Prayshchit - 5 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 5

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

પ્રાયશ્ચિત - 5

પ્રાયશ્ચિત - પ્રકરણ ૫

મનસુખ કિચનમાં ગયો અને દૂધની બે થેલીમાંથી એક થેલી ફ્રીજ માં મૂકી. બીજી થેલીમાંથી અડધા દૂધની ચા બનાવી અને બાકીના અડધા દૂધ ને સ્ટવ ઉપર ગરમ કરવા મુક્યું. મનસુખને ચા બનાવવાની સારી એવી પ્રેક્ટિસ હતી અને જયેશભાઈ ની ઓફિસમાં પણ રોજ એ જ ચા બનાવતો.

" સાહેબ ખાંડ કેટલી ? મીઠી બનાવું કે થોડી મોળી ? " ચામાં ખાંડ નાખતા પહેલાં મનસુખે પૂછ્યું.

" અરે ભાઈ હજુ તો હું જવાન છું. ચા તો આપણને મીઠી જ ભાવે. "

અને કેતને મમ્મીએ પેક કરેલું નાસ્તાનું મોટું બોક્સ ખોલ્યું. એક ડબ્બામાં ઘણાં બધાં મેથીનાં થેપલાં મૂક્યાં હતાં. એક નાની બરણીમાં છુંદો અને બીજી નાની બરણીમાં અથાણું હતું. બંને બરણી પ્લાસ્ટિકમાં બરાબર પેક કરી હતી. એક પ્લાસ્ટિકની થેલીમાં ઘણી બધી પૂરીઓ પણ હતી તો બીજા એક નાના ડબ્બામાં કેતનને બહુ ભાવતી સુખડી હતી.

" મનસુખભાઈ ચા તો તમે ખરેખર બહુ સરસ બનાવી છે. " કેતને સાચા દિલથી પ્રશંસા કરી. થેપલા અને છૂંદા સાથે એણે ચાની મોજ માણી.

એ જમી રહ્યો એટલે થાળી કપ-રકાબી અને ચાની તપેલી મનસુખે વોશ બેસિનમાં ધોઈ નાખ્યાં.

" પરમ દિવસથી રસોઈ માટે દક્ષાબેન અને ઘરકામ માટે ચંપાબેન સવારથી આવી જાય એવી વ્યવસ્થા કરી દેજો. કાલે તો આપણે જમવા માટે બહાર જ જઈશું. તમે પણ મારી સાથે જ જમજો. " કેતને કહ્યું.

"તમારા આ જયેશભાઇ શેઠ કેવા માણસ છે ? " કેતને સોફામાં બેઠક લેતાં પૂછ્યું.

" એક નંબર સાહેબ. જયેશભાઈ ઝવેરીને હું નાનપણથી ઓળખું. એમનું પુરું ફેમિલી ખાનદાન." મનસુખ બોલ્યો.

" ઠીક છે. તમે એક કામ કરો. આવતીકાલે જયેશભાઈ સાથે મારી મિટિંગ ગોઠવો. તમે એમને અહીં બંગલે લઈ આવો."

" જી સાહેબ. તમને કયો ટાઈમ ફાવશે એ પ્રમાણે હું લઇ આવું." મનસુખે પૂછ્યું.

" જમ્યા પછી બપોરે તો હું આરામ કરીશ. તમે એક કામ કરો. એમને સાંજે પાંચ વાગે લઈ આવો. " કેતને વિચારીને કહ્યું.

" ભલે સાહેબ. " .

" ઠીક છે હવે તમે નીકળો મારે બીજું કંઈ કામ નથી. સવારે આરામથી દસ વાગે આવી જજો. આપણે ફરવા નીકળી પડીશું અને બપોરે ત્યાંથી સીધા જમવા જઈશું. " કેતને પ્રોગ્રામ સમજાવી દીધો.

" સવારે ચા-પાણીનાં વાસણ રહેવા દેજો. હું આવીને ધોઈ નાખીશ. " મનસુખે જતા જતા કહ્યું.

મનસુખ માલવિયા ગયો ત્યારે રાતના લગભગ નવ વાગવા આવ્યા હતા.

કેતને બાથરૂમમાં જઈને ફરી નાહી લીધું. એને રોજ સાંજે નાહવાની ટેવ હતી. એ ફ્રેશ થઈ ગયો. નાઈટ ડ્રેસ પહેરીને બેડ ઉપર ઝંપલાવ્યું. મોડે સુધી મમ્મી પપ્પા અને ભાઈ ભાભી સાથે વાતો કરી.

એ.સી. માં સવારે મોડે સુધી એ ઊંઘતો રહ્યો. અહીં એને કોઈ જગાડનાર નહોતું. જાગ્યો ત્યારે સવારના આઠ વાગી ચૂક્યા હતા.

એ ફટાફટ ફ્રેશ થઇ ગયો. ચા મૂકી દીધી અને બાકીનું દૂધ ગરમ પણ કરી દીધું. સવારે એણે ચા સાથે પુરીનો નાસ્તો કર્યો. એ પછી એણે નાહી લીધું.

'મનસુખ ને કહીને કાલથી ન્યૂઝ પેપર આવે એની વ્યવસ્થા કરવી પડશે' -- કેતને વિચાર્યું.

બરાબર સવારે દસ વાગે મનસુખ મારૂતિવાન લઇને હાજર થઈ ગયો.

" પહેલા આપણે ક્યાં જઈશું સાહેબ ? " મનસુખે કીચનમાં જઈને ચા નાસ્તા નાં બધાં વાસણો સાફ કરતા પૂછ્યું.

"અરે ભાઈ પહેલી વાર તો તમારા આ શહેરમાં હું આવ્યો છું. ક્યાં જવું એ તમારે જ નક્કી કરવાનું. "

" સોરી સાહેબ... એ તો હું ભૂલી જ ગયો "

મનસુખે સૌથી પહેલાં ગાડી જડેશ્વર મહાદેવના મંદિરે લીધી.

" તમારા જામનગરના આ પ્રવાસની શરૂઆત મહાદેવજીનાં દર્શનથી કરીશું સાહેબ." કહીને મંદિર પાસે એણે વાન ને ઉભી રાખી.

" હા હા જરૂર " કહીને કેતન પણ નીચે ઊતર્યો.

દર્શન કરીને ગાડી મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલ તરફ લીધી. ગાડીને પાર્ક કરી નીચે ઉતરી બંને બિલ્ડીંગમાં એક ચક્કર લગાવ્યું. જો કે આ સરકારી હોસ્પિટલમાં કેતને અંગત રસ લીધો અને ચારેબાજુ ફરીને જોઈ લીધી.

ત્યાંથી બેડી રોડ થઈ એણે અંબર સિનેમા સર્કલ તરફ ગાડી લીધી. ત્યાંથી એ સીધો તીન બત્તી સર્કલ સુધી ગયો. રસ્તામાં આજુબાજુના વિસ્તારનો પરિચય પણ કરાવતો ગયો.

સાડા બાર વાગવા આવ્યા હતા એટલે મનસુખે ત્યાંથી ગાડી સીધી બ્રાહ્મણીયા ડાઇનિંગ હોલ તરફ લીધી.

કેતન જમવા માટે સારું ટેબલ જોઈને ગોઠવાઈ ગયો એ દરમિયાન મનસુખ કાઉન્ટર ઉપર ગયો અને કેતન નો પરિચય આપ્યો.

" મારી સાથે છે એ સાહેબ આપણા પોલીસ કમિશનર સાહેબના મહેમાન છે. ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબે મને કહ્યું કે કોઈ સારી હોટલમાં સાહેબને જમવા લઈ જાઓ એટલે હું અહીં લઈ આવ્યો. તમે કહેતા હો તો હું જાડેજા સાહેબ સાથે તમારી વાત કરાવું " મનસુખ બોલ્યો.

" અરે મનસુખભાઈ તમે કહ્યું એમાં બધું આવી ગયું. તમતમારે આરામથી જમો. સાહેબ ના મહેમાન એટલે અમારા પણ મહેમાન. અને હું તમને ક્યાં નથી ઓળખતો ? " કાઉન્ટર ઉપર બેઠેલા વડીલે કહ્યું.

" હું જાડેજા સાહેબને જઈને રિપોર્ટ આપી દઈશ કે બ્રાહ્મણીયા હોટલમાં કમિશનર સાહેબ ના મહેમાનને ખૂબ સારી રીતે જમાડ્યા છે. "

બંને જણા ડાઇનિંગ હોલમાં ઠાઠથી જમ્યા. કમિશનર સાહેબ ના મહેમાન જાણીને હોટલ વાળાએ ખૂબ સારી સરભરા કરી.

જમીને કેતન કાઉન્ટર ઉપર ગયો તો આજના હોટલ વાળાએ પણ પૈસા લેવાની ચોખ્ખી ના પાડી. ઉપરથી કહ્યું " સાંજે પણ જમવા માટે અહીં પધારજો "

સૌરાષ્ટ્રની મહેમાનગતિ બહુ જ વખણાય છે એનો પ્રત્યક્ષ અનુભવ કેતનને થયો.

જામનગર શહેર બહુ મોટું નહોતું એટલે આખાય જામનગરના રસ્તા સમજવા માટે બે દિવસ તો પૂરતા હતા.

જમી લીધા પછી બે કલાક આરામ કરવાની કેતનની ઈચ્છા હતી એટલે ગાડી સીધી પટેલ કોલોનીમાં લીધી.

" તમે હવે નીકળો. પાંચ વાગે જયેશભાઇ ને લઈને આવી જજો. અને હા સવારે સમાચાર વાંચવા માટે અહીંનું કોઈ ન્યુઝ પેપર બંધાવી દેજો ને !! " કેતને માલવિયા ને કહ્યું .

" જી સાહેબ.... તમે આરામ કરો. હું છાપું બંધાવી દઉં છું અને જયેશભાઈ ને લઈને પાંચ વાગે આવી જઈશ. " કહીને મનસુખ ગાડી લઈને અંબર સિનેમા પાસે જયેશભાઈ ની ઓફીસે ગયો.

" શેઠ તમારે સાંજે પાંચ વાગે કેતનભાઇ સાહેબ ને મળવાનું છે. એમને તમારું કંઈક ખાસ કામ હોય એમ લાગે છે. સમયના એકદમ પાક્કા છે એટલે બરાબર પાંચ ના ટકોરે આપણે પહોંચી જવું પડશે." મનસુખે જયેશભાઈને કહ્યું.

" મને મળવા માંગે છે ? શાના માટે મળવા માંગે છે એની કોઈ વાત કરી ? "

" એ બધું તમને ખબર પડી જશે. મને એમણે કોઈ વાત કરી નથી પણ એમના મગજમાં કોઈને કોઈ પ્લાન તો રમતો જ હશે. " મનસુખે કહ્યું.

સમય પ્રમાણે જ પાંચ વાગ્યે જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા કેતનના બંગલે પહોંચી ગયા.

" આવો આવો જયેશભાઈ તમારી જ રાહ જોતો હતો. " કેતને ઊભા થઇને સ્વાગતમાં હાથ મિલાવ્યા.

જયેશ ઝવેરી કેતનને જોઈને જ અંજાઈ ગયો. જબરદસ્ત પર્સનાલિટી હતી અને એના વ્યક્તિત્વમાં અમીરાઈ ની છાંટ હતી. ફ્રાન્સના સેન્ટની સુગંધ આખાય ડ્રોઇંગ રૂમમાં છવાઈ ગઈ હતી.

" બેસો " કેતને બંનેને સામેના સોફા ઉપર બેસવાનું કહ્યું.

" એક વાતનો મારે તમારો આભાર માનવો પડશે કે તમે મકાન તો ખુબ સરસ શોધી આપ્યું. હવે બીજું કામ તમારે એ પણ કરવું પડશે કે તમારે કોઈ પોશ વિસ્તારમાં મારા માટે સારો બંગલો શોધવો પડશે. હું ખરીદવા માગું છું. બજેટની કોઈ ચિંતા નથી પરંતુ ગાર્ડન વાળો સ્વતંત્ર બંગલો જોઈએ. "

" અને જુઓ...મારે કોઈ જ ઉતાવળ નથી. ભલે બે ત્રણ મહિના લાગે. આ મકાન પણ સારું જ છે. " કેતને કહ્યું.

" અરે સાહેબ... એવું મકાન શોધી આપીશ કે તમે પણ યાદ કરશો. " જયેશ ખુશ થઈ ગયો કારણકે એમાં સારી એવી દલાલી મળવાની હતી.

" પરંતુ મેં તમને આ કામ માટે બોલાવ્યા નથી. તમે લગભગ ત્રણ હજાર ચોરસ ફૂટની એક વિશાળ ઓફિસ શોધી કાઢો. આટલી મોટી ઓફિસ તૈયાર ના મળતી હોય અને કોઈ નવા કોમ્પલેક્ષમાં આખો ફ્લોર મળતો હોય તો પણ ચાલશે. ફર્નિચર કરાવી દઈશું. " કેતન બોલ્યો.

" તમારા જામનગરમાં સારો પ્રમાણિક બિલ્ડર કોણ ? પ્રમાણિક એટલે સાચા અર્થમાં પ્રમાણિક !! કન્સ્ટ્રકશન માં કોઈ કોમ્પ્રોમાઇઝ ના જોઈએ. માલ સામાનમાં સહેજ પણ ઓગણીસ વીસ નહીં ચાલે !! "

" આમ તો બે નામ છે સાહેબ કારણકે હું પોતે પણ રિયલ એસ્ટેટમાં જ છું. એક તો ભાણજીભાઈ અને બીજા કાનાણી બિલ્ડર્સ વાળા દેવશીભાઈ ! તમે જે ક્વોલિટી ની વાત કરો છો એમાં તો દેવશીભાઈ નંબર વન કહી શકાય !! " જયેશભાઈએ થોડું વિચારીને કહ્યું.

" ઠીક છે... એ આપણે પછી જોઈ લઈશું અને મીટિંગ પણ કરીશું " કેતન બોલ્યો.

" બીજું એક કામ તમારે મારું કરવાનું છે. તમે કોઈ સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે મારી મીટીંગ કરાવો. મારે વહેલી તકે એક ચેરીટેબલ ટ્રસ્ટ બનાવવું છે. " કેતને કહ્યું.

"એ કામ થઈ જશે બે-ત્રણ દિવસમાં જ. " જયેશભાઈ એ ઉત્સાહથી કહ્યું.

" હા કારણકે મારે મારા બીજા પ્રોજેક્ટો માટે પ્રોજેક્ટ ફાઈલો બનાવવા અને પાસ કરાવવા પણ એક સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર હંમેશા પડવાની છે. કેટલાક કામો સી.એ. જ કરી શકે " કેતન બોલ્યો.

" આપણે એક મોટી હોસ્પિટલ બનાવવી છે. જામનગરમાં જગ્યા મળે તો ઠીક છે નહીતો જામનગરથી પંદર વીસ કિલોમીટરના વિસ્તારમાં આજુબાજુ કોઈ ટાઇટલ ક્લિયર પ્લોટ મળતો હોય તો આજથી જ દોડવાનું ચાલુ કરી દો. " કેતને કહ્યું.

કેતનની એક પછી એક વાતો સાંભળીને જયેશ ઝવેરી તો આભો જ બની ગયો. આ તો સ્વપ્ન છે કે સત્ય એ જ એને સમજાતું ન હતું. !!

" હું તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ મુકું છું જયેશભાઈ !! જે પણ સંપર્કો તમે કરાવો તે બધા એકદમ ચુનંદા માણસો હોવા જોઈએ. બહુ મોટા પ્રોજેક્ટો છે. મોટા સોદાઓ થવાના છે. આવા મોટા સોદાઓ માં સ્વાર્થી દલાલો પોતાની કટકી પણ કરી લેતા હોય છે."

" મારી સાથે રહેશો તો તમે પણ બે પૈસા કમાશો. તમામ ડીલમાં તમે પોતે કોઈપણ જાતની લાલચ ના રાખશો. હું તમને જરા પણ ઓછું નહીં આપું. મને પ્રમાણિક માણસો ગમે છે. " કેતને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી દીધી.

" અરે શેઠ એ શું બોલ્યા ? આ મનસુખ મને વર્ષોથી ઓળખે છે. પ્રમાણિક પૈસો જ મને ગમે છે. એ બાબતમાં તમે નિશ્ચિંત થઈ જાઓ. કોઈ કરોડોની લાલચ આપે તો પણ હું ફસાઉં નહી. "

" મનસુખભાઈ એ તમારી પ્રશંસા કરી એટલા માટે જ મેં તમને બોલાવ્યા છે. અને હા અત્યારે તમને તમારા આ રિયલ એસ્ટેટના દલાલી ના ધંધામાં દર મહિને લગભગ કેટલું મળે છે ? સોરી આ અંગત સવાલ છે પણ મારે સાચો અને પ્રમાણિક જવાબ જોઈએ છે." કેતને પૂછ્યું.

" આવકનું કંઈ નક્કી નથી હોતું સાહેબ. સીઝન ઉપર આધારિત હોય છે. અને જામનગર તમારા સુરત જેટલું મોટું નથી. મહીને ક્યારેક ત્રીસ ચાલીસ હજાર મળે તો કોઈક મહિનામાં પચાસ સાઠ હજાર પણ મલી જાય." જયેશ ઝવેરીએ જવાબ આપ્યો.

" ઠીક છે આજથી તમે મારા મેનેજર !! તમે તમારું આ પરચુરણ દલાલીનું કામ બંધ કરી દો. તમારે આપણા પ્રોજેક્ટો માટે કાલથી જ દોડવાનું છે. તમને દર મહિને ફિક્સ દોઢ લાખ રૂપિયા મળી જશે. તમારે પણ નવી ઓફિસમાં જ બેસવાનું છે. "

" અને સોરી... પણ આ મનસુખભાઈ ને મારી નવી ગાડીના ડ્રાઇવર તરીકે હું રાખી લઉં છું. " કેતને ધડાકો કર્યો.

જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા બંને એકબીજાની સામે જોઇ રહ્યા !!
ક્રમશઃ

અશ્વિન રાવલ. (અમદાવાદ)