Raaino Parvat - 5 in Gujarati Drama by Ramanbhai Neelkanth books and stories PDF | રાઈનો પર્વત - 5

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

રાઈનો પર્વત - 5

અંક પાંચમો
 

પ્રવેશ ૧ લો

સ્થળ : કલ્યાણકામની હવેલી.

[સાવિત્રી, કમલા, વંજુલ અને બીજાઓ રસ્તે પડતા રવેશમાં બેઠેલાં પ્રવેશ કરે છે. ઘણાં સ્ત્રી-પુરુષો રસ્તે બે બાજુએ ઊભાં છે. ]

કમલા : સવારી અહીં આવી પહોંચતાં સુધી સૂર્ય રોકાય અને આથમે નહિ એવી સિદ્ધિ વંજુલમિશ્ર, તમારા બ્રહ્મતેજ વડે કરો કે જેથી સવારી અહીં આવે ત્યારે મહારાજનું મોં બરાબર જોઈ શકાય.

સાવિત્રી: રુદ્રનાથથી સવારી નીકળી ચૂકેલી છે એમ ખબર આવી છે, તેથી અંધારું થતાં પહેલાં સવારી આ ઠેકાણે આવશે ને વંજુલના બ્રહ્મતેજનોઇ ખપ નહિ પડે.

વંજુલ : નહિ તોયે ક્યાં કમલાદેવીને અમારા બ્રહ્મતેજ અપ્ર શ્રદ્ધા છે! કોઈ દહાડો એમને ત્યાં ભોજન કે દક્ષિણા અમે પામ્યા નથી.

કમલા : તમારું બ્રહ્મતેજ બતાવો. તે વિના શ્રદ્ધા શી રીતે થાય?

વંજુલ : અમારામાં તેજ હોયા વિના પ્રધાનજી અમને સંઘરતા હશે ? એ તો પ્રધાનજીને જરા એકાંતમાં વિચાર કરવાની ટેવ છે. બાકી, અમને સલાહ આપવાની તક આપતા હોય તો રાજકાર્યોમાં કાંઇ ન્યૂનતા ન રહે, પણ શ્રીમતી સિવાય બીજું કોઈ એમના મનની ગૂંચવણ જાણે નહિ, એટલે શું કરીએ?

સાવિત્રી: રાજકાર્યોની મંત્રણામાં સ્ત્રીઓની સામેલગીરી ન કરવી જોઈએ એવો તારો મત છે?

વંજુલ : મારા મતનું તો શું ગજું ? પણ મનુસ્મૃતિમાં કહ્યું છે કે રાજકાર્યોના મંત્ર સમયે બહેરાં, મૂંગાં, આંધળાં, લૂલાં, પાંગળાં, માંદાં, ઘરડાંખોખરાં અને સ્ત્રીઓ એ સહુને દૂર રાખવાં, કેમકે તેઓ છાની વાત ફોડી દે છે, અને સ્ત્રીઓમાં એ ખામી વિશેષ હોય છે.

સાવિત્રી : એ તને ખરું લાગે છે?

વંજુલ : શસ્ત્રમાં કહ્યું એટલે અક્ષરેઅક્ષર ખરું. એમાં મને લાગવાનું ક્યાં રહ્યું ?

સાવિત્રી : હું એમ પૂછું છું કે સ્ત્રીઓ એવા અવિશ્વાસને પાત્ર હોય છે એમ તને પોતાનો તારો અનુભવ લક્ષમાં લઈ વિચાર કરતા ખરું લાગે છે?

વંજુલ : મનુ ભગવાને દ્રોહભાવ અને અમૃત એ સ્ત્રીઓના ગુણ ઠરાવ્યા છે, તે પછી મારે વિચાર કરવાની શી જરૂર છે?

કમલા : મનુ ભગવાને તો એમ પણ કહ્યું છે કે સ્વર્ગ દારાધીન છે અને પત્ની વડે પતિને અને પતિના પિત્રોને સ્વર્ગ મળે છે.

વંજુલ : એ તો અર્થવાદની અતિશયોક્તિ છે. હોમ કરતી વખતે છાણાં લાવી આપનાર જોઇએ ને ધુમાડામાં બીજું કોઈ ઊભું રહે નહિ, માટે, એ કામ બાયડીને માથે નાખ્યું; અને તે છાણાં લઈ ત્યાંને ત્યાં હાજર રહે માટે તેને હોમ વખતે પણ ધણી જોડે બેસવાનું ઠરાવ્યું. બાયડી વિના છાણાં આવે નહિ, છાણા વિના હોમ થાય નહિ અને હોમ વિના સ્વર્ગ મળે નહિ માટે, બાયડીને લીધે સ્વર્ગ મળે છે એમ કહ્યું છે. બાયડીઓ પોતાને ધર્મ પત્નીની મોટી પદવી મળે છે એમ સમજી હોમના ધુમાડામાંથી ખસી ન જાય , એ માટે આવાં વચન શાસ્ત્રમાં કહ્યાં છે.

કમલા : કેવું અગાધ પાંડિત્ય ! ધર્મપત્ની એટલે છાણાં આપનારી એ હવે સમજાયું. મનુસ્મૃતિમાં નારીઓની પૂજા કરવાનું અને તેમને રાજી રાખવાનું કહ્યું છે તેનો અર્થ પણ આવો જ કંઈ હશે !

વંજુલ : ઘરેણાં લૂગડાં અને ભોજન એ ત્રણ વડે જ સ્ત્રીઓની પૂજા કરવાનું મનુ ભગવાને કહ્યું છે. [૪]ઘરેણાં-લૂગડાં વસાવ્યાથી આપણા ઘરની મિલકત થાય; અને વળી, તે સ્ત્રીઓ પાસેથી પાછાં લઈ લેવાં નહિ એવું ભગવાને ક્યાં કહ્યું છે? [૫]અને બાઈડી ખાય તે વિના ઘરનું કામકાજ શી રીતે કરે ? ઘોડા અને બળદ પાસે કામ લેવાનું હોય તે પ્રમાણે તેમને આપણે વધતી-ઓછી રાતબ નથી આપતા ? બાઈડીઓ જાણે કે અમારું મન રખાય છે ને ફાયદો થાય ધણીઓને એવો સ્મૃતિનો હેતુ છે.

સાવિત્રી : ભગવન્ત તને રાજમહેલમાં પુરિહિતની પદવી અપાવે તો તારા શાસ્ત્રજ્ઞાનનો લાભ મહારાજને મળે, અને તે દ્વારા આખા દેશનો ઉદ્ધાર થઈ જાય.

વંજુલ : ભગવન્તને મેં એક બે વખત એવી વિનંતિ કરેલી, પણ તેમણે કહ્યું કે રાજાના પુરોહિતને તો રાજા સાથે યુદ્ધમાં જવું પડે, તે તું જઈશ ? તેથી મેં વિચાર કરીને જવાબ દેવાનો બાકી રાખ્યો છે.

કમલા : ઘેર તરવાર ઝાલવાનો અભ્યાસ કરો તો હિંમત આવવા માંડે.

વંજુલ : તરવાર ઉઘાડી હોય તો મારાથી સામું જોવાતું નથી, ત્યાં તરવાર ઝાલવાની વાત ક્યાં કરો છો?

કમલા : આ સવારીમાં તો ઉઘાડી તરવારોવાળા ઘોડેસવારો ઘણા હશે.

વંજુલ : એવું ટીખળ આપણાને ના ગમે. લડાઈમાં જઈને હથિયારની રમત કરવી હોય તો કરે, પણ, એ સિપાઇડાં વસ્તીમાં હથિયાર તાણી લોકોને શા સારુ બિવરાવતાં હશે.

સાવિત્રી : જો સવરી આવી પહોંચી !

વંજુલ : ક્યાં છે ? હું તો હજી કોઈ માણસો આવતાં દેખતો નથી.

કમલા : સવારીની આગળ આગળ ચાલતી સવારીની ખબર આવી પહોંચી છે. જુઓ -

(મનહર)

નેત્રનાં પોપચાં ખીલ્યાં, મુખના હોઠ ઉઘડ્યા,

ગરદન વાં।કી થઈ, માર્ગે ઊભા લોકની;

કોલાહલ શમી ગયો. શાન્તિ બધે વ્યાપી ગઈ,

સવારીના પૂર પર આશ્ચર્યને કુતૂહલ,

કેવા વાયુ ફૂંકી રહ્યા, આવી લ્હેરો તેમની;

પૂર ચાલે પૃથ્વી પર, લ્હેરો ચાલે મુખો પર,

તેથી લ્હેર પરંપરા આવી પુરોગામિની. ૫૨

 

કાન દો હવે તો વાજાં પણ સંભળાય છે.

 

સાવિત્રી : અને, જો પણે ડંકો નિશાન આવતાં દેખાય છે.

વંજુલ : હવે સવારી આવી એ વાત ખરી. બાકી પકવાન્નની સોરમથી પકવાન્ન આવ્યાની પ્રતીતિ આપની પેઠે મને થઈ શકે તેમ નથી. હું તો પકવાન્ન જોઉં તો જોયાનો સંતોષ થાય, ને ખાઉં તો ખાધાનો સંતોષ થાય.

સાવિત્રી : જો, હવે સવારી આપણા બારણા આગળ આવી. તારા પકવાન્નનાં ગંધ રૂપ અને રસ એ ત્રણે પ્રત્યક્ષ થયાં. હવે, સૂંઘજેય ખરો, જોજેય ખરો, અને , ખવાય તો ખાજેય ખરો.

[સવારી પ્રવેશ કરે છે અને ધીમે ધીમે પસાર થાય છે.]

વંજુલ : મારાથી પકવાન્ન ન ખવાય એ અશક્ય છે. વંજુલમિશ્રની ખાવાની શક્તિ ઘાયલ થાય એવું હથિયાર મહારાજના સમસ્ત સૈન્યમાં કોઈ પાસે નથી. પણ, અહોહોહો ! પેલું કાળાં ઝાડનાં જંગલ જેવું શું આવે છે.

સાવિત્રી: એ તો ઉઘાડી તરવારોવાળા ઘોડે સવારોનું લશકર આવે છે.

વંજુલ : મારે એ નથી જોવું. હું તો જાઉં છું ઘરમાં. અંદર બેઠો બેઠો મંત્રોચ્ચાર કરીશ, એટલે તમારા બધાંનું અમંગલ દૂર થશે. એ કાળું કાળું જાય અને ધોળું ધોળું આવે ત્યારે મને બોલાવજો.

સાવિત્રી : તું અહીં જ બેસી રહે અને આંખો મીંચી રાખ. અમે કહીએ ત્યારે ઉઘાડજે.

[વંજુલ આંખો મીંચીને બેસી રહે છે.]

સાવિત્રી: (કેટલીક સવારી ગયા પછી) વંજુલ ! આંખો ઉઘાડ. મહારાજનો હાથી આવે છે.

વંજુલ : (આંખો ઉઘાડીને અને માર્ગ તરફ નજર કરીને.) અહો ! એક ભવ્ય યશ:પાલ હાથી, અને એ જ રત્નોથી ચળકતા શિખરવાળી સોનાની અંબાડી ! ગઈ દશેરાની સવારીમાં જોયેલાં તે આજે સવા છ મહિને પાછાં જોયાં. એ તો એનાં એ રહ્યાં, પણ, મહરાજ નવા થઈ ગયા !

સાવિત્રી : ધીમે બોલ, હાથી પાસે આવે છે.

[પર્વતરાયનો હાથી ઉપર બેઠેલા રાઈ સાથે પસાર થાય છે.]

સાવિત્રી : અહો ! કેવું આશ્ર્ચર્ય !

કમલા : કેવું નવાઈ જેવું !

વંજુલ : મહારાજે આ તરફ જોઈ નમસ્કાર કર્યા તેથી આપને આશ્ચર્ય લાગ્યું ? એ તો મને નમસ્કાર કર્યા, આપને નથી કર્યા.

કમલા : તારા સિવાય મહારાજ બીજા કોને નમસ્કાર કરે . અમને નમસ્કારથી આશ્ચર્ય નથી લાગ્યું. પણ મહારાજની મુખમુદ્રા જોઈ આશ્ચર્ય લાગ્યું.

વંજુલ : મુખમુદ્રામાં શું આશ્ચર્ય જેવું છે?

સાવિત્રી : મહરાજની મુખમુદ્રા બદલાઈને કોના જેવી થઈ છે?

વંજુલ : પર્વતરાય મહારાજની મુખમુદ્રા હતી તે ની તે જ છે.

સાવિત્રી : શા પરથી તને એવું લાગ્યું?

વંજુલ : એ જ મંદીલ, એ જ શિરપેચ, એ જ ઝભ્ભો, એ જ હાર, એ જ કમરબંધ, એ જ તોડો; બધું એનું એ જ છે.

સાવિત્રી : વસ્ત્રાલંકાર જેવી બારીકાઈથી જોયા એવી બારીકીથી મુખની રેખાઓ ન જોઈ?

વંજુલ : ચામડી જેવી ચામડી, એમાં બારીકીથી જોવાનું શું ? માણસ કાણું કૂબડું હોય તો નિશાની યાદ રહે. પણ તે વગર તો આપ ચિત્ર ચીતરવા બેસો છો ત્યારે ગોળ મોં ને લંબગોળ મોં, અણિયાળું નાક ને સીધું નાક, લાંબી આંખ ને છલકાતી આંખ, પહોળાં પોપચાં ને ઊઘડેલા પોપચાં , કાળી ભમર ને કમાનદાર ભમર, ચોરસ કપાળ ને ઊપસેલું કપાળ, પાતળા હોઠ ને બીડેલા હોઠ; એવી એવી માથાકૂટ કરો છો, તેવું શું માણસનું મોં જોતી વેળા કરવું?

સાવિત્રી : એવી માથાકૂટ કર્યાં વગર પણ તને એમ ન લાગ્યું કે તે દિવસે એક ઘોડેસવાર પડી જવાથી તેને આપણા ઘરમાં આણી તેની સારવાર કરેલી, તેને બરાબર મળતું મહારાજનું મોં થયું છે ? એનું નામ રાઈ હતું.

વંજુલ : એ માળીને મળતું મહારાજનું મોં થાય ? શી વાત કરો છો ?

સાવિત્રી : શું થવું જોઈએ એ જુદી વાત છે અને શું થયું છે એ જુદી વાત છે. ખરેખરી રીતે, તને કંઈ મળતાપણું લાગ્યું ?

વંજુલ : એ માળીને ફરી પાટાબાંધીને ખાટલા પર સુવાડો ત્યાં સુધી હું તો એને ઓળખું નહિ.

કમલા : મને તો મહારાજનો ચહેરો આબાદ અમારા એક મિત્રના જેવો થયેલો લાગ્યો. તેમનું નામ ખબર નથી, પણ તે કેટલાક સમયથી અમારે ત્યાં આવે છે. એમના મુખ પર જે વિનીતતા, ઉદારતા અને પ્રતાપ વસે છે, તેવો જ મહારાજના મુખ પર આવિર્ભાવ હતો.

સાવિત્રી : આપણને બન્નેને જુદા જુદા ચહેરા સાથે મળતાપણું લાગે છે, ત્યારે આપણાં બન્નેની કલ્પના ખોટી હોવી જોઈએ.

વંજુલ : મને કોઈ સાથે મળતાપણું ના લાગ્યું તે હું કેવો ડાહ્યો ?

સાવિત્રી : તારા ડહાપણ વિશે શંકા છે જ નહિ. તારા ડહાપણને મહારાજના ચહેરા પરા કઈ વૃત્તિ વધારે જણાઈ – આનન્દ કે આશ્ચર્ય કે ચિન્તા ?

વંજુલ : પણ, લોકો બારીએથી કે રસ્તામાંથી ‘પર્વતરાયા મહારાજકી જે’ પોકારતા હતા ત્યારે તો તે તરફ મહારાજ પ્રસન્ન દ્રષ્ટિથી જોતા હતા.

વંજુલ : મારું ધ્યાન તો એવે વખતે ભગવન્ત મહારાજની પાછળ બેઠા બેઠા સોના રૂપાનાં ફૂલ નીચે ફેંકતા હતા તે કોના હાથમાં આવે છે તે જોવામાં જતું હતું. જુઓ, સવારી તો પૂરી થઈ ગઈ ને પડી રહેલાં ફૂલ સવારી ગયા પછી હાથમાં આવવાની મારા જેવા કોઈએ આશા રાખી હોય તો તે વ્યર્થ છે. રસ્તામાં તો કચરો જ રહ્યો છે.

સાવિત્રી : કચરાની સોના રૂપા જેવી કિંમત કરી શકનાર કોઈ હોય તો કચરો પડ્યો ન રહે.

વંજુલ : એવો હૈયાફૂટો કોણ હોય?

સાવિત્રી : દુનિયા કચરાની કદર કરતાં શીખશે ત્યારે જ એ પ્રશ્નનો ઉત્તર મળશે. ત્યારે જ દુનિયાને સમજાશે કે,

(શાલિની)

 

કોનું આખું, કોનું હૈયું ફૂટેલું,

કોની સાચી, કોનિ ખોટી પરીક્ષા:-

એ પ્રશ્નોને તે જ જાણે ઉકેલી,

જેણે જોયો સાર નિઃસારમાંનો ૫૯

[નોકરરવેશમાં પ્રવેશ કરે છે.]

નોકર : (નમન કરીને) શ્રીમતી ! ભગવન્તે કહેવડાવ્યું છે કે સવારી ઊતરતાં મહારાજ રાણીસાહેબને મળીને તરત પાછા આવી દરબારમાં પધારવાના છે. તેથી ભગવન્તને દરબાર પહેલાં ઘેર આવી જવાનો વખત નહિ મળે; અને, ભગવન્તે આજ્ઞા કરી છે કે દરબાર વખતે રાણીસાહેબ પોતાની ઇચ્છા મુજબ દરબારમાં બેસશે અથવા તો રણવાસમાં રહેશે, પણ તે વેળા રાણી સાહેબ જ્યાં હોય ત્યાં આપ તથા કમલાબેન તેમની પાસે જઈ બેસશો.

સાવિત્રી : મહારાજે બહુ કૃપા કરી કે એ કાર્ય અમને સોંપ્યું.

વંજુલ : ભગવન્તે મને કંઇ સંદેશો કહેવડાવ્યો છે કે?

નોકર : ના ભૂદેવ, મને કંઇ કહ્યું નથી.

વંજુલ : ના કહ્યું હોય તોપણ મારે દરબારમાં જવું પડશે. મારા વિના તો દરબાર અધૂરો રહે.

[સર્વે જાય છે]

 

પ્રવેશ ૨ જો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસમાંનું પ્રથમ વર્ણવ્યા પ્રમાણે શણગારેલું અને દીવાની રોશનીવાળું શયનગૃહ.

[રાણી લીલાવતી સુશોભિત વસ્ત્રાલંકારથી સજ્જિત થઈ ઊભેલી પ્રવેશ કરે છે. પછી રાઈ સવારીવાળે પર્વતરાયણે વેશે પ્રવેશ કરે છે, અને થોડી ક્ષણ બોલ્યા વિના ઊભો રહે છે.]

રાઈ : (બેઠેલે સાદે) દેવી કુશલ છો?

લીલાવતી : (ઓવારણાં લઈને) મહારાજ ! દરબારમાં જતાં પહેલાં અહીં આવવાની મારી યાચના આપે સ્વીકારી તે બહુ કૃપા કરી, અને મારે વાગરા કહ્યે મહેલમાં દર્પણો મૂકવાની રજા કહેવડાવી તેથી આપે મારા હ્રદયનો મંત્ર જાણી લીધો એ જોઈ હું ઉલ્લાસવન્ત થઈ. પરંતુ, આપ પધારો ત્યારે મારે એ દ્વારમાં ઊભાં ના રહેવું અને અન્દર ઊભાં રહેવું એવી કઠણ આજ્ઞા આપે મોકલી ને હું કુશલ ક્યાંથી હોઉં !

રાઈ : બારણું સાંકડું ને ક્ષોભનો પ્રસંગ તેથી...

લીલાવતી : (નીચું જોઈને) તેથી શો વિશેષ લાભ

રાઈ : રાણી....

લીલાવતી : (ગળગળી થઈને) હજી ‘રાણી’ ને ‘દેવી’ ને આ બધું અન્તર ! છ છ માસના વિરહના આભ્યાસમાં આપે મારે માટે એક પ્રેમવચન પણ ઘડી રાખ્યું નથી ? આપ આમ સ્તબ્ધ કેમ ઊભા છો ? મારી પરીક્ષા કરવી ધારી છે ? મારે તે પરીક્ષા શી? હું તો સ્ત્રી છું, અધીરી છું, અને અધીરી સ્ત્રી આખરે પહેલ કરે જ. આપ બોલતા કેમ નથી ? મારો શો અપરાધ થયો છે?

રાઈ : તમારો કાંઇ અપરાધ નથી, પણ હું સહસ્ત્રધા અપરાધી છું.

લીલાવતી : એવાં નર્મવચનો જવા દો. એથી હું ભય પામું છું.

રાઈ : એ નર્મવચનો નથી, ખરી હકીકત છે. હું મારા અપરાધ ગણાવીશ એટલે ખાતરી થશે.

લીલાવતી : મારે એવી ગણાતરીને શું કરવી છે? હું તો આપના અનુગ્રહોની ગણતરી કરવા ઉત્સુક છું.

રાઈ : અનુગ્રહો કરવાનો મારો અધિકાર નથી.

લીલાવતી :

(હરિગીત)

 

આ દર્પણો પ્રતિબિમ્બ લે સહુ જાડા ચરાચર વસ્તુનાં,

જો તેમ આ હ્રદયની મુદ્રા ગ્રહે નિજ અન્તરે;

તો દાખવું હું ચાલતો અધિકાર કેવળ આપનો,

પ્રત્યેક તેના બિન્દુમાં-પ્રત્યેક તેના રંધ્રમાં. ૬૦

હવે વધારે ન ટળવળાવો, પ્રાણનાથ !

રાઈ : રાણી ! ભૂલો છો, હું તમારો પ્રાણનાથ નથી

લીલાવતી : (આંસુ ઢાળતી) આ અભાગિયા હૃદયે આપના પ્રેમ વિષે શંકા કરી હતી. તેની સજા તેને થવી જ જોઈએ. પરમતું શું મારા પ્રત્યેનો પ્રેમ આપના હૃદયમાંથી એવો લુપતા થઈ ગયો છે કે શેષ કંઈ રહ્યું જ નથી?

રાઈ : હું કહું તો ધૈર્ય રાખશો ?

લીલાવતી : આધાર ખસી જાય ત્યાં ધૈર્ય શી રીતે ટકે ? પરંતુ, આપ કહો તે સાંભળવું એ મારો ધર્મ છે.

રાઈ : હું પર્વતરાય નથી.

લીલાવતી : હેં ! ત્યારે મારા પ્રિય સ્વામી ક્યાં છે?

રાઈ : તેઓ છ માસ પર સ્વર્ગવાસી થયા છે. હું તો માત્ર તેમનો વેશ ધરીને આવ્યો છું.

લીલાવતી : હા  ! પ્રભુ !

[મૂર્છા પામી નીચે પડે છે. રાઈ લીલાવતીને પડતાં પડતાં પોતાના બે હાથ પર ઝીલી લે છે.]

રાઈ : અહો ! જે સ્પર્શથી દૂર રહેવા મેં ઝીણી ઝીણી સાવચેતીઓ લીધી તે સ્પર્શ આખરે મારી મેળે વહોરી લેવો પડ્યો ! આવાસના દ્વારમાં આવકાર વેળાએ અકસ્માત્ પાસે ન આવે, માટે અંદર ઊભાં રહી મળવાની લીલાવતીને સૂચના કરી. દર્પણો પાસે એ મને સાથે ન લઈ જાય, માટે મહેલમાં દર્પણો મૂકવાની રાજા વગર માગ્યે મોકલાવી; પણ એના આ અચેતના શરીરને ભોંય પર પડવા દઉં એવી ક્રૂરતા કેમ થાય ? એને હવે સ્વસ્થતાની જરૂર છે. ( લીલાવતીને ઊંચકીને પલંગા પર સુવાડે છે.) પવનથી એને કાંઈ કરાર થશે. ( પાંખો લઈ પવન નાખે છે.) એનું માથું આમ તકિયા પાછળ ઝૂલી જશે તો મગજે લોહી ચઢી જશે.) (લીલાવતીનું માથું ઊંચું કરી ખસેડી તકિયા પર ગોઠવે છે.) એકા ક્ષણમાં શરીર⁠⁠ કેવું કરમાઈ ગયું છે! અંગોના સ્પર્શમાં શી કોમલતા છે ! દેહલતાનું શું લાવણ્ય છે! ગૌર વર્ણની શી ઉજ્જવલતા છે ! અને, અહો ! કેવી સ્થિતિ !

(શાર્દૂલવિક્રીડિત)

જેવી કો મણીમાલ નિર્જન વને સ્વામી વિનાની પડી,

ઊંચાં રત્નની તોય મૂલ્ય વિણની ઝાંખી અટૂલી થઈ;

ચૈતન્યેથી વિહીન તોય પશુઓ જેને તજે ભિતીથી,

તેવી આ યુવતી અહીં પડિ અને – બીતો હું પાછો હઠું!

 

પણ, મને બીક શાની ! મારા પગ કેમ ધ્રૂજે છે ? શું હું જંગલનું પશુ છું ? શું સૌન્દર્ય જોઈ હું બીઉમ છું ? આ સૌન્દર્યના સંમુખ મારે થવાનું છે એ જાણીને જ હું અહીં આવ્યો છું. પર્વતરાયના મૃત્યુની ખબર લઈ જનાર બીજું કોઈ હશે તો તે લીલાવતીને અનિવાર્ય આઘાત કરી બેસશે, અને મારા આવ્યા પહેલાં આવેલી એવી ખબરથી રાજ્યની લગામ કોઈના પણ હાથમાં રહેવી મુશ્કેલ થઈ પડશે, એમ વિચારી મેં જાતે આ વાત પ્રગટ કરવાનું માથે લીધું, અને, હવે મને વિહ્વલતા કેમ થાય છે? આ સૌન્દર્ય ચન્દ્રિકામાં શું મારા સંકલ્પતારકો ઝાંખા થઈ ગયા ? ‘આપજો બાળ એહવું’ – એ કયા શ્લોકની લીટી મને અત્યારે યાદ આવી ? કાવ્યો મુખપાઠે કરવાથી ગમે ત્યારે સ્મૃતિમાં ઊપડી આવે છે. અરે ! ના, એ તો તે પ્રસંગની મારી પ્રાર્થાનાનું ચરણ છે ! એ બળનો પ્રવેશ કેવો પ્રિયંકર છે ! હવે અમરા સંકલ્પ ઉદ્દીપ્ત થયા અને સબળ થયા, સૌન્દર્ય એ તો પ્રભુની વિભૂતિ છે. એમાં ભયકારક શું છે ? સૌન્દર્યનો આનન્દથી, પવિત્રતાથી કે શક્તિથી વિરોધ શા માટે થવા દેવો જોઇએ ? અરે ! મારી મોહવશતામાં હું આને મૂર્છામાંથી જાગ્રત કરવાનું પણ ભૂલી ગયો છું. (જલપાત્રથી પાણી લઈ લીલાવતીના મોં પર છાંટે છે.) રાણી લીલાવતી, જાગ્રત થાઓ ! સાવધ થાઓ, લીલાવતી !

[લીલાવતી આંખો ઉઘાડી આસપાસ જુએ છે અને પછી બેઠી થાય છે.]

લીલાવતી : હું આ પલંગ પર ક્યાંથી ! આ પાણી શાનું ?

રાઈ : રાણી ! તમને મૂર્છા આવી હતી, તેમાંથી જગાડવા હું પ્રયત્ન કરતો હતો.

લીલાવતી : તમે કોણ છો ? મને યાદ આવ્યું. ( પલંગ પરથી ઊતરે છે.) મને ખરું કહો. આપ મશ્કરી તો નથી કરતા ?

રાઈ : ઈશ્વર સાક્ષી છે. હું કહું છું તે બધું ખરું છે. (ગજવામાંથી કાગળ કાઢીને) બધી હકીકત વિસ્તારથી મેં આ કાગળમાં લખી છે. બીજા ખંડમાં જઈ પરિજનોને સમીપ રાખી શાંત ચિત્તથી એ વાંચશો, અને એમાં ગણાવેલા મારા અપરાધ પર ક્ષમાવંત થશો. (લીલાવતીને કાગળ આપે છે.) જેવાં સકલ ગુર્જર પ્રજાનાં આપ માતા છો તેવાં મારાં પણ માતા છો.

[રાઈ જાય છે તે પછી લીલાવતી જાય છે.]

 

પ્રવેશ ૩ જો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસમાંનો બેઠક ખંડ.

[પાટ ઉપર સાદે વેશે બેઠેલી લીલાવતી અને તેની પાસે બેઠેલાં સાવિત્રી અને કમલા તથા પાટ નીચે ઊભેલી મંજરી પ્રવેશ કરે છે.]

લીલાવતી : મને તો આ બધું ગેબી ભેદ જેવું જણાય છે. આ કાગળથી ભેદ ઊઘડતો નથી, પણ ઊલટો ઢંકાય છે.

સાવિત્રી : દુનિયાના ભેદનું સ્વરૂપ જ એવું છે. એક પડદો ઉઘાડીએ ત્યાં બીજા સો પડદા આવીને વસાઈ જાય છે. જેટલું સમજાયું તેટલું આપણું અજ્ઞાન દૂર થયું, એમ ઘણીને સંતોષ માનવાનો છે.

લીલાવતી : એ સંતોષને હું શું કરું ? મને અંધકારમાં નાખીને ફરી વળેલું દુર્ભાગ્ય હવે પ્રગટ થઈ મેં સુખ માટે મારેલાં ફાંફાંની હાંસી કરે છે, અને દુઃખને વધારે તીવ્ર કરે છે.

[દાસી પ્રવેશ કરે છે.]

દાસી : (નમન કરીને) રાણી સાહેબ ! જાલકા માલણ આવી છે, અને કહે છે કે એના આવવાનું કારણ આપ જાણો છો.

સાવિત્રી : અત્યારે ક્યાં મળવાની અનુકૂળતા છે ?

લીલાવતી : ના એને આવવા દો. મારે એનું કામ છે.

[દાસી જાય છે. જાલકા ફૂલની છાબ લઈ પ્રવેશ કરે છે.]

જાલકા : (છાબ લીલાવતીના પગ આગળ મૂકીને ઓવારણાં લઈને)બગવાન રાજારાણીનું જોડું ખેમકુશળ રાખો.

લીલાવતી : રાજારાણીની તને એટલી બધી દાઝ ક્યાંથી ?

જાલકા : એક કેમ બા સાહેબ ? હું તો આપની માલણ છું ?

લીલાવતી : તું નક્કી માલણ છે?

જાલકા : આપ મને ભૂલી ગયાં છો?

લીલાવતી : તને ભૂલી ગઈ નથી, તને કદી ભૂલું તેમ નથી, પણ તું કેમ આવી છે તે તેં ન કહ્યું.

જાલકા : હું આપને કહી ગઈ હતી જ તો. આ ફૂલની ચાદર પલંગ પર બિછાવજો ને આ ફૂલથી મહારાજને વધાવજો, અને અખંડ સોભાગવંતા થજો.

લીલાવતી : મારું સૌભાગ્ય કેટલાં વર્ષ રહેશે એ તું કોઈ જોશીને પૂછી આવે છે ?

કમલા : ઘણી ખમા ! બા સાહેબ, આવું અશુભ કેમ બોલો છો ? જોશી આભના તારા જોઈ જોશ વર્તે છે એમ મેં મારી વાડીનાં ફૂલ જોઈ જોશ વર્ત્યું છે કે આપનું સોભાગ અખંડ છે.

લીલાવતી : બસ કર ! પ્રપંચી સ્ત્રી, બસ અક્ર ! તને જુઠૂં બોલાવતાં મને શરમ આવે છે. માલણનો વેશ લઈ મારા સ્વામીનો જીવ લીધો એથી તું ધરાઈ નથી કે મને દાઝ્યા પર ડામ દેવા આવી છે?

જાલકા : આ શું ?

લીલાવતી : શું કામ અજાણી થવાનો ઢોંગ અક્રે છે ? તારા દીકરાએ આ કાગળમાં બધી ખરી વાત અથથી ઇતિ સુધી લખી છે. તારા પતિનું રાજ્ય પાછું લેવાના લોભમાં તેં મારું શિયળ જાળવવાની પણ દરકાર ન રાખી, એવી તું ક્ષત્રિયાણી !

જાલકા : હકીકત જાહેર થઈ છે તો હવે કહું છું કે મારા પતિનો અધર્મથી વધ કરાવી તેનું રાજ દબાવી બેસનારની સ્ત્રી મારી તરફથી ન્યાય થવાનું શી રીતે માગી શકે?

લીલાવતી : ન્યાય કરવાનું તારું ગજું નથી અને હું તારી પાસે ન્યાય માગતી પણ નથી; પણ તને કોઈ રાણીની, કોઈ ક્ષત્રિયાણીની, કોઈ સ્ત્રીની આબરૂ પણ વહાલી નથી?

જાલકા : તમારી આબરૂને હાનિ થાય એવું મેં શું કર્યું ?

લીલાવતી : તારા જેવો તારો પુત્ર અધમ હોત તો મારું શું થાત?

સાવિત્રી : ઇશ્વરને પવિત્રતા પ્રિય છે.

જાલકા : ઈશ્વરની અને ન્યાયની વાતો કરો છો તો મારા પુત્રને તેના પિતાનું રાજ સોંપી દો.

લીલાવતી : રાજ ભીખ માગ્યે નથી મળતું અને ચોરી કર્યે એ નથી મળતું. રાજ તો ક્ષત્રિયોના બાહુબળથી સંપાદન થાય છે. તું ક્ષત્રિયાણી મટી માલણ થઈ છે તે ક્ષત્રિયના ધર્મ તને ક્યાંથી સાંભરે ?

સાવિત્રી : રાણી સાહેબ ! આમ આકળાં શા માટે થવું ?

જાલકા : વખત આવશે ત્યારે હું બતાવીશ કે મને ક્ષત્રિયાણી થતાં આવડે છે કે નહિ, પણ તમારે હવે ઉચાળા ભરવાના છે. તમારો રાજ પર કંઈ હક રહ્યો નથી. વાંઝિયાનાં રાજ બીજાને જાય છે.

લીલાવતી : તું એવા અપશબ્દ બોલનાર કોણ ?

જાલકા : તું મને તુંકારો કરનાર કોણ? હું પણ રાજાની રાણી છું. તારી નાની ઉમર જાણી ક્યારની સાંખી રહી છું.

લીલાવતી : મારી નાની ઉમરની તેં બહુ દયા ખાધી છે. હવે વધારે દયા ન ખાઈશ, પણ તારા પર દયા કરીને કહું છું કે તારે જીવતા રહેવું હોય તો આ મુલકમાંથી ચાલી જા.

જાલકા : મારો કોઈ વાંકો વાળ કરી શકે એમ નથી. હું રાજમાતા થઈશ ત્યારે મારી મહેરબાની માગવાનો તારે વખત આવશે, તે યાદ રાખજે.

લીલાવતી : ભૂખે અને તરસે મારો પ્રાણ જશે, પણ હું તારી મહેરબાની માગવાની નથી એ વિશે નિશ્ચિંત રહેજે. તારો પુત્ર રાજા થશે કે કેમ એ હું જાણતી નથી. પણ, તું તો રાણી મટી માલણ થઈ છે તે મરતા સુધી માલણ જ રહેવાની છે. મારું હૈયું તેં ભાંગ્યું છે તેવું તારું હૈયું પણ ભાંગજો.

[જાલકા ચકરી ખાઈ ભોંય પર પડે છે.]

કમલા : અહો ! ગઢ તૂટી પડ્યો!

સાવિત્રી : કમલા ! તું અને મંજરી એનું આશ્વાસન કરીને એને બહાર લઈ જાઓ, અને કોઈ જોડે ઘેર મોકલાવો.

[કમલા અને મંજરી જાલકાને પવન નાંખી ઊભી કરીને લઈ જાય છે.]

 

લીલાવતી : મેં એને કેવી ડામી !

સાવિત્રી : રાણી સાહેબ !

(અનુષ્ટુપ)

 

શાપ એ છે અનાચાર, શાપ દેવો ન કોઈને;

આઘાત થાય છે એથી ર્પભુના પ્રેમતંત્રને. ૬૨

 

લીલાવતી : એને શાપ ઘટતો નથી?

સાવિત્રી : એ મનુષ્યના અધિકારની વાત નથી.

 

[કમલા પ્રવેશ કરે છે અને પાટ ઉપર બેસે છે.]

 

લીલાવતી : જતાં જતાં એ કાંઇ બોલી ?

કમલા : જાગૃતિ આવતી હતી તેવામાં બોલી કે, 'જગદીપ ! કિસલવાડીમાં અને પ્રભાકુંજમાં તારે મન ફેર જ નથી?' પણ પછી, આંખો ઉઘાડતાં અમને જોઈને તે બોલતી બંધ થઈ ગઈ.

લીલાવતી : એનો પુત્ર રાજગાદી લેશે ?

કમલા :

(અનુષ્ટુપ)

 

વરવા યોગ્ય સ્વામીને રાજલક્ષ્મી સમર્થ છે;

સનાથ હોય એ લક્ષ્મી તેમાં છે હિત લોકનું.

 

સાવિત્રી : દરબારમાંથી વખતે એ વિશે ખબર આવશે.

લીલાવતી : હું સ્વસ્થ થાઉં ત્યારે બધી ખબર મને કહેજો. હાલ તો મેં કાઢેલા રોષનો વેગ જાણે પાછો ફરી મારા પર ધસે છે ! મને અહીંથી લઈ જાઓ.

[સાવિત્રી અને કમલા લઈને જાય છે.]

 

પ્રવેશ ૪ થો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાંની દરબારકચેરી.

[કલ્યાણકામ, પુષ્પસેન, દુર્ગેશ અને બીજા રાજ પુરુષો તથા અગ્રેસર પુરવાસીઓ દરબારમાં બેઠેલા પ્રવેશ કરે છે. એક છેડે બેઠેલા ગાયકો વાજિંત્ર સાથે ગાય છે. આગળ પ્રતિહાર ચાલે છે. તેની પાછળ રાઈ રાજાના પોશાકમાં પ્રવેશ કરે છે. આખી કચેરી ઊભી થાય છે.]

પ્રતિહાર : શ્રીમત્ પરમભટ્ટર્ક પરમમાહેશ્વર સમધિગત પંચમહાશબ્દ સકલસામંતાધિપતિ બાહુસહાય ગુર્જરનરેન્દ્ર શ્રી પર્વતરાય મહારાજાધિરજનો જય !

[રાઈ સિંહાસન નીચે પાટ પાસે આવતાં કમરે લટકતી તરવાર મ્યાનમાંથી કાઢી પાટ ઊપર ઠોકી ટકોરા કરે છે. કચેરીમાં જેમની કમરે તરવાર છે તેઓ સર્વ આ ​વેળા પોતપોતાની તરવાર મ્યાનમાંથી કાઢી ઊંચી ધરી રાખે છે. રાઈ તરવાર પાછી કમરે લટકતા મ્યાનમાં મૂકે છે. તે પછી બીજા સહુ પોતાની તલવાર મ્યાનમાં મૂકે છે. ત્યારબાદ રાઈ સિંહાસન ઉપર બેસે છે. પાછળ છત્ર ધરેલું છે અને સેવકો ચમરી લઈને ઊભેલા છે. કચેરીમાં સહુ માણસ બેસે છે. સંગીત થાય છે.]

રાજભાટ : (આગળ આવીને નમન કરીને) મહારાજાધિરાજને ઘણી ખમા!

(कवित)

 

गुर्जरत्रामें सूर्यको उदय भयो नूतन,

बूढापनको बादल श्यामल चलो गयो;

प्रबल प्रताप वाको जल स्थल पूरी रह्यो,

गुर्जर प्रजाको मुख तेजसे दीप्त भयो;

पांख आप खोले तब खगराज थंभे नहीं,

ग्रहराज थंभे नहीं पूर्वाद्रिशृंग ग्रह्यो;

गिरिसे बाहेर आये नदराज थंभे नहीं,

गुर्जरराज न थंभे जोबन पाय नयो। ६४

 

ગુર્જરેશ અધિક પરાક્રમ કરો ને અધિક જશ પામો.

પ્રતિહાર : મહારાજની આજ્ઞા હોય તો પ્રધાનજી ભેટ ધરવાનો આરંભ કરે.

રાઈ : ભેટ આ પ્રસંગે બને તેમ નથી. પરંતુ, હું કહું છું તે સાંભળવાનું સહુને કહો.

પ્રતિહાર : (નમન કરીને) જેવો પૃથ્વીરાજનો હુકમ. (દરબારમાં ભરાયેલા લોકો તરફ ફરીથી મોટેથી) આજની કચેરીમાં ભેટ બંધ છે, પણ મહારાજાધિરાજ આજ્ઞા કરે છે તે સહુ સાવધાન થઈ સંભળો.

રાઈ : આ સભામાં સર્વત્ર આનંદ અને ઉમંગ પ્રસરી રહ્યો છે, તેનો ભંગ કરતાં મને બહુ ખેદ થાય છે. પણ, સત્ય પ્રગટ કરવામાં જેમ વિલંબ થાય છે તેમ વધારે હાનિ થાય છે.

⁠⁠ એ સત્ય તે એ છે કે હું પર્વતરાય નથી. ચમકશો નહિ. હું ખુલાસો કરું છું. હું પ્રથમ ગુર્જરનરેશ રત્નદીપદેવનો પુત્ર છું. મારી માતા અમૃતદેવી અને હું આ નગર પાસેની કિસલવાડીમાં કેટલાક વખતથી માળીને વેશે રહેલાં છીએ, અને અમે જાલકા અને રાઈ એ નામે ઓળખાઈએ છીએ. મહારાજ પર્વતરાય આજથી છમાસ પર રાત્રે કિસલવાડીમાં આવેલા. તે વેળા મેં અંધારામાં આઘેથે નિશાચર પશુ ફરે છે એમ ધારી બાણ ફેંકેલું, તે અકસ્માત્ વાગવાથી મહારાજના પ્રાણ ગયા, અને તેમને ત્યાં જ દાટ્યા છે. મારે પર્વતરાય બનવું એવી યોજના તે વેળા થઈ, અને તે પ્રમાણે મહારાજ પર્વતરાય છ માસ પછી ભોંયરામાંથી નીકળશે એવી કેવળ ખોટી ખબર મોકલાવેલી. પરંતુ, અસત્યવડે રાજ્ય મેળવવા હું ઈચ્છતો નથી. રણવાસમાં રાણી લીલાવતીને પણ હું આ ખરી હકીકત જણાવી આવ્યો છું. મહારાજ પર્વતરાયનો કોઈ વારસ નથી, માટે દેશમાં આંધાધુંધી ન થાય એવી રીતે કોઈ નવા રાજાને ગાદીએ બેસાડવો એ રાજપુરુષોની અને પ્રજાના અગ્રેસરોની ફરજ છે. મારા પિતાના વારસ તરીકે ગાદીનો હકદાર હોવાનો હું દાવો ધરાવું છું. પરંતુ, ગયા છ માસમાં ચાલેલા કપટનો કોઈ રીતે લાભ ન લેવાય માટે હું પંદર દિવસ દૂર રહીશ, અને તે અવધિ પછી રાજપુરુષોની અને પ્રજાના અગ્રેસરોની ઇચ્છા હોય તેને રાજગાદી આપવી એવી મારી સૂચના છે. એ ઇચ્છા કેમ જાણી લેવી તે મંત્રીશ્વર કલ્યાણકામ નક્કી કરી શકશે. ગયા છ મહીનામાં જેમ પર્વતરાય મહારાજ વતી સર્વે એ મંત્રીશ્વરનો અમલ કબૂલ કર્યો છે તેમ આ પંદર દિવસ પણ નવા મહારાજની વતી મંત્રીશ્વરનો અમલ સર્વ કબૂલ રાખશો. એ વિપ્રવરના ⁠⁠ સત્ત્વપ્રભાવથી રાજ્યતંત્ર જરૂર સુસ્થિતિને અને સમૃદ્ધિને માર્ગે ચાલશે. મારા પિતાથી મને મળતા હક ઉપરાંત મારે વિશે લોકો વધુ જાણતા નથી, પણ એક વેળા હું રાઇ તરીકે મંત્રીશ્વરના પ્રસંગમાં આવ્યો છું અને ઉપમંત્રી દુર્ગેશ મારું નામ ઠામ જાણ્યા વિના મિત્ર તરીકે મને ઓળખે છે. તેઓ મારી કંઈક ઓળખાણ સહુને આપી શકશે. આ વિલક્ષણ પ્રસંગ હવે સમાપ્ત અક્રું છું. અને, મારા દોષ માટે સર્વની ક્ષમા માગું છું

[રાઈ ઊઠીને સભામાંથી જાય છે.]

કલ્યાણકામ : પ્રતિહાર ! સભા વિસર્જન કરો.

પ્રતિહાર : (મોટેથી )સભા વિસર્જન.

[સર્વે જાય છે.]