Savai Mata - 12 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 12

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

સવાઈ માતા - ભાગ 12

સવારે મેઘનાબહેન રોજની માફક પાંચ વાગ્યે જ ઊઠી ગયાં અને તેમનાં નિત્યક્રમથી પરવારતાં સુધીમાં સમીરભાઈ પણ ઊઠીને તૈયાર થવા લાગ્યા. સમીરભાઈ આજે વહેલાં જવાના હોવાથી મેઘનાબહેનને ચા-નાસ્તા સાથે હમણાં જ ટિફીન પણ બનાવવાનું હતું.

તેમણે ઝડપથી લોટ બાંધી મેથીનાં થેપલાં બનાવી દીધાં.
પાછળ રમીલા પણ નહાઈ, તૈયાર થઈને આવી ઊભી અને પૂછ્યું, "જય શ્રીકૃષ્ણ, મોટી મા. પાપાનાં ટિફિન માટે ક્યું શાક સમારું?"

મેઘનાબહેન વળતાં બોલ્યાં, "જય શ્રીકૃષ્ણ, દીકરા. તેં બરાબર આદત પાડી દીધી છે મદદની. હવે તારાં વગર મને કેમ કરી ગમશે?"

રમીલાની લાગણી તેનાં અવાજમાં ઉતરી ગઈ, "તે મોટી મા, હું તમને મૂકીને ક્યાંય જવાની નથી. તમારેય તે મારી સાથે જ આવવાનું છે. અને શાક તો બોલો? પછી મોડું થશે પાપાને."

મેઘનાબહેન સારી રીતે જાણતાં હતાં કે પૂરાં પાંચ વર્ષ સાથે રહ્યાં પછી હવે રમીલાની દિશા ફંટાઈ રહી છે. તેનો પ્રેમ ભલે અકબંધ રહે, તેની સાથે વધુ સમય રહેવાનું શક્ય નહીં બને. તેઓ વિચારમાં ખોવાઈ જતાં રમીલાએ તેમનાં ખભાં પાછળથી પકડી પોતાનું માથું તેમની પીઠ ઉપર મૂકી દીધું.

મેઘનાબહેન રમીલાની આ ચેષ્ટાથી વાકેફ હતાં. તેને જ્યારે પણ વધારે લાડ અને હૂંફ જોઈતાં હોય ત્યારે આમ જ વર્તતી. મેઘનાબહેને પોતાનો જમણો હાથ પાછળ તરફ ખેંચી તેનાં માથામાં ફેરવાય તેટલો હાથ ફેરવવા માંડ્યો.

મા-દીકરીની ભાવનાઓએ વાતાવરણને કન્યાવિદાયની વેળા જેટલું ભારરૂપ બની ગયું. બેયની આંખોમાં બિલોરીકાચસમ પડળ બાઝી ગયાં.

"અરે ઓ રમુદીદી!", નિખિલનો ઓરડામાંથી બહાર આવતો સાદ સંભળાયો.

મા દીકરી બેય સ્વસ્થ થવાં જાય ત્યાં તો નિખિલ છેક રસોડામાં પહોંચી ગયો અને ટોપની બાંયથી આંખો લૂછવાની કોશિશ કરતી રમીલા તેમજ કીચન પ્લેટફોર્મ તરફ મોં ફેરવીને ઊભેલ મમ્મીને જોઈ તેનાં આગમન પહેલાં બનેલ ઘટના પામી ગયો.

તેણે વાતાવરણ હળવું કરવાની શરુઆત કરતાં કહ્યું, "ઓય દીદી, તું તો ઘરથી વીસ જ કિલોમીટર દૂર જાય છે. મારું તો એડમિશન થઈ ગયું ને તો હું તો હજાર કિલોમીટરથીયે વધારે દૂર જતો રહીશ."

રમીલાનો આંસુ લૂછતો હાથ હવામાં જ અટકી ગયો અને તે મોટી કાળી આંખોથી નિખિલ તરફ જોવા લાગી.

નિખિલે તેની આંખોથી ડરવાનો અભિનય કરતાં કહ્યું," અરે બાપ રે! મને તો આ મોટી મોટી આંખોથી બહુ જ બીક લાગે છે, દીદી. થોડી નાની કર તારી આંખો અને કાંઈ નાસ્તો હોય તો આપ. તું તો ગ્રેજ્યુએટ થઈ ગઈ. મારે તો હજી એક વર્ષ બાકી છે. વાંચવું પડશે ને? ચાલ, ચાલ, જલ્દી આપ. મોડું થાય છે."

રમીલાનાં હોઠનાં ખૂણે હાસ્ય મલકી ગયું. તે પારખી ગઈ કે નિખિલ તેને રડતી બંધ કરવા જ આ નાટકીય ઢબે તેની પાસે નાસ્તો માંગી રહ્યો છે. તે નિખિલના માથામાં ટપલી મારી તેના માટે નાસ્તાની પ્લેટ તૈયાર કરવા લાગી. તેણે પ્લેટમાં બે થેપલાં લઈ તેની વચ્ચે ઘી-ગોળને બરાબર સમથળ કરી પાથર્યો,બેય થેપલાં એકબીજાં ઉપર થોડો ભાર આપી દબાવ્યાં અને પ્લેટ ડાયનીંગ ટેબલ ઉપર મૂકી દીધી અને ગેસસટવ ઉપરથી ગરમ દૂધની તપેલી ઉતારી તેમાંથી નિખિલને મોટો કપ ભરીને દૂધ આપ્યું. મેઘનાબહેન બાળકોને આવી ઘરે બનાવેલી પૌષ્ટિક વાનગીઓ જ નાસ્તામાં આપતાં.

નિખિલે હવે મેઘનાબહેનનાં દીકરી પ્રત્યે આળાં થયેલાં મનને સંભાળવાનું શરૂ કર્યું, "ઓ મમ્મી, આ તારી દીકરી જાય છે, પણ મારેય તે ભણવાનું છે. મારું ધ્યાન રાખજે કે પછી તું એની જ જોડે જવાની?"

નિખિલનો સંવાદ કામ કરી ગયો. મેઘનાબહેનથી હસી જવાયું. તેઓ બોલ્યાં, "ના ભાઈ ના, તમે બેય મોટાં થયાં. માળામાંથી ઊડી પોતાનાં ઠેકાણાં બનાવો. હું અને તમારાં પપ્પા તો એયને અહીં રિટાયરમેન્ટની મોજ માણીશું. બે વર્ષ પછી તેઓ રિટાયર થાય એટલે ક્યારેક તારાં ઘરે તો ક્યારેક રમીલાનાં અને ક્યારેક ભારતદર્શનના પંથે. અમે તો એયને જલસા કરીશું." અને હસી પડ્યાં.

નિખિલ અને રમીલા બેય એકબીજાની સામું જોઈ હસવા લાગ્યાં. નિખિલ બોલ્યો," અરે વાહ! અમને દૂર કરીને જીંદગી જીવવાનો કાર્યક્રમ પણ બનાવી રાખ્યો છે તમે!! ચાલુ ત્યારે હું વાંચું. તમને ઐતિહાસિક સ્થળોથી માહિતગાર પણ મારે જ કરવા પડશે ને? એ જ તો મારો મુખ્ય વિષય છે." બધાં હસી પડ્યાં.

નિખિલ તેનાં ઓરડામાં ગયો. મેઘનાબહેનનાં કહ્યાં મુજબ રમીલાએ ફણસી અને બટાટા સમારી દીધાં. મેઘનાબહેને દાળ અને શાકને પ્રેશરકૂકરમાં ચઢવા મૂકી દીધાં. રમીલાએ લોટ બાંધ્યો અને રોટલી બનાવવાની શરૂઆત કરી. દાળ-શાક બની જતાં મેઘનાબહેને તપેલીમાં ભાત છૂટો ચઢવા મૂક્યો અને ફ્રીજમાંથી કાકડી, ટામેટાં, ગાજર અને બીટ કાઢી સમારવા બેઠાં. રોટલી બની જતાં રમીલાએ પાપાનું ટિફિન ભર્યું અને બાકીની બધી રસોઈ ડાયનિંગ ટેબલ ઉપર મધ્યમાં ઢાંકીને મૂકી દીધી. હજી સાડા સાત થયાં હતાં.

ત્યાં સુધીમાં રમીલાનાં માતાપિતાને નહાઈ, તૈયાર થઈ તેમનાં ઓરડામાં જ બેઠાં હતાં. બેય બાળકો પણ ઊઠીને તૈયાર હતાં અને આ ઘરમાં આવી ખૂબ જ આનંદિત હતાં. બેય ડાયનિંગ ટેબલ સુધી આવી ગયાં અને મેઘનાબહેને તેમને દૂધનાં ગ્લાસ પકડાવ્યાં. આટલું બધું દૂધ પોતાનાં માટે જોઈ તે બેય બાળ ભાવુક થઈ ગયાં અને ગ્લાસ મોંએ માંડી એક જ શ્વાસે બધું દૂધ પી ગયાં. પછી રમીલાએ તેમને એક એક થેપલું ઘી-ગોળ સાથે આપ્યું. બેય બાળકોએ હોંશે હોંશે, મોજથી નાસ્તો કર્યો.

તેમણે કૂતુહલપૂર્વક મેઘનાબહેનને પૂછ્યું, "તે માહી તમ અમાર બુનને કમ રાખો છ? અમનેય આંયા જ રાખી લો ને. અમે બધ્ધું કામ કરહું."

મેઘનાબહેન હસી પડ્યાં અને બોલ્યાં, "હા, હા. હવે તમારે પાછાં એ ઝૂંપડામાં નથી જવાનું. બહેનની જોડે જ રહેવાનું છે."

બેય બાળકો ખુશ થઈ ગયાં. રમીલાએ તેમને બેઠકરૂમ તરફ દોરી ટેલિવિઝન ચાલુ કરી આપ્યું. એક કાર્ટૂન ચેનલ મૂકી બેયને જોવાં બેસાડ્યાં. બેય બાળકો રાત્રે સૂતાં હતાં તે ગાદલાંથી પણ પોચાંપોચાં સોફામાં બેઠાં અને મઝાથી કાર્ટૂન જોવાં લાગ્યાં.

મેઘનાબહેને રમીલાને તેનાં માતાપિતાને ચા- નાસ્તા માટે બહાર બોલાવવાનું કહ્યું. રમીલા તેઓને બોલાવવા ગઈ પણ એકલી જ પાછી વળી. તે બેયને અહીં બહાર ડાયનિંગ ટેબલ ઉપર બધાં સાથે થોડો સંકોચ અનુભવાતો હતો.

મેઘનાબહેને રસ્તો કાઢ્યો, "બેટા, આમ પણ તારા પાપાને ઉતાવળ છે. હું અમારો ચા નાસ્તો લઈ ઓરડામાં જાઉં છું. તું બેયને બહાર બોલાવી શાંતિથી ચા-નાસ્તો કરાવ."

રમીલાને પણ એ યોગ્ય લાગ્યું. તે ફરીથી ઓરડામાં ગઈ અને બેયને ડાયનિંગ ટેબલ સુધી પરાણે લઈ આવી અને આગ્રહપૂર્વક નાસ્તો કરાવ્યો. વાતચીત કરતાં બેયને વાળી લીધાં કે હવે તેમણે આખા દિવસની રેતી-સીમેન્ટથી ફેફસાં ભરીને પેટને અધભૂખ્યું રાખતી તનતોડ મજૂરી, મુકાદમની મરજીથી ગણાતી દહાડી, બદલાતી તઋતુઓની ઝીંક ઝીલવા અક્ષમ એવી જર્જર ઝૂંપડી અને મહામહેનતે લીલાંસૂકાં બળતણથી પેટતો ચૂલો એવી જીંદગી નથી જીવવાની. મઝાનાં ઘરમાં તેની પોતાની સાથે રહેવાનું છે. બેય જણ જાણે સ્વપ્નમાં સરી પડ્યાં હોય તેમ દીકરી સામું જોઈ રહ્યાં.

સમીરભાઈ તૈયાર થઈ, ચા-નાસ્તો કરીને ઓફિસ જવા બેઠકખંડમાં આવ્યા. રમીલાએ ઊભાં થઈ તેમને ટિફિન અને પાણીની બોટલ આપ્યાં. બેય ચીજોને પોતાની બેગમાં મૂકતાં રમીલા અને મેઘનાબહેનને ઉદ્દેશીને કહ્યુ, "તમે લોકો થોડી થોડી ઘરવખરીની ખરીદી કરવા માંડો. હમણાં હું રમીલાનાં ખાતામાં પંચોતેર હજાર જેટલાં જમા કરાવું છું. પછી સાંજે જોઈશું બીજાં કેટલાં જોઈશે."

અને ઓફિસ જવા નીકળી ગયાં.

* શું લીલાનું લગ્ન સહેલાઈથી થઈ જશે?
* રમીલા તેનાં માતા પિતા સાથે નવા ઘરમાં સેટ થઈ જશે?
* તેનાં ભાઈબહેન નવી શાળામાં ગોઠવાઈ જશે?


ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા