Prayshchit - 81 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 81

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રાયશ્ચિત - 81

પ્રાયશ્ચિત પ્રકરણ 81

કેતન 'જમનાદાસ કન્યા છાત્રાલય' પહોંચ્યો ત્યારે ત્યાંનું વાતાવરણ જોઇ એને આશ્ચર્યનો સુખદ આંચકો લાગ્યો.

આખું છાત્રાલય સુંદર શણગારેલું હતું. ગેટ ઉપર તોરણ પણ લટકાવ્યાં હતાં. હોસ્ટેલનો હોલ પણ શણગારેલો હતો. તમામ કન્યાઓ વ્યવસ્થિત રીતે તૈયાર થઈને અહીં તહીં આંટા મારતી હતી.

કેટરીંગ સર્વિસ વાળાએ ટેબલ પણ ગોઠવી દીધું હતું અને લગ્ન સમારંભમાં હોય એવી રીતે ટેબલ ઉપર બધી વાનગીઓ પણ ગોઠવાઈ ગઈ હતી. બસ કેતન સરની જ રાહ જોવાતી હતી !

કેતન જેવો ગેટ માં પ્રવેશ્યો કે તરત જ કાજલ અને અદિતિ એને મુખ્ય હોલમાં દોરી ગયાં. હોલમાં એક ટેબલ ઉપર ૧૦ કિલોની કેક ગોઠવેલી હતી. બેકરીમાં સ્પેશિયલ ઓર્ડર આપીને બનાવરાવી હતી. એની ઉપર પેસ્ટ્રીનું ટોપિંગ કરીને મીણબત્તીઓ પણ ભરાવેલી હતી.

" સર આ છાત્રાલયમાં આવ્યા પછી અમે લોકો તમારો પહેલો જન્મદિવસ ઉજવી રહ્યાં છીએ. આ છાત્રાલય બનાવીને તમે અમને જે મદદ કરી છે એના માટે અમારી પાસે કોઈ શબ્દો નથી સર. તમારા જન્મ દિવસે અમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે જ અમે કેકનો ઓર્ડર આપ્યો. તમે કેક આપો એટલે અમે એના ભાગ પાડી દઈશું. " આરતી નામની એક છોકરી બોલી.

કેતન ભાવુક થઈ ગયો એ કંઈ બોલ્યો નહીં. ટેબલ પાસે ઉભા રહીને એણે તમામ મીણબત્તી હોલવી દીધી અને એ સાથે જ તમામ છોકરીઓએ હર્ષની ચિચિયારીઓ કરી અને તાળીઓના ગડગડાટ સાથે હેપી બર્થ ડે નું પ્રચલિત ગીત સમૂહમાં ગાયું.

કેક તો કપાઈ ગઈ પરંતુ કેતન સરને કેક કોણ ખવડાવે એ મૂંઝવણ થઈ ગઈ. છેવટે અદિતિ આગળ આવી અને એણે કેકનો પીસ કેતનના મોઢામાં મૂક્યો.

" હેપ્પી બર્થડે સર. તમામ સિસ્ટર્સ વતી આ કેક હું તમને ખવડાવું છું. " અદિતિ બોલી.

અને કેતને પણ સામે અદિતિ અને કાજલને થોડી કેક ખવડાવી.

" માફ કરજો. હું તમારામાંથી કોઈને પણ નામથી ઓળખતો નથી અને આટલી બધી કન્યાઓને વ્યક્તિગત કેક ખવડાવી શકું એમ નથી એટલે તમે તમારી રીતે એન્જોય કરો. " કેતન હસીને બોલ્યો.

" અને આજે તમે જે લાગણી મારા પ્રત્યે બતાવી છે એના પુરસ્કાર રૂપે મારા જન્મદિવસે મારી તમામ નાની બહેનોને ૫૦૦૦ નું કવર હું ગિફ્ટ આપું છું. એક મોટા ભાઈ તરીકે તમને કંઈક મદદરૂપ બનવાનો મારો આશય છે. " કેતન બોલ્યો.

કેતનના શબ્દોને તમામ છોકરીઓએ તાળીઓથી વધાવી લીધા. બધી જ છોકરીઓ આશ્ચર્ય પામી ગઈ કે કેતનભાઇ કઈ ટાઈપના વ્યક્તિ છે !!!

એ પછી જયેશભાઈએ કાજલને જે ૯૨ કવર આપ્યાં હતાં તે કાજલે બેગમાંથી બહાર કાઢ્યાં અને રજીસ્ટરમાં દરેકની એન્ટ્રી કરીને વહેંચી દીધાં.

ખુશીઓના વાતાવરણ વચ્ચે જમવાનું ચાલુ થયું. બૂફે માટે લાંબી લાઈન લાગી. રાગિણીબેને પણ કેતનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

" તમે તો સર આજે બધી દીકરીઓનાં મન મોહી લીધાં. તમે મોટાભાઈ શબ્દનો પ્રયોગ કર્યો એની કોઈ તુલના જ ના થઈ શકે. કન્યાઓ માટે થઈને તમે આજે પાંચ લાખ રૂપિયા વહેંચી દીધા એ માની શકાય એમ જ નથી. આ સંસ્થામાં જોડાવા બદલ હું પણ ગર્વની લાગણી અનુભવું છું. " રાગિણીબેન બોલ્યાં.

કાજલ અને અદિતિ અહીં જ જમવાનાં હતાં એટલે કેતન એકલો જ કન્યાઓની વિદાય લઈને વડીલોના આશ્રમ તરફ નીકળી પડ્યો. આજે મન ખૂબ જ પ્રસન્નતા અનુભવતું હતું.

અહીં પણ તમામ વડીલો અને સ્ટાફના સભ્યો કેતનની રાહ જોતા હતા. કેતનને એ વાતનું પણ આશ્ચર્ય થયું કે આશ્રમ પણ આજે એના માનમાં શણગારેલો હતો. કેતનને મનમાં ખ્યાલ આવી ગયો કે બંને જગ્યાઓ સજાવવાનું કામ જયેશભાઈ અને એના સ્ટાફે જ કરેલું છે.

જાનકી પણ પોતાની ગાડીમાં શિવાની દક્ષામાસી અને જશીને લઈને અહીં આવી ગઈ હતી.

" શેઠ મને ખબર છે કે છાત્રાલયમાં તમારા માટે કેક કાપવાનો આજે પ્રોગ્રામ હતો. છતાં અહીં પણ એ જ પ્રોગ્રામ આપણે રાખ્યો છે. આ ગરીબ ઘરડાં માણસો બિચારાં ક્યારે કેક કાપવાનાં હતાં ? એમને પણ આપણા આનંદમાં સહભાગી બનાવીએ !! " જયેશ બોલ્યો.

" હું તમારી વાત સાથે સહમત છું. ચાલો સૌથી પહેલાં કેકનો પ્રોગ્રામ પતાવી દઈએ. આમ પણ મોડું થઈ ગયું છે. " કેતન બોલ્યો.

જે હોલમાં ભોજનની વ્યવસ્થા હતી એ હોલમાં તમામ સ્ટાફ અને તમામ વડીલો ને બોલાવવામાં આવ્યાં. ટેબલ ઉપર અઢી કિલોની કેક તૈયાર જ હતી. કેતને બધાંની હાજરીમાં મીણબત્તી હોલવીને કેક કાપી. તમામ વડીલોએ તાળીઓ સાથે કેતનના જન્મદિવસને વધાવી લીધો અને શુભેચ્છા પાઠવી.

જાનકી અને શિવાનીએ કેતનને કેક ખવડાવી તો કેતને પણ સામે એ જ રીતે જાનકી અને શિવાનીને કેક ખવડાવી.
એ પછી પેપરની પ્લેટોમાં જયેશભાઇના સ્ટાફે તમામ વડીલો અને આશ્રમના સ્ટાફને કેક વહેંચી.

કેક નો પ્રોગ્રામ પતી ગયા પછી બુફે લંચ ચાલુ થયું. બંને જગ્યાએ એક જ મેનુ હતું. જે વડીલો ઉભા રહી શકતા ન હતા એ લોકો પોતાની ડીશ લઈને હોલના એક છેડે નીચે જમીન ઉપર બેસી ગયા. કેતન જાનકી અને શિવાની પણ આશ્રમના રહેવાસીઓની સાથે જ હાથમાં ડીશ લઈને જમ્યાં.

ભોજન પતી ગયા પછી તમામ વડીલોએ ભેગા થઈને કેતનને ખૂબ આશીર્વાદ આપ્યા. આશ્રમનું આખું વાતાવરણ આનંદમય હતું. જયેશ ભાઇના સ્ટાફે પણ કેતનસરનાં ખુબ જ વખાણ કર્યાં. ઘરથી તરછોડાયેલા વડીલોની વચ્ચે જન્મદિવસની ઉજવણી કરવાનો આનંદ જ કંઇક ઑર હતો !

આશ્રમથી એ લોકો ઘરે આવ્યા ત્યારે બપોરના લગભગ ત્રણ વાગવા આવ્યા હતા.

સવારથી દોડાદોડ ચાલતી હતી એટલે થોડી વાર આરામ કરવાની ઈચ્છા હતી. કેતન જાનકી બેડરૂમમાં જઈને સુઈ ગયા. શિવાની પોતાના પુસ્તકો લઇને ડ્રોઇંગરૂમમાં વાંચવા બેઠી.

સાંજે લગભગ પાંચ વાગે ડોરબેલ વાગ્યો. શિવાનીએ જઈને દરવાજો ખોલ્યો તો સામે ફૂલોનો બુકે અને એક પેકેટ લઈને અસલમ શેખ ઉભો હતો ! શિવાની એને સારી રીતે ઓળખતી હતી.

અસલમ સોફા ઉપર આવીને બેઠો. એના માટે શિવાની પાણી લઈ આવી અને ભાઇ-ભાભીને ઉઠાડવા માટે ગઈ.

શિવાનીએ કેતનના બેડરૂમના દરવાજાને ખટખટાવ્યો. અંદરથી કેતને રિસ્પોન્સ આપ્યો અને થોડીવારમાં જ કેતન બહાર આવ્યો.

" ભાઈ અસલમ ભાઈ આવ્યા છે. " શિવાની બોલી.

કેતન તરત જ ડ્રોઈંગ રૂમમાં આવ્યો. બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા. અસલમે દિલથી કેતનને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.

" તારો જન્મદિવસ છે અને તું મને જણાવતો પણ નથી ? મેની મેની હેપી રિટર્નસ ઓફ ધ ડે કેતન ! " અસલમ બોલ્યો અને કેતનના હાથમાં તાજાં ફૂલોનો બુકે મુક્યો.

" થેન્ક્સ અસલમ. આ પ્રસંગ એવો છે કે કોઈ સામેથી ના જણાવે. તને કેવી રીતે ખબર પડી ? " કેતને પૂછ્યું.

" અરે ભાઈ હવે તારી સાથે જોડાયેલો છું તો ક્યાંકથી તો ખબર પડે જ ને ! આજે બપોરે જસ્ટ જયેશભાઈ સાથે ફોન ઉપર વાત થયેલી તો એમણે મને કહ્યું. " અસલમે ખુલાસો કર્યો અને એના હાથમાં ગિફ્ટનું પેકેટ આપ્યું.

" અરે આ બધું શું કરી રહ્યો છે અસલમ ? આપણે હવે મોટા થઈ ગયા. ગિફ્ટ લેવા આપવાની પણ એક ઉંમર હોય છે. " કેતને હસીને કહ્યું અને ગીફ્ટને બાજુમાં મૂકી.

" અરે તું ખોલીને જો તો ખરો !! " અસલમ બોલ્યો.

કેતને પેકેટ હાથમાં લીધું ત્યાં જાનકી બહાર આવી. એને અસલમને જોઈને આશ્ચર્ય થયું.

" શું વાત છે અસલમભાઇ આજે આમ અચાનક !! " જાનકી બોલી.

" બસ મને ગઈકાલે રાત્રે સપનું આવ્યું કે કાલે કેતનનો જન્મદિવસ છે. એટલે ખાતરી કરવા માટે આજે રૂબરૂ આવ્યો." અસલમ બોલ્યો અને બધાં હસી પડ્યાં.

" જાનકી આ પેકેટ જરા ખોલી દે ને. અસલમ લાવ્યો છે. " કેતને જાનકીને પેકેટ આપ્યું.

જાનકીએ રસોડામાં જઈને રેપર તોડીને પેકેટ ખોલ્યું તો અંદરથી સેમસંગનો મોંઘામાં મોંઘો લેટેસ્ટ સ્માર્ટ મોબાઇલ ફોન અને સાથે પર્ફ્યુમનાં બે બોક્સ નીકળ્યાં. જાનકી એ લઈને રૂમમાં આવી અને કેતનના હાથમાં મૂક્યાં.

૨૦૧૪ના એ ગાળામાં સ્માર્ટ મોબાઈલ નવા નવા નીકળ્યા હતા અને માત્ર ૩જી નેટવર્ક ચાલતુ હતું.

" અરે અસલમ આટલો બધો ખર્ચો કરવાની ક્યાં જરૂર હતી ? " કેતને અસલમને મીઠો ઠપકો આપ્યો.

" તું મારો પાર્ટનર છે કેતન. અને હવે તો હું પૂરેપૂરો તારી લાઈનમાં આવી ગયો છું. મારો જૂનો તમામ બિઝનેસ હવે ઇમરાન સંભાળે છે. હું હવે માત્ર દવાઓના બિઝનેસમાં છું. પેપર ઉપર પણ હવે હું ક્યાંય નથી. " અસલમ બોલ્યો.

" આજે આ બધી વાતો કરવા જ હું આવ્યો હતો. " અસલમ બોલ્યો.

" એ બધી વાતો પછી. તું જમીને આવ્યો છે ? તું પહેલાં જમી લે. આજે મારી લેડીઝ હોસ્ટેલમાં અને વૃદ્ધાશ્રમમાં ભોજન સમારંભ રાખ્યો હતો. કેટરિંગ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તારા માટે ટિફિન મંગાવી લઉં છું."

" તું મારી જમવાની ચિંતા ન કરીશ. મેં સવારે પેટ ભરીને નાસ્તો કર્યો જ છે. ૧૧ વાગ્યાનો હું બહાર જ છું. એક બે કામ પતાવીને મારી ઓફિસેથી અઢી વાગે નીકળી ગયેલો. આજે ડ્રાઈવર પણ સાથે લીધો નથી. હવે રહીમ મારું ડ્રાઇવિંગ સંભાળે છે. " અસલમ બોલ્યો.

" કંઈ વાંધો નહીં. મારા જન્મ દિવસની પાર્ટી તરીકે આ ભોજન છે.... ના ન પડાય !! " કેતન બોલ્યો અને એણે તરત જ જયેશને ફોન કર્યો.

" અરે જયેશભાઈ રાજકોટથી મારો ફ્રેન્ડ અસલમ આવ્યો છે. જરા એક ટિફિન ઘરે મોકલી આપો ને. " કેતન બોલ્યો.

" હમણાં જ મોકલી દઉં શેઠ. " જયેશ ઝવેરી બોલ્યો અને ૧૫ મિનિટમાં તો જયેશની ગાડી લઈને મનસુખ આવી ગયો.

" ચાલ... ડાઈનીંગ ટેબલ પર આવી જા. હજુ ત્યાં પણ સ્ટાફનું જમવાનું ચાલુ જ છે. " કેતન બોલ્યો.

" શું વાત છે મેનુ તો આજે સરસ રાખ્યું છે કેતન !! " થાળી પીરસાઈ ગયા પછી અસલમ બોલ્યો.

" બસ તો બિસ્મિલ્લા કરીને શરૂ કરી દે." કેતને હસીને કહ્યું.

અસલમ જમી રહ્યો એ પછી બંને મિત્રો ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠા. બે મિત્રો વાત કરતા હોય ત્યારે જાનકી એમને એકાંત આપતી. એ અને શિવાની બેડરૂમમાં જતાં રહ્યાં.

" કેતન તારા આશિષ અંકલ અહીંથી ટ્રાન્સફર થયા પછી રાજકોટના ડીસીપી થયા છે એ તો તને ખબર છે જ. એમણે મને એક દિવસ બોલાવેલો. એમણે મારી સાથે જે વાત કરી એ તને જણાવવાની ઘણા સમયથી મારી ઇચ્છા હતી. તને કદાચ ખ્યાલ નથી કેતન કે તારા આશિષ અંકલ તારું કેટલું બધું ધ્યાન રાખતા હતા !! " અસલમ બોલ્યો.

"પોલીસ ડિપાર્ટમેન્ટથી કંઈ પણ છાનું નથી હોતું. એ કોઈપણ વસ્તુના મૂળ સુધી પહોંચી જ જાય છે. રાકેશ વાઘેલા નું મર્ડર થઈ ગયું એની પાછળ મારો હાથ છે એ આશિષ અંકલને ખબર છે. જે રાત્રે રાકેશ નું મર્ડર થયું એ દિવસે સવારે તું રાજકોટ મને મળવા આવેલો એ પણ એમને ખબર પડી ગઈ. એમનો પૃથ્વીસિંહ બહુ ચાલાક ઓફિસર છે." અસલમ વિગતવાર વાત કરી રહ્યો હતો.

" રાત્રે ૧૨ વાગ્યા આસપાસ કારમાં ફઝલુએ જ રાકેશનું મર્ડર કર્યું એ પણ એમને ખબર છે. કારણ કે એ સમયે ત્યાંથી એક ગાડી પસાર થયેલી જે પોલીસની જ હતી. અમારો પ્લસ પોઇન્ટ એક જ હતો કે ફઝલુને રાકેશનું ખૂન કરતાં કોઈએ જોયો નહોતો. માત્ર એની ગાડી ત્યાંથી થોડીવાર પછી નીકળેલી એટલે એનો ગુનો સાબિત થતો નથી. "

" હું તારી સાથે ધંધામાં જોડાયેલો છું એ આશિષ અંકલ ને ખબર છે એટલે તારું કે મારું નામ ક્યાંય પણ ના આવે એટલા માટે આખી ફાઇલ એમણે દબાવી દીધી અને રિમાર્ક પણ એવા આપ્યા કે પાછળ કોઈ નવો અધિકારી ફાઈલ ખોલે તો પણ મારું નામ ક્યાંય ન આવે !!"

" તારી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં એમણે મને જોયો હતો. તારા ઘરે વાસ્તુ પ્રસંગે પણ એ આપણી સાથે જ હતા તો પણ બધું જાણતા હોવા છતાં એમણે આંખ આડા કાન કર્યા હતા. "

" આ બધી અંગત વાત એમણે મારી સાથે લાગણીથી શેર કરેલી અને મને સુચના આપી દીધી કે -- તમામ ધંધો તું બીજા કોઈને સોંપી દે અને પૂરેપૂરો કેતનના ધંધામાં જોડાઇ જા. જેથી ભવિષ્યમાં પણ કેતનને છાંટા ના ઉડે -- એટલે મેં મારા ધંધામાંથી મારું નામ દૂર કર્યું અને ઇમરાનને બધો બિઝનેસ સોંપી દીધો. પેપર ઉપર પણ મારું નામ અત્યારે ક્યાંય નથી. " અસલમે વાત પૂરી કરી.

" તારી આ વાત સાંભળીને આશિષ અંકલ માટે મારું માન અનેક ઘણું વધી ગયું. ખરેખર આ એમની મહાનતા છે. મારે રાજકોટ જઈને ખાસ એમનો આભાર માનવો પડશે. " કેતન બોલ્યો.

" મેં તો એમ માની લીધેલું કે મર્ડર થતું કોઈએ જોયું નથી અને કોઈ પુરાવા મળ્યા નથી એટલે કેસ ફાઇલ થઇ ગયો હશે." કેતને કહ્યું.

" ના સાવ એવું નથી. ફઝલુની ધરપકડ પણ થયેલી. મેં રોકેલા એક હોંશિયાર વકીલે જોરદાર દલીલો કરી. ફઝલુ સામે ખૂન ના કોઈ પુરાવા ન હતા. એ રાત્રે ફઝલુ જામનગર આવેલો પરંતુ દારૂની ડિલિવરી કરવા આવેલો અને મોડે સુધી તિવારીના ત્યાં રોકાયેલો એવું તિવારીએ પણ સ્ટેટમેન્ટ આપ્યું. એટલે કોર્ટે ફઝલુને ખૂનના આરોપમાંથી આઝાદ કરી દીધો અને દારૂની હેરાફેરી માટે ત્રણ મહિનાની જેલની સજા થઈ. મર્ડરનો કોઈ ગુનો સાબિત ના થયો. " અસલમ બોલ્યો.

" આ બધી વાતની તો મને આજે ખબર પડી અસલમ" કેતને આશ્ચર્યથી કહ્યું.

" હા કારણકે મેં તને કંઈ જણાવ્યું નથી. મળવાની તો ઘણા સમયથી ઈચ્છા હતી ત્યાં અચાનક જન્મદિવસની ખબર પડી એટલે આજે ખાસ મળવા માટે નીકળી ગયો. " અસલમ બોલ્યો.

" તે બહુ સારું કર્યું અસલમ કે તેં આજે આ બધી સ્પષ્ટતા મારી આગળ કરી. આશિષ અંકલે મને પોતાને તો આ બાબતમાં આજ સુધી કંઈ જ ખબર પડવા દીધી નથી. ખરેખર બહુ જ ઉમદા વ્યક્તિત્વ ગણાય !!!" કેતન બોલ્યો અને એની આંખો પણ ભીની થઈ ગઈ.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)