Raaino Parvat - 6 in Gujarati Drama by Ramanbhai Neelkanth books and stories PDF | રાઈનો પર્વત - 6

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

રાઈનો પર્વત - 6

અંક છઠ્ઠો
 

પ્રવેશ ૧ લો

સ્થળ : રંગિણી નદીનો કિનારો.

[ જગદીપ નદીતટે શિલાપર બેઠેલો પ્રવેશ કરે છે. ]

જગદીપ : આ રમણીય સ્થળ આટલું પાસે છતાં અહીં હું કદી આવ્યો જ નથી, એ કેવું નવાઈ જેવું ! કિસલવાડી અને કનકપુર વચ્ચે હું બહુ ફર્યો છું, અને આખું કનકપુર ફરી વળ્યો છું. પણ, કનકપુર મૂકીને ઉત્તરે આ પહેલાં હું કદી આવ્યો જ નથી, એ કેવું ! પણ આઘે નદી બાગમાં થઈને જાય છે, અને, બાગમાં અગાડી મોટું મકાન દેખાય છે, તોપણ શીતલસિંહ મને આ તરફ કદી લાવ્યા નથી, અને એ મકાન વિશે મને તેમણે કાંઈ માહિતી આપી જ નથી ! હશે. પણ શીતલસિંહનું શું થશે ? હું એમને કે જાલકાને મળવા રહો હોત તો એમની બન્નેની ક્ષમા માગી શકત. ક્ષમા! અમારા ત્રણમાંથી ક્ષમા કોણે કોની માગવાની ! વળી હું રાતે બારોબાર નીકળી આવ્યો ન હોત તો મને આવી સ્વતંત્રતા ક્યાંથી મળત ! એ સ્વતંત્રતાના ઉપભોગમાં અરુણોદયથી કેવો ઉલ્લસ થાય છે.

(વસંતતિલકા)

ધિમે ધિમે સ્ફુરતું જે ગગને પ્રભાત

એકાત્મ તે શું થઈ આ પૃથિવી સમસ્ત!

જ્યાં ત્યાં પ્રભાત ફુટતું જલ વાયુ વૃક્ષે!

ફૂટે પ્રભાત વળિ પક્ષિનિ પાંખમાંથી ! ૬૫

 

​અને મારામાંથી પણ પ્રભાત પ્રગટ થતું લાગે છે.

[સંગીત સંભળાય છે.]

અહો ! ધ્વનિ શાનો સંભળાય છે? સંગીતનો સ્વર નદીના પટ ઉપર થઈને ચાલ્યો આવે છે. (દૃષ્ટિ લાંબે નાખીને) નદીમાં હોડી છે. તેમાં બે સ્ત્રીઓ છે: એક હંકારે છે અને એક સારંગીના વાદ્ય સાથે ગાય છે. કેવો મધુર કંઠ ! હોડી આ તરફ આવે છે. પણ નદી બાગમાંથી બહાર નીકળે છે ત્યાં નદીના પટ ઉપર ઝૂલતો ઝાંપો છે, એટાલે અહીં સુધી હોડી આવશે નહિ. હું અહીંજ બેસીને સાંભળું. આ ચંબેલીના છોડનો ઓથો છે, તેથી હું નજરે નહિ પડું.

[નદી પર તરતી હોડીમાં બેઠેલાં વીણાવતી અને લેખા આઘેથી આવતાં પ્રવેશ કરે છે. લેખા હોડી હંકારે છે અને વીણાવતી સારંગી વગાડી ગાય છે.]

વીણાવતી :

(ભૈરવી)

વિનવું, માર્ગ કરો ! વહે મુજ નાવ.

રોક નદી! તુજ પ્રતિકૂળ સ્રોત તું, આ નાવ સમાવ; વિનવું.

વાયુ ! ધસે જે વેગ તુજ સામો, નાવ કાજ તે હઠાવ; વિનવું.;

કાષ્ઠ ! તું તજ આ જડ ભાર તારો, નાવ હલકી બનાવ; વિનવું.

જાઓ છુટી સહુ સ્થૂલ મુજ બન્ધન, સૂક્ષ્મગતિ ! તું આવ; વિનવું.

સરલ પથ મન અભિલાષા... ... ... ૬૬

 

જગદીપ : એકાએક સંગીત બંધ કેમ થયું ? (દ્રષ્ટિ કરીને) અરે ! પણે હોડી ડૂબે છે !(ઊભો થાય છે.)

['કોઈ આવજો વે' એવે બૂમ સંભળાય છે.]

હું શી રીતે જઈ પહોંચું ? બાગની આસપાસ તો ઊંચો કોટ છે. હા! નદીના પટ પરનો ઝૂલતો ઝાંપો એક ઠેકાણે તૂટેલો છે ! નદીમાં થઈને એ રસ્તે જાઉં. પાણી ઊંડું આવશે ત્યાં તરીશ.

[નદીમાં પ્રવેશ કરીને ઉતાવળો જાય છે. હોડીમાં પાણી ભરાઈ જતાં હોડી ડૂબે છે, અને વીણાવતી અને લેખા પાણીમાં પડે છે. જગદીપ ત્યાં જઈ પહોંચે છે. લેખા તાણાઈને આઘે જાય છે. વીણાવતી પાણીમં નીચે જાય છે, જગદીપ વીણાવતીને ઊંચકી કિનારે લઈ આવે છે અને સુવાડે છે.]

એણે પાણી પીધું નથી. માત્ર ધ્રાસકાથી બેભાન થઈ ગઈ છે. બાઈ ! બાપુ ! જાગ્રત થાઓ! અહો ! કેવું અદ્ભુત લાવણ્ય!

(મન્દાક્રાન્તા)

અંગે અંગે પટ જલ તણું ઝીણું એને વિટાયું,

ધોળું કેવું ચકચક થતું કાન્તિથી તે છવાયું!

ચારે પાસે તૃણમય ધરા તેજ-સંક્રાન્તિ પામી

દીપે જાણે લિલમથિ જડી ભૂમિ પ્રાસાદમાંથી ૬૭

 

અને, આ પણ કોઈ પ્રાસાદમાંની જ કોઈ લાવણ્યશ્રી છો. પણ, અરે, આ મૂર્છાગત થયેલી પરવશ સ્ત્રીના અંગનું નીરીક્ષણ કરવું એ યોગ્ય છે ? હું આડી દૃષ્ટિ રાખીને જ એને જગાડવા પ્રયન્ત કરીશ. (આડું જુએ છે) બાઈ ! ઊઠો! }}

[લેખા ભીને લૂગડે પ્રવેશ કરે છે.]

લેખા : હાય ! હાય ! કુંવરીબાનું શું થયું ?(જગદીપને જોઈને અટકીને) તમે કોણ છો ?

જગદીપ : હોડી ડૂબતી જોઈને હું મદદે દોડી આવ્યો છું અને આમને મેં પાણીમાંથી બહાર કાઢીને સુવાડ્યાં છે. જુઓ એ હાલ્યાં !

[લીલાવતી આંખ ઉઘાડે છે.]

 

વીણાવતી : લેખા ક્યાં છે?

લેખા : આ રહી. હું તમારી પાસે જ છું.

વીણાવતી : આપણે શી રીતે બચ્યાં ?

લેખા : હું તો વહેણમાં થોડું તણાઈને પછી કિનારા તરફ જતાં છોડવાં ને ઝાલીને બહાર નીકળી આવી. તમે તો હોડી આગળ જ ડુબ્યાં તે આમણે તમને બહાર કાઢ્યાં.

[વીણાવતી બેઠી થઈને જગદીપ તરફ જુએ છે અને પછી નીચું જુએ છે.]

વીણાવતી : લેખા ! હાલ તો આપણે અહીંથી જવું જોઈએ. આપણાં લૂગડાં ભીનાં છે. આપણા નોકરો આ આવી પહોંચ્યા.

[નોકરો પ્રવેશ કરે છે.]

લેખા : (નોકરોને) બા માટે પાલખી લઈ આવો.

[નોકરો જાય છે.]

લેખા : (જગદીપને) અમે આપનાં બહુ આભારી છીએ, પણ હવે આપ સિધાવો. આ ભૂમિમાં કોઈ પરાયાએ પેસવું નહિ એવી સખત આજ્ઞા છે.

વીણાવતી : લેખા ! એમ અસભ્ય થવાય ?

લેખા : ત્યારે શું એમને આપણે ત્યાં આવવાનું નિમંત્રણ કરું ?

વીણાવતી : એવી અમારી ઇચ્છા છે એમ મેં તને ક્યારે કહ્યું ?

જગદીપ : આ અકસ્માત બનાવથી આમેન્ કાંઈ અસ્વસ્થતા થઈ નથી, એ સમાચાર મને મળે તો હું ઉપકૃત થાઉં.

લેખા : એ કેવળ અશક્ય છે.

[નોકરો પાલખી લઈ પ્રવેશ કરે છે.]

લેખા : (વીણાવતીને) બા, ચાલો, આ પાલખીમાં બેસો. (જગદીપને) કોટમાં સામું દ્વાર છે તે આપને જવા માટે નોકર ઉઘાડી આપશે.

[વીણાવતી જગદીપ તરફ દૃષ્ટિ કરતી પાલખીમાં બેસે છે. પછી નોકરો પાલખી ઉપાડી જાય છે. સાથે લેખા જાય છે.]

જાગદીપ : (પાલખી પાછળ દૃષ્ટિ કરીને) કેટલી ઝડપથી પાલખી અદૃશ્ય થઈ ગઈ ! પણ, બીજા પાસેથી રત્ન ઝુંટવી લેનાર બીજાનું શું થયું તે જોવા ક્યારે ઊભું રહે છે?

(ચામર)

 

હોડિમાંથી રત્ન એ ઝુંટાવિ રંગિણી નદી,

ચાલિ ને લઈ પછાડિ હોડિ મૂકિ ડૂબતી;

રંગિણી કનેથિ ખેંચિ મેં ન જોયું તે ભણી,

મારિ વૃત્તિ તે ગણે શું જાય જે મને લુંટી? ૬૮.

 

એવી લુંટાયાની અવસ્થામાં હું આવ્યો છું ? આજ હું એ કાંઇ નવો કજ ભાવ અનુભવું છું ! પેલું દ્વાર મારે માટે ઉઘડ્યું મારે જવું જ પડશે.

 

(વંશસ્થ)

ન જાણું મારું મુકિ જાઉં શું અહીં,

ન જાણું મારું લઇ જાઉં સાથ શું;

બહાર આવી ઉરવૃત્તિઓ બહુ,

સમેટિ જાણું નહિં તે હું આ ઘડી. ૬૯

[દ્વારમાં થઈ કોટ બહાર જાય છે.]

 

 

પ્રવેશ ૨ જો

[જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે. ]

દુર્ગેશ : તે પછી તમે એને દીઠી જ નથી?

જગદીપ : ફક્ત એકવાર દીઠી છે. હોડીનો એ અકસ્માત બન્યો તે દિવસે હું કોટ બહાર આવ્યો, પછી તરત નદી પરનો ઝૂલતો ઝાંપો તૂટ્યો હતો ત્યાંથી સાંધી લેવામાં આવ્યો. સાંજ સુધી હું ત્યાં રહ્યો, પણ કોઈ જણાયું નહિ. જે ચંબેલીના છોડ આગળથી હોડી પ્રથમ ડૂબતી મારી નજરે પડી હતી ત્યાં બીજે દિવસે સવારે મોટો મગરમચ્છ મરેલો પડ્યો હતો. તે જોવા એ યુવતી પરિચારિકાઓ સાથે બહાર આવી હતી. આઘેથી તેમને જોઈ તેમને પાછા ફરવાના માર્ગ પર આવેલા શિવાલયના ઓટલા પર જઊને હું બેઠો. પાસે અવતાંપરિચારિકાઓએ મને જોઈ મારા ભણી રોષભરી દૃષ્ટિ કરી.

દુર્ગેશ : અને એ યુવતીએ ?

જગદીપ : એ તો

(ઈન્દ્રવિજય)

 

ચાલી ગઈ મુજ આગળથી મુખ રાખિ નિચું, હઇયું ઉભરાતું,

થોભિ અગાડિ જઈ લટને અમથી જ સમારિ કરી મુખ પાછું;

ને જરિ ચોરવિ દૃષ્ટિ કરી મુજ સામિ, પછી, મુખને મલકાવ્યું,

પાછિ ફરી પછિ ચાલિ ગઈ, દઈ સંશય-શું કંઈ સ્વપ્ન જ આવ્યું ? ૭૦

 

દુર્ગેશ : અને, હવે સ્વપ્નાવસ્થા ચાલે છે કે સંશયાવસ્થા ?

જગદીપ : મારી વિહ્વલતા હાસ્યપાત્ર ભાસતી હશે, પણ તેનો ઉપાય એ યુવતીના પુનર્દર્શન વિના બીજો એકે નથી.

દુર્ગેશ : એનું નામ કાંઈ જાણવામાં આવ્યું ?

જગદીપ : એના નામથી શબ્દથી મારા કર્ણ ધન્ય થયા નથી. એની એક પરિચારિકાનું નામ લેખા છે.

દુર્ગેશ : સ્વામીથી સેવક ઓળખાય કે સેવકથી સ્વામી ઓળખાય ?

જગદીપ : જગતના બધાં સિદ્ધાંતો મારી સ્મૃતિમાંથી ખસી ગયા છે. મને યાદ આવે છે કે લેખાએ એને 'કુંવરીબા' કહી હતી.

દુર્ગેશ : 'કુંવરીબા'? અહીં તો કોઈ કુંવરી નથી. પર્વતરાયને પ્રથમનાં રાણીથી એક કુંવરી હતી. તે તો કેટલાંક વર્ષ પર કાંઈ ભેદભરેલી રીતે ગુજરી ગઈ. અને 'કુંવરી' કહેવાય એવી કોઈ બાલા અહીં છે જ નહિ.

જગદીપ : ત્યારે આ મહેલમાં કોણ રહે છે ?

દુર્ગેશ : એ મહેલમાં કોઈ કાયમ રહેતું નથી. એ મહેલ રાણીસાહેબના ખાસ તાબામાં છે, અને તેઓ કોઈ વખત અહીં આવે છે. એમની રજા સિવાય કોઈ એ મહેલમાં જઈ શકતું નથી. એ મહેલની વ્યવસ્થા અને ખર્ચ પણ લીલાવતીને હસ્તક છે. મંત્રીશ્વરને પણ એ સંબંધે કાંઈ વ્યવહાર કરવાનો નથી; બધું લીલાવતી જ કરે છે. એ યુવતી તે લીલાવતી તો નહિ જ?

જગદીપ : બેશક નહિ. એનું વય લીલાવતીથી કાંઇક ઓછું છે, પણ એનું સૌન્દર્ય લીલાવતીથી સહસ્ત્રગણું વધારે છે. લીલાવતીને મેં જોઈ ત્યારે તેનું સૌન્દર્ય મને અનુપમ લાગેલું, પરંતુ હવે મને સમજાયું કે ઉપમાનોના વિશાળ સંગ્રહનો ચિત્તમાં સંચય કર્યા વિના 'અનુપમ', 'અતુલ્ય', 'અપૂર્વ', સર્વોત્કૃષ્ટ', 'અલૌકિક' એવાં વિશેષણો વાપરવા એ માત્ર મૂર્ખતાનો આડંબર છે; પણ એ અજ્ઞાત સુન્દરીનું વર્ણન કરવા માટે વિશેષણ કે ઉપમાનોની જરૂર જ નથી.

(હરિગીત)

 

શું ધરતી કે શું પાણિ કે શું પવન કે શું માનવી,

જે જે ઘડીએ ધન્ય થાતું એહના સંસર્ગથી

તે તે ઘડીએ દાખવે સૌન્દર્ય પોતાનું ઉંડુ,

ને તૂટતો સંસર્ગ જ્યાં કદ્રપ ત્યાં તે થઇ જતું. ૭૧

 

એ નિશાની એને ઓળખવાને બસ છે.

દુર્ગેશ : એવી કોઇ સ્ત્રી આ દેશમાં વસતી હોવાનું કમલા જાણે છે કે કેમ તે હું પૂછી જોઈશ. પુરુષોને ખબર ન હોય, પણ સુન્દર સ્ત્રીની સ્ત્રીઓને ખબર ન હોય એમ બનતું નથી. પણ અત્યારે આપણે બન્ને તપાસ કરીએ. કોઈ નોકર ચાકરો મહેલના કોટમાં જતા આવતા નજરે પડ્યા છે?

જગદીપ : બીજી વાર એ સુન્દરી જોઈ ત્યાર પછી હું મહેલને ચારે તરફ ફરી વળ્યો છે. પાંચ દિવસથી એ પ્રદક્ષિણા કરું છું. તરાપો બનાવી તે પર નદી ઓળંગી બન્ને પારના કોટના એકેએક દ્વાર આગળ વાટ જોઈ બેઠો છું, પણ કોઈ દ્વાર ઊઘડતું નથી ને કોઈ માણસ નીકળતું નથી કે પેસતું નથી. માત્ર અત્યારે કોટાનું આ મુખ્ય દ્વાર ઊઘડે છે, તેમાંથી અંદર રહ્યું રહ્યું કોઈ એક રાતી ગાયને બહર કાઢે છે ને એક રબારી બહારથી દરવાજા આગળ આવે એ ગાયને ચરાવવા લઈ જાય છે. સાંજે તે ગાયને પાછી દરવાજા આગળ લઈ આવે છે ત્યારે દરવાજો ઉઘડે છે. દરવાજા આગળ અંદરથી કોણ આવે છે તે જણાતું નથી, અને રબારી દરવાજાથી આઘો ઊભો રહે છે.

દુર્ગેશ : રબારી સવારે ક્યારે આવે છે ?

જગદીપ : હવે વખત થયો છે, અને તે જ માટે હું આ તરફ આવ્યો છું. સવારસાંજ દરવાજો ઊઘડતો જોવાનો સંતોષ મેળવું છું.

દુર્ગેશ : એથી કાંઈ વધારે સંતોષ મેળવવાનો માર્ગ કદાચ એ પ્રસંગે જડી શકશે.

જગદીપ : શી રીતે ?

દુર્ગેશ : એ યુવતીના દૃષ્ટિપાત અને સ્મિતનો જે વિભ્રમ તમે વર્ણવ્યો તે પરથી જણાય છે કે એનું હ્રદય તમારામાં આસક્ત થયું હોવું જોઈએ, અને એ પણ તમારા દર્શન માટે ઉત્કંઠિત થઈ હોવી જોઈએ.

જગદીપ : એવાં અનુમાન બાંધ્યાથી શું હાથમાં આવ્યું.

દુર્ગેશ : પ્રેમમાં પણ ધીરજ વિના ચાલે તેમ નથી. અનુમાન બાંધ્યાથી તો સ્વર્ગનો માર્ગ પણ હાથ લાગે છે. તમે ઉત્કંઠિત થઈ બહાર ફરતા હશો એમ પણ એ યુવતી ધારતી હોવી જોઈએ. અને, માત્રા આજ દ્વાર ઉઘડે છે અને તેમાંથી આ ગાય બહાર આવે છે એ સ્થિતિ તો એ જાણતી જ હોવી જોઈએ. તો એ ગાય બહાર આવવાના પ્રસંગે એ કાંઇ સંદેશ મોકલવાનો પ્રયત્ન કરે એમ કેમ ન બને?

જગદીપ : જુઓ પેલો રબારી આવે છે ને દરવાજા તરફ જાય છે.

[રબારી આધેથી પ્રવેશ કરે છે.]

પેલો દરવાજો ઊઘડ્યો, અને ગાય બહાર આવી, દરવાજો પાછો વસાઈ પણ ગયો.

દુર્ગેશ : ગાય રળિયામણી દેખાય છે. એને ગળે કોડીઓની માળા બાંધેલી છે. ચાલો,આપણે એ ગાય ને રબારી પાસે જઈએ.

[બન્ને તે તરફ જાય છે]

 

દુર્ગેશ : રામ રામ ! ભાઈ રાયકા !

જગદીપ : રામ રામ.

દુર્ગેશ : અમે આ ગાયને જરાક પરસાદ ખવડાવીએ ? અમે ક્યારના લાલ ગાય ખોળીએ છીએ.

રબારી : ખવરાવોને. રાંધ્યું ખાધાનો તો ઇ ને ધખારો સે. (ડાંગ પર મોઢું ટેકવીને ઊભો રહે છે.)

દુર્ગેશ : (ભાથામાંથી થાળી છોડી ગાયના મોં આગળ ધરીને ગાયને ખવડાવતાં) આ કોની ગાય છે?

જગદીપ : પરભુ જાણે ચેની સે.

દુર્ગેશ : તમને ચરામણ કોઈ આલતું હશે ને?

રબારી : ઈ તો દરબારમાંથી મળે સે. આ ગા ખાઈ રહી. (ગાયને) હેંડ હવે ટેંબા ભણી

[ડચકરા બોલાવતો ગાયને હાંકી જાય છે.]

જગદીપ : સ્વર્ગેય ના જડ્યું ને સ્વર્ગનો માર્ગેય ના જડ્યો. પૃથ્વી પર હતા તેમ જ છીએ.

દુર્ગેશ : જુઓ ! આ વિમાન જેવું તો કાંઈ દેખાય છે.

[પોતાના હાથમાંનો કગાળનો ડૂચો બતાવે છે.]

જગદીપ : એ ક્યાંથી જડ્યો ?

દુર્ગેશ : ગાયની પાસે ઊભા રહી એને ખવડાવતાં બારીક નજરે જોતાં એને ગળે બાંધેલી કોડીઓમંથી વચલી મોટી કોડીમાં કાંઈ જણાયું. તે મેં હળવે રહી ખેંચી લીધું. હું રબારીને મારું ઓઠું કરીને જ ઊભો હતો, એટલે એને દેખાયું નહિ. હવે જુઓ, એ કાગળમાં કાંઈ સત્ત્વ છે?

જગદીપ : (કગળ ઉઘાડે છે.) કાંઈ કવિતા લખેલી છે. (વાંચે છે.)

(ઉપજાતિ)

 

એકાન્તવાસી ઋજુ બાલિકાને,

લઈ ઉપાડી જલસ્રોતમાંથી,

શા આ બિજા સ્રોત અગમ્યમાંહે,

મૂકી તણાતી અસહાય છેક? ૭૨

 

દુર્ગેશ : મેં કલ્પી હતી તે જ સ્થિતિ છે. મારી પાસે આ લેખન-સામગ્રી છે તે વડે એનો ઉત્તર લખો.

જગદીપ : એનો ઉત્તર એ જ કાગળની બીજી બાજુએ લખું છું કે,

(વસંતતિલકા)

 

એ સ્રોત છે હ્રદયના રસપુણ્ય કેરો,

એમાં કદાપિ નથિ જોડ વિના તરાતું;

ઉત્કંઠ જેહ તલસે બનવા સહાય,

રોકી રહ્યું વિરસ વેષ્ટન ક્રૂર તેને. ૭૩

 

[કાગળ પર લખે છે.]

દુર્ગેશ : એ કાગળ હવે સાંજ સુધીમાં પાછો એ ગાયને ગળે એ જ કોડીમાં નાખી દેજો. હવે તો, ગાય પર હાથ ફેરવવાને બહાને પણ ગાય પાસે જઈ શકશો. કાલે પ્રત્યુત્તર મળ્યા વિના નહિ રહે.

જગદીપ : તમારા આ મિત્રકાર્ય વિના મારો પ્રેમ અપંગ રહેત. હું વસતીથી દૂર ઉછર્યો છું, અને પ્રેમીઓની યુક્તિઓથી અજાણ્યો છું.

દુર્ગેશ :

(ઉપજાતિ)

 

જેવો હિરો હોય જડ્યા વિનાનો,

ગૂંથ્યા વિનાનું ફુલ હોય જેવું;

તેવો દિસે આ તમ પ્રેમ સાદો,

ન યુક્તિઓમાં ભળિ કાન્તિ જેની. ૭૪

 

જગદીપ : મને ન સૂઝી તે યુક્તિ એકાન્તમાં વસનારી એ ઋજુ બાલિકાને આવડી છે!

દુર્ગેશ : પ્રેમ અદ્ભુત થયા પછી સ્ત્રીને પ્રેમયુક્તિઓ શીખવા જવું નથી પડતું.

જગદીપ : અરે ! કનકપુરની ખબરો તમને પૂછવાનું તો હું ભૂલી જ ગયો છું.

દુર્ગેશ : મને તમારા કરતાં કનકપુરની કંઈ વધારે ખબર નથી; કેમકે, તમે રાજસભામાંથી નીકળ્યા પછી તરત જ હું તમારી શોધમાં નીકળ્યો છું. પરંતુ, તમે બારોબાર નીકળી આવ્યા ને હું મારા પ્રયાણની ખબર કમલાને કહેવા ગયો, એથી આપણા વચ્ચે અન્તર પડી ગયું.

જગદીપ : કુંવારા અને પરણેલા વચ્ચે એટલું અન્તર તો હોય જ ! પણ તમે મને શી રીતે ખોળી કાઢ્યો ?

દુર્ગેશ : તમે રાજસભામાં વૃતાન્ત કહેતાં કિસલવાડીનું ઠેકાણું કહેલું, તેથી પહેલાં ત્યાં હું તમારી ખબર કાઢવા ગયેલો. ત્યાંથી કાંઈ પત્તો મળ્યો નહિ, તેથી નગરની ચારે દિશામાં ફરીને શોધ કરવા માંડી. અને અન્તે, નદી પ્રત્યેની તમે ઘણી વાર દર્શાવેલી આસક્તિ પરથી તમે કોઈ ઠેકાણે નદીતટે હશો એમ કલ્પના કરી નદીને માર્ગે ભ્રમણ કરતો હું અહીં આવી પહોંચ્યો. તમે એ શિવાલયની પડાળીમાં વાસ કરવાને બદલે નગરમાં આવો તો કેમ ? ત્યાંથી વખતોવખત અહીં આવી શકાશે.

જગદીપ : પંદર દિવસ તો હું નગરથી દૂર જ રહેવા ઇચ્છું છું. તે વિના મારી પ્રતિજ્ઞા પ્રમાણે તટસ્થતા પળાય નહિ.

દુર્ગેશ : હું નગરમાં જઈ કમલાને તમારા સમાચાર કહીને તથા નગરની ખબરો મેળવી અહીં પાછો આવીશ અને તમારા એકાન્તવાસની સગવડનાં કાંઈ સાધન લેતો આવીશ, અને આવીને તમારો અભિલાષ વિશેષ સિદ્ધિ પામેલો જોઈશ.

જગદીપ : એ સિદ્ધિનો આધાર પેલી ગાયને ગળે છે. એ ચરતી હશે ત્યાં જ હું જાઉં છું. કમલાદેવીને કહેજો કે એમને સહિયર આણી આપવા સારુ મેં ગાયની પૂજાનું વ્રત આરંભેલું છે.

[બંને જાય છે.]

 

 

પ્રવેશ ૩ જો

સ્થળ : વીણાવતીના મહેલની વાડી માંહેની ભૂમિ.

[કોટની પાસે અંદરની બાજુએ પીપળાના ઝાડ આગળ ઊભેલી વીણાવતી પ્રવેશ કરે છે.]

વીણાવતી : હજી કેમ આવ્યા નહિ ? આવશે ખરા કે નહિ ? આટલી મોડી રાત્રે આ પીપળા ઉપરથી ચઢી ઊતરીને અહીં આવવા મેં એમને બોલાવ્યા, પણ એટલું બધું સાહસ એ કરશે ? ગાયની કોડીમાં મારા પત્રનીચે તો લખી મોકલ્યું હતું કે ગમે તેમ કરીને પણ આવીશ, પણ એવું શું છે કે મને મળવા સારુ ગમે તેમ કરીને આવે ? ત્યારે , એવું શું છે કે એમને મળવા સારુ હું પરિજનોને ઊંઘતા મૂકી છાનીમાની આ એકાન્ત સ્થળે આવી ઊભી છું ? એવું શું છે ? હ્રદય ! એનો ઉત્તર તો તું જ દઈ શકે. તું મને અહીં ખેંચી લાવ્યું છે.

(ઉપજાતિ)

તેં જે ક્ષણેથી દઈ ફેંકિ શાન્તિ,

ગ્રહી અજાણી નવિ કોઈ વૃત્તિ;

ત્યાંથી છુટ્યું તું મુજ તંત્રમાંથી,

ને હું બની છું તુજ તંત્રવશ્ય. ૭૫

(ઊંચે જોઈને) અહો ! આ ઝાડમાંથી કોણ ડોકિયું કરી રહ્યું છે? અરે ! એ તો ચન્દ્ર છે. ચન્દ્ર ! મારી આ વિવશતા જોવાનું તને કુતૂહલ થાય છે ! અને આ શું?

(ઉપેન્દ્રવજ્રા)

મને વિંટીને કિરણોનિ જાળે,

ધિમે ધિમે ભૂમિથિ તું ઉપાડે;

કરે શું એ કૌતુકતૃપ્તિ સારૂ,

નિહાળવા મન્થકષ્ટ મારું ? ૭૬

 

પણ કદાચ હું ખોટો આરોપ મૂકતી હઈશ. તું મારી મદદે આવીને આમ કરતો નહિ હોય?

(અનુષ્ટુપ)

જેહના દર્શનાર્થે હું ઔત્સુક્યે અધિરી ઉભી,

તેની પાસે મને લે શું અન્તરાયો થકી ઉંચે ? ૭૭

 

[પીપળાના ઝાડ ઉપરથી અવાજ સંભળાય છે.]

'સુન્દરી અન્તરાયોનું સામ્રાજ્ય હવે ઉતરી ગયું છે.'

વીણાવતી : (ચમકીને) અરે ! મારાં વચન કોણે સાંભળ્યાં ?

[ઝાડના થડને અડકીને ઊભી રહી ઊંચુ જુએ છે. જગદીપ ઝાડને થડેથી નીચે ઉતરે છે.]

જગદીપ : (ઊતરતાં ઊતરતાં) એ વચનામૃતોનો જે પિપાસુ હતો

તેણે જ પાન કર્યું છે. (નીચે ઊતરી ઝાડના થડને અડકી વીણાવતી પાસે ઊભો રહે છે.) અને એ પાને તેને અધિક તૃષાતુર કર્યો છે, પરંતુ એ અમૃતના સરોવર પર કાંઈ છાયા કેમ દેખાય છે?

વીણાવતી : મને ચિંતા થતી હતી કે કોટ બહાર ઝૂમતી આ ઝાડની ડાળીઓ ઘણી ઊંચી છે, તેને શી રીતે પહોંચીને ઝાડ પર ચઢાશે.

જગદીપ :| ઝાડ પર ચઢતા હું નાનપણથી શીખ્યો છું. પણ મને ખ્યાલ નહોતો કે એ કુશળતા કોઈ દિવસ સ્વર્ગનું દર્શન કરાવશે.

વીણાવતી : આપ અતિ શયોક્તિના વાક્યો બોલો છો.

જગદીપ : મારું હ્રદય બોલાવે છે તે કરતાં એક અક્ષર પણ વધારે નથી બોલતો. હ્રદયને જે વિષય કહેવાનો છે તે અતિશય હોય એમાં તો આપને વાંધો ન જ હોય ?

વીણાવતી : આપ ક્યા વિષય વિશે કહો છો તે સાદી ભાષામાં કહો. તે વિના આ કોટની અંદર રહેનારને શી સમજણ પડે?

જગદીપ : આ કોટની બહારની ભાષામાં એ વિષયને પ્રેમ કહે છે. આ કોટની અંદર એને માટે કદાચ બીજો કોઈ શબ્દ હશે.

[વીણાવતી નીચુંજોઈ રહે છે, પછી ઝાડના થડની છાલ પર નખથી 'મૂંઝવણ' શબ્દ લખે છે.]

જગદીપ : (વાંચીને) તરુણી ! એ મૂંઝવણનું ખરું નામ પ્રેમ છે. એમ તમે હવે જાણ્યું તો પછી એનો સ્વીકાર કરવો ઘટે છે.

વીણાવતી : ખરો શબ્દ સ્વીકાર્યા પછી પણ ખોટાએ કરેલી મુશ્કેલી ખસતી નથી.

જગદીપ : પ્રેમ આગળ કોઈ મુશ્કેલી ટકતી નથી.

વીણાવતી : મારી પરવશતાનો તમને ખ્યાલ નથી. હું રાજપુત્રી છું. પણ ભિખારણ જેટલી પણ હું સ્વેચ્છાની માલિક નથી.

જગદીપ : તમે રાજપુત્રી ! કયા રાજાનું આંગણું આવાં અણમૂલ પગલાંથી ધન્ય થયું છે?

વીણાવતી : પિતાના આંગણે મારો સંચાર હોત તો આ પ્રશ્ન ઉત્પન્ન જ ન થાત, પરંતુ મહારાજ પર્વતરાયને પોતાની પુત્રીને દૂરના એકાન્તમાં પૂરી રાખવી ગમે છે.

જગદીપ : તમે પર્વતરાયનાં પુત્રી ! તેમના કુંવરી તો ગત થયાં છે, એમ લોકો જાણે છે !

વીણાવતી : મારી આસપાસ આ કોટ ઉપરાંત ભેદના બીજા શા શા પડદા વીંટાળેલા છે તે હું જાણતી નથી, પણ હું પર્વતરાયની પુત્રી વીણાવતી છું અને હજી ગત થઈ નથી એટલું તો જાણું છું.

જગદીપ : અહો ! પ્રેમ ! તને કેવાં તોફાન સૂઝે છે ! ક્યાં પર્વતરાયની વીણાવતી અને ક્યાં રત્નદેવીનો પુત્ર જગદીપ !

વીણાવતી : તમે રત્નદીપદેવીના પુત્ર ! તમે અહીં શી રીતે ?

જગદીપ : એ અપરાધનો વૃત્તાન્ત વર્ણવીશ ત્યારે તમે આર્પેલો પ્રેમપ્રસાદ રાખવાનો મારો અધિકાર નહિ રહે.

વીણાવતી :

(વસંતતિલકા)

 

આ વાડિમાં વિવિધ જે કુસુમો ઉગે છે.

દે છે સુગંધ, પણ, તે નહિ પાછી લે છે;

ને કહાડતાં મધુર જે રવ પક્ષિ આંહી,

લેતાં ન ખેંચિ ફરિ તે નિજ કંઠ માંહી. ૭૮

 

જગદીપ : પ્રિયા ! તું એ કુસુમો અને પક્ષીઓ સાથે ઊછરી છે, અને તેમના જ વર્ગની છે. તેની પેઠે તારું પ્રમદાન પણ અલોપ્ય છે. તે હું જાણું છું. પરમ્તુ, તારા પ્રતિ થયેલો મારો અપરાધ હું ગુપ્ત રાખી તારું પ્રેમદાન અકુંઠિત થવા દઉં એ ન્યાય નથી.

વીણાવતી : જેના ગુણને હું પૂજું છું તેના અપરધ જાણવાને મને શી જિજ્ઞાસા હોય?

જગદીપ : (જમીન તરફ જોઇને) અરે, આ મારા પગ સાથે શું અથડાયું ? (વાંકો વળી જમીન પરથી વસ્તુ હાથમાં લઇ) માછલીના કાંટા જેવું જણાય છે ! અને, એમાં રેશમી દોરી પરોવેલી છે!

વીણાવતી : એ કાંટો મારા કંઠમાં બાંધ્યો હતો, તે છૂટીને પડી ગયો. એ જાળવી રાખવાનો છે.

જગદીપ : એવું એનું શું મૂલ્ય છે ?

વીણાવતી : એ અમૂલ્ય છે. જે મગરમચ્છે જીવતાં આપણો પ્રથમ મેળાપ કરાવ્યો, અને પોતે મુવા પછી પણ આપણે ફરી મેળાપ કરાવ્યો તેના અંગમાંનો એ કાંટો છે.

જગદીપ : એમ છે તો તેની બહુ આદરથી રક્ષા કરવી જોઈએ. પરંતુ મગરમચ્છે શી રીતે એ ધન્ય કાર્ય કર્યું?

વીણાવતી : સમુદ્રમાં ભરતી સાથે મગરમચ્છ નદીમાં ચાલ્યો આવેલો, અને નદીના પટ ઉપરનો પેલો ઝૂલતોઝાંપો તોડીને તે વાડીની હદમાં પેઠેલો. મારી હોડી નીચે તેનું અંગ આવતાં હોડી ઉંધી વળેલી. ઝાંપાના ભાલા વાગવાથી તેનું મૃત્યુ થયેલું અને ભરતી ઊતરી જતાં તેનું શબ પાછું તણાઈ વાડી બહાર આવીને કિનારે પડેલું. ત્યાં બીજે દિવસે જઈ તેના અંગમાંથી હું આ કાંટો સ્મારકચિહ્ન માટે લઈ આવી છું.એના દેહને મેં ત્યાં જ અગ્નિ દાહ કરાવ્યો છે.

જગદીપ : એની સેવા અતુલ છે.

(અનુષ્ટુપ)

 

પ્રેમસ્ફુલિંગે લાવેલો વડવાનલમઆંથિ એ,

રોપવા આપણી માંહે તોડિયા જડ બન્ધનો. ૭૯

એણે ઝાંપો તોડ્યો ન હોત તો આ બંધ વાડીમાં મારો પગ સંચાર ક્યાંથી થાત? અને, એણે હોડી ઉથલાવી પાડી આ વાડીમાંની અપ્સરાને મારી તરફ જલમાર્ગે પ્રેરિત કરી ન હોત તો હું એ દિવ્ય મૂર્તિની પ્રાપ્તિ ક્યાંથી કરત ? આ કાર્યમાં એના જીવનનું બલિદાન થયા પછી એનું શબ જ્યાં આપણા પુનઃ સમાગમનું નિમિત્ત થઈ ભસ્મીભૂત થયું છે ત્યાં આપણે સ્મરણસ્તંભ ઊભો કરીશું અને તે ઉપર લેખ કોતરાવીશું કે,

(તોટક)

 

હળવા ભરજો પગલાં અહિઆં,

કચરાતિ રખે રજ આ સ્થળની.

ભરિ ભસ્મ અલૌકિક એ રજમાં,

વડગાગ્નિકણે જહિં પેમ સ્ફુરે. ૮૦

 

પરંતુ પ્રેમથી અમૂલ્ય કીર્તિ સૌંદર્ય સાથેના યોગમાં રહેલી છે. માટે એ પ્રેમદૂતના આ અવશેષોને આ ગૌર કંઠ ઉપર આપેલી ધન્ય પદવીએ તેને ફરી સ્થાપિત કરવોજોઈએ.

[જગદીપ મગરમચ્છનો કાંટો વીણાવતીને કંઠે બાંધે છે. તેમ કરતાં વીણાવતીના કંઠ પર જગદીપના હાથ રહેલા છે. તે વેળા બંનેની આંખો સામસામી મળે છે. અને તેવી સ્થિતિમાં તેઓ ક્ષણભર ઊભા રહે છે.]

વીણાવતી : વહાલા ! તું મારી આંખોમાં શું જોઈ રહ્યો છે?

જગદીપ : પ્રિયતમ વીણા ! મેં આજ સુધી જે દીઠું નથી તે અત્યારે તારી આંખોમાં જોઉં છું.

(વસંતતિલકા)

 

સીમા અભેદ્ય નડતી મુજને બધે જ;

તે ચક્ષુ આ તુજ મહીં થતિ લુપ્ત દેખું,

નિસ્સીમ દર્શન થતું તુજ ચક્ષુમાં જે,

તેથી અગમ્ય ઘટના થતિ આજ ગમ્ય. ૮૧

(અનુષ્ટુપ)

 

ઘેરો અગમ્યતાનો જે દશે દિશ ફરી વળ્યો,

ખસી જતો નિહાળું આ પ્રેમાર્દ્ર નયનો મહીં. ૮૨

 

વીણાવતી : મારી આંખો મારા દિલદારને કોઈ પણ રીતે કામ આવતી હોય તો તે કાઢીને આપી દેવા તૈયાર છું.

જગદીપ : મારે તો આખી વીણા જોઈએ છે. એના કયા અંગની કિંમત વધારે કરું અને કયા અંગની કિંમત ઓછી કરું ?

વીણાવતી : (ઊંચે જોઈને) આ ચન્દ્રને આજે જંપ નથી. ઝાડ પરથી નીકળી આવીને એણે છાયાનું આવરણ આપણા પરથી ખસેડી લીધું છે. આપને બીજા કોઈ ઝાડની છાયાનો આશ્રય લઈએ કે જ્યાં મહેલમાંથી દૃષ્ટિગોચર ન થવાય.

જગદીપ : પ્રેમપ્રતિજ્ઞાથી પાવન થયેલું આ સ્થળ છોડતાં પહેલાં અહીં તારી સુકોમલ અંગુલીએ મુદ્રા ધારન કરાવવી ઘટે છે. મારી પાસે આ વેળા સુવર્ણ પણ નથી અને રત્ન પણ નથી, પરંતુ પ્રેમરસની અમૂર્ત મુદ્રાથી તારી અંગુલી અંકિત કરવાની અનુજ્ઞા માંગુ છું.

[વીણાવતી પોતાનો જમણો હાથ લાંબો કરી આંગળીઓ ધરે છે. જગદીપ ઘૂટણીયે પડી વીણાવતીની અંગુલી પર ચુંબન કરે છે.]

જગદીપ : (ઊભો થઈને) સ્વર્ગમાં અમૃતનો આસ્વાદ છે એની મને હવે પ્રતીતિ થઈ. હવે પેલા ઝાડની છાયામાં જઈ પ્રભાત આપણો વિયોગ કરાવે તે પહેલાં હું મારું વૃતાન્ત નિવેદન કરી મારા હ્રદય પર રહેલો ભાર હલકો કરું.

[બન્ને જાય છે.]

 

પ્રવેશ ૪ થો

સ્થળ : વીણાવતીના મહેલની અંદરનો ખંડ.

[વીણાવતી આસને બેઠેલી પ્રવેશ કરે છે. લેખા બારણા પાછળ સંતાઈને ઊભી છે.]

વીણાવતી : (સ્વાગત) આ અવનવો અનુભવ કઈ ઇન્દ્રિયનો છે?

(દંડી)

દેખું તેજ કાંઈ, પણ, ના રૂપરંગ,

ચાખું સ્વાદ કાંઈ, પણ ન રસનરંગ;

સૂંઘું ગંધ કાંઈ, પણ ન ઘ્રાણગ્રાહ્ય,

સૂણું શબ્દ કાંઈ, પણ ન શ્રોત્રશ્રાવ્ય. ૮૩

 

અડકું વસ્તુ કાંઈ, પણ ન તે ત્વચામાં,

વસું દેશ કાંઈ, પણ ન તે ધરામાં;

દિસે અંકુર નહિં, ફૂટતું કાંઈ લાગે,

દેહમાંથિ ભાગ કાંઈ આત્મ માગે. ૮૪

 

શું જગતના ભ્રમણનું કેન્દ્ર બદલાયું કે મારા પોતાના ચક્રનું કેન્દ્ર બદલાયું છે?

[લેખા નીકળીને પાસે આવે છે.]

લેખા : કુંવારીબા ! તમે આવા વિચાર કરો છો તે મને બીક લાગે છે.

વીણાવતી : કેવા વિચાર ?

લેખા : તમે બોલતાં હતાં તેવા. તમારે માટે મને ચિન્તા થવા માંડી છે, તેથી, મેં બારણાં પાછળ રહીને સાંભળ્યું.

વીણાવતી : મારે માટે શી બાબતને ચિન્તા થવા માંડી છે ?

લેખા : તે દિવસે હોડી ડૂબ્યા પછી પેલા કોઈ પુરુષે તમને પાણીમાંથી કાઢ્યાં ત્યારથી તમે બદલાઈ ગયેલાં છો.

વીણાવતી : મૃત્યુના આંગણામાં જઈને પાછી આવી તે એની એ ક્યાંથી રહું ?

લેખા : એ પુરુષનું તમને કાંઈ સ્મરણ રહ્યું છે ?

વીણાવતી : જેણે જીવિતદાન આપ્યું તેનું વિસ્મરણ શી રીતે થાય?

લેખા : સ્મરણ સાથે કાંઈ લાગણી મિશ્રિત થઈ છે ?

વીણાવતી : થઈ હોય તો શું ?

લેખા : માત્ર ઉપકારની કે તેથી વિશેષ ?

વીણાવતી : વિશેષને એ પાત્ર નથી ?

લેખા : કુંવારીબા ! આ શું કહો છો ? તમારું ચિત્ત એના તરફ આકર્ષાયું તો નથી ?

વીણાવતી : ચિત્તાકર્ષણ એ કાંઈ અનિષ્ટ વસ્તુ છે?

લેખા : તમારા આવા વચનથી હું ગભરાઉં છું. જે શબ્દ તમારી આગળ મેં કદી વાપર્યો નથી તેનો હવે ઉચ્ચાર કરીને પૂછું છું કે તમારા હૃદયમાં પ્રેમનો ઉદ્ભવ થયો છે ?

વીણાવતી : શબ્દનો ઉચ્ચાર દાબી રાખવાથી ભાવનો ઉદ્ભવ કદી દબાઈ રહ્યો છે?

લેખા : હાય ! હાય ! આ તો ગજબ થયો !

વીણાવતી : એમાં ગજબ શાનો ? પ્રેમ એ પુણ્ય અને ઉચ્ચ વસ્તુ નથી?

લેખા : પણ, તમારાથી પ્રેમ ન થાય.

વીણાવતી : મારાથી પ્રેમ ન થાય ? શું જગતની પ્રેમઘટનામાંથી વિધાતા એ મને બાતલ કરી છે?

[લેખા પોતાની આંખમાંથી આંસુ લૂછે છે.]

વીણાવતી : લેખા ! એકાએક આ શું ?

લેખા : જગતમાં શું છે તે તમે શું જાણો ? તમે કયે દહાડે આં વાડીમાંથી નીકળીને બહાર જગતમાં ગયાં છો ?

વીણાવતી : પ્રેમની પ્રાપ્તિ સાથે જ જગતનો સમાગમ થયો છે; અને મને સમજાયું છે કે આ વાડીમાં છે તે જગત છે. હું અનુભવું છું તે પ્રેમનો પ્રવાહ બધે વ્યાપી રહ્યો છે; તે છતાં તું શા માટે કહે છે કે મારે એકલી આ પ્રવાહથી અલગ રહેવું?

લેખા : અરે દેવ ! કહેવાનું આખરે મારે માથે આવ્યું ! હું કહું છું, પણ તમે પહેલાં આં કટારી ઊંચી મૂકવા દો.

[ખીંટીએ લટકતી કટારી લઈને પેટીમાં મૂકે છે. પેટીને તાળું વાસીને કૂંચી પોતાની કેડે ખોસે છે.]'

વીણાવતી : લેખા ! તને આં શું થયું છે ? આવું આવું વિચિત્ર શું કરે છે ? આં કટારી કેમ પેટીમાં મૂકી ?

લેખા : તમે પ્રેમનું નામ દઈ રહ્યાં છો, ને પ્રેમીઓ ઉતાવળાં હોય છે. હું કહું તેની નિરાશામાં આકળાં થઈ તમે કાંઈ સાહસ કરી બેસો એ બીકે મેં આં કટારી મૂકી દીધી.

વીણાવતી : નિરાશા આવશે ત્યારે એક નિસાસાનો આઘાત બસ નહિ થાય કે કટારીના આઘાત ની જરૂર પડશે?

લેખા : તમને પ્રેમના પુસ્તકો કડી વાંચવા આપ્યાં જ નથી, તોયે તમે એવાં પુસ્તકોમાં લખ્યું છે તેવું જ બોલો છો ! હમણાં કહ્યું તેવો જ દુહો મેં વાંચ્યો છે.

વીણાવતી : કેવો દુહો ?

લેખા :

(दुहो)

 

‘कोई कटारी कर मरे, कोई मरे विख खाय;

प्रीति ऐसी कीजिये, ‘हाय !’ करे जीअ जाय। ૮૫ [૧]

 

વીણાવતી : પણ એવું વસમું છે શું તે તો કહે.

લેખા : તમે મારી પાસે આવીને ભોંયે બેસો.

[બન્ને જમીન પર બેસે છે.]

 

લેખા : તમને તમારાં માતા જોયેલાં સાંભરે છે ?

વીણાવતી : બિલકુલ નહિ. હું નાની હઈશ.

લેખા : ત્યારે તો એમના છેવટનાં મંદવાડનું ક્યાંથી સંભારણ હોય?

વીણાવતી : નહિ જ.

લેખા : એમને જ્યારે એમ સમજાવ્યું કે આ મંદવાડથી નહિ ઉઠાય ત્યારે એમને તમારે માટે બહુ ચિન્તા થઈ, તમારું લગ્ન જોવાનો દિવસ આવશે. એનો એમને ભરોસો ન રહ્યો. તેથી એમણે મહારાજાને આગ્રહ કર્યો કે હું જીવું છું ત્યાં સુધીમાં વીણાવતીને પરણાવી દો.

વીણાવતી : કેવું નવાઈ જેવું ! હું તો છેક બાળક હઈશ !

લેખા : એકની એક પુત્રીના લગ્નનો લહાવો લેવાનો. તેથી તમારી આટલી નાની ઉંમર છતાં છૂટકો નહોતો.

વીણાવતી : પછી ?

લેખા : પછી મહારાજે તમારાથી સહેજ મોટી ઉમરના એક રાજકુમાર શોધી કાઢ્યા. તે જાતે તો અહીં આવ્યા નહિ, પણ, તેમનું ખાંડું આવ્યું, તેની સાથે તમારું લગ્ન કર્યું.

વીણાવતી : કોણે કર્યું ?

લેખા : તમારા પિતાએ.

વીણાવતી : કેવું હસવા જેવું !

લેખા : એ તો રૂઢિ છે, પણ હવે વિકટ વાત આવે છે. બાપુ ! તમે મારી નજીક આવો (વીણાવતીને સોડમાં લે છે.) મારી જીભ ઊપડતી નથી, પણ કહ્યા વિના હવે છૂટકો નથી. એ લગ્ન પછી આઠ દિવસે એ રાજકુમાર તાવમાં સપડાઈને દેવલોક પામ્યા.

[આંસુ ઢાળે છે.]

વીણાવતી : કેવું સંકટ ! એના માતાપિતા બિચારાં બહુ દુઃખી થયાં હશે !

લેખા : એનાં માતાપિતાની કેમ વાત કરો છો ? એ માઠી ખબર આવતાં જ રાણી રૂપવતીએ પ્રાણ છોડ્યા.

વીણાવતી : મારી માતા બહુ કોમલ હૃદયની હશે. બીજાના દુઃખથી એને કેવો સખત આઘાત થયો !

લેખા : બીજાનું દુઃખ અને પોતાનું નહિ ?

વીણાવતી : પોતાનું ?

લેખા : પોતાની એકની એક પુત્રીનો ભવ બગાડયો, એના જેવું બીજું શું દુઃખ હોય?

વીણાવતી : મારો ભાવ બગાડયો ? મેં શું કર્યું કે મારો ભવ બગાડ્યો ?

લેખા : બાપુ ! તમે દુનિયાથી છેક આજ્ઞાન છો. એ રાજકુમારના

મૃત્યુથી તમે વિધવા થયાં, એ તમે હજી સમજ્યાં નથી?

વીણાવતી : હું વિધવા થઈ ? શી વાત કરે છે ? હું ક્યારે પરણી છું?

લેખા : તમને પરણાવ્યાં એટલે તમે પરણ્યાં જ ગણાઓ.

વીણાવતી : એ લગ્ન તો ફક્ત મારા માતાપિતાના લહાવાનું અને ગમ્મતનું હતું.

લેખા : અને , તોયે તે તમારું ખરું લગ્ન જ કહેવાય.

વીણાવતી : ખરું લગ્ન તો પ્રેમનું હોય છે !

લેખા : એ જ માટે કહું છું કે તમારાથી હવે પ્રેમ ન થાય. સ્ત્રીનો પ્રેમ એક જ પુરુષ માટે હોવો જોઈએ.

વીણાવતી : પણ, મેં ક્યારે પ્રથમ બીજા કોઈ પુરુષ માટે પ્રેમ કર્યો છે?

લેખા : તમારું લગ્ન થયું એટલે તમે પ્રેમ કર્યો જ કહેવાય. વિધવાથી પ્રેમ થતો હોય તો વિધવાથી લગ્ન ના થાય ? વિધવાના લગ્નની આપણાં શાસ્ત્રોમાં ના કહી છે.

વીણાવતી : શા માટે ના કહી છે ?

લેખા : વિધવા લગ્ન કરે તો પ્રેમની ભાવના ખંડિત થાય.

વીણાવતી : જેના પર મારો પ્રેમ છે તેની સાથે હું લગ્ન કરું તો પ્રેમની ભાવના પુષ્ટ થાય કે ખંડિત થાય ?

લેખા : પ્રેમનું સ્વરૂપ તો શુદ્ધ છે.

વીણાવતી : મારા પ્રેમમાં કાંઈ અશુદ્ધતા છે ?

લેખા : આ સ્થિતિ ન આવે તે માટે મહારાજે કરેલા સર્વ પ્રયત્ન નિષ્ફળ ગયા ?

વીણાવતી : મહારાજે શા પ્રયત્ન કરેલા ?

લેખા : આ માઠો બનાવ બન્યો તે વખતે એ વાત કોઈએ કહી નહિ, અને કહે તો તે વખતે તમે સમજો શું ? પછી મહારાજે આજ્ઞા કરી કે તમારી મોટી ઉમ્મર થાય ત્યાં સુધી તમને આ વાત કોઈએ કહેવી જ નહિ. વસતિમાં એવી ગુપ્ત વાત રાખવી કઠણ, તેથી મહારાજે તમને નગર બહારના આ એકાન્ત મહેલમાં મારી સંભાળ નીચે મૂક્યાં. પછી, મહારાજે ફરી લગ્ન કર્યું, અને વૈધવ્ય સહન કરવામાં તમને કંઇ કઠણપણું ન લાગે માટે મહારાજે આજ્ઞા કરી કે તમારા સંસ્કાર જ એવા કરવા કે વૈધવ્યની વાત જાણવાની વેળા આવે ત્યારે સંસારના વિષયોમાં તમારું ચિત્ત જઈ શકે જ નહિ. તમારા ચિત્ત આગળ પ્રેમનો વિચાર સરખો પણ આવે નહિ, એવી રીતે તમને કેળવણી આપવાની મને આજ્ઞા કરી. કોઈ પણ પુરુષ કે સ્ત્રી તમને મળે નહિ એવો બંદોબસ્ત કર્યો. અને, વધારે જાપતા માટે તથા લોકોનું કુતૂહલ અટકાવવા માટે તમારા મરણની ખબર ફેલાવી. અહીં જે થોડા નોકરો છે તે પણ તમે કોણ છો તે જાણતા નથી, અને અહીંથી બહાર જવાની તમને આજ્ઞા નથી.

વીણાવતી : આટલાં આટલાં રોકાણ અને દબાણ છતાં જે પ્રેમ સ્ફુરયો તેને હવે કયા બળથી પાછો કાઢવો ધાર્યો છે?

લેખા : પ્રેમનો પ્રતિબંધ ના થઈ શકે, તો પણ લગ્નનો પ્રતિબંધ થઈ શકે છે.

વીણાવતી : પ્રેમ અને લગ્નનો વિયોગ કરવો ઇષ્ટ છે? અને , લગ્ન તે લગ્ન કરવાની ઇચ્છાનો વિષય નથી ?

લેખા : મહારાજ કદી એમ બનવા દેશે નહિ.

વીણાવતી : લેખાં ! હવે તું કાંઈ વૃત્તાંત ગુપ્ત રાખી શકે એમ નથી. મહારાજા વિદેહ થયા છે, અને હવે મારું ભવિષ્ય મારે જ ઘડવાનું છે.

લેખા : ખરે ! અહીં કોઈનો પણ સંચાર થયો છે ?

વીણાવતી : પ્રેમે જેને માટે આ વાડીના બંધ દ્વાર તોડ્યાં છે તેનો જ પગસંચાર થયો છે. લેખા ! તું ગભરાઈશ નહિ. હવે બધી જવાબદારી મારે માથે છે.

લેખા : પણ, એવા અજાણ્યા પુરુષને મળવું યોગ્ય છે?

વીણાવતી : જેને હ્રદયે જાણ્યો તે અજાણ્યો કેમ કહેવાય ?

લેખા : હ્રદયે જાણ્યો તે તો ઠીક, પણ એ કોણ છે તેની ખબર નહિ કાઢો ?

વીણાવતી : હું તને સર્વ કહીશ, અને તેના ગુણ તું સાંભળીશ ત્યારે તું પણ તેને જોવા ઉત્કંઠીત થઈશ. હવે હું તારાથી ગુપ્ત રીતે એને નહિ મળું. એ આવશે ત્યારે તને જોડેના ખંડમાં રાખીશ, પણ અત્યારે તો આપણે બન્ને અસ્વસ્થતા ભૂલી જવા સારું વાડીમાં જઈ ફૂલ વીણીએ.

[ બન્ને જાય છે.]

 

 

પ્રવેશ ૫ મો

સ્થળ : વીણાવતીના મહેલની અંદરનો ખંડ.

[વીણાવતી અને જગદીપ સંભાષાણ કરતા પ્રવેશ કરે છે.]

વીણાવતી : લેખાની એ બધી દલીલ નિષ્ફળ ગઇ, ત્યારે એણે મને કહ્યું કે તમે દુઃખી થવાને સરજાયેલાં છો એમ માની લો.

જગદીપ : વિધાતા પર કેવો દુષ્ટ આરોપ ! પછી તેં શું કહ્યું?

વીણાવતી : મેં લેખાને પૂછ્યું કે આ વાડી બહારનું જગત્ આ વાડી જેવું જ છે કે કાંઇ જુદી જાતનું છે? એ બોલી કે જગત તો બધે એકસરખું જ છે. ત્યારે મેં કહ્યું કે આ વાડીમાં તો હું એકેએક ખૂણે ફરી છું અને કોઈ પુષ્પ, પલ્લવ, પશુ કે પક્ષીને દુઃખી થવા સરાજાયેલાં દીઠાં નથી.

(હરિગીત)

 

કળિઓ ફૂટીને ખીલતી, જન્મી પતંગો ઊડતાં,

ગતિ આવતાં મૃગશાવકો ક્રીડા કરન્તા કૂદતાં;

આ વાડીમાં ઉલ્લાસ અર્થે સૃષ્ટિ સઘળી ઉદ્ભવે.

હું એકલી સરજાઈ શું દુર્ગતિવિધાને કો નવે? ૮૬

જગદીપ : કુદરત તારી આગળ ખરે સ્વરૂપે પ્રગટ થઈ છે અને

આવી સુન્દર વાડીમાં વર્ષો કાઢ્યાં છતાં લેખા કુદરતનો મર્મ સમજી નથી તો પ્રેમ કેવો આદરનીય છે તે એ ક્યાંથી જાણે?

વીણાવતી : પ્રેમને લેખા તાપ લાગતાં વરાળ પેઠે ઊડી જનારી વસ્તુ સમજે છે. કશાથી હું ડગી નહિ, ત્યારે એણે મને કહ્યું કે તમારા વૈધવ્યની વાત સાંભળતાં એમના પ્રેમનું એક બિન્દુ પણ રહે છે કે કેમ તે જોજો.

જગદીપ : એ વચન સાંભળી તને કાંઈ બીક લાગેલી ?

વીણાવતી : શાની બીક ?

જગદીપ : મારો પ્રેમ ઊડી જતાં ત્યાગ થવાની.

વીણાવતી : (આંગળીથી નિર્દેશ કરીને)

(શાર્દૂલવિક્રીડિત)

પેલું સારસ જોડું જે વિચરતું દીસે નદીને તટે,

એમાંની કંઈ વેળ સૂધિ સ્થળ આ માદા હતી એકલી;

કાંઈ કાળ વિતે પછીથિ નર ત્યાં આવી મળ્યો એહને,

એને ત્યાગની બીક લાગિ નથિ તો લાગે મને શી રિતે? ૮૭.

જગદીપ : હું એવા વિશ્વાસને પાત્ર છું તેથી પોતાને ધન્ય માનુ છું, પરંતુ સંસારનો માર્ગ સરળ નથી. આપણામાં હાલ વિધવાવિવાહનો પ્રતિબંધ છે. તેથી આપણે લજ્ઞ કરીશું તો કદાચ રાજગાદીનો માર્ગ બંધ થઈ જશે, અને જનસમૂહ આપણી સાથે સંબંધ નહિ રાખે.

વીણાવતી : એથી મારા જગદીપના જગદીપપણામાં ફેર પડશે?

જગદીપ :

(ઉપજાતિ)

 

વીણાતણા પ્રેમથી જે વિંટાયો,

વીણાતણા સંગથિ જે ઘડાયો;

જેને ન વીણા વિણ યોગ ક્ષેમ.

જુદો બને તે જગદીપ કેમ?

વીણાવતી : તે વીણાને રાજગાદીની કે જનસમૂહના સંબંધની શી દરકાર હોય ?

જગદીપ : આપણા સુખની અપરિપૂર્ણતા કરવા લગ્નનો દિવસ ઠરાવવાનો તે મારા કનક્પુર ગયા પછી ઠરી શકશે. એટલો વિલંબ થશે.

વીણાવતી : વિલંબ એટલે વિયોગ !

જગદીપ : પ્રેમપન્થના પ્રવાસીઓના ભાથામાં થોડો ઘણો વિયોગ આવ્યા વિના રહેતો નથી, અને તેનો આરંભમાં જ આસ્વાદ કરી લેવો સારું છે, કે પછી મિષ્ટ આસ્વાદ જ બાકી રહે.

વીણાવતી : આ વાડી બહારનું જગત્ બહુ વિશાળ છે એમ મેં સાંભળ્યું છે, તો એ જગત્ આવડું મોટું છતાં તે પ્રેમમાંથી વિયોગ નાબૂદ કરવાનો કોઈ ઉપાય દર્શાવી શકતું નથી ?

જગદીપ : જગત્ તો કોઈ ઉપાય દર્શાવી શકે તેમ નથી, પરંતુ જગત્ ના જે નિયન્તાએ પ્રેમનું વરદાન આપ્યું છે તેણે આશાનું પણ વરદાન આપ્યું છે, અને તે વડે વિયોગકાળમાં પ્રેમીઓનાં હ્રદય ટકી રહે છે. આપણે ફરી મળીએ ત્યાં સુધી આશાને જ આશ્રયે જીવીશું.

[બન્ને જાય છે.]