમરામાંથી બહાર નિકળ્યો જ હતો કે અચાનક મારા પેટમાં ફાળ પડી. મને કશુંક યાદ આવ્યું હતું. લગભગ દોડતો જ હું પાછળ વાડામાં પહોંચ્યો અને ત્યાં દોરીએ નાંખેલા ભિના કપડા ખંખોળવા લાગ્યો. મને અચાનક જ એ યાદ આવ્યું હતું અને મારો જીવ તાળવે ચોંટી ગયો હતો. એક ચીજ… જે મને જીવણાનાં સ્ટ્રેચર પર અનાયાસે હાથ લાગી હતી… તેને હું બરાબર જોઉં એ પહેલા પેલો ઈન્સ્પેકટ અચાનક ત્યાં આવી ચડયો હતો એટલે ઉતાવળે જ મેં પેન્ટનાં ખિસ્સામાં સેરવી દીધી હતી. એ ચીજ જીમીની માથાકૂટમાં સાવ ભૂલાઈ જ ગઈ હતી. અરે, એલીટ ક્લબમાંથી ઘરે આવ્યો ત્યારે પણ યાદ આવ્યું નહોતું અને વરસાદમાં ભિંજાયેલા કપડાં મેં એમ જ બદલી નાંખ્યાં હતા. એ ચીજ અત્યારે કપડા બદલીને બહાર નિકળતી વખતે એકાએક જ યાદ આવી હતી અને હું દોડયો હતો. આટલી અગત્યની વાત ભૂલી જવા બદલ મને ખૂદ મારી ઉપર જ ક્રોધ ઉદભવ્યો ચોક્કસ એ ચીજ અગત્યની હોવી જોઈએ નહિતર કોઈ માણસ પોતાના અંત સમય સુધી તેને પોતાનાં જીવની જેમ સાચવે નહી.

“ખડિંગ…” કરતો અવાજ આવ્યો અને મારાં પગ પાસે, વાડાની ફર્શ પર કશુંક પડયું.  ભીની પેન્ટને ઉંધી કરીને ખંખેરતા એ ચીજ નીચે ખાબકી હતી. મારી આંખોમાં ચમક આવી અને જીગરમાં હાશકારો થયો. હાથ લંબાવીને એ ચીજને મેં ઉઠાવી. હોસ્પિટલમાં એ સમયે તેને બરાબર નિરખવાનો મોકો નહોતો મળ્યો કારણ કે એક તો જીવણાની વિક્ષિપ્ત બોડી જોઈને મારું મન વિચલિત બની ગયું હતું. તેમાં અચાનક પેલો પોલીસ અફસર ત્યાં આવી ધમક્યો હતો એટલે વગર વિચાર્યે તેને મેં પેન્ટનાં ખિસ્સામાં સરકાવી દીધી હતી.

અહી અંધારું હતું એટલે એ શું છે એ બરાબર દેખાયું નહી. હું ઝડપથી કમરામાં પાછો ફર્યો અને ટ્યૂબલાઈટનાં પ્રકાશ આગળ એ ચીજને ધરી. તેનો આકાર અજીબ પ્રકારનો હતો. નહિ ગોળ… નહિ ચોરસ… સાવ વિચિત્ર અને ઢંગધડા વગરનો, છતાં થોડો વજનદાર… ઘેરા કથ્થઈ રંગનો લોકડાનો  નાનો ટૂકડો હોય એવો તેનો આકાર હતો. મારી ભ્રકૂટી તંગ થઈ અને કપાળે સળ ઊપસ્યાં. આવું કંઈ આ પહેલા મેં ક્યારેય જોયું નહોતું. એ ટુકડાને ઉલટાવી સુલટાવીને બરાબર ધ્યાનથી જોયું પરંતુ એ શું હોઈ શકે તેનો ખ્યાલ આવતો નહોતો. પહેલી નજરમાં તો એ સિસમનાં લાકડાનો ટૂકડો હોય એવું જણાતું હતું પરંતુ કોઈ વ્યક્તિ એવા ટૂકડાને પોતાનાં જીવની જેમ શું કામ સાચવે…? મને એ ટૂકડો રહસ્યમય લાગ્યો. તેની ઉપરની સપાટી એકદમ મેલી અને ખરબચડી હતી. જાણે વર્ષોથી તે કોઈ ગોદામમાં પડી રહી હોય અને તેની ઉપર ધૂળ-માટીનું આવરણ ચડી ગયું હોય. લગભગ મુઠ્ઠીમાં સમાઈ જાય એવો તેનો આકાર હતો. મેં નજીકમાં પડેલા ટેબલની સખ્ત સપાટી ઉપર એ ટૂકડાને બે ત્રણ વખત પછાડી જોયો. એ આશાએ કે જો એ કોઈ કળ વાળી ચીજ હોય તો ખૂલી જાય, પરંતુ એવું થયું નહી. એ ગઠ્ઠો એમ જ રહ્યો. મને સમજાયું નહી કે હવે શું કરવું…? અને મોડું પણ થતું હતું એટલે એ ટૂકડાને ટેબલનાં સૌથી નીચેનાં ખાનામાં મૂકીને હું હોસ્પિટલ જવા નિકળી પડયો.

એ સમયે… મને નહોતી ખબર કે લાકડાનો એ નાનકડો ટૂકડો મારાં જીવનમાં આંધી બનીને છવાઈ જવાનો છે.

----------

બીજી તરફ સીટી હોસ્પિટલમાં અજબ ટેબ્લો પડયો હતો. ઘાયલ વિક્રાંત અને નશામાં ધૂત ડેનીને લઈને આવેલી ગાડી ખામોશ ગતીએ હોસ્પિટલ કંમ્પાઉન્ડમાં દાખલ થઈ હતી અને તે બન્નેને દિગંત વોરાની અંગત દેખરેખમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા. દિગંત વોરાએ પોતાના સૌથી કાબેલ ડોકટર ભારદ્વાજને બોલાવા એક નર્સને દોડાવી હતી.

નર્સ બીજા માળે આવેલા આઈસીયુ વિભાગમાં લગભગ દોડતી જ દાખલ થઈ અને જીમીનાં કમરામાં પ્રવેશી હતી. તેના ચહેરા ઉપર ઉતાવળ અને ગભરાહટનાં ભાવ હતા. તેણે જીમીનાં રિપોર્ટ જોઈ રહેલા ડોકટર ભારદ્વાજને ઈમર્જન્સીમાં નીચે આવવા જણાવ્યું હતું. નર્સ બોલી તો હતી પરંતુ સાથોસાથ ઈશારો પણ કર્યો હતો. બરાબર એ સમયે જ જીમીએ આંખો ખોલી હતી અને તેની નજરોએ એ ઈશારો પકડી પાડયો હતો. તેની કુતુહલતા સળવળી ઉઠી. એ દરમ્યાન ડોકટર રિપોર્ટ જોવાનું પડતું મૂકી બહાર નિકળી ગયો હતો.

“સિસ્ટર, શું થયું છે…?” તેણે પેલી નર્સને પૂંછયું. નર્સને એકાએક ખ્યાલ આવ્યો કે પલંગ પર સૂતેલો પેશન્ટ જાગી ગયો છે. નીચેથી તેને ફક્ત ડોકટરને બોલાવી લાવવાની સુચના આપવામાં આવી હતી. બીજા કોઈ પૂછે તો શું કરવું એ જણાવ્યું નહોતું એટલે તે અસમંજસમાં પડી.

“આપણાં એમએલએ ખરા ને… તેના છોકરા ડેનીને લાવ્યાં છે. તે અને તેનો દોસ્ત, બન્નેને કોઈએ માર્યાં છે એવું મેં સાંભળ્યું છે. તેમાં ચારેકોર દોડાદોડી મચી છે. સાહેબ પોતે નીચે આવ્યાં છે અને તેમણે જ મને ડો.ભારદ્વાજને બોલાવી લાવવા કહ્યું.” નર્સ એક શ્વાસમાં બોલી ગઈ. પોતાની સારવાર કરનાર ડોકટરનું નામ ભારદ્વાજ છે એ નર્સે કહ્યું ત્યારે જીમીને ખ્યાલ આવ્યો અને સાહેબ એટલે હોસ્પિટલનાં હેડ દિગંત વોરા એ તેને પછી સમજાયું હતું.

પરંતુ… તેનું ધ્યાન એ વાતમાં નહોતું. તેને તો ડેનીને અને વિક્રાંતને અહી લાવવામાં આવ્યાં તેનું આશ્વર્ય ઉદભવ્યું. વળી નર્સ કહેતી હતી કે કોઈકે તે બન્નેને ઠમઠોર્યાં છે… એ વાત તેને સમજાઇ નહી. કોણે માર્યાં હશે તે બન્નેને…? તે વિચારમાં પડયો. અને… એકાએક જ જાણે ઝબકારો થયો.

એ સાથે જ તે ખડખડાટ હસી પડયો. હસવું નહોતું પરંતુ તેને જે સમજાયું હતું એનાથી અનાયાસે જ તેનાથી હસી પડાયું હતું. તેના હાસ્યથી આખો આઈસીયુ વિભાગ ભરાઈ ગયો. તેના જીગરમાં એકાએક અજીબ પ્રકારનો આનંદ, એક સુકૂન છવાયું. “સાલો રોની… વેલડન દોસ્ત.” તે બેફામ હસતો જ રહ્યો. પાટાથી વિંટળાયેલો તેનો ચહેરો હસતી વખતે અજીબ લાગતો હતો. તેની આંખોમાં પાણી ઉભરાઇ આવ્યાં. નર્સ મોં વકાસીને તેને જોઈ રહી. તેને એમ જ લાગ્યું કે દર્દીને એકાએક હિસ્ટિરિયા ઉપડયો છે.

“સિસ્ટર, મને એ લોકો પાસે લઈ જા. મારે તેમનાં ચહેરા જોવા છે.” જીમીએ એકાએક વિચિત્ર માંગણી કરી. તે જાણતો હતો કે ડેની અને વિક્રાંત જેવા તાકતવર લોકો પોતાની હાર બર્દાસ્ત કરી શકતા નથી. એવા લોકો માટે પોતાની પ્રતિષ્ઠા જ સૌથી વધું મહત્વની હોય છે એટલે જ્યારે તે પરાજિત થાય ત્યારે તેમની અંદરનો ગરૂર ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને એ ખિજ તેમના ચહેરા ઉપર સાફ ઝલકતી હોય છે. જીમી એ ખિજ… એ નામોશી જ જોવા માંગતો હતો. એ બન્નેની ઝુંઝલાહટથી તેનાં જીગરમાં જે અસિમ આનંદ ઉદભવે એ આનંદ મહેસૂસ કરવા માંગતો હતો.

“નાં હો, એ માટે સાહેબની પરમિશન જોઈએ.” નર્સ હવે ખરેખર ગભરાઈ હતી. તેને આ પેશન્ટ પાગલ લાગવા માંડયો હતો. જીમી વધું કંઈ બોલે એ પહેલા ઝડપથી તે બહાર નિકળી ગઈ. એ જોઈને જીમી ફરીથી ખડખડાટ હસ્યો.

(ક્રમશઃ)