MOJISTAN - 86 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 86

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મોજીસ્તાન - 86

મોજીસ્તાન (86)

છેક સાંજ સુધી નીના ઘેર ન આવી એટલે નયનાએ નગીનદાસને દુકાનમાંથી ઘરમાં બોલાવ્યો, " નીના આજ બપોરથી ક્યાંક ગઈ છે, હજુ ઘેર આવી નથી.તમને ખબર છે એ ક્યાં ગઈ છે એ ? મેં બે ત્રણવાર ફોન કર્યો પણ એનો ફોન બંધ આવે છે !"

નગીનદાસ પણ વિચારમાં પડી ગયો.ક્યારેય આ છોકરી કહ્યાં વગર તો ક્યાંય જતી નથી. બપોર પછી નગીનદાસે એને તૈયાર થઈને બહાર જતા તો જોઈ હતી પણ એ વખતે એ કાલે આવનારા મહેમાનોની સરભરા વિશે વિચારતો હતો.વેવાઈ અને સાળા આવવાના હોવાથી કુટુંબમાં પોતાનો વટ પાડવા નાનો જમણવાર યોજવાનો હતો.પોતે કેવા માણસનો સગો થયો છે એ કુટુંબમાં બધાને બતાવવું હતું !

નીના ગઈ પછી, ટેમુ કેટલા માણસોની રસોઈ બનાવવાની છે એવું પૂછવા આવેલો એ નગીનદાસને યાદ આવ્યું.નીના અને ટેમુ મિત્રો હતા એટલે એ ઘણીવાર ટેમુને મળવા એની દુકાન પર જતી એ પણ નગીનદાસને ખબર હતી.

"શું વિચારમાં પડી ગયા છો ? મેં પૂછ્યું એ સાંભળ્યું કે નહીં ? કહું છું એ છોકરી હજી ઘેર કેમ ન આવી ?'' નયનાએ નગીનદાસના વિચારોમાં ખલેલ પાડી.

"ગઈ હશે એની કોઈ બેનપણીને મળવા.તું આટલી ઉપાધિ શું કામ કરછ.એ કંઈ ઘેરથી ભાગી થોડી જવાની છે ?" નગીનદાસે કહ્યું.

"એ છોકરીને જમાઈ સાથે કંઈક વાંકુ પડ્યું છે.જમાઈ પણ લખણનો પૂરો છે.નીનાને એ વાત પસંદ નથી.કાલે મહેમાનો આવે છે તો વેવાઈને એકબાજુ બોલાવીને વિરલકુમાર વિશે જરાક વાત તો કરજો...!"

"એવી વાત આપણે કરાય ? કોઈ સાબિતી છે તારી પાંહે ? એમ સીધું ઈના ચરિત્ર ઉપર આળ નાખીએ તો નકામી વાત બગડી જશે.મોટા માણસો છે તો જરીક આંખ આડા કાન કરી દેવાય. મેરેજ પછી બધું સરખું થઈ જાશે." કહી નગીનદાસ દુકાનમાં આવીને બેઠો.

કલાકેક વીત્યા પછી નયના ફરી દુકાનમાં આવી.

"હવે તો કંઈક કરો.એ છોકરીનો ફોન બંધ છે અને સાંજ થવા આવી તોય ઘેર આવી નથી. મને બહુ ચિંતા થાય છે.ક્યાંક કંઈ આડું અવળું...."

"તું નકામી મોળા વિચાર નો કર...કદાચ બેટરી પતી ગઈ હોય એટલે ફોન બંધ થઈ ગયો હોય. હવે ઘેર આવતી જ હશે." નગીનદાસે કહ્યું તો ખરું પણ હવે એને પણ થોડી ચિંતા થઈ રહી હતી. કારણ કે દુકાનમાં આવીને બે ચાર વખત એણે નીનાને કોલ કર્યો હતો.

"મોળા વિચાર કરવા મનેય ગમતા નથી, પણ નીનાએ મને અમદાવાદથી આવીને કીધું હતું કે હું આ લગ્ન કરવાની નથી.એ છોકરી જિદ્દી છે એ તો તમનેય ખબર જ છે ને ? તમનેય એણે કીધું જ હતું પણ તમારી આંખ ઉઘડતી નથી."

નગીનદાસ વિચારમાં પડ્યો.એક તરફ મોટા માણસો સગા થયા હતા તો બીજી તરફ દીકરીના ભવિષ્યનો સવાલ હતો.આગળ જતાં જમાઈ એને સુખ ન આપે તો સગાની મોટાઈ શું કામની ? વેવાઈ સાથે આ બાબતે વાત તો કરવી જ પડે,કદાચ એવું હોય કે અત્યારના છોકરાઓ શું કરે છે એની માબાપને ખબર ન હોય !છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ હોય અને રિલેશનશિપ હોય એ બંને બાબત અલગ છે. જો ફ્રેન્ડશીપ હોય તો નીનાથી છુપાઈને ફ્રેન્ડ સાથે વાત કરવી ન પડે.ભણેલી અને હોંશિયાર છોકરી, છોકરાના વર્તન પરથી તરત વાત પકડી લેતી હોય છે.

"કાલે આપણે વેવાઈ અને વિરલને બેસાડીને આ બાબતની ચોખવટ કરી લેશું.નીનાની વાત મેં કાને ધરી નહિ એટલે એ નારાજ થઈ હશે.
એ આવે એટલે તું એને કહી દેજે કે એની ઈચ્છા વિરુદ્ધ આપણે કશું જ કરવાનું નથી." નગીનદાસે કહ્યું.

એ જ વખતે ઘરની બહાર ટેમુનું બજાજ 80 આવીને ઉભું રહ્યું. નીના ના ના કરતી રહી પણ ટેમુ ધરાર એના ઘેર જ એને લઈ આવ્યો હતો.

*

ટેમુએ જ્યારે નીનાના ઘર તરફ મોપેડ વાળ્યું ત્યારે નીનાએ એનો ખભો પકડીને ખેંચ્યો હતો.

''ટેમૂડા, મેં તને કહ્યું છે હું ઘેર જવાની નથી.હું એ લબાડ સાથે પરણવાની નથી. તું મને ચાહતો ન હોય તો કંઈ નહિ પણ તારા ઘેર એક રાત રહેવા દે.હું કાલે ક્યાંક ચાલી જઈશ.પણ પ્લીઝ મને તું ઘેર ન લઈ જા..!''

"નીનું ડાર્લિંગ આઈ લવ યુ ! અને એટલે જ હું તને તારા ઘેર લઈ જાઉં છું.તારા પપ્પા પાસે હું તારો હાથ માંગીશ.એ ના જ પાડશે એની મને અને તને ખબર જ છે. આપણે એકવાર એમને મનાવીશું. તેમ છતાં નહિ માને તો હું તને એ જ મિનિટે મારી સાથે મારા ઘેર લઈ જઈશ."

"અને તારા પપ્પા ધોકો લેશે તો ?''

" તો આ એઇટી લઈને જ આપણે ભાગી જશું.આઈ પ્રોમિસ,નીનું તું હવે બધી જ ચિંતા તારા આ ટાઇમલેસ ટેમુ પર છોડી દે.ક્યારે ઉતાવળ કરવી અને ક્યારે સાવ ટાઢું ઠીબકું થઈ જવું એની આ ટેમુને બહુ સારી સમજ છે. હા..હા...હા..." કહી ટેમુ હસ્યો.

નીનાએ પણ ટેમુની પીઠ પર હળવો મુક્કો માર્યો.અને ટેમુ ફરતે હાથ વીંટાળીને એને ચીપકીને બેઠી.મોં આગળ લઈ જઈ ટેમુના ગાલ પર એના જીવનનું પ્રથમ ચુંબન કર્યું.એ સાથે જ ટેમુએ લીવર આપ્યું.

દિવસ આથમી ગયો હોવાથી શેરીઓમાં સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ ગઈ હતી.ચોકના ઓટલે જમી કરીને આવી ગયેલા બેચાર ભાભલાઓએ ટેમુ અને નીનાને છડેચોક અડપલાં કરતાં જોયા.

"આ ઓલ્યા મીઠીયાનો સોકરો હતો ? ઈની વાંહે આ નસરમી છોડી કીની સે ? જોયું ? અતારની પરજા.. જરીકેય લાજ સરમ જેવું રિયું જ નથી લ્યો..!" એક ભાભાએ લાજશરમનું ચીરહરણ થતું જોઈ બળાપો ઠાલવ્યો.

"સોડી તો નો ઓળખાણી. પણ મારું બેટું આપડે તો ગાડામાંય પડખે બેહાડી નો હકયા ! જહમતભઈ, હું તો કવ સુ ભલે ડોશીને ચોગઠું આવી જ્યુસ પણ આમ વાંહે બેહારીને વાડીએથી ઘરે લીયાવો! ભરી બજારે ડોશી પાંહે બોકો ભરાવી લ્યો એટલે તમારી મનની મનમાં નો રે..! અમથા અમથા અતારના સોકરાવને જોઈને જીવ શીદ બાળો સો !" બીજા એક ફ્રી અને ઓપન માઈન્ડ ભાભાએ જસમત ડોસાને ટોક્યો.

"હવે બેહ બેહ સાનોમાંનો..નકામો ગાળ્યું ખાશ મારા મોઢાની.આપડી તો હવે ઉંમર થઈ.આમ સોડેધાડે પારકા સોકરાને બોકા ભરતી હોય ઈ સોડી લાજશરમ વગરની જ કે'વાય.તું વાયડીનું થિયા વગર બેહ..કોની હતી ઈ કે અટલે ઈના બાપને બે શબ્દ કેવી.''

"ભય હવે બેહોને તમે ! નકામું મારા મોઢામાં શીદને આંગળા નાખો સો.તમે ચેવાક લાજસરમ રાખો સો ઇ આખું ગામ જાણે સે.
ખેતરના શેઠે ખડ લેતું ભાળ્યું નથી કે ડોહો ઓરડીમાંથી ઉભો થિયો નથી."
પરમજીભાભાએ જહમત ડોસાનો ભેદ ખોલતા કહ્યું.

"હવે મૂંગો મર્ય.. તુંય કાંય દૂધે ધોયેલો નથી.ઓલી રવલાની..." જહમત ડોસાએ સામો ટંકાર કર્યો.

"તમે બેય મૂંગા મરો.નકર ઘર ભેગીના થાવ.રામ રામ કરવાને બદલે એકબીજાના મેલા લૂગડાં
આમ બજારે ધોવાનું રે'વા દયો.." ત્રીજા એક સમજુ અને શાણા ભાભાએ આગળ વધતું વાક્યુદ્ધ અટકાવ્યું. ટેમુ અને નીનાની હરકતે ચોકમાં હડકંપ મચાવી દીધો હતો.

*

હુકમચંદને લઈ સોંડાગરની પોલીસ ટુકડી બરવાળા પહોંચી ત્યારે પોલીસ સ્ટેશનમાં ધરમશી ધંધુકિયા વકીલને લઈને હાજર હતો.રાતોરાત એણે કોર્ટ ખોલાવીને હુકમચંદના આગોતરા જામીન લઈ લીધા હતા.સોંડાગર જેવો જીપમાંથી ઉતર્યો કે તરત વકીલે જામીનપત્ર આપ્યું.

એ જામીનપત્ર વાંચીને સોંડાગરે તરત હવાલદારને હુકમચંદને જવા દેવાનું કહ્યું.

હુકમચંદે જીપમાંથી નીચે ઉતરીને ધરમશીના પગમાં નમીને વંદન કર્યા.ધરમશીએ હુકમચંદની પીઠ પર ધબ્બો મારીને કહ્યું,

"હું બેઠો છું ત્યાં સુધી હુકમચંદ, આપણા માણસોનો કોઈ વાળ પણ વાંકો કરી ન શકે. આ ઇન્સ્પેકટર દોઢ ડાયો થયો છે પણ એને બિચારાને ખબર નથી કે રણછોડ તો હજી વછેરો છે.ઈની માથે સવારી નો થાય." કહી ધરમશી હસ્યો.

હુકમચંદ ગ્રાઉન્ડમાં ઉભેલા સોંડાગર તરફ ફર્યો.

"સોંડાગર, હું ગાંજા ફાંજાનો વેપાર કરું એટલો હલકો તેં મને જાણ્યો ? પોલીસના કામમાં અમે રોડા નાખવા નથી માંગતા પણ તેં રણછોડે રચેલા કાવતરામાં કાનુની મદદ કરી છે.તને ઘેર નો બેસાડી દવ તો મારું નામ હુકમચંદ નહિ."

"મને જે બાતમી મળી હતી એ મુજબ મેં કાર્યવાહી કરી.હું કોઈ રણછોડ ફણછોડને ઓળખતો નથી.હું કોઈ કાવતરામાં સામેલ પણ નથી.તમે કહો છો કે કોઈ રણછોડે તમને ફસાવ્યા છે. જો ખરેખર એમ હોય તો તમે પુરાવા આપો તો હું એની સામે પણ તમારી ફરિયાદ લઈશ.જેમ તમને ઉચકી લાવ્યો એમ એને પણ ઉચકી લાવીશ.કાયદો કોઈની શરમ રાખતો નથી અને હું કાયદાનો રક્ષક છું.છતાં તમને એવું લાગતું હોય તો મને ઘરે બેસાડવા તમે જે કરી શકતા હોવ એ કરી શકો છો. હું કોઈથી ડરતો નથી સમજ્યા મિ. હુકમચંદ !'' સોંડાંગરે સહેજ પણ ડર્યા વગર કહ્યું.

સોંડાગરની સ્પષ્ટ વાત સાંભળીને જીપમાંથી ઉતરીને ઉભેલા બંને હવાલદારો અને પીએસસાઈએ તાળીઓ પાડી.

"ઠીક છે તો અમે પુરાવા સાથે ફરિયાદ દાખલ કરીશું.પછી જોઈએ તમારી ફરજપરસ્તી !" હુકમચંદે કહ્યું અને ફરીવાર ધરમશીનો આભાર માન્યો.

જગો અને નારસંગ હુકમચંદના કહેવા મુજબ તરત જીપ લઈને બરવાળા આવ્યા હતા. પોલીસ સ્ટેશન બહાર જીપ મૂકીને આજ શેઠને સળિયા પાછળ જોવા આવ્યા હતા.

પણ હુકમચંદને છોડી મુકવામાં આવ્યો એ જોઈ નારસંગ બોલ્યો,

"માળા આપડને પકડાયા ઇ વખતે આમને કંઈ ઓળખાણ નો'તી. ને પોતે હલવાણા તો વકીલને લયને ખુદ ધરમશીભાઈ હાજર થઈ જ્યા. આમની કરતા તો રણછોડ નઈ હારો..? આપડને ઈણે જ સોડાવ્યા'તા."

"તું મૂંગીનો મર્ય.તારું ડોહુ આ રાજકારણ કેવાય.હુકમચંદ ગામના સરપંચ છે ઈમને પોલીસ પકડી જાય ઈ ધરમશીભઈને નો પોહાય હમજ્યો ? તું ને હું તો ભાજીમૂળા કેવાવી.રણસોડિયો'ય ઈ સે ને હુકમશેઠ'ય ઈ જ સે. હંધાય સવસવના જ ખીસા ભરે સે.અટલે તું બવ બોલ્યમાં !" જગાએ ડહાપણ વાપર્યું.

થોડીવારે હુકમચંદને લઈને જગો અને નારસંગ ગામના રસ્તે ચડ્યા. એ લોકો ગયા એટલે તરત જ સોંડાગરે રણછોડને ફોન કર્યો.
"જો ભાઈ રણછોડ,ધારાસભ્ય ખુદ વકીલને આગોતરા જામીન લઈને આવી ગયા હતા એટલે હું હુકમચંદને બંધ કરી શક્યો નથી.
હવે તું તારી રીતે જોઈ લેજે.એ લોકો તારી વિરુદ્ધ કેસ કરશે તો મારે તને પણ પકડવો પડશે.હું 'નના' સિવાય કોઈની શરમ ભરતો નથી એ યાદ રાખજે !''

આ સોંડાગર ખૂબ ઊંચી ચીજ હતો.ફોનકોલ રેકોર્ડિંગ થતા હોય છે એટલે એ અમૂક બાબત કોડવર્ડમાં જ બોલતો. 'નના' નો અર્થ 'નગદ નારાયણ' હતો એની રણછોડને ખબર હતી. હુકમચંદને ફિટ કરવા રણછોડે સોંડાગરને બે લાખ રૂપિયા આપ્યા હતા.પણ કામ બગડી ગયું હતું.

રણછોડ તરત જ એના એક સાગરીતને કારમાં સાથે લઈને લાળીજા (હુકમચંદનું ગામ) આવવા નીકળી ગયો.આજ કોઈપણ હિસાબે હુકમચંદનો હિસાબ એને સરભર કરવો હતો. બસસ્ટેન્ડ પાસે કાર મૂકીને એણે સાથે આવેલા માણસને કારમાં જ બેસાડ્યો.એ માણસ લાળીજા ગામથી પૂરેપૂરો પરિચિત હતો. હુકમચંદના ગોડાઉનમાં ઘૂસીને એણે જ ગાંજાનો કોથળો મુક્યો હતો.રણછેડ એને 'ફોન કરું એટલે હું કહું ત્યાં ગાડી લઈને આવી જજે' કહીને ગામની બારોબાર ચાલ્યો.અને હુકમચંદના ગોડાઉન પર નજર રહે એમ હુકમચંદના ઘર તરફ જતી શેરીમાં દિવાલના પડછાયામાં ઉભો રહી ગયો.રણછોડ જાણતો હતો કે હુકમચંદની જીપ પહેલા ગોડાઉન પર જ આવશે.

રાતના બાર વાગી ગયા હતા. બરવાળા પોલીસ સ્ટેશનમાંથી નીકળેલા હુકમચંદ અને ધરમશી ધંધુકિયા બસસ્ટેન્ડ પાસે નાસ્તો કરવા ઉભા રહ્યાં હતા. ત્યારબાદ બીજા દિવસે ગોડાઉનમાં ગાંજો કેવી રીતે આવ્યો એની તપાસ કરવાનું નક્કી કર્યું.જગા અને નારસંગ સિવાય બે ચાર માણસો હુકમચંદે ખોંગ્રેસમાં ઘુસાડ્યા હતા.એટલે એ લોકો દ્રારા જાણકારી મળી શકે એમ હતી.છતાં રણછોડ બહુ મોટી માયા છે એ ધરમશી પણ જાણતો હતો.

રણછોડની ધારણા મુજબ જ બરવાળાથી નીકળેલી જીપ ગોડાઉનના ડેલા આગળ આવીને ઉભી રહી.ત્યાંથી સામેની તરફ ગામમાં જતી શેરીમાં સંતાઈને ઉભેલા રણછોડની આંખો ચમકી. હુકમચંદને ગોડાઉન પાસે ઉતારીને જગો અને નારસંગ જીપ લઈને રવાના થયા.જગો હુકમચંદની જીપ એના ઘેર જ રાખતો હતો.


હુકમચંદ બિન્દાસ્તપણે હળવો હળવો, 'રણછોડીયા તારું તો હવે આવી બન્યું સમજજે.એકવાર તો તું બચી ગયો છો પણ હવે તને એવો ફિટ કરું કે તું મારા પગ પકડશે પગ.' મનોમન આવું વિચારતો જઈ રહ્યો હતો.

હુકમચંદ નજીક આવ્યો એટલે રણછોડ અંધારામાંથી બહાર આવ્યો.સફેદ સફારીમાં સજ્જ ઊંચો અને પડછંદ આદમી એકાએક સામે આવી ગયો એટલે હુકમચંદના મોઢામાંથી રાડ નીકળી ગઈ.."ક...ક..કોણ છો..?"

એ શેરી એક સાંકડી ગલી હતી.જે સાવ સુમસામ હતી.રણછોડ કંઈ બોલ્યા વગર હુકમચંદનો હાથ ખેંચીને એની પાછળ ગોઠવાયો. એક હાથની આંટી હુકમચંદ ફરતે મારીને ક્લોરોફોર્મથી ભીંજવીને તૈયાર રાખેલો રૂમાલ બીજા હાથે હુકમચંદના નાક પર દાબી દીધો. હુકમચંદે છૂટવા માટે તરફડીયા માર્યા પણ રણછોડની પકડ મજબૂત હતી એટલે એક શબ્દ પણ મોઢામાંથી નીકળી શક્યો નહિ.ક્લોરોફોર્મની તીવ્ર વાસથી હુકમચંદના નાકમાં બળતરા થતી હતી અને મગજ પર ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું. બીજી જ મિનિટે હુકમચંદ બેભાન થઈને ઢળી પડ્યો.

રણછોડે પળનોય વિલંબ કર્યા વગર પોતાના માણસને ફોન કરીને એ શેરી આગળ બોલાવ્યો. બે ત્રણ મિનિટમાં જ એ માણસ કાર લઈને આવી પહોંચ્યો.બંનેએ જમીન પર ઢળી પડેલા હુકમચંદને ઉઠાવીને કારની ડીકીમાં નાંખ્યો.

"મને જીપની ટક્કર મારીને પતાવી દેવાનો પ્લાન તારો જ હતો ને ! પણ હવે તું જોઈ લે.રણછોડ સાથે પંગો લેવો તને કેટલો મોંઘો પડે છે !'' કહી રણછોડે ડીકીમાં પડેલા હુકમચંદને પાટું ઠોકયું.

બીજી જ મિનિટે રણછોડે કાર મારી મૂકી.

(ક્રમશ:)