Angat Diary in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - જીવનનું ચકડોળ

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

અંગત ડાયરી - જીવનનું ચકડોળ



શીર્ષક : જીવનનું ચકડોળ
©લેખક : કમલેશ જોષી

મેળો એટલે બાળકો, યુવાનો માટે જાણે પૃથ્વી પર ઉતરી આવેલું સ્વર્ગ. ઢીંગલા, ઢીંગલી, પે-પે વાગતા પિપૂડા, ફુગ્ગાવાળો ફેરિયો, ચોકોબાર-મેંગોડોલીનો સ્ટોલ, ભેળ, રગડા પેટીસની રેકડીઓ, ફજર ફાળકા, ટોરાટોરા, મોતનો કૂવો અને માઇકમાં થતી ખોવાઈ ગયા અને મળી ગયાની જાહેરાતો.

બાળપણમાં અમે ફૅમિલી સાથે મેળામાં જતા. મમ્મી કે પપ્પાની આંગળી પકડી ચોતરફ ડોકી તાણી જોતા જોતા જવાની એટલી બધી મજા આવતી કે ન પૂછો વાત. યુવાનીમાં મિત્રો સાથે મેળામાં જતા ત્યારે મોટાં પચીસ-પચાસ કેબિનો વાળાં મેળામાં બેસવાની સાહસિક મજા સાવ અલગ જ હતી. નીચેથી ધીમે ધીમે અમારી કેબીન ઉપર જતી તેમ તેમ જાણે અમે અમીર માણસ, રાજા રજવાડાના રાજકુમાર હોઈએ એવો અહેસાસ થતો. સાવ ટોચ પર કેબિન પહોંચતી ત્યારે આખી દુનિયા જાણે અમારી નીચે હોય, અમે આખી દુનિયાના રાજા હોઈએ એવો ખુમાર મનમાં ભરાઈ જતો. ધીરે ધીરે મેળો ફરતો એમ ટોચ છોડી નીચેની તરફ જતા ત્યારે સહેજ આંચકો લાગતો, જાણે સુરજ ડૂબી રહ્યો હોય, જાણે દરિયામાં ઓટ આવતા પાણી નીચે જઈ રહ્યા હોય એવું લાગતું. પણ થોડી જ ક્ષણોમાં ફરી ઉર્ધ્વગમનની ક્ષણો આવી પહોંચતી.

જિંદગી પણ કેટલીક સુખદ અને કેટલીક દુઃખદ ઘટનાઓનો સરવાળો છે. સુખદ ઘટનાઓ માણસને ઉપર, હવામાં ઉડતો કરી દે અને દુઃખદ ઘટનાઓ માણસને નીચે, જમીન પર પટકે. નિશાળમાં પહેલો નંબર આવે એટલે આપણે હવામાં ઉડીએ અને સાયકલમાં પંચર પડે તો જમીન પર, નોકરી મળે એટલે ફરી હવામાં અને અંગતનું અવસાન થાય એટલે ફરી જમીન પર, લગ્ન થાય એટલે ફરી હવામાં અને સાસુ વહુના ઝઘડા થાય એટલે ફરી જમીન પર, ચરર..ચરર... અવાજ કરતું આમ જ જીવન ચકડોળ ચાલ્યા કરે. તમે પણ તમારી આસપાસના લોકોને, અંગતો, પરિચિતોને જોશો તો કોઈ ઉત્સાહ અને થનગનાટ સાથે હવામાં ઉડતા તો કોઈ રુદન, નિરાશા અને હતાશાથી ઘેરાયેલા જમીનદોસ્ત દેખાઈ આવશે. એક દોસ્ત તરીકે તમામ જમીનદોસ્તોને કહેવું છે કે બહુ ટૂંક સમયમાં આ સમય વીતી જશે અને તમે ફરી ઉપર આવવા માંડશો.

એવું એકેય ચકડોળ નથી જેની કેબિન હંમેશા નીચે જ રહે. એવું એકેય જીવન નથી જેમાં એકલા દુઃખ, દુઃખ અને દુઃખ જ હોય. પણ આપણું મન પણ ભારે અવળચંડું છે. ઘણા લોકોને દુઃખમાં તો દુઃખી થવાની આદત હોય છે પણ સુખમાં પણ દુઃખી થવાની આદત હોય છે. ‘આજ સારો દિવસ છે, પણ પહેલા તો કેવો સંઘર્ષ વેઠ્યો હતો’ એમ કહી એવા લોકો સુખના તમામ દિવસો પેલો સંઘર્ષ જ યાદ કર્યા કરતા હોય છે. એમાંને એમાં ફજર આગળ ફરતા એમની અધોગતિ શરુ થાય છે અને ફરી નીચે જમીન તરફ, દુઃખની દિશામાં એ લોકો ખોવાઈ જાય છે. ઘણા એનાથી વિપરીત મનમોજીલા અને સંતોષી માણસો એવાંયે હોય છે જેમણે દુઃખમાં પણ સુખી રહેવાની કળા શીખી લીધી હોય છે. એમના હસતા ચહેરા પર જાણે બોર્ડ લટકતું હોય છે: 'નો રોદણાં પ્લીઝ.'

ઘણાં લોકો એવાંયે હોય છે જેમને ચકડોળમાં બેસવાની બીક લાગતી હોય છે. એમને ઉપર-નીચે થતા ચકડોળમાં ચક્કર આવતા હોય છે કે ઉલટી થઈ જતી હોય છે. ફૂલ ઐસે ભી હૈ જો ખીલે હી નહી, જિનકો ખીલને સે પહલે ફિઝા ખા ગઈ. ફૅમિલી કે મિત્ર મંડળ જયારે ચકડોળમાં ચઢતું હોય ત્યારે એ સામે ઊભા ઊભા કે એમને જોતા ભીતરી વસવસા સાથે હસતા હોય છે. લગ્ન જ નથી કરવા કે કોઈ હરીફાઈમાં જ નથી ઉતરવું કે જિંદગી જ નથી જીવવી એવો નિશ્ચય કરી બેઠેલા આવા લોકો જો ભીતરે સંતત્વ કેળવી શકે તો તો ભયો ભયો પણ જો એમ ન થયું તો લૂંટ ગયો, બરબાદ થઈ ગયો. તમે જીવનના મેળામાં આવ્યા છો એટલે જીવન ચકડોળ તો ફરી ને જ રહેશે. કોઈ ચોઇસ જ નથી. પહેલો શ્વાસ લીધો એટલે તમે ચકડોળમાં ચઢી જ ગયા છો. હવે ચઢાણ વખતનો નશો અને ઉતરાણ વખતની બીક, ગમ માણ્યા વિના છૂટકો જ નથી. તમારી આસપાસ જુઓ, કેટલા બધા ચકડોળે ચઢી ચિચિયારીઓ પાડી રહ્યા છે.

કોઈ ગેસનો બાટલો ખાલી થતા એ ભરાવવા બરાડા પાડતું ભાગી રહ્યું છે, તો કોઈને ત્યાં મહેમાન આવ્યા હોવાથી મીઠાઈ લેવા હોંશે હોંશે દોડી રહ્યું છે, કોઈને ત્યાં પાણી ન આવ્યું હોવાથી છકડો કે ટેન્કર મંગાવવું પડે એમ છે, તો કોઈના ઘરમાં પાણી ઘૂસી ગયા હોવાથી બુમાબુમ ચાલુ છે. કોઈને ત્યાં બાળક જન્મની કિલકારીઓ ગુંજી રહી છે તો કોઈને ત્યાં મૃત્યુ ની મરણપોક મુકાઈ છે. ચીસાચીસ, બુમાબુમ, ચિચિયારીઓ ચાલુ જ છે. ચકડોળ ચાલુ જ છે.
મેળામાં છેલ્લે જયારે ચકડોળ અટકતું ત્યારે એમાંથી ઉતરવાનો સમય આવી જતો. સૌના ચહેરા પર ખુશી, આનંદ અને રાજીપો જોવા મળતા. એ આનંદ હતો એક સાથે સુખ-દુઃખ માણવાનો, એક સાથે હસવા-રડવાનો, એક સાથે બુમાબુમ કરવાનો, સમજો ને સેમ ફીલિંગ્સનો એ આનંદ અનેરો હોય છે. એકલા એકલા બૂમો પાડવામાં કે ચીસો પાડવામાં કોઈ પાગલ ગણે, અને એમાં એવી મજાયે નથી. એક સાથે થતી અનુભૂતીનો ઇઝહાર કે પ્રદર્શન એ એક પ્રકારનું મેડીટેશન જ છે. મેડીટેશન માં એક સૅશન એક સાથે નાચવા કૂદવાનું પણ આવે છે.
જીવન ચકડોળના કાયમી મેળામાં આપણે સૌ આમ જ મેડીટેશનનો આનંદ માણતા રહીએ, રામના નામની સત્યતાનો સતત અનુભવ કરતા રહીએ તો ચકડોળ અટકે ત્યારે ચકડોળ છોડી જતી વખતે, સત્સંગમાંથી રજા લેતી વખતે ખુદ રામ આપણને પુષ્પક વિમાનમાં તેડવા આવ્યા હોય અને કહે: "વાહ દીકરા, બહુ મસ્ત જીવ્યો."

- kamlesh_joshi_sir@yahoo.co.in