MOJISTAN - 2 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 2

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મોજીસ્તાન - 2

મોજીસ્તાન.(૨)


પ્રકરણ-2


મીઠાલાલે ચંચાનું છેલ્લું વાક્ય સાંભળી લીધું.મીઠાલાલને ચંચા જેવા લબાડ માણસો દીઠાય ગમતા નહીં.કોઈ દિવસ એમની દુકાનના ઓટલે આવા માણસોને એ ઊભા પણ રહેવા દેતા નહીં અને આ ચંચો પોતાના ટેમુને પૂછી રહ્યો હતો કે 'ટેમુ પોતાની જાતને શું સમજે છે...!'
"ઇ જે હમજતો હોય ઈ.. પણ તું સ્હું હમજીને મારી દુકાનનો ઓટલો ચડ્યો સો..? હાલ્ય આમ હાલતીનો થા.."
ચંચો મીઠાલાલને આવેલા જોઈ,
વાંકો વળીને પથ્થર ઉઠાવતા માણસને જોઈ કૂતરું ચાલતું થઈ જાય એમ દુકાનના ઓટલેથી ઊતરીને ચાલવા માંડ્યો.

આ ચંચો વીજળીનું રહસ્ય જાણી ગયો હોય અને એ રહસ્ય જાણે કે વીજળીને પોતાના હુકમની ગુલામડી બનાવવાની ચાવી હોય એમ ખુશ થઈને મરક મરક થતો'તો પણ એથી વીજળીને કોઇ ફરક પડવાનો નહોતો...!
છેક સાંજે હુકમચંદ ફળીયામાં બેસીને હુક્કો ગગડાવી રહ્યાં હતાં ત્યારે ચંચા કુરનીશ બજાવીને બોલ્યો, "સલામ સરપંચ સા'બ... "
હુકમચંદ આ ચંચા જેવા બીજા પણ બે-ચાર સંચા રાખતા કારણ કે રાજનીતિમાં એમને પ્રીતિ હતી. સરપંચ બનવા સુધીમાં એમની ઉપર ઘણી વીતી હતી. આજે જે સ્થિતિ હતી એ લાબું ટકી ન શકવાની એક ભીતિ પણ હતી...!

સાંજના સમયે હુક્કા સભા એમના ફળિયામાં ભરાતી. એ સભામાં,ચંચો મુખ્ય સલાહકાર તરીકે નિમાયો હતો. એ પોતાને સરપંચનો ડાબો હાથ સમજતો કારણ કે હુકમચંદ જમણા હાથે ઠૂંઠા હતા. જાહેરમાં એ પોતાને સરપંચનો ડાબો હાથ કહેતો ત્યારે સાંભળનાર એકબીજાના કાનમાં એમ કહેતા કે 'આ ડોબાને ઈ ખબર્ય નથી કે ડાબા હાથે સરપંચ શું શું ધોવે છે...!'

હુકમચંદ, ફળિયામાં કરવામાં આવેલી ખાટલાની પથારીમાં ગોળ તકીયાને એક હાથની કોણીનો ટેકો દઈને બિરાજ્યા હતા.બગલાની પાંખ જેવા સફેદ ધોતિયા ઉપર એમણે એવો જ પણ થોડા આછા કાપડમાંથી બનેલો ઝભ્ભો ઠઠાડ્યો હતો. એમની જેટલી સાજી હતી એ આંગળીઓમાં સોનાના મોટા મોટા વીંટા (કારણ કે વીંટી બહુ મોટી ન હોય.) અને ગળામાં, ગામના લોકોના ગળા કરી કરીને કરેલી કમાણીમાંથી બનાવેલો દોરડા જેવો જાડો સોનાનો ચેન શોભતો હતો...એ ચેન ઉપરથી જ એમના સુખચેન દેખાઈ આવતા.

ચંચા આવીને, ઓસરીની દીવાલને ટેકો દઈ હુકમચંદ સામે જમીન પર ઉભડક બેઠો.સૌ કોઈને સરપંચ સાહેબ આગળ આમ નીચે બેસવાનો રિવાજ હતો.
હજુ બીજા બકડમદારો હુક્કા સભામાં હાજર થયા નહોતા કારણ કે હજુ સમય થયો નહોતો. ચંચા પાસે ખાનગી બાતમી હોય ત્યારે એ વહેલો આવતો અથવા બધા જાય તો પણ બેસી રહેતો.આજની માહિતી એના પેટમાંથી ગેસની જેમ બહાર આવવા બે-ત્રણ વખત ગળા સુધી આવી ગઈ હતી...એટલે કોઈ બીજાને કહેવાઈ જવાની બીકે એ જલદી આવ્યો હતો.

"બોલી નાખ..પસી ઓલા બધા આવી જાહે." હુકમચંદે હુકમ કર્યો.
"આ ઓલ્યો ટેમુ...મીઠાલાલનો." ચંચાએ વાતને છેડેથી ચાલુ કરી.

"મીઠીયાનો છોકરો ?..ટેમુ ? શું છે એનું.."

"ઈ બધાને એની દુકાને ઊભા રાખે સે.આજ તો એણે હદ કરી નાખી."

"કેમ ઊભા રાખે ? ગામ એના બાપનું સે ?"

"હું ઈમ જ કવ સુ...મારો હાળો.... આજ તો..."

ચંચો આજે વીજળીની વાત કરવા જ જતો હતો ત્યાં રવો અને સવો આવ્યા.

આ રવો એટલે રવજી અને સવો એટલે સવજી. બંને સગા ભાઈ પણ ભાઈબંધ જેવા. જ્યારે જુઓ ત્યારે સાથે જ હોય. એકબીજાને તાળીઓ આપીને ખીખિયાટા કરતા હોય. બેઉ ભાઈ બસ્સો વીઘા જમીનના ખાતેદાર. ગામની વચ્ચોવચ એમની ડેલી હતી.એક જ ઓસરીએ આઠ ધાબાવાળા મકાન અને પાછળ મોટો વંડો.
એ વંડામાં, દૂધના બોઘરણાં છલકાવી દેતી બે ભેંસો અને એક ગાય.વાછડી અને પાડીયું. આખલાને ગોથે ચડાવી દે એવા ચાર વઢિયારા બળદ..બબ્બે ગાડા, બે ટ્રેક્ટર અને ખેતીના વિવિધ ઓજારોથી ભરેલી આખી એક કોઢ.(ગોડાઉન)

રવજી અને સવજી બંને ભાઈઓ સાથેજ રહેતા.એના ઘરડા બાપ જીવરાજ ડોસાએ ખૂબ મહેનત કરીને બસ્સો વીઘા જમીન ભેગી કરી હતી.ઉજળા લૂગડાં પહેરીને જીવરાજ ડોસો પગમાં તેલ પાયેલી ચામડાની મોજડીઓ પહેરીને ટટ્ટાર ચાલે ગામ સોંસરવો નીકળતો ત્યારે ચોરા પર બેઠેલા બધા જીવરાજને ઇર્ષાથી તાકી રહેતા.

હુકમચંદને સરપંચ બનાવવામાં આ રવજી અને સવજીના રૂપિયા વપરાયા હતા.

તખુબાપુ પાસેથી સરપંચનું પદ છીનવીને હુકમના એક્કા જેવા હુકમચંદને સરપંચ બનાવવા પાછળ સવજીનું દિમાગ કામ કરતું હતું.

"આવો આવો રવજી સવજી. અલ્યા ચંદુ ખાટલો ઢાળ્ય...અને સા-પાણીનું કે..." હુકમચંદ માણસની હેસિયત મુજબ આવકાર આપતો.
ચંચાએ ખાટલો ઢાળ્યો. રવજી અને સવજી કંઈ બોલ્યા વગર એ ખાટલા પર બેઠા. એ બંનેના મોં ગંભીર હતા એટલે ચંચો નવાઈ પામ્યો. ચાનું કહેવા હુકમચંદના ઘરમાં જવું પડે તેમ હતું કારણ કે હુકમચંદ પોતાની આ બેઠક પોતાના ઘરથી દૂર ડેલીમાં રાખતો. ડેલી અને ઘર વચ્ચે મોટું ફળિયું હતું.
ચંચાને વીજળી પાસે જવા મળ્યું એનો આનંદ એની ચાલમાં દેખાતો હતો. ચંચો દૂર ગયો એટલે હુકમચંદે રવજી સવજી સામે જોયું.

"કેમ આજે બેઉ ભાઈ અમારી ડેલીમાં ભૂલા પડ્યા?"

''ભુલા નથી પડ્યા, પેશલ આયા છવી..હિસાબ કરવાનો છે..." સવજીએ કડક અવાજે કહ્યું.

એની કડકાઈ જોઈ હુકમચંદ ટટ્ટાર થયો. આ રવજી સવજી પાસેથી બે ટકાના દસ લાખ લીધા હતા, સરપંચની ચૂંટણી જીતવા. ચૂંટણી તો જીતાઈ ગઈ'તી પણ માથે દેવું થઈ ગયું હતું. પંચાયતમાં કાવાદાવા કરીને કમાણી કરવાની હતી પણ વિરોધપક્ષ મજબૂત હોવાથી કંઈ થઈ શકતું નહોતું. સરકારમાંથી આવતી ગ્રાન્ટમાંથી ગાળિયું કરી જવું હતું પણ એ ગાળિયું, ગળાનો ગાળિયો બની ગયો હતો.

"હિસાબ ચ્યાં ભાગી જવાનો છે,સવા...તું તારે તારા રૂપિયા દૂધે ધોઈને આપવાના છે...પણ હમણે કંઈ મેળ પડતો નથી."

"મેળ પડવાનોય નથી...ગામમાં પાણીની લાઈન નાખવાનો કંતરાટ કોને દેવાનો છે?" સવજીએ સવાલ કર્યો.

"ગંભુ અને માનસિંગને દેવાનો વિચાર છે..."

"અમેં સ્હું મરી જ્યા છવી...? ઈ કંતરાટ જો બીજાને દેવો હોય તો અમારા રૂપિયા વ્યાજ સાથે અતારે જ પાછા જોશે. નકર મજા નહીં આવે...જો હુકમસંદ...તને
સરપંસપદે બેહાડી હકીએ તો હેઠો પણ ઉતારી હકીએ, હમજ્યો...?"રવજીએ રાડ પાડીને કહ્યું.
"એમ દાદાગીરી નો કરો. રૂપિયા દીધા છે તે ચ્યાં ઉછીના દીધા છે...બે ટકા વ્યાજે લીધા છે. કોન્ટ્રાકટ કંઈ મફતમાં નો મળે..ગંભુ હાર્યે પાંચ લાખનું નક્કી થયું છે.બોલો તમે ચેટલા દેશો..?"
"અમે છ લાખ દેશું...તને દસ આપ્યા છે...એમાંથી છ તારા..."
"હં...હં..એમ કરો, ચા-પાણી પીવો. હું ગંભુને બોલાવું....હરુભરૂ વાત કરી લેવી." કહી હુકમચંદે મોબાઈલ કાઢ્યો. ગંભુનો નંબર લગાડીને બલ્બના અજવાળામાં ચમકી રહેલા રવજીના ચહેરાને તાકી રહ્યો. ફોનમાં રિંગ વાગતી રહી પણ ગંભુએ ફોન ઉપાડ્યો નહીં એટલે કંટાળીને એમણે ચંચાને કહ્યું, "જા ગંભુ અને માનસંગને અતારે ને અતારે સાદ કરી લાવ્ય..કે'જે કે સરપંચ બોલાવે છે ખાસ કામ છે."
ચંચો હજી હમણાં જ હુકમચંદના ઘરમાં ચા-પાણીનું કહેવા ગયો હતો. વીજળીના દર્શન કરીને એને જરાક બીવડાવવાની એની ઈચ્છા હતી...કારણ કે એ ચ્યાંય લગી પેલા ટાઢિયાની દુકાને ઊભી હતી.
રવજી અને સવજી બેઉ માથાભારે હતા.જેવા તેવાને તો એ જવાબ પણ આપતા નહીં. આજ સરપંચને એ બેય ભાઈ દબડાવતા હતા એ જોઈ ચંચાને એ લોકો પર દાઝ ચડી હતી.

એ ઝડપથી ગામમાં દોડ્યો. થોડીવારે ગામમાં પાણીની લાઈન નાખવાનો કોન્ટ્રાકટ લેવામાં રસ ધરાવતા ગંભુ અને માનસંગ આવ્યા.

ગંભુ થોડો નીચો અને એકવડીયા બાંધાનો હતો.પાતળી મૂછો અને ઝીણી આંખો ધરાવતો ગંભુ પણ ગામમાં ઠીકઠીક વજન ધરાવતો આદમી હતો. પચાસ વીઘા પાણીવાળી જમીનનો એ માલિક હતો.માનસંગ ગંભુના કાકાનો દીકરો હતો.ગંભુ કરતા બે-ત્રણ વરસ નાનો હતો.
એ બંને આવીને બેઠા.લાઈટના અજવાળામાં રવજીએ એ બંનેને તિરસ્કારથી જોયા.
ચંચાએ ગંભુ અને માનસંગને પાણી આપ્યું અને ફરી ચાનું કહેવા અંદર દોડ્યો.
આ વખતે વીજળી ઓસરીની ધારે બેસીને કોઈ પુસ્તક વાંચી રહી હતી.
"બે રકાબી ચાનું કેવરાવ્યું સે..'' કહી ચંચાએ વીજળી પાસે જઈને એની ચોપડીમાં જોઈને હળવેથી કહ્યું, "તારા બાપુને કહું કે નો કહું...?"
''જા ને વાયડા.. તારે જે ભહંવુ હોય ઈ ભંહી નાંખજે.. ભલે મારા બાપુ મને ભડાકે દે...બસ ? જા આમ હાલતીનો થા."
વીજળી તો વીજળી જ હતી. ચંચાએ ઝટકો અનુભવીને ચાલતી પકડી.એ ફળિયામાં પહોંચ્યો ત્યારે ત્યાં ઝઘડો વધી પડ્યો હતો.

"જોવો સરપંસ, જુબાનની કિંમત હોય. આપડે વાત ફાઇનલ થઈ ગઈ'તી. તમને પચા હજાર બાનું પણ આપી દીધું સે..હવે તમને કોક લાખ વધુ આપે એટલે ફરી જાવ ઈમ નો હાલે.. પાણીની લાઈન તો હવે ગંભુ જ નાખશે..હું જોવ છું કે બીજા કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે...?" ગંભુએ હુકમચંદની વાત સાંભળીને મોટા અવાજે કહ્યું.

"પણ એમ જાહેર કંતરાટ લાંચ લઈને ગમેં ઈ જાવડભાવડને દઈ નો હકો તમે સરપંસ..ટેન્ડર બાર્ય પાડવું જોવે..અટલે તમે ઈમ કુલડીમાં ગોળ ભાંગવા માંગતા હોવ તો ઈ ગોળનું દડબું તમને એકલાને તો નંઈ જ ખાવા દેવી...મામલતદારને એક ફરફરિયું લખવાની જ જરૂર રે...તખુભા હજી ગટરલાઈનમાંથી બાર્ય નથી આયા..પુસી આવજે.."રવજીએ હુકમની યોજના પર પાણી ફેરવતા કહ્યું.

માનસંગનું લોહી ઉકળી રહ્યું હતું.
"રવલા અમારા હાથમાંથી તું કોળિયો ઝૂંટવી લેવાની વાત કર્યમાં.લાઈન, લાઈનના ઠેકાણે રે'શે અને બીજી લાઈન સાલું થઈ જાહે.. અમારો શિકાર અમે જાવા નઈ દેવી..અમારી આડો જે આવશે ઈને વેતરી નાંખતા અમને વાર નઈ લાગે...!" માનસંગે લાલ આંખો કરીને રવજી અને સવજીને લલકાર્યા.
"તો અમે કંઈ બંગડીયું નથી પે'રી, હમજ્યો ? તમે એકલા કંતરાટ હડપ કરી જાવ અને અમે જોતા રે'શું... ઈમ ? ખાલી પાંચ લાખ આ લબાડને ખવડાવીને પચી લાખ ગળકી જાવા છે ઈમ ? આ ગામમાં હજી રવજી અને સવજી જીવે છે...બોલો સ્હું કરવાનું છે...? કંતરાટમાં ભાગ આપો..નકર હાવ રે'શો..વહેંચીને ખાવાની વાત છે. જો હમજો તો હારું,બાકી હાવ રે'શો... હમજ્યા ?"

મામલો બગડતો જોઈ હુકમચંદે વચ્ચેનો રસ્તો કાઢ્યો. ગંભુ અને માનસંગને વહેંચીને ખાવા સમજાવી લીધા પણ એ બેઉના મનમાં રવજી અને સવજી માટે નફરતના બીજ વવાઈ ગયા.

રવજી અને સવજી સમજૂતી કરીને ગયા એટલે માનસંગ બોલ્યો, "ભાઈ જો તું હા પાડ તો આ બેયને ઉલાળી નાખીએ. ન રહેગા બાંસ ન બજેગી બંસી."
"જો જો હો એવી ભૂલ કરતા નહીં. એ રવજી અને સવજીનો ઘડો લાડવો નથી થાય એમ." હુકમચંદે કહ્યું.
"ઈતો હવે જોયું જાય છે...ચાલો ત્યારે કામ ક્યારથી ચાલુ કરવાનું છે ઈ જણાવી દેજો." કહીને ગંભુ અને માનસંગ પણ ચાલ્યા ગયા.
આ સમગ્ર વાતચીત દરમ્યાન ચંચા ત્યાં હાજર હતો.

ગામમાં નખાઈ રહેલી પાણીની પાઈપલાઈનના કોન્ટ્રાકટમાં જે ગફલું થનાર હતું એની રજેરજ માહિતી પેટમાં સંગ્રહીને એ બેઠો હતો. હવે હુકમચંદ એકલા પડ્યા હતા પણ એમનો હુક્કો ઠરી ગયો હતો.

"અલ્યા ડોબીના..આ તારો ડોહો ઠરી ગ્યો છે ઈ નથી ભળતો..? તમાકુ ભર અને સળગાવ ઝટ.." હુકમે હુકમ આપ્યો. ચંચાને વીજળીએ તો બે વખત ઝટકો આપ્યો જ હતો. એણે હુક્કો સળગાવ્યો એટલે હુકમચંદે કહ્યું,
"આંય જે કંઈ વાતું થઈ ઈ......"

"શેની વાતું..?મને તો કંઈ ખબર જ નથી." કહી ચંચો હસી પડ્યો.

"શાબાશ.. બોલ હવે તું શું ઓલ્યા ટેમુની વાત કરતો'તો ?"

"ઈ તો ઈમ કે ઈ ટાઢિયાની દુકાને વસ્તુ લેવા જવા જેવું નથી.. હાળો લપિયો સે...કોય વાતમાં હમજતો નથ્થ..."

"તો નો જાતો..બીજું શું..." કહી હુકમચંદ હુક્કો ગગડાવવા લાગ્યા.
ચંચો ચૂપ બેઠો. વીજળીની વાતમાં ખાસ દમ હતો નહીં, નાહકનું સરપંચ ઊંધું હમજશે તો લોચો પડી જહે.એમ સમજીને મૂંગા રહેવામાં જ માલ છે. બીજા ખાટસવાદીયા પણ આવી પહોંચ્યા.મોડે સુધી વાતો કરીને સૌ વીંખાયા.

હુકમચંદને આજ થયેલી માથાકૂટ અંદરથી ડરાવી રહી હતી.રવાએ અને સવાએ એનો ખેલ ઊંધો પાડ્યો હતો. ગંભુ અને માનસંગને પાણીની લાઈનનો કોન્ટ્રાકટ આપીને સરકારી ગ્રાન્ટનો મોટો ભાગ ઓળવી જવાની યોજના ઉપર એ બંનેએ ટાંગ ઊંચી કરી હતી...!

બીજા દિવસે સવારે એ બીડી લેવા ટેમુની દુકાને ઊભો રહ્યો. ગઈકાલે ચંચો આ ટેમુની વાત કરતો હતો એ એને યાદ આવ્યું.

"એક જૂડી બીડી દે અલ્યા..અને બાક્સ પણ દેજે.." સરપંચે દસની નોટનો ઘા કરીને કહ્યું.

ટેમુ કોથળો પાથરીને દુકાનના થડા પર બેઠો બેઠો ચોપડી વાંચતો હતો.એણે ધીરેથી ચોપડી બંધ કરીને કાઉન્ટર પર મૂકી પણ કાઉન્ટર પર થોડી ધૂળ જામેલી જોઈ એને પુસ્તકનું સ્થાન ફેરવવું યોગ્ય લાગ્યું.

એ પુસ્તક એણે ઉપાડીને પોતે બેઠો હતો ત્યાં મૂકીને સરપંચ સામે જોયું.

"હેં...? તમારે શું જોવે છે...?" ટેમુએ હળવેથી કહ્યું.

''એક બાક્સ અને એક જૂડી ચારભાઈ બીડી દે....જો દસ રૂપિયા મૂક્યા છે..."સરપંચે દસની નોટ બતાવતા કહ્યું.

"હેં...? દસ રૂપિયાને... એતો આ રહ્યાં.... ઊભા રહો હું જરા હિસાબ કરીને કહું...કેટલા થશે એ..." ટેમુએ દસ રૂપિયાની નોટ ગલ્લામાં મૂકીને ગણતરી કરવા માંડી.
"એક જૂડી ચારભાઈ બીડીના આઠ રૂપિયા પંચોતેર પૈસા..અને બાકસના એક રૂપિયો ને પચીસ પૈસા..એટલે..એમ માનોને આઠ ને એક નવ..અને પંચ્યોતેર ને પચ્ચી સો..એટલે સો પૈસા...અને સો પૈસા એટલે એક રૂપિયો..આ એક રૂપિયો અને આગળના નવ...નવને એક દસ...તમેં દસ રૂપિયા આપ્યા.
એટલે તમારું કાંઈ વધે નહીં કારણ કે તમારે જે માલ જોવે છે એનું બિલ પૂરા દસ રૂપિયા થશે."
"અલ્યા ભઈ...મને ખબર સે...તું ઝટ બીડીની જૂડી અને બાક્સ દે ને...ભારે હિસાબ કરવાવાળો..." સરપંચ કંટાળ્યા.

"હા..તે મેં ચ્યાં ના પાડી. આતો એમ કે માલની કિંમત ગ્રાહકે આપેલા પૈસામાંથી બાદ કરતાં જે વધે એ પાછું આપવું પડે અને ન વધે તો ક્યાં વાંધો છે..બરોબર ને..? અને પાછું ઘટે એમ હોય તો માંગવા પણ પડે. માલ કાંઈ મફતમાં આવતો નથી. અમારો તો નિયમ જ સે..કોઈને છેતરવા નહીં અને છેતરાવું પણ નહીં..વે'વારે જે થાતું હોય ઈ જ લેવું..પાંચીયું વધુ લેવું નહીં અને કોઈને પાંચીયાનુંય વધુ આલવું નહીં.. તો જ વેપાર થાય..નકર તો દેવાળું ફૂંકવાનો વારો આવે.આ તો તમે સરખી ગણતરી કરીને જેટલા થાતા'તા એટલા જ દીધા'તા..પણ મારી ફરજ છે કે મારે સરખો હિસાબ કરવો જોવે..આતો તમે બે સોંપડી ભણ્યા હશો એટલે તમને હિસાબ આવડતો હોય..પણ ગામમાં બધા તમારી જેમ હોંશિયાર નો હોય ને..! અભણ અને ગરીબ માણસો છેતરાઈ ના જાય એનું અમારે વેપારી લોકોએ ધ્યાન રાખવું પડે.આપણાં ગામમાં...."

"અલ્યા ભાઈ તું બીડી અને બાક્સ આપને... મારે મોડું થાય છે..." સરપંચ આજ ટેમુની ઝપટે ચડ્યો હતો.

"હા..હા..તે મેં ચ્યાં ના પાડી.. ગ્રાહકના નાણાં લીધા પછી એમને વસ્તુ તો આપવી જ પડે ને....! " એમ કહી એ ચારભાઈ બીડીનું બંડલ શોધવા લાગ્યો..એક-બે ખાનામાં તપાસ કર્યા પછી એણે સરપંચ સામે જોયું અને હસ્યો.
"લાગે છે કે દુકાનમાં જે સ્ટોક હતો એ ખલાસ થઈ ગયો છે..શું છે કે આપણી દુકાને ખાત્રીબંધ માલ મળતો હોવાથી ધસારો વધુ રહે છે..અમે પ્યોર માલ આપવામાં માનીએ છીએ..તમે ઊભા રહો હું અંદરથી લઈ આવું...ત્યાં સુધીમાં લો આ બાક્સ રાખો."

"એકલા બાકસનું મારે શું કામ છે..
જા..ઝટ, ઉતાવળ રાખ..વાતું ઓછી કર્ય અને કામમાં ધ્યાન રાખ." હુકમચંદને પારાવાર ગુસ્સો આવતો હતો.

"આ તો એમ કે તમારી પાસે બીડી પડી હોય તો સળગાવવા થાય. હું અંદરથી લઈને આવું ત્યાં સુધીમાં કંઈક તો કરવું પડશે ને.નવરો માણસ નખ્ખોદ વાળે ઈ કહેવત તો તમે સાંભળી જ હશે."

"મારા દસ રૂપિયા પાછા લાવ્ય, મારે ઉતાવળ છે. હું બીજી દુકાનેથી લઈ લઈશ.'' સરપંચ હવે ઉતાવળા થયા હતા.
"આટલું થોભ્યા તો બે મિનિટ વધુ...હું જલદી જઈને લઈ આવું છું. તમારે ઉતાવળ છે એમ કહેવું'તું ને..આ તો શું છે કે તમારી જેવા મોટા માણસ જોડે બે વાત કરીએ એમ...! લ્યો હું જઉં..હવે નકર પાછું તમને મોડું થશે..... હે હે હે....." કહી ટેમુ હસી પડ્યો.
ટેમુની દુકાનના ઓટલે સરપંચ દસ મિનિટથી વળ ખાઈ રહ્યા છે અને બીડીની જૂડી લેવા ગયેલો ટેમુ હજી બહાર આવ્યો નથી.

(ક્રમશ :)
[આપ સૌના પ્રતિભાવોની રાહમાં]