Trainma Khumari in Gujarati Moral Stories by Mahendra Sharma books and stories PDF | ટ્રેનમાં ખુમારી

Featured Books
Categories
Share

ટ્રેનમાં ખુમારી


વાત છે 2018ની, હું અને જયેશભાઇ પુણે જવા ટ્રેનમાં બેઠા. જયેશભાઈને પસંદગી મુજબ બારી આગળ આર એ સી વાળી સીટ મળી અને મને લોવર બર્થ મળ્યું. સીટ પર બીજા લોકો પણ પોતાની જગ્યાએ ગોઠવાયા અને ગાડી આગળ ચાલી. સાંજનો સમય, હજી રાત્રી ભોજન બાકી હતું અને સૂવા જવાની તો બહુ વાર હતી, એટલે લોકોને ફાવે એમ પોતાના સીટ નમ્બરની ચિંતા કર્યા વગર આમ તેમ બેસી ગયાં હતાં.
મારી બાજુમાં એક દાદા અને દાદી આવીને બેઠા. લગભગ 70 વર્ષનાં હશે પણ સ્વસ્થ અને સક્રિય દેખાયા. દાદી લોકોની વાતો સાંભળ્યા વગર એમની ધૂનમાં બેઠા હતાં અને દાદા અમારી વાતોમાં વચ્ચે થોડું બોલીને વાતોની આપ લે કરતાં.

દાદીને મેં એમની એક નાનકડી બેગ ખોલતા જોયા, બેગની અંદર સરસ રીતે ભગવાન એમની સ્વચ્છ બેઠક સાથે બિરાજમાન હતા, એટલે આદત મુજબ મેં પ્રભુને નમસ્કાર કરી દાદીને જય શ્રી કૃષ્ણ કહ્યું. દાદી કૈં બોલ્યા નહીં બસ સ્મિત આપી પોતાની સંધ્યા પૂજામાં લીન થઈ ગયા. દાદાએ પછી જણાવ્યું કે દાદી ભગવાનને એકલા ઘરે મૂકે નહીં, સાથે જ લઈને ફરે છે. એટલે મેં અંદાજ લગાવ્યો કે દાદા દાદી એકલાજ રહેતાં હશે.

ફરી વાતો શરૂ થઈ, ધર્મથી લઈને ગીતા જ્ઞાન સુધી અને પોલિટિક્સ થી લઈને આપણી શિક્ષણ પદ્ધતિમાં સુધારા સુધી.હું બોલું તો દાદા સ્વીકારે અને દાદા કહે એ હું સ્વીકારું. દાદી કશું કહે નહીં, બસ થોડું સ્મિત આપે. સાડા આઠ વાગ્યા એટલે હું અને જયેશભાઇ જમવા બેઠા. દાદાએ કહ્યું કે તેઓ જમીને જ ગાડીમાં બેઠા છે એટલે એમને અમને સાથે જમવા દીધા અને પોતે બીજી સીટ પર બેસી ગયા. દાદાએ અમને અંદરની વાત કહી કે દાદી સાંભળવાનું મશીન એમની જુદી લોક વાળી બેગમાં રાખે છે કે જેથી ક્યાંય પડી જાય નહીં.
ત્યારે જ મને દરેક વાતમાં દાદીના નિર્દોષ સ્મિતનું રહસ્ય ખબર પડી.

અમારું જમવાનું પત્યું, બરોડા સ્ટેશનથી નવા મુસાફર આવીને અમારી સીટ આગળ ઉભા રહી ગયા. એમણે મને કહ્યું કે તમારા બાજુની સીટ મારી છે, મેં કહ્યું પણ અહીં તો જેટલા મુસાફર હોવા જોઈએ એટલા કરતા એક વધારે જ છે, તમારી પાસે કનફર્મ ટિકિટ છે? એમણે કહ્યું હા, આ જુઓ ને. એમના મોબાઈલ પર ખરેખર મારી બાજુની સીટની ટિકિટ હતી. પછી અમને થયું કે કદાચ દાદા દાદીની ટિકિટ બીજી કોઈ જગ્યાએ હશે, એટલે મેં દાદાને પૂછ્યું, દાદા તમારી સીટ કઈ? દાદાએ કહ્યું મારી ટિકિટ તમે જે સીટ પર છો એજ છે અને એક સીટ આ ભાઈ કહે એ સીટની છે. એવું કઈ રીતે બન્યું?

દાદા પાસે 2 ટિકિટ, બેઉ કનફર્મ, એક મારી સીટ, એક પેલા ભાઈ આવ્યા એમની સીટની. મેં મારું મોબાઈલ ફરી તપાસયું પણ મારી સીટ પણ એજ હતી. પછી થયું કે આ રેલવે વાળાએ કૈંક લોચા માર્યા છે, આવું બને નહીં પણ કદાચ આજેજ આ બની ગયું છે. બે સીટ 4 પેસેન્જરને અપાઈ ગઈ છે.

ઓહો, આ તો લોચા, કેવી રીતે રાત નીકળશે. મને દાદા દાદીની ચિંતા થઈ, મેં દાદાને કહ્યું, તમે ટેંશન નહીં કરો, હું અને જયેશભાઇ એડજસ્ટ કરી લઈશું. રાત નીકળી જશે. દાદાએ ફરી એમની ટિકિટ મને બતાવી, એજ સીટ નમ્બર જે મારું હતું, એટલે અમે માની લીધું કે રેલવેની ભૂલ છે હવે ટીસી આવે એટલી વાર,એમને પરિસ્થતી જણાવીએ.મેં દાદાને ફરી કહ્યું, કે કાંઇ વાંધો નથી, રાત નીકળી જશે, ટીસી આવે તો બીજી કૈંક વ્યવસ્થા કરીએ. દાદાને કોઈ ટેંશન જેવું લાગ્યું નહીં.

ટીસી સાહેબ આવ્યા, કાળા કોટમાં હોય પણ જાણે ખાખીનું કામ પણ એમને સોંપ્યું હોય એ રીતે બધાનાં મોઢા જોઈ લીધા, એમને ખબર તો પડી ગઈ હશે કે 6 જણની સીટ આમ સામે સીટ પર 8 જણ કેમ છે. અમે કૈંક કહીએ એ પહેલાં એમની ટિકિટ તપાસવાની કામગીરી શરૂ કરી, મારું જ નામ પહેલાં બોલ્યા, મેં આઈ ડી કાર્ડ બતાવ્યું અને હમ્મ કહી , પછી જયેશભાઈનું નામ લીધું, એમનું પણ નામ પાસ. પછી બીજા પેસેન્જરને પણ નામ લઈ સંબોધતા એમની ટિકિટ પણ પાસ થઈ તો હવે દાદા દાદીનું શું? એમની ટિકિટ.

મને આ અજુગતું લાગ્યું એટલે ટી સી ને કહ્યું, સર આ દાદાની ટિકિટ જુઓને, મને લાગે છે રેલવેની કૈંક ભૂલ છે, એમની સીટ પણ આ જ છે. તેઓએ અચંબા સાથે ટિકિટ જોઈ અને અમારા અચંબાનો પાર ના રહ્યો. બોલો શું હશે? અમારા બધાનાં આશ્ચર્ય સાથે ખબર પડી કે આ રેલવેની ભૂલ નહોતી પણ દાદાની ભૂલ હતી, દાદા એક દિવસ વહેલાં ગાડીમાં બેસી ગયા હતાં. તેઓની ટિકિટ આવતીકાલની હતી પણ આ ઉતાવળે બહુ જોવાયું નહીં હોય એટલે આજે બેસી ગયા ગાડીમાં. તેમણે ખુલાસો કર્યો કે તેઓના દીકરાને આજ માટે કહેલું પણ એણે ભૂલથી આવતીકાલની ટિકિટ બુક કરી છે. પણ હવે શું?

ટીસી સાહેબે દાદાને કહ્યું કે નેક્સ્ટ સ્ટેશન પર ઉતરી જજો નહીં તર વગર ટિકિટ મુસફરીનું દંડ થશે. હવે દાદા મૂંઝાયા, રાત્રે એકલા અજાણ શહેરમાં ઉતરીને જવું ક્યાં? મેં ફરી દાદાને દિલાસો આપતાં કહ્યું, તમે એક વખત ટીસીને બાથરૂમ આગળ જઈને મળો, ત્યાં સેટિંગ થતું હોય તો કરી દો, એટલે આજની ટિકિટ મળી જાય તો આ ટ્રેનમાં જ તમારા ડેસ્ટિનેશન પર પહોચી જાઓ. દાદાએ વાતની ગંભીરતા સમજીને એમજ કર્યું, ટીસીની પાછળ જઈને એમને બાથરૂમ આગળ મળ્યા, થોડી વાર પછી દાદા પાછા આવ્યા. તેઓની સ્માઈલ જોઈને ખબર પડી કે કામ થઈ ગયું છે. બસ થોડી વાર પછી બીજા ડબ્બામાં જવું પડશે.

દાદાએ દાદીને ઇશારામાં સમજાવી લીધું કે બીજી બોગીમાં જવાનું છે, ભગવાનને બેગમાં ફરી સુરક્ષિત કરો એટલે જઈએ. મેં દાદા દાદીને જતાં પહેલાં નમસ્કાર કર્યા, તેઓ એમના બે હેન્ડબેગ લઈને બીજી બોગી તરફ આગળ વધ્યા. મેં આગ્રહ કર્યો કે દાદા હું મૂકી આવું પણ દાદા માન્યા નહીં, એમણે જાતે જ આગળ જવાનું પસન્દ કર્યું. કેવું આત્મસમ્માન અને ખુમારી હશે આ ઉંમરે? મદદની માંગણી નહીં અને અપેક્ષા પણ નહીં રાખી.

મારા દાદા દાદી પણ એકલાં અજમેરથી અમદાવાદ આવતાં, વર્ષે એક કે બે વખત આવે, હું સ્ટેશને લેવા જતો ત્યારે દાદી સ્ટેશન પર ચા અને ભજીયા ખાતાં મળે અને દાદા પૂછતાં હોય, બીજું કૈંક ખાવું છે? સ્ટેશનથી ઘરે આવતાં દાદી પૂછતાં, તમારે ત્યાં ફાફડા અને ખમણ ખાઈશ, પણ સાંજે લાવજે. મારા દાદા દાદી એક પછી એક 8 વર્ષ પહેલાં પરલોક સિધાર્યા.

આ ટ્રેન વાળા દાદા દાદી થોડીક કલાકો માટે પ્રેમ આપતાં ગયા અને મારી યાદો તાજી કરાવી ગયાં.

તમને પણ આવા વૃદ્ધ દંપત્તી ટ્રેનની મુસાફરીમાં મળ્યા હશે, તમારે કેવા અનુભવ થયા છે?

- મહેન્દ્ર શર્મા 21.11.21