Destruction in Gujarati Moral Stories by Rakesh Thakkar books and stories PDF | વિનાશ

Featured Books
Categories
Share

વિનાશ

વિનાશ

- રાકેશ ઠક્કર

ધીમે ધીમે એ સમાચાર જંગલની આગની જેમ આખા વિશ્વમાં ફેલાઇ ગયા કે એક ઉલ્કાપિંડ ધસમસતો પૃથ્વી પર આવી રહ્યો છે. અવકાશમાં થયેલા અસામાન્ય ફેરફારને પગલે આ ઉલ્કાપિંડ પૃથ્વી પર આવીને પૃથ્વીનો નાશ કરી દેશે. ઉલ્કાપિંડ ધસમસતો પૃથ્વી પર આવી રહ્યો છે. અત્યાર સુધી એક વખત આવું બની રહ્યું હતું પરંતુ ધરતી પર આવે એ પહેલાં જ નષ્ટ થઇ ગયો હતો. આ વખતે એ ધરતી પર ટકરાશે અને મોટી તબાહી લાવશે એવી આગાહી થઇ ગઇ હતી. દેશ-વિદેશના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી દીધી કે આ વખતે દુનિયાનો વિનાશ રોકી શકાશે નહીં. અગાઉની ઉલ્કાપિંડની ઘટના પછી એમણે શોધ સંશોધન ચાલુ રાખ્યા હતા. પરંતુ એમાં સફળતા મળી નથી.

આ સમાચારથી સુબોધભાઇનો આખો પરિવાર વિચલિત હતો. દુનિયાના દરેક ઘરમાં સુબોધભાઇના પરિવાર જેવી જ બધાંની સ્થિતિ હતી. ટીવી ચેનલો પર સમાચાર આપતા વાચકો પણ હવે મોત નજીક આવી રહ્યું છે એ જાણી ગભરાઇ રહ્યા હતા. ઘણી ટીવી ચેનલોએ પોતાનું પ્રસારણ બંધ કરી દીધું હતું. પૃથ્વી પર આજે બધાંનો છેલ્લો દિવસ હતો અને એને દરેક જણ પોતાની રીતે જીવી લેવા માગતા હતા. ધીમેધીમે ટીવીનું પ્રસારણ બંધ થયું અને સુબોધભાઇના ઘરમાં એના પ્રત્યાઘાત પડવાના શરૂ થઇ ગયા.

સુબોધભાઇ સૌથી ઓછા વિચલિત હતા. પત્નીના અવસાનને પાંચ વર્ષ થઇ ગયા હતા. તેમને એ વાતની ખુશી હતી કે હવે તે પત્ની પાસે ઉપર જઇ રહ્યા છે. સુબોધભાઇનો મોટો પુત્ર રાઘવ જીવનના છેલ્લા કલાકો ગણાઇ રહ્યા છે એ હકીકતથી આઘાતમાં હતો. તેની પત્ની રાધિકા ચિંતામાં હતી. એમનો પાંચ વર્ષનો પુત્ર જેણે હજુ જીવનને જોયું કે માણ્યું નથી એ જેવિન પરિવારને હતપ્રભ જોઇ અચરજ પામી રહ્યો હતો. નાનો પુત્ર રાહિલ હજુ કુંવારો હતો. તે ઉલ્કાપિંડની ઘટનાથી ક્ષુબ્ધ હતો.

સુબોધભાઇ પરિવારને સાત્વના આપી રહ્યા હતા.

'આપણે જ નહીં આખી દુનિયા આ ઉલ્કાપિંડના હુમલામાં તહસનહસ થઇ જવાની છે. આપણે સમાચારમાં જોયું કે બ્રહ્માંડમાં ઘણાં બધા ઉલ્કાપિંડ બેકાબૂ થઇને ફરે છે. એમાંનો એક દુનિયા માટે મોતના સમાચાર લઇને આવી રહ્યો છે. તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના દાયરામાં આવીને પૃથ્વી સાથે ટકરાઇને ખતમ થઇ જવાનો છે. અને વિનાશ વેરી જવાનો છે. આપણે જીવનની આ છેલ્લી ક્ષણોને આનંદપૂર્વક વીતાવીએ એમાં જ ભલાઇ છે...'

'પપ્પા, મોત માથા પર ભમતું હોય અને તમે આનંદ માણવાની વાત કરો છો?' રાહિલ ગુસ્સામાં હતો.

'બેટા, આપણી પાસે બીજો રસ્તો પણ ક્યાં છે?' સુબોધભાઇ શાંત સ્વરે એને સમજાવવા લાગ્યા.

'તો પછી આજ સુધી દુનિયાના વૈજ્ઞાનિકોએ કર્યું શું? એમના સંશોધનો કોઇ કામ ના આવ્યા? એમણે આવી આફતનો ઉકેલ કેમ ના શોધ્યો?'

'બેટા, એમના સંશોધનનું જ તો આ ફળ છે કે આપણાને થોડા કલાકો પહેલાં પણ જાણ થઇ કે હવે આ દુનિયાનો નાશ થવાનો છે...'

'પપ્પા, એનો અર્થ શું છે? માણસ ઉંઘમાં મરી જાય કે હાલતા-ચાલતાં એટેકથી મરી જાય એમાં કોઇ ફરક નથી...? આવી જાણ કરીને તેમણે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. કોઇ પોતાની અધુરી ઇચ્છાઓ પૂરી કરી શકે એટલો સમય નથી...'

રાહિલને સાથે આપતાં રાઘવ બોલ્યો:'પપ્પા, આ તો એવું થયું કે અચાનક તમારી કમર પર એક ટાઇમબોમ્બ બાંધી દીધો અને કહી દીધું કે તમારો સમય આટલા કલાક પછી પૂરો થવાનો છે...'

'બેટા, આ ટાઇમ બોમ્બ બનાવનાર માનવીઓ જ છે. એ ટાઇમ બોમ્બનું નિર્માણ થતું અટકાવી શક્યો હોત તો કદાચ આવી સ્થિતિ ન પણ આવી હોત. આપણે પર્યાવરણનો જે વિનાશ કર્યો છે એના પ્રતાપે પૂર, વાવાઝોડું અને બીજી અનેક કુદરતી આપત્તિઓને સામે ચાલીને બોલાવી છે. એ ઓછો વિનાશ કરતી હતી. આ ઉલ્કાપિંડ સમગ્રનો વિનાશ કરશે...અને આ બધું આપણી બેલગામ ઇચ્છાઓનું જ પરિણામ છે. ઇચ્છાઓનો કયારેય અંત આવતો નથી. એક પૂરી કરો તો બીજી એકસો થાય છે...'

'પપ્પા, જો વિકાસ ના થાય તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકે? એણે હાથથી હાથ જોડીને બેસી રહેવાનું હતું? આજે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઇ છે?' રાહિલ બોલ્યો.

'અને છેવટે તો વિનાશની કગાર પર જ આવી ગઇ છે ને? પણ હું કહું છું કે આપણે આવી બધી નકામી ચર્ચા કરીને આ છેલ્લી ક્ષણોને શા માટે વેડફીએ? આવો... સૌ સાથે મળીને પ્રભુનું સ્મરણ કરીએ. એમ પણ બને કે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે અને આ વિનાશને અટકાવી દે...'

'તમે સમાચારમાં ના સાંભળ્યું પપ્પા? વૈજ્ઞાનિકોએ હાથ ઉંચા કરીને કહી દીધું છે કે દુનિયાની કોઇ શક્તિ આ ઉલ્કાપિંડને પડતાં રોકી શકે એમ નથી. એક ટકાની પણ બચવાની શક્યતા નથી. અને પ્રભુ આપણું સાંભળતા હોત તો લોકો આટલા દુ:ખી ના હોત. તમે જ કહોને આટલા વર્ષોની ભક્તિ પછી તમારા જીવનમાં આવતા દુ:ખ ઓછા થયા છે?' રાહિલના ઉગ્ર શબ્દો દઝાડે એવા હતા.

'બેટા, દુ:ખ તો આપણા માની લીધેલા છે. તારી મા મરી ગઇ ત્યારે મને દુ:ખ થયું હતું. સાથે એ વાતની ખુશી હતી કે તે કોઇપણ જાતની બીમારીથી માનસિક અને શારીરિક રીતે હેરાન થયા વગર આ દુનિયામાંથી જતી રહી. દરેકના જીવનનો સમય નક્કી હોય છે. એ કારણે દુ:ખી થવાની જરૂર નથી. અને આ દુ:ખ પ્રભુ આપે છે એમ તું માનતો હોય તો એ જાણી લે કે એ જ દુ:ખને સહન કરવાને શક્તિ આપે છે. એ આપણી પરીક્ષા લેતો હોય છે...આપણે આનંદ એવી વસ્તુઓમાં શોધીએ છીએ જે છેલ્લે દુ:ખનું કારણ બને છે...' સુબોધભાઇ આંખો મીંચી પ્રભુનું સ્મરણ કરી રહ્યા.

સુબોધભાઇને શાંત થયેલા જોઇ રાહિલ કહે:'પપ્પા, અત્યારે પ્રભુનું સ્મરણ કરવાને બદલે હું મોબાઇલમાં ગેમ રમું તો મને વધારે આનંદ આવે એમ છે...'

'બેટા, હું એ જ સમજાવવા માગું છું. મને પ્રભુના સ્મરણમાં સાચો આનંદ અને શાંતિ મળે છે. એ ચિરસ્થાયી હોય છે. પ્રભુ સાથે હું અનુસંધાન કરું છું ત્યારે મને આખી દુનિયાની ચિંતા થતી નથી. અમે બંને એકલા જ હોય છે. તું ગેમ રમીશ તો તને આનંદ મળશે પણ એના પરિણામો અંગે ભલે હવે કોઇ અર્થ નથી પણ તું વિચાર કર કે એમ કરવાથી તારી આંખો પર કેટલો તણાવ આવશે. તારા મગજમાં એ ગેમના પાત્રો કે સાધનો જે હશે એનો પ્રભાવ પડશે. તારા તન અને મનની કેટલી બધી ઉર્જા વ્યર્થ જશે. એની અસરો કેટલી ખરાબ હશે. જ્યારે આંખો બંધ કરીને હું પ્રભુભક્તિમાં લીન થઇ જઇશ તો મને તન-મનમાં પરમ શાંતિનો અને આનંદનો અભૂતપૂર્વ અનુભવ થશે. એ ચિરકાલીન હશે. મને તનમાં ઉર્જાનો અનુભવ થશે. તું ભલે એવું માનતો હોય કે ભગવાન જેવું કંઇ નથી પણ મારી આ શ્રધ્ધાથી મને સારું લાગતું હોય તો એમ કરવામાં વાંધો શું છે?'

સુબોધભાઇ પ્રભુ સ્મરણ કરવા લાગ્યા. ધીમેધીમે એમને રાધિકા અને જેવિનનો સાથ મળ્યો. રાઘવ અને રાહિલ એકબીજા સામે જોઇ રહ્યા.

'તું રંગાઇ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં રાધેશ્યામ તણા રંગમાં...' એ ભક્તિ ગીતની અસર હોય એમ બંનેના હાથ આપોઆપ જોડાઇ ગયા. અને એમની સાથે સૂર પુરાવવા લાગ્યા:'આતમ એક દિન ઉડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં... તું રંગાઇ જાને રંગમાં...'

ખાસ્સીવાર સુધી ભજનમાં, ભક્તિભાવમાં રંગાયા પછી બધાએ આંખો ખોલી. દરેકના મનમાં શાંતિના ભાવ હતા. ઉલ્કાપિંડથી દુનિયાનો વિનાશ થવાનો હતો પણ એને એનું કામ કરવા દઇ એ વાતથી અલગ રહીને જીવનના અંતિમ સમયને માણી રહ્યા હતા. બહારની દુનિયામાં શું બની રહ્યું છે એ જાણવાની કોઇને જરૂર રહી ન હતી. બધાંની અંદરની દુનિયામાં અજવાળું થઇ ગયું હતું.

ત્યાં દરવાજો ખખડ્યો. સુબોધભાઇએ ઇશારાથી કહ્યું કે હું જઇને ખોલું છું.

તેમણે દરવાજો ખોલ્યો અને જોયું કે લઘરવઘર કપડાંમાં લંગડો ભિખારી ભોજનની આશ લઇને ઉભો હતો.

સુબોધભાઇએ તેને બેસવાનું કહ્યું અને ઘરમાં જઇ વહુ રાધિકાને સાથે રાખી અનાજ-કઠોળ અને બીજી ખાવાની વસ્તુઓનું ઉંચકાય એટલું પોટલું બાંધી લીધું.

સુબોધભાઇએ એ પોટલું ભિખારીને આપ્યું ત્યારે એણે નવાઇથી પૂછ્યું:'સાહેબ, આટલું બધું કેમ? મારે તો અત્યારના એક ટંક પૂરતું જ જોઇએ છે. આવતીકાલની ચિંતા હું કરતો નથી. એ મને ભૂખ્યો ક્યારેય સુવાડતો નથી...'

"ભાઇ, તને ખબર નથી કે થોડા કલાકોમાં આ દુનિયાનો વિનાશ થવાનો છે? એક ઉલ્કાપિંડ પૃથ્વી પર ધસમસતું આવી રહ્યું છે. આપણો પિંડ થોડા જ કલાકોમાં આ ધરતીમાં મળી જવાનો છે. અમારે આ બધી વસ્તુઓની હવે કોઇ જરૂર નથી...તને ભાવે એ જમવાનું બનાવીને ખાઇ લેજે...'

ભિખારીએ પોટલું પરત આપી દેતાં કહ્યું:'સાહેબ, તમારો આભાર. પણ હવે મારે કોઇ વસ્તુની જરૂર નથી. જીવનની આ છેલ્લી ક્ષણોમાં હું કોઇનું વધુ એક અહેસાન લેવા માગતો નથી...જેણે જીવન આપ્યું છે એ લઇ લે એના જેવું રૂડું શું?'

ભિખારી તરત જ પાછો વળી ગયો.

સુબોધભાઇએ જોયું કે તેની પાછળ આવીને આખો પરિવાર ભિખારીની વાત સાંભળતો હતો. બધાં સુબોધભાઇને ભેટી પડ્યા.

***