Angat Diary in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - આપણે દુઃખોને કેમ પકડી રાખ્યા છે?

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

અંગત ડાયરી - આપણે દુઃખોને કેમ પકડી રાખ્યા છે?



શીર્ષક : આપણે દુ:ખોને પકડી કેમ રાખ્યા છે?
©લેખક : કમલેશ જોષી

એક વડીલે કહ્યું, "દુ:ખોએ આપણને નહિ આપણે દુ:ખોને પકડી રાખ્યા છે." તમે સમજ્યા? હું તો સમજતો હતો કે દરેક વ્યક્તિ દુઃખોથી છુટકારો મેળવવા મથી રહ્યો છે. સુખના સરનામા અને હાવ ટુ બી હેપી ઇન ૨૧ ડેઝને સર્ચ કરતા મારા-તમારા જેવા લાખો લોકોના માન્યામાં ન આવે એવી આ વાત હતી. આપણે થોડા દુઃખને પકડી રાખીએ! દુઃખ જ આપણો પીછો નથી છોડતું એટલે તો આપણે દુ:ખી છીએ. વડીલે સમજાવ્યું: દુઃખ એટલે શું? ન ગમતું વાક્ય, વિચાર, ઘટના, વ્યક્તિ કે સંવેદન એટલે દુઃખ. અને પકડવું એટલે શું? યાદ રાખવું, જીવંત રાખવું, પાણી પાઈને ઉછેરવું, મોટું કરવું. આપણને ‘ઘા’ આપનાર ‘ક્ષણ’ બે મિનિટ કે બે દિવસ કે બે મહિના પૂરતી જ આવી હોય છે પરંતુ આપણે વર્ષો સુધી, દશકાઓ સુધી એ ‘ક્ષણ’ને ‘છોડતા’ જ નથી, એને યાદ કરી-કરીને, એ ઝખ્મને ખંજવાળી ખંજવાળીને એ પીડાદાયક, એ હૃદય વલોવતી વેદનાને જીવંત રાખીએ છીએ.

તમે દસ વર્ષના હતા ત્યારે તમારું ગમતું રમકડું કોઈએ તોડી નાખ્યું કે વીસ વર્ષની ઉંમરે તમારા ‘ડુ યુ લવ મી?’ પ્રશ્નનો જવાબ ગમતા પાત્રે ‘નો’માં આપ્યો કે ત્રીસ વર્ષની ઉંમરે તમારી પહેલી મસ્ત નોકરીમાંથી કાવતરું કરી તમને હાંકી કાઢવામાં આવ્યા એ ઘટના છેક એંસી વર્ષે પણ તમારા હૃદયને પજવ્યા કરે એમાં કોનો વાંક? તમારું ગમતું રમકડું તૂટી ગયા પછી તમને એથીયે વધુ સારું અને મોંઘુ રમકડું લાવી આપવામાં આવ્યું હતું કે તમારા પ્રેમનો ‘અસ્વીકાર’ કરનાર એ પાત્ર કરતા તમે જેની સાથે લગ્ન કર્યા એ જીવનસાથી ઘણી બાબતોમાં ચઢિયાતા હોય કે તમારી છુટેલી નોકરી બાદ વધુ સારી અને વધુ આવકવાળી નોકરી તમને મળી હોય એ અનેક ગણી ‘સુખ’ અને ‘ખુશી’ આપનારી બાબતોનું આકર્ષણ કે ચાર્મ પેલી ‘દુ:ખદ’ ઘટનાઓની સામે સાવ નગણ્ય હોય એમ એ ઘટનાઓના જાપ હું અને તમે જપી-જપીને એ નાસી છૂટવા માંગતી દુઃખદ ઘટનાઓને બંને હાથથી સજ્જડ પકડી રાખીએ છીએ એમાં કોનો વાંક?

એક સંતે સમજાવ્યું: આપણા હાથના પંજાની રચના એવી છે કે એમાં માત્ર ‘પકડવાની’ વ્યવસ્થા છે ‘છોડવાની’ નથી. તમે તમારા હાથનો પંજો જુઓ. બંને હાથ મિલાવી જુઓ, આંગળીઓ એક બીજાને પકડવા, મજબુત રીતે પકડી રાખવા ‘ભીડાઈ’ જશે. પકડવું એ સહજ છે. છોડવું અસહજ છે. દુઃખદ છે. એ એટલી હદ સુધી કે આપણે ‘દુઃખને છોડતા’ પણ દુઃખ અનુભવીએ છીએ એટલે દુઃખ છોડતા જ નથી, પકડી રાખીએ છીએ, દિવસો, મહિનાઓ, વર્ષો સુધી, આજીવન. કિશોર કે મુકેશના સેડ સોંગ્સના આખેઆખા જ્યુક બોક્સ આપણી કેટલીયે એકાંત ક્ષણોને ‘ભાવભીની’, 'અશ્રુભીની’ બનાવતી આપણા પેલા ઝખ્મોને ખોતરતી, આપણને પેલી ભૂતકાળની એ ‘ક્ષણિક’ ઘટનાઓનો પુન: પુન: અનુભવ કરાવતી રહે છે. એ ગીતો આપણને ગમે છે એનું એક કારણ એ પણ છે કે એ ગીતો ફરીથી એ વિસરાઈ જવા, વિદાય લેવા માંડેલી પેલી ‘દુઃખદ ક્ષણો’ પરની આપણી ‘પકડ’ મજબુત કરી દે છે.

એક વડીલે ઉકેલ કહ્યો: વ્યસ્ત રહો મસ્ત રહો. એમણે પ્રેક્ટીકલ કરી બતાવ્યું. એમણે બે ગીફ્ટ બોક્સ મારા બંને હાથમાં પકડાવ્યા પછી કચરાથી ભરેલી ટોપલી મારી તરફ લંબાવી ‘લે આ કચરાની ટોપલી પકડ’ કહ્યું. મારા બંને હાથ ‘ફ્રી’ નહોતા. મેં મારી અસમર્થતા દર્શાવી. એ હસી પડતા બોલ્યા ‘સમજાયું?’ તારા બંને હાથ ખુશીઓની ગીફ્ટ પકડવામાં ‘વ્યસ્ત’ છે એટલે કચરાનું ‘દુ:ખ’ તું ચાહે તો પણ ‘પકડી’ શકે એમ નથી. એ આપોઆપ તારે ‘છોડી’ દેવું પડ્યું. જીવનની મિનિટે મિનિટ ‘ખુશીઓ’થી છલોછલ ભરવાની ‘કળા’ જેને આવડી જાય એને કોઈ ‘દુઃખી’ કરી ન શકે. તમારી આસપાસ નજર ફેરવશો તો એવા લોકો તમને મળી આવશે જે ‘ખુલ્લા મને હસતા’, ‘મોટા અવાજે ગાતા’ ખુશીઓથી છલકાઈ રહ્યા હોય. જો સહેજ ખોતરશો તો ભૂતકાળમાં એમણે ‘અસીમ દુ:ખ’ની બહુ મોટી ક્ષણો વખતે ‘ચોધાર આંસુએ’ રડી લીધું હશે. આવા હસમુખા વ્યક્તિઓને ‘જિંદગી જીવવાની સાચી કળા’ આવડી ગઈ હોય છે.

એક મિત્રે કહ્યું: આપણી આસપાસ પણ કેટલાક એવા દુઃખી આત્માઓ રહેતા હોય છે જે સતત આપણી ‘ખોડખાપણ’નો ઉલ્લેખ કરી પેલી ‘ક્ષણો’ને ખોતરતા હોય છે. એ લોકો કાં ભૂતકાળનું દુઃખ યાદ કરાવે અને કાં તમારા વર્તમાનની કોઈ ખામીનો ઉલ્લેખ બહુ ચતુરાઈથી, રૂમાં વીંટીને, રૂપાળી રીતે કરવાની ‘કળા’માં પારંગત હોય છે. ‘તમે ગાડી લીધી, પણ બા બિચારા એ સુખ માણી ન શક્યા નહિ?’ એવો પ્રશ્ન પૂછી તમે લીધેલી નવી નક્કોર ગાડીના તમારા હરખ પર પાણી ફેરવવાનો પિશાચી આનંદ જ આવા લોકોની ‘મરણમૂડી’ હોય છે. ‘તમે બંગલો બનાવ્યો પણ તમારા બાએ પારકા કામ કરી તમને ભણાવ્યા’ એવો ઉલ્લેખ સાંભળી તમને પોતાને ખબર ન પડે કે આ વાક્ય ‘સુખી’ થવા જેવું છે કે ‘દુ:ખી’? જોકે આપણી વિચિત્રતા પણ એ છે કે આપણને આપણા ‘વખાણ’ કરતા ‘ટીકા-ટીપ્પણી’ની અસર વધુ થતી હોય છે. કોઈ આપણને ‘વેરી ગુડ’ કહે તો એ રૂટીન જેવું લાગે અને ‘તમે વચ્ચે બે ભૂલ કરી હતી નહિ?’ એવું કહે તો એ દિલથી કહેવાતું હોય એવું લાગે છે. આપણને ‘રાઉસ’ કે ‘હતોત્સાહ’ કરનાર ‘શલ્યવૃત્તિના લોકો’ને ‘રાજી’ કરવા મથવાને બદલે આપણને ‘ઉત્સાહિત’ કરનાર ‘કૃષ્ણવૃત્તિ’ના લોકોને ‘માણવાની’ કળા આપણે કેળવી શકીએ તો ભયો ભયો.

કોલસાની ખાણમાં જઈ આવનાર જેમ કાળો ડાઘ લગાડી આવે અને અતરની દુકાનમાં ફરી આવનાર ‘સુગંધિત’ થઈ આવે એમ જ બીજાને ‘ઉત્સાહિત’ કરનારની ભીતરે પણ ‘ઉત્સાહનું ઝરણું’ ફૂટી નીકળતું હોય છે અને બીજાને ‘તોડી પાડનારાઓ’ના જીવનમાં ઘોર નિરાશા અને હતાશા છવાઈ જતા હોય છે. મોટી ઉંમરે પણ જોલી નેચર, નાચવા-ગાવાનો થનગનાટ અને ચહેરા પર સાચુકલું ખડખડાટ હાસ્ય એ પણ એક પ્રકારનું ‘કૃષ્ણત્વ’ જ છે હોં. રડવું અને રડાવવું એ ‘દુઃખ, દરિદ્રતા’ ને પકડવાની પૂજા પદ્ધતિઓ અને ‘હસવું અને હસાવવું’ એ ‘સુખ, સમૃદ્ધિ’ને આકર્ષવા ના મંત્રજાપ સમજી આજનો દિવસ એકસો આઠ વખત ‘હસીએ’ અને ‘હસાવીએ’ તો કેવું?
- kamlesh_joshi_sir@yahoo.co.in