Prayshchit - 70 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 70

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રાયશ્ચિત - 70

પ્રાયશ્ચિત પ્રકરણ 70

" પપ્પા... તમે લોકો હવે મારી ઓફિસ પણ જોઈ લો. હું અને જાનકી ત્યાં બેસવાનાં છીએ. "

હોસ્પિટલથી ગાડી ઓફીસ તરફ લઈને રસ્તામાં કેતન પોતાનાં સાસુ-સસરા સાથે વાત કરી રહ્યો હતો. એ લોકો પહેલી વાર જમાઈના બંગલાના વાસ્તુ પ્રસંગ ઉપર જામનગર આવ્યાં હતાં.

રસ્તામાંથી કેતને જયેશ ઝવેરીને પણ ફોન કરી દીધો હતો. કેતને જાનકી અને સાસુ-સસરા સાથે ઓફિસમાં પ્રવેશ્યો એટલે તમામ સ્ટાફે ઉભા થઈને એમનું સ્વાગત કર્યું.

એ લોકો ત્યાં માત્ર પાંચ દસ મિનિટ રોકાયા અને પછી ઘરે જવા નીકળી ગયા. જયેશે એ બધાંને માટે આઇસ્ક્રીમ મંગાવવાની વાત કરી પરંતુ કેતને વિવેકથી ના પાડી.

ઓફિસેથી ઘરે આવીને કેતને રાત્રે ગ્રાન્ડ ચેતનામાં જમવાનો પ્રોગ્રામ બનાવ્યો. વાતાવરણમાં ઠંડી પણ વધારે હતી.
જયેશને પણ ગાડી લઈને બોલાવી લીધો હતો.

" જયેશભાઈ તમે અને મનસુખભાઈ પણ અમારી સાથે જ જમી લો. " કેતને ગ્રાન્ડ ચેતનામાં પહોંચીને કહ્યું.

જમીને બધા ઘરે આવ્યા ત્યારે રાત્રિના દસ થવા આવ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે ૪:૩૦ વાગ્યાનું એલાર્મ મુકીને બધાં સૂઈ ગયાં. કાલે સવારે નવા બંગલાનું વાસ્તુ હતું એટલે ૯ વાગે બધાંએ પહોંચી જવાનું હતું.

સવારે વહેલા ઊઠીને બધાં ફટાફટ તૈયાર થઇ ગયાં. આજે સવારે નવા બંગલામાં જ બપોરે ફળાહાર કરવાનો હતો અને સાંજે પ્રસાદ ભોજન હતું એટલે આજે ઘરે રસોઈ કરવાની ન હતી.

જયેશભાઈની ગાડી કેતને મંગાવી લીધી અને પરિવારના તમામ સભ્યો એરપોર્ટ રોડ ઉપર જમનાદાસ બંગલોઝમાં સવા નવ વાગે પહોંચી ગયા.

કપિલભાઈ શાસ્ત્રી ત્રણ પંડિતોની ટીમ લઇને આવી ગયા હતા અને ઇંટોથી યજ્ઞકુંડ બનાવી રહ્યા હતા. બે પંડિતો પાટલાઓ ઉપર સામગ્રીઓ ગોઠવી રહ્યા હતા. વાસ્તુ માટેની તમામ વસ્તુઓ આવી ગઈ હતી.

એક રસોઈયો એના બીજા બે મદદનીશને લઈને આવી ગયો હતો. બહાર ગાર્ડનના ભાગમાં જમણવાર માટે મંડપ બાંધ્યો હતો એટલે ત્યાં જ એક ખૂણામાં રસોઈ બનવાની હતી. ગેસના ચૂલા અને મોટાં વાસણો પણ ત્યાં આવી ગયાં હતાં. રસોઈની તેમજ ફળાહાર બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી.

બંગલાની બહાર આસોપાલવનાં તોરણો લટકાવેલાં હતાં અને બંગલો અંદર અને બહાર તાજાં ફૂલોના હારથી સરસ રીતે શણગારેલો હતો. આ બધી વ્યવસ્થા જયેશ ઝવેરી અને એના સ્ટાફે કરી હતી.

રસોઈની તમામ વ્યવસ્થા પ્રતાપભાઈ વાઘાણીએ કરી હતી. અને ૧૦ વાગે એ પણ દમયંતીબેન સાથે હાજર થઇ ગયા હતા. વેદિકા જયદેવને લઈને સાંજે જમવાના ટાઈમે આવવાની હતી.

પ્રતાપભાઈના આવવાથી જગદીશભાઈ ને કંપની મળી ગઈ. પુરુષવર્ગ અને સ્ત્રીવર્ગ બંને બેડરૂમમાં વહેંચાઈ ગયો. જયેશ ઝવેરી, મનસુખ માલવિયા અને ઓફિસ સ્ટાફ બંગલાની બહાર ખુરશીઓ નાખીને બેઠા.

થોડીવાર પછી રસોઈયા મહારાજે તમામ લોકો માટે ચા ની વ્યવસ્થા કરી. શિયાળો હતો એટલે ગરમ ચાનો આનંદ બધાંએ માણ્યો.

બધી તૈયારીઓ કર્યા પછી લગભગ સાડા દસ વાગ્યે કપિલભાઈએ કેતન અને જાનકીને બોલાવ્યાં. બંનેએ રેશમી વસ્ત્રો પરિધાન કર્યાં હતાં. યજમાનને પૂર્વાભિમુખ બેસાડીને શાસ્ત્રીજીએ સંકલ્પ કરાવ્યો.

એ પછી ૩૦ મિનિટ સુધી ગણેશ પૂજા, નવગ્રહોની પૂજા, કુળદેવીની પૂજા અને વાસ્તુ પૂજા વૈદિક મંત્રોચ્ચાર સાથે કેતન અને જાનકી પાસે શાસ્ત્રીજીએ કરાવી. બ્રાહ્મણોના શુદ્ધ મંત્રોચ્ચારથી વાતાવરણ એકદમ મંગલમય બની ગયું હતું.

એ પછી યજમાનોને ઉભા કરી દીધા અને શાસ્ત્રીજીએ વાસ્તુની પૂજા ચાલુ કરી. એક વાગે બ્રેક રાખીને સૌએ ફળાહાર કર્યો. કલાક પછી ફરી પૂજા ચાલુ કરી અને ત્રણ વાગે કેતન અને જાનકીને ફરી પૂજામાં બેસાડ્યાં.

હવન પૂરો થયો ત્યારે સાંજના સાડા ચાર વાગ્યા હતા. એ પછી શક્રાદય સ્તુતિ સાથે શ્રીફળ હોમીને શાસ્ત્રીજીએ પૂર્ણાહુતિ કરી. હવન પતી ગયા પછી માતાજીનો થાળ ધરાવીને બધાંએ આરતી કરી.

પાંચ વાગ્યે બધાંને જમવા માટે આમંત્રણ આપ્યું. બહારના ભાગે બૂફે માટે ટેબલ ગોઠવી દીધું હતું. એટલે બધા આમંત્રિતો અને પરિવારના સભ્યોએ પોત પોતાની થાળી લઈને જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં ઉભા રહીને જમી લીધું. લાડુ, દાળ, ભાત, બટેટાનું શાક, વાલ, રાયતું અને મેથીના ગોટાનું મેનુ હતું.

સાંજના પ્રસાદ ભોજનમાં આશિષ અંકલ, વેદિકા, જયદેવ સોલંકી, નીતા મિસ્ત્રી અને શાહ સાહેબ આવ્યા હતા તો રાજકોટથી અસલમ શેખ પણ આવ્યો હતો.

બધો કાર્યક્રમ પતી ગયા પછી કેતન અને જાનકીએ શાસ્ત્રીજીને અને એમના બ્રાહ્મણોને દક્ષિણા આપી આશીર્વાદ લીધા. તમામ વડીલોને નવા મકાનમાં પ્રવેશ પ્રસંગે પગે લાગ્યાં.

એ પછી કેતને તમામ મહેમાનોને આખો બંગલો ફરીને બતાવ્યો. બંગલાની ઇન્ટિરિયર ડીઝાઈન અને ફર્નિચર અદભૂત હતું. તમામ લેટેસ્ટ સગવડો બંગલામાં કરી દીધી હતી. તમામ મહેમાનો બંગલો જોઈ ને ખુશ થઈ ગયા.

અસલમ બહાર ગાડીમાં જઈને એક સુંદર ફૂલોનો બુકે લઈ આવ્યો અને કેતન પાસે આવીને બુકે ભેટ આપ્યો અને દિલથી અભિનંદન આપ્યાં.

" કેતન ખરેખર ખુબ જ સરસ બંગલો છે અને ઇન્ટિરિયર પણ ખૂબ જ દાદ માગી લે તેવું છે. આઈ એમ રિયલી ઇમ્પ્રેસડ. અને આ ફૂલોનો બુકે ઈમ્પોર્ટેડ છે અને તારે તારા આ નવા બંગલામાં ફ્લાવર વાઝમાં ગોઠવી દેવાનો છે. એકદમ અસલી લાગે એવાં ફૂલો છે. રોજ સવારે પર્ફ્યુમ નો એક્ સ્પ્રે મારી દેવાનો એટલે આખો દિવસ મહેંક્યા કરશે. " અસલમે હસીને કહ્યું.

" થેન્ક્યુ અસલમ. તમામ દવાઓ પણ પરમ દિવસે આવી ગઈ છે. અને આજે મેડિકલ સ્ટોર પણ ચાલુ થઈ ગયો હશે. મેં તને સૂચના આપેલી એ પ્રમાણે તું સૌરાષ્ટ્રની મોટી મોટી હોસ્પિટલમાં કોન્ટેક ચાલુ કરી દે. કારણ કે વિનોદ માવાણી પાસે સારી સારી સ્ટાન્ડર્ડ ફાર્મસીઓની એજન્સી છે. " કેતન બોલ્યો.

" હા ચોક્કસ. તે દિવસે પછી હું લોહાર ચાલમાં માવાણીને મળવા ગયો હતો અને એણે બધી જ ફાર્મસીઓની ડીટેલ્સ મને આપી હતી. એણે મને ઘણી સમજણ પણ પાડી હતી. " અસલમ બોલ્યો.

" તારી તમામ દવાઓનું પેમેન્ટ તો હું તને એક વીકમાં જ આપી દઈશ. " કેતને કહ્યું.

એ પછી શાહ સાહેબ સાથે પણ અસલમની ઓળખાણ રાજકોટના દવાઓના ડિસ્ટ્રીબ્યુટર તરીકે કરાવી. જયેશ સાથે પણ મુલાકાત કરાવી.

" જયેશભાઈ તમે અસલમને તો નામથી ઓળખો જ છો. મારો કોલેજનો અંગત મિત્ર છે. હોસ્પિટલના ઉદ્ઘાટન વખતે પણ એ આવેલો. આપણી હોસ્પિટલની તમામ દવાઓનો સપ્લાય હવે કાયમ માટે એ કરવાનો છે. એનો નંબર પણ હું તમને આપી દઉં છું. હોસ્પિટલની કોઈ પણ જરૂરિયાત હોય તો તમે એમની સાથે ગમે ત્યારે વાત કરી શકો છો. " કેતને જયેશ ઝવેરીને કહ્યું.

અસલમ એ પછી રવાના થઈ ગયો. પ્રતાપભાઈના પરિવારે તથા આશિષ અંકલે પણ જગદીશભાઈની તથા કેતનની ની રજા લીધી. નવા મકાનમાં ગૃહપ્રવેશની શુભેચ્છાઓ પણ પાઠવી.

" કેતન અફલાતૂન બંગલો બનાવ્યો છે. એરિયા પણ ખૂબ જ સારો પસંદ કર્યો છે. અને એકદમ રોડ ઉપર છે. મને તારુ આ મકાન ખૂબ જ ગમ્યું. " આશિષ અંકલ જતાં-જતાં બોલ્યા.

એ બધા રવાના થઇ ગયા પછી નીતા મિસ્ત્રી કેતનની પાસે આવી.

" તમારા વગર હવે પટેલ કોલોની સૂની થઈ જશે સાહેબ. તમે હતા તો અમને સૌને એક હૂંફ હતી. સારા પડોશી ગુમાવ્યાનો અફસોસ ચોક્કસ છે. " નીતા બોલી.

" અરે એવું નહીં વિચારવાનું. અને કોઈ પ્રોબ્લેમ હોય તો તું હોસ્પિટલમાં તો મને મળી જ શકે છે. " કેતન બોલ્યો.

" સર સારા પડોશી ગુમાવ્યાનો અફસોસ છે. હોસ્પિટલમાં તો તમે છો જ. મારા મનની વ્યથા હું તમને કહી શકતી નથી. એનીવેઝ... ઓલ ધી બેસ્ટ " કહીને નીતા પણ બહાર નીકળી ગઈ. એની આંખો ભીની થઈ ગઈ હતી.

વાસ્તુ કર્યું હતું એટલે આજે ઘરના તમામ સભ્યો અહીંયા જ સુઈ જવાના હતા. બે દિવસ પછી જૂનું ભાડાનું ઘર ખાલી કરી દેવાનું હતું.

ત્રણ સ્પેશ્યલ મજૂર બહેનોની વ્યવસ્થા જયેશે કરી હતી એટલે રસોઈનાં તમામ વાસણ એમણે ધોઈ નાખ્યાં અને લાડુને ઘરના જ એક વાસણમાં ભરી બાકીની વધેલી થોડીક રસોઈ એ મજૂર બહેનોને આપી દીધી.

" બીજું કંઈ કામકાજ હોય તો કહો શેઠ. હવે અમે લોકો પણ રજા લઈએ. " જયેશ બોલ્યો.

" હા તમે લોકો હવે જઈ શકો છો. અને મનસુખભાઈ તમે હેવમોર માંથી ગયા વખતે જેમ લાવ્યા હતા એમ ત્રણ ફ્લેવરનાં આઇસ્ક્રીમનાં પેકેટ લઈને મને આપી જાઓ. તમારે લોકોને આઇસ્ક્રીમ ખાવો હોય તો પણ ખાઇ લેજો. " કેતન બોલ્યો અને એણે વોલેટ કાઢ્યું.

" શેઠ પૈસા તમે રહેવા દો. આઈસક્રીમ આવી જશે. હમણાં જ અમે જમ્યા છીએ એટલે આઇસ્ક્રીમ ખાવાની ઈચ્છા નથી. " જયેશ ઝવેરી બોલ્યો.

" ઠીક છે. તમે મનસુખભાઈ સવારે ૧૦ વાગે આવી જજો. કાલે તો આખો દિવસ અમે પટેલ કોલોની માં જ રોકાઇશું. " કેતન બોલ્યો ત્યાં જાનકી અંદરથી બહાર આવી.

" મનસુખભાઈ બે કોથળી દૂધ પણ લેતા આવજો ને ? ચા ખાંડ વગેરે તો બધું છે જ. પણ સવારે ચા મૂકવા માટે દૂધની જરૂર પડશે. " જાનકી બોલી.

" હા દૂધ પણ લેતો આવું છું. અને રાત્રે બીજી કોઈ વસ્તુની જરૂર હોય તો પણ ગમે ત્યારે મને ફોન કરી દેજો. મારી પાસે બાઈક તો છે જ. " મનસુખ બોલ્યો અને એ લોકો રવાના થયા.

પોણા કલાક પછી મનસુખ માલવિયા હેવમોર આઈસક્રીમનાં ત્રણ પેકેટ આપી ગયો. ગયા વખતે લીધા હતા એ જ ફ્લેવરના ત્રણ અલગ-અલગ આઇસ્ક્રીમ એણે ખરીદ્યા હતા. દૂધની બે કોથળીની સાથે મનસુખ અઢીસો ગ્રામ આદુ પણ લેતો આવ્યો. ટિફિન સર્વિસની વાનમાંથી ૫૦ મેથીનાં થેપલાં પણ સવારે ચા સાથે નાસ્તો કરવા માટે લેતો આવ્યો.

" સવારે નાસ્તામાં તમારે જરૂર પડશે એટલે આપણી ટિફિન સર્વિસમાંથી આ થેપલાં પણ લેતો આવ્યો છું." મનસુખ બોલ્યો. મનસુખ માલવિયાની આ એક ખાસિયત હતી કે એ ઘણું બધું વિચારી લેતો.

ઘરની બધી સાફ સફાઈ કરતાં રાતના નવ વાગી ગયા. સોસાયટીમાં હજુ કોઈ રહેવાનું નહોતું આવ્યું એટલે ખાસ કોઈ વસ્તી કે ચહલ-પહલ ન હતી. અંદરના ભાગમાં એક બીજા બંગલાનું પણ આજે વાસ્તુ હતું.

જો કે બંગલો એકદમ રોડ ઉપર હતો એટલે બહારના ભાગમાં સ્ટ્રીટ લાઈટ નું અજવાળું પડતું હતું અને વાહનોની અવર જવરના કારણે વાતાવરણ સાવ સુમસામ ન હતું.

રાત્રે ૯:૩૦ વાગે જાનકી અને શિવાની કિચનમાં ગયાં અને ફ્રીજમાંથી આઈસ્ક્રીમનાં પેકેટ બહાર કાઢ્યાં. શો કેસમાંથી ૯ બાઉલ બહાર કાઢ્યા. દરેકની ચોઇસ પૂછી-પૂછીને બધાંને આઈસક્રીમ આપ્યો.

વિશાળ ડ્રોઇંગરૂમમાં સાથે બેસીને પરિવારના તમામ સભ્યો આઇસ્ક્રીમ ના બાઉલ હાથમાં લઈને વાતે વળગ્યા.

" મને તો જગદીશભાઈ જામનગર ખરેખર સારું લાગ્યું. ઘણી શાંતિ છે અહીંયાં. મકાનનો એરિયા પણ ખૂબ જ સરસ છે. " શિરીષભાઇ દેસાઇ બોલ્યા.

" હા આ જામનગરનો પોશ વિસ્તાર છે. કેતનની પસંદગી હંમેશા શ્રેષ્ઠ જ હોય છે. અમને બધાંને પણ આ મકાન ખૂબ જ ગમ્યું છે. " સિદ્ધાર્થ બોલ્યો.

" કેતન.. મમ્મી-પપ્પા પહેલીવાર આટલે સુધી આવ્યાં છે તો દ્વારકાધીશનાં દર્શન પણ કરાવી દઈએ. વારંવાર આટલે દૂર મુંબઈથી અવાતું નથી. " જાનકી બોલી.

" તેં મને ના કહ્યું હોત તો પણ આપણે જવાના જ હતા. કાલે બપોરે ત્રણ વાગે આપણે લોકો નીકળી જઈશું. રાત્રિ રોકાણ આપણે જે ગોવર્ધન ગ્રીન રિસોર્ટમાં કર્યું હતું ત્યાં જ કરીશું. "

" આપણી ગાડી હું ચલાવી લઈશ અને જયેશભાઈની ગાડી લઈને મનસુખભાઈ આવી જશે. એટલે આપણે બધાં જ જઈ શકીશું. " કેતન બોલ્યો.

" કેતનકુમારને કંઈ કહેવું જ ના પડે ! આપણા વગર કહે એમણે આખો પ્રોગ્રામ પણ બનાવી દીધો. " કીર્તિબેન બોલ્યાં.

" એ બાબતમાં મારો કેતન બહુ ચોક્કસ છે. પહેલેથી જ એનો સ્વભાવ એવો છે. એ બધાંનું ધ્યાન રાખશે. " જયાબેન બોલ્યાં.

વાતોમાં ને વાતોમાં સવા દસ વાગી ગયા એટલે બધાંએ સૂવાની તૈયારી કરી.

ઉપરના બેડરૂમમાં દેસાઈ સાહેબ અને કીર્તિબેન માટે સૂવાની વ્યવસ્થા કરી દીધી. નીચેના એક બેડરૂમમાં મમ્મી પપ્પાના સૂવાની વ્યવસ્થા કરી. બીજા બેડરૂમમાં કેતને આગ્રહ કરીને ભાઈ ભાભી અને શિવાનીને સૂવાનું કહી દીધું.
કેતન અને શિવાની પોતે આજની રાત ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર સુઈ ગયાં.

સવારે સાત વાગ્યે બધાં ઉઠી ગયાં. દરેકના બેડરૂમમાં એટેચ બાથરૂમ હતો એટલે બધાં જ ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ ગયાં.

૮ વાગે તો બધાં ચા પાણી પીવા માટે ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ પણ ગયાં. જાનકી અને રેવતી દૂધની એક કોથળી તોડીને ચા બનાવવા લાગી ગયાં. શિવાનીએ થેપલાંનું પેકેટ ખોલ્યું અને દરેક પ્લેટ માં પાંચ-પાંચ થેપલાં મૂક્યાં.

" અરે શિવાની અત્યારમાં આટલાં બધાં થેપલાં કોઈ ખાશે નહીં. ત્રણ ત્રણ થેપલાં મૂકી દે. કોઈને લેવાં હશે તો પાછળથી લેશે. " જયાબેન બોલ્યાં.

" મારી ટિફિન સર્વિસનાં થેપલાં આજે પહેલીવાર હું ચાખીશ. " કેતન બોલ્યો.

જાનકી એ બધાના કપમાં આદુ મસાલાવાળી ચા રેડી. ચા સાથે બધાંએ ઠંડાં થેપલાં ખાવાનું ચાલુ કર્યું.

" વાઉ.... કેતનભાઈ તમારી ટિફિન સર્વિસનાં થેપલાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. અને કેટલાં બધાં સોફ્ટ છે !! હાથમાં જ ભાંગી જાય છે. આવાં તો આપણા ઘરમાં પણ નથી બનતાં. " રેવતી પહેલો કોળિયો ચાખીને જ બોલી ઉઠી.

" હા કેતન.... ઘઉંના લોટમાં થોડો બાજરીનો લોટ ભેળવીને એમાં મેથીની ભાજી, ધાણાભાજી, દહીં, ગોળ, લસણ, અજમો અને તલ પણ નાખેલાં છે. તેલનું મોણ પણ ઘણું બધું નાખ્યું છે." જયાબેન પણ ખુશ થઈ ગયાં.

ઘરના તમામ સભ્યોએ કેતનની ટિફિન સર્વિસની દિલથી પ્રશંસા કરી.

" આટલું સુંદર ભોજન તું હોસ્પિટલમાં દાખલ થયેલા ગરીબ દર્દીઓનાં સગા વહાલાંને રોજ મફતમાં જમાડે છે કેતન ? તારી આ ભોજન સેવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. અન્નદાન જેવું કોઈ પૂણ્ય નથી !! " જગદીશભાઈ બોલી ઉઠ્યા.

એ દિવસે ચાની સાથે ૫૦ થેપલાં ખવાઈ ગયાં.

" જોયું ને મમ્મી !! મને ખબર જ હતી કે થેપલાં ની સોડમ સરસ આવે છે. એટલે જ મેં બધાંની પ્લેટમાં પાંચ-પાંચ થેપલાં મૂકી દીધેલાં. " શિવાની બોલી.

" હા ભાઈ હા... તું સાચી !! મને તો ઓડકાર પણ આવી ગયો. હવે આજે બપોરે જમવાની જરૂર જ નહીં પડે. હજુ તો ગઈ કાલના પ્રસાદના લાડવા પણ પડયા છે ! " જયાબેન બોલ્યાં અને બધાં હસી પડ્યાં.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)