Raaino Parvat - 3 in Gujarati Drama by Ramanbhai Neelkanth books and stories PDF | રાઈનો પર્વત - 3

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

રાઈનો પર્વત - 3

અંક ત્રીજો
પ્રવેશ ૧ લો

સ્થળ : દુર્ગેશનું ઘર.

[દુર્ગેશ અને કમલા બેઠેલાં પ્રવેશ કરે છે.]

દુર્ગેશ : પ્રિય ! આજે આપણા લગ્નને એક માસ પૂર્ણ થયો, પણ જાણે પ્રથમ દિવસ જ હોય, તથા દિન અને રાત, પહોર અને ઘડી, પળ અને વિપળ સહુ એકાકાર થઈ તેમની વચ્ચેનાં અંતર લુપ્ત થયાં હોય, એમ લાગે છે.

કમલા : વહાલા ! સ્વર્ગમાં કાલની ગણના હોતી જ નથી.

દુર્ગેશ : સ્વર્ગમાં કાલ નથી તેમ દિશા પણ નથી. અને સીમા ન હોવાથી સ્વર્ગવાસીઓને કદી સ્વર્ગ બહાર જવાનો પ્રસંગ આવતો નથી.

કમલા : આપણને એ સ્વર્ગનાં અધિકારી કરનારનું પ્રભુ કલ્યાણ કરજો.

દુર્ગેશ : કલ્યાણકામ અને સાવિત્રીદેવીના ઉપકારના ઋણમાં તો આપણે જીવનપર્યંત બંધાયાં છીએ. તેમના વિનાનું બીજું કોણ તારા પિતાની સખતાઈને મુલાયમ કરી શકત? જ્યાં બીજાને હાથે ભંગ થાત ત્યાં તેમને હાથે કમાન વળી છે.

કમલા : કન્યાદાન દેતી વખતની મારા પિતાની સંપૂર્ણ પ્રીતિ એ સર્વ ભૂતકાલનું વિસ્મરણ કરાવે છે.

દુર્ગેશ : એ સર્વ ઘટનાના નાયક અને મને કનકપુરમાં આણનાર ભગવન્ત કલ્યાણકામના હ્રદયની ઉદાત્તતાના દર્શનથી મારું હ્રદય વિકાસ પામ્યું છે. પાછળ દૃષ્ટિ કરું છું તો મારા ચિત્તમાં વસેલી સ્વાર્થી રાજ્યલોભની અને અધમ

રાજ્યદ્રોહની બુદ્ધિ કેવી નષ્ટ થઈ છે ! પ્રાણેશ્વરી ! તારા પ્રેમપ્રસાદ વિના એ સર્વ સુભાગ્ય મને ક્યાંથી પ્રાપ્ત થાત !

(વસંતતિલકા)

 

તેં પ્રેમ પ્રેરિ ઉરને ગતિ ઊર્ધ્વ આપી,

તેં નેત્ર-વ્યંજક વડે છવિ દિવ્ય છાપી;

ધોઈ સુધાથિ કર્યું તેં મુજ ચિત્ત સ્વચ્છ,

ને તેથિ આત્મબળની થઈ પ્રપ્તિ શક્ય. ૩૧

 

કમલા : અબલાનું તમે બહુ મહત્ત્વ કલ્પો છો.

દુર્ગેશ : શક્તિ અબલા રૂપે પ્રકટ થાય છે, એ રસિક કલાવિધાન જ છે.

કમલા : સાવિત્રીદેવીએ મહિષાસુર મર્દિનીનું ચિત્ર કાઢ્યું છે. તેમાં દુર્ગાને ચંડી નહિ, પણ સૌમ્ય આકૃતિવાળી ચીતરી છે. તેની હાથમાંનું ખડ્ગ ફૂટતી કૂંપળોવાળી ડાળીનું છે. તેના પગ નીચે દબાયેલો મહિષ તે મનુષ્યની જડતા છે એમ ફલિત કરવા સારુ માથું મારતાં ભાંગેલા શિંગડાં વચ્ચેનું તેનું કપાળ અને આંખો સ્થૂલ બુદ્ધિના માણસ જેવાં કાઢ્યાં છે, તેના કાન અને તેનું નાક થોડાં માણસ જેવાં અને થોડાં પશુ જેવા કાઢ્યાં છે. સહુને એ ચિત્ર બહુ હ્રદયંગમ લાગે છે. માત્ર વંજુલ કહે છે કે 'પાડાને તોપૂંછડું હોય અને શિંગડા હોય; પાડો તે વળી માણસ જેવો કાઢ્યાથી શોભતો હશે? અને વળી, દુર્ગા તો ચંડી જ હોય. તેને તો વિકરાલ અને લોહીની તરસી જ કાઢવી જોઈએ.

દુર્ગેશ : શ્રીમતીની પરમ તીવ્રતાવાળી બુદ્ધિમાંથી અને અનુપમ કોમળતાવાળા હ્રદયમાંથી નીકળતી રસસૃષ્ટિની એ જડસાને શી પરીક્ષા હોય? ક્યાં જડતામાં બંધાઈ રહેલી એની બુદ્ધિ અને ક્યાં શ્રીમતીની ઉચ્ચ ભાવના !

કમલા : પહેલાં મને એમ લાગતું કે શ્રીમતી અને ભગવન્તની ગંભીરતા તથા પ્રૌઢતામાં પ્રેમનો અવકાશ નહિ હોય, પણ આપણા લગ્ન પહેલાંના વૃતાન્તમાં મારે એમનો બહુ પરિચય થયો ત્યારે ખબર પડી કે એમનો પ્રેમ અગાધ છે. અને એમની આસક્તિમાં રાગ માતો નથી એટલો ભરપૂર છે. માત્ર એક વાત આશ્ચર્ય જેવી લાગી. 'પ્રિયા' અને 'પ્રાણનાથ' અને એવાં પ્રેમના સંબોધનોના ઉચ્ચાર કરતાં મેં તેમને કદી સાંભળ્યા નથી. બહુ કુતૂહલ થવાથી તેમનાં એકાન્ત સંભાષણ મેં છાના રહી એક બે વાર સંભળેલાં, પણ , એવાં વચનો તેમના મુખમાંથી નીકળેલા નહિ.

દુર્ગેશ : પ્રિયતમે ! મને તો એમ લાગે કે તને પ્રેમવાચક વચનોથી સંબોધન કર્યા વિનાની એક ઘડી ગઈ હોય તો તે સૃષ્ટિના ઇતિહાસમાં નિરર્થક ગઇ.

કમલા : પ્રાણવલ્લભ ! તમારી આ અશેષ ભક્તિ કોઈ કોઈ વાર મને ભયભીત કરે છે કે એમાં અણુમાત્ર શિથિલતા કોઈ કાળે થશે તો હું તે શી રીતે સહન કરીશ.

દુર્ગેશ : તને મારા પ્રેમની નિશ્ચલતા પર શ્રદ્ધા નથી?

કમલા :

(માલિની)

 

હ્રદય સકલ મારું અર્પિયું જેહને મેં,

થઈ અનુરત જેમાં દૂભવ્યા તાતને એ;

જિવતર મુન જેના પ્રેમ માટે જ ધારું,

હ્રદય અચલ તેનું પૂર્ણ શ્રદ્ધાથિ માનું.

લગ્ન પહેલાં શ્રીમતીએ મને કહેલું કે 'ગયેલું યૌવન પાછું મેળવવાનો ઉપચાર મહારાજ પર્વતરાયને જડ્યો છે, પણ ગયેલો પ્રેમ પાછો મેળવવાનો ઉપચાર કોઈને જડ્યો નથી. માટે, પ્રેમમાં નિરંતર દૃઢ રહેવાનું મનોબળ તમારા બન્નેમાં છે એમ તમને લાગતું હોય તો જ લગ્ન કરજો. ફીણના ઊભરાથી પાણીની ઊંડાઈનું માપ થતું નથી, માટે ઊભરો શમી જાય ત્યારે પાણી કેટલું રહેશે એનો ખ્યાલ પ્રથમથી કરી મૂક્જો.

દુર્ગેશ : તે પછી મારા મનોબળ વિષે તેં મને પૂછ્યું કેમ નહિ?

કમલા : મારા મનોબળથી તમારા મનોબળનું માપ હું કરી શકી હતી. એક ધરી પર ફરનારાં બે ચક્રમાં એકની ગતિ સરખી જ બીજાની ગતિ હોય છે.

દુર્ગેશ : પ્રાણપ્રિયા ! તારા હ્રદયની ઉદાત્તતા પરથી તું મારા હ્રદયની ઉદાત્તતાનું અનુમાન કરે છે, તો ભવિષ્યમાં તારું હ્રદય શિથિલ નહિ થાય અને મારું હ્રાદય શિથિલ થશે એવી અન્યાયભરેલી શંકા શા માટે કરે છે?

કમલા : હ્રદયેશ્વર ! હું તમને અન્યાય નથી કરતી. મને માત્ર આપણા સુખની પરિપૂર્ણતા જોઇ અધીરાઈના વિચાર આવે છે કે રખેને એ પરિપૂર્ણતા કાળની ચંચળતા પંજામાં સપડાય ! તમારા મિત્ર તે દિવસે કહેતા હતા કે કાળને મન સહુ સરખા છે.

દુર્ગેશ : એમના વચનનો અર્થ એવો હતો કે કાળ એકની પાસે ઊભો રહે અને બીજા પાસેથી ચાલ્યો જાય એમ બનતું નથી.

કમલા : એમને આવવાનો હવે વખત થયો છે. એમણે કહ્યું હતું કે 'તમારા લગ્નાના માસિક ઉત્સવમાં સામેલ થવા સારુ નિત્ય કરતાં આજે હું વહેલો આવીશ.' એ પોતાનું નામ કહેતા નથી, તેથી એમને માટે સર્વનામ જ વાપરવા પડે છે.

દુર્ગેશ : એમણે પોતાનું નામ અને વૃતાન્ત ગુપ્ત રાખ્યાં છે, તે છતાં એમની સાથે અકસ્માત્ સમાગામ થયો તે જ ક્ષણથી મારે એમના પર સંપૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન થયો છે. એ કહે છે કે 'તમે મારો વિશ્વસ કરો છો તે કરતાં હું તમારો વધારે વિશ્વાસ કરું છું, અને તે વખત આવ્યે સમજાશે.'

કમલા : એમની ગુપ્તતામાં મહાતેજ ઢંકાયેલું છે, એમ લાગ્યા વગર રહેતું નથી. અહો ! આ એ જ આવે છે.

[રાઈ પ્રવેશ કરે છે અને બેસે છે.]

રાઈ : તમે બન્ને મારી નિંદા કરતાં હતાં એમ જણાય છે.

કમલા : જેની સંપૂર્ન સ્તુતિ અશક્ય હોય તેને અપૂર્ણ સ્તુતિ નિંદા જ છે.

રાઈ : પોતાને માટે તો તમે કહેતાં હતાં કે વિવાહિત દંપતીને માટે જગતમાં સર્વ સંપૂર્ણ જ છે. તેથી, દુનિયામાં વધેલી અપૂર્ણતા કુંવરાઓને બક્ષિસ આપી દેતાં હશો !

કમલા : તમે કુંવારા છો એટલું પણ અત્યારે જ જાણી છીએ. તેથી એ બક્ષિસની કલ્પના સંભવતી નથી.

રાઈ : આટલો બધો તમારો કૃપા પાત્ર છતાં હું તમારાથી અંતર રાખું છું એ મને બહુ ખૂંચે છે, પરંતુ જ્યારે એ અંતર દૂર કરવાને સમય આવશે ત્યારે મારું વાજબીપણું તમે કબૂલ કરશો.

દુર્ગેશ : એ વિષે અમને સંદેહ છે જ નહિ, માત્ર કમલાને જિજ્ઞાસા દાબી રાખવી બહુ કઠણ પડે છે.

કમલા : પુરુષોની જિજ્ઞાસા સ્ત્રીઓ જેટલી જ તીવ્ર ન હોય તો ખોળતા ખોળતા તેઓ પાતાળ સુધી જાત નહિ.

દુર્ગેશ : અત્યારે તો અમારી જિજ્ઞસા તારા મનોરમ સંગીત માટે છે લે આ સારંગી.

[ઊઠીને સારંગી આપે છે]

કમલા : [સારંગી વગાડીને ગાય છે]

(ખમાચની ઠુમરી)

રસ સુખકર ઘન શો વરસી રહ્યો !

વરસી રહ્યો, વરસાવી રહ્યો! રસ૦

પ્રેમ ગગન કેરો કંઈ આણી,

પુલક પુલક વિકસાવી રહ્યો. રસ૦

 

મર્મ ઉપર સિંચી રસ જ્યાં ત્યાં,

સુરભિ સુરભિ પ્રકટાવી રહ્યો. રસ૦

ઊર્મિમાળા ધરા મહીં ઘેરી,

સરિત સરિત ઉછળાવી રહ્યો. રસ૦

ભિંજવિ કેસર પાંખડિ તંતુ,

કુસુમ કુસુમ નિતરાવી રહ્યો. રસ૦

 

રાઈ : શી સંગીતની મધુરતા ! એ મિષ્ટતાથી પ્રસન્ન થઈ ચિત્ત ઉત્તુંગ પદે આરોહણ કરે છે, અને કવિતાથી ઊઘડતી કલ્પનાની પાંખે ચઢી ઘનવર્ષણમાં ગર્ભિત રહેલી ખૂબીની ઝાંખી કરે છે.

કમલા : એ માત્ર સૌજન્યનો પક્ષપાત છે.

રાઈ : કોરી ઋતુમાં પણ મારા સરખા કોરાને આર્દ્રતાનો અનુભવ થવાથી ઉપકારબુદ્ધિ થાય તેને પક્ષપાત કેમ કહેવાય?

દુર્ગેશ : તમારી સહ્રદયતામાં કોરાપણાને અવકાશ નથી.

રાઈ : તે છતાં કોરાપણું લાગતું હોય તો મને સહિયર મેળવી આપશો, એટલે તે શી રીતે જતું રહ્યું તે પણ ખબર નહિ પડે.

રાઈ : મારે હજી ઘણું મેળવવાનું બાકી છે.

દુર્ગેશ : મહારાજ પર્વતરાય રાજ્યતંત્ર પાછું હાથમં લે ત્યારે તમારે રાજસેવામાં દાખલ થવું એવી મારી સૂચના છે.

રાઈ : ઇશ્વરેચ્છા હશે તેમ થશે. ગમે તે પ્રકારે લોકસેવા કરવી એ મારી ઉત્કંઠા છે. મહારાજના પાછા આવવા સંબંધમાં લોકો કેવી વૃત્તિ છે?

દુર્ગેશ : મહારાજને પાછા જોવા લોકો ઘણા ઉત્સુક છે.

રાઈ : લોકોને મહારાજ વૃદ્ધ હોય તે વધારે પસંદ પડે કે મહારાજ જુવાન હોય તે વધારે પસંદ પડે?

દુર્ગેશ : એ તો કહી શકું નહિ; હું પોતે પસંદ કરું છું તે કહી શકું.

રાઈ : લોકો શું પસંદ કરે છે તે મંત્રી મંડળે જાણવાની જરૂર નથી.

દુર્ગેશ : જરૂર હોય તોપણ એવા વિષયમાં લોકોનાં મન શી રીતે જાણાવાં?

રાઈ : તમે સંમત થાઓ તો રાત્રે વેશ બદલી આપણે નગરચર્યા જોવા નીકળીએ.

દુર્ગેશ : યોજના ઉત્તમ છે.

કમલા : મને ઘરમાં એકલી મૂકીને બહાર નીકળી પડાવાની યોજના તો ઉત્તમ છે, પરંતુ અત્યારે તો નદીતટે વિહારગૃહમાં જવાની યોજના પાર પાડવાની છે. ચાલો , હવે વિલંબનું કારણ નથી.

[સર્વ જાય છે.]

 

 

પ્રવેશ ૨ જો

સ્થળ : કનકપુરનોપ મોહોલ્લો

[બદલેલે વેશે રાઈ પ્રવેશ કરે છે.]

રાઈ : (સ્વગત) અત્યારે હું જગદીપ નથી, રાઈ નથી, પર્વતરાય નથી, દુર્ગેશનો નામહીન મિત્ર નથી, પણ વળી, પાંચમા વેશે નગરમાં નીકળ્યો છું. મારું પોતાનું કાંઈ ખરું સ્વરૂપ છે કે હું માત્ર જુદા જુદા વેશનો જ બનેલો છું, એ વિષે મને શંકા થવા માંડી છે.

(ઉપજાતિ)

પ્રયોગ પૂરો કરિ નાટ્ય અંતે,

સ્વરૂપ સાચું નટ પાછું ધારે;

શું જન્મથી મૃત્યુ સુધી જ મારે,

નવા નવા વેશ સદૈવ લેવા? ૩૪

 

પરંતુ જનમાનસની સેવા ઉઠાવનારે કોઈ કાળે પણ વેશ મૂકી દેવાનો ખ્યાલ શા માટે કરવો ? સેવકને છૂટ હોતી જ નથી.

(ધનાક્ષરી)

ઘરમાં અને બહાર, ઉંઘતાં ને જાગતાં;

ખાતાં પીતાં ને ચાલતાં, સેવક તે સેવક છે

કદી તે ભંડારી થાય, કદી થાય નાણાવટી

કદી લડવૈયો થાય, વેશ એવા અનેક લે;

કચરાનો વાળનાર, રજગાદી બેસનાર,

બન્ને એવી નિરંતર, સ્વામી કેરી સેવા કરે;

સ્વામીને માટે શ્વાસ લે, સ્વામીને માટે વેશ લે,

સેવામાંહિ વિશ્રાન્તિની ક્ષણે તેને ક્યાંથી મળે? ૩૫

આ દુર્ગેશ પણ ગુપ્ત વેશે આવી પહોંચ્યો.

[દુર્ગેશ ને એક છોકરો બે ઘડા અને કટોરા લઈ પ્રવેશે છે.]

રાઈ : આ છોકરો કોણ છે?

દુર્ગેશ : આ મારું વિશ્વાસુ માણસ છે. યોજના એવી કરી છે કે કે આપણે નગરમાં શેરડીનો રસ વેચવા નીકળવું. આ નગરમાં એવો રિવાજ છે કે પહેલી રાત્રે લોકો ઘરને આંગણે બેસી શેરડીનો રસ પીએ છે. આ રીતે રસ પાતાં આપણે લોકો સાથે ભળી શકીશું. આપણે બે રસનો આ અકેકો ઘડો ભરી અને આ છોકરો રસ ભરીને આપવાના કટોરા લેશે.

[એ પ્રમાણે ઘડા અને કટોરા લઈ સર્વે આગળ વધે છે.]

રાઈ : સામેથી પેલો બાવો આવે છે તેની પહેલી બહોણી કરીએ.

[બાવો પ્રવેશ કેરે છે.]

રાઈ : બાવાજી ! જે સીતારામ !

બાવો : જે સીતારામ બચ્ચા, યે બરતનમેં ક્યા હયે?

રાઈ : શેરડીનો રસ છે. બાવાજી પીશો ?

બાવો : મુફત પિલાયગા તો પીએંગે.

દુર્ગેશ : બાવાજી, મફત પાઈએ તો હમે રોટલા ક્યાંથી ખાઈએ.

બાવો : સારા નગર ઐસા હયે. હમ દાતર ઢૂંઢનેકું આયે તો

લોગ હમારી પાસસે દામ મંગતે હયે. હમ રુદ્રનાથ કે દરસન કે લિયે આયે તો મંદિરકે દ્વાર રાતદિન બંધ હયે. હમ બૂઢે રાજા કો દેખનેકું આયે તો વો જુવાન હો જાતા હયે. ભાઈ, હમ તો હ્યાં નહિ રહેંગે. કનકપુરમેં અલખ જગાના યે નિકમ્મા હયે.

[બાવો જાય છે]

રાઈ : બાવાજીને ચાસણીએ કનકપુરમાં સોનું નીકળ્યું નહિ.

દુર્ગેશ : બાવાના ઉદ્ગાર તો લોકવાણી કહેવાય નહિ. વેરાગીથી સંસારની ખરી તુલના થઈ શકતી નથી.

રાઈ : ગાતા ગાતા આ વિચિત્ર વેશે કોણ આવે છે?

[શરીર ઉપર ઠેરઠેર બાંધેલા દર્પણોવાળા અને હાથમાં લીધેલાં દર્પણોમાં મોં જોતા કેટલાક મનુષ્યો ગાતા ગાતા પ્રવેશ કરે છે.]

મનુષ્યો:

(લાવણી)

 

મુખ દેખ દર્પણે નિત્ય ઊઠતાં વ્હાણે;

મુખ દેખ દર્પણે નિત્ય બેસતાં ભાણે;

મુખ દેખ દર્પણે નિત્ય ચાલતાં વાટે;

મુખ દેખ દર્પણે નિત્ય તોળતં હાટે;

મુખ દેખ દર્પણે નિત્ય બોલતં વાણી;

મુખ દેખ દર્પણે નિત્ય સૂણતાં કહાણી;

નિજ રૂપ દર્પણે દેખિ કાર્ય સહુ કરજે;

લઈ ઝાંખિ આપની પ્હેલી અન્ય ભાણિ વળજે. ૩૬

 

રાઈ : તમે કોણ છો?

એક માણસ : (દર્પણમાં મોં જોઇને) અમે સહુ દર્પણ સંપ્રદાયના છીએ.

રાઈ : એ વળી નવો સંપ્રદાય ! પરંતુ, જે ભૂમિ પર હજારો સંપ્રદાયોના ડુંગર પડેલા છે તે ભૂમિ એક નવા સંપ્રદાયના ભારથી નમી જવાની નથી.

બીજો માણસ : (દર્પણમાં મોં જોઇને) અમારો સંપ્રદાય ભારરૂપ નથી. અમે માણાસોને દર્પણ દેખાડી તેમનો ઉદ્દાર કરીએ છીએ. અને, એ રીતે પૃથ્વીનો ભાર ઓછો કરીએ છીએ.

રાઈ : તમે આ નગરમાં ક્યારથી વસો છો?

પહેલો માણસ : (દર્પણમાં મોં જોઇને) અમે નગરમં હાલમાં જ આવ્યા છીએ. મહારાજ પર્વતરાયને ઘડપણ આવ્યું ત્યારે તેમણે મહેલમાંના બધાં દર્પણ ફોડાવી નંખાવેલા. હવે મહારાજ જુવાન થઇ પ્રગટ થાય ત્યારે દર્પણની પુનઃ સ્થાપના કરવાની તેમને અરજ કરવા આવ્યા છીએ.

રાઈ : મહેલમાં દર્પણો મૂકવાથી શો લાભ થશે?

બીજો માણસ : (દર્પણમાં મોં જોઇને) ઘડપણના બદલામાં જુવાની લીધાથી સત્ત્વ વધ્યું કે ઘટ્યું તેનો મહરાજને ખ્યાલ આવશે અને, મહેલમાંના સર્વજનો પોતાની ઘટતી કદર કરી મહારાજાની ઘટતી કદર કરશે. લો, તમે પણ મુખ જુઓ.

[દર્પણ દેખાડે છે.]

દુર્ગેશ : અમે તો શેરડીનો રસ પાઈ નાણાંનું દર્શન કરવા નીકળ્યા છીએ.

બીજો માણસ : (દર્પણમાં મોં જોઇને) અમારો ને તમારો મેળ નહિ ખાય ! ચાલો દર્પણદર્શીઓ !

[સહુ દર્પણમાં જોતા અને ઉપર પ્રમાણે ગાતા ચાલ્યા જાય છે.]

દુર્ગેશ : ભટકનારા રહદરીઓનો મેળાપ કર્યો. હવે ચાલો, ઘર આંગણે બેઠેલા પુરવાસીઓનો મેળાપ કરીએ. છોકરા, પોકાર કરવા માંડ.

છોકરો : (હાથમાંના કટોરા ખખડાવી બૂમ પાડે છે.) કોઈ પીઓ ! રસ રસાલ ! મિસરી માલ ! દિલ ખુશાલ !

[સહુ જાય છે]

 

 

પ્રવેશ ૩ જો

સ્થળ : કનકપુરનો મહેલ્લો. પુરવાસીઓનાં ઘરનાં આંગણાં આગળ.

[રસ્તામાં બેસી કટોરા લઈ રસ પીતાં પુરવાસીઓ, અને તેમની સામે બેઠેલા રાઈ , દુર્ગેશ અને છોકરો, અને પાછલ ઓટલા ઉપર બેઠેલી સ્ત્રીઓ અને બાળકો પ્રવેશ કરે છે.]

પહેલો પુરવાસી : શો લહેજતદાર રસ છે ! જેણે રસ પીને જીભને ગળી ન કરી હોય તેની કાયા કડવી જ રહી !

બીજો પુરવાસી : દુનિયામાં ગળપણ જેવું કાંઈ ગળ્યું નથી.

ત્રીજો પુરવાસી : અને ગળ્યા જેવું કાંઈ સ્વાદિષ્ટ નથી.

ચોથો પુરવાસી : અને સ્વાદિષ્ટ જેવું કાંઈ સુખકારક નથી.

પહેલો પુરવાસી :

(તોટક)

 

રસપાન લરો નવ ઢીલ કરો,

રસપાત્ર લઈ ઝટ હોઠ ધરો;

રસ છે મધુરો, પણ કોણ કળે? -

કડવો બનશે કદિ કાળબળે? ૩૭

 

[સહુ કટોરો મોંએ માંડી રસ પીએ છે.]

પાંચમો પુરવાસી : જે રસ પીતાં ધરાય તે શું પીએ?

પહેલો પુરવાસી : જે ધરાય તેને રસ પીતાં આવડ્યો નહિ એમ સમજવું.

ત્રીજો પુરવાસી : પર્વતરાય મહારાજે પોતે ધરાઈ જવાથી જુવાની માગી હશે કે ઊણા રહી જવાથી જુવાની માગી હશે?

પાંચમો પુરવાસી : બેમાંથી એકે રીતે જીવતર જીવતાં ન આવડ્યું, એ તો નક્કી.

બીજો પુરવાસી : ઘડપણમાં એમને રસ ભાવ્યો નહિ કે રસ મળ્યો નહિ.

પહેલો પુરવાસી : આ રસ વેચનારને પૂછો કે કોઈ ઘરડા તેના ઘરાક થાય છે?

રાઈ : તમારા સરખા ઘરાક ઘરડા નહિ તો જુવાન ગણાય ?

પહેલો પુરવાસી : શું હું ઘરડો છું ?

રાઈ : તમારામાંથી કોઈ તો ઘરડો હશે!

બીજો પુરવાસી : તું રસ વેચવા આવ્યો છે કે ગાળો દેવા ?

રાઈ : ઘરડા કહેવામાં ગાળ છે?

ત્રીજો પુરવાસી : ત્યારે શું વધામણી છે?

રાઈ : તો પછી પર્વતરાય મહારાજને ઘડપણ ન ગમ્યું, એમાં એને દોષ કેમ દો છો?

પહેલો પુરવાસી : મહારાજને ખરેખરું ઘડપણ આવેલું. અમને શું એમની પેઠે માથે પળિયાં આવ્યાં છે, આંખે મોતિયા આવ્યાં છે, કાને બહેરાશ આવી છે, દાંતે બોખાપણું આવ્યું છે, હાથે ને પગે ધ્રુજારી આવી છે, અને ચામડીએ કરચલી વળી છે? મહારાજને એ બધાં અંગમાં ઘડપણને ઠેકાણે જુવાની આવશે, પણ ઘરડું કાળજું પાછું જુવાન કેમ થશે.

પાંચમો પુરવાસી : ઘરડાં એમને ઘરડાં જાણતા તે ના રહ્યું, અને જુવાન એમની જુવાની કબૂલ નહિ રાખે !

રાઈ : તમને જુવાન રાજા કરતાં ઘરડાં રાજા વધારે ગમે ?

પાંચમો પુરવાસી : અમને તો સારા રાજા ગમે. ઘરડા હોય તો ઘડપણથી લાજવાવા ન જોઈએ, અને જુવાન હોય તો જુવાનીથી છકી જવા ન જોઈએ.

દુર્ગેશ : તમે સહુ એકઠા થઈ ભલભલાને શીખવો એવા ડહાપણ ભરી વાતો કરો છો.

પહેલો પુરવાસી : આવો મજેદાર રસ તમે પાઓ એટલે ડહાપણ આવ્યા વિના રહે ?

(દોહરો)

ઉતરે રસનો ઘૂંટડો, ઉઘડે અક્કલ તર્ત,

હૈયું ફાલે હર્ષમાં, નાસે દિલનાં દર્દ. ૩૮

 

બીજો પુરવાસી : તમારી સાથેનો છોકરો ચાલાક છે. તમે વાતોમાં રહ્યા, પણ એણે ઓટલા આગળ જઈ બૈરાં અને છોકરાંમાં કટોરા ફેરવવા માંડ્યા !

દુર્ગેશ : અમારી અપૂર્ણતા એ પૂરી કરે છે.

ત્રીજો પુરવાસી : છોકરા ! પેલાં સામેથી નવી કાકી આવે. એમને એક કટોરો પાજે.

[રસ્તે જતું સ્ત્રીમંડળ પ્રવેશ કરે છે]

 

છોકરો : કિયાં ?

ત્રીજો પુરવાસી : પેલાં કાળી ઝીમીમાં 'ઝબૂક વાદળ વીજળી.' [૧]

ચોથો પુરવાસી : એમ પૂછજે ને કે લીલાવતી જેવાં રૂપાળાં છે અને એમને પગલે ઘરડા વરને પરણ્યા છે તે કિયાં ?

છોકરો : બૈરાં માણસને એવાં અઘટિત વેણ મારાથી ન કહેવાય, અને તમારાથીયે ન કહેવાય.

ચોથો પુરવાસી : તું અમને કોણ ટોકનારો ?

છોકરો : માઝા મૂકે તેને ટોકવાનો સહુ કોઈને હક છે. પુરની સ્ત્રીઓની લાજ પુરવાસીઓ નહિ સાચવે તો કોણ સાચવશે?

ત્રીજો પુરવાસી : અમને તું નિર્લજ્જ કહે છે?

છોકરો : તમારીમેળે જ તુલના કરોને. એમ કહે છે કે મહારાજ રત્નદીપનું રાજ એવું હતું કે સોળ વર્ષની સુન્દરી મધરાતે એકલી રસ્તેથી ચાલી જતી હોય, પણ કોઇ બારીએથી ખૂંચ સરખો ન કરે. એ મર્યાદા આજ ક્યાં છે?

ત્રીજો પુરવાસી : ઝાઝું બોલીશ તો આ લાકડી જોઈ છે ?

[લાકડી ઉગામી]

છોકરો : એનો ઉતર મારી પાસે છે.

[કમરેથી કટારી બતાવે છે.]

દુર્ગેશ : અરે ! અરે ! કમ્-કમરમાંથી કટરી કાઢવી પડે એવો પ્રસંગ છે?

[છોકરાને હાથ પકડી ખેંચી રાખે છે.]

છોકરો : સ્ત્રીના માનની રક્ષા એ નાનોસૂનો પ્રસંગ છે ?

[પુરવાસી પુરુષો અને સ્ત્રીઓ દોડી આવી અને પુરુષો ત્રીજા પુરુવાસીને ઝાલી રાખે છે.]

એક સ્ત્રી : ઘરડા વરની નારની મશ્કરી કરવાને બદલે આ છોકરાની પેઠે બૈરાંની વારે જતાં શીખોને ! એવા પુરુષો ઘણા નીકળે તો કોઈ બાપ પોતાની કન્યા જ ઘરડા વરને નહિ દે.

પાંચમો પુરવાસી : હવે, અત્યારે અમને જંપવા દો ને લડાઈ ટોપલે ઢાંકો. જાઓ સહુ સહુને ઠેકાણે. લડાઈ આગળ ચલાવવી હોય તો સવારે ટોપલો ઉઘાડજો.

[સહુ જાય છે]

પ્રવેશ ૪ થો

સ્થળ : દુર્ગેશનું ઘર.

[દુર્ગેશ, કમલા અને રાઈ બેઠેલા પ્રવેશ કરે છે.]

કમલા : (હસતી હસતી) તમારી વિચક્ષણતા એટલી જ કે ? મારા ઘાંટા પરથી પણ તમે મને ઓળખી શક્યા નહિ?

રાઈ : સ્ત્રીઓ કરતાં પુરુષોની વિચક્ષણતા ઓછી હોય છે તે હું કબૂલ કરું છું, પરંતુ વિચક્ષણતા દર્શાવવા સારુ સ્ત્રીને પુરુષનો વેશ લેવો પડે ત્યાં પુરુષોની નહિ તો પુરુષોના વેશની તો ખૂબી ખરી જ. એ વેશે ઘાંટામાંથી પણ સ્ત્રીત્વને પ્રગટ થવા દીધું નહિ, તે પણ પુરુષોની વેશ યોજનાનું સામર્થ્ય દર્શાવે છે.

કમલા : સ્ત્રીઓના સ્ત્રીત્વને ઢાંકી રાખવાનું સામર્થ્ય અનેક યોજનાઓમાં સમાયેલું છે, તે નિઃસંશય છે.

રાઈ : એ સર્વ ગોપનસામગ્રી છતાં કટારી ઝાલવાની ઢબથી હથિયારનો પરિચય ગુપ્ત રહેતો નહોતો.

કમલા : ક્ષત્રિયાણી હથિયારની છેક અપરિચિત તો ન હોય.

રાઈ : વીરાંગનાના તેજનો ઝબકારો જોવાનો અમને પ્રસંગ મળ્યો એ અમારું ધનભાગ્ય, પરંતુ છોકરાને વેશે અમારી સાથે નગરચર્ચા જોવા આવવાનું પ્રયોજન સમજાયું નહિ. દુર્ગેશને રાત્રે એકલા જવા ન દેવા એવો અણભરોંસો તો કમલાદેવીને હોય જ નહિ.

કમલા : અનુભવ થવાનો પ્રસંગ આવશે ત્યારે સમજાશે કે પ્રેમીજનોને પરસ્પર અવિશ્વાસ હોતો જ નથી.

દુર્ગેશ : અને પરસ્પર અવિશ્વાસ હોય છે ત્યાં પ્રેમ હોતો નથી.

રાઈ : ત્યારે ટૂંકા વિયોગની અધીરાઈ એ પણ સાથે આવવાનું કારણ ન હોય.

કમલા : વિયોગની અધીરાઈનાં જે કૃત્રિમ વર્ણનો કવિતાને નામે જોડી કાઢવામાં આવે છે તેથી જ એ અધીરાઈ હસ્યાસ્પદ થવા પામે છે.

(અનુષ્ટુપ)

જલપાનતણું મૂલ્ય અધૂરું રહે તૃષા વિના,

જે તાપથી તૃષા થાય આવજ્ઞા તેનિ ના ઘટે. ૩૯

પરંતુ કલ્પનાઓ કરવાનો વિશેષ શ્રમ તમને નહિ આપું. પર્વતરાય મહારાજના વર્તન સંબંધે થયેલા લોકમત વિષે ઉપમંત્રીને વાકેફ કરવાની તમે યોજના કરી, તેથી મહારાજના એ વર્તનથી સ્ત્રી વર્ગની થતી અવમાનના તરફ ઉપમંત્રીનું લક્ષ ખેંચવા હું સાથે આવી હતી, અને પુરુષવેશ વિના મારાથી આવા પ્રસંગોમાં સાથે ફરાય એ તો એ અવમાનના દૂર થાય ત્યારે જ શક્ય થાય.

દુર્ગેશ : એ અવમાનના આ રાત્રે દીઠેલા એક ચિત્રથી હ્રદય પર જેમ મુદ્રાંકિત થઈ છે તે સો વર્ણનોથી પણ અંકિત થઈ શકત નહિ.

રાઈ : ઉપમંત્રી અને ઉપમંત્રીના ઉપરીઓ એ અવમાનનામાંથી સ્ત્રી જાતિને છોડાવે તો જ મુદ્રાદાન સાર્થક થાય.

દુર્ગેશ : રસપ્રભાવ વડે પ્રત્યેક સ્નાયુને અને પ્રત્યેક નાડીને સ્ફુરામય કરનારી આવી દીક્ષા મળ્યા પછી ઉપમંત્રી યજ્ઞમાં શું કચાશ રાખશે?

કમલા : એમ છે તો સ્ત્રીના ઉદ્દાર માટે યજ્ઞ આરંભવાનો હું સકલ્પ કરાવું તે કરો.

રાઈ : મને પણ એ સંકલ્પમાં સામેલ થવાની અનુજ્ઞા આપો.

કમલા : ભલે. તમે બન્ને સંકલ્પ કરો કે,

(વસંતતિલકા)

સ્ત્રીજાતિની અવદશા પરિહારવાને

એવો હુતાશન મહા પ્રકટાવીશું કે

તેની પ્રચંડ ઉંચિ જ્વાળાની માંહિં થાશે.

અજ્ઞાન, સ્વાર્થ, વળિ દુર્મતિ સર્વ ભસ્મ. ૪૦

[રાઈ અને દુર્ગેશ બન્ને એ શ્લોક સાથે બોલી સંકલ્પ કરે છે.]

દુર્ગેશ : પર્વતરાય મહારાજનું નવું રાજ્ય બેસે એ સમય એ હુતાશન પ્રગટાવવા માટે અનુકૂળ થઈ પડશે.

રાઈ : નવું રાજ્ય શાથી ?

દુર્ગેશ : નવી જુવાની સાથે રાજનીતિમાં નવું બળ પ્રાપ્ત નહિ થાય?

રાઈ : જુવાની અને રાજતીતિને કેવો સંબંધ છે, અને જુવાની એક વાર ગયા પછી પાછી આવે તો એની એ આકૃતિમાં કે કોઈ બીજી આકૃતિમાં આવે - એ બધા ભારે પ્રશ્નો આ મધરાતના ભારથી વધારે ભાર શા સારુ કરવા? અત્યારે તો નિદ્રા કેમ સહેલી કરવી એ જ પ્રશ્નનું નિકારાણ ઘટે છે.

[સહુ જાય છે.]