Dayanand spy in Gujarati Detective stories by Rakesh Thakkar books and stories PDF | દયાનંદ જાસૂસ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

દયાનંદ જાસૂસ

દયાનંદ જાસૂસ

-રાકેશ ઠક્કર

હરેશભાઇ પોતાના પિતાના મોતની તપાસનો કેસ લઇને દયાનંદ જાસૂસની ઓફિસ પર પહોંચ્યા. દયાનંદ જાસૂસની ઓફિસ પર એક બોર્ડ લટકતું હતું. જેમાં લખ્યું હતું કે, "દયા-માયા છોડી સત્ય શોધી આનંદ આપતો જાસૂસ એટલે દયાનંદ"

હરેશભાઇને તેમના એક મિત્રએ દયાનંદનું સરનામું આપ્યું હતું. અને તેના ભરપેટ વખાણ કર્યા હતા. સાથે એમ પણ કહ્યું હતું કે તેનું પેટ મોટું છે મતલબ કે તેની ફી વધારે છે. એ કામ દિલ દઇને નહીં પણ દિમાગ લગાવીને એટલું સચોટ રીતે કરે છે કે જ્યારે કેસ પૂરો થાય ત્યારે એમ લાગે કે તેની ફી વધારે નહીં વ્યાજબી હતી. બીજા ઘણા લોકો જાસૂસના પાટિયા લગાવીને કામ કરે છે. એમની પાસેથી આપણે જે સત્ય બહાર લાવવું છે એની ખાતરી મળતી નથી.

એક અઠવાડિયા પહેલાં હરેશભાઇના પિતા મોતીચંદનું એક હોટલમાં મોત થયું હતું. પોલીસના ચોપડે એ મોત આત્મહત્યા તરીકે નોંધાઇ ચૂક્યું હતું. પણ હરેશભાઇને ખાતરી હતી કે પિતા આટલા કાયર બને જ નહીં. એમના મોતને આત્મહત્યા તરીકે સ્વીકારી શકાય એમ નથી. એની તપાસ તો કરાવવી જ જોઇએ. પોલીસને આવા કેસમાં કોઇ રસ ન હતો. આમ પણ એમની પાસે ઘણા કેસોની ફાઇલોનો થપ્પો થઇ ગયો હોય ત્યારે આવા નાના કેસ ઉકેલાવાથી કોઇ ફરક પડવાનો ના હોય ત્યારે તેને બંધ જ કરી દેતા હોય છે. હરેશભાઇને ત્યારે વિચાર આવ્યો કે કોઇ ખાનગી જાસૂસને આ કેસ સોંપવો જોઇએ. હરેશભાઇને દયાનંદ જાસૂસની આજની એપોઇન્ટમેન્ટ મળી હતી.

હરેશભાઇને લગભગ દસ મિનિટ પછી દયાનંદ જાસૂસ તરફથી તેમની ચેમ્બરમાં બોલાવવામાં આવ્યા. હરેશભાઇએ જોયું કે દયાનંદ જાસૂસ અપટુડેટ સૂટમાં હતા. તેમના માથા પર જાસૂસો પહેરે એવી હેટ ન હતી. પણ કાળા ચશ્મા જરૂર હતા. દયાનંદ જાસૂસની બાજુમાં એક છોકરી બેઠી હતી. સુંદર અને પાતળી દેખાતી એ છોકરીનું નામ લીલી હતું એ હરેશભાઇએ જાણી લીધું હતું. હરેશભાઇને સામે બેસવાનું કહી દયાનંદ જાસૂસે પોતાના કાળા ચશ્મા ઉતાર્યા અને તેમના શરીરનું સ્કેનિંગ કરતો હોય એમ એક નજર ઝડપથી ઉપરથી નીચે સુધી નાખી. પછી આવવાનું પ્રયોજન પૂછ્યું. હરેશભાઇએ કહ્યું કે મારા પિતા મોતીચંદ એક હોટલમાં સમય ગાળવા ગયા હતા અને ચામાં ઝેર નાખી આત્મહત્યા કરી હતી. પોલીસની અને પોસ્ટમોર્ટમની આ હકીકત સામે મારી પાસે કોઇ દલીલ નથી. પણ મારા પિતા આત્મહત્યા કરે એટલા મનના નિર્બળ ન હતા. તેમને કોઇ વાતની ચિંતા ન હતી કે કોઇ વસ્તુનો અભાવ ન હતો.

હરેશભાઇની વાત સાંભળી દયાનંદ જાસૂસે બે મિનિટ માટે કાળા ચશ્મા પહેર્યા અને કાઢી નાખ્યા. દયાનંદ જાસૂસ કોઇ કેસ વિશે વિચાર કરવા માગે ત્યારે આમ કરતો હતો. યુવાન વયમાં એક જાસૂસ તરીકે તેની સિધ્ધિ અને પ્રસિધ્ધિ આવી કેટલીક ટ્રીકને કારણે જ હતી.

દયાનંદ જાસૂસ કહે,"હરેશભાઇ, હું તમારો કેસ લેવા તૈયાર છું. તમે મોટી રકમ ખર્ચીને પિતાના મોતનું રહસ્ય ઉકેલવા માગો છો એ હકીકત જ મને એવી આશા આપી રહી છે કે જરૂર કોઇ બીજું કારણ નીકળશે. તમે એડવાન્સ રકમ જમા કરાવી દો. આવતીકાલે આપણે ફરી મળીશું. તમે સમય લઇને આવજો. અને હા... તમે મને કામગીરી સોંપી છે એની જાણ તમારી પત્ની, ભાઇ-ભાભી કે બીજા કોઇ મિત્ર-સંબંધીને તો ઠીક તમારા દિલને પણ કરતા નહીં! તો જ કેસનું સાચું પરિણામ આવી શકશે."

"જી, દયાનંદ સાહેબ.." કહી હરેશભાઇએ રજા લીધી.

હરેશભાઇએ ઘરે આવીને જોયું તો મોબાઇલમાં ઘણા બધા વોટસએપ મેસેજ હતા. એમાં દયાનંદ જાસૂસની ઓફિસ તરફથી કેટલીક માહિતીની તૈયારી સાથે આવતીકાલે આવવાની સૂચના હતી. હરેશભાઇએ બધી માહિતી વાંચી લીધી અને છેલ્લી સૂચના મુજબ એ બધા મેસેજ ડિલિટ કરી નાખ્યા.

બીજા દિવસે નક્કી કરેલા સમય પર હરેશભાઇ દયાનંદ જાસૂસની સામે હાજર હતા. તેમની સામે પ્રશ્નોનો દોર શરૂ થઇ ગયો.

"મોતીચંદભાઇની વસિયતની શું સ્થિતિ છે?"

"એમણે એક અઠવાડિયા પહેલાં જ વસિયત બનાવી લીધી હતી. એમાં તેમની ગામની જમીનોમાંથી ૭૫ ટકા ભાગ મારો અને ૨૫ ટકા મારા ભાઇનો રાખ્યો છે. તેનું કારણ એ છે કે તેને સંતાનમાં કંઇ નથી અને મારે બે દીકરીઓ છે એવો ખુલાસો કર્યો છે."

"હવે એ બતાવો કે મોતીચંદભાઇના મોતને આત્મહત્યા તરીકે તમારી જેમ કોઇએ ના સ્વીકાર્યું હોય એવી બીજી કોઇ વ્યક્તિ ખરી?"

"હં...ના. મારી પત્ની, મારા ભાઇ-ભાભી અને ખુદ પોલીસને પણ આ મોત આત્મહત્યા લાગે છે."

"તેનું તમારા મત મુજબ કારણ શું?"

" બધા પોતપોતાની જગ્યાએ સાચા છે. પત્ની માને છે કે પિતાએ પોતાની સિત્તેર વર્ષની જિંદગી બહુ મોજથી જીવી છે. એમને જીવનમાં કંઇ બાકી રહી ગયાનો ક્યારેય અફસોસ ન હતો. કોઇ રોગ-બીમારી જકડી લે એ પહેલાં જાતે જ જીવનનો અંત લાવી દીધો હોય એમ બની શકે. મારો ભાઇ નરેશ માને છે કે વસિયત બનાવી દીધા પછી તેમને કોઇની ચિંતા ન હતી. નરેશને ઓછી સંપત્તિ મળ્યાનો અફસોસ હોય શકે છે. એની પત્નીને પણ થોડું માઠું લાગ્યું હશે પણ એ લોકો અમારી સાથે રહેતા ન હોવાથી જતાવ્યું નથી. એમની પાસે પૈસાની કમી નથી એટલે કંઇ બોલ્યા નથી. મારી બંને દીકરીઓ હજુ બાર અને પંદર વર્ષની છે. એ એટલી આધુનિક છે કે તેમને કોઇના મોતની એટલી અસર થતી નથી. બહુ સ્વાભાવિક રીતે દાદાના મોતને સ્વીકારી લીધું છે..."

"હરેશભાઇ, તમારો એવો કોઇ દુશ્મન છે જેને મોતીચંદભાઇના મોતથી કોઇ લાભ થાય એમ હોય?"

"હં...એવું તો કોઇ ધ્યાનમાં આવતું નથી. પણ હા, એ રંગીન મિજાજના માણસ હતા. ઘણી સ્ત્રીઓ સાથે એમના સંબંધ હતા. પણ એ બધી વ્યવસાયિક સ્ત્રીઓ હતી. તેમને તો એમના અવસાનથી ખોટ ગઇ છે. જે દિવસે એ મૃત્યુ પામ્યા એ દિવસે તે કોઇ સ્ત્રીના સંગ માટે જ હોટલમાં ગયા હશે એવું મારું માનવું છે. પણ સીસીટીવીના ફુટેજ મુજબ કોઇ સ્ત્રી એમને મળવા આવી ન હતી. હા, એક પુરુષ જરૂર તેમને મળ્યો હતો. પોલીસનું કહેવું છે કે એ અજાણતા એમની રૂમમાં પહોંચી ગયો હોય કે પછી એમણે કોઇ કામથી બોલાવ્યો હોય એવું બની શકે. કેમકે એમણે એ પુરુષના આગમન પહેલાં વેઇટર પાસે એક જ કપ ચા મંગાવી હતી. એમાં ઝેર નાખીને ક્યારે પીધી તેની કોઇ વાત જાણવા મળી નથી..."

"ચાલો સરસ! તમે ઘણી માહિતી આપી.... લીલી, હરેશભાઇ પાસેથી ફાઇલ અને ફોટા લઇને અભ્યાસ શરૂ કરી દે...."

હરેશભાઇએ રજા લેતા પહેલાં પૂછી લીધું:" દયાનંદ સાહેબ, પપ્પાના મોતનું સાચું રહસ્ય ખૂલવાના કેટલા ટકા છે?"

દયાનંદ જાસૂસે હસીને કહ્યું:"એકસો દસ ટકા!"

હરેશભાઇએ ખુશ થઇ રજા લીધી.

દયાનંદ જાસૂસે હોટલના ફૂટેજ મેળવી લીધા. લીલીએ જોયું કે તેને દયાનંદ જાસૂસે લગભગ સો વખત જોયા હશે. તેમાં પણ જે માણસ મોતીચંદભાઇને મળવા હોટલમાં આવ્યો હતો અને પાછો ગયો હતો એને વારંવાર જોતા હતા.

દયાનંદ જાસૂસે બે દિવસમાં હરેશભાઇના મિત્રો અને સંબંધીઓની મુલાકાત લઇ લીધી. હરેશભાઇએ દયાનંદ જાસૂસની ઓળખ પોતાના મિત્રના વિદેશથી એમબીએ થઇને આવેલા પુત્ર તરીકે આપી અને તે કોઇ સર્વે કરતો હોવાનું કારણ આપ્યું.

બધી માહિતી એકઠી કરી લીધા પછી લીલી સાથે ચર્ચા શરૂ કરી.

"લીલી, તને શું લાગે છે?"

"સર, જો આપણે મોતીચંદભાઇના મોતને આત્મહત્યા નહીં પણ હત્યા તરીકે જોઇએ તો શંકા ખુદ હરેશભાઇ, તેની પત્ની, તેના ભાઇ-ભાભી અને મોતીચંદભાઇને મળતી સ્ત્રીઓ પર કરી શકાય."

"બરાબર છે. હવે દરેક શંકાસ્પદ વ્યક્તિ પુરુષ હોય એ જરૂરી છે. કેમકે સીસીટીવી ફૂટેજ કહે છે કે કોઇ પુરુષ તેમને અંતિમ વખત મળ્યો હતો."

"સર, તો પછી સૌથી પહેલી શંકા તેમના ભાઇ નરેશ ઉપર જ જાય છે. પહેલું કારણ એને જમીનનો ભાગ ઓછો મળ્યો છે. સીસીટીવીના ફુટેજમાં પણ માણસ પોતાની જાતને છુપાવવા ચશ્મા અને હેટ ઉપરાંત લાંબી બાયનું ઇન વગરનું લાંબુ શર્ટ પહેરીને આવ્યો હતો. તેની હેરસ્ટાઇલ અદ્દલ નરેશ જેવી છે. હરેશભાઇને ભલે ખબર ન હતી કે વસિયતનામું થઇ ગયું છે. પણ તેમની સાથે રહેતા હતા એટલે વધારે સંપત્તિ મળવાની શક્યતા હતી. પણ એ કોઇ માટે નડતરરૂપ ન હતા એ વાત પણ એટલી જ મહત્વની છે. બંને ભાઇની પત્નીઓએ પણ એમના વખાણ જ કર્યા છે. હરેશભાઇની પત્ની તરલાએ તો ત્યાં સુધી કહ્યું કે એ કાયમ હસતા જ હોય. એમને હસતા–હસતા જ જવું હતું. તે કહેતા હતા કે મારા જેવા તંદુરસ્ત માણસને સ્વર્ગમાં જોઇ ભગવાન કહેશે કે યમરાજથી કોઇ ભૂલ તો નથી થઇ ગઇને! નરેશની પત્ની મીતાએ પણ કહ્યું કે એ જ્યારે ઘરે આવે ત્યારે એમના માટે કંઇને કંઇ લેતા આવતા હતા. અને મીતાને તો ખાસ પૂછતા કે તારે કોઇ વસ્તુની જરૂર હોય તો મુંઝાવાનું નહીં...."

"લીલી, તારી બધી વાત સાચી છે. પણ મારું દિમાગ આ આખા કેસની તમામ માહિતી પછી એમ કહે છે કે મોતીચંદભાઇની હત્યા કોઇ પુરુષે નહીં પણ મહિલાએ કરી હોય શકે!"

"શું વાત કરો છો સર? તેમની સાથે સંબંધ બાંધવા જતી કોઇ સ્ત્રી પર શંકા છે? અને કોઇ સ્ત્રી તેમની હત્યા શા માટે કરે? પહેલી વાત એ છે કે કોઇ સ્ત્રી એમને મળવા માટે ગઇ જ નથી..."

"લીલી, મેં બધી માહિતીનું અવલોકન કરી ઘણા બધા તર્ક કર્યા અને બધી કડીઓને ભેગી કરી એ પછી આ પરિણામ આવ્યું છે. સીસીટીવીના ફુટેજમાં જે માણસ દેખાય છે એ નરેશ જેવો લાગે છે. મતલબ કે એના પર શંકા ઊભી કરવા આવો વેશ લીધો હોય. પણ પછી મોતને હત્યાને બદલે આત્મહત્યામાં ખપાવવાની તક મળી ગઇ હોય એટલે તેના પર કોઇ શંકા કરવાનું કારણ ના રહે."

"સર, તમારી થિયરી બરાબર લાગી રહી છે. તો પછી એ સ્ત્રી કે પુરુષ કોણ હોય શકે? અને હત્યા પાછળનું કોઇ કારણ તો હોવું જોઇએને?"

"લીલી, કાલે આપણે હરેશભાઇને બોલાવીએ અને મોતીચંદભાઇના કઇ સ્ત્રી સાથેના સંબંધ હતા એ જાણીએ પછી અંતિમ નિષ્કર્ષ પર પહોંચીએ..."

"ઠીક છે સર, હું હરેશભાઇને જાણ કરું છું..."

બીજા દિવસે હરેશભાઇ આવ્યા એટલે દયાનંદ જાસૂસે કાળા ચશ્મા પહેરી લીધા. અને કહ્યું:"હરેશભાઇ, મેં આ વખતે કોઇ વિચાર કરવા માટે નહીં પણ મારો વિચાર તમારી સામે રજૂ કરવા આ ચશ્મા પહેર્યા છે. કેમકે તમે મારી નજરને સહન કરી શકશો નહીં...."

હરેશભાઇને દયાનંદ જાસૂસની વાત સમજાઇ નહીં. તેમની આંખોમાં આશ્ચર્ય હતું.

"હરેશભાઇ, તમારા પિતાની હત્યા જ થઇ છે...."

"કોણ છે એ જેણે મારા પિતાને સ્વધામ પહોંચાડી દીધા?" હરેશભાઇના મોં પર આક્રોશ વ્યાપી ગયો.

"શાંત થાવ. ઠંડા પડો..." દયાનંદ જાસૂસે હાથ હલાવી આરામથી બેસવા કહ્યું.

"મારો પહેલો સવાલ એ છે કે જો તમારા પિતાના હત્યારાના નામની તમને ખબર પડી જાય તો તમે એને સજા અપાવશો?"

"હા-હા, ભલે પછી એ મારો ભાઇ જ કેમ ના હોય.."

"હત્યારો તમારો ભાઇ નથી પણ તમારી પત્ની છે..."

"સાહેબ, તમે આ શું બોલો છો? તમારી ભૂલ થતી લાગે છે. મારા પિતાને મારીને એને શું મળવાનું હતું?"

"માનસિક શાંતિ અને શારીરિક સલામતિ."

"શું વાત કરો છો?"

"હા, જુઓ..." કહી દયાનંદ જાસૂસે લેપટોપ પર સીસીટીવી ફૂટેજ બતાવવાના શરૂ કર્યા. અને કહ્યું કે મોતીચંદભાઇને મળવા આવનાર કોઇ પુરુષ નહીં પણ સ્ત્રી હતી અને તે તરલા હતી. તરલાની બોડી લેન્ગ્વેજ મેં જોઇ છે. એના હાથ હલાવવાની ટિપિકલ સ્ટાઇલ તેના પ્રયત્ન પછી પણ આ ફૂટેજમાં આવી ગઇ છે. તમારા પિતા રંગીન મિજાજના હતા. એ હવે બજારુ સ્ત્રીઓ પરથી નજર હટાવીને તમારી પત્ની પર ગંદી નજર નાખી રહ્યા હતા. એમણે તરલાને ધમકી આપી હતી કે જો તેના વશમાં નહીં થાય તો સંપત્તિમાંથી એક પાઇ આપશે નહીં. તરલાએ મોતીચંદભાઇને એક સપ્તાહ સુધી કોઇને કોઇ કારણથી દાદ આપી નહીં અને વસિયતનામું તૈયાર કરાવી લીધું. પછી એમને એક હોટલમાં સાથ માણવાની લાલચ આપી પહેલાં મોકલ્યા. તરલાએ એમને કહી રાખેલું એક ચા મંગાવી રાખજો. અને તરલાએ પુરુષનો વેશ ધરી હોટલમાં કોઇ બિઝનેસમેન મળવા ગયો હોય એવો ડોળ કર્યો. હોટલમાં પહોંચીને તેણે એ વેશ ઉતાર્યો. મોતીચંદભાઇને તેણે પહેલાં બ્રશ કરવાનું કહ્યું એ દરમ્યાનમાં ચાના કપમાં ઝેરી દ્રાવણ નાખી દીધું. પછી મીઠી વાતો શરૂ કરી. એ ઝેર એટલું ખતરનાક હતું કે પાંચ જ મિનિટમાં તરલાની મીઠી વાતો સાંભળતા મોતીચંદભાઇ કાયમની મીઠી નિદ્રામાં પોઢી ગયા. દસ જ મિનિટમાં પોતાનું કામ પતાવી તરલા નીકળી ગઇ. તેણે એક સૂમસામ રસ્તા પર કારની પાછળની સીટ પર સૂઇ જઇ ઉપરથી પુરુષના કપડા ઉતારી લીધા અને બધો મેકઅપ કાઢી નાખ્યો. તેને નજીકની એક ગટરમાં નાખી દીધો. પછી પોતાની એક બહેનપણીના ઘરે જઇને નિરાંતથી બેસી ગઇ...."

"પણ આ બધી વાતની તમને કેવી રીતે ખબર પડી?"

"મેં તરલાબેનને જોયા પછી મને ખ્યાલ આવી ગયો કે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે એ વ્યક્તિ તરલાબેન જ છે. મેં એ દિવસના કેટલાક ટ્રાફિક સિગ્નલના સીસીટીવી ફૂટેજ મેળવ્યા. અને મેં જોયું કે તમારી કારમાં એ પુરુષ જ હતો જે મોતીચંદભાઇને મળવા આવ્યો હતો. અને તમે મોતીચંદભાઇના રંગીન મિજાજની વાત કરી હતી એટલે કડી બેસી ગઇ. તેમની હત્યા સંપત્તિ કે પૈસા માટે થાય એવું કોઇ દેખીતું કારણ આમ પણ ન હતું. મેં બધા પુરાવા લઇ તરલાબેનની મુલાકાત કરી અને એમણે કબૂલી લીધું. એમણે પોતાની ઇજ્જત બચાવવા ઉપરાંત તમારા ઘરમાં જુવાન થતી બે છોકરીઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું હતું. તેમણે મારી પાસે એક વચન લીધું કે આ વાતની જાણ તમારા સિવાય કોઇને થવી ના જોઇએ."

"ઓહ! મારી શંકા સાચી સાબિત થઇ કે પપ્પાએ આત્મહત્યા કરી નહીં જ હોય. પણ આ કારણ હશે એવી મેં સપનામાં કલ્પના કરી ન હતી. તમારી કામગીરી ખરેખર કમાલની છે. પિતા વિશે આવી વરવી વાસ્તવિકતા જાણ્યા પછી મને એમના મોતનો ન જાણે હવે કોઇ અફસોસ થતો નથી. મારી પત્ની કે પુત્રીઓએ આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ ના આવી એ સારું થયું....ઓકે, તો મિ.દયાનંદ જાસૂસ, તમારી તપાસ પછી સાબિત થઇ ગયું કે તેમણે આત્મહત્યા જ કરી લીધી હતી કેમ?! પોલીસ સાચી હતી!" કહી હરેશભાઇએ હસીને ખિસ્સામાંથી રૂપિયા કાઢી દયાનંદ જાસૂસની બાકી ફીની રકમ ચૂકવી દીધી.