Raaino Parvat - 7 - Last part in Gujarati Drama by Ramanbhai Neelkanth books and stories PDF | રાઈનો પર્વત - 7 - છેલ્લો ભાગ

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

રાઈનો પર્વત - 7 - છેલ્લો ભાગ

અંક સાતમો
 

પ્રવેશ ૧ લો

સ્થળઃ વીણાવતીના મહેલથી કનકપુર જવાનો માર્ગ.

[જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે]

દુર્ગેશઃ એમાં કોઇ સંદેહને અવકાશ જ નથી. રાજપુરુષો અને પ્રજાના અગ્રેસરોએ સર્વત્ર એ જ ઇચ્છા પ્રદર્શિત કરી છે કે જગદીપદેવ રાજગાદીએ બેસે.

જગદીપઃ કોઇનો ભિન્ન મત સાંભળ્યો જ નથી?

દુર્ગેશઃ માત્ર એક જ માણસને ભિન્ન મત જાણવામાં આવ્યો છે, અને તે માણસ તે બીજું કોઇ નહિ પણ શીતલસિંહ છે.

જગદીપઃ શીતલસિંહ ! કેવું આશ્ચર્ય ! શીતલસિંહ તો મારો ખરો વૃતાન્ત સવારીની આગલી રાત્રે મારે મોઢેથી સાંભળ્યા પછી મને કહેલું કે 'આપ રાજા થવા યોગ્ય છો' અને મને વિનંતિ કરેલી કે 'મને આપના અચલ નિષ્ઠાવાન પરમભક્ત તરીકે સ્વીકારશો!"

દુર્ગેશઃ એ વખતે એનું ચિત્ત ભયથી ઘેરાયેલું હતું, અને બીજી કોઇ રીતે એન લાભ થવાનો માર્ગ હતો નહિ. પણ, ગાદી પરનો દાવો તમે મોકૂફ રાખ્યો, તેથી તેને એક નવો મહત્ત્વલોભ થયો છે. પોતાના પુત્રને રાણી લીલાવતી પાસે દત્તક લેવડાવી તેને ગાદી અપાવવાની ખટપટ કરે છે.

જગદીપઃ અને, રાણી લીલાવતીની શી ઇચ્છા છે?

દુર્ગેશઃ તે હજી જણાયું નથી, પરંતુ મહત્ત્વલોભથી શીતલસિંહનું દુર્બલ ચારિત્ર બહુ ઉપહાસપાત્ર થયું છે. પોતાને તે ભારે ગૌરવવાળો કલ્પવા લાગ્યો છે.

જગદીપઃ દુર્બલ કે પ્રબલ - કયા ચારિત્રને મહત્ત્વલોભ ઉપહાસપાત્ર નથી બનવતો?

(ઉપજાતિ)

મહત્ત્વલોભે નરમૂર્ખ થાય,

મિથ્યા તરંગો કરિને ફુલાય;

મર્યાદ ભૂલી નિજ યોગ્યતાની,

મારે ફલંગો કંઇ લંગડાતી. ૮૯

 

નીચા જનોની કરિ મિત્રતા તે,

સાહાય્ય શોધે ઉંચિ સિધ્ધિ માટે;

દમામ પોલો કરિ રાજી થાય,

પોતે જ પોતાથકિ તે ઠગાય. ૯૦

 

દુર્ગેશઃ શીતલસિંહનાં એ વલખાં ચિંતાનું કારણ નથી. પણ એક ખરેખરું ચિંતા કારણ ઉત્પન્ન થયેલું છે. તમારાં માતા ભયંકર મંદવાડમાં છે.

જગદીપઃ મારી માતા ! મારી વહાલી માતા ! એને શું થયું છે? મને ઝટ કહો. એ વાત આટલી મોડી કેમ કરો છો?

દુર્ગેશઃ તમારા હૃદયને એકદમ સખત આઘાત ન થાય, માટે પ્રથમ થોડી વિષમતાની હકીકત કહ્યા પછી આ ભારે વિષમતાની હકીકત કહેવાનું મેં રાખ્યું હતું. તમે દરબાર ભર્યો તે દિવસનાં એ માંદાં થયાં છે.

જગદીપઃ હું સવારીમાં નીકળ્યો તે વખતે તો એને કાંઇ માંદગી નહોતી, અને એ ઘણી ઉમંગમાં હતી!

દુર્ગેશઃ તમે રાણી લીલાવતીને ખરી હકીકત કહી એમના આવાસમાંથી નીકળી દરબારમાં આવ્યા તે જ વખતે તમારાં માતા માલણને વેશે રાણી લીલાવતી પાસે ગયાં. બનેલી હકીકત એમને માલૂમ નહિ. તે પ્રગટ કરી રાણી લીલાવતીએ તેમનો તિરસ્કાર કર્યો. તેથી બે વચ્ચે કલહ થયો, અને અંતે તમારાં માતા બેભાન થઇ ગયાં.

જગદીપઃ હું એક સ્થળે આઘાત બચાવવા ગયો, ત્યારે બીજે સ્થળે આઘાત થઇ બેઠો! મનુષ્યની શક્તિ કેટલી પરિમિત છે! ત્યાં તો મારી માતાની સંભાળ લેનાર પણ કોઇ નહિ હોય?

દુર્ગેશઃ સાવિત્રીદેવી અને કમલા ત્યાં હતાં.

જગદીપઃ મેં જ તેમને રાણીની પાસે મોકલ્યાં હતાં, પણ રાણીને આશ્વાસનની જરૂર પડશે એમ ઘારીને.

દુર્ગેશઃ રાણીને પણ આશ્વાસનની જરૂર હતી, અને એરીતે સુભાગ્યે એ બે ત્યાં હોવાથી આપનાં માતાની પણ સારવાર થઇ. સાવિત્રીદેવીની આજ્ઞાથી કમલા અને મંજરીએ એમને સાવધ કરી ઘેર મોકલ્યાં.

જગદીપઃ ત્યારથી એમનો મંદવાડ ચાલુ જ છે?

દુર્ગેશઃ પછી દરબારમાં તમે જે કહ્યું અને કર્યું તે એમના જાણવામાં આવ્યું એટલે એમનું હૃદય છેક ભાંગી ગયું, અને મંદવાડ બહુ વધી ગયો.

જગદીપઃ એ ક્યાં રુદ્રનાથમાં છે?

દુર્ગેશઃ ના, કિસલવાડીમાં છે.

જગદીપઃ એની પાસે કોઇ નહિ હોય!

દુર્ગેશઃ દરબાર પછી હું તમારી ખોળમાં નીકળ્યો, તે પછી કમલા એમની પાસે ગઇ અને આપણા વચ્ચેની મૈત્રિની હકીકત કહી ચાકરી કરવાની અનુજ્ઞા માગી. ત્યારથી કમલા એમની માવજત કરે છે.

જગદીપઃ કમલાદેવીનો હું કેવો આભારી થયો છું! પરંતુ, તમે જઇને મને તરત ખબર કેમ ન મોકલાવી?

દુર્ગેશઃ તમારાં માતાએ જ ના કહી. ગાદીનો નિર્ણય થતા સુધી દૂર થવા તમે પંદર દિવસની અવધિ ઠરાવી છે તે તમે પાળી શકો માટે તે પહેલાં તમારે ન આવવું એવી ઇચ્છા તેમણે દર્શાવી.

જગદીપઃ મને ગાદી અપાવવા માટે જ એણે બિચારીએ આ બધું કર્યું છે અને ખમ્યું છે. માતા વિના એવું કોણ કરે? માતૃત્વની ઘટના પ્રાણીઓને કેવી વરદાન રૂપ પ્રાપ્ત થઇ છે ! એ ઘટનામાં પ્રાણીઓના હૃદયનો ઉલ્લાસ કેવો અદ્‍ભૂત રીતે સમાયો છે?

(અનુષ્ટુપ)

માતૃત્વ પ્રભુએ સર્જી ઉપજાવ્યો મિઠો ઝરો;

કૃતજ્ઞતા, દયા, સ્નેહ સિંચાત નહિ તે વિના.

દુર્ગેશઃ પશુઓ અને પક્ષીઓ જન્મ પછી થોડો કાલ જ માતૃત્વની કદર પિછાને છે. એમાં જ ખરે મનુષ્યજાતિ અને બીજાં પ્રાણીઓ વચ્ચેના ભેદનો આરંભ થાય છે. એ માતૃત્વની કદરથી જ મનુષ્ય કુટુમ્બ અને સમાજ ના ઉચ્ચ સાંસારિક બંધારણ તરફ વળે છે.

જગદીપઃ અત્યારે તો એ સાંસારિક બંધારણમાં મને દુઃખભરી અને વિસંવાદી દ્વિવિધતા જણાય છે.

(પ્રિયંવદા)

પ્રણયના મધુર રંગની પિંછી

હૃદયના પટ પરે ફરંતિ જ્યાં,

સળગતો પ્રબળ અગ્નિ કષ્ટનો

નિકટ એ પટ પુઠે અદૃષ્ટ ત્યાં. ૯૨

 

એ સુખ ખરું કે દુઃખ?

દુર્ગેશઃ અ બન્ને ખરાં છે, અને એ બન્નેથી જ સાંસારિક બંધારણની ઉચ્ચતા ઘડાય છે અને સંવાદી થાય છે.

જગદીપઃ સુખદુઃખને સંવાદ હોય કે ન હોય, પણ અત્યારે બિનશરતે દુઃખાગ્નિમાં પ્રવેશ કરવા હું તૈયાર છું. મારી વ્યાધિગ્રસ્ત માતા પાસે મને ત્વરાથી લઇ ચાલો.

[બન્ને જાય છે.]

 

પ્રવેશ ૨ જો

સ્થળ : કિસલવાડીમાંનું ઘર

[ખાટલા પર મોટે તકિયે અઢેલીને બેઠેલી અમૃતદેવી અને ખાટલા પાસે આસને બેઠેલાં જગદીપ, દુર્ગેશ અને કમલા પ્રવેશ કરે છે.]

અમૃતદેવી : કમલાએ જેવી મારી ચાકરી કરી છે, તેવી જગદીપ ! તારાથી પણ ન થાત. ઈશ્વરે મને કમલા જેવી એક પુત્રી આપી હોત તો મારા હૃદયને કેવો વિસામો મળત ! પણ હું એક પુત્રને સુખી કરી શકી નથી, તે બે સંતાનોને તો કેવાયે દુઃખમાં મૂકત !

જગદીપ : મને સુખી કરવા તેં કયો પ્રયત્ન બાકી રાખ્યો ? અને તેમ છતાં હુ સુખી ન થાઉં તો મારી જ સુખ પામવાની અશક્તિ.

અમૃતદેવી : પણ, મારો કયો પ્રયત્ન સફળ થયો કે તને સુખ પામવાનો વખત આવે ?

જગદીપ : પ્રયત્ન સફળ થવાની જરૂર છે ? મારી માતાએ મને સુખી કરવા પ્રયત્ન કર્યા છે એ વાત જ પરમ સુખ ઉદ્‌ભૂત કરવાને સમર્થ નથી ?

અમૃતદેવી : જગદીપ ! તને એટલું સુખસાધન પ્રાપ્ત થયું છે તો મારા અન્ત પહેલાં એટલો મને સંતોષ થયો. બીજા કોઇ પણ સંતોષ વિના મારે મરવાનું છે. પ્રભુ ! જેવી તારી ઇચ્છા !

[તકિયા પર માથું ફેરવી નાખે છે.]

કમલા : બા સાહેબ ! આવા સંતાપથી આપની તબિયત બગડી છે, અને વધારે બગડે છે. વૈદ્યરાજે તો આટલું બધું બોલવાની પણ ના કહી છે.

અમૃતદેવી : (માથું ફેરવીને) જે શરીર સુધરવાનું નથી તે વહેલું બગડે કે મોડું બગડે એમાં શો ફેર ?

જગદીપ : મા ! તું તારા મનને નિરાશાથી કેમ ઘેરાવા દે છે ? તારા આશાવન્તપણામાં આખા યુગને પ્રોત્સાહિત કરવાનું સામર્થ્ય હતું તે ક્યાં ગયું ?

અમૃતદેવી : કચડાઈ ગયું, છુંદાઈ ગયું. હવે મને સમજાયું છે કે,

(અનુષ્ટુપ)

આવે કાલતણો ભાર એવો સખ્ત અસહ્ય કે

આશાવન્તનું સામર્થ્ય ટકે એક જ સત્ત્વથી. ૯૩

પણ એ સામર્થ્ય ભાંગી ગયા પછી એ સત્ત્વનું ભાન થયું તે શા કામનું ?

દુર્ગેશ : બા સાહેબ ! પ્રશ્ન પૂછું તે માટે ક્ષમા કરશો. એ સત્ત્વ તે કયું ?

અમૃતદેવી : ઈશ્વરશ્રધ્ધા.

કમલા : ઈશ્વરશ્રધ્ધાની આપનામાં શી ન્યૂનતા છે ?

અમૃતદેવી : કમલા ! તને આ મંદવાડ વખતનો જ મારો પરિચય છે. પણ..હા ! મનુષ્યોની સ્મૃતિઓ પર થોડે થોડે અન્તરે પ્રલય ફરી વળતો હોય તો કેવું ?

જગદીપ : માનવસ્મ્રુતિઓમાં ડુબાડી દેવા કરતાં તરતું રાખવા જેવું ઘણું વધારે હોય છે.

અમૃતદેવી : એકંદર સરવાળે તેમ હશે, પરન્તુ પર્વતરાયનું મૃત્યુ થયું તે દુર્ભાગ્ય-દિવસના મારા સંકલ્પોની સ્મૃતિ તરતી રહી ન હોત તો મારા અન્ત સમયની વેદના કેટલી ઓછી થાત !

જગદીપ : મેં એ સંકલ્પોમાં સામેલ થઈ તારી અડધી જવાબદારી મારે માથે લીધી છે.

અમૃતદેવી : મારા અધર્મ્ય સંકલ્પોમાં તને સામેલ કરવાથી મારી જવાબદારી અડધી થયેલી લાગતી નથી, પણ બેવડી થયેલી લાગે છે.

જગદીપ : ગમે તેમ હોય, પણ ભૂતકાળ બદલાય તેમ નથી.

અમૃતદેવી : તેથી જ સ્મૃતિઓનો હુમલો હું પાછો હઠાવી શકતી નથી.

કમલા : ભૂતકાળની સ્મૃતિઓ પડતી મૂકી ભવિષ્યકાળની આશાઓનું મનન કેમ ન કરવું ?

અમૃતદેવી : એવો વિશ્લેષ થઇ શકતો હોય તોપણ કઈ આશાઓનું હું મનન કરું ?

કમલા : જગદીપદેવના રાજ્યારોહણની આશાઓનું.

દુર્ગેશ : અને, એ માત્ર આશાનો વિષય નથી. જગદીપદેવ ગાદીએ બેસશે એ નિશ્ચય છે.

જગદીપ : શીતલસિંહ પોતાના પુત્રને દત્તક નહિ લેવડાવી શકે ?

દુર્ગેશ : ભગવન્ત આજ સવારે જ કહેતા હતા કે શીતલસિંહ કદી ફાવવાનો નથી.

અમૃતદેવી : શીતલસિંહનું ગજું કેટલું ! એક કૂદકો માર્યા પછી બીજો કૂદકો તો શું, પણ બીજું ડગલું ભરવાની એનામાં ગતિ નથી. મને એની બીક નથી.

જગદીપ : ત્યારે શાની બીક છે ?

અમૃતદેવી : લીલાવતીનાં વચન ખરાં પડવાની. એણે મારો તિરસ્કાર કરી મને કહ્યું હતું કે 'તું મરતા સુધી માલણ જ રહેવાની છે.' મારું મરણ આણવાની કે મને માલણ રાખવાની લીલાવતીને સત્તા નથી, પણ એ વચન સાંભળ્યાં તે જ વેળા મને ભાન થયું કે એ શિક્ષા મને ઘટે છે, અને તે ક્ષણથી મારું હૃદય ભાંગી ગયું છે અને મારી આશાઓ શૂન્ય થઈ ગઈ છે.

દુર્ગેશ : જગદીપદેવને ગાદીએ બેઠેલા જોશો એટલે આપ રાજમાતા થશો અને રાણી લીલાવતીનાં વચન ખોટાં પડશે.

અમૃતદેવી : જગદીપ ગાદીએ બેસશે કે કેમ એ ક્લ્પના કરવી મેં મૂકી દીધી છે. એવો દિવસ હું જોવાની નથી, એમ મારું અન્તઃકરણ સાક્ષી પૂરે છે.

જગદીપ : મા ! મારી મા ! તારો સન્તાપ મને આપ, અને મારી જે કાંઈ શાન્તિ છે તે તું લઇ લે.

અમૃતદેવી : એ અશક્ય છે. શી રીતે અદલોબદલો થાય ? જે કારણોથી મને સન્તાપ થયો છે, અને જે કારણોથી તને શાન્તિ પ્રાપ્ત થઈ છે તે તો થયાં અને ગયાં. તેની આપલે કેમ થાય ?

જગદીપ : એવો આપણા બે વચ્ચે શો ફેર પડી ગયો છે ?

અમૃતદેવી : મારી આજ્ઞાથી તેં મારા અધર્મ્ય સંકલ્પો ગ્રહણ કર્યા, પણ તું આગળ જતાં અટક્યો, અને હું એ માર્ગે આગળ ને આગળ ચાલી. એ જ ફેર. પરન્તુ, એ પરિતાપની કથા હવે પડતી મૂકો.

જગદીપ : તને કંઇ આનન્દ થાય એવી કથા હું કહું.

અમૃતદેવી : હવે આ જીર્ણ કલેવરમાં આનન્દનો ઉદય થઈ શકે તેમ નથી. ભાંગેલું હૈયું ફરી સંધાતું નથી, પરંતુ તને આનન્દ થતો હશે તો તે જોઈ મને સંતોષ થશે.

જગદીપ : મારા જીવનની સહચારિણી મને મળી આવી છે.

અમૃતદેવી : સુખી થજો.

જગદીપ : તને જિજ્ઞાસા થતી જણાતી નથી, તોપણ કહું છું કે જેનુ પાણિગ્રહણ કરી હું ધન્ય થવાનો છું તે પર્વતરાયની પુત્રી વીણાવતી છે.

કમલા : પર્વતરાયનાં પુત્રી વીણાવતી તો બાલ્યાવ્સ્થામાં વિધવા થઈને ગુજરી ગયાં છે !

જગદીપ : ગુજરી ગયાં છે એ વાત ખોટી છે. વિધવા થયેલાં એ વાત ખરી. પણ એ વૈધવ્યમાં અન્યાય ને ક્રૂરતા હતાં, અને લગ્નથી એ ન્યાય અને ક્રૂરતા દૂર થતાં હોય અને પ્રેમનો ઉલ્લાસ થતો હોય તો તે કર્ત્તવ્ય નથી ?

અમૃતદેવી : પુત્ર ! તને એ કર્ત્તવ્ય લાગતું હોય તો બેશક કરજે. મારી સહાયતા વિના હવે તારે કર્ત્તવ્યનિર્ણય કરવાનો છે, અને જ્યાં તને કર્ત્તવ્યપ્રતીતિ થઇ ત્યાં તે પાર પાડવા સારુ તારામાં આત્મબળની ખામી નહિ જણાય એવી મારી ખાતરી છે. હવે ઐહિક વિષયોમાંથી મારું મન ખસેડી લેતાં પહેલાં એક વાત મારે કહેવાની છે. તે કહેવી રહી ન જાય તે માટે મને ઘણી ઉત્સુકતા છે.

દુર્ગેશ : હું અને કમલા બહાર જઈએ ?

અમૃતદેવી : ના. મારાં વચન તમારે પણ સાંભળવા સરખાં છે, અને જે એક વેળા જાલકા હતી તે એ વચન કહી ગઈ છે એમ જગત્ ન માને તો તમે સાક્ષી પુરાવા લાગશો. (ટટાર બેસીને) જગદીપ ! તને પર્વતરાય બનાવવાની યોજના મેં કરી તે દિવસે એ છલની શિક્ષા ભોગવવાનું મેં માથે લીધું હતું, અને મારા આગ્રહ ઉપરથી તેં પણ તેમ કર્યું હતું, પરંતુ હવે મને ભાન થયું છે કે ઈશ્વરનું નીતિવિધાન તો એવું છે કે મનુષ્યે છલ ન કરવું અને છલની શિક્ષા વહોરી ન લેવી. અનીતિની શિક્ષાને પાત્ર થવાનું કબૂલ કરી અનીતિ કરવી એ નીતિવ્યવસ્થા નથી, એ મનુષ્યધર્મ નથી.

(ઉપજાતિ)

નીતિવ્યવસ્થા કરી ઈશ્વરે જે,

છે માત્ર તેને અનુકૂલ વિશ્વ;

નવી વ્યવસ્થા કરવાની શક્તિ,

નથી મનુષ્યત્વ વિશે રહેલી. ૯૪

 

જગદીપ : અને, વિશ્વની નીતિવ્યવસ્થા સામે ઝઘડવાનો પ્રયત્ન વ્યર્થ જતાં હું તારા પ્રત્યેના પ્રેમમાં ન્યૂન રહ્યો તે માટે ક્ષમા કરજે.

અમૃતદેવી : એમાં તારો શો અપરાધ હતો?

(અનુષ્ટુપ)

વિરોધી સત્યનો એવો પ્રેમ વિશ્વે અશક્ય છે;

જ્યાં સત્ય ત્યાં જ છે પ્રેમ, જ્યાં પ્રેમ ત્યાં જ સત્ય છે.

(આઘે નજર કરતાં વિહ્વલ થઈને) અરે ! આ બારીમાંથી એ કારમી જગા દેખાય છે, એ તો હું આજ આમ બેઠી થઈ ત્યારે ખબર પડી !}}

જગદીપ : કઈ જગા ?

અમૃતદેવી : (ભયભીત ચહેરે આંગળી બતાવીને) તે જ જગા, જગદીપ ! તે જ જગા. (તકિયા પર પડીને) તે જ એ જગા છે કે જ્યાં પર્વતરાયનું શબ દાટ્યું છે. દાટતી વેળા એના હૃદયમાં ચોટેલું બાણ મેં ખેંચી કાઢ્યું હતું, પણ મારા હૃદયમાં ચોટેલું બાણ કોણ ખેંચી કાઢશે ? મને અહીંથી લઈ જાઓ. આ ખંડમાં હું સૂઈ નહિ શકું. કૃપાલુ પ્રભુ ! કદાચ તારા શાન્તિધામમાં કોઈ ખંડ...

[બેભાન થઈ જાય છે. જગદીપ, દુર્ગેશ અને કમલા અમૃતદેવીનો ખાટલો ઊંચકીને લઈ જાય છે.]

 

પ્રવેશ ૩ જો

સ્થળ: શીતલસિંહનું ઘર.

[શીતલસિંહ વિચારમાં ફરતો પ્રવેશ કરે છે.]

શીતલસિંહ : (સ્વગત) મને જે મોટી બીક હતી તે તો પતી ગઈ. એ જાલકાનો બુદ્ધિપ્રભાવ એવો હતો કે મારી બધી યુક્તિઓને તે ઊંધી વાળી નાખત, પણ એ તો આ દુનિયામાંથી ગઈ એટલે એક નિરાંત થઈ. પણ એમાં મારા કાર્યની સિદ્ધિ આગળ શી રીતે વધી ?

[નોકર પ્રવેશ કરે છે.]

નોકર : જી, બારણે કોઇ બ્રાહ્મણ આવ્યો છે. તે કહે છે કે આપને મળવું છે.

શીતલસિંહ : કોણ છે ?

નોકર : ડોસો છે ને મોટી દાઢી છે.

શીતલસિંહ : શું કામ છે ?

નોકર : તે કહે છે કે કાશી જાઉં છું ને વાટમાં ખરચી ખૂટી છે, માટે મદદ માગવા આવ્યો છું.

શીતલસિંહ : એને અહીં મોકલ, અને એ જાય ત્યાં સુધી તું ઓટલે બેસજે.

[નોકર જાય છે.]

શીતલસિંહ : સંજ્ઞા તો મળી, પણ તે વખતે બીજું કોઇ એ સંજ્ઞા જાણી ગયું હોય અને તેનો ઉપયોગ કરી મને છેતરવા આવ્યો હોય તો ? એમ હોય તો તે વસમું થાય. જોઉં છું. એકદમ વાત નહિ છેડું તો.

[લાંબા છૂટા કેશ અને લાંબી દાઢીવાળો, કામળી ઓઢેલો, અને હાથમાં લાકડી લીધેલો, એવો બ્રાહ્મણ પ્રવેશ કરે છે.]

બ્રાહ્મણ : જજમાન રાજા ! કલ્યાણ થાઓ.

(ચોપાઈ)

મનના સઘળા ફળજો કામ,

માગ્યા પૂરા મળજો દામ;

ગાદીવારસ ઉગજો કૂખે,

દિકરા દિકરી પરણો સૂખે. ૯૬

 

શીતલસિંહ : (સ્વગત) નિશાની તો એ જ. (મોટેથી) આવો મહારાજ! તમે કોણ છો?

બ્રાહ્મણ : કોણ છું તે ખબર ના પડી? (બારણું અંદરથી બંધ કરીને સાંકળ વાસે છે અને ખોટા કેશ ને ખોટી દાઢી કાઢી નાંખે છે, કામળીને લાકડી ફેંકી દે છે, અને સ્ત્રીને વેશે પ્રકટ થાય છે.) ખરે! સંજ્ઞા કહ્યા છતાં તમે મને ના ઓળખી ?

શીતલસિંહ : મંજરી ! સંજ્ઞા તો મેં પારખી, પણ મને એમ થયું કે વખતે બીજું કોઇ સંજ્ઞા જાણી ગયું હોય, અને તે હોય તો?

મંજરી : થોડા વખતમાં ઘણું કરવાનું, અને તેમાં આમ બીતા અને અચકાતા ફરશો તો કામ કેમ પાર પાડશો ?

શીતલસિંહ : કામ એવું જોખમનું છે કે આખરે ફાવીએ નહિ તો માર્યા જવાનો વખત આવે, પણ તારી હિમ્મત જોઉં છું ત્યારે કોઇ કોઇ વાર મને પણ હિમ્મત આવે છે. વારુ, હવે કહે લીલાવતી રાણીસાહેબ આગળ દત્તક લેવાની વાત બીજા કોઇ પાસે કરાવવાનું તારાથી બન્યું છે કે નથી બન્યું ?

મંજરી : જેને પૂછું છું તે કહે છે કે મારાથી એ નહિ બને ?

શીતલસિંહ : એનું શું કારણ ?

મંજરી : સહુ જાણે છે કે ભગવન્ત આ દત્તવિધાનની વિરુધ્ધ છે.

શીતલસિંહ : ભગવન્ત વિરુધ્ધ હોય તો તેથી શું થઈ ગયું ? રાણીસાહેબ પોતાની ઈચ્છાથી દત્તક લેવા મુખત્યાર છે.

મંજરી : મુખત્યાર તો છે, પણ હવે તો રાણીસાહેબને ભગવન્ત પર એવી શ્રધ્ધા બેસી ગઈ છે કે એમને પૂછ્યા વિના સ્વપ્નાવસ્થામાં પણ પગલું ન ભરે.

શીતલસિંહ : પહેલાં તો રાણી સાહેબ ભગવન્તથી કાંઈક નારાજ રહેતાં.

મંજરી : પણ, જાલકા સાથે તકરાર થઇ અને રાણી સાહેબની તબિયત બગડી ત્યારે શ્રીમતી તેમની પાસે હતાં. અને, તેમના આશ્વાસનથી એવી શાન્તિ મળી કે રાણી સાહેબ તેમને ઘડી ઘડી બોલાવવા લાગ્યાં. અને રાણીસાહેબનો

મંદવાડ વધ્યો ને રાજનો મામલો ગુંચવાયો, તેમ શ્રીમતી સાથે ભગવન્તને પણ રાણીસાહેબ સલાહ માટે બોલાવવા લાગ્યાં. અને એ રીતે તેમના તરફ બહુ આદરભાવ થયો.

શીતલસિંહ : તેં પોતે રાણીસાહેબને મોઢે ફરી દત્તક્ની વાત છેડી હતી ?

મંજરી : છેડી હતી, પણ બહુ ગુસ્સે થાય છે અને એ વિશે એક અક્ષર પણ સાંભળાવાની ના પાડે છે. મંદવાડમાં બેચેની વધે એ બીકે વધારે કહેવાતું નથી.

શીતલસિંહ : ભગવન્ત શાથી દત્તવિધાનની વિરુધ્ધ છે ?

મંજરી : એમને અને શ્રીમતીને કોણ જાણે શાથી જગદીપ પ્રત્યે બહુ માનવૃત્તિ બંધાયેલી છે. એ જ ગાદીને લાયક છે એમ બંને માને છે.

શીતલસિંહ : પુષ્પસેનની કંઈ સમજણ પડી ?

મંજરી : સમજણ શી પડવાની હતી ? દુર્ગેશ અને જગદીપ વચ્ચે ગાઢી મૈત્રી છે, અને જ્યાં કમલાદેવી ત્યાં પુષ્પસેન. પુષ્પસેન કદાચ તટસ્થ રહેવા ઇચ્છા કરે તોપણ કમલાદેવીનો પ્રભાવ જેવો તેવો છે ?

શીતલસિંહ : સૈન્યની મદદ વગર તો દત્તવિધાન થયા પછી પણ આપણે નિષ્ફળ થઇએ.

મંજરી : પણ, રાણીસાહેબ દત્તક લે તો પર્વતરાય મહારાજનો દત્તક પુત્ર ગાદીએ કેમ ન આવે એ ગૂંચવણ ઊભી થાય ખરી. મારે બ્રાહ્મણ જમાડવો છે એમ કહીને વંજુલને મેં મારી પાસે બોલાવ્યો હતો. એને વાતમાં નાખતાં એ બોલી ગયો કે જગદીપ પોતે એમ કહે છે કે લીલાવતી રાણીને દત્તક લેવાનો હક છે. અને એ દત્તક લે તો દત્તકપુત્ર પર્વતરાયનો વારસ ગણાય એની ના ન કહેવાય. એ પ્રશ્નનો નિર્ણય થતાં સુધી પોતાના રાજ્યાભિષેકની જગદીપ ના પાડે છે.

શીતલસિંહ : જગદીપ ભણ્યો છે પણ ગણ્યો નથી, અને ન્યાયનું પૂતળું છે એટલો આપણને ફાયદો છે.

[બહારથી કોઇ બારણું ઠોકે છે.]

(ગભરાઈને) એ શું ! કોણ આવ્યું હશે ? એણે બારણે રહી આપણી વાત સાંભળી હશે ?

મંજરી : રાજાના બાપ થવું હોય તો જરા કઠણ થવું પડે. (બ્રાહ્મણનો વેશ ધારણ કરીને) હવે બારણું ઉઘાડો.

[શીતલસિંહ બારણું ઉઘાડે છે એટલે નોકર પ્રવેશ કરે છે.]

શીતલસિંહ : (ગુસ્સે થઇને) મેં તને ઓટલે બેસી રહેવાનું નહોતું કહ્યું ?

નોકર : જી, હા. પણ આ મહારાજનો કોઈ સાથી દોડતો આવ્યો છે. તે કહે છે કે આપણે ઉતર્યા છીએ તે ધરમશાળામાં આગ લાગી છે, માટે એકદમ ચાલો. એ બહુ આકળો થયો એટલે હું કહેવા આવ્યો.

મંજરી : એને અહીં મોકલ ભાઈ.

શીતલસિંહ : અને, તું પાછો ઓટલે બેસ.

[નોકર જાય છે.]

 

એ તારો સાથી આવશે તો કંઈ અટકળ ક્રરશે ને બીજાને વાત કરશે તો ભરમ ફૂટી જશે. આગ લાગી છે, ત્યાં તારે જવું હોય તો જા.

 

મંજરી : એ મારો સાથીયે નથી અને આગેય નથી લાગી. પૂર્વમંડળની સરહદ પાસેના રાજાને સૈન્યની મદદ માટે પુછાવવામાં આપણે દૂત મોકલ્યો હતો, તે આજે આવે એમ વકી હતી. તેથી હું મારા વિશ્વાસુ માણસને કહેતી આવી હતી કે મારા ગયા પછી એ આવે તો આગની સંજ્ઞા આપી એને અહીં બોલાવજે. હું બ્રાહ્મણ વેશે હઇશ તે પણ એને કહ્યું છે.

[દૂત પ્રવેશ કરે છે અને મંજરીના હાથમાં કાગળ આપે છે.]

(કાગળ વાંચીને) તું જા. આપણો સામાન કાઢી લીધો છે તે બસ છે. ધરમશાળા છો બળી જતી.

[દૂત જાય છે.]

કાગળમાં લખ્યું છે કે એ રાજા સૈન્ય મોકલવા ખુશી છે પણ એવી શરત કરે છે કે એને એક કરોડ દામ આપવા અને પૂર્વમંડળનો આખો પ્રદેશ આપી દેવો.

શીતલસિંહ : એક કરોડ દામ તો મારઝૂડ કરીને લોકો પાસેથી ઉઘરાવીને આપીએ, પણ પૂર્વમંડળ આપી દેતાં તો મારા પુત્રને મળવાની ગાદી નાની થઇ જાય.

મંજરી : ગાદી મળવાના જ વાંધા છે ત્યાં નાની મોટી ક્યાં કરો છો ?

શીતલસિંહ : તને લાગતું હોય તો હું ના કહી શકવાનો છું ?

મંજરી : સૈન્યની મદદનું તો આમ નક્કી થયું. દત્તવિધાન થાય તે પછી તરત સૈન્ય બોલાવાય. માટે, ગમે તેમ કરીને દત્તવિધાન કરવાનો માર્ગ લેવો જોઇએ.

શીતલસિંહ : રાણીસાહેબ હઠ લઇને બેસે ત્યાં શો ઉપાય ?

મંજરી : મેં એક ઉપાય શોધી કાઢ્યો છે. રાણી લીલાવતીના પિયેરનો પુરોહિત અત્રે આવેલો છે. એના પર રાણીસાહેબની કૃપા છે. એ પુરોહિતને દાનદક્ષિણાથી રાજી કરી તમે એની મારફત રાણી સાહેબ પાસે આટલું કબૂલ કરાવો. એની રૂબરૂ રાણીસાહેબ એક વાર તમારી મુલાકાત લે.

શીતલસિંહ : અને, એવી મુલાકાત થાય તો તે વખતે શું કરવું ?

મંજરી : તમે અને પુરોહિત રાણીસાહેબને બે વાતનો આગ્રહ કરીને કહેજો. એક તો એમ કહેજો કે જાલકાએ રાણીસાહેબ તરફ આવો દગો કરેલો અને આવો દુરાચાર કરવા ધારેલો તેનો પુત્ર ગાદીએ બેસે ? અને બીજું એમ કહેજો કે જગદીપ વીણાવતી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે. ક્ષત્રિયમાં વિધવા ફરી પરણે - અને તે વળી ગુજરાતના રાજાની પુત્રી- તે તો ભારે અનર્થ થાય; અને, એવો અનર્થ કરનાર અને પર્વતરાયના કુલને કલંક લગાડનાર ગુજરાતની ગાદીએ બેસે ?

શીતલસિંહ : તારા જેવી વાચાલતાથી કહેતાં મને આવડે તો તો રાણીનું મન જરૂર ફરે અને મારો પુત્ર ગુજરાતની ગાદીએ આવે.

મંજરી : અને, મને પાંચ લાખ દામ મળે, અને મારી પુત્રી તમારા પુત્ર સાથે પરણી ગુજરાતની રાણી થાય, એ આપણો કરાર ભૂલવાનો નથી.

શીતલસિંહ : એ ભૂલું ત્યારે તો શ્વાસોચ્છ્‌વાસ લેવાનું ના ભૂલું ?

મંજરી : હવે શ્વાસોચ્છ્‍વાસ જલદી ચલાવી તમે પુરોહિત પાસે જાઓ. હું ફરી આવીશ ત્યારે અત્તર વેચનારને વેશે આવીશ. અને બહારથી માણસ જોડે અત્તરનાં ત્રણ પૂમડાં મોકલાવીશ. વળી છેવટે એક ઉપાય તો છે જ. આવો તમારા કાનમાં કહું.

[શીતલસિંહના કાનમાં મંજરી વાત કહે છે. શીતલસિંહ ચમકે છે. મંજરી આંગળી ઊંચી કરી તેને ચુપ રહેવા નિશાની કરે છે.]

 

[બંને જાય છે.]

 

પ્રવેશ ૪ થો

 

સ્થળ : દુર્ગેશનું ઘર

 

[જગદીપ, દુર્ગેશ અને કમલા વાતો કરતાં બેઠેલાં પ્રવેશ કરે છે.]

દુર્ગેશ : શીતલસિંહની ખટપટ વધતી જાય છે. ભગવન્ત કહેતા હતા કે શીતલસિંહ અને મંજરીની મદદે આવવા પૂર્વની સરહદ પરના રાજાએ લશ્કર એકઠું કરવા માંડ્યું છે.

તેણે પૂર્વ-મંડળના આપણાં મંડળેશને ફોડી પોતાના લશ્કરને માર્ગ મળવાની ગોઠવણ કરવા પ્રયત્ન કર્યો, તે તો નિષ્ફળ ગયો. ભગવન્તને લીધે સર્વ અધિકારીઓએ રાજભક્તિમાં દૃઢ રહ્યા છે.

કમલા : હવે ગુજરાતના વહાણનું સુકાન ફક્ત રાણી લીલાવતીના હાથમાં છે, પણ શ્રીમતીને એ વિશે લેશમાત્ર ચિંતા નથી.

દુર્ગેશ : લીલાવતી રાણીના પિયેરનો પુરોહિત આવેલો છે. તેણે શીતલસિંહને રાણી સાહેબ રૂબરૂ લાવવાની અનુજ્ઞા માગેલી, તેની રાણી સાહેબે ના પાડેલી. પણ, ભગવન્તે સલાહ આપી છે કે એમની મુલાકાત લેવી અને એ લોકો કહે તે બધું સાંભળવું. એ લોકો વિધવાવિવાહની અનિષ્ટતા રાણીસાહેબના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરવાના છે.

જગદીપ : એક રાજપુરુષે મિત્રભાવે મને કહ્યું કે ‘ આ વિધવાવિવાહની વાત પડતી મૂકો તો અડધી ખટપટ શમી જાય. ગુજરાતના રાજાને કન્યાની ખોટ નહિ પડે ’ મેં ઉત્તર દીધો કે ‘ગુજરાતનું તો શું પણ આખી પૃથ્વીનું રાજ્ય મળતું હોય તો પણ તે માટે જગાડેપ વીણાવતીનો ત્યાગ કરે તેમ નથી.’

દુર્ગેશ : ભગવન્ત આગળ કોઈએ એમ કહ્યું કે ‘હાલ જગદીપદેવ એમ પ્રગટ કરે કે “હું વીણાવતી સાથે લગ્ન કરવાનો નથી.” તો શું ? ગાદીએ બેઠા પછી એમને એ લગ્ન કરવું હોય તો કોણ અટકાવનાર છે ?

જગદીપ : એવા અસત્યવાદીને ગુજરાતની ગાદી પણ ના ઘટે અને વીણાવતીનો હસ્ત પણ ન ઘટે. ભગવન્તે શું કહ્યું?

દુર્ગેશ : ભગવન્તે ઉત્તર દીધો કે ‘જગદીપદેવના ઉદ્દાત વીરત્વનો તમને ખ્યાલ નથી , તેથી આવી સૂચના કરો છો.

ભવિષ્યના ગુર્જર-નરેશ કદી કાયરપણું દાખવે કે ઉન્નત પથથી એક પગલું આડું ભરે એવી કલ્પના ન કરશો.’

કમલા : એવા ઉદ્દાત વીરત્વની ભાવનાનું રાજ્ય સ્થપાશે ત્યારે જ ગુર્જર ભૂમિની સ્ત્રીઓની અવદશા દૂર થશે. ત્યારે જ પ્રજાને સાક્ષાત્કાર થશે કે સ્ત્રીની કિંમત તે માત્ર પુરુષના સાધન તરીકે નથી, પણ

(શિખારિણી)

 

પ્રતિષ્ઠા સ્ત્રી કેરી સકલ રહિ છે સ્ત્રીત્વનિ મહીં,

વસ્યું તેને સ્ત્રીત્વે પુરુષ સરખું માનવપણું;

ઘડી જે મર્યાદા વિષયમય ભાવોથી પુરુષે

નથી તેથી સ્ત્રીની પદવિ કદી મર્યાદિત થતી. ૯૭

 

એ સાક્ષાત્કાર થશે ત્યારે એમ કહેનારા નહિ નીકળે કે વીણાવતીદેવીએ પોતાનું આયુષ્ય કષ્ટમાં અને ક્લેશમાં કાઢવું એમાં જ તેમના જીવનની કૃતકૃત્યતા છે.

 

દુર્ગેશ : એ પુરોહિત એવી માન્યતાને આધારે જ જગદીપદેવને ઉત્પાત કરનાર તરીકે વગોવે છે.

જગદીપ : લીલાવતી રાણીનાં પિયેરમાંથી પુરોહિત સિવાય બીજું કોઈ કેમ આવ્યું નથી ?

દુર્ગેશ : પર્વતરાય મહારાજના મૃત્યુની હકીકત જાહેર થઈ તે પહેલાંનું લીલાવતી રાણીનાં બહેનનું લગ્ન નક્કી ઠરેલું છે. એ લગ્ન પ્રસંગે જવાનું નિમંત્રણ રાણીસાહેબના ભાઈ તરફથી અહીં આવી પહોંચ્યું તે વેળા મહારાજના મૃત્યુની વાત પ્રગટ થઈ ગઈ હતી અને રાણીસાહેબે ઉત્તર મોકલાવ્યો કે 'મને કૂવામાં નાખી છે, તેમાંથી નીકળીને મારાથી અવાય તેમ નથી. હવે મારી બહેનને કૂવામાં ન નાખશો, અને તમારી મોટાઈ કહેવાય એવે ઠેકાણે

તેને પરણાવજો.' એથી ભાઇબહેનનાં મન ઊંચાં થયાં છે. વળી, એ લગ્ન હવે પાસે આવ્યું અને અટકે તેમ નથી, તેથી ત્યાંથી શોક કરાવવા કોઈ સગાંથી અવાય નહિ. તે માટે, એકલા પુરોહિતને શોક કરવા મોકલ્યા છે.

કમલા : અને, પુરોહિત મહારાજ મહેલમાં જઈ શોક કરાવે છે ને બહાર નીકળી ગાદીની ખટપટ કરે છે. શોક કરાવતાં આંખે કાંઈ ખરાં ખોટાં આંસુ વળગી રહ્યાં હોય તે પર શીતલસિંહના દામ લગાડતાં તે આંસુ લુછાઈ જાય છે, સુવર્ણમાં વાદળી, જેવો આંસુ ચૂસી લેવાનો ગુણ છે !

જગદીપ : અને, સુવર્ણને નિચોવતાં પાછાં તેમાંથી આંસુ જ નીકળે છે !

દુર્ગેશ : રાજા તો લક્ષ્મીપતિ છે, અને લક્ષ્મીપતિએ એવી વૈરાગ્યવૃત્તિ ધારણ કરવી ન જોઈએ.

કમલા : અને હવે તો આપ સંસારના ઊમરા પર આવી પહોંચ્યા છો. વીણાવતીદેવીને સૌભાગ્ય અર્પણ થતું જોવાની અમારી ઉત્કંઠા હવે રોકી શકાતી નથી.

જગદીપ : મારી પ્રિય માતાના અવસાન પછી તરત લગ્નોત્સવ રચવાની મને ઇચ્છા થતી નથી, પણ વીણાવતીને આવા સંજોગોમાં અસહાય અવસ્થામાં રહેવા દેવી એ ઉચિત નથી. અહીંથી જઈ એને આજે નગરમાં તેડી લાવીશ. રાણી લીલાવતી પાસે અમારે બન્નેએ જઈ એમનો આશીર્વાદ માગી લેવો, અને પછી લગ્ન ક્રિયા કરવી, એવી મારી ધારણા છે. ભગવન્તે સંમતિ દર્શાવી છે.

દુર્ગેશ : તમે પાછા આવો ત્યાં સુધીમાં અમે ભગવન્તને તથા શ્રીમતીને મળી એ ધારણા પૂર્ણ કરવાની તૈયારી કરીશું.

[બન્ને જાય છે.]

 

 

પ્રવેશ ૫ મો

 

સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસમાં બેઠકનો ખંડ

[આરામાસન ઉપર અઢેલીને બેઠેલી રાણી લીલાવતી અને તેની પાસે ઊભેલી મંજરી તથા બીજી દાસી પ્રવેશ કરે છે. તે પછી પુરોહિત અને શીતલસિંહ પ્રવેશ કરે છે, અને આઘેથી નમન કરે છે.]

 

પુરોહિત : રાણી સાહેબ ! આપે કૃપાવાન્ત થઈ અનુજ્ઞા આપી તેથી શીતલસિંહને આપની સમક્ષ લાવ્યો છું.

શીતલસિંહ : (લીલાવતીની વધારે પાસે આવી નમન કરીને ) હું મહારાજનો અને આપનો હમેંશા વફાદાર સામંત છું.

લીલાવતી : તમારી વફાદારી મારા જાણવામાં છે. તમારે જે કાંઈ નિવેદન કરવું હોય તે જલદી કહી દો. મારી પ્રકૃતિ ઘણી અસ્વસ્થ છે. માત્ર ભગવન્તના આગ્રહથી આ મુલાકાત મેં કબૂલ કરી છે.

શીતલસિંહ : રાણીસાહેબ ! બહુ જરૂરની વાત કહેવાની છે, માટે જ ન છૂટકે હું આપને શ્રમ આપવા આવ્યો છું. હું જાણું છું કે આપનું શરીર બેચેન છે.

લીલાવતી : મારું શરીર બેચેન છે ને મન પણ બેચેન છે. માટે જ કહું છું કે પ્રસ્તાવનું લંબાણ ન કરતાં વક્તવ્ય હોય તેનો ઉદ્‌ગાર કરી નાંખો.

શીતલસિંહ : રાજના સામંત તરીકે મારી ફરજ છે...

લીલાવતી : તમારી ફરજો તો ઘણી છે, પણ તેનો હિસાબ અત્યારે ક્યાં લેવા બેસીએ?

શીતલસિંહ : હું એમ કહેવા જતો હતો કે જગદીપ ગાદીએ બેસે એમ કદી બનવું ન જોઈએ.

લીલાવતી : શા માટે? તમારા પુત્ર કરતાં તો તે ગાદી માટે લાખ ગણો વધારે લાયક છે.

શીતલસિંહ : તે તો – તે તો રાણીસાહેબની મુખત્યારીની વાત છે. મારો પુત્ર તો આખરે રાજના સામંતનો પુત્ર છે, અને જગદીપ જાલકાનો પુત્ર છે.

લીલાવતી : તેથી શું ?

શીતલસિંહ : જે જાલકાએ આપના તરફ આવો દગો કરેલો અને આવો દુરાચાર કરવા ધારેલો તેનો પુત્ર આપના પતિની ગાદીએ બેસશે ?

લીલાવતી : એમાં તો તમે અને જાલકા એક ત્રાજવે તોળાઓ એવાં છો. જે શીતલસિંહે મારા પતિને જાલકાની જાળમાં ઉતાર્યા, જે શીતલસિંહે મારા પતિનું અવસાન ગુપ્ત રાખ્યું, જે શીતલસિંહે પર પુરુષને મારો પતિ બનાવવાની અને મારા પતિને નામે ગુજરાતનો રાજા બનાવવાની દુષ્ટ ચલમય યોજનાનો અમલ કર્યો, તે શીતલસિંહનો પુત્ર મારા પતિની ગાદીએ બેસશે, અને તે મારી જ પસંદગીથી ?

શીતલસિંહ : જાલકાની શીખવણીને હું વશ થયો એટલી મારા મનની નિર્બળતા. બાકી, હું નિર્દોષ છું.

લીલાવતી : નિર્બળ મનના મનુષ્યો પ્રબળ મનના મનુષ્યો કરતાં ઘણા વધારે ભયંકર હોય છે. પ્રબળ મનનો મનુષ્ય દુષ્ટ થાય છે ત્યારે માત્ર પોતાની ધારણા જેટલું જ અહિત કરી શકે છે, પણ નિર્બળ મનનો દુષ્ટ મનુષ્ય તો અનેક દુષ્ટોની ધારણાઓનો સાધનભૂત બને છે.

પુરોહિત : રાણીસાહેબ  ! આપ કહો છો તે યથાર્થ છે. શીતલસિંહ તો માત્ર પોતાના સ્વાર્થની વાત કરે છે, પરંતુ આપની રાજા હોય તો દત્તકની વાત બાજુએ રાખતાં બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય છે તે વિશે કહું.

લીલાવતી : કહો. આ વેળા મન ઉકાળવા હું સજ્જ થઈ બેઠી છું.

પુરોહિત : આપ અશાંત થાઓ એવી સ્વાર્થની વાત હું કહેવાનો નથી. હું તો ધર્મનો વિષય લઈ ને કહું છું કે વીણાવતી અને જગદીપે લગ્ન કરવા ધાર્યું છે. તે સંકલ્પથી તેઓ કોઈ કારણથી અટકે તેમ નથી. વિધવાનો પુનર્વિવાહ તો શાસ્ત્રવિરુદ્ધ અને અધર્મ્ય છે.

લીલાવતી : અમારા પ્રધાનજી કહે છે કે શાસ્ત્રોમાં વિધવાના પુનર્વિવાહની અનુજ્ઞા છે, અને હાલ તેની રૂઢિ નથી, પણ રાજા રૂઢિ બદલી શકે છે.

પુરોહિત : આપના પ્રધાનજી કહેતા હશે, પણ તે યથાર્થ નથી.

લીલાવતી : ગુજરાતમાં તો ગુજરાતનાં પ્રધાનની જ સલાહ માન્ય થાય. અને, ભગવન્તની શાસ્ત્ર નિપુણતા સુપ્રસિદ્ધ છે.

પુરોહિત : એ લગ્ન થતું ન અટકાવાય તોપણ જે કાર્યથી ક્ષત્રિયમાં અનર્થ થયો ગણાય અને ગુજરાતના રાજકુટુંબને કલંક લાગેલું ગણાય, તે કાર્ય કરનાર જગદીપ પર્વતરાય મહારાજની ગાદીએ બેસે એ કેમ થવા દેવાય?

લીલાવતી : એ અનર્થ નથી અને કલંક નથી એમ મારી પ્રતીતિ થઈ છે. એ બેનો ઉચ્ચ પ્રેમ જ વિશુદ્ધતાની સાક્ષી પૂરે છે. વીણાવતી ફરી સૌભાગ્યથી સુખી થઈ શકે તેમ છે, તો શા માટે તેનું જીવન નાખી દેવું ? અને, જગદીપ ગાદીએ બેસશે તો મારા પતિની પુત્રીનો વંશ ગાદીએ રહેશે. શીતલસિંહના વંશમાં ગાદી જાય એ શી રીતે વધારે સારું છે?

પુરોહિત : પણ, જગદીપ તો આપના પતિનો શત્રુનો પુત્ર !

શીતલસિંહ : શત્રુ છતાં પણ તે એક વાર ગુજરાતનો રાજા હતો. વળી જગદીપ ગાદીએ બેસે એવી સમસ્ત પ્રજાની ઇચ્છા છે. તેની અવગણના કરવી યોગ્ય છે.

(અનુષ્ટુપ)

 

રાજ્યનાં હિતકાર્યોમાં લોકેચ્છા માનવી ઘટે,

અનાદર પ્રજાનો જ્યાં રાજલક્ષ્મી ન ત્યાં વસે. ૯૯

 

પુરોહિત : આપને પ્રધાનજીએ આ સિદ્ધાન્ત કહ્યા હશે !

લીલાવતી : જે મંત્રીશ્વર પોતે આવા ઉચ્ચ સિદ્ધાંત ગ્રહણ કરી શકે છે અને મારી પાસે ગ્રહણ કરાવી શકે છે તેમનો મહિમા કંઈ સાધારણ છે ?

પુરોહિત : પ્રધાનજીનો બુદ્ધિપ્રભાવ વિશાળ છે, પરંતુ જે માણસના બાણથી પર્વતરાય મહારાજના પ્રાણ ગયા તેને જ તેમનો વારસ થવા દેવો એ મારી અલ્પ બુદ્ધિને તો ઉચિત લાગતું નથી.

લીલાવતી : એ અકસ્માત હતો અને તેમાં જગદીપનો દોષ લેશમાત્ર નહોતો. એ જગદીપને ઉદાત્તતાને લીધે જ રાજદરબાર કપટમાં ઘેરાતો બચ્યો અને મારા શિયળનું રક્ષણ થયું છે, તે માટે ઉપકારવૃત્તિ ઘટતી નથી ? અને આ અવસ્થાએ આવ્યા પછી, અત્યારે જગદીપને ગાદીએ બેસતો અટકાવી ગુજરાતને કલહમાંથી અને પરરાજ્યોના હુમલામાંથી બચાવવાનો કોઈ માર્ગ સૂચવો છો ? આપ વૃદ્ધ છો અને અનુભવી છો.

પુરોહિત : આપ કૃપાવન્ત થઈ પૂછો છો, માટે કહું છું કે આપ કોઇને દત્તક લઈ ગાદીએ બેસાડો એ જ માર્ગ છે.

લીલાવતી : કોને દત્તક લેવાની આપ સલાહ આપો છો?

પુરોહિત : હું તો તટસ્થ છું, મારે કંઈ લાભાલાભ નથી, પણ અહીં આવ્યા પછી મેં અહીંના સામન્તો અને ક્ષત્રિયો સાથે પ્રસંગ પાડ્યો છે. નિષ્પક્ષપાત વૃત્તિથી જોતાં મને તો લાગે છે કે શીતલસિંહનો પુત્ર દત્તક લેવા માટે સહુથી વધારે યોગ્ય છે.

લીલાવતી : એનામાં શા વિશેષ ગુણ છે ?

પુરોહિત : વિશેષ ગુણ તો શું, પણ શીતલસિંહ ઉપર પર્વતરાય મહારાજને સંપૂર્ણ વિશ્વાસ હતો, અને એ બધી રીતે વફાદાર છે ને વફાદાર રહેશે.

લીલાવતી : મંજરી ! તારો શો મત છે ?

મંજરી : બા સાહેબ ! રાજકાજમાં મારી શી અક્કલ ચાલે ! પણ, પુરોહિત મહારાજ આપના પિયેરના છે એટલે અંગનું માણસ છે, અને સારી સલાહ જ આપે. (સ્વગત) આ તો બાજી કાંઈ ઠીક થતી જણાય છે. છેવટ ઉપાય પર નહિ જવું પડે.

લીલાવતી : શીતલસિંહ ! તમે પણ આ સલાહ આપો છો તે માત્ર મારા અને રાજના હિત માટે ?

શીતલસિંહ : રાણીસાહેબ ! મારો બીજો શો હેતુ હોય ? (સ્વગત) આખરે આપણું કામ પાર પડવા આવ્યું ખરું !

લીલાવતી : બસ ! તમારા ત્રણેના દંભની નિર્લજ્જતા હવે હું વધારે વાર સહન કરી શકું તેમ નથી. 'નિર્દોષ', 'નિઃસ્વાર્થ', નિષ્પક્ષપાત,' એ શબ્દો તમારા મુખમાંથી નીકળતાં કલુષિત થાય છે. તમે શું એમ માનો છો કે તમારા ત્રણેની ખટપટથી હું અજાણી છું ? મારા રાજ્યના મંત્રીઓ શું એવા નિર્માલ્ય છે કે કાવતરાં તેમની ભૂલમાં ચાલ્યાં જાય ? તમારી એવી ધારણા હતી કે છેવટે મારો એકાએક વધ કરી મારા શબને ત્વરાથી બાળી મૂકવું અને એવી વાત ચલાવવી કે મેં ગુપ્ત રીતે આ પુરોહિત સમક્ષ શીતલસિંહના પુત્રને દત્તક લીધો અને પછી હું મારા પતિ પછાડી સતી થઈ - એ તમારો સંકેત પણ મારા કુશલ મંત્રીશ્વરથી અજાણ્યો નથી રહ્યો. એમની સાવધાનતા તમારી કલ્પનામાં નથી. દાસી ! બહારના ખંડમાં ભગવન્ત બેઠા છે. તેમને બોલાવી લાવ.

દાસી : જેવી આજ્ઞા.

[દાસી જાય છે.]

શીતલસિંહ : (આશ્ચર્યથી) ભગવન્ત અત્યારે અહીં !

લીલાવતી : સર્પને સમીપ આવવા દેતાં સર્પના પ્રતિકારને સમીપ

રાખ્યા વિના ચાલે ?

[કલ્યાણકામ અને દાસી પ્રવેશ કરે છે. કલ્યાણકામ નમન કરે છે.]

(ઉશ્કેરાઈને) ભગવન્ત ! આ ત્રણે અપરાધીઓને શી શિક્ષા કરશો ?

કલ્યાણકામ : રાણીસાહેબ ! શાન્ત થાઓ. આપની અસ્વસ્થ પ્રકૃતિને આ આવેશથી હાનિ થાય છે.

લીલાવતી : એ હાનિ કરનારઓને જ દંડ કરવાનું કહું છું.

કલ્યાણકામ : અત્યારે કાંઈ ન્યાયાસન ભરીને બેઠા છીએ ? એમને કાંઈ કહેવાનું હોય તે શાન્ત થઈ સાંભળવું પડે.

લીલાવતી : શીતલસિંહ સાચું કહો. કાલ રાત્રે તમારે ઘેર મંજરી અને પુરોહિત અત્તર વેચનારને વેશે આવેલા અને ત્યાં જ મારા વધની યોજના નક્કી કરી, અને હું ઉંઘતી હોઉં ત્યારે મંજરીએ મારી છાતીમાં બરછી ભોંકવી એમ ઠરાવ્યું, એ વાત ખરી કે નહિ ?

શીતલસિંહ : (ધ્રૂજતો ધ્રૂજતો બે હાથ જોડીને) રાણીસાહેબ ! મેં તો એ વાતની ઘણી ના કહી, પણ આ મંજરીએ અને પુરોહિત મહારાજે મારી પાસે પરાણે હા કહેવડાવી.

મંજરી : (સ્વગત) બાયલાની મદદે જાય તેને માથું તો કપાવવું પડે પણ નાકેય કપાવવું પડે.

લીલાવતી : કહો ભગવન્ત ! હવે, એમનું શું સાંભળવાનું રહ્યું !

કલ્યાણકામ : ન્યાય ઉતાવળમાં થતો નથી

લીલાવતી : ભલે, તમને એમ ઠીક લાગે છે તો પછી એમનો ન્યાય કરજો. હું એમની સાથેનો પ્રસંગ વધારે લંબાવવા ઇચ્છતી નથી, પણ જાલકાને અહીં બોલાવો. મેં એને કહેલાં શાપવચનો આ સર્વનાં દેખતાં મારે પાછાં ખેંચી લેવા છે. એણે મારું હ્રદય ભાંગ્યું, પણ મારે એનું હ્રદય ભાંગવું જોઈતું નહોતું. ભગવન્ત ! કેમ મારી સામું જોઈ રહ્યા છો ? જાલકાને બોલાવવા મોકલો.

મંજરી : જાલકા તો મરી ગઈ !

લીલાવતી : (ચમકીને) મરી ગઈ ! જાલકા મરી ગઈ !

મંજરી : તે દિવસે અહીંથી ગયા પછી એ મંદવાડમાંથી ઊઠી જ નથી. દુઃખે રિબાતી મરી ગઈ.

લીલાવતી : ખરે ! હું એને ક્ષમા કરું તે પહેલાં જાલકા મરી ગઈ ! મંજરી ! આખરે તું બરછી ભોંક્યા વિના ન રહી !

[બેભાન થઈ જાય છે.]

કલ્યાણકામ : રાણીસાહેબ ! જાગ્રત થાઓ ! દાસી ! એમનાં મોં પર પાણી છાંટો ને પંખો નાંખો !

[દાસી લીલાવતીના મોં ઉપર પાણી છાંટીને અને પંખો નાંખીને તેવું આશ્વાસન કરે છે.]

લીલાવતી : (જાગ્રત થઈને) જાલકાનું સાંત્વન કરી સંતોષ પામવાની મારા હ્રદયમાં આશા હતી, તે પણ આ સમાચારથી ભાંગી પડી. તે દુર્ભાગ્ય-દિવસે મેં એને શાપવચનો કહ્યાં તે પછી એ વચનોના ભણકારા મારા કાનમાં વાગ્યા જ કરે છે. પણ અંત દૂર નથી. પરંતુ, હજી એક ઇચ્છા રહી છે તે પૂર્ણ કરું. ભગવન્ત, મેં તમને કહ્યું હતું તે કામના વ્યવસાયમાં તમને કદાચ યાદ નહિ રહ્યું હોય. મારી સમક્ષ જગદીપ અને વીણાવતીને લાવો.

કલ્યાણકામ : એ બન્ને બહારના ખંડમાં આવેલાં જ છે. દાસી !

દાસી : જેવી આજ્ઞા.

[દાસી જાય છે.]

કલ્યાણકામ : જગદીપ અને વીણાવતી આપનો આશીર્વાદ લેવા ઉત્કંઠિત છે.

લીલાવતી : અને, હું એમને આશીર્વાદ દેવા ઉત્કંઠિત છું.

[જગદીપ, વીણાવતી અને દાસી પ્રવેશ કરે છે. જગદીપ અને વીણાવતી બન્ને પાસે આવી લીલાવતીને પગે પડે છે. લીલાવતી તેમને ઉઠાડે છે.]

જગદીપદેવ-નહિ, હજી જગદીપ ! તે દિવસે તેં મને તારી માતા બનાવી છે, તેથી માતા તરીકે આશીર્વાદ દઉં છું કે વીણાવતીને અને ગુર્જરભૂમિને સુખી કરી તું સુખી થજે. મારે દત્તક લેવો હોત તો તને જ લેત, પણ તારા પિતાના પુત્ર તરીકે ગાદીએ આવવા તું હકદાર છે. વીણાવતી ! આજ સુધી તારા સુખ માટે મેં કશી પ્રવૃત્તિ કરી નથી, પણ માતાની આશિષ જો કલ્યાણ કરતી હોય તો હું આશિષ દઉં છું કે તું સૌભાગ્ય પામી ઘણું ઘણું સુખ જોજે. (અટકીને) મારાથી બહુ બોલાશે નહિ એમ મને લાગે છે, પણ એક વચન છેવટ કહું છું કે ગુર્જરરાજની રાણી થઈ તું તારા પતિને નિરંતર એ ઉપદેશ કરતી રહેજે કે પ્રજાના સંસારમાં એવી નીતિ પ્રવર્તાવો કે લગ્નવ્યવહારમાં સ્ત્રીજાતિનું હિત જોતાં લોકો શીખે, અને કોઈ સ્ત્રી લીલાવતી જેવી હતભાગ્ય ન થાય. (અટકીને) મારી છાતીમાં કેમ ગભરામણ થાય છે ? મને જરા પાણી પાઓ. (દાસી પાણી ધરે છે. તે પીએ છે) મારાં આ વચનથી દેશમાં એક દુઃખી સ્ત્રીનું દુઃખ મટશે તો મારા પતિની પ્રજામાં એટલું સુખ વધશે અને ઈશ્વરના ધામમાં મને નિવૃત્તિ થશે. પણ, અલોકમાં તો....

[બેભાન થઈ જાય છે.]

કલ્યાણકામ : દાસી ! તમે અને બીજા સેવકો રાણીસાહેબને લઈ જઈને પથારીમાં સુવાડો. (બીજાંઓને) આપણ સર્વ અહીંથી ચાલો.

[લીલાવતી અને દાસી સિવાય સહુ જાય છે, અને પડદો પડે છે.]

 

પ્રવેશ ૬ ઠ્ઠો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાંની દરબારકચેરી

[કચેરીમાં વાદ્ય કે સંગીત થતું નથી, તેમ જ કાંઈ શોભા કરેલી નથી. ફરસબંધી ઉપર તેમજ સિંહાસનની બેઠક ઉપર અને છત્રી ઉપર ધોળી કોરવાળાં કાળાં વસ્ત્ર અને કાળી કોરવાળા ધોળાં વસ્ત્ર પાથરેલાં છે. જગદીપ અને તેની જમણી તરફ વીણાવતી સિંહાસને બેઠેલાં છે. વીણાવતીની જમણી તરફ સાવિત્રી, કમલા અને બીજી સ્ત્રીઓ બેઠેલી છે, અને જગદીપની ડાબી તરફ કલ્યાણકામ, પુષ્પસેન, દુર્ગેશ અને બીજા પુરુષો બેઠેલા છે; એવો પ્રવેશ થાય છે.]

પ્રતિહાર : શ્રીમત્‌ પરમભટ્ટાર્ક પરમમાહેશ્વર પરમભાગવત, સમધીગતપંચમહાશબ્દ સકલસામંતાધિપતિ બાહુસહાય ગુર્જરનરેન્દ્ર શ્રીજગદીપદેવ મહારાજાધિરાજનો જય ! શ્રીમતી મહારાણી વીણાવતી દેવીનો જય ! મહારાજ અને માહારાજ્ઞી સભામાં સર્વનું સ્વાગત કરે છે.

જગદીપ : પ્રતિહાર ! સર્વને જાહેર કરો કે આજની કચેરીમાં ઉત્સવ અને અભિનન્દન બંધ છે.

પ્રતિહાર : (નમન કરીને) જેવો ધરણીધરનો હુકમ. ( દરબારમંડળ તરફ ફરીને મોટેથી) આજની કચેરીમાં ઉત્સવ અને અભિનંદન બંધ છે.

કલ્યાણકામ : મહારાજ ! આવે મંગલ પ્રસંગે આ બધો શોક ન ઘટે.

જગદીપ : ભગવન્ત ! અમારી બે માતાઓની ચિતાભૂમિ હજી ઉની છે તેટલામાં લગ્ન અને રાજ્યાભિષેકની ક્રિયાઓ કરી અમે સ્નેહનો વિચ્છેદ કર્યો છે તેનો તો અમને સાક્ષાત્કાર થવા દો.

કલ્યાણકામ : એ બંને ક્રિયાઓ કરવામાં મહારાજ અને દેવી કર્તવ્ય પારાયણ થયાં છો, અને કર્તવ્ય કરવામાં હર્ષશોકના અન્તરાય લેખાતા નથી. વળી, સંસારની તો એ જ ઘટના છે, કે–

(અનુષ્ટુપ)

ચિતા માતાપિતા કેરી સ્વહસ્તે સળગાવિને,

સંતાનો એ જ જ્વાલામાં ચેતાવે આત્મદીપને. ૯૯

આપની ઈચ્છાનુસાર આજે ઉત્સવ અને અભિનન્દન બંધ કર્યાં છે, પણ રાજકાર્યો બંધ થઈ શકતાં નથી. એક રાજકાર્ય ત્વરાથી કરવાનું છે, તે રજૂ કરવાની રજા લઉં છું.

જગદીપ : આપણે યોગ્ય લાગે તે યોગ્ય હોવું જ જોઈએ, અને તે થવું જ જોઈએ.

કલ્યાણકામ : પ્રતિહાર ! બહાર બે અપરાધીઓ છે તેમને અંદર લાવો.

પ્રતિહાર : જેવો હુકમ.

[પ્રતિહાર બહાર જઈ શીતલસિંહને અને મંજરીને લઈ આવે છે.]

કલ્યાણકામ : મહારાજ , આ બંનેનો ન્યાય એમને કહી સંભળાવવા કૃપાવન્ત થશો.

જગદીપ : શીતલસિંહ ! મંજરી ! ભગવન્ત પ્રધાનજીની સલાહ લઈ અમે એ નિર્ણય કર્યો છે કે તમને ક્ષમા કરવી. પુરોહિત મહારાજ પરરાજ્યથી પરોણા આવેલા હતા, માટે તેમને કચેરીમાં આણવા જેટલી પણ શિક્ષા ન કરતાં અમે તેમને પોતાને દેશ મોકલી દીધાં છે. તમે રાજદ્રોહ કર્યો છે, તેની સાથે દેશદ્રોહ કર્યો છે. તમારા સ્વાર્થને માટે પ્રજાને પીડી એક કરોડ દામ ઉઘરાવવા અને દેશમાંથી એક આખું મંડળ કાપી નાખી પરરાજયને આપી દેવા તમે તૈયાર થયાં હતાં. એ મહાઅપરાધ માટે તમને ભારે શિક્ષા ઘટે છે, પણ ઘણા વખત સુધી તમો શીતલસિંહ ઉપર પર્વતરાય મહારાજની કૃપા હતી, અને તમો મંજરી પર લીલાવતી રાણીની કૃપા હતી તે લક્ષમાં લઈ અમે તમને શિક્ષા કરતા નથી. પ્રજામાં તમારી અપકીર્તિ થઈ છે, એ જ શિક્ષા હાલ તમને બસ છે. અને તમે ફરી દ્રોહમાં પ્રવૃત્ત નહિ થાઓ તો તમને બીજી કંઈ શિક્ષા કરવામાં આવશે નહિ. રાજ્યમાં રહેવાની તમને છૂટ છે.

શીતલસિંહ : મહારાજ, આપે કૃપાવન્ત થઈ મારા અપરાધ ક્ષમા કર્યા છે તો વફાદારીની પ્રતિજ્ઞા લેવાની મને રાજા આપશો.

જગદીપ : શીતલસિંહ, તમે પ્રથમ એ પ્રતિજ્ઞા લીધેલી છે તે સાંભરતું હશે.

શીતલસિંહ : (નીચું જોઈને) તે પળાઈ નથી માટે ફરી પ્રતિજ્ઞા લેવા ઇચ્છું છું.

જગદીપ : હવે વફાદાર થવાની દૃઢતા પ્રાપ્ત થાય તે પછી પ્રતિજ્ઞા લેજો.

શીતલસિંહ : મહારાજ, આપ ન્યાયી છો તેથી એક બીજી યાચના કરું છું. પુરોહિત અને મંજરીના હાથમાં મારી બધી દોલત ચાલી ગઈ છે. તેમણે મોંમાગ્યા દામ આપતાં મારી જાગીર પણ ડૂબી ગઈ છે.

જગદીપ : તેઓ કાંઈ પાછું આપે તો તે લેવાની તમને છૂટ છે.

દુર્ગેશ : અને દીકરા-દીકરી પરણાવવાનો તમારો સંકેત પાળવો હોય તો તે પાળવાની તમને છૂટ છે.

શીતલસિંહ : હું ગમે તેવો પણ ગુર્જરરાજનો સામન્ત. તેનો દીકરો તે દાસીની છોકરી સાથે પરણે ! અને, દાસીમાં પણ આવી કુપાત્ર કૃતઘ્ની સ્ત્રીની છોકરી સાથે !

મંજરી : અને, આવા બાયલા અને હિચકારાનો છોકરો તે કેવો નીવડવાનો હતો તે મારી દીકરી એને પરણીને સુખી થાય !

કલ્યાણકામ : સભા વચ્ચે તમારે આવો પરસ્પર દ્વેષ કરવો ન જોઈએ. એક બીજાનો ઇન્સાફ તમારે કરવાનો નથી. તમારા અપુણ્ય સંકેતમાંથી તમે છૂટ્યાં છો એટલું બસ છે.

જગદીપ : શીતલસિંહ ! ભવિષ્યમાં તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે, પરંતુ મારો સિદ્ધાન્ત તમને ઉપયોગી થતો હોય તો હું તે દર્શાવું. તમને યાદ હશે કે તે રાત્રે કિસલવાડીમાં મારો ખરો વૃત્તાન્ત મેં તમને જણાવ્યો ત્યારે મેં એક દોહરો કહ્યો હતો.

શીતલસિંહ : હા મહારાજ ! મને તે દોહરો યાદ છે.

(દોહરો)

પ્રભુથી સહુ કંઈ થાય છે, અમથી થાય ન કાંઈ;

રાઈનો પર્વત કરે, પરવતનો વળિ રાઈ. ૧૦૦

જગદીપ : પ્રભુના વિધાનને અનુસરતાં હું રાઈનો પર્વત થયેલો બચ્યો અને પાછો રાઈ થયો, તો આજે રાઈનો જગદીપ થયો છું. મારા પિતાની ગાદીએ બેઠો છું, અને દીવ્ય પ્રેમથી મને પાવન કરનારી આ પત્ની પામ્યો છું. ભગવન્ત ! હવે આપના આશીર્વાદનું એક વચન સાંભળી આ સભા વિસર્જન કરીશું.

કલ્યાણકામ : રાજન ! તમારી ઊચ્ચ નીતિ એ જ પરમ આશીર્વાદ રૂપ છે. તો બીજું શું કહું ?

(વસંતતિલકા)

 

રહેજો સદા સ્મરણમાં પ્રભુનાં વિધાન,

લોકો ગ્રહો પથ ઉંચા અભિલાષવાન;

રાજા પ્રજા ઊભયનાં ઉર એક થાજો,

ને નીતિકીર્તિ તુજ દેશવિદેશ જાજો. ૧૦૧

 

[પડદો પડે છે.]