Raaino Parvat - 1 in Gujarati Drama by Ramanbhai Neelkanth books and stories PDF | રાઈનો પર્વત - 1

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

રાઈનો પર્વત - 1

રમણભાઈ મહીપતરામ નીલકંઠ

અર્પણ
જે પુષ્પનાં દલ ખોલિને રજ સ્થૂલને રસમય કરે,
અધિકારિ તે મધુમક્ષિકા એ મધુતાણી પહેલી ઠરે;
તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્નસમું જે લાધિયું,
જીવનસખી ! તે તુજ વિના રે ! જાય કોને અર્પિયું ?

 

નાટકનાં પાત્ર

પુરુષવર્ગ

પર્વતરાય : કનકપુરનો રાજા
કલ્યાણકામ : પર્વતરાયનો પ્રધાન
પુષ્પસેન : પર્વતરાયનો સેનાપતિ
શીતલસિંહ : પર્વતરાયનો એક સામંત
દુર્ગેશ: પર્વતરાયનો એક મંડળેશ (=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો)
વંજૂલ : કલ્યાણકામનો આશ્રિત
રાઈ : કિસલવાડીમાંનો માળી
જગદીપદેવ : રત્નદીપદેવનો પુત્ર

--૦૦૦--

સ્ત્રીવર્ગ

લીલાવતી : પર્વતરાયની રાણી
વીણાવતી : પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રી
સાવિત્રી : કલ્યાણકામની પત્ની
કમલા : પુષ્પસેનની પુત્રી
મંજરી : લીલવતીની દાસી
લેખા : વીણાવતીની દાસી
જાલકા : કિસલવાડીમાંની માલણ
અમૃતાદેવી : રત્નદીપદેવની રાણી

--૦૦૦--

સિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે.

--૦૦૦--

સૂચિત પાત્ર

રૂપવતી : પર્વતરાયની વિદેહ રાણી
રત્નદીપદેવ: કનકપુરનો પ્રથમનો વિદેહ રાજા

--૦૦૦--

સ્થળ

કનકપુર: ગુજરાતની રાજધાની (વલ્લભીપુરના નાશ પછીના સમયમાં)
પ્રભાપુંજ : કનકપુરમાં રાજાનો મહેલ
કિસલવાડી : કનકપુરથી થોડે દૂર આવેલો બાગ
રંગિણી  : કિસલવાડી પાસે થઈ વહેતી નદી
રુદ્રનાથ : રંગિણી નદીને કિનારે આવેલું મહદેવનુંમંદિર
-૦-

 

અંક પહેલો:

પ્રવેશ ૧

સ્થળ: કિસલવાડી

 

[જાદુની તૈયારી કરતી જાલકા રાત્રે અંધારામાં પ્રવેશ કરે છે.]

જાલકા: (સ્વગત) મંત્રની સાધના કરવી એમાં મુશ્કેલી નથી, પણ, રાઈને તે વખતે આઘે કેમ રાખવો એ મુશ્કેલ છે. એ પાસે હોય તો બધો ખેલ બગડી જાય. એને કાંઈ સમજાવીને દૂર રાખવો પડશે. (બૂમ પડે છે) રાઈ ! રાઈ !

[રાઈ હાથમાં પુસ્તક લઈ પ્રવેશ કરે છે.]

 

રાઈ: જાલકા ! તેં મને બૂમ પાડી ? હું એ ઓરડીમાં દીવે વાંચતો હતો, ત્યાં મને ભણકારા પડ્યા.

જાલકા: વાંચવાનો તને વખત મળે છે, અને, બાગ સંભાળવાનો વખત મળતો નથી. આ વાડી સંભાળ વગર ખરાબ થઈ જશે. જો !

(વૈતાલીય)

 

કળિયો મુખ અર્ધું ખોલિને

અટકી આ જલ વીણ શોષથી;

ગુંચવે ઉગતી સુ-વેલિને,

તૃણ કાંટા વધિ આસપાસથી. ૧

રાઈ: ત્યારે તું મને પુસ્તકો શા માટે આણી આપે છે ? માળીઓએ પુસ્તકો કરતાં ઝાડ ઉપર વધારે લક્ષ આપવું જોઈએ એ કબૂલ કરું છું પણ, મેં તને ઘણી વાર કહ્યું

છે કે મારાથી માળી થઈ શકાય એમ નથી. માત્ર તારી મરજી પાળવા ખારા હું ઝારી અને ખરપડી હાથમાં લઉં છું.

જાલકા: બીજું પણ એક કારણ છે.

રાઈ: હા. તેં આણી આપેલ એક પુસ્તકમાં એવું વચન હતું કે

(અનુષ્ટુપ)

 

‘પ્રજાપાલકની વૃત્તિ માળીના સરખી ખરે;

ઉછેરે, ફળ લે બંને. ઉખેડે, પ્રીતિ એ કરે.’ ૨

 

તે ઉપરથી મને લાગેલું કે માળીના કાર્યમાં પણ ઉન્નતિ છે. પણ, સરખામણીની એવી કલ્પિત મોટાઈથી કોઈ મોટું થતું નથી. ઈશ્વર શી રીતે સૃષ્ટિ બનાવે છે તે એક પ્રકારના દૃષ્ટિબિન્દુથી સમજાવવા કેટલીવાર કરોળિયાનું ઉદાહરણ લેવામાં આવે છે, પણ, તે માટે કરોળિયા પૂજાતા નથી.

જાલકા : હશે, અત્યારે એ બધા વાદવિવાદની જરૂર નથી. જા, દીવો લઈ આવ.

[રાઈ જાય છે.]

જાલકા: (સ્વગત) કાંઈક હકીકત તો એને કહેવી પડશે. લાવ, વસ્ત્ર ધરી સજ્જ થાઉં. એ વસ્ત્ર એ છો જોતો. (વસ્ત્ર પહેરે છે.)

[ફાનસ લઈ રાઈ પ્રવેશ કરે છે]

રાઈ: લે, આ દીવો લાવ્યો. (જાલકાને જોઇ આશ્ચર્ય પામીને) જાલકા ! આ શું ?

(હરિગીત)

આ વેશ કેવો અવનવો પ્હેર્યો સિરેથી પગ સુધી!

કાળાં બધાં આ વસ્ત્ર શાં ! ને પટ્ટિઓ શી જુદીજુદી !

કમરે પટો શો બાંધિયો ! લટકંત પડદા ટોપિના !

કરમાં લીધો આ દંડ શો ! શા કેશ છૂટા વેણિના! ૩

તને કાંઈ ગેબી ભેદમાં જ આનંદ થાય છે.

જાલકા: લે ભેદ નહિ રાખું. તારા પોષણની ખામીથી મરી ગયેલાં ઝાડને ફરી સજીવન કરવાનો પ્રયત્ન મેં શરૂ કર્યો છે. આજ આરંભમાં આ સૂકાઈ ગયેલા ઝાડને લીલા છોડ જેવું બનવવા ધારું છું. એની સામે ઊભા કરેલા ચોકઠામાં મને કાળો પડદો બાંધવા લાગ. (બંને મળીને પડદો બાંધે છે.) સવારે તને અહીં હું એ ચમત્કાર થયેલો બતાવીશ. અત્યારે તો તું જા. મનુષ્યોની આંખોના દેખતાં કોઈ પ્રાણીમાં પ્રાણ પ્રવેશ કરતો નથી. જાદુના જોરથી મારી આંખોને તો હું અદૃશ્ય કરી શકીશ. પણ, તું તો જા. હવે વધારે ન પૂછીશ. બાકીનું બધું સવારે.

રાઈ: હું જાઉં છું. પણ આ અનુષ્ઠાનના સમાચાર સાંભળ્યા પછી મને તરત ઉંઘ કેમ આવશે? અને, જાગતો ઓરડીમાં બેસી રહું?

જાલકા: (વિચાર કરીને) - બાગમાં દક્ષિણની બાજુએ છેક છેડે કોઈ પશુ પેસી જઈ ઝાડપાનને નુકશાન કરે છે, અને, પેલા ચંપાના રોપનો ફૂટતો ગંધ ન ખમાતો હોય તેમ દર રાત્રે તેને છૂંદી જાય છે. માટે, ત્યાં તપાસ રાખતો બેસ.

રાઈ: તીરકામઠું લઈને જાઉં? દૂર ઓથે બેઠો રહીશ. એટલે તે નિશાચર આવશે પણ ખરું અને સપડાશે પણ ખરું.

જાલકા: હા, એ યુક્તિ ઠીક છે જા.

[રાઈ જાય છે]

જાલકા: (સ્વગત)- એ લોકો ઉત્તરને ઝાંપેથી છે. અને રાઈ છો એની ધનુર્વિદ્યા દક્ષિણે અજમાવે. હું પણ હવે

બધી ગોઠવણ પૂરી કરું. સૂકા ઝાડનો લીલો છોડ થઈ ગયેલો હું બતાવું એટલે મારા મનોરથની સિદ્ધિ શરૂ થઈ.

[કાળા પડદા પાછળ જાય છે.]

 

પ્રવેશ ૨ જો

સ્થળ : કિસલવાડી

[ખભે તીરનું ભાથું અને કામઠું લઈ પથ્થર પર બેઠેલો રાઈ પ્રવેશ કરે છે. ]

રાઈ : રાત્રિ ! તારા અંધકાર કરતાં વધારે ઘેરાં આવરણ મારા જીવનની આસપાસા ફરી વળેલાં છે. હું કોણ છું, જાલકા કોણ છે, જાલકા પાસે દ્રવ્યસાધન છતાં શા માટે તે નગરમાં ફૂલ વેચવા જાય છે, મારે વાંચવા માટે પુસ્તકો શા માટે લઈ આવે છે, મારા ધનુર્વિદ્યાના શોખને શા માટે ઉત્તેજન આપે છે, મારે ચઢવા સારુ ઘોડા શામાટે આણી આપે છે, અને તે છતાં, મને માળીને વેષે શા માટે રાખે છે, અને વળી, હું તેની ઈચ્છાને શા માટે અનુસરું છું : એ સરવા આ અંધકારથી પણ વધારે અગમ્ય છે. (ઊભો થઈને) પરન્તુ માણસના જીવનમાં કયે સ્થળે અગમ્યતા સામી આવીને ઊભી રહેતી નથી.

(શાર્દૂલવિક્રીડિત)

 

આત્મા શોણીતા માંસ અસ્થિની ગુફા અંધારી તેમાં પૂર્યો,

ઉત્સાહી અભિલાષ, દુર્લભ ઘણા સંસાર તેથી ભર્યો;

રોકાયો પુરુષાર્થ કારણ અને કાર્યોતણી બેડિથી,

ઘેરાઈ સઘળે અગમ્ય ઘટના સંકલ્પ થંભાવતી. ૪

(થોડું ચાલીને) અને વળી, જાલકાએ સૂકાઈ ગયેલા ઝાડને લીલું કરવાનો આ મિથ્યા પ્રયત્ન શા માટે આદર્યો

 

છે? જેનું જીવનબળ ગયું તેનો ફરી વિકાસ થયો કદી સાંભળ્યો છે?

(મન્દાક્રાંન્તા)

 

પીળાં પર્ણો ફરી નથી થતાં કોઈ કાળે જ લીલાં,

ભાગ્યાં હૈયાં ફરિ નથી થતાં કોઈ કાળે રસીલાં;

પામે વૃદ્ધિ ક્ષય પછી શશી, - પ્રાણિનું એ ન ભાવી,

ના’વે એને ભરતિ કદિ જ્યાં એકદા ઓટ આવી. ૫

[આમ તેમ ફરે છે]

(એકાએક ઊભો રહીને) પાનાં રાખો ! (કાન દઈને) પણે આઘે છેક દક્ષિણે ખડખડાટ સંભળાય છે. એ જ પેલું પશુ ! (કામઠું લઈ તે પર તીર ચઢાવીને) અંધારામાં કંઈ દેખાતું નથી, પણ, આ શબ્દવેધી બાણ એને આબાદ વાગશે. (અવાજની દિશામાં બાણ છોડે છે.) બાણ તો બરાબર એ તરફ ગયું.

[એકાએક ચીસ સંભળાય છે. પછી ભૂમ સંભળાય છેકે ‘ગજબ ! ગજબ ! રે ! કોઈ આવો રે !’ રાઈ તે તરફ દોડતો જાય છે.]

 

પ્રવેશ ૩ જો

સ્થળ : કિસલવાડી.

[છાતીમાં તીર પેઠેલું એવું લોહી વહેતું શબ જમીન પર પડ્યું છે. પાસે શીતલસિંહ બેઠા છે. એવો પ્રવેશ થાય છે.]

[એક તરફથી રાઈ તીરકામઠા સાથે દોડતો આવે છે. બીજી તરફથી જાલકા જાદુગરના વેશમાં ફાનસ લઈ દોડતી આવે છે.]

રાઈ : (ફાનસને અજવાળે શબને જોઈને ચમકીને) આ કોણ? શું ! મહારાજ પર્વતરાયની છાતીમાં મારું બાણ

વાગ્યું? પ્રભુ ! આ શો ગજબ ! મેં તો કોઈ નિશાચર પશુ ફરે છે એમ ધારી બાણ છોડ્યું હતું. શીતલસિંહ ! આપ મહારાજની સાથે હતા? અંધારી રાત્રે આ વાડીમાં ક્યાંથી ?

શીતલસિંહ : (નિરાશાથી) મહારાજને મોત અહીં લઈ આવ્યું, અને મને મોત અહીંથી લઈ જનાર છે; કેમકે, નગર સુધી હવે બીજું કોઈ મારો સાથી થાય તેમ નથી.

જાલકા : શીતલસિંહ ! આ શો કેર કર્યો ! મેં તમને કહ્યું હતું કે મહારાજાને લઈને ઉત્તરને ઝાંપેથી આવજો, અને, તમે દક્ષિણ તરફથી કેમ આવ્યા? એ તરફ તો ઝાંપો પણ નથી !

શીતલસિંહ : મહારાજે પોતે આગ્રહ કર્યો કે દક્ષિણ તરફ ચાલો, અને, માર્ગ નહીં હોય તો છીંડું પાડીશું. રાજજોશી મુહૂર્ત આપ્યું હતું કે નગરથી એ તરફ પ્રયાણ કરવાનું આ વેળા બહુ શુભ લગ્ન છે. પરંતુ.

(અનુષ્ટુપ)

 

અદૃષ્ટ ભાવિનો પન્થ કોનાં નેત્રે દીઠો કદી?

સન્મુખ મૃત્યુ ઊભેલું દહાડે એ દીસતું નથી! ૬

 

મહારાજના પ્રાણ નીકળી ગયા છે તેનો હવે વિચાર કરો.

રાઈ : મને આમાંનું કાંઈ સમજાતું નથી. અજાણ્યે રાજવધ કર્યાની જે શિક્ષા હોય તે ખમવાને હું તૈયાર છું, પરંતું તમારી એવી શી ગોઠવણ હતી કે જેથી આ દુર્ભાગ્ય મારે માથે આવી પડ્યું?

શીતલસિંહ : રાઈ ! તારો એમાં કાંઈ અપરાધ નથી. જાલકા ! એને હકીકતથી વાકેફ કર કે પછી આપણે ત્રણે મળી કાંઈ રસ્તો કાઢીએ.

જાલકા :

(અનુષ્ટુપ)

પડદો જે હતો ધર્યો ધીમે ધીમે ઉપાડવો,

રાઈ ! તે બાણ તારાએ કીરી ખુલ્લો કરી દીધો. ૭

રાઈ : સૂકાયેલા ઝાડને સજીવન કરવાની વાત બધી ખોટી હતી?

જાલકા : ખોટી નહોતી. મહારાજ પર્વતરાયને હું એ પ્રયોગ કરી બતાવવાની હતી. તેમને વૃદ્ધ વયમાં ફરી જુવાન બનાવવાનું મેં માથે લીધું હતું. એની પ્રથમ મારા ઉપચારની સફલતાની ખાતરી કરવા સારુ ઝાડા પરનો એ પ્રયોગ જોવા આજ રાત્રે તેમને અહીં બોલાવ્યા હતા.

રાઈ : મહારાજનો કેવો વિચિત્ર અભિલાષ !

(ઉપજાતિ)

 

જુવાનને યૌવન ઇષ્ટ લાગે,

તારુણ્ય તે અક્ષયિ સ્થાયિ માગે;

પરંતુ વૃદ્ધત્વ મળેલું કૃચ્છ્રે,

શું નાખી દેવા જનવૃદ્ધ ઈચ્છે? ૮

 

જાલકા : તને ખબર નથી રાણી રૂપવતીના સ્વર્ગવાસ પછી મહારાજે ફરી લગ્ન કર્યું છે, અને નવાં રાણી લીલાવતી હજી યુવાવસ્થામાં પ્રવેશ જ કરે છે ?

રાઈ : અને એ લગ્નની નવી વિધાત્રી થવામાં તને શું મળવાનું હતું?

જાલકા : યૌવન ફરી આવે તો તને રાજ્યનો કોઠો ભાગ આપી દેવા મહારાજે મને વચન આપ્યું હતું, પણ, એમના મનોરથ એમના આ લોહી સાથે વહી જાય છે ત્યાં મારા મનોરથનો ક્યાં શોક કરું?

શીતલસિંહ : લાંબી લાંબી વાતો કરવાનો આ પ્રસંગા નથી. જાલકા !

તારી તીક્ષ્ણ બુદ્ધિથે શોધી કાઢ કે મહારાજના અવસાનની ખબર શી રીતે પહોંચાડવી. હું મહારાજની સાથે નીકળ્યો છું એ મહેલમાં સહુ જાણે છે, તો મારે શી રીતે બચવું ? ખરી વાત કોણ માનશે અને કોણ સાંભળશે ?

જાલકા : (વિચારા કરીને) મહારાજ જીવતા છે એવી ખબર આપણે મોકલીએ તો કેમ?

શીતલસિંહ : કાંઈ ચિત્તભ્રમ થયો? જેને મહારાજ જીવતા હોવાની ખબર મોકલીએ તે એ જ પૂછે કે એવી ખબર મોકલવાનું પ્રયોજન શું ? મહારાજ પોતે પાછા આવે એ જ ખબર તેમને તો જોઈએ.

જાલકા : જરા ધીરજથી સાંભળો . મહારાજા યૌવન મેળવવા પ્રયાસ કરે છે, એ સહુ જાણે છે. તેથી, આપણે એવી ખબર મોકલીએ કે ‘પરદેશથી કોઈ મોટો વૈદ્ય આવ્યો છે, તેણે મહારાજાને જુવાન કરી દેવાનું માથે લીધું છે. છ માસ સુધી તેના ઔષધનું સેવન કરવાનું છે.. પણ, એ છ માસ મહારાજ એકાંત ભોંયરામાં રહે અને વૈદ્ય આપે તે જ અન્નપાન લે, અને, બીજું કોઈ તેમનું દર્શન કરે નહીં તથા તેમનો શબ્દ સાંભળે નહિ, તો જ પ્રયોગા સફળ થાય. અને એ પ્રયોગથી મહારાજને એવું યૌવન આવે કે પાળિયાં જતાં રહે ને કાળા વાળ આવે, દાંત પાછા ઊગે, કરચોળીવાળું શિથિલ અંગ પાછું પ્રફુલ્લ થાય, આંખોમાં પાછું તેજ આવે, અને, મુખાકૃતિ બદલાઈ એવી રમ્ય થાય કે મહારાજને ઓળખવા પણ અઘરા પડે. આ યોજના પાર પાડવા મહારાજ વૈદ્ય સાથે ભોંયરામાં ઊતાર્યા છે અને છ માસ પછી બહાર નીકળશે. ત્યાં સુધી પ્રધાન કલ્યાણકામ સર્વ રાજકારભાર ચલાવે એવી મહારાજની આજ્ઞા છે.’ એ ખુલાસો માનશે. અને કોઈ

ભોંયરું જોવા આવશે તો અહીંથી નગર તરફ જતાં નદી કિનારે રુદ્રનાથ મહાદેવનું મંદિર આવેલું છે તેમાં ભોંયરું છે, તે બંધ કરી રાખી બતાવીશું. એ મંદિર મારા તાબામાં છે.

શીતલસિંહ : યુક્તિ તો ઠીક લાગે છે, પણ છ માસ પછી કોને રજૂ કરીશ ?

જાલકા : એનો તો એક જ માર્ગ છે, તે એ કે આ રાઈને પર્વતરાય તરીકે રજૂ કરવો.

શીતલસિંહ : (ભડકીને) શું ! માળીને રાજા બનાવવો ?

જાલકા : તમને એ સ્થાન આપીએ. પણ તમને સહુ ઓળખે, અને, તમારો કહેરો ઢાંક્યો ન રહે. આપણા ત્રણના સિવાય ચોથાનો વિશ્વાસ થાય નહિ. છ માસમાં રાઈને રાજદરબારની બધી હકીકતથી વાકેફ કરી દઈશું.

રાઈ : જાણે હું સંમતિ આપી ચૂક્યો હોઉં એવી રીતે, જલાકા, તું વાત કરે છે.

જાલકા : રાઈ ! આ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવાનો ગંભીર પ્રસંગ છે. તારે તો ફક્ત હું કહું તેમ કરવાનું છે. શીતલસિંહ ! જો આપણે જીવતા રહેવું હોય તો આ સિવાય બીજો ઉપાય નથી.

શીતલસિંહ : પણ, એમાં બહુ જોખમભર્યું સાહસ છે. હમણાં કે પછી જો કોઈ વેળા ખરી હકીકત બહાર પડી અને સહુએ જાણ્યું કે આ તો માળી છે તો આપણી શી ગતિ થવાની ?

જાલકા : હાલ કરતાં ખરાબ ગતિ નહિ થાય. અને, પર્વતરાય મહારાજના મરણનું વૃત્તાન્ત પ્રગટ થાય તો તેમના પુત્રને અભાવે ગાદી માટે કોણ જાણે કેવીયે લડાઈઓ જાગે અને રાજ્ય કેવું ઓપાયમાલ થઈ જાય તેનો વિચાર કર્યો ? વળી, પર્વતરાયના સામંતો તે કંઈ વંશપરંપરાના હકદાર

નથી. પર્વતરાય સાથે આ દેશમાં નવા આવેલા તમારા સરખા સામન્તોની જાગીરો જે નવો રાજા કોણ જાણે ક્યાંથીયે આખરે આવે, તે પળે એની શી ખાતરી ? રાઈ ગાદીએ આવે તો એવી ચિન્તાનું કારણ ન રહે. તમારી સેવાની કદર પણ એ જરૂર કરે.

શીતલસિંહ : તું બતાવે છે તેમ તારી યોજના પાર પડે તેવી છે ખરી, પણ, કાંઈ વધારે સાદો અને સહેલો અને ધાસ્તી વગરનો રસ્તો જડે તેમ નથી?

જાલકા : શીતલસિંહ ! શી બાલક જેવી વાતો કરો છો? રાજરોગ જામ્યો ત્યાં સાકરનું પાણી મટાડી દેવાનું કહેવું. એ તો ફક્ત હાંસી જ છે. એક તરફથી, રાજવધનો આરોપ આપણા સહુને માથે ઝઝૂમે છે; બીજી તરફ, રાજ્ય ઊંધું વળવાની દહેશત ઊભી થઈ છે; ત્રીજી તરફથી, રાત પાણીને વેગે વહી જાય છે, અને સવાર પહેલાં બધી ગોઠવણ પૂરી કરવાની છે; ત્યાં સાદા ને સહેલા ને ધાસ્તી વગરના રસ્તાની શી વાતો કરો છો? જે રસ્તો મને સૂઝ્યો તે મેં બતાવ્યો. તમને કોઇ રસ્તો રસ્તો સૂઝતો હોય તો બતાવો. નહિ તો છેવટ એક ટૂંકો રસ્તો છે. આ શબ ઉપાડીને મહેલમાં લઈ જઈએ અને ત્યાં માથાં કપાવવા ઊભા રહીએ. એ રસ્તો સાદોયે ખરો અને સહેલોયે ખરો ! પણ એમાં કાંઈ ધાસ્તી ખરી !

શીતલસિંહ : જાલકા ! આ સંકટથી મારું ચિત્ત વિહ્વલ થયું છે, તેવે વખતે તું મારો તિરસ્કાર ન કર અને ઉપહાસ ના કર. મારી બુદ્ધિ ચાલતી નથી. તું જેમ કહે તેમ કરવાને હું તૈયાર છું. તું માલણ કેમ થઈ ! તું તો કોઇ પરાક્રમી સ્ત્રી છે.

જાલકા : હવે, મહારાજના, શબને ભૂમિમાં સમર્પણ કરીએ. અગ્નિદાહ કરવા જતાં ગુપ્તતા નહિ સચવાય.

શીતલસિંહ, તમે નદીમાં સ્નાન કરી આવો. અમે બીજી તૈયારી કરીએ છીએ.

 

પ્રવેશ ૪થો

સ્થળ : કિસલવાડી

[ રાઈ અને જાલકા સંભાષણ કરતાં પ્રવેશ કરે છે. ]

રાઈ : ગમે તે થાય, જાલકા ! પણ એમ મારા ચિત્તનું સમાધાન થવાનું નથી. શીતલસિંહને તેં ભય તથ લોભ દેખાડી મૂંગો કર્યો,પણ મારું અંત:કરણ એ પ્રકારે શાંત થાય એમ નથી. કપટથી મળવાના રાજ્યનો મારે ખપ નથી.

જાલકા: તેં માત્ર પુસ્તકો જ વાંચ્યા છે, જગત્ જોયું નથી.

રાઇ: જગત્ જો ઊંચી ભાવનાઓથી શૂન્ય હોય તો તે જોવા સરખું પણ નથી. પરંતુ, જગત્ એવું અધમ નથી. ઉચ્ચ જીવન પણ જગત્ માં શક્ય છે.

જાલકા : તને ઉચ્ચ જીવનમાં લઈ જવાનો જ મારો પ્રયાસ છે.

રાઈ : અને તે નીચ માર્ગે થઈને ?

જાલકા : ભલે ઉચ્ચતાએ પહોંચવા સારુ નીચ માર્ગ ન લઇએ, અને, આપણી સહીસલામતીની પણ દરકાર ન કરીએ, પણ પર્વતરાયના મૃત્યુ પછી રાજ્યનું શું થાય ?

રાઈ : તેની ફિકર તારે અને મારે શા માટે કરવી ?

જાલકા : જે રાજ્યમાં આપણે વસીએ તેના હિત માટે ઉત્સુક ન રહેવું એ અધર્મ છે. વળી, લાખો મનુષ્યોના જાનમાલની ખુવારી થતી અટકાવવી એ દયાના પ્રશ્નની પણ અવગણના કરવી યોગ્ય નથી.

રાઈ : હકદાર ગાદીએ બેસે તેમાં આપણે મદદ કરવી એટલું જ આપણું કર્તવ્ય છે.

જાલકા : એમાં સહાય થવાની તું પ્રતિજ્ઞા કરે છે ?

રાઈ  : પ્રાણાંન્તે પણ સહાય થઈશ. ન્યાય પ્રમાણે જે હકદાર નીકળશે તેને ગાદીએ બેઠેલો જોઇશ ત્યાં સુધી વિરામ નહિ લઊં એવી પ્રતિજ્ઞા લઉં છું.

જાલકા : ત્યારે ગાદીના હકદારની ખોળ કરીએ. પર્વતરાયને પુત્ર નથી, બન્ધુઓ નથી. એણે તો દૂર દેશથી આવી આ રાજ્ય જીતી લીધેલું. તેનો પોતાનો જ આ રાજ્ય પર જૂનો હક નહિ, તો શું દેશાવરમાં એના કોઇ સગા હોય તેમાંથી કોઇને અહીં લાવીને ગાદીએ બેસાડવો ?

રાઇ : તું કહેતી હતી કે પર્વતરાયે આ દેશના પ્રથમના રાજા રત્નદીપદેવનો અધર્મથી વધ કરાવ્યો. તે વેળા રત્નદીપદેવની રાણી અમૃતદેવી બાળક કુંવર જગદીપ સાથે પોતાના પિતાને ત્યાં હતી, પણ તે પછી તેઓ ક્યાંઈ અદૃશ્ય થઈ ગયેલાં છે. તે કુંવર જડી આવે તો તેને ગાદીએ બેસાડવો જોઇએ.

જાલકા : એ તું પસંદ કરે છે ?

રાઇ : સંપૂર્ણ રીતે

જાલકા : ત્યારે, આજ સુધી ગુપ્ત રાખેલી વાત તને કહું છું. તું જ જગદીપ છે અને હું જ તારી માતા અમૃતદેવી છું.

રાઈ : (આશ્ચર્ય પામીને ) શું ? તું મારી માતા ! (જાલકાને ભેટે છે. છૂટો પડીને ) આજ લગી તેં મને માતા વગરનો કેમ રાખ્યો ?

(વસંતતિલકા)

 

પાસે સુધાસરિત ને મુજ કંઠ શુષ્ક  !

પાસે પ્રલેપનિધિ ને મુજ ચક્ષુ ઉષ્ણ !

પાસે સુવાસભરિ શીતલ વાટિકા ત્યાં,

હું છિન્નભિન્ન ભટક્યો તૃણઝાંખરામાં ! ૯

 

જાલકા : તારા રક્ષણ માટે અને તારા ભાગ્યોદય માટે આ બધી ગુપ્તતા રાખવી પડી છે.

રાઈ : તારા ગાઢ વાત્સલ્યની કદર હવે મને સમજાય છે. પરંતુ, હ્રુદયમાં સ્નેહોર્મિઓ અનુભવવાનો મારા જીવનનો કેટલો બધો અમૂલ્ય સમય વ્યર્થ ચાલ્યો ગયો ! બાળપણના વહી ગયેલા દિવસો તરફ હું દૃષ્ટિ કરું છું ત્યારે મને યાદ આવે છે કે,

(દ્રુતવિલંબિત)

 

નિરખતો કદિ બાળક દોડતાં,

ઉલટથી નિજ માત નિહાળતાં,

ઊમળકા ઊઠતા હ્રુદયે મમ,

ન શકતો કળિ તેનું હું કારણ. ૧૦

 

તેં મને સુખની ન્યૂનતા રાખી નથી, પણ મનમાં માતાની કુમક વિનાનાં બાળપણનાં મારાં સુખ અધૂરાં જ રહ્યાં !

(વસંતતિલકા)

 

‘મા’ શબ્દ ધન્ય ઊચરી નહિ મેં કદાપિ,

માગ્યા પદાર્થ નજિવા પ્રબલ સ્પૃહાથી;

ના બાલમંડળિમહીં લિધિ મેં પ્રતિજ્ઞા :

'અન્યાય સારુ કરશે મુજ માત શિક્ષા.’

 

જાલકા : કંઈ કંઈ સ્થળે સંતાવું પડેલું; ત્યાં હું તારી મા તરીકે શી રીતે પ્રગટ થાઉં ? ઘણાં વર્ષ વીત્યા પછી કનકપુરની સમીપમાં આ વાડી લઈને આપણે અહીં આવીને રહી શક્યા છીએ.

રાઈ : માળીને વેશે રહેવાનું તેં કેમ પસંદ કર્યું ?

જાલકા : ઘરાકોને ફૂલ આપવા જતાં નગરમાં બધે ફરી શકાય છે. એજ કામે આખરે હું રાજમહેલમાં દાખલ થઈ શકી અને પર્વતરાયનો મેળાપ કરી શકી.

રાઈ : પર્વતરાયને જુવાન કરવાના પ્રયત્નમાં તું શું રીતે ફત્તેહમંદ થવા ધારતી હતી ?

જાલકા : કેશ કાળા થાય અને ઘોડે બેસી શકાય એટલી શકિત આવે એવાં ઔષધ મારી પાસે છે, અને તેટલું કરી આપવાની મેં શરત કરી હતી. પણ, પર્વતરાયને વૈદ્યક કરતાં જાદુ પર વધારે શ્રધા હતી, અને તેથી, જાદુના પ્રયોગથી સૂકા ઝાડને એકદમ લીલો છોડ કરી બતાવવાની મારે યોજના કરવી પડી. એવો પ્રયોગ હું દેખડું તો પર્વતરાય આજ રાત્રે જ મને એવો લેખ કરી આપવાના હતા કે જુવાનીનાં ચિહ્ન તેમને પ્રાપ્ત થયેથી રાજ્યનો ચોથો ભાગ મારી તરફથી તને આપવો.

રાઈ : અને તે જાદુનો પ્રયોગ શી રીતે કરત ?

જાલકા : એ તો માત્ર પેલા કાળા પડદા પાછળ બાંધેલી દોરીઓની કરામત હતી. પાસે દાટેલું સૂકું ઝાડ ભોંયરામાં ઉતરી જાત અને તેને ઠેકાણે એક લીલો છોડ ખસી આવત.

રાઈ : આટલું બધું છલ શાને માટે ?

જાલકા : તને તારા પિતાની ગાદી પાછી અપાવવા માટે એકવાર રાજ્યનો ચોથો ભાગ તારે હાથ આવે તો કોઇ કાળે પર્વતરાય છતાં કે પર્વતરાય પછી આખું રાજ્ય સંપાદન કરવાની તને અનુકૂળતા મળે. તારા બહુબળ પર મને સંપૂર્ણ ભરોંસો છે.

રાઈ : પરંતુ બાહુબળ વાપરનારા છલનો આશ્રય નથી કરતા.

જાલકા : છલની જે શિક્ષા હશે તે હું ભોગવીશ, પણ તારા પિતાની પ્રતિષ્ઠા ખાતર અને તારી માતાના પ્રેમ ખાતર તું આ પ્રસંગ વ્યર્થ જવા ન દઈશ. બળથી રાજ્ય વશ કરીએ એવું આ વેળા આપણું સામર્થ્ય નથી. અને વળી, પ્રાણાન્તે પણ જગદીપને ગાદીએ બેસાડવાની મેં પ્રતિજ્ઞા કરી છે.

રાઈ : પણ તે અસત્યને માર્ગે ? પ્રાણાન્તે પણ ધર્મયુધ્ધ કરવા નીકળતાં મને લેશમાત્ર સંકોચ નથી.

જાલકા : પર્વતરાયનો તરા શસ્ત્રથી જ તેં વધ કર્યો છે.

રાઈ  : અજાણતાં થયેલા વધમાં ક્ષત્રિયોનું પરાક્રમ ગણાતું નથી.

(દોહરો)

 

સામો જઈ જે ઘા કરે, તે જ ખરો રણવીર:

ચાડી ચુગલી તોલનું, છૂપું ફેંક્યું તીર. ૧૨

 

મને પ્રગટ થવા દે કે મારા પરાક્રમનો દાવો કરવાનો મને પ્રસંગ મળે.

જાલકા : અત્યારે પ્રગટ થવાનો સમય છે ? તું ગાદીએ દૃઢ સ્થપાઈશ પછી આપણે કશું ગુપ્ત નહિ રાખીએ. પણ, જગદીપ-અરે-રાઇ ! આ અણીનો સમય છે; અને તું તારી માતાને નિરાશ ન કર. મૃત્યુની મને બીક નથી, પણ, મારા સ્વામીનું અને મારા પુત્રનું રાજ્ય સદાને માટે લુપ્ત થતું જોઈને તથા તેમનો વંશ નિર્મૂળ થતો જોઇને મારે પ્રાણત્યાગ કરવાનો ? અને, એ બધી ક્રૂરતા મેં આશાએ આશાએ કષ્ટ વેઠી સંભાળથી ઉછેરેલા મારા પુત્રને જ હાથે ?

રાઇ : મા ! મને એકવાર એ સંબોધન કરી લેવા દે. કોઇ સમીપ નથી. મા ! તારા પ્રેમ આગળ મારું આત્મબળ હારી ગયું છે. હું પણ છલની જે શિક્ષા હશે તે ભોગવીશ, હું તારી ઈચ્છાને આધીન છું.

જાલકા : જો ! પણે શીતલસિંહ સ્નાન કરીને આવે છે. જા, તું પણ સ્નાન કરી આવ. રાજાનું સ્નાન રાજાના વારસે કરવું જોઇએ.

રાઈ : મને મૃત્યુથી શી રીતે મલિનતા પ્રાપ્ત થઈ છે ? પરંતુ, નદીની શીતલતા શાન્તિકર થશે.

[રાઈ જાય છે.]

જાલકા : શીતલસિંહ  ! બહુ વાર થઈ  !

શીતલસિંહ : ( હાંફતો હાંફતો ) કાં તો અંધારી રાતને લીધે અથવા તો આ બનાવને લીધે નદીએ અત્યારે બહુ કારમી વસતી થઈ છે. હું નદીની રેતીમાં પેઠો એટલે પાછળથી પાસે આવી મહારાજના જેવા અવાજથી મારું નામ દઈ મને કોઈએ બોલાવ્યો. પાછો ફરી જોઉં છું તો કોઇ મળે નહિ ! થોડીવાર તો મારાથી હલાયું કે ચલાયું નહિ ! પછી પાછળ જોતો જાઉં ને આગળ ચાલતો જાઉં. એમ હું નદીકિનારે પહોંચ્યો જેવો પાણીમાં પગ મૂકું છું તેવી રાણી રૂપવતીની આકૃતિ પાણીમાંથી નીકળી આવી, અને મને અંદર બોલાવવા તેણે હાથ લાંબો કર્યો. હું ભયથી છળીને નાઠો, અને ઘણીવાર સુધી એક ઝાડને થડે વળગીને સંતાઇ રહ્યો. આખરે તારું સ્મરણ થયું ત્યારે મને હિંમત આવી, અને, હું આંખો મીંચી રાખી ને કાન દાબી રાખી જેમતેમ નાહીને અહીં દોડી આવ્યો. આ વાડીના ઝાંપામાં હું પાછો પેઠો ત્યારે હું જીવતો છું એમ મને ખાતરી થઇ. રાઇ નદીએ જતો હોય તો એને પાછો બોલાવ.

જાલકા : એને ભય નહિ લાગે અને ભૂત નહિ દેખાય ! ભયભીત દશામાં નિર્બળ થયેલા મનને જ એવી સ્વકલ્પિત ભ્રમણાઓ દેખાય છે.

શીતલસિંહ  : જાલકા ! એક બીજી શંકા મને ઉત્પન્ન થઇ છે, તે હું કહું છું તે માટે ક્ષમા કરજે. તારી યુક્તિ પ્રમાણે નગરમાં સંદેશો કહેવડાવીશું અગર હું જઇને કહીશ, પણ, કલ્યાણ કામ અને બીજા રાજપુરુષો તે નહિ માને તો ? એવી વાત એકદમ ન યે મનાય.

જાલકા : તેની ફિકર કરવા જેવું નથી. મહારાજની કમ્મરમાંથી આ પત્ર મને મળી આવ્યો છે. એમાં માત્ર મહારાજની સહી અને મહોરછાપ છે. બાકીનો પત્ર કોરો છે.

શીતલસિંહ : તને, તું કહે એવી ઇબારતનો લેખ લખી આપવા મહારાજ એ પત્ર તૈયાર કરી સાથે લેતા આવ્યા હતા.

જાલકા : એ પત્ર ઉપર આપણો સંદેશો તમે લખજો. અને, મહારાજની આંગળીએથી આ વીંટી હું લેતી આવી છું. તે તેમના રિવાજ મુજબ એધાણી તરીકે પત્ર જોડે મોકલીશું.

શીતલસીંહ : આફરીન ! જાલકા, તારી અક્કલને આફરીન  ! મહારાજ પોતે જીવતા હોય તો પણ આ પુરાવો તેમને માનવો પડે.

જાલકા : રાઇને આ પત્રની વાત કહેવાની નથી. ભેદમાં જેટલા ઓછા સામેલ તેટલી વધારે સલામતી. મહારાજનો આ હાર અને આ તોડો છે તે રાઇ જ્યારે મહારાજને વેશે નગરમાં જશે ત્યારે એને પહેરાવીશું. હવે આપણું કાર્ય સમાપ્ત કરીએ.

[બંને જાય છે.]

 

પ્રવેશ ૫ મો

સ્થળ : રંગિણી નદીનો કિનારો

[રાઈ પ્રવેશ કરે છે.]

રાઈ : માનવકૃતિ અને પ્રકૃતિ વચ્ચેના મોટા અન્તરનો અનુભવ મને આજે જ થયો. વાંચ્યું હતું અને સાંભળ્યું હતું તેનો સાક્ષાત્કાર થયો નહોતો ત્યાં સુધી એ અન્તરની વાસ્તવિકતા મને સમજાઈ નહોતી. ક્યાં એ વાડી અને ક્યાં આ નદીતટ!

(શિખરિણી)

 

ઘવાયાં શાં ગાત્રો મુજકરથી ત્યાં પ્રકૃતિનાં !

અહીં શાં સ્વચ્છંદે અવનિ જલ આકાશ ખિલતાં!

રહ્યાં શાં ધૂમાઈ મનુજકૃતિનાં ઉન્ધન ત્ય્હાં!

અહીં શો પૂર્ણાગ્નિ પ્રક્ટિ ધરતો ઉજ્જવલપ્રભા ! ૧૩

(આર્યા)

રૂંધાયો મુજ જીવ ત્યાં મનુજતણા શ્વાસથી મલિન પવને,

ઉલ્લસતો અહીં આવી જલ તરુ તારક વિશે સાંભળીને. ૧૪

 

⁠ નદી ! તારી સુભગ શીતલતાની મારામાં સંક્રાન્તિ થાય એ શક્ય છે ? (નદીમાં પ્રવેશ કરે છે. નદીના પાણીમાં નજર કરી ઊભો ઊભો ચકિત થઈ) કેવો ચમત્કારી દેખાવ !

(હરિગીત)

આ તારકો પ્રતિબિમ્બદ્વારા જલ વિશે ઊતરી ગયા !

ખેંચે નદીનો વેગ તોયે સ્વસ્થલે તે દૃઢ રહ્યા!

મુજ અંતરે પ્રતિબિમ્બમાં કંઈ જ્યોતિઓ જે ઝગઝગે,

શું જાલકામતિવેગમાં જાશે તણાઈ સર્વ તે? ૧૫

પરંતુ હવે જાલકાની મતિનો પ્રશ્ન ક્યાં છે? અમૃતદેવીની ઇચ્છા એ તો ખરે જુદી જ વસ્તુ છે. માતાની ઇચ્છા પૂર્ણ કરતાં પુત્રને સંકોચનું સ્થાન આવે ત્યાં પુત્રના રથનું પૈડું પંક્માં ગળી જાય છે. શું પુત્રને યોગ્યાયોગ્ય જોવાનો અધિકાર નથી ? રંગિણી ! તારા જળમાં આ ગૂંચવાડાનો કંઇ ખુલાસો છે?

(સોરઠો)

મરે ડૂબકી જેહ ઉત્તર દે તું તેહને !

છે તુજ ઉદરે તેહ, ધરતીમાં જે ક્યાંય નથી ! ૧૬

પણ, મારી અશક્તિનો દોષ ધરતીને અમથે શા માટે નાખવો ?

 

(શાર્દૂલવિક્રીડિત)

જ્ઞાનીઓ, કવિઓ, તપસ્વિ ઋષિઓ, ભક્તો, મહાચિન્તકો,

સંતો, તાત્ત્વિક પંડિતો, નયવિદો, રાજ્યોતણા શાસકો;

વિદ્વાનો જલભૂમિપ્રાણિપશુના આકાશ પાતાલના

પોષ્યા કાંઈ અગણ્ય જે ધરતિએ ઓછું શું છે તેહમાં ? ૧૭

⁠ ધરતીના પટ પર આવો ભર્યોભંડાર છે; કંઇ મનુષ્યો રોગથી આરોગ્ય પામ્યા છે, કંઈ મનુષ્યો આરોગ્યમાંથી રોગ પામ્યા છે. ત્યાં આ મારી શંકાઓ માટે જડીબુટ્ટી કોઈ ઠેકાણેથી નહિ મળી આવે ? કોઈ કવિકોવિદ-વિશારદ એવો નહિ મળે કે જે મને સમજાવે કે માતાનો પ્રેમ મારા અંતઃકરણને કેમ ગૂંચવે છે?

(અનુષ્ટુપ)

પ્રેમ ને સત્ય એ બન્ને અંશો એક જ ઇશના,

તથાપિ કેમ દેખાતા વિરોધી માર્ગ તેમના? ૧૮

⁠ પણ, પેલું કોણ દેખાય છે ? મારા એકાંતને ખંડિત કરવા અને પ્રકૃતિને પવિત્રતાને કલુષિત કરવા કોણ રેતીમાં પગલાં ભરે છે ? અરે ! જાલકા હોય એમ લાગે છે.

[જાલકા પ્રવેશ કરે છે.]

જાલકા : આ શું રાઈ ! તેં હજી સ્નાન નથી કર્યું અને વસ્ત્ર પહેરીને પાણીમાં ઊભો છે.

રાઈ : સ્નાન કરવું કે ન કરવું એ વિચારમાં છું. ધરતી મને કોરો રાખી શકે તેમ છે, અને, નદી મને ભીનો કરી શકે તેમ છે. બે માંથી કોની પ્રસાદી ગ્રહણ કરવી એ નિર્ણય કરવો બહુ કઠણ છે

જાલકા : એ તારી પંડિતાઈના તર્ક વિતર્ક જવા દે. હવે તો દુનિયાની ખરી વસ્તુઓ સાથે કામ લેવાનું છે.

રાઈ : અને પંડિતાઈ ખોટી વસ્તુ છે ?

જાલકા : તે તો કોણ જાણે, પણ પંડિતો રાજ્ય કરી શકતા નથી.

રાઈ : ખરી રીતે તો પંડિતો જ દુનિયામાં રાજ્ય ચલાવે છે. રાજ્ય અને મંત્રીઓ તો માત્ર પંડિતોએ ઠરાવેલા નિયમોનો અમલ કરે છે; અને તેમાં તેઓ ચૂકે છે ત્યારે રાજ્ય ખોઇ બેસે છે.

જાલકા : તું ગાદીએ બેસે પછી પંડિતોની સભા ભરી તેમની આગળ એ પ્રશ્ન મૂકજે. પણ, અત્યારે તો સ્નાન કરી લે. હું પણ સ્નાન કરવા આવી છું.

રાઈ : જાલકા ! સ્નાનનો આ શો ઢોંગ ! શબના સ્પર્શથી તને મલિનતા થઈ નથી, તો તારે સ્નાનની શી જરૂર ? તારા ચિત્તને સંતાપ થયો જ નથી કે શાન્તિ મેળવવાના પ્રયત્નનો આરંભ કરવામાં સ્નાન અને ઉપયોગિ થાય.

જાલકા : પ્રેત સાથે સંબંધ તૂટ્યાનું સ્નાનથી મનમઆં ઠસે છે.

રાઈ : આશા વ્યર્થ છે. પર્વતરાય સાથેનો સંબંધ કદી તૂટવાનો નથી અને આપણને એ પ્રેતનું વિસ્મરણ કદી થવાનું નથી. ગમે ત્યાં જઈશું, પણ પર્વતરાયનું મૃત્યુ આપણી નજર આગળથી ખસવાનું નથી. અને તેટલેથી બસ ન હોય તેમ મેં પર્વતરાયના ઘરમાં જઇને વસવાની અને તેનો વેશ ભજવવાની યોજના કરી છે !

જાલકા : તને પાછી નિર્બળતા આવતી જણાય છે.

રાઈ : નિર્બળતા કહે કે સબળતા કહે, પણ મારું અંતઃકરણ બહુ ઉછાળા મારે છે, અને, તારી આ યોજનાને પોતાની અંદર પેસવા દેતું નથી.

જાલકા : એક વાર માર્ગ પકડ્યા પછી શિથિલ પગલાં ભરવાં એ કાયરપણું છે, અને, એથી આખરે વિનાશ જ થાય છે.

રાઈ : હજી શો માર્ગ પકડવો છે?

જાલકા : પર્વતરાયનું શબ જમીનમાં દાટ્યું છે, અને શીતલસિંહ સંદેશો લઈ રાજમહેલ તરફ રવાના થયો છે.

રાઈ : ખાડામાં પગ ઉતર્યો હોય તોપણ પાછો ખેંચી નથી લેવાતો ? બહુ બહુ તો થોડો છોલાઈને બહાર આવે!

જાલકા : રાઈ ! તારી આ અસ્થિરતા મને દુઃખી કરે છે. હું જ્યાંથી જૂની આફતોનો છેડો આવેલો ધારું છું ત્યાંથી તું નવી આફતોની શરૂઆત કરવા કેમ માંડે છે ? મારા હ્રદયના ઉલ્લાસ માટે તને કાંઈ દરકાર જ નથી !

રાઈ : એ દરકાર જ મને વિવશ કરે છે.

જાલકા : તો એક વાર વિવશતા સહન કરી લે. હવે અહીં સ્નાન કરવામાં તારું દિલ નહિ લાગે.વાડીમાં ચાલ. ત્યાં સ્નાન કરીશું. તને વાર થઈ તેથી મને ફિકર થઈ હતી જ કે તને પાછી ગૂંચવણની આંકડી આવી હશે. ચાલ, એ આંકડીના નુસકા એની મેળે મળી આવશે.

[બંને જાય છે.]