Love Revenge Spin Off Season - 2 - 22 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-22

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-22

સૌ વાચકમિત્રોને નવા વર્ષની શુભકામનાઓ. આપનું વર્ષ શુભ રહે તેમજ આપ તેમજ આપનો પરિવાર નીરોગી રહે તેવી શુભકામનાઓ.

 

લવ રિવેન્જ

પ્રકરણ-22

 

“તું નવરાત્રિમાં કુર્તા ક્યાંથી લેવાનો છે...!?” પ્રેમ રોનકને મેસેજમાં પૂછી રહ્યો હતો.

            થોડીવાર પહેલા થયેલી બબાલથી માંડ વાતાવરણ નોર્મલ થયું હતું. નેહા હજીપણ શાંતિથી તેણીનો ફૉન મંતરી રહી હતી. 

            “ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ સામેથી સિદ્ધાર્થનો કૉલ આવ્યો.

            “સિદ્ધાર્થ....!?” હળવું આશ્ચર્ય અનુભવી પ્રેમે સિદ્ધાર્થનો કૉલ રિસીવ કરવા સ્ક્રીન ઉપર સ્વાઈપ કર્યું. 

            "હાં બોલ સિદ્ધાર્થ...!" પ્રેમ ફોન ઉપાડીને બોલ્યો.

            "પ..પ્રેમ....!" સામેથી લાવણ્યાનો રઘવાયો સ્વર સંભળાયો "સિદ્ધાર્થ...સ....સિડનો એક્સિડેંન્ટ થઈ ગ્યો...! તું તું...જ...જલ્દી .....આવને પ્લીઝ..!"

            "ઓહ ગોડ....!" પ્રેમ સફાળો ઊભો થઈને ભગવાં લાગ્યો "ક્યાં....!?"

            "ગ....ગેટ આગળ...!" લાવણ્યા બોલી.

            "અરે પ્રેમ....!" કામ્યાએ ઊભા થઈને બૂમ પાડી "શું થયું...!?"

            નેહા અને અંકિતા પણ ઊભાં થઈ ગયાં.

            "કોલેજના ગેટ આગળ સિદ્ધાર્થનો એક્સિડેંન્ટ થઈ ગયો....!" પ્રેમે પાછળ ફરી સહેજ અટકીને કહ્યું અને ફરી કેન્ટીનની બહાર દોડી ગયો.

            "માય ગોડ...!" કામ્યાએ એક નજર નેહા ઉપર નાંખી અને એ પણ પોતાની બેગ ઉઠાવીને દોડવાં લાગી. અંકિતાએ પણ એજ કર્યું. જતાં-જતાં અંકિતાની નજર ટેબલ ઉપર પડેલાં લાવણ્યાના ફોન ઉપર પડી. લાવણ્યાની ચેયર પાસે આવીને તેણે લાવણ્યાનો ફોન લઈ લીધો. તેણે નીચે ઝુકીને જોયું તો લાવણ્યાની બેગ પણ ત્યાંજ પડી હતી. અંકિતાએ વાંકાંવળીને બેગ પણ ઉઠાવી લીધી.

            "આ તારાં લીધેજ થયું છે....!" અંકિતાએ વેધક સ્વરમાં નેહાની સામે કતરાઈને જોયું અને ત્યાંથી ચાલવાં લાગી. 

            “હે ભગવાન....!”

            નેહાને આઘાત લાગી ગયો અને તે ખુરશીમાં ફસડાઈ પડી. તેની પાંપણો ભીંજાઇ ગઈ. આખી કેન્ટીનમાં હોહા મચી ગઈ. ઘણાંબધાં સ્ટુડન્ટ્સ પણ હવે પોત-પોતાનાં બેગ વગેરે લઈને બહાર જવાં લાગ્યાં.  

            “મામા.....!” આઘાતમાંથી ઝડપથી બહાર આવી નેહાએ પણ પોતાનું હેન્ડબેગ ખભે ભરાવ્યું અને કેન્ટીનની બહાર દોડી.

            સુરેશસિંઘની કેબિન તરફ જવા તે કેન્ટીનમાંથી નીકળી તરતજ ડાબા હાથે વળી અને ઝડપથી દોડી ગઈ.

***

            "અરે ભાઈ.... તમે આ બે'નને ચૂપ કરાવોને....!" સિદ્ધાર્થની સારવાર કરી રહેલી નર્સ પ્રેમને કહી રહી હતી. સ્ટાફનો બીજો માણસ સિદ્ધાર્થનાં છોલાયેલાં ઢીંચણનાં ઘાંને સાફ કરી રહ્યો હતો.  

            લાવણ્યાએ પ્રેમને ફોન કર્યા બાદ સૌથી પહેલાં પ્રેમ એમ્બ્યુલન્સમાં આવી ગયો હતો. ભીડ વચ્ચેથી જગ્યા કરી તે એમ્બ્યુલન્સમાં ચડી ગયો હતો. ગ્રૂપનાં બાકીનાં મિત્રો ત્યાં પહોંચે એ પહેલાં પ્રેમે એમ્યુલન્સને દવાખાને લઈ લેવાં કહી દીધું હતું. તીવ્ર સાઇરન વગાડતી એમ્બ્યુલન્સ હવે પાલડી સ્થિત વી.એસ. હોસ્પિટલ તરફ પૂરઝડપે ભાગી રહી હતી. પ્રેમ અને લાવણ્યા બંને જોડેજ હતાં. સિદ્ધાર્થનો હાથ પકડીને ભયંકર આક્રંદ કરી રહેલી લાવણ્યાને પ્રેમ શાંત કરવા મથી રહ્યો હતો. સિદ્ધાર્થ અને લાવણ્યાની હાલત જોઈને પ્રેમ પણ ઢીલો થઈ ગયો હતો.

            "મેં...! મેં કીધું'તું ને ....કીધું'તુંને ....! એ નઇ સારી છોકરી....!" લાવણ્યા હીબકાં લેતી-લેતી પ્રેમને વળગી પડી. પ્રેમની છાતી ઉપર માથું ઢાળી તે સિદ્ધાર્થનાં ચેહરાં સામે જોઈને રડી રહી હતી. રડીરડીને લાવણ્યાની આંખોનાં આઈલાઇનરનાં કાળાં કલરનાં ડાઘથી તેનો ચેહરો ખરડાઇ ગયો હતો.

            "તું ચિંતા નાકર....! એને કઈં નહીં થાય....!" પ્રેમે લાવણ્યાનાં વાળમાં હાથ ફેરવતાં-ફેરવતાં ગળગળાં સ્વરમાં બોલ્યો.

            "ક....કેટલું ...જોરથી અથ...અથડાયો...એ" લાવણ્યા હવે ભાન ભૂલીને બબડાટ કરવાં લાગી.

            "લાવણ્યા....!" પ્રેમને હવે લાવણ્યાની ચિંતા થવાં લાગી "આમ જો મારી સામે....!" તેણે લાવણ્યાનો ચેહરો પોતાનાં બંને હાથમાં લીધો.

               "મેં....મેં....બૂમ પાડી તોય ઊભો નાં રહ્યો...!" લાવણ્યા કઈંપણ સાંભળ્યા વગર બબડાટ કરે જતી હતી "કેટલો ...કેટલો ..ટોર્ચર કર્યો બિચારાંને....કેટલો....!" હીબકાંને લીધે લાવણ્યાનો સ્વર રૂંધવાં લાગ્યો.

            "લાવણ્યા ...આમ જો મારી સામે....શું થાય છે તને..." પ્રેમ હવે ડરી ગયો.

            "તને ખબર છે.....! આજે...આજેજ એણે મને હગ કરી હતી...! મને...મને...કીધું'તું પણ ખરાં...!" લાવણ્યા હજીપણ એજરીતે બબડાટ કરી રહી હતી "કે...કે..એ મને હગ કરે છે તો એને...એને બહુ ગમે છે...!"

            "લાવણ્યા...મારી સામું જો...!" પ્રેમે લાવણ્યાને હચમચાવી નાંખી. છતાંપણ લાવણ્યા બબડાટ કરે જતી હતી.

            "અરે મેડમ...!" પ્રેમે હવે સિદ્ધાર્થની સારવાર કરી રહેલી નર્સની સામે જોઈને કહ્યું "આને શું થાય છે....!?જોવોને પ્લીઝ...!"  

            "અરે ભાઈ...!" સિદ્ધાર્થને ઑક્સીજન માસ્ક ચડાવી રહેલો છોકરો બોલ્યો "અમે આ ભાઈને બચાવીએ કે એ બેન'ને....!"

            પ્રેમે ફરી લાવણ્યા સામે જોયું. તે હજીપણ બબડાટ કરે જતી હતી.

            "અરે ઓ બે'ન....!" ઓલી નર્સ થોડાં ઊંચાં સ્વરમાં બોલી લાવણ્યાએ અને પ્રેમે તેની સામે જોયું. તે નર્સ હવે સિદ્ધાર્થની બાજુ હાથ કરીને બોલી "આ ભાઈને તમારી જરૂર છે....! તમે આ રીતે રડરડ કરશો તો આ ભાઈને કોણ સાચવશે....!?"

            એટલું બોલીને એ નર્સ ફરીવાર પોતાનાં કામે લાગી ગઈ. પણ તેણે અજાણતાં કહેલી વાતની અસર લાવણ્યા ઉપર તરતજ થઈ.

            "સિદ્ધાર્થને મારી જરૂર છે....!" ડૂસકાં લેતી-લેતી લાવણ્યા સિદ્ધાર્થની સામે જોઈ મનમાં વિચારી રહી. તેણે ફટાફટ તેનો ચેહરો જેમ-તેમ લૂંછવાં માંડ્યો. પોતાનાં ધબકારાં શાંત થાય એ માટે તેણે આંખો બંધ કરીને ઉંડા-ઉંડા શ્વાસ લેવાં લાગ્યાં. કેટલીક ક્ષણોમાંજ લાવણ્યા તદ્દન નોર્મલ થઈ ગઈ.

            "પ્રેમ....!" લાવણ્યાએ શાંત અને સ્થિર સ્વરમાં પ્રેમ સામે જોયું "મને પાણી આપને...!"

            પ્રેમ લાવણ્યાને આશ્ચર્યથી જોઈ રહ્યો. તે હવે તદ્દન શાંત થઈ ગઈ હતી.

            "તમારી પાછળ.....! સીટની બાજુમાં જોવો....!" તે નર્સ બોલી "બોટલ પડી હશે...!"

            નર્સની વાત સાંભળીને લાવણ્યાએ તરતજ તેની જમણી તરફ સીટની બાજુમાં જોયું. ત્યાં પડેલી પ્લાસ્ટિકની બોટલ તેણે ઉઠાવી અને ઢાંકણું ખોલી ગટાગટ થોડું પાણી પીધું. ઢાંકણું વાશી બોટલ પાછી તેની જગ્યાએ મૂકી લાવણ્યા હવે સિદ્ધાર્થની હથેળી પોતાની બંને હથેળીઓમાં દબાવીને શાંતિથી બેસી ગઈ. 

            પ્રેમ કઈંપણ બોલ્યાં વગર તેની સામે જોઈ રહ્યો. કેટલીક ક્ષણો પહેલાં જે લાવણ્યા સાવ પડી ભાંગી હતી અને બઘાઈ ગઈ હતી તે હવે તદ્દન શાંત અને સ્વસ્થ લાગતી હતી. પ્રેમ કેટલીક ક્ષણો સુધી લાવણ્યા સામે જોઈને વિચારી રહ્યો. લાવણ્યા શાંત થઈ ગઈ હતી, છતાંપણ સિદ્ધાર્થની હાલત જોઈને ક્યારેક ક્યારે તેની આંખોમાંથી આંસુની ધાર નીકળી જતી હતી. લાવણ્યા તરતજ તેનાં વહી રહેલાં આંસુઓને રોકી લૂંછી લેતી હતી. 

            "પ્રેમ....!" સિદ્ધાર્થનો હાથ પોતાનાં હાથોમાં પકડી રાખી લાવણ્યાએ શાંત સ્વરમાં કહ્યું "કામ્યા, ત્રિશા....! એ બધાંને કીધું...!?"

            "હં....! અ...! હાં....!" પ્રેમ જાણે તંદ્રામાંથી બહાર આવ્યો હોય એમ બોલ્યો "બીજાં બધાંને ખબર છે...! રોનક અને ત્રિશા લેકચરમાં હતાં.....!"

            લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થ સામે જોઈ રહી.

            "હું એ બંનેને મેસેજ કરી દઉં છું....!" થોડીવાર પછી પ્રેમ બોલ્યો અને પોતાનો ફોન કાઢીને મેસેજ કરવાં લાગ્યો.

            વી.એસ હોસ્પિટલ લગભગ પહોંચવાં આવેલી એમ્બ્યુલન્સ હવે આશ્રમ રોડ ઉપર પુરપાટ દોડી રહી હતી. લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈને બેસી રહી હતી. તેણે ભલે પોતાની આંખમાં આવતાં આંસુઓ રોકી લીધાં હતાં પણ તેની અંતરઆત્મા સિદ્ધાર્થની એ હાલત ઉપર રડી રહી હતી.

***

            “આર યુ શ્યોર તારા તરફથી કોઈ પ્રોબ્લેમ નથી....!?” પોતાની કેબિનમાં બેઠાં-બેઠાં સુરેશસિંઘે હજી પણ એજ પ્રશ્ન પોતાના મનમાં દોહરાવી રહ્યાં.

            તેમની નજર હજીપણ સ્ક્રીન ઉપર CCTV કેમેરાનાં રેકોર્ડિંગનાં એજ દ્રશ્યો ઉપર હતી.

            “ના....કોઈજ નથી....!” સિદ્ધાર્થ જેટલું સ્પષ્ટ અને વિશ્વાસપૂર્વક બોલ્યો એ જોઈને સુરેશસિંઘને સામે સ્ક્રીન ઉપર ચાલી રહેલાં દ્રશ્યો ઉપર વિશ્વાસ હજીય નહોતો આવી રહ્યો. ભવા સંકોચિને તેઓ તે દ્રશ્યો જોઈ રહ્યાં.

કૉલેજમાં લાવણ્યાની એક રખડેલ અને ચિપ છોકરી તરીકેની છાપથી તેઓ સારી રીતે વાકેફ હતાં. અગાઉ પણ લાવણ્યા અને આરવ વિષે કૉલેજમાં ચાલતી વાતો તેમને ઊડતી-ઊડતી મળતી હતી. આરવને ઓળખાતા તેઓ મોટેભાગે એ બધી અફવાહો સમજી અવગણતા તેમજ કૉલેજમાં છોકરા-છોકરીઓ વિષે આવી-બધી અફવાહો ફેલાયા કરે એવું એ માનતા. જોકે આરવનું નામ એક રખડેલ છોકરી સાથે જોડાયું એ વાત તેમને એ વખતે પણ નહોતી ગમી. જોકે તેમને ભાગ્યેજ આરવને કૉલેજમાં લાવણ્યા સાથે કોઈ વાત કરતાં જોયો હતો. (મોટેભાગે તેઓ કૉલેજની ભાર જ મળતા હોવાથી). અમસ્તુંજ કોઈ કારણસર તેની સાથે આરવે વાત કરી હશે એટલે એના વિષે એવી અફવા ઊડી હોવાનું સુરેશસિંઘ માનતા હતા. એમાંય લાવણ્યા એ વખતે યૂથ ફેસ્ટિવલની કોઓર્ડિનેટર હોવાથી અને આરવે યૂથ ફેસ્ટિવલમાં સિંગિંગ કર્યું હોવાથી એને લગતી કોઈ વાત થતી હશે એવું તેઓ માનતા હતા. જોકે તેઓ લાવણ્યાને કૉલેજનાં પ્રથમ વર્ષથી ઓળખતા હતાં. કૉલેજનાં પ્રથમ વર્ષથીજ તેણીના “કારસ્તાનો” ચાલુ થઈ ગયા હતાં. અમીર છોકરાઓ સાથે રખડી ખાવું, તેમની સાથે પાર્ટીઓ કરવી, ડ્રગ્સ લેવું, સિગેરેટો ફૂંકવી, અત્યંત ટૂંકા અને અંગ પ્રદર્શન થાય તેવા કપડાં પહેરવાં, કૉલેજનાં નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવું આ બધી તેની પ્રકૃતિ હતી. આમ છતાં, લાવણ્યા કૉલેજની ટોપર હતી. કૉલેજની એકઝામ સિવાય યુનિવર્સીટી હેઠળની આવતી કોલેજોની એકઝામમાં દર વખતે લાવણ્યા ટોપ કરતી. ભણવા સિવાય અન્ય ફંકશન્સ મોટેભાગે લાવણ્યાજ હેન્ડલ કરતી. દર વર્ષે યુનિવર્સીટીના યુથ ફેસ્ટિવલમાં લાવણ્યા જ અલગ-અલગ કેટેગરીમાં કૉલેજને એવોર્ડ્સ જીતાડતી. આજ કારણસર સુરેશસિંઘ ઇચ્છવા છતાંય લાવણ્યાને કૉલેજમાંથી કાઢી નહોતાં શક્યા.

            સિદ્ધાર્થને લાવણ્યા સાથે પાર્કિંગમાં જોઈને સુરેશસિંઘને ક્યારની એક શંકા પેઠી હતી કે ક્યાંક લાવણ્યાને લીધેજ તો નેહા સિદ્ધાર્થ સાથે મેરેજ માટે ના નઈ પાડતી હોયને.

"કદાચ ...!" કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ચાલી રહેલા એ વિડિઓ સામે જોઈ રહી એ શક્યતા વિષે વિચારતાં-વિચારતા સુરેશસિંઘ બબડ્યાં "બાકી નેહાને શું પ્રોબ....!"

"ધડ ...!" સુરેશસિંઘ વિચારતા હતાં ત્યાંજ તેમના વિચારો ભંગ કરતા તેમનાં પ્યુને એકદમ દરવાજો ખોલ્યો.

"સાહેબ....! સિદ્ધાર્થભાઈનો એક્સીડેન્ટ થઇ ગ્યો ...!" સિદ્ધાર્થને ઓળખાતા પ્યુને હાંફળાં-ફાંફળા સ્વરમાં કહ્યું "કૉલેજના ગેટ આગળજ....!"

"વ્હોટ ....!?" સુરેશસિંઘ ચોંકી ગયાં અને પોતાની ચેયરમાંથી સફાળા ઉભા થઈને બહાર ભાગ્યાં.

"ક્યારે થયો ...!?" પ્યુને ખુલ્લાં રાખેલા દરવાજામાંથી બહાર નીકળતાં-નીકળતાં સુરેશસિંઘે પૂછ્યું.

"અબી હાલ જ....!" પ્યુન બોલ્યો અને તેમની પાછળ ઉતાવળા પગલે આવવા લાગ્યો.

"અંકલ ....!" ત્યાંજ નેહા ડાબી બાજુના કોરિડોરમાંથી ઉતાવળા પગલે આવી "સિદ્ધાર્થનો એક્સીડેન્ટ ....!"

"હા ખબર છે....!" ઝડપથી ચાલતાં-ચાલતાં સુરેશસિંઘ ઉતાવળા સ્વરમાં બોલ્યા "ચલ..જલ્દી ....!"

નેહા પણ તેમની જોડે ઝડપથી ચાલવા લાગી.

કોરિડોરમાંથી બહાર નીકળી તેઓ કૉલેજના ગેટ તરફ જવા પેવમેન્ટ ઉપર ચાલવા લાગ્યાં. સુરેશસિંઘ અને નેહાએ પણ જોયું કે આગળ કેટલાક સ્ટુડેંટ્સ દોડતાં જઈ રહ્યાં હતાં. તેમની પાછળ પણ પ્યુન અને અન્ય કેટલાકસ્ટુડન્ટ તેમજ કૉલેજના પ્રોફેસર્સ આવી રહ્યાં હતાં.  

"આખી કૉલેજમાં વાત ફેલાઈ ગઈ ...!?" નેહાને આશ્ચર્ય પણ થયું અને ચિંતા પણ. 

ગેટ નજીક પહોંચતાં જ બધાએ ત્યાં રોડ ઉપર ભેગી થયેલી ભીડ જોઈ. જેમાં કૉલેજના સ્ટુડેંટ્સ પણ હતાં.

તેઓ હજી તો  થોડાં ડગલાં ચાલ્યાં જ હતાં ત્યાંજ તેમણે રોડ ઉપર તૂટફુટ હાલતમાં પડેલું રોયલ એન્ફિલ્ડ જોયું.

"હે ભગવાન ....! સિદ્ધાર્થ ....!" ભીડ તરફ ઉતાવળાં પગલે જતાં -જતાં સુરેશસિંઘ ચિંતાતુર સ્વરમાં બૂમ પાડીને બોલ્યાં. 

"બાપરે બાપ....!" એન્ફિલ્ડની એવી હાલત જોઈને નેહાના હૃદયના ધબકારા વધી ગયાં. તે ગભરાઈ ગઈ.

નેહા પણ ઉતાવળા પગલે દોડવા લાગી. 

            “સિદ્ધાર્થ....!” ભીડ નજીક પહોંચીને સુરેશસિંઘ ફરી મોટેથી બોલ્યાં અને આમ-તેમ જોવા લાગ્યાં.

            “સર...એને દવાખાને લઈ ગ્યાં...! એમ્બ્યુલન્સમાં ....!” ગેટની જોડે ટોળાની પાછળ ઊભેલી કૉલેજની કોઈ છોકરી બોલી.

            “ક્યાં લઈ ગ્યાં....!?” સુરેશસિંઘે પૂછ્યું.

            “વી.એસ....!” ભીડમાંથી કોઈ ભાઈ બોલ્યો.

            “રઘુને બોલાય...જલ્દી...!” પાછાં ફરીને સુરેશસિંઘે સહેજ ચિડાયેલા સ્વરમાં પ્યૂનને કહ્યું .

            “હા સાહેબ...!” પ્યૂને ઝડપથી પોતાનો મોબાઈલ કાઢી સુરેશસિંઘના ડ્રાઈવરને કૉલ કર્યો.

            “તું વિજયને કૉલ કર....!” સુરેશસિંઘે ઉતાવળા સ્વરમાં નેહાને કહ્યું અને પોતાનો મોબાઈલ કાઢવાં લાગ્યાં “હું કરણભાઉને કૉલ કરું છું...!”

            નેહાએ હકારમાં માથું ધૂણાવી ઝડપથી તેનાં પપ્પા વિજયસિંઘને કૉલ કરવા માંડ્યો.

            “આ ભીડને વિખેરને....!” કરણસિંઘનો નંબર ડાયલ કરી પોતાનો મોબાઈલ કાને ધરીને સુરેશસિંઘે ચિડાઈને પ્યૂનને કહ્યું.

            “અરે ચાલો જગ્યા કરો....! ખસો અહિયાંથી.....!” પ્યુને આગળ આવી ભીડ વિખેરવાં ઘાંટા પાડવા માંડ્યા.  

            “હા...કરણભાઉ...!” સુરેશસિંઘ ચિંતાતુર સ્વરમાં બોલ્યાં “તમારે અર્જન્ટ અમદાવાદ આ’વું પડશે...!”

            “શું થ્યું...!?” કરણસિંઘે આશંકિત સ્વરમાં પૂછ્યું.

            “સિદ્ધાર્થનો એક્સિડેંન્ટ થયો છે....!” સુરેશસિંઘ એવાજ સ્વરમાં બોલ્યાં.

            “હેં....!? ક્યારે...!? કેવીરીતે....!?” કરણસિંઘ ચોંકી ગયાં.

            “થોડીવાર પે’લ્લાં જ....! કૉલેજ આગળ...!” સુરેશસિંઘ બોલ્યાં “તમે રાગુને લઈને જલ્દી નીકળો....! હું હોસ્પિટલ પો’ચીને ફૉન કરું.....!?”

            બંનેએ વાત કરીને કૉલ કટ કરી. ત્યાંજ રઘુનાથભાઈએ સુરેશસિંઘની આગળજ કાર લાવીને ઊભી રાખી.

            સુરેશસિંઘે દરવાજો ખોલીને પહેલા નેહાને અંદર બેસવા દીધી પછી પોતે પણ અંદર બેઠાં.

            “વી એસ લઈલે જલ્દી....!” સુરેશસિંઘ આદેશાત્મક સ્વરમાં બોલ્યાં.

            રઘુનાથભાઈએ કાર વીએસ બાજુ મારી મૂકી.

            સુરેશસિંઘ પાછાં પોતાનાં મોબાઈલમાં કોઈનો નંબર ડાયલ કરવા લાગ્યાં.

            “હેલ્લો....! હાં અજીત....! સુરેશ બોલું છું....!” નવરંગપૂરા પોલીસ સ્ટેશનમાં પોતાનાં ફ્રેન્ડને કૉલ કરીને સુરેશસિંઘ બોલ્યાં અને એક્સિડેંટ વિષે જણાવવા લાગ્યાં.

            “મને ન’તી ખબર આ છોકરાને આટલું બધુ લાગી આવશે....!” સુરેશસિંઘ ફૉન પર વાત કરી રહ્યાં હતાં ત્યારે નેહા મનમાં સિદ્ધાર્થ વિષે વિચારી રહી હતી.

            “પોતે આખો દિવસ ઓલી રખડેલ જોડે ફરી ખાય ત્યારે કઈં નઈ....!” નેહા મનમાંજ દલીલબાજી કરી રહી હતી “અને મેં ખાલી અમથી-અમથી કોઈની જોડે વાત કરી....એમાં આટલું બધું લાગી આવે...!? હુંહ....! બધાં બોય્ઝ એક સરખાજ હોય છે....!”

            “તું જલ્દી પોં’ચ….! હમ્મ....!” સુરેશસિંઘ બોલ્યાં અને કૉલ કટ કર્યો.

            સુરેશસિંઘ પાછાં લાવણ્યા વિષે વિચારવા લાગ્યાં.

            “તારે અને સિદ્ધાર્થને ખરેખર શું પ્રોબ્લેમ છે...!?” થોડીવારના મૌન પછી સુરેશસિંઘે જોડે બેઠેલી નેહાને પૂછ્યું.

            “હં....શું....!?” વિચારોમાં ખોવાયેલી નેહાએ પૂછ્યું.

            “કોઈ ત્રીજું છે તમારી વચ્ચે....!?” સુરેશસિંઘે વાત રિપીટ કર્યા વિના કહ્યું “એટ્લે તું ના પાડે છે....!?”

            “ન....ના અંકલ....!” નેહા સહેજ સંકોચ સાથે બોલી.

            “જો બેટા....!” સુરેશસિંઘ સહેજ મૃદુ સ્વરમાં બોલ્યાં અને કાર ડ્રાઇવ કરી રહેલા રઘુનાથભાઈ સામે જોયું “રઘુ ઘરનો માણસ છે....અને તું મારા માટે ઝીલજ છે....! મેં આજ પે’લ્લા તને આવું કશું નઈ પૂછ્યું....! પણ આજે મને લાગ્યું કે....!”

            “પણ અંકલ એવું કશું નથી....!” વાત ટાળવા નેહા વચ્ચે બોલી પડી “મારે અને સિદ્ધાર્થને રોજ કોઈને કોઈ વાતે ઝઘડો ચાલતો જ હોય છે....!”

            “આજે શેની વાતે થયો ‘તો....!?” સુરેશસિંઘે વેધક સ્વરમાં પૂછ્યું.

            નેહા પકડાઈ ગઈ હોય એમ જવાબ શોધવા મથી રહી.

            “કોઈ બીજી છોકરી બાબતે થયો ‘તો....!?” છેવટે સુરેશસિંઘે પૂછ્યું.

            “કોણ....!? લાવણ્યા....!?” નેહા બોલી “ના...અંકલ...! તમે સિદ્ધાર્થને ઓળખો તો છો....! એ કઈં એવી ફાલતુ છોકરીઓમાં પડે એવો નઈ....!”

            “હમ્મ....! તો પછી એ ફાલતુ છોકરીને પાર્કિંગમાં અ...!” બોલતા-બોલતા સુરેશસિંઘ અટક્યાં અને રઘુનાથભાઈ સામે જોયું પછી નેહા સામે જોયું “મેં એ બંનેને જોયા ‘તા...CCTVમાં....!”

            થોડું અટકી પોતાનો સ્વર ધીમો કરી, સહેજ સંકોચપૂર્વક સુરેશસિંઘ આગળ બોલ્યાં –

            “એ ઓલી છોકરીને વળગ્યો ‘તો....!” 

            “અંકલ...! અમારી જનરેશનમાં તો હગ કરવું તો કોમન થઈ ગ્યું છે...!” સિદ્ધાર્થનો બચાવ કરતી હોય એમ નેહા બોલી.

            “એમ....!? મેં તો તને કોઈ દિવસ નઈ જોઈ....આ રીતે કોઈને હગ કરતાં....!” સુરેશસિંઘે વેધક સ્વરમાં કહ્યું અને પછી નજર ફેરવી લઈ પોતાની સાઈડની વિન્ડોમાંથી બહાર જોવા લાગ્યાં.

            બચાવમાં શું બોલવું એ ના સમજાતા નેહા કેટલીક ક્ષણો સુધી સુરેશસિંઘ સામે જોઈ રહી પછી એ પણ નજર ફેરવી વિચારવા લાગી. હવે આગળ શું કરવું, વિષેના “પ્લાનિંગ” તેનાં મનમાં શરૂ થઈ ગયાં. કેમકે તે સમજી ગઈ, સુરેશસિંઘે પહેલીવાર નેહા સાથે આ રીતે વાત કરી છે એનો અર્થ એ થયો કે તે સિદ્ધાર્થના અને તેનાં ફેમિલી મેમ્બર્સ સામે પણ આ અંગે કોઈને કોઈ વાત છેડશેજ.

****

            "આઘાં ખાસો જલ્દી.....!" સિદ્ધાર્થને એમ્બ્યુલન્સમાં પાલડી વી.એસ હોસ્પિટલ ખસેડવાંમાં આવ્યો હતો.

હોસ્પિટલનાં કોરિડોરમાં સિદ્ધાર્થને સ્ટ્રેચરમાં સૂવાડીને ICU વૉર્ડમાં લઈ જવાઈ રહ્યો હતો. ICU વૉર્ડનાં રૂમ નંબર 11નો દરવાજો ખોલી હોસ્પિટલનાં સ્ટાફ દ્વારાં સિદ્ધાર્થને અંદર દાખલ કરાયો.

            "ICU....!?" લાવણ્યા પ્રેમ સામે ભયથી જોઈને બબડી.

            સિદ્ધાર્થની ચિંતામાં તેનાં સ્ટ્રેચરની જોડે દોડી રહેલી લાવણ્યાને અત્યારસુધી એ નહોતી ખબર કે સિદ્ધાર્થને ICUમાં દાખલ કરવાનો છે.  

            "પ્રેમ....! પ્રેમ...! ICU ......ICUમાં કેમ....!?" ફરીવાર ઈમોશનલ થઈ ગયેલી લાવણ્યા માંડ-માંડ બોલી.

            પ્રેમે જોયું કે લાવણ્યા ફરીવાર સ્ટ્રેસમાં આવી રહી હતી. તેનાં ધબકારાં વધવાં લાગ્યાં હતાં અને માથે પરસેવો વળવાં માંડ્યો હતો.

            "લાવણ્યા....!" પ્રેમ બોલ્યો ત્યાંજ લાવણ્યા સીધી અંદર ICU રૂમમાં જવાં લાગી.

            "અરે...બે'ન તમે બા'ર ઊભાં રો'.....!" ICU રૂમનો દરવાજો બંધ કરી રહેલી નર્સ બોલી.

            "લાવણ્યા ....! આમ આવ....!" પ્રેમે લાવણ્યાનો હાથ પકડીને તેને પાછી ખેંચી.

            "પ્રેમ.....!" લાવણ્યા ફરી ભાંગી પડી અને રડવાં લાગી "એને ....એને કઈં નઈ થાયને....!"

            "ના....! એને કઈં નઈ થાય....! લાવણ્યા ....! તું ચિંતાના કર...!" પ્રેમે લાવણ્યાને શાંત કરવા કહ્યું "આમ...જો....! મારી સામે જો....!" પ્રેમે લાવણ્યાનો ચેહરો તેનાં બંને હાથમાં પકડ્યો. લાવણ્યાએ આંસુ નીતરતી આંખે તેની સામે જોયું. તે ફરી હીબકે ચઢી.

            "ICUમાં....! એને ICUમાં ..!"

            "એને તારી જરૂર છે લાવણ્યા...! પ્લીઝ....! પ્લીઝ ....! જો તું શાંત નહીં થાઉં ....તો એને કોણ સાચવશે.....! નેહાતો એને ટોર્ચરજ કરે છે....! તો એ કોની જોડે જશે...બોલ...!?"

            પ્રેમની વાત સાંભળી લાવણ્યાએ ધીરે-ધીરે રડવાનું બંધ કર્યું અને પોતાનો ચેહરો લૂંછવાં માંડી. એમ કરવાં જતાં પેહલેથી આઈલાઇનરનાં કાળાં કલરથી ખરડાયેલો તેનો ચેહરો હવે વધુ ખરડાઇ ગયો. લાવણ્યાએ લગાવેલી લિપસ્ટિકનો કલર પણ ચેહરો લૂંછતી વખતે થોડો ફેલાયો. લાવણ્યાએ જોકે એ બધી વાતની કોઈ પરવાં નાં કરી. પંદરેક મિનીટ પછી લાવણ્યા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ. આમછતાંય તેનું મન હજીપણ સિદ્ધાર્થની ચિંતામાં રઘવાટ કરે જતું હતું.

            "પ્રેમ.....! લાવણ્યા....!" વધુ દસેક મિનિટ વિત્યા પછી ICUનાં રૂમ તરફ ઉતાવળાં પગલે આવતી કામ્યા બોલી.

            રૂમની સામે લાકડાંની બેઠક ઉપર બેઠેલો પ્રેમ ઊભો થઈ ગયો. લાવણ્યા ઊભી-ઊભી આંટા મારી રહી હતી. બંનેએ કામ્યા સામે જોયું. કામ્યાની પાછળ-પાછળ રોનક, ત્રિશા, અંકિતા પણ આવી રહ્યાં હતાં. એમ્બ્યુલન્સમાં બધા સાથે જઈ શકે તેમ ન હોવાથી, તેઓ ઓટો પકડીને વી એસ હોસ્પિટલ આવી ગયાં હતાં.

            બધાં ટોળું વળીને લાવણ્યા અને પ્રેમની જોડે ઊભાં રહ્યાં.

            "લાવણ્યા....!" ત્રિશાએ લાવણ્યાનાં હાથ તેનાં બંને હાથમાં લઈ લીધા.

અંકિતા પણ તરતજ લાવણ્યાને વળગી પડી. મિત્રોની હાજરીનાં લાવણ્યા ફરીવાર ભાંગી પડી અને રડવાં લાગી. કામ્યા અને ત્રિશા પણ તેની જોડે-જોડે રડી પડ્યાં. પ્રેમ અને રોનકે બધાંને માંડ શાંત કરાવ્યાં. લાવણ્યાને શાંત કરાવવામાં વધુ સમય લાગી ગયો.

            ત્રિશા અને અંકિતા લાકડાંની બેઠક ઉપર બેસ્યાં તો પ્રેમ અને રોનક બેઠકની જોડે દીવાલનાં ટેકે ઊભાં રહ્યાં. કામ્યા લાવણ્યાની જોડે તેનો હાથ પકડીને ઊભી રહી.

****

"એક્સક્યુઝ મી ....! થોડીવાર પહેલાં જ એક્સીડેન્ટનો એક કેસ આયો છે...!" વી એસ હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલી છોકરીને સુરેશસિંઘે પૂછ્યું.

"ત્રીજે માળ....આઇસીયુ રૂમમાં ...!" તે છોકરી બોલી "લિફ્ટમાંથી નીકળી જમણી બાજુ ....!"

"ઓકે...થેન્ક યુ ...!" કહીને સુરેશ સિંઘે લિફ્ટ તરફ ચાલવા માંડ્યું.

તેમની પાછળ-પાછળ નેહા પણ જવાં લાગી.  

"બાપરે.....આઈ સી યુ ...!" નેહા હવે વધુ ગભરાઈ ગઈ.

પોતાનાથી ખુબ મોટી ભૂલ થઇ ગઈ છે એવું તેણીને લાગી આવ્યું.

લિફ્ટમાં પ્રવેશી સુરેશસિંઘે ત્રીજામાળનું બટન દબાવી દીધું.

"પે'લા આરવ ....અને હવે સિદ્ધાર્થ ....!" સુરેશસિંઘ હતાશાપૂર્વક મનમાં વિચારી રહ્યાં હતાં. 

લિફ્ટ ત્રીજેમાળ પહોંચી ત્યાં સુધી સિદ્ધાર્થના વિચારો બંનેના મનમાં ચાલતાં રહ્યાં. "આઈ સી યુ" સિદ્ધાર્થ

ત્રીજો માળે પહોંચતાંજ લિફ્ટમાંથી નીકળી તો જમણી બાજુ વળ્યાં.

"અંકલ ...! ત્યાં છે...!" કોરિડોરમાં એક રૂમ આગળ ઊભેલાં ગ્રુપના અન્ય ફ્રેન્ડ્સ કામ્યા, અંકિતા, ત્રિશા વગેરેને જોઈને નેહાએ આંગળી ચીંધીને કહ્યું.

સુરેશસિંઘે પણ તેમને જોઈ લીધા હોવાથી ચાલવાની ઝડપ વધારી દીધી. 

             "સિદ્ધાર્થ ....!" એ તરફ જતાં -જતાં સુરેશસિંઘે બૂમ પાડી.

ટોળુંવળીને ઊભેલાં બધાએ એ તરફ જોયું. પ્રેમ, કામ્યા, અંકિતા સહીત બધાના ચેહરાના ભાવ ખાસ કરીને નેહાને જોતાં જ બદલાઈ ગયાં. લાવણ્યા ગભરાઈ ગઈ.

"સિદ્ધાર્થ ક્યાં છે...!?" બધાની જોડે આવીને ઉભા રહી વારાફરતી બધાંની તરફ નજર નાંખીને સુરેશસિંઘ પૂછવાં લાગ્યાં.

નેહા સુરેશસિંઘની લગોલગ આવીને ઊભી રહી ગઈ.

            "અ...અંદર છે...!" લાવણ્યાએ સહેજ આગળ આવીને હિમ્મત કરતાં કહ્યું "ICUમાં....!"

            સુરેશસિંઘે કઈંપણ બોલ્યાં વગર પહેલાં નેહા તરફ જોયું. બંનેએ એકસાથે લાવણ્યા તરફ ભવાં સંકોચી અતિશય તુચ્છ નજરે જોયું. લાવણ્યા સહિત બધાંને આંચકો લાગી ગયો. કઈંપણ બોલ્યાં વગર તે બંનેએ લાવણ્યાનું જે રીતે અપમાન કર્યું તે જોઈને બધાંજ ડઘાઈ ગયાં.

            લાવણ્યા ડરી ગઈ અને બે ડગલાં પાછી ખસી પ્રેમની પાછળ તેનો હાથ પકડી અડધી સંતાઈ ગઈ. તે રડુંરડું થઈ ગઈ. તેની આંખો ભીની થઈ ગઈ. એમાંય સુરેશસિંઘે તો એટલાં તુચ્છકારથી અને એટલી વેધક નજરે લાવણ્યાની સામે જોયું કે લાવણ્યાને સિદ્ધાર્થને પ્રેમ કરવાં બદલ પોતાની ઉપરજ ઘૃણાં ઊપજી.

            સુરેશસિંઘ હજીપણ એજરીતે લાવણ્યા સામે જોઈ રહ્યાં.

            લાવણ્યાનું માથું શરમથી નીચું ઝૂકી ગયું. તેમની વેધક નજરથી બચવાં લાવણ્યાને જીવન ટૂંકાવી દેવાની ઈચ્છા સુદ્ધાં થઈ ગઈ. જો ધરતી ફાટી જાય તો અત્યારેજ એમાં સમાઈ જાઉં એવું તેનાં મનમાં આવી ગયું. લાવણ્યા ધ્રુજી ઉઠી અને પ્રેમનો હાથ દબાવવાં લાગી. લાવણ્યાનું અપમાન પ્રેમથી સહન નાં થયું. તેની આંખ પણ ભીની થઈ ગઈ.

            "નેહા....!" સુરેશસિંઘે લાવણ્યા તરફથી આખરે નજર હટાવી "તું અંહિયાં રે'...! હું અહીંનાં સિનિયર ડોક્ટરને મળીને આવું....!"

            નેહાએ ફક્ત માથું ધૂણાવી દીધું. સુરેશસિંઘ પાછાં લિફ્ટની દિશામાં ચાલતાં જવાં લાગ્યાં. નેહાએ હવે ICUનાં દરવાજા સામે જોયે રાખ્યું. તેણે બીજાં કોઇની જોડે વાત કરવાનું ટાળ્યું.

            સુરેશસિંઘનાં ગયાં પછી પણ લાવણ્યા તેમની વેધક નજરને યાદ કરી ફફડી રહી હતી. તે પોક મૂકીને રડી પડવાં માંગતી હતી પણ નેહાની હાજરીમાં તેની હિમ્મતજ ના ચાલી. 

***

"એક્સક્યુઝ મી ...! અહીંયા સિનિયર ડૉક્ટર કોણ છે....!?" રિસેપ્શન ઉપર પાછા આવીને સુરેશસિંઘે પાછાં એજ યુવતીને પૂછ્યું "મારે પેશન્ટને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવો છે...!"

"આ બાજુ ..! છેલ્લી કેબીનમાં જતાં રો' ....!" એ યુવતીએ કહ્યું અને સુરેશસિંઘ એ તરફ જવા લાગ્યાં.

કોરિડોરમાં ચાલીને તેઓ છેલ્લી કેબીનના દરવાજે આવ્યા અને દરવાજે બે-ત્રણ ટકોરાં મારી અંદર જવા લાગ્યાં.

****

"આઈ નીડ યોર હેલ્પ....! બવ મોટી ગરબડ થઈ ગઈ ....!" ગ્રુપના ફ્રેન્ડ્સના ટોળાંથી સહેજ દૂર ખસીને નેહા whatsappમાં અક્ષયને વાત કરવા લાગી.

"શું થયું ....!?" ઓનલાઇન હોવાથી અક્ષયે તરતજ રીપ્લાય આપ્યો.

"સિદ્ધાર્થનો એક્સીડેન્ટ થઇ ગયો....!" નેહા વળતો મેસેજ કર્યો.

"અરે બાપરે ...!" અક્ષયે રીપ્લાય કર્યો અને જોડે મોઢું ખુલ્લું હોય તેવા ઈમોજી પણ મોકલ્યાં.

"કૉલ ના કરતો ....!"

'મારાથી વાત નઈ થાય ...!"

"આજુ બાજુ બધા છે...!"

અક્ષય કૉલ કરશે એમ માની નેહાએ ઝડપથી એક પછી એક મેસેજ કરી દીધાં.

"ઓકે...!"

"શું હેલ્પ જોઈએ છે...!? બોલ ...!"

અક્ષયે પૂછ્યું.

"સુરેશ અંકલે સિદ અને ઓલી રખડેલને એકબીજાને હગ કરતાં જોયા છે....!"

"કૉલેજના પાર્કિંગમાં .....!"

નેહાએ મેસેજ કર્યો.

"હા તો શું...!?"

"આખી કૉલેજ એમના વિષે જાણે જ છે....!"

અક્ષયે રીપ્લાય આપ્યો.

"તું સમજ્યો નઈ....!"

નાના-નાના મેસેજ ટાઈપ કરી નેહા ઝડપથી સેન્ડ કરતાં-કરતાં  વાત કરી રહી હતી.

"અત્યાર સુધી એમણે ખાલી વાતો જ સાંભળી 'તી ....!"

"હવે અંકલે પોતે જોઈ લીધું...!"

"એ મને પૂછતાં 'તાં ...!"

"એમને એવું લાગે છે..!"

"કે હું લાવણ્યાને લીધે સિદ્ધાર્થ સાથે મેરેજની ના પાડું છું ....!"

"તો હવે મારી શું હેલ્પ જોઈએ....!?" અક્ષયે પૂછ્યું.

 "સુરેશ અંકલે ડાયરેક્ટલી મને પૂછ્યું  છે....! તો એ ફેમિલીમાં પણ બધા આગળ આ વાત છેડશે જ....!" નેહાએ મેસેજમાં કહ્યું.

"તો તે સુરેશ અંકલને જે જવાબ આપ્યો એ આપી દેજેને ....!" અક્ષયે સજેસ્ટ કર્યું.  

"તો પછી હું ફસાઈ જઈશ ...!" નેહાએ કહ્યું.

"કેમ...!?"

"કેમકે મેં સુરેશ અંકલને લાવણ્યા બાબતે મને કોઈજ પ્રોબ્લેમ નથી એવું કહ્યું છે....!"

"તો પછી ઘરના પૂછે ત્યારે મારે શું કે'વાનું ...!?"

નેહાએ પૂછ્યું.

"બધા ફરીવાર મેરેજની લપ લઈને બેસી જશે....!"

નેહા અક્ષય સાથે મેસેજમાં ડિસ્કસ કરવા લાગી.

*****

“વાંધો નઈ....પ્રાયમરી ટ્રીટમેંન્ટ પૂરી થાય અને એ પછી પેશન્ટની કન્ડિશન સ્ટેબલ થાય ....એ પછી તમે એમને પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરી દેજો....!” સિદ્ધાર્થનો કેસ હેન્ડલ કરી રહેલાં સિનિયર ડૉક્ટર સુરેશસિંઘને કહી રહ્યાં હતાં.

“ઓકે ડૉક્ટર...થેન્ક યુ....!” કહીને સુરેશસિંઘ ડૉક્ટરની સામેની ચેયરમાંથી ઊભા થયાં અને કેબિનમાંથી બહાર નીકળ્યાં.

“ટ્રીન....ટ્રીન...!” ત્યાંજ તેમનાં ફૉનની રિંગ વાગી.

“હાં બોલ અજિત.....!” નવરંગપૂરા પોલીસ સ્ટેશનનાં તેમના ફ્રેન્ડનો કૉલ હતો.

“વીએસમાં આઈ ગ્યો છું....!” સામેથી ઈન્સપેક્ટર અજિત બોલ્યાં “રિસેપ્શન આગળ ઊભો છું...!”

“હું આવુંજ છું..!” સુરેશસિંઘ બોલ્યાં અને કૉલ ચાલુ રાખી રિસેપ્શન એરિયામાં આવ્યાં.

ઈન્સ્પેકટર અજિતને જોતાંજ તેમણે તેમની તરફ જોઈ હકારમાં  માથું ધૂણાવ્યું. તેમની સાથે એક હવાલદાર પણ હતો.

“કેવું છે હવે ભાણાંને...!?” ફૉન ઉપર સુરેશ્સસિંઘે ઈન્સ્પેકટરઅજિતને બધુ જણાવ્યુ હોવાથી તેમણે પૂછ્યું.

“ આઈ સી યુમાં છે....!પ્રાયમરી ટ્રીટમેન્ટ ચાલે છે...!”  જોડે આવ્યાં પછી સુરેશસિંઘ તેમણે લિફ્ટ બાજુ દોરી જવા લાગ્યાં.

વાતો કરતાં-કરતાં તેઓ ત્રીજેમાળ જવા લિફ્ટ આવાવની રાહ જોવા લાગ્યાં.  

***

“હવે તું કોઈ આઇડિયા આપ....તો મેરેજ ટળે...!” અક્ષય સાથે મેસેજમાં વાત કરી રહેલી નેહાએ પૂછ્યું.

"હમ્મ ...! મને વિચારવાદે....!" અક્ષયે મેસેજમાં કહ્યું "પછી કઇશ ....!"

"ઓકે ...!" નેહાએ થમ્બનું ઈમોજી મોકલ્યું.

ત્યાંજ કોરિડોરમાં સહેજ કોલાહલ થતાંજ બધાંએ અવાજની દિશામાં જોયું. અડધો કલ્લાક પછી સુરેશસિંઘ પાછાં આવ્યાં હતાં અને તેમની જોડે એક પોલીસ ઇન્સ્પેક્ટર અને બે હવાલદાર પણ હતાં. નેહાની હાજરીમાં ગભરાયેલી લાવણ્યા હજીપણ પ્રેમની પાછળજ અડધી સંતાઈને ઊભી રહી હતી.

            "એક્સિડેન્ટ કોણે સૌથી પહેલાં જોયો હતો...!?" સુરેશસિંઘે નજીક આવીને બધાંને ઉદ્ધેશીને કહ્યું. તેમણે લાવણ્યા તરફ નજર નાંખવાનું ટાળ્યું.

            નેહા હવે બધાંની વચ્ચે ઊભી હતી. લાવણ્યાની કોઈજ હિમ્મત ના થઈ સુરેશસિંઘનો સામનો કરવાની.

            "લ...લાવણ્યાએ....!" પ્રેમ માંડ બોલ્યો અને તેની પાછળ અડધી સંતાઈને ફફડી રહેલી લાવણ્યાની સામે જોયું.

            લાવણ્યાએ પ્રેમનાં બાવડાં ઉપર મજબૂતીથી તેનો હાથ મૂક્યો. પ્રેમે તેનો ડાબો હાથ લાવણ્યાનાં હાથ ઉપર મૂકી તેને હિમ્મત આપવાં પ્રયત્ન કર્યો.

            "ક...ક..કારવાળાંએ ટ...ટ..ટક્કર મારી હતી....!" પ્રેમની પાછળજ સંતાયેલી રહીને લાવણ્યા માંડ બોલી.

            સુરેશસિંઘે ફરીવાર એજ તુચ્છકારભરી વેધક નજર લાવણ્યા તરફ નાંખી. લાવણ્યા ડરી ગઈ અને ફરી પ્રેમની પાછળ લપાઈ ગઈ.

            "એવું તો શું થયું હતું કે સિદ્ધાર્થ એટલી બધી સ્પીડમાં બાઇક લઈને ગયો...!?" સુરેશસિંઘે લાવણ્યા સિવાય અન્ય મિત્રો તરફ જોઈને પૂછ્યું.

            "કઈં નઈ અંકલ....!" કોઈ કશું બોલે એ પહેલાંજ નેહા વચ્ચે બોલી પડી "એનું ડ્રાઇવિંગ પે'લ્લેથી રફ છે...! નઈ લાવણ્યા...!?"

            નેહાએ લાવણ્યા સામે ઘુરકીને જોયું. બધાંએ નેહાની એ નજર જોઈ.

            "હં...! હાં...!" ફફડી ગયેલી લાવણ્યા માંડ એટલું બોલી.

            "કાર ચાલક સ્ટેશનમાં હાજર થઈ ગયો છે સાહેબ...!" હવાલદારે સુરેશસિંઘને ઉદ્દેશીને કહ્યું “પબ્લિકનાં મારથી બચવાં કાર ચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ ભગાડી મૂકી હતી અને ત્યારબાદ તે પોલીસસ્ટેશનમાં હાજર થઈ ગયો હતો...!”

            "હું FIR નોંધી લઉં છું....!" ઈન્સ્પેકટર અજિત બોલ્યાં.

            તેમની જોડે રહેલો હવાલદર કયારનો તેનાં નોટપેડમાં કઇંક લખી રહ્યો હતો. થોડી વધુ પૂછતાછ પછી તેમણે લાવણ્યાની સ્ટેટમેન્ટ ઉપર સહી કરાવી અને ત્યાંથી રવાના થયાં.

            "તમારે બધાએ જાવું હોય તો જાવ...!" પોલીસનાં ગયાં પછી સુરેશસિંઘે પ્રેમ સામે જોઈને કહ્યું "હવે અમે સંભાળી લઈશું...! સિદ્ધાર્થનાં મમ્મી-પપ્પા પણ બરોડાથી નીકળી ગયાં છે...!"

            તેમણે ફરીવાર લાવણ્યા સામે જોવાનું ટાળ્યું.

            "જી સર...!" એટલું કહીને પ્રેમે પહેલાં ત્રિશા, કામ્યા અને અંકિતા તરફ જોયું. રોનક હવે આગળ ચાલતો થયો. પ્રેમે તેની પાછળ લપાઈ રહેલી લાવણ્યાની સામે જોયું.

            "નઇ...નઈ નઈ નઈ...!" લાવણ્યા અત્યંત ધીમાં સ્વરમાં ફફડતી-ફફડતી નકારમાં ઝડપથી માથું ધૂણાવવાં લાગી "સ.... સિદ....સિદ્ધાર્થ....!" લાવણ્યાએ ICUનાં દરવાજા તરફ ઈશારો કર્યો.

            પ્રેમ ભીની આંખે બાળકની જેમ ફફડી રહેલી લાવણ્યા સામે જોઈ રહ્યો. લાવણ્યાને ફરીવાર શ્વાસ ચડવાનો ચાલુ થઈ ગયો અને તેનું કપાળ ફરીવાર પરસેવાથી ભીનું થવાં લાગ્યું.

            "લાવણ્યા લેટ્સ ગો....! એની ફેમિલી છે અંહિયાં....!" કામ્યા પણ ભીની આંખે લાવણ્યાનાં ખભાં ઉપર હાથ મૂકતાં બોલી.

            "મ...મારે..મારે એને જોવો છે....!" લાવણ્યાની આંખમાંથી આંસુ સરવાં લાગ્યાં.

            કામ્યાએ દયાથી લાવણ્યા સામે જોયું અને પછી પ્રેમ સામે જોયું.

            "લાવણ્યા....! નેહા અંહિયા છે....!" પ્રેમે લાવણ્યા તરફ ફરીને ધીમાં સ્વરમાં નેહાને નાં સંભળાય એરીતે કહ્યું "તને તો ખબરજ છેને એ કેવી છે.....! આપણે નહીં જઈએ તો એ અહીંયા પણ ઝઘડવાં બેસી જશે...!"

            લાવણ્યા ફફડી ગઈ અને પ્રેમ સામે જોઈ રહી. તેણે ફટાફટ તેની આંખો લૂંછવાં માંડી.

            "તો ...તો આપણે બપોરે પાછાં આવશું...!?" લાવણ્યાએ નેહા કે સુરેશસિંઘને સંભળાય નહીં એરીતે ધીમાં સ્વરમાં કહ્યું.

            લાવણ્યા જીદ્દે ચઢે એનાં કરતાં પ્રેમે હકારમાં માથું ધૂણાવી દેવાનું ઠીક માન્યું. સિદ્ધાર્થને મળવા પાછું આવવાની પ્રોમિસ લાવણ્યાએ છેવટે બધાની વાત માની.   

            "તો...! ચલ....!" લાવણ્યાએ એટલું કહ્યું.

            કામ્યા અને અંકિતા આગળ ચાલવાં લાગ્યાં ત્યારબાદ પ્રેમ ચાલ્યો. તેણે ટ્રસ્ટી સાહેબ સામે ડોકી હલાવી દીધી. લાવણ્યા સુરેશસિંઘની નજરથી બચવાં પ્રેમની પાછળ લપાઈને ચાલવાં લાગી.  ત્રિશા સૌથી છેલ્લે ચાલી રહી.

            છેક લિફ્ટ પાસે પહોંચ્યાં પછી લાવણ્યાએ રાહતનો શ્વાસ લીધો. બધાંથી પહેલાં પહોંચી ગયેલાં રોનકે લિફ્ટ રોકી રાખી હતી. બધાં વારાફરતી લિફ્ટમાં દાખલ થયાં. રોનકે ગ્રાઉંડ ફ્લોરનો બટન દબાવી દીધું.

            લિફ્ટ ગ્રાઉંડ ફ્લોર ઉપર આવી. બધાં લિફ્ટમાંથી બહાર નીકળી હોસ્પિટલની બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યાં. થોડું આગળ ચાલી બધાં એક જગ્યાએ ટોળુંવળીને ઊભાં રહ્યાં.

            "અરે હા....! લાવણ્યા આ તારો ફોન...!" અંકિતાએ તેનાં જીન્સનાં ખીસ્સાંમાંથી લાવણ્યાનો ફોન કાઢીને આપ્યો "પણ આમાં વિશાલનો ફોન કેમ આય-આય કરતો'તો....!?"

            "વિશાલ.....!?" પ્રેમ અને કામ્યા બંને આશ્ચર્યથી લગભગ સાથેજ બોલ્યાં.

            "એણે તો તારી છેડતી નહોતી કરી...!?" ત્રિશા પણ આશ્ચર્ય સાથે બોલી. રોનક પણ હવે આશ્ચર્યથી આંખો મોટી કરીને લાવણ્યા સામે જોઈ રહ્યો.

            લાવણ્યા શરમથી નીચું જોઈ ગઈ. બધાં હવે લાવણ્યાની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં. થોડીવાર સુધી કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા વિચારી રહી.

            "હવે સાચું કે'વુજ પડશે..!" લાવણ્યા નીચે તાકી રહેતાં મનમાં બબડી.

*****

            બધાનાં ગયા પછી સુરેશસિંઘ આઇસીયુ રૂમની સામે મૂકેલી બેઠક ઉપર બેઠાં. નેહા રૂમનાં દરવાજા પાસે ઊભી રહી. સુરેશસિંઘે કોઈ વાતચિતનાં ઉકેલી. લગભગ વીસેક મિનિટ પછી આઇસીયુ રૂમમાંથી એક ડૉક્ટર અને એક નર્સ બહાર આવવાં લાગ્યાં.

            “ડૉક્ટર....!” તેમને જોતાંજ સુરેશસિંઘ બેઠકમાંથી ઊભા થતાં બોલ્યાં “કેવું છે...!?”

            “ઈન્જરી ઓછી હતી...એટ્લે વાંધો નઈ આવે....!” ડૉક્ટર બોલ્યાં.

            “મારે એને પ્રાઈવેટમાં શિફ્ટ કરવો છે....!” સુરેશસિંઘ બોલ્યાં.

            નેહા હવે ડૉક્ટરની એકબાજુ આવીને ઊભી રહી.

            “એ ભાનમાં આવે એ પછી અમારા સિનિયર ડૉક્ટરની પરમીશન હોય તો શિફ્ટ ...!”

            “મારે વાત થઈ ગઈ છે એમની સાથે...!” સુરેશસિંઘ વચ્ચે બોલ્યાં.

            “ઓકે તો પછી...! પેશન્ટ ભાનમાં આવે એ પછી મને કે’જો...!” ડૉક્ટર બોલ્યાં “હું ચેક કરી લઉં...પછી લઈ જજો...!”

            “ઓકે...!” સુરેશસિંઘ ઔપચારિક સ્મિત કરીને બોલ્યાં અને ડૉક્ટર ત્યાંથી જતાં રહ્યાં.

            તેમની જોડે નર્સ પણ ત્યાંથી નીકળી ગઈ.

            સુરેશસિંઘ પાછા તેજ બેઠક ઉપર બેસી ગયાં.  

***

            "અમમ ....!" ભાનમાં આવતા જ સિદ્ધાર્થ દર્દને લીધે હળવું કણસ્યો.

આંખો બંધ રાખી પીડા સહન કરવાનો પ્રયત્ન કરતો હોય એમ તેણે આમતેમ સહેજ માથું ફેરવ્યું. ધીરે-ધીરે આંખો ખોલી તેણે પહેલાં પોતાની આજુબાજુ આમ તેમ જોયું. વેન્ટિલર, ECG જેવાં મશીનોને બાદ કરતાં રૂમમાં કોઈ નહોતું. 

            ભાન આવ્યાની કેટલીક સેકન્ડોમાં જ સિદ્ધાર્થને યાદ આવી ગયું હતું કે તે અહીંયા શા માટે છે.

            "હાય સ્વીટહાર્ટ...! શું કરે છે..!? હાય સ્વીટહાર્ટ...!" 

            ફૉન ઉપર વાત  કરતી નેહાના એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં.

            “I am going to marry him soon....! marry him soon....!"

            “આઈ મિસ યુ સો મચ....! આઈ મિસ યુ સો મચ....!”

            "શું ...!? કિસ....!? કિસ....!?" 

            એકના એક વિચારોથી સિદ્ધાર્થનું માથું ભમવા લાગ્યું. અત્યંત સ્ટ્રેસ અનુભવાતાં તેને લાવણ્યા યાદ આવી ગઈ.

            બેડમાં સૂતા-સૂતા તે છત સામે જોઈ રહી લાવણ્યા વિષે અને તેણી સાથે વિતાવેલા સમય વિષેજ વિચારતો રહ્યો. માત્ર પાંચ મિનિટ વીતી હોવા છતાંય લાવણ્યા વગર સિદ્ધાર્થને જાણે કલ્લાકો પસાર થઈ ગયાં હોય એવું લાગવા લાગ્યું.   

            “ક્યાં છે તું લવ.....!?” આખો દિવસ લાવણ્યા સાથે વિતાવવાની આદતને લીધે સિદ્ધાર્થને જાણે સાવ એકલું લાગતું હોય એમ કંટાળો આવી ગયો.

            આંખો બંધ કરીને તે ફરીવાર ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

            “ધડ....!”

            ત્યાંજ રૂમનો દરવાજો ખૂલ્યો.

            સૂતા-સૂતા સિદ્ધાર્થે માથું ઊંચું કરીને જોયું તો નર્સ હતી.  અંદર આવીને તેણીએ સિદ્ધાર્થ સામે ઔપચારિક સ્મિત કર્યું.

            સિદ્ધાર્થની હાથ નાડી વગેરે તપાસી તેણીએ બાજુના ડ્રૉઅર ઉપર પડેલું નોટપેડ ઉઠાવી તેમાં સિદ્ધાર્થને આપવાની દવા-ઈંજેક્શન વગેરેનું લિસ્ટ ચેક કર્યું.

            “કેવું છે હવે....!?” સરકારી હોસ્પિટલની નર્સે તદ્દન ભાવિવહીન રૂખા-સૂખા સ્વરમાં પૂછ્યું અને નોટપેડ પાછું ડ્રૉઅર ઉપર મૂક્યું.

            “સારું છે....!” સિદ્ધાર્થ પણ એવાજ ભાવિવહીન સ્વરમાં બોલ્યો.

            નર્સ ત્યાંથી જતી રહી. સિદ્ધાર્થે પાછી પોતાની આંખો બંધ કરી ઊંઘવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

            “ધડ....!” ત્યાંજ પાછો દરવાજો ખૂલ્યો.

            સિદ્ધાર્થે પાછું માથું ઊંચું કરીને જોયું.

            “અરે યાર....!” સુરેશસિંઘ અને પછી નેહાને અંદર એન્ટર થતાં જોઈને સિદ્ધાર્થે મનમાં નિ:સાસો નાંખ્યો.

            “કેવું છે હવે તને...!?” બેડ પાસે આવીને સુરેશસિંઘે સિદ્ધાર્થને પૂછ્યું.

            “સારું છે....!” સિદ્ધાર્થે પરાણે સ્મિત કરીને જવાબ આપ્યો અને સુરેશસિંઘની જોડે ઊભેલી નેહા સામે જોયું.

            કોઈપણ જાતની ફીલિંગ વિના નેહાએ સાવ ઔપચારિક અને નકલી સ્મિત કર્યું. સિદ્ધાર્થનું મન નિરાશ થઈ ગયું.

            “તને મારા માટે કોઈજ ફીલિંગ નઈ....!” નિરાશા અનુભવી સિદ્ધાર્થ નેહા સામે શૂન્યમનસ્ક જોઈ રહી મનમાં બબડ્યો.

            “રાગુને નીકળીજ ગયાં છે....!”  સુરેશસિંઘ બોલ્યાં “આવતાં જ હશે...!”

            “હમ્મ....!” પાછું એક ઔપચારિક સ્મિત કરીને સિદ્ધાર્થે હુંકારો ભર્યો.

            “તું આરામ કર....! હું આઉ છું...!” સુરેશસિંઘ બહાર જવા લાગ્યાં “તને પ્રાઈવેટમાં શિફ્ટ કરવા માટે એરેન્જમેંટ કરતો આઉ...!”

            “ક...કેમ પ્રાઈવેટમાં....!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું.

            “અરે આ સરકારી દવાખાનું છે....!” સુરેશસિંઘ મોઢું બગાડીને બોલ્યાં “આપડે પ્રાઈવેટમાં શિફ્ટ થઈ જઈએ...! મેં અહિયાં સિનિયર ડૉક્ટરને પણ કહી દીધું છે...!”

            “પ..પણ હજી કૉલેજના બધા ફ્રેન્ડ્સ નઈ આયા....?” લાવણ્યાનું વિચારીને સિદ્ધાર્થ બોલ્યો.

            “એ બધાતો કયારના આઈને ગ્યાં...!” સુરેશસિંઘ બોલ્યાં.

            “ઓહ...!” સિદ્ધાર્થ નિરાશ થયો હોય એમ બોલ્યો પછી મનમાં બબડ્યો “તો પછી લાવણ્યા પણ આઈને જતી રઈ હશે....!”

            “લાવણ્યા વિષેજ વિચારતો લાગે છે....!” નેહા સિદ્ધાર્થને વિચારતો જોઈ રહીને મનમાં બબડી.

             “અને...અ...પપ્પાને પણ કેમની ખબર પડશે...આપડે પ્રાઇવેટમાં શિફ્ટ થઈ ગ્યાં...!?” સિદ્ધાર્થ ફરીવાર બહાનું બનાવીને બોલ્યો.

            “કરણભાઉને તો મેં કઈ દીધું છે....!” સુરેશસિંઘ બોલ્યાં “બસ તું ભાનમાં આવે....એનીજ રાહ જોવાતી’તી...!”

            એટલું કહીને સુરેશસિંઘ ત્યાંથી જવા લાગ્યા.

            “કઈં જરૂર હોય....તો નેહાને કઈ દેજે...!” જતાં-જતાં અટકીને સુરેશસિંઘ બોલ્યાં અને પાછું ફરીને નીકળી ગયાં.

            તેઓ જતાં રહ્યા એ પછી નેહાએ સિદ્ધાર્થ સામે જોયું.

            “આટલું બધું ઓવર રીએક્ટ કરવાની શું જરૂર હતી....!?” સિદ્ધાર્થને ધમકાવતી હોય એમ નેહા બોલી.

            “ઓવર રીએક્ટ....!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી કહ્યું.  

            “તો શું.....!?” નેહા સહેજ ઊંચા સ્વરમાં બોલી.

            બંને વચ્ચે પાછો ઝઘડો શરૂ થઈ ગયો. જોકે થોડીવાર પછી સિદ્ધાર્થે કંટાળીને કોઈ જાતની આરગ્યુમેન્ટ કરવાનીજ માંડી વાળી અને ઝઘડો ટૂંકાવા બોલવાનું બંધ કરી દીધું અને ઓશિકાં ઉપરજ મોઢું બીજી તરફ ફેરવી લીધું. સિદ્ધાર્થે બોલવાનું બંધ કરી દેતાં નેહા મોઢું ફુલાવીને રૂમમાં દીવાલ પાસે મૂકેલા સોફા ઉપર આવીને બેસી ગઈ. સરકારી હોસ્પિટલનો રૂમ હોવાથી ટૂટફૂટ હાલતના સોફામાં તેણીને ઘણું અનકમ્ફર્ટેબલ લાગવા લાગ્યું અને એમાંય સિદ્ધાર્થ ઉપર ચડેલાં ગુસ્સાને લીધે તેણીને સહેજેય ચેન નહોતો પડી રહ્યો. કંટાળીને તેણીએ ફૉન મંતરવા લાગ્યો.

            નેહા સાથેના ઝઘડાથી સિદ્ધાર્થનું જાણે ભમવા માંડ્યુ. આખું માથું વાઇબ્રેટ થતું હોય તેનાં માથામાં સણકા આવવાં લાગ્યાં. ભારે દુ:ખાવો થતાં સિદ્ધાર્થ ક્યાંય સુધી શાંતિ મેળવવા લાવણ્યાને ઝંખી રહ્યો.

****

            ત્યાર પછીના એકાદ કલ્લાકમાંજ સરકારી હોસ્પિટલમાંથી સુરેશસિંઘે બધીજ ફોર્મલિટી પતાવી લઈને સિદ્ધાર્થને ત્યાંથી તેમના ઓળખીતાં સેટેલાઈટ ડો. વિરેન શાહની હોસ્પિટલમાં શિફ્ટ કરાવી લીધો.  

            મોટાં ડિલક્ષ રૂમમાં તમામ સગવડો હોવા છતાંય સિદ્ધાર્થનું મન લાવણ્યા વગર અનહદ બેચેની અનુભવી રહ્યું હતું. એમાંય પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ થવાની વાત લાવણ્યા જાણતી ન હોવાથી, તે કેવીરીતે સિદ્ધાર્થને મળવા અહિયાં આવશે, એ વાત સિદ્ધાર્થને પરેશાન કરી રહી હતી.  સતત બેંચેની અનુભવતાં સિદ્ધાર્થને સતત માથું દુ:ખાવા લાગ્યું. એમાંય નેહાની હાજરી માત્ર તેને ટોર્ચર જેવી લાગવા લાગી. સિદ્ધાર્થ પોતે આ વાતથી આશ્ચર્ય અનુભવી રહ્યો હતો, કે શા માટે તેને નેહાની હાજરી “ટોર્ચર” જેવી લાગી રહી હતી અને શા માટે તેનું મન સતત લાવણ્યાને ઝંખી રહ્યું હતું. જોકે સિદ્ધાર્થને એક વાત તો સમજાઈ ગઈ હતી, કે આ એકસીડેન્ટે તેનામાં ઘણું બદલી નાંખ્યું હતું. ખાસ કરીને લાવણ્યા અને નેહા બંને માટેની તેની ફીલિંગ્સ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી.

***

            "અરે લાવણ્યા ધીરે....!"

            વીએસ હોસ્પિટલનાં ICU વૉર્ડનાં કોરિડોરમાં લાવણ્યા ઉતાવળાં પગલે દોડી રહેલી લાવણ્યાને ટોકતાં કામ્યાએ બૂમ પાડીને કહ્યું. બધાએ ઘણું સમજાવ્યાં છતાંય જિદે ચઢેલી લાવણ્યા સિદ્ધાર્થને મળવા વીએસ હોસ્પિટલ આવી ગઈ હતી.

            "અરે તું પડી જઈશ લાવણ્યા તે હિલ પે'રી છે....!" કામ્યાએ ફરીવાર આગળ દોડી રહેલી લાવણ્યાને બૂમ પાડી.

            સાંભળ્યાં છતાંય કોરિડોરમાં દોડતી રહી. છેવટે સિદ્ધાર્થને જે રૂમમાં એડમીટ કરાયો હતો એ રૂમ આવી જતાં તે ધીમી થઈ.

            "બા'ર કેમ કોઈ નથી બેઠું...!?" ICU રૂમની બહારની બેઠકો ખાલી હોવાને લીધે લાવણ્યાને નવાઈ લાગી.

            "અંદર ટ્રસ્ટી સાહેબ હશે તો..!?" રૂમનાં દરવાજાનું હેન્ડલ પકડીને લાવણ્યા બે ક્ષણ અટકી અને ગભરાઈ.

            છેવટે હિમ્મત કરીને તેણે દરવાજો ખોલ્યો. 

            "સ....Sid....સિદ્ધાર્થ....!?" લાવણ્યા સહેજ ડોકી અંદર કરીને જોયું અને બોલી.

            "સિદ્ધાર્થ....! ઓહ ગોડ...! સિદ્ધાર્થ....!" આઇસીયુ રૂમ ખાલી જોઈને લાવણ્યા ગભરાઈ ગઈ અને હાંફળી-ફાંફળી થઈ રડી પડી.

            તે નહોતી જાણતી કે સિદ્ધાર્થને ત્યાંથી પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવાયો હતો.

            રૂમમાં અંધારું હતું અને બેડ ખાલી હતો. લાવણ્યા નવાઈ પામીને દરવાજો ખોલીને અંદર દાખલ થઈ.

            "પ્રેમ....! પ્રેમ...!" ગભરાઈ ગયેલી લાવણ્યા તેની તરફ ફરી "સિદ્ધાર્થ...! સ.....સિદ્ધાર્થ તો છે નઈ....?"

            "લાવણ્યા....! ડોન્ટ વરી...!" પ્રેમ લાવણ્યાને પકડીને શાંત કરાવાં લાગ્યો "એનાં રિલેટિવ્સ આવવાંનાં હતાંને....! તો આ રૂમ બહુ નાનો છે...! એટ્લે કદાચ એને બીજા રૂમમાં શિફ્ટ કર્યો હશે....!"

            "હાં....!હાં....!" લાવણ્યાને પ્રેમની વાત ગળે ઉતરતાં તે થોડી શાંત થઈ બધાં રૂમની બહાર આવ્યાં.

            લાવણ્યા આજુબાજુ જોવાં લાગી.

            "અરે ભાઈ...!" એક વૉર્ડબોયને ત્યાંથી પસાર થતો જોઈને તેણે ઊભો રાખ્યો "આ રૂમમાં સિદ્ધાર્થ હતો....! એમને કયાઁ લઈ જવાયાં...!?"

            લાવણ્યાએ રૂમ તરફ હાથ કરીને પૂછ્યું.

            "એ તો પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ થઈ ગયાં...!" એ વૉર્ડબોયે કહ્યું.

            "હેં....!?" લાવણ્યા સહિત બધાને આંચકો લાગ્યો.

            "કઈ હોસ્પિટલમાં ..!?" પ્રેમે પૂછ્યું.  

            "મને નથી ખબર....! એ ભાઈનો કે એમનાં કોઈ રિલેટિવનો નંબર હોયતો એમને ફોન કરીને પૂછીલો...!"

            "અરે હાં...!" લાવણ્યા બોલી અને એણે તરતજ એનો ફોન કાઢીને સિદ્ધાર્થનો નંબર ડાયલ કરવાં માંડ્યો.

            "ટ્રીન....! ટ્રીન....!" આખી રિંગ વાગી જવાં છતાંય સિદ્ધાર્થે ફોન ના ઉઠાવ્યો.

            "એ ફોન નથી ઉઠાવતો....!" લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી.

            "નેહાનો ફોન ટ્રાય કરું ....!?" પ્રેમે લાવણ્યા સામે જોઈની પૂછ્યું.

            "હાં...! હાં....! કરને.....!" લાવણ્યા બોલી અને પ્રેમને જોઈ રહી.

            પ્રેમે નેહાનો નંબર ડાયલ કરી ફોન કાને ધર્યો. રિંગ પૂરી વાગી ગયાં પછીપણ નેહાએ ફોન ના ઉઠાવ્યો.

            "ના ઉઠાવ્યો....! ફરી કરી જોઉં છું.....!" પ્રેમ બોલ્યો અને તેણે ફરીવાર નેહાનો નંબર ડાયલ કર્યો. બધાં તેની સામે જોઈ રહ્યાં.

            "The Person you have dialed is currently busy, please try after sometime....!"

            "busy બતાડે છે....!" લાવણ્યાએ પ્રેમનો ફોન હાથમાંથી ઝૂંટવી લીધો અને પોતાનાં કાને ધર્યો.  

            "The Person you have dialed is currently busy, please try after sometime....!" ફરીવાર એજ રેકોર્ડેડ મેસેજ સંભળાયો. 

            "busy નહીં.....! એણે તારો ફોન રિજેક્ટ લિસ્ટમાં મૂકી દીધો....!" લાવણ્યાએ પ્રેમને ફોન પાછો આપતાં કહ્યું.

            "હવે .....!? હવે....! શું કરશું...! એ લોકો એને ક્યાં લઈ ગયાં હશે...!?" લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી. તેનાં માથાં ઉપર બાઝી રહેલાં પરસેવાંના ટીપાં જોઈને પ્રેમ અને કામ્યા ટેન્શનમાં આવી ગયાં.

            "નીચે enquiry counter ઉપર પૂછીએ....!" કામ્યાએ કીધું.

            "અરે હાં...!" લાવણ્યા તેનાં માથે પરસેવો લૂંછતા પાછી સીડીઓ બાજુ ભાગવાં લાગી.

            "અરે લાવણ્યા થોડું ધીરે....!" કામ્યા ઉતાવળાં પગલે લાવણ્યાની પાછળ ચાલવાં લાગી.

            લાવણ્યા દોડાદોડ પગથિયાં ઉતરી ગઈ અને નીચે ગ્રાઉંન્ડ ફ્લોર ઉપર આવી ગઈ. સામે દેખાતાં enquiry counter જોડે લાવણ્યા ઝડપથી દોડીને પહોંચી ગઈ.

            "સિદ્ધાર્થ કયાઁ છે....!?" કાઉન્ટર ઉપર હાથ મૂકીને લાવણ્યાએ ત્યાં બેઠેલાં કોમ્પ્યુટર ઓપરેટરને ઉચાટભર્યા સ્વરમાં પૂછ્યું.

            "આખું નામ બોલો મેડમ....!" કોમ્પ્યુટર ઓપરેટર તેનાં કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જોઈ રહીને બોલ્યો.

            "સ....સિદ્ધાર્થ રાજપૂત....!" લાવણ્યા એજરીતે બોલી.

            બાકીનાં મિત્રો પણ હવે લાવણ્યાની પાછળ આવીને ઊભાં રહ્યાં.

            "કયાં વૉર્ડમાં હતાં...!?" કોમ્પ્યુટર ઓપરેટરે પૂછ્યું.

            "ICUમાં ....!"

            કોમ્પ્યુટર ઓપરેટરે હવે કી-બોર્ડમાં ફટાફટ ટાઈપ કર્યું.

            "એ શિફ્ટ થઈ ગયાં છે....! પ્રાઈવેટ હોસ્પિટલમાં....!" કોમ્પ્યુટર ઓપરેટરે લાવણ્યા સામે જોઈને કહ્યું.       

            "કઈ હોસ્પિટલ...!?" લાવણ્યા હવે અધિરી થઈ.

            "અ....! ડો. વિરેન શાહ....! સેટેલાઈટ..!"

            "ડો.વિરેન શાહ...!?" લાવણ્યા મનમાં યાદ કરતાં બબડી "સેટેલાઈટ રોડ ઉપર છે એજ ને...!?"

            "જી મેડમ....! એજ ...! ફેમસ છે...!"

            "thank you...!" કહીને લાવણ્યા પાછી ફરી. પ્રેમ તેની પાછળજ ઊભો હતો. બાકીના મિત્રો પણ જોડેજ ઊભાં હતાં.

            "ચાલો જલ્દી...!" લાવણ્યા વારાફરતી બધાં તરફ જોઈને બોલી "એને સેટેલાઈટ લઈ ગયાં છે...!"

            એટલું કહીને લાવણ્યા બહાર હોસ્પિટલનાં બિલ્ડિંગની બહાર નીકળી ગઈ અને પગથિયાં ઉતારવાં લાગી. બધાં તેની પાછળ-પાછળ જવાં લાગ્યાં.

            "જલ્દી કરોને યાર....!" ઉતાવળાં પગલે લાવણ્યા પાર્કિંગ તરફ દોડી રહી હતી અને પાછળ આવી રહેલાં ફ્રેંડ્સને કહી રહી હતી "કેમ આટલું ધીમું ચાલો છો....!"

            તેની ઝડપને પહોંચી વળવાનો પ્રયત્ન કરી રહેલાં પ્રેમ અને કામ્યાને લાવણ્યા ઉપર દયા આવી રહી હતી. સિદ્ધાર્થને મળવાં લાવણ્યા અતિશય રઘવાઈ થઈ ગઈ હતી. કામ્યાની આંખ ભીંજાઇ ગઈ.

            "લાવણ્યા...!" કામ્યાએ ફરીવાર લાવણ્યાને બોલાવવાંનો વ્યર્થ પ્રયત્ન કર્યો.

            છેવટે પાર્કિંગમાં પહોંચીને લાવણ્યા અટકી.

            "જલ્દી એક્ટિવા ચાલુ કર...." લાવણ્યાએ અંકિતાની સામે જોઈને કહ્યું. અંકિતાએ તેનાં એક્ટિવા ઉપર બેસીને એક્ટિવા શેડમાંથી બહાર કાઢ્યું અને સેલ માર્યો. લાવણ્યા ઝડપથી તેની પાછળ ઘોડો કરીને બેસી ગઈ.

            "તમે લોકો જલ્દી આવો....! અમે જઈએ....!" લાવણ્યાએ કામ્યા સામે જોઈને કહ્યું. પ્રેમ કામ્યાનું એક્ટિવા પાર્કિંગ શેડમાંથી બહાર કાઢી રહ્યો હતો. કામ્યાએ હકારમાં મોઢું હલાવી દીધું. 

            "ચાલ જલ્દી કરીને ....! શું ઠોયાં જેવી બેસી રહી છું...!?" લાવણ્યાએ ચિડાઇને અંકિતાને કહ્યું.       

            "અરે હાં બાપાં...!" અંકિતાએ એક્સિલેટર ફેરવી ધીમે-ધીમે એક્ટિવાને હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાંથી બહાર કાઢ્યું. મુખ્ય રસ્તા ઉપર આવીને તેણે એક્ટિવા સેટેલાઈટ તરફ મારી મૂક્યું.

***

            “તમે બઉ વધારે પડતી છૂટછાટ આપી દીધી છે....એટ્લેજ બગડી ગ્યો છે....!” રાગિણીબેન ચિડાઈને બોલી રહ્યાં હતાં.

            સિદ્ધાર્થને પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો તેનાં અડધો-પોણો કલ્લાક પછી તેઓ આવી પહોંચ્યાં હતાં. સુરેશસિંઘે સિદ્ધાર્થનાં એક્સિડેન્ટ થયાની જાણ કર્યા પછી કરણસિંઘ રાગિણીબેન સાથે બરોડથી અમદાવાદ આવવા તાબડતોબ નીકળી ગયાં હતાં. ડૉક્ટર વિરેન શાહની હોસ્પિટલનાં ડિલક્ષ રૂમમાં સોફામાં બેઠા-બેઠા તેઓ બળાપો ઠાલવી રહ્યાં હતાં.

            “પે’લાં આરવ....!” બોલતાં-બોલતાં રાગિણીબેનનો સ્વર સહેજ ગળગળો થઈ ગયો “અને હવે સિદ્ધાર્થ....!”

            બેડમાં સૂતેલાં સિદ્ધાર્થ સામે જોઈને તેઓ પાછાં ચિડાયેલાં સ્વરમાં બોલ્યાં. સોફામાં બેઠેલાં કરણસિંઘ ચૂપચાપ સાંભળી રહ્યાં હતાં. બેડમાં સૂતેલાં સિદ્ધાર્થ તરફ તેઓ શૂન્યમનસ્ક જોઈ રહ્યાં હતાં.

            “થોડો તો કંટ્રોલ કરો છોકરાઓ ઉપર....!” રાગિણીબેન એજ રીતે બોલ્યાં “એકને એકલો રશિયા મોકલી દીધો....અને બીજાને અહિયાં અમદાવાદ....!”

            રાગિણીબેન પાછાં મોઢું બગાડીને કેટલીક ક્ષણો ચૂપ રહ્યાં પછી બોલ્યાં.

            “થોડું ઘણું આરવને ધંધે બેસાડયો હોત અને કશુંક શીખવાડયું હોત.... બધું બસ આને જ સોંપી દેવું છે....!”

            “ધંધામાં સિદ્ધાર્થની આવડતને તને ભલે ના ખબર હોય...!” કરણસિંઘ સહેજ ચિડાઈને બોલ્યાં “પણ મને તો ખબર છેજ.....!”

            રાગીનીબેને મોઢું બગાડીને ફેરવી લીધું.

            “અને રઈ વાત આરવની .....!” કરણસિંઘ બોલ્યાં “તો એને પે’લેથીજ ધંધામાં કોઈજ ઇન્ટરેસ્ટ ન’તો....!”

            બંને થોડીવાર મૌન રહ્યાં. થોડીવાર પછી રાગિણીબેન પાછાં બોલવા લાગ્યાં.  

            “કોઈ વાત માનતાં નથી....ને પોતાની મનમાની ચલાએ રાખે છે....!”

            “તું એને શાંતિથી સુવા દઇશ....!” રાગિણીબેન સામે જોઈને કરણસિંઘ ચિડાઈને બોલ્યાં.

            જોકે તેમને નહોતી ખબર સોફામાં બેઠેલાં તે બેયથી વિરુદ્ધ દિશામાં મોઢું ફેરવીને સિદ્ધાર્થ સૂતો નહોતો પણ ખાલી આંખો બંધ કરીને પડી રહ્યો હતો. રાગીનીબેને કહેલાં બધાજ કટુવચનો તે સાંભળી રહ્યો હતો.

            “ખટ...ચરરર....!” ત્યાંજ રૂમનો દરવાજો ખૂલ્યો અને પહેલાં નેહાના પપ્પા વિજયસિંઘ અને ત્યારપછી નેહાન મમ્મી અને છેલ્લે નેહા રૂમમાં દાખલ થયાં.

            સોફામાં બેઠેલાં કરણસિંઘ અને રાગણીબેને ઊભાં થઈને હળવાં સ્મિત સાથે બંનેને આવકાર આપ્યો.

            “કેવું છે....!?” નેહાનાં મમ્મીએ તરતજ પૂછ્યું.

            સોફામાં બધા એક પછી એક ગોઠવાયાં. ઔપચારિક વાતોનો થોડીવાર સુધી દોર ચાલ્યો.

            થોડીવાર પછી એક નર્સે આવીને સિદ્ધાર્થને “જગાડયો” અને કેટલીક દવાઓ ગળવા આપી.

            બેડ અડધો ફોલ્ડ કરીને સિદ્ધાર્થ બેઠો અને દવાઓ ગળી લીધી.

            “હું થોડીવાર પછી આવું છું....!” જતાં-જતાં નર્સ બોલી “એક ઇજેક્શન આપવાનું છે....!”

            એટલું કહીને નર્સ ત્યાંથી જતી રહી.

            નર્સનાં ગયા પછી સિદ્ધાર્થે સોફામાં બેઠેલાં નેહાનાં મમ્મી-પપ્પા સામે જોઈ ઔપચારિક સ્મિત કર્યું. સોફામાંજ બેઠેલી નેહા સામે તેણે જોવાનું ટાળ્યું.

            નર્સનાં ગયા પછી નેહાનાં મમ્મી-પપ્પાએ સિદ્ધાર્થને તબિયત પૂછી ઔપચારિકતા નિભાવી લીધી.

            “પણ બેટાં.....તું એવું તો કેવું સાધન ચલાવે છે...!?” વિજયસિંઘે પૂછ્યું “સુરેશભાઈ કે’તા’તા કે...કૉલેજનાં ગેટ આગળજ એકસીડેન્ટ થ્યો....! ગેટમાંથી નીકળતી વખતે તો સ્પીડ ધીમીજ હોયને...!?”

            “એ કાયમથી ઊડઝૂડિયું જ ચલાવે છે....!”  રાગિણીબેન મોઢું બગાડીને બોલ્યાં “કશું કામ શાંતિથી નઈ કરતો એ....!”

            બધાને વાતો કરતાં સિદ્ધાર્થ સાંભળી રહ્યો. રાગિણીબેન કોઈને કોઈ વાતે સિદ્ધાર્થનો વાંક કાઢતાં રહ્યાં. સિદ્ધાર્થ કંટાળી ગયો. માથું ભમતું હોય એ હદે દુ:ખવા લાગતાં તેને લાવણ્યાને મળવાની રીતસરની “તલબ” લાગી.

            “ખટ...ચરરર....!” ત્યાંજ ફરીવાર રૂમનો દરવાજો ખૂલ્યો.

            દરવાજો ખૂલતાં સિદ્ધાર્થ અને રૂમમાં હાજર બધાએ એ તરફ જોયું.

            “અરે પ્રેમ....!?” ડોકિયું અંદર કરીને જોતાં પ્રેમને જોઈને સિદ્ધાર્થ આશ્ચર્યથી બોલ્યો "અંદર આયને ....!"

            પ્રેમ અંદર દાખલ થયો. તેની પાછળ કામ્યા દાખલ થઈ અને પ્રેમની લગોલગ ઊભી રહી. પછી અંકિતા. લાવણ્યા ત્રણેયની પાછળ ઊભી રહી. ગભરાયેલી તેણીએ અંકિતાનો હાથ પકડી રાખ્યો હતો. લાવણ્યાએ જોયું કે ડિલક્સ રૂમનાં તેમની સામેની દીવાલે જોડે મુકેલાં મોટાં સોફામાં નેહા અને તેની જોડે એક સહેજ મોટી ઉમ્મરનું એક કપલ બેઠું હતું તેમજ વચ્ચે સહેજ અંતર રાખીને આઘેડ ઉમ્મરનાં એક ભાઈ બેઠાં હતાં જેનાં વાળ મોટેભાગે સફેદ હતાં. તેમણે ચશ્માં પહેર્યા હતાં. તેમનું મોઢું સહેજ સિદ્ધાર્થ જેવુ આવતું હતું.

            "એ સિદ્ધાર્થનાં પપ્પા હશે....!" લાવણ્યાએ તેમની સામે જોઈને મનમાં વિચાર્યું.

            લાવણ્યાની નજર હવે નેહા જોડે મળતાંજ લાવણ્યાનાં શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. તેણે તરત નજર ફેરવી લીધી. લાવણ્યાને જોતાંજ નેહાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પોતાનો ગુસ્સો ગળી જવા તે દાંત ભીંચીને તેણી સામે જોઈ રહી. સોફાંમાં બેઠેલાં એ બધાંય હવે ઊભાં થયાં.

            સિદ્ધાર્થ હવે આતુર નજરે પ્રેમ અને કામ્યાની પાછળ જોવાં લાગ્યો. નાના બાળકની જેમ આશાભરી નજરે તે લાવણ્યાને શોધી રહ્યો.

            લાવણ્યાને “શોધી” રહેલાં સિદ્ધાર્થને જોતાં જ કામ્યાનાં મોઢાં ઉપર હળવું સ્મિત આવી ગયું. સિદ્ધાર્થ હજુપણ આમતેમ જોઈને લાવણ્યાને શોધી રહ્યો હતો. બધાંની પાછળ ઊભી હોવાથી લાવણ્યા તેને દેખાઈ નહોતી રહી.

            "બસ આવી ગયાં બધાં....!?"  અધિર્યા થયેલાં સિદ્ધાર્થે છેવટે એવાજ સ્વરમાં પૂછી લીધું.

            સિદ્ધાર્થનો અવાજ સાંભળી લાવણ્યા હવે તેને જોવાં તલપાપડ થઈ. પણ નેહા અને બીજાં બધાંની હાજરીમાં તે ધ્રૂજતાં-ધ્રૂજતાં કામ્યા, પ્રેમ અને અંકિતાની પાછળજ લપાઈ રહી.

            "અંકલ....!" નેહાએ હવે એ કરણસિંઘ સામે જોઈને કહ્યું "આ અમારાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ છે....!"

            "કેમ છો બધાં...!?" કરણસિંઘે બધાંની તરફ જોઈને તેમનું અભિવાદન કર્યું.

            "એ સિદ્ધાર્થના પપ્પા છે...!" નેહાએ એમની ઓળખ આપી.

            લાવણ્યા સહિત દરવાજાની જોડે ઉભેલાં ગ્રૂપનાં બધાએ ડોકી હલાવી તેમનું અભિવાદન કર્યું.

            "આ મારાં મમ્મી-પપ્પા છે...!" નેહાએ તેની જોડે ઊભેલાં તેના મમ્મી-પપ્પા તરફ હાથ કરીને કહ્યું.

            નેહાનાં મમ્મી-પપ્પાએ તે બધાંનું અભિવાદન કર્યું. સામે પ્રેમ સહિત બધાંએ માત્ર ડોકી ધુણાવી તેમને પ્રતીભાવ આપ્યો.

            "નેહા...! ચાલો આપણે થોડીવાર બહાર આંટો મારી આવીએ...! સિદ્ધાર્થનાં ફ્રેંન્ડ્સને થોડીવાર તેની જોડે ટાઇમ સ્પેન્ડ કરવાં મળેતો એ પણ થોડો ફ્રેશ થાય...!" કરણસિંઘ બોલ્યાં અને ત્યાંથી જવા લાગ્યાં.  

            નેહા કઈં બોલવાં જાય એ પહેલાંજ કરણસિંઘ સોફાંની આગળ મૂકેલી કાંચની ચારપાઇ વટાવીને રૂમની બહાર ચાલવાં લાગ્યાં. તેમની જોડે-જોડે રાગીનીબેન પછી વિજયસિંઘ અને નેહાનાં મમ્મી-પપ્પા પણ ચાલવાં લાગ્યાં. નેહા કમને તેમની જોડે બહાર ચાલવાં લાગી. જોકે જતાં-જતાં તેણે એક વેધક નજર લાવણ્યા ઉપર નાંખી. લાવણ્યા ફફડી ગઈ અને તેણે અંકિતાનો હાથ દબાવ્યો. નેહા છેવટે દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ.

            રૂમનો દરવાજો બંધ થતાંજ લાવણ્યા તરતજ ત્રણેયની પાછળથી બહાર આવી ગઈ.

            "લાવણ્યા...!"  તેને જોતાંજ સિદ્ધાર્થની આંખો ભીની થઈ ગઈ અને તે ઉચાટભર્યા સ્વરમાં બોલી ઉઠ્યો.

            "Sid...!" લાવણ્યા રડી પડી અને તરતજ તેની પાસે દોડી ગઈ.

            સિદ્ધાર્થ બેડ ઉપરથી ઉતરવાં જાય એ પહેલાંજ લાવણ્યાએ તેને આલિંગનમાં જકડી લીધો. લાવણ્યા માટે ક્યારના “તરસી” રહેલાં સિદ્ધાર્થે પણ પ્રતીભાવમાં બાકીનાં મિત્રોની હાજરી ભૂલીને લાવણ્યાને કચકચાવીને આલિંગનમાં જકડી લીધી. તેણે પોતાનાં બંને હાથ લાવણ્યાની ફરતે વીંટાળી લીધાં અને બેડમાં બેઠાં-બેઠાંજ આવેગપૂર્વક લાવણ્યાને થોડી ઊંચી કરી લીધી. લાવણ્યાએ તેનાં વાળમાં હાથ ફેરવતાં-ફેરવતાં તેનાં વાળ ચૂમી લીધાં.

            "થેન્ક ગોડ તું આઈ ગઈ...!" સિદ્ધાર્થ ઊંડા શ્વાસ ભરતો-ભરતો બોલ્યો "હું કંટાળી ગ્યો'તો...!"

            સિદ્ધાર્થે ભીંજાયેલી આંખે લાવણ્યા સામે જોયું.  

            "ઓહ બેબી....!" લાવણ્યાની આંખમાંથી આંસુ આવી ગયાં "સો સોરી....! મેં મોડું કરી દીધું આવવાંમાં....! સો સોરી....!" લાવણ્યાએ સિદ્ધાર્થનું માથું પોતાની છાતીમાં દબાવી દીધું.   

            પ્રેમ, કામ્યા અને અંકિતાની આંખો ભિજાઈ ગઈ.

            ત્રણેય હવે લાવણ્યાની સહેજ પાછળ આવીને ઊભાં રહ્યાં.

            "ઓહ Sid...! હું...ત....!" લાવણ્યા આગળ કઈં બોલે એ પહેલાંજ રૂમનો દરવાજો "ધડ.."નાં અવાજ સાથે ખૂલ્યો. લાવણ્યા ડરીને સિદ્ધાર્થથી દૂર ખસી ગઈ અને સરકીને તરતજ તેની પાછળ ઊભેલી કામ્યા જોડે જતી રહી.

            દરવાજો ખોલીને નર્સ અંદર દાખલ થઈ હતી. સિદ્ધાર્થનાં બેડ જોડે આવીને તેણે બેડની કિનારે લટકાવેલું નોટપેડ ઉઠાવ્યું અને તેનાં પાનાં ઊથલાવી વાંચવાં લાગી. બેડની જોડે મુકેલાં સ્ટેઇનલેસ સ્ટીલનાં ડ્રૉઅરમાંથી તેણે એક ડિસ્પોઝેબલ નીડલ કાઢી તેનું પેકિંગ ખોલ્યું. ડ્રૉઅરમાંથી કાંચની એક નાની બોટલમાંથી તેણે ઈંજેક્શન ભર્યું અને સિદ્ધાર્થનાં ડાબાં હાથે લાગેલી નીડલમાં આપ્યું. નીડલની કેપ બંધ કરી તેણે ડ્રૉઅરમાંથી દવાઓનાં અલગ-અલગ સ્ટ્રીપમાંથી બે-ત્રણ ગોળીઓ કાઢી સિદ્ધાર્થની સામે ધરી.

            "આ દવાઓ લઈલો....! અને જમ્યા પછી બીજી બે ગોળીઓ લેવાની છે...!" નર્સ બોલી.

            સિદ્ધાર્થે તેની હથેળી ધરતાં નર્સે તેની હથેળીમાં ગોળીઓ મૂકી. લાવણ્યાએ તેની બાજુનાં ડ્રૉઅરની ઉપર પડેલાં જગમાંથી તરતજ ગ્લાસમાં પાણી ભરીને સિદ્ધાર્થની સામે ધર્યું.

            સિદ્ધાર્થે સ્મિત સાથે ગ્લાસ લીધો અને બધીજ ગોળીઓ એકસાથે મોઢામાં મૂકી પાણીનો અડધો ગ્લાસ ગટગટાવી ગયો. લાવણ્યાએ ગ્લાસ તેનાં હાથમાંથી લઈને પાછો ડ્રોઅર ઉપર મૂક્યો. જમ્યા પછી પીવાની ગોળીઓ કાઢી નર્સ ડ્રૉઅરની ઉપર મૂકવાં લાગી. નર્સ પોતાનું કામ પૂરું કરી જવાંજ જતી હતી ત્યાંજ ફરીવાર રૂમનો દરવાજો ખૂલ્યો અને નેહા અને તેની પાછળ-પાછળ સિદ્ધાર્થના મામા સુરેશસિંઘ દાખલ થયાં.

            સુરેશસિંઘને જોતાંજ લાવણ્યા સિદ્ધાર્થથી વધુ દૂર ખસી ગઈ. સુરેશસિંઘની નજર પહેલાં કામ્યા ઉપર અને પછી તરતજ લાવણ્યા ઉપર પડી. લાવણ્યાને જોઈને તેમનાં ચેહરાંનાં ભાવ તરતજ બદલાઈ ગયાં. ફરી એજ તુચ્છકારભરી નજર. સિદ્ધાર્થ સહિત બધાંએ સુરેશસિંઘે જેરીતે લાવણ્યાને જોઈ એ જોયું. સિદ્ધાર્થનો ચેહરો લાવણ્યાના અપમાનથી તપી ઉઠ્યો.  

            લાવણ્યા ધ્રુજી ઉઠી. તેનું હ્રદય વીંધાઈ ગયું અને તે કામ્યાનો હાથ પકડીને તેની પાછળ અડધી લપાઈ ગઈ.

            "અરે સિસ્ટર....!" સુરેશસિંઘે હવે તેમની નજર લાવણ્યાથી હટાવીને નર્સ તરફ કરી "સિદ્ધાર્થને દવાઓ અપાઈ ગઈ...!?"

            "હાં....સર...!" નર્સે જવાબ આપ્યો "હવે એ જમી લે એ પછી બીજી દવાઓ આપવાની છે...! અને કાલે સવારે એક્સ-રે અને MRI કરાવવાનું છે...!'

            "ઠીક છે....! એમનું જમવાનું મોકલી આપજોને...!" સુરેશસિંઘે કહ્યું.

            "હાં...! સર...!" નર્સ જવા લાગી. જતાં-જતાં તે પછી ફરીને બોલી "સર ...! એમને આરામ કરવાં દેજો...! રૂમમાં બહુ ભીડભાડ ના કરતાં...!"

            "હાં સિસ્ટર....!" સુરેશસિંઘ બોલ્યાં. નર્સ દરવાજો ખોલીને જતી રહી.

            "તમારે પતી ગયું હોયતો તમે લોકો જાવ હવે...!" સુરેશસિંઘે પ્રેમ અને બાકીના સામે જોઈને થોડાં રુક્ષ સ્વરમાં કહ્યું "સિદ્ધાર્થને જમીને આરામ કરવાનો છે..!"

            "જી સર...!" પ્રેમે કહ્યું અને બહાર ચાલવાં લાગ્યો. તેની પાછળ અંકિતા પણ ચાલી.

            લાવણ્યાએ ધડકતાં હ્રદયે સિદ્ધાર્થ સામે જોયું અને પછી કામ્યાની સામે જોયું. બેયની આંખો ભીંજાઇ ગઈ.

            "હજી થોડું વધું રોકાવું છે..!"  ભીની આંખે કામ્યા સામે જોઈ રહી લાવણ્યાએ ફક્ત આંખો દ્વારાં તેની ભાવનાં વ્યક્ત કરી.

            કામ્યાની આંખોએ લાવણ્યાની એ ભાવનાં વાંચી લીધી અને તેની આંખો વધું ભીંજાઇ. તેણે રીતસરની લાવણ્યાને ખેંચી અને બહાર જવાં લાગી. લાવણ્યાએ વિરોધ કરવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો. પણ કામ્યા તેણે ખેંચીને બહાર લઈ ગઈ. રૂમની બહાર નીકળતાં પહેલાં લાવણ્યાએ તેનું મોઢું ફેરવીને ભીંજાયેલી આંખે સિદ્ધાર્થને જોઈ લીધો. 

            “અરે યાર...સરખી વાત પણ કરવા ના મલી....!” સિદ્ધાર્થ નિ:સાસો નાંખ્યો.

             સિદ્ધાર્થ પણ લાવણ્યા સામે ભીની આંખે અને દયામણા ચેહરે જોઈ રહ્યો. ધીરે-ધીરે રૂમનો દરવાજો આપમેળે બંધ થઈ ગયો. વધુ એક વખત સિદ્ધાર્થે એક ઊંડો નિ:શ્વાસ નાંખ્યો અને ફોલ્ડ કરેલા બેડને માથું ટેકવીને બેસી ગયો.

            “તારે શું જમવું છે….!?” બધા જતાં રહ્યાં પછી સુરેશસિંઘે સિદ્ધાર્થને પૂછ્યું.

            “હોસ્પિટલમાંથી જે આપે એ....!” માથું બેડને ટેકવી રાખી સિદ્ધાર્થ શૂન્યમનસ્ક તાકી રહીને બોલ્યો.

            લાવણ્યાનું અપમાન જે રીતે સુરેશસિંઘે કર્યું એ વાત હજીપણ સિદ્ધાર્થને ખટકતી હતી. સાવ ભાંગી પડેલી લાવણ્યાનો એ ચેહરો સિદ્ધાર્થને હજીપણ યાદ આવી રહ્યો હતો.   

            હોસ્પિટલનું રૂખું-સુખું જમ્યા પછી સિદ્ધાર્થને બીજી દવાઓ ગળવાની આપી દેવાઈ. આખો દિવસ સુરેશસિંઘ, કરણસિંઘ, વિજયસિંઘ વગેરે રૂમમાં જ હાજર રહ્યાં. બીજા બધાનું તો ઠીક, સિદ્ધાર્થને નેહાની હાજરીથી ગૂંગળામણ થતી. લાવણ્યાની સતત હાજરી ઝંખતો તે આખો દિવસ કંટાળતો રહ્યો. સિદ્ધાર્થને આરામ મળી રહે એ હેતુથી કરણસિંઘે અમદાવાદમાં તેમનાં અન્ય સગાને કહેવાનું ટાળ્યું. સિદ્ધાર્થને પણ હાશ થઈ. બધાની સાથે, ખાસ કરીને નેહાની સાથે વાત ટાળવા માટે સિદ્ધાર્થ મોટેભાગે આંખો બંધ કરીને ઊંઘી રહેતો. જોકે કેટલોક સમય પછી આંખો બંધ કર્યા પછી પણ તેને ચેન નહોતું પડતું. કેમકે આંખો બંધ કરતાંજ તેની સામે લાવણ્યાનો એ માસૂમ ચેહરો તરવરી ઊઠતો. તેની સાથે વિતાવેલી એ ક્ષણોના દ્રશ્યો, તેણીનું આલિંગન પણ તેને યાદ આવવાં લાગતું. મોડી સાંજ સુધીમાં સિદ્ધાર્થને પોતાને સમજાઈ ગયું, કે તે પોતે લાવણ્યા માટે રીતસરનો ઝૂરી રહ્યો હતો.

            ડૉક્ટર વિરેન શાહની હોસ્પિટલ સુરેશસિંઘના ઘરથી નજીકજ હોવાથી રાત્રે સિદ્ધાર્થ સાથે હોસ્પિટલમાં નેહાને રોકાવાનું નક્કી કરી બાકીનાં બધાં ઘરે જતાં રહ્યાં. કરણસિંઘ, રાગિણીબેન સુરેશસિંઘના ઘરે જ રોકાવાના હતાં.

            સિદ્ધાર્થ સાથે રોકાયેલી નેહા મોટેભાગે ફૉન મંતર્યા કરતી. સિદ્ધાર્થને જોકે નેહાના મૌનથી રાહત હતી હતી. એકસીડેન્ટ પછી નેહાએ એકેયવાર સિદ્ધાર્થને તબિયત અંગે કશુંજ નહોતું પૂછ્યું. ઊલટાનું તક મળતાં જ તે સિદ્ધાર્થ સાથે ઝઘડી હતી. સિદ્ધાર્થનું મન નેહા ઉપરથી જાણે સંપૂર્ણપણે ઉતરી ગયું હતું. જાણે બધીજ ફીલિંગ્સ નેહાએ મારી નાંખી હોય એમ સિદ્ધાર્થને હવે નેહા સાવ અજાણી લાગતી હતી. એ મુગ્ધ ભાવો, જે નેહાને જોતાં દર વખતે તેના મનમાં ઉઠતાં, એની સાથે સમય વિતાવવાની એ ઝંખના, એ બધુજ એક એક્સિડેન્ટે હણી લીધું. એટ્લેજ નેહા ફૉનમાં આખો દિવસ કોની સાથે વાત કર્યા કરે છે એ જાણવાની તેને ઈચ્છા જ નહોતી થઈ રહી. આથી ઊલટું, સવાર સુધી એક્સિડેન્ટ પહેલાં જ્યારે નેહાએ કેન્ટીનમાં પોતાનાં તથાકથીત “would be” સાથે કિસ વગેરેનું નાટક કર્યું, ત્યારે તે સળગી ઉઠ્યો હતો. પણ અત્યારે એવું કશુંજ ફીલ નહોતું થઈ રહ્યું.

            આવાં અનેક વિચારોની વચ્ચે પણ તે લાવણ્યાના આલિંગનની હૂંફ ઝંખતો રહ્યો. તેણીને યાદ કરતો-કરતો છેવટે મોડી રાતે આંખ બંધ કરીને સુવા લાગ્યો. દવાઓ વગેરેના ઘેનને લીધે આંખ ઘેરાતાં વાર ન લાગી અને છેવટે થોડીવારમાં જ તે સૂઈ ગયો.

***

            રાતનાં અઢી વાગ્યા હતાં.

            સોફાંમાં બેઠાં-બેઠાં પોતાનો ફોન મંતરી રહેલી નેહા છેવટે કંટાળી અને રૂમમાં આંટા મારવાં લાગી. તેણે એક નજર બેડમાં સૂતેલાં સિદ્ધાર્થ ઉપર નાંખી.

            રૂમમાં હળવી લાઈટિંગમાં દેખાતાં સિદ્ધાર્થના ચેહરાને જોઈને તેણીને ઘડીવાર દયા આવી ગઈ. આખો દિવસ તે આજની ઘટના વિષે વિચારતી રહી હતી. પોતાનો બદલો લેવા તેણે જ સિદ્ધાર્થને “લાવણ્યા તરફ ધકેલ્યો” હતો. આવું કરવાનું જોખમ શું હોઇ શકે એ નેહા શરૂઆતથીજ જાણતી હતી.  પણ સિદ્ધાર્થની પોતાનાં માટેની ફીલિંગ્સ તે જાણતી હતી, અને સિદ્ધાર્થના કેરેક્ટરને પણ તે ઓળખતી હતી. આથીજ તે એ સંભવિત જોખમ વિષે નિશ્ચિંત હતી. જોકે નેહાને નહોતી ખબર, સિદ્ધાર્થને લાવણ્યા સાથે ક્લોઝ થતાં જોઈને તેણીની પોતાની ફીલિંગ્સ સિદ્ધાર્થ માટે બદલાઈ જશે. નેહા પોતે પણ આ બદલાઈ રહેલી ફીલિંગ્સ ઓળખી ગઈ હતી. આ એજ ફીલિંગ્સ હતી, જે શરૂઆતમાં આરવને લાવણ્યા સાથે ફરતાં જોઈને નેહાના મનમાં આવતી હતી. જોકે નેહા પોતે જ પોતાની આ ફીલિંગ્સ માનવા તૈયાર નહોતી, તેનું મન “denial” સ્ટેજમાં જતું રહ્યું હતું જ્યાં બધું સાચું ખબર હોવાં છતાંય વ્યક્તિ એ સાચું સ્વિકારતી નથી હોતી.

            સિદ્ધાર્થ ચેહરા સામે જોતાં-જોતાં તેણીને સિદ્ધાર્થ ઉપર દયા આવી ગઈ. લાવણ્યાને તડપાવવા પોતે સિદ્ધાર્થ ઉપર અત્યાચાર કરતી હતી એ નેહા જાણતી હતી, છતાંય આજે એ અત્યારચારની હદ હટાવી દીધી હોવાનું તેને લાગી રહ્યું હતું.

            “સોરી સિદ.....!” સિદ્ધાર્થના ચેહરા સામે જોઈ રહીને નેહા હળવાં સ્વરમાં બોલી “મને ન’તી ખબર કે તું આટલું બધું દિલ ઉપર લઈ લઇશ...! કે તું મને આટલો લવ...!”

            બોલતાં-બોલતાં નેહા અટકી અને તેણીની આંખ ભીંજાઈ ગઈ.

            વિચારોથી મુક્ત થવાં તેણીએ રૂમમાં થોડીવાર આમ-તેમ આંટા માર્યા. અક્ષય સાથે વાત કરવાનું યાદ આવતાં તેણીએ પોતાનાં મોબાઈલમાંથી અક્ષયનો નંબર કાઢ્યો.

            “નીચે જઈને વાત કરું....!” સિદ્ધાર્થ સામે જોઈને નેહા મનમાં બબડી અને રૂમની બહાર જવા લાગી.

             એમ પણ થોડું ફ્રેશ થવાય એ માટે નીચે આંટો મારી આવવાનું નેહા ક્યારનું વિચારી રહી હતી. રૂમની બહાર નીકળતી વખતે તેણે સૂઈ રહેલાં સિદ્ધાર્થનાં ચેહરા ઉપર એક નજર નાંખી અને રૂમની બહાર નીકળી ગઈ. કોરિડોરમાં ચાલતી-ચાલતી તે લિફ્ટ પાસે આવી. લિફ્ટમાં જવાની જગ્યાએ તે સીડીઓ ઉતરી ગઈ. 

****

            "Sid....! સિદ્ધાર્થ....!"

            ઊંઘી રહેલાં સિદ્ધાર્થને માથે હાથ ફેરવી કોઇકે જગાડતાં સિદ્ધાર્થે હળવેથી આંખ ખોલી.

            "ક...કોણ...!?" સિદ્ધાર્થે તેની આંખો ચોળી. તેની સામે ઝળુંબી રહેલો ચેહરો સ્પષ્ટ થતાં તે ચોંકી ઉઠ્યો "ઓહ ગોડ...! લાવણ્યા તું...!?"

            સિદ્ધાર્થ બેડમાં સફાળો બેઠો થઈ ગયો. તેને આઘાતપૂર્વક લાવણ્યા સામે જોયું પછી સામે સોફાની ઉપરની દીવાલ ઉપર લાગેલી ઘડિયાળ તરફ જોયું.       

            "રાતના પોણા ત્રણે..!?" સિદ્ધાર્થે આશ્ચર્યથી આંખો મોટી કરીને લાવણ્યાને પૂછ્યું "તું ...તું....પાછી શું કરવાં આઇ...!?"

            "પ...! પાછી નહીં....!" લાવણ્યા ઈમોશનલ થઈ જતાં તેની જીભ તોતડાવાં લાગી "હું...હું...! ઘરે ગઈજ નથી....! જાન..!"

            "what...!?" સિદ્ધાર્થ વધુ ચોંકી ઉઠ્યો.

            "હાં...!હું...હું ...! સેમી ડિલક્સ વોર્ડનાં વેટિંગ લોંજમાં બેસી રઈ ‘તી....!" લાવણ્યા બોલી.

            "હે ભગવાન....! તે આખો દિવસ વેટિંગ લોંજમાં રાહ જોઈ....!?" સિદ્ધાર્થે ભીંજાયેલી આંખે પૂછ્યું. 

            "હાં...! એમાં શું...!?"

            સિદ્ધાર્થ વધુ ચોંકી ઉઠ્યો અને રૂમમાં આમ-તેમ જોવાં લાગ્યો "નેહા...!?નેહા ક્યાં ગઈ...!?"

            "એ નથી...!" લાવણ્યા બોલી "મેં....! મેં...એને નીચે જતાં જોઈ ...! હું કયારની આંટા મારતી'તી....! એ બહાર જાય એની રાહ જોતી'તી...!રૂમની બારીમાંથી મને અંદર એ સોફાં બેઠી'તી એ દેખાતું'તું...!"

            "ઓહ ગોડ લાવણ્યા....!" સિદ્ધાર્થની આંખ ભીંજાઇ ગઈ "આટલું મોટું રિસ્ક શા માટે લીધું..!?"

            સિદ્ધાર્થને હજીપણ આશ્ચર્ય થઈ રહ્યું હતું.

            "તો...તો ...શું ક...કરું...!? લાવણ્યા હવે ડૂસકાં ભરવાં લાગી "સવારે સરખી વાત પણ કરવાં ના દીધી કોઈએ...! મારો જીવ અધ્ધરનો અધ્ધરજ રે'તો'તો....! મન ન'તું ભરાતું....!"

            સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર ભીંજાયેલી આંખે તેની સામે જોઈ રહ્યો.

            "તને નાં ગમ્યું હું આઈ એ...!?" લાવણ્યા ફરી એજરીતે બોલી.

            "કેવી વાત કરે છે તું....!" સિદ્ધાર્થ બોલ્યો અને સવારની જેમજ તેણે લાવણ્યાને કચકચાવીને આલિંગનમાં જકડી લીધી.

            લાવણ્યાએ પણ સિદ્ધાર્થનું માથું તેની છાતીમાં દબાવી દીધું અને તેને આલિંગનમાં જકડી લીધો. સિદ્ધાર્થે પોતાનાં બંને હાથ લાવણ્યાની ફરતે વીંટાળી લીધાં અને બેડમાં બેઠાં-બેઠાંજ આવેગપૂર્વક લાવણ્યાની પીઠ અને વાંસાંનાં ભાગ ઉપર હાથ ફેરવવાં લાગ્યો.

            "સવારે ભલે તું થોડીવાર માટે આઈ'તી....!" લાવણ્યાની સામે જોઈને સિદ્ધાર્થ બોલ્યો "પણ મારો અડધો થાક ઉતરી ગ્યો'તો....!" તેણે ફરીવાર લાવણ્યાનાં ઉરજો ઉપર તેનું માથું ઘસવાં માંડ્યુ "એમ થાય છે કે બસ તને આમજ વળગી રહું...!"

            લાવણ્યા રડતી-રડતી કઈંપણ બોલ્યાં વગર તેનાં માથાંમાં હાથ ફેરવતી રહી.

            "તારાં માથાંનો પાટો ખોલી નાંખ્યો....!?" લાવણ્યા સિદ્ધાર્થના કપાળ ઉપર આવી ગયેલાં તેનાં લાંબા વાળ ખસેડીને જોવાં લાગી "ક્યાં વાગ્યું'તું તને...!?". લાવણ્યાએ સિદ્ધાર્થની ડાબી આંખ ઉપર નાની સફેદ પટ્ટી જોઈ.

            "બહુ નો’તું વાગ્યું....!” પોતાનાં માટે લાવણ્યાની આંખોમાં દેખાતી અનહદ ચિંતાને જોઈ સિદ્ધાર્થ ભીની આંખે તેણી સામે જોઈ રહીને બોલ્યો.        

            "શું નહોતું વાગ્યું....!?" લાવણ્યાએ રડતાં-રડતાં સિદ્ધાર્થ ઉપર છણકો કર્યો. "મેં કેટલી ....! ક...કેટલી બૂમો પાડી...! તો...તોય તે ના સાંભળી....! આવું કરાય...!?"

            "સ..સોરી...!" સિદ્ધાર્થ લાવણ્યાને ફરી વળગી પડ્યો.

            "શું...સોરી...!?" લાવણ્યાએ ફરીવાર તેને છણકો કર્યો અને તેને હળવો ધક્કો માર્યો "હવે આવું....આવું ના કરતો...!"

            સિદ્ધાર્થ નીચું મોઢું કરીને ફર્શ સામું તાકવાં લાગ્યો.

            "આમજો મારી સામે....!" લાવણ્યાએ તેનું મોઢું તેની બાજુ ફેરવ્યું "પ્રોમિસ કર....! હવે ...હવે તું ગમેતે કારણે ગુસ્સામાં હોઉ....! તું કદી આવું ગુસ્સાંમાં વ્હીકલ લઈને નઈ જાય...! પ્રોમિસ કર....!"

            "આઈ ...આઈ પ્રોમિસ...બસ...!" સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને બોલ્યો અને લાવણ્યાને વળગવા તેણી તરફ હાથ લંબાવી તેને પોતાની બાજુ ખેંચી"તું અહિયાં આયને પ્લીઝ...!"

            લાવણ્યાએ ફરીવાર તેને આલિંગનમાં જકડી લીધો "માલું બેબી...!"

            "છ ફૂટનું બેબી....!" સિદ્ધાર્થે પરાણે ટીખળ કરી.

            લાવણ્યા હસી પડી અને તેની સામે જોઈ રહી. એક્સિડેંન્ટ થયો હોવા છતાંપણ સિદ્ધાર્થ હજીપણ એટલોજ સોહામણો લાગતો હતો. એવોજ ગોરો ચિટ્ટો ચેહરો, મસ્ત મજાની ડીપ બ્રાઉન આંખો. 

            લાવણ્યાનાં ઉરજોની વધી ગયેલી ગતિ જોઈને સિદ્ધાર્થે હળવું સ્મિત આપ્યું અને ફરીવાર તેનું માથું તેનાં ઉરજો ઉપર મૂકી દીધું.

            લાવણ્યાએ તેનાં વાળ ચૂમ્યાં. ધીરે-ધીરે લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ અને કાન પણ ચૂમી લીધાં. તે સિદ્ધાર્થનો ચેહરો તેનાં બંને હાથમાં પકડીને તેની સામે ભીની આંખે જોઈ રહી.

            "આઇ મિસ્ડ યુ સો મચ....સિદ...!" લાવણ્યા ભીનાં સ્વરમાં બોલી.

            "અરે હજીતો એક દિવસ પણ પૂરો તું મારાં વગર નથી રહી....! એમાં આટલું મિસ...!?" સિદ્ધાર્થે લાવણ્યાને ચીડવી.

            "તને શું ખબર....!મારી શું હાલત થઈ જાય છે તને જોયાં વિનાં...!?" લાવણ્યાએ સહેજ આઘાં ખસીને ફરીવાર છણકો કર્યો.

            "તું આરીતે આઘી નાં જઈશને....!" સિદ્ધાર્થે લાવણ્યાની કમર પકડી પાછી પોતાની બાજુ ખેંચી અને તેને વળગી પડ્યો "અમ્મ....! તું બસ મને આમ વળગી રે'....! મને શાંતિ મળે છે....!"

            "ઓહ માય બેબી...!" લાવણ્યા પ્રેમથી સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવવાં લાગી "નેહા તને હોસ્પિટલમાં પણ ટોર્ચર કરે છે...!?"

            "એની તો હાજરીજ મને હવે ટોર્ચર જેવી લાગે છે..!" સિદ્ધાર્થ બોલ્યો "તું એની વાતજ નાકર....!" સિદ્ધાર્થે લાવણ્યાને વધુ જોરથી જકડી લીધી.

            "સારું..સારું...! છોડ એની વાત...! તું રિલેક્સ થા...!" લાવણ્યાએ તેનો બીજો હાથ તેની પીઠ ઉપર વ્હાલથી ફેરવ્યો.

            ક્યાંય સુધી લાવણ્યાએ સિદ્ધાર્થને એજરીતે આલિંગનમાં જકડી રાખ્યો. સિદ્ધાર્થ માટેની તેની ચિંતાથી તેનું મન મુક્ત થઈ જતાં તેનું મન હળવું થઈ ગયું અને હ્રદય શાંત થઈ ગયું. સામે લાવણ્યાને વળગવા મળતાં સિદ્ધાર્થનું મન હળવુંફૂલ થઈ ગયું. બધો સ્ટ્રેસ જાણે ઉતરી ગયો હોય એમ સિદ્ધાર્થ રિલેકસ થઈ ગયો.

            "તું આ બ્લેક ડ્રેસમાં બહુજ મસ્ત લાગે છે...!" મન હળવું થતાંજ સિદ્ધાર્થે લાવણ્યાની સામે જોઈને કહ્યું.

            "હેંને....!?" લાવણ્યા ખુશ થઈ ગઈ અને સહેજ આઘી ખસીને ગોળ-ગોળ ફરીને સિદ્ધાર્થને બતાવવાં લાગી "મને ખબર હતી....! તું મને આ ડ્રેસમાં જોઈને ખુશ થઈ જઈશ....!"

            "મનેતો તું કોઈપણ કપડાંમાં ગમે છે...!" સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાને તેની કમરમાંથી પકડીને પોતાની બાજુ ખેંચી. તેણે પોતાનો હાથ લાવણ્યાની કમર ઉપર સરકાવીને પાછળ સુધી લીધો.

            "ઓહ સિદ...!" લાવણ્યાનાં શ્વાસ ફરી વધી ગયાં અને તેનું શરીર ઝણઝણી ઉઠ્યું "તું જ્યારે મારી કમરને આરીતે પકડે છે...! મારું....! મારું આખું શરીર.......!"   

            લાવણ્યા ઊંડા-ઊંડા શ્વાસ ભરતી સિદ્ધાર્થ સામે મુગ્ધ નજરે જોઈ રહી.

            "તું બહુજ મસ્ત લાગે છે આજે...!" સિદ્ધર્થે ફરીવાર તેની સામે જોઈ મુગ્ધભાવે કહ્યું.

            થોડીવાર સુધી સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર તેની સામે જોઈ રહ્યો. લાવણ્યા પણ સિદ્ધાર્થ સામે એજરીતે જોઈ રહી.

            “સિદ....આઈ...!”

            "ખટ....ખટ...!" લાવણ્યા કઈંક બોલવાંજ જતી હતી ત્યાંજ કોઇકે રૂમનો દરવાજો ખોલવાનો પ્રયન્ત કર્યો.

            "દર વખતે આવુંજ થાય છે....!?" લાવણ્યા દરવાજા સામે જોઈને રડી પડી.

            "ઠક...! ઠક...!" લાવણ્યાએ દરવાજાની સ્ટોપર અંદરથી બંધ કરી હોવાથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરનારે દરવાજે ટકોરાં માર્યા.

            "તે દરવાજો બંધ કરી દીધો છે....!?" સિદ્ધાર્થને નવાઈ લાગી.

            "હાં...! નેહા આઈ જાય તો...!" લાવણ્યા હવે ગભરાઈ.

            "ઠક...! ઠક...!" દરવાજે ફરીવાર ટકોરાં પડ્યાં.

            "લાવણ્યા શું તું પણ....! જા દરવાજો ખોલ...!" સિદ્ધાર્થે ઉચાટભર્યા સ્વરમાં કહ્યું.

            "નાં...નાં...નેહા હશેતો....!?" લાવણ્યા હવે ફફડવાં લાગી.

            "તું....તું ચિંતાના કર...!" સિદ્ધાર્થ તેણે સમજાવવા લાગ્યો "હું સંભાળી લઇશ....! તું જા દરવાજો ખોલ..!"

            "નઈ....!નઈ...!" લાવણ્યા હવે રીતસરની ધ્રૂજવાં લાગી.

            "અરે...! તું ખોલ દરવાજો....! મેં કીધુંને....! હું જોઈ લઇશ...!"

            ધ્રૂજતાં પગે લાવણ્યા દરવાજા તરફ ગઈ. દરવાજા પાસે પહોંચીને લાવણ્યાએ તેનું હેન્ડલ પકડ્યું અને પાછું ફરીને સિદ્ધાર્થ સામે જોયું. સિદ્ધાર્થે ડોકી હલાવી તેને હિમ્મત આપી. છેવટે લાવણ્યાએ સ્ટોપર ખોલી અને હળવેથી દરવાજો ખોલ્યો.

***

            હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં આવીને નેહાએ સામેથી અક્ષયને કૉલ કર્યો.

             “હાં બોલ....!” ઊંઘમાંથી અક્ષયે ઉઠીને કૉલ રિસીવ કરતાં આળસભર્યા સ્વરમાં કહ્યું  “આટલાં મોડાં કેમ...!?”

            “કઈં વિચાર્યું....!? મારે હવે આગળ શું કરવું...!?”  નેહાએ યાદ અપાવ્યું.

            “એના માટે આટલાં મોડાં ફૉન કર્યો તે....!?” અક્ષયે આશ્ચર્યથી પૂછ્યું.

            “આવતીકાલે સવારે રિપોર્ટ્સ કરાયા પછી સિદ્ધાર્થને કદાચ ડિસ્ચાર્જ આપી દેશે....!” નેહા બોલી “ઘેર ગ્યાં પછી સુરેશ અંકલ બધી વાત ઉખેળશેજ ....ખાસ કરીને લાવણ્યાની....! એમણે એ બેયને કેમેરામાં જોયા ‘તા...યાદ છેને....! તો મારે શું જવાબ આપવાનો...!? મને કોઈ પૂછે તો...!? અને પૂછશેજ ...એની મને પક્કી ખબર છે....!”

            “હમ્મ....!” અક્ષય વિચારી રહ્યો હોય એમ બોલ્યો.

            “શું હમ્મ....!?” હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં બેચેનીપૂર્વક આંટા મારતાં-મારતાં નેહા સહેજ ચિડાઇને બોલી.

            “તો શું કઉ....!? સિદ્ધાર્થની આવી હાલતમાં પણ તારી ફેમિલી મેરેજની અને લાવણ્યાની પંચાત લઈને બેસે એવી છે એ ન’તી ખબર....!” અક્ષય સહેજ ટોંન્ટભર્યા સ્વરમાં બોલ્યો.

            “ઓ ભાઈ....! આરવનાં પગ કપાઈ ગ્યાં ‘તા...તોય મારી ફેમિલીએ મારી અને સિદની સગાઈ કરી દીધી હતી....!” નેહા પણ સામે એવાજ સ્વરમાં બોલી “એ વખતે આના કરતાં પણ વધારે સિરિયાસ સિચ્યુએશન હતી...તોય એ લોકોને આરવની જગ્યાએ સગાઈની પડી ‘તી....! એ લોકોને અમારી ખુશી કરતાં એમનો ઘમંડ વધારે વ્હાલો છે....!”

            “હમ્મ....!” અક્ષયે પાછો હુંકારો ભર્યો.

            “પાછું હમ્મ....!?” નેહા ફરીવાર ચિડાઈ.

            “અરે યાર વિચારું છું....!”

            “શું વિચારે છે તું....!? સવારનું કીધું છે તને...હજી નઈ વિચાર્યું તે....!?” નેહા ચિડાઈ ગઈ “શું કરું હું યાર....!?”

            “આખો દિવસ વિચાર્યું છે....બધાજ પાસાઓ વિચાર્યા પછી  મને એક જ ફાઇનલ રસ્તો દેખાય છે...! અને એ જ રસ્તે ચાલવા જેવુ પણ છે....!”

            “કેવો રસ્તો...!?” નેહાએ સહેજ આશ્ચર્યથી પૂછ્યું.

            "તું વિચાર્યા વગર નાં પાડી દેવાની હોય....કે મારી વાત સાંભળ્યા વગર જ નાં પાડી દેવાની હોય તો મારે નઈ કે’વું....!” અક્ષય ચેતવણી આપતો હોય એમ બોલ્યો.

            “એવો તો કેવો રસ્તો છે...!?” નેહાને હવે વધુ આશ્ચર્ય થયું “કે જેના વિષે તું આટલો શ્યોર છે...!?”

            “તારી બધી પ્રોબ્લેમ્સ એક સાથે સોલ્વ કરીદે એવો રસ્તો છે....!” અક્ષય બોલ્યો.

            “તું બોલીશ હવે.....!?” નેહા ચિડાઈ.

            “સિદ્ધાર્થ સાથે મેરેજ કરવાની “હાં” પાડી દે.....!”

            અક્ષય બોલ્યો અને નેહાનાં કાનમાં એ શબ્દો વિચારો રૂપે પડઘાવા લાગ્યાં.

            “સિદ્ધાર્થ સાથે મેરેજ કરવાની “હાં” પાડી દે.....!”

            “સિદ્ધાર્થ સાથે મેરેજ કરવાની “હાં” પાડી દે.....!”

 

■■■■

    “S I D D H A R T H”

Jignesh

instagram@siddharth_01082014