Island - 17 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 17

Featured Books
Categories
Share

આઇલેન્ડ - 17

પ્રકરણ-૧૭.

પ્રવીણ પીઠડીયા.

- ઇસવી સન ૧૮૦૦. (અઢારસો.)

સમગ્ર યુરોપમાં એ સમયે ભયંકર આંધાધૂંધી ફેલાયેલી હતી. યુરોપનાં રાજ્યો આપસમાં જ યુધ્ધ લડી-લડીને કંગાળ થઈ ચૂક્યાં હતા. એટલું ઓછું હોય એમ કુદરતી પ્રકોપમાં ભયંકર જાન માલની નુકશાની થતી હતી. અતી વરસાદ, વાવાઝોડા, કાતિલ ઠંડી, બે-હિસાબ ખાબકતો સ્નો-ફોલ જેવા કુદરતી પરીબળોએ યુરોપની સામાજીક અને આર્થિક, એમ બન્ને રીતે કમ્મર ભાંગી નાંખી હતી. કુદરતી પ્રકોપ અને તેના લીધે અચાનક ઉદભવતાં ભયાનક રોગચાળાએ કેટલાય રાજ્યોને સંપૂર્ણપણે તબાહ કરી નાંખ્યાં હતા. ખાસ કરીને બ્રિટનમાં હૈજા અને ચિકનપોક્સ નામની બીમારીઓએ તાંડવ મચાવ્યું હતું. લોકોનાં આખે-આખા પરીવારો એ બિમારીનાં ખપ્પરમાં હોમાઈ જવા લાગ્યાં હતા. એક તો બ્રિટન ઓલરેડી કંગાળ હતું તેમાં આ બિમારીઓ અને કુદરતી આફતોએ તેને ભૂખમરાની સ્થિતીમાં ધકેલી દીધું હતું. લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. ચો-તરફ મોતનું તાંડવ નાંચતું હતું અને તેમાથી કેમ નિકળવું એ બ્રિટનનાં રાજ-પરીવારને પણ સમજાતું નહોતું. એવા સમયે… તેમના માટે એક જ આશાની જ્યોત ઝગતી હતી અને એ હતી… “ઈસ્ટ ઈન્ડિયા કંપની.”

સમગ્ર બ્રિટનમાં એક ઈસ્ટ ઈન્ડિયા કંપની જ એવી હતી જે આર્થિક રીતે ઘણી સધ્ધર હતી. અને તેનું સૌથી મોટું કારણ એ હતું કે એ સમયે કંપની હિન્દુસ્તાન નામનાં દેશ સાથે વેપાર કરતી હતી જેમાં કંપનીને મબલખ ફાયદો થતો હતો. એક રીતે ગણો તો બ્રિટન અને તેનો શાહી પરીવાર સંપૂર્ણપણે કંપની ઉપર નિર્ભર હતો અને કંપની હિન્દુસ્તાન ઉપર. કંપનીની જાહોજલાલી જોઈને ઘણાં બ્રિટિશ યુવકો તેમા કામ કરવાં સામેથી જોડાતાં હતા. બ્રિટિશ સરકારે પણ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં મહેનત વધારી હતી અને હિન્દુસ્તાન સાથેનો વેપાર ઓર વધે એવા પ્રયાસો આદર્યાં હતા. કંપનીનો વેપાર સંપૂર્ણપણે જહાજો થકી થતો એટલે તેના જહાજી બેડામાં બને તેટલા વધું જહાજો ઉમેરાવા લાગ્યાં હતા જેથી હિન્દુસ્તાનની વધું ખેપ મારી શકાય અને એટલો વધું ફાયદો થાય.

એ સીલસીલો ઘણાં વર્ષો ચાલ્યો. એ દરમ્યાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો વેપાર હિન્દુસ્તાનમાં ઘણો ફૂલ્યો ફાલ્યો હતો. કંપની વેપાર ઉપરાંત ધીમે-ધીમે હિન્દુસ્તાનનાં આંતરીક રાજકારણમાં પણ રસ લેતી થઈ હતી અને… પોતાની જન્મજાત કૂનેહથી કે કૂટ નિતિથી તેમણે ઘણાં રાજ્યોને પોતાનાં હસ્તગત કરી લીધા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ધજા હિન્દુસ્તાનનાં ઘણાં રાજ્યો ઉપર ફરકવા લાગી હતી.

પણ… ખેર… એ આખો ઈતીહાસ અલગ છે કે કેવી રીતે ભારતમાં વેપાર કરવા આવેલી એક કંપનીએ પછી વર્ષો સુધી ભારત ઉપર રાજ કર્યુ. એના માટે તો પુસ્તકોનાં પુસ્તકો લખાયા છે અને હજું લખવા બેસીએ તો ઘણાં નવા પુસ્તકો લખાય પરંતુ આ કહાનીનો વિષય એ નથી. આપણો વિષય છે એક જહાજ, જે અનુપમ હતું… અદભૂત હતું… અને એટલું જ રહસ્યમય પણ હતું. એ જહાજ હતું ’વેટલેન્ડ’

આપણી વાર્તા તેનાથી ઘણી અલગ છે છતાં… તેનો એક છેડો એ સમય ખંડ સાથે જોડાયેલો છે.

------------

અંગ્રેજોએ એ જહાજને નામ આપ્યું હતું ’વેટલેન્ડ’. વેટલેન્ડ એટલે કોરી ભૂમી… સૂકી ધરતી. સમૃદ્રનાં અથાગ ગહેરા પાણીમાં ભલભલી ચીજ ડૂબી જતી હોય... સમૃદ્ર દરેક ચીજને ગળી જતો હોય… એવા સમયે કોઈ સૂકી ધરતીની જેમ પાણીમાં આ જહાજ તરતું રહેતું એટલે તેને નામ અપાયું હતું ’વેટલેન્ડ.’ પાણીમાં રહેવા છતાં જે હંમેશા કોરું રહે… તેની સપાટી સૂકી રહે… એ વેટલેન્ડ. વેટલેન્ડને બનાવવામાં આવ્યું એ પહેલા પણ ઘણાં જહાજો અંગ્રેજોએ બનાવ્યાં હતા પરંતુ વેટલેન્ડ તેમના માટે અનેરું સાબિત થયું હતું. એ જહાજ ખાસ પ્રકારનાં ’સ્કોટ’ પાઈનનાં વૃક્ષોનાં લાકડાનો ઉપયોગ કરીને બનાવાયું હતું. એ લાકડાની ખાસીયત એ હતી કે એ ક્યારેય સડતું નહી કે બટકતું નહી. પાઈનનાં વૃક્ષો આમ તો પૂરા ઈગ્લેન્ડમાં ઉગતા પરંતુ ’સ્કોટ’ પાઈન, અને તેમા પણ વેટલેન્ડ જેમાથી બન્યું એ લાકડું બ્રિટનનાં ઘેરા જંગલોમાં અતી દૂર્ગમ જગ્યાએ મળતું. અને એટલે જ એ ખાસ હતું. વેટલેન્ડને જ્યારે સમૃદ્રમાં તરતું મૂકવામાં આવ્યું ત્યારે તેને જોવા આખું બ્રિટન ભેગું થયું હતું. તે દિવસે ઈંગ્લેન્ડનાં દરિયા કિનારે મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. હતું તો એ એક નાનકડું જહાજ જ પરંતુ તે કોઈ અજૂબાથી કમ નહોતું. ખાસ કરીને તેમાં બનાવાયેલું ભંડકિયું અને ભંડકિયાની અંદર બનાવામાં આવેલી નાની કેબિનો સૌથી વધું ચર્ચાનું કેન્દ્ર બની હતી. આજ પહેલા કોઈ જહાજમાં આટલી આધૂનિક સગવડતા યૂક્ત કેબિનો બની નહોતી એટલે સ્વાભાવિક છે કે એ નવીનતા લોકોની આંખોએ ઉડીને વળગે. વેટલેન્ડ ખરેખર અદભૂત હતું. અદભૂત અને અફલાતૂન. એ પછી બ્રિટિશ નૌ-સેનાએ એવા ઘણાં જહાજો બનાવ્યાં પરંતુ એ તમામ જહાજોમાં વેટલેન્ડનો દબદબો છેક તેના અંત સુધી અલગ જ રહ્યો હતો.

જી હાં… એ જહાજનો અંત થયો હતો. વેટલેન્ડ રહસ્યમય રીતે ડૂબ્યું હતું અને ડૂબ્યાં પછી ક્યારેય કોઈને તેના અવશેષો મળ્યાં જ નહોતાં. તેને શોધવાની ઘણી કોશિષો થઈ હતી. સમૃદ્રમાં જે જગ્યાએ જહજ ડૂબ્યું ત્યાં અને તેની આસપાસનો ઘણો લાંબો વિસ્તાર રીતસરનો ઉલેચી નાંખવામાં આવ્યો હતો એમ કહી શકાય. પરંતુ કોણ જાણે કેમ પણ વેટલેન્ડનો જરા સરખો અણસાર પણ ખોજી દળને મળ્યો નહોતો અને એ જહાજ એક અજીબ દાસ્તાન બનીને ઈતીહાસનાં પાનાઓમાં દફન થઈ ગયું હતું. જેટલી જાહોજલાલી “વેટલેન્ડ” સાથે જોડાયેલી હતી એટલી જ રહસ્યમય કહાની બનીને તે રહી ગયું હતું.

વેટલેન્ડ ગૂમ થયું… મતલબ કે સમૃદ્રમાં ડૂબી ગયું… એ દિવસ હતો બે એપ્રિલ ૧૮૭૧. એ મનહૂસ દિવસે વેટલેન્ડ હિન્દુસ્તાનનાં એક બારામાં લાંગરેલું હતું.

- ઇસવી સન ૧૮૭૧. (અઢારસો એકોતેર.)

“વેટલેન્ડ” નામનું જહાજ હિન્દુસ્તાનથી ઈંગ્લેન્ડ તરફ રવાના થવા તૈયાર હતું. છેલ્લા ચાર દિવસથી બંદરગાહમાં એક ખૂણે બંધાયેલા તેના લંગર છોડવાને બસ... હુકમ ભરની રાહ જોવાતી હતી. બંદરનો કારભારી વસંત માડુ પણ હવે કંટાળ્યો હતો. તેના કંટાળવાનું એક કારણ હતું… વેટલેન્ડ નામનાં એ જહાજે બંદરમાં કારણ વગરની જગ્યા રોકી રાખી હતી જેના લીધે બીજા જહાજોની આવન જાવનમાં પણ તકલિફ ઉભી થતી હતી. તેણે એ બાબતે ઉપરી સાહેબને કહેણ પણ મોકલાવ્યું હતું પરંતુ સાહેબને જાણે કોઈ ઉતાવળ ન હોય એમ તેમણે હજું સુધી કોઈ ફરમાન મોકલ્યું નહોતું. પરંતુ આખરે ચાર દિવસ બાદ એ ફરમાન આવ્યું હતું અને વેટલેન્ડ નામનાં જહાજમાં હલચલ શરૂ થઈ હતી. અને સાથોસાથ શરૂ થઈ હતી એક ગજબનાક દાસ્તાન.

આમ જોવા જાઓ તો એ દાસ્તાંનનાં શ્રી ગણેશ તો અઠવાડિયા પહેલા જ થઈ ચૂક્યાં હતા. અઠવાડિયા પહેલા ઉત્તર બાજુથી સમૃદ્રમાં તોફાન ઉઠયું હતું જે દિવસેને દિવસે વધું વિકરાળ રૂપ ધારણ કરતું જતું હતું. જે દિવસે જહાજને ’રિલિઝ’ કરવાનો હુકમ મળ્યો તે દિવસે તો પરિસ્થિતી ઓર વિકરાળ બની હતી. ભયંકર વરસાદ અને વાવાઝોડાએ સમૃદ્રને જાણે રીતસરનો બાનમાં લીધો હોય એમ પાણીમાં ભયંકર મોજા ઉછળી રહ્યાં હતા. જબરજસ્ત તોફાન અને તેજ ગતીએ વાતા પવનોએ બંદરગાહ પર ઉભા રહેવું પણ મુશ્કેલ બનાવ્યું હતું. બંદરગાહનો કારભારી વસંત માડુ પણ ગભરાઈ ગયો હતો. તેણે બંદરગાહનું રેડ સિગ્નલ શરૂ કરી દીધું હતું અને ગોદીમાં કામ કરતા તમામ માણસોને સુરક્ષિત જગ્યાએ ચાલ્યાં જવાનું ફરમાન કર્યું હતું. તે પોતે પણ બધું એમ જ છોડીને પોતાના ઘરે જવા માંગતો હતો પરંતુ એ એટલું  આસાન નહોતું. બંદરગાહને સાવ રેઢું મૂકીને તે જઈ શકે તેમ નહોતો કારણ કે મુશ્કેલીનાં સમયે તેની જવાબદારી ઓર વધી જતી હતી. એટલે જ તે રોકાયો હતો અને બીજા થોડાક વિશ્વાસું માણસોને પોતાની સાથે રોકી રાખ્યાં હતા. એ તેની ફરજમાં આવતું હતું કે તે બંદરગાહની રખવાળી કરે. અને આજે તો બીજું પણ એક કારણ હતું જે કોઈપણ ભોગે તેણે કરવું જ પડે એમ હતું. જે વેટલેન્ડ જહાજનાં કારણે તેને તકલિફ થતી હતી એ જ જહાજમાં તેના ઉપરી સાહેબનો સામાન ચઢાવાનો હતો. એ સામાન ઈંગ્લેન્ડ લઈ જવાનો હતો. સામાનમાં શું હતું એ વસંત માડુને ખબર નહોતી અને તેણે એ જાણવાની તસ્દી પણ લીધી નહોતી. પરંતુ… આજે તેની પણ કિસ્મત બદલાઈ જવાની હતી એ સચ્ચાઈથી તે અજાણ હતો.

------------

’વેટલેન્ડ’ જહાજ ઈંગ્લેન્ડ જવાનું હતું. આમ તો જો કે એ બ્રિટિશ હુકુમતનાં જહાજ બેડામાંનું જ એક હતું પરંતુ ઘણી વખત તેનો ઉપયોગ મોટા બ્રિટિશ અફસરો પોતાનાં ખાનગી કામ માટે પણ કરતા જેનો ઉલ્લેખ કોઈ જગ્યાએ થતો નહી. એ બધી વ્યવસ્થા ખાનગી રાહે ગોઠવાતી જેમાં જહાજનાં કેપ્ટન અને તેના સાથીઓની પણ સામેલગીરી રહેતી કારણ કે તેઓને તેમનો હિસ્સો મળી રહેતો. હિન્દુસ્તાનની ધરતી અંગ્રેજ અફસરો માટે સોનાની ખાણ સાબિત થઈ હતી. જે લોકોને ઈંગ્લેન્ડમાં એક સમયે બ્રેડનો એક ટૂકડો પણ મળવો દોહ્યલો હતો એવાં લોકોનાં હાથમાં એકાએક સોના મહોરો ભરેલી તાસક આવી પડી હતી જેને લૂંટવામાં તેમણે કોઈ કચાશ છોડી નહોતી.

સન ૧૮૫૭ નો બળવો થયો એ પહેલા એવું નહોતું. એ પહેલા ઈસ્ટ ઈંડિયા કંપનીનાં નેજા હેઠળ ભારતનો તમામ વહીવટ એક વેપારી પેઢી તરીકે ચાલતો હતો પરંતું બળવા પછી ધીમે-ધીમે એ વહીવટ બ્રિટિશ સરકારે પોતાનાં હસ્તક કરવા માંડયો હતો. સન સત્તાવનનો બળવો ભારત અને બ્રિટિશ રાજ, એમ બન્ને માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. સત્તાવનની જીત પછી ખાસ તો બ્રિટિશ સરકારને એકાએક એક સત્ય સમજાયું હતું કે તેઓ ભારતમાં ફક્ત વેપાર જ નહી પરંતુ ચાહે તો હુકુમત પણ કરી શકે છે. અને તેમણે એ બાબતને ગંભીરતાથી લઈને ઠેર ઠેર પોતાની કોલોનીઓ સ્થાપવાની શરૂઆત કરી દીધી હતી. ઘણાં કાબેલ અફસરોને બ્રિટિશ સરકારે ભારતમાં મોકલવા શરૂ કર્યાં હતા. એવું નહોતું કે બળવા પહેલા બ્રિટિશ સરકારની ભારતની ધરતી ઉપર પકડ નહોતી. એ પહેલા પણ ઘણાં રજવાડાઓ તેમના તાબા હેઠળ આવી ચૂક્યાં હતા પરંતુ… સમગ્ર ભારત દેશ ઉપર એક હથ્થું શાસન કરવાનો રસ્તો તેમને ઇસવી સન ૧૮૫૭માં મળેલી જીત બાદ પ્રશસ્ત થયો હતો. એકાએક તેમને એવું લાગવા માંડયું હતું કે તેઓ ભારત ઉપર આસાનીથી રાજ કરી શકવાની સ્થિતીમાં છે. વિપ્લવની આંધી શમતા સમય જરૂર લાગ્યો હતો પરંતુ એ સમયમાં બ્રિટિશરોએ પોતાના પગ બહુ જ ચૂપકીદી અને મૃત્સૃદગીરીથી ભારતમા પસારી દીધા હતા. અને કેમ ન હોય… તેમને ભારત અને ભારતનાં લોકોની માનસિકતા બરાબરની સમજાઈ ગઈ હતી. તેમને એક ગોલ્ડન રૂલ મળી ગયો હતો… “ભાગલા પાડો અને રાજ કરો.” આ એક જ મંત્રનાં જોરે તેમણે પોતાની સત્તા વિસ્તારવાનું શરૂ કર્યું હતું અને.... એ વિસ્તારવાદમાં ખૂદ ભારતીય પ્રજાએ તેમને ઘણો સાથ આપ્યો હતો. વિશ્વમાં કદાચ ભારત પહેલો એવો દેશ હતો જેની પ્રજાએ જાતે ગુલામી સ્વિકારી હતી અને બ્રિટનને ધ ગ્રેટ બ્રિટન બનવામાં મદદ કરી હતી.

સોળમી સદી અને એ પહેલાનો બ્રિટિશ ઈતીહાસ તપાસો તો ખ્યાલ આવે કે બ્રિટનનો સમાજ અને ત્યાં વસતા લોકોનું જીવન અંધશ્રધ્ધા, અરાજકતા, ભૂખમરો, રોગચાળો ગરીબી અને કંગાળ અર્થ-વ્યવસ્થાથી ભરેલું હતું. તેમની એ જ કંગાળીયતે જ તેમને બીજા દેશો તરફ નજર દોડાવા મજબૂર કર્યાં હતા જેથી તેઓ બેહતર જીવન જીવી શકે. બહેતર અને સારા જીવનની આશાએ તેમણે દરિયો ખેડવો શરૂ કર્યો હતો. બ્રિટિશ લોકોની સૌથી મોટી જમા બાજું હતી એ લોકોની અદમ્ય સાહસવૃત્તી. એ જ સાહસવૃત્તીનાં જોરે તેમણે સમૃદ્રનાં પાણી ઉપર તરી શકે એવા જહાજો બનાવ્યાં અને બીજી ખોજ કરી હતી બંદૂકની. પછી એ જહાજો અને બંદૂકો લઈને તેઓ બીજા દેશો શોધવા નિકળી પડયા હતા. અંગ્રજ લોકોએ હિન્દુસ્તાન વિશે ઘણું સાંભળ્યું હતું. ખૈબર ઘાટી અને અફઘાનીસ્તાનનાં રસ્તેથી આવતા હિન્દુસ્તાની મસાલાનાં વેપારીઓનાં મોઢે તેમણે હિન્દુસ્તાનની જાહોજલાલીનાં અસંખ્ય કિસ્સાઓ સાંભળ્યાં હતા અને તેમને હિન્દુસ્તાનમાં દિલચસ્પી જાગી હતી. તેમણે સમૃદ્ર માર્ગે ભારત દેશ ખોજ્યો હતો અને….

પણ ખેર… એ વિશે તો પુસ્તકોનાં પુસ્તકો ભરાય એટલી કહાનીઓ પ્રવર્તે છે એટલે તેને અધ્યાહાર જ રાખીએ. મૂળ વાત હતી વેટલેન્ડ જહાજની. ૧૮૭૧નો એપ્રિલનો એ દિવસ ઉગ્યો ત્યારે કોઈને ખબર નહોતી કે એ જહાજનું શું થવાનું છે…? જો ખબર હોત તો જહાજ બંગરગાહમાંથી ઉપડયું જ ન હોત.

(ક્રમશઃ)