kaliyug ni stri - part 1 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | કળિયુગની સ્ત્રી - ભાગ 1

The Author
Featured Books
  • DIARY - 6

    In the language of the heart, words sometimes spill over wit...

  • Fruit of Hard Work

    This story, Fruit of Hard Work, is written by Ali Waris Alam...

  • Split Personality - 62

    Split Personality A romantic, paranormal and psychological t...

  • Unfathomable Heart - 29

    - 29 - Next morning, Rani was free from her morning routine...

  • Gyashran

                    Gyashran                                Pank...

Categories
Share

કળિયુગની સ્ત્રી - ભાગ 1

કળિયુગની સ્ત્રી


ભાગ 1


“અદિતી, હું અફીમની ખેતી બંધ કરી દેવા માંગુ છું. છેલ્લા પાંચ વરસમાં ડ્રગ માફીયા J.K. નો ત્રાસ ખૂબ વધી ગયો છે. સરકારે આપણને લાઇસન્સ એટલા માટે આપ્યું છે કે આપણે એ દવા કંપનીઓને અફીમ ઉગાડીને દવા બનાવવા માટે સપ્લાય કરી શકીએ. પરંતુ આપણે જેટલું અફીમ ઉગાડીએ છીએ એના સીત્તેર ટકા અફીમ આપણે J.K. જેવા ડ્રગ માફીયાને આપવું પડે છે. જેનાથી હું હવે કંટાળી ગયો છું અને દેશ છોડીને ઓસ્ટ્રેલીયા આપણા આખા પરિવાર સાથે સેટલ થઇ જવા માંગુ છું. તારી શું ઇચ્છા છે?” કુણાલ ગુજરાવાલાએ એની પત્નીને પૂછ્યું હતું.

“આપણે રાતોરાત જતા રહીશું તો J.K. જેવો ડ્રગ માફીયા આપણને છોડશે ખરો? અને વર્ષોથી આપણે કુન્નુરમાં રહીએ છીએ. મારો તો જન્મ પણ કુન્નુરમાં જ થયો છે માટે મને આ જગ્યાને છોડીને જવાની ઇચ્છા થતી નથી. આના સિવાય કોઇ બીજો રસ્તો નથી?” અદિતીએ કુણાલને પૂછ્યું હતું.

“હવે બીજો કોઇ રસ્તો રહ્યો નથી. અફીમની ખેતી બંધ કરીએ અને આપણે ઓસ્ટ્રેલીયા સેટલ થઇ જઇએ એ એકમાત્ર જ રસ્તો છે. નહિ તો J.K. આપણને એક દિવસ આજે નહિ તો કાલે આપણને સૌને મોતને ઘાટ ઉતારી દેશે.” કુણાલના અવાજમાં મોતનો ડર સાફ દેખાઇ રહ્યો હતો.

નોકર દીનુ આવી નાસ્તાની અને ચાની ખાલી પ્લેટો લઇ જાય છે.

“નોકરની હાજરીમાં તું આવી બધી વાતો ના કર. આ દીનુને નવો રાખ્યો છે. હજી પૂરેપૂરો વિશ્વાસપાત્ર લાગતો નથી. મને વિચારવા માટે અઠવાડિયું આપ પછી આપણે નક્કી કરીએ.” આટલું બોલી અદિતી એના રૂમમાં જતી રહી હતી.

કુણાલ ડ્રોઇંગરૂમના સોફા ઉપર બેસી આ મુસીબતમાંથી કઇ રીતે નીકળવું એનો રસ્તો વિચારી રહ્યો હતો. એટલામાં જ કુણાલનો મોબાઇલ રણક્યો હતો.

“હલો, હું J.K. સાહેબના ત્યાંથી રહીમ બોલું છું. અફીમની ડીલીવરી લેવા ક્યારે આવું?”

“કાલે અફીમની ડીલીવરી અમારા ગોડાઉન ઉપરથી મળી જશે.” કુણાલે આટલું બોલીને મોબાઇલ મુકી દીધો હતો.

“સાહેબ, હું બજારમાં શાકભાજી લેવા માટે જઉં છું. આપે કશું મંગાવવાનું છે?”

કુણાલે માથું હલાવીને ના પાડી હતી.

દીનુ બંગલાની બહાર નીકળી માર્કેટ તરફ જવાના રસ્તાના બદલે વિરૂદ્ધ દિશામાં આવેલા રસ્તા ઉપર પોતાનું બાઇક દોડાવવા લાગ્યો હતો. લગભગ વીસ મિનિટ પછી વિશાળ બંગલાના ઝાંપા પાસે એણે પોતાનું બાઇક ઊભું રાખ્યું. દીનુને જોઇને ચોકીદારે ઝાંપો તરત ખોલી દીધો. દીનુ ગાર્ડનમાંથી પસાર થઇ બંગલાના મુખ્ય કક્ષમાં આવ્યો.

“દીનુ, શું સમાચાર લાવ્યો છે?” રહીમે પૂછ્યું હતું.

“સમાચાર બહુ અગત્યના છે. મારે J.K. સાહેબને જ કહેવા પડશે.” દીનુ બોલ્યો હતો.

રહીમ અને દીનુ દાદરા ચઢીને પહેલા માળે આવ્યા અને દરવાજા પાસે જઇને દરવાજો ખખડાવ્યો. અંદર આવવાનો આદેશ મળતા જ બંન્ને અંદર પ્રવેશ્યા હતાં. અંદરનો રૂમ ખૂબ જ વૈભવી સજાવટથી સજ્જ હતો. લાલ કલરની મોટી ચેર ઉપર કાળા કલરના શુટમાં J.K. ચીરૂટ પીતા પીતા કોઇની સાથે મોબાઇલ ઉપર વાત કરી રહ્યો હતો. બંન્ને જણ J.K. સામે જઇને ઊભા રહ્યા હતાં. પંદર મિનિટ મોબાઇલ ઉપર વાત કર્યા બાદ J.K. એ મોબાઇલ બાજુમાં મુક્યો અને દીનુ સામે જોયું હતું.

“બોસ, કુણાલ ગુજરાવાલા ઓસ્ટ્રેલીયા જવાની તૈયારી કરી રહ્યો છે. હજી એની પત્ની માની નથી પરંતુ મને લાગે છે કે એ માની જશે. તમે કહેતા હોય તો હું અને રહીમ આજે જ એનું કામ તમામ કરી દઇએ?”

“ના, હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી કશું જ કરતો નહિ.” J.K. એ દીનુ સામે સત્તાવાહી અવાજ સાથે કહ્યું હતું.

દીનુ J.K.નો આદેશ લઇ અને નીકળી ગયો. બજારમાંથી શાકભાજી લઇ એ ઘરે પાછો આવ્યો ત્યારે કુણાલ અને અદિતી વચ્ચે મોટો ઝઘડો ચાલી રહ્યો હતો. પરંતુ દીનુને જોઇને બંન્ને જણ ચૂપ થઇ ગયા.

બીજા દિવસે કુણાલ કુન્નુરના પોલીસ સ્ટેશને ઇન્સ્પેક્ટર સૂર્યવીરસિંહ જોડે બેઠો હતો.

“તમે આટલા મોટા અધિકારી થઇને J.K.નો વાળ પણ વાંકો કરી શકતા નથી? હું છેલ્લા છ મહિનાથી આપને એના વિરૂદ્ધના પુરાવા લાવીને આપું છું છતાંય તમે કેમ કોઇ એક્શન લેતા નથી? હું સરકાર અને સમાજ બંન્ને સામે દ્રોહ કરી રહ્યો છું અને મારી પાસે આ ખોટું કૃત્ય કરાવે છે, J.K. છતાં તમે કોઇપણ જાતની કાર્યવાહી એના પર કરતા નથી.” કુણાલે હતાશ થઇને ઇન્સ્પેક્ટરને કહ્યું હતું.

“જુઓ મીસ્ટર કુણાલ, J.K. કુન્નુરનો પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. બધાં જ જાણે છે કે એ ડ્રગના કારોબાર સાથે સંકળાયેલો છે અને તમે જે મને પુરાવા લાવીને આપ્યા છે એ પુરાવામાં J.K. કોઇ જગ્યાએ ડ્રગ્સ સ્મગ્લર સાબિત થતો નથી અને હું રહીમ જેવા એના ખાસ માણસને પકડીને જેલમાં બંધ કરીશ તો J.K. હાથમાંથી છટકી જશે માટે J.K. વિરૂદ્ધના સજ્જડ પુરાવા જ્યાં સુધી આપણને મળે નહિ ત્યાં સુધી આપણે ધીરજ ધરવી પડશે.” ઇન્સ્પેક્ટર સૂર્યવીરસિંહે કુણાલને સમજાવતા કહ્યું હતું.

“આ દેશમાં પોલીસ ડીપાર્ટમેન્ટ તો ખાલી નામનું જ છે.” આટલું બોલી કુણાલ પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો હતો.

પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યા પછી પોતાની મર્સીડીઝ ગાડીમાં બેસવા જતો હતો એ જ વખતે બાઇક ઉપર આવેલા અજાણ્યા સખ્સે એને ત્રણ-ચાર ગોળી મારી જમીન પર પાડી દીધો હતો. કુણાલ ગુજરાવાલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

અદિતી કુણાલના મૃત્યુથી ખૂબ તૂટી ગઇ હતા. કુણાલના મૃત્યુને પંદર દિવસ થવા આવ્યા હતાં છતાં અદિતી પોતાની જાતને સંભાળી શકતી ન હતી. ઇન્સ્પેક્ટર સૂર્યવીરસિંહ પણ કુણાલને ગોળી મારનારની શોધખોળ કરી રહ્યા હતાં, પણ એમનાથી કુણાલનો ખૂની હજી સુધી પકડાયો ન હતો.

કુણાલ ઉપર હુમલો થયો એ જ દિવસે J.K. અને રહીમ મોરેશિયસ ભાગી ગયા હતાં.સૂર્યવીરસિંહને J.K. ઉપર શક હોવાના કારણે એના બંગલા ઉપર પણ બે-ત્રણ વાર તપાસ કરવા માટે જઇ આવ્યા હતાં પણ J.K.ની કોઇ ખોજખબર મળી ન હતી.

કુણાલના મૃત્યુને મહિનો વીતી ગયો હતો. અદિતીએ પોતાના બે સંતાનોના કારણે પોતાની જાતને સંભાળી લીધી હતી. ફેક્ટરી અને ખેતીની જમીન ઉપર રોજ જવાનું શરૂ પણ કરી દીધું હતું.

“મેડમ, આપણે અફીમની ખેતી ઓછી કરી દેવી જોઇએ. કારણકે દવા કંપનીઓને આપણે ત્રીસ જ ટકા સપ્લાય કરીએ છીએ અને બાકીનો સીત્તેર ટકા માલ ગોડાઉનોમાં પડ્યો રહે છે. J.K. દેશ છોડીને ભાગી ગયો છે એટલે એને આપણે જે અફીમ સપ્લાય કરતા હતાં એ હવે બંધ થઇ ગયો છે. માટે હવે એનો ડર રાખવાની જરૂર નથી.” મેનેજર ગુપ્તાએ અદિતીને કહ્યું હતું.

અદિતીએ મેનેજર ગુપ્તાની આંખમાં આંખ નાંખીને ગુસ્સાથી જોયું હતું.

“સીત્તેર ટકા માલ ઓછો વેચાશે અને ખેતી ઓછી કરીશું તો પ્રોફીટ ઓછો નહીં થાય? દવા કંપનીઓ તો નક્કી કરેલા ભાવે જ માલ ખરીદે છે. એમાંથી કોઇ મોટો ફાયદો થતો નથી. ખેતી આપણે કરીએ છીએ એ જ પ્રમાણે ચાલુ રાખવાની છે. માલનું વેચાણ કઇ રીતે કરવું એની ચિંતા હવે તમે છોડી દો. દીનુ કાલથી અહીંયા આવશે અને માલની વેચાણની બધી જ જવાબદારી તમે એના ઉપર છોડી દેજો.” અદિતીએ ગુસ્સાથી લાલચોળ થઇ મેનેજર ગુપ્તાને કહ્યું હતું.

દીનુ બીજા દિવસે ફેક્ટરી ઉપર પહોંચી ગયો હતો અને પહેલાની જેમ જ માલ વેચાવાનો શરૂ થઇ ગયો હતો. અદિતીની ગતિવિધિ પર નજર રાખી રહેલા ઇન્સ્પેક્ટર સૂર્યવીરસિંહને અદિતી ઉપર શક પણ જતો હતો અને અદિતીને કોઇ બ્લેકમેઇલ કરી અફીમનો માલ અદિતીની ફેક્ટરીમાં તૈયાર કરાવડાવે છે એવી શંકા પણ કરી હતી એટલે એક દિવસ ઇન્સ્પેક્ટર સૂર્યવીરસિંહ અદિતીના બંગલે પહોંચ્યા હતાં.

ઇન્સ્પેક્ટર સૂર્યવીરસિંહે દરવાજાનો ડોરબેલ વગાડ્યો હતો. અદિતીની નોકરાણી ભાનુએ દરવાજો ખોલ્યો હતો.

“મારે અદિતીબેનને મળવું છે, એમને બોલાવો.” ઇન્સ્પેક્ટર સૂર્યવીરસિંહે નોકરાણી ભાનુને કહ્યું હતું.

ડ્રોઇંગરૂમના સોફા પર બેસી ઇન્સ્પેક્ટર સૂર્યવીરસિંહ અદિતીને પૂછવાના પ્રશ્નો વિચારી રહ્યા હતાં. અદિતી પોતાના બેડરૂમમાંથી બહાર આવી હતી.

“અદિતી, આપને કોઇ બ્લેકમેઇલ કરી રહ્યું હોય એવી મને શંકા છે.” ઇન્સ્પેક્ટર સૂર્યવીરસિંહે અદિતીને કહ્યું હતું.

“મને કોઇ બ્લેકમેઇલ કરી રહ્યું નથી. તમે મારા પતિના ખૂનીને તો હજી સુધી પકડી શક્યા નથી. પહેલા એને પકડો પછી મારી ચિંતા કરજો. મારે તમારી મદદની જરૂર નથી. કારણકે તમે કુણાલની મદદ કરી શક્યા નહિ તો મારી તો મદદ શું કરી શકશો?” અદિતીએ ઇન્સ્પેક્ટર સામે જોઇને કહ્યું હતું.

અદિતીએ બીઝનેસ સંભાળે બે વરસ થઇ ગયા હતાં. અદિતીએ કુણાલે ઊભો કરેલો ધંધો ચાર ગણો વધારી દીધો હતો. ખેતી અને માલના વેચાણની બધી જ જવાબદારી દીનુએ હાથમાં લઇ લીધી હતી.

“મારા મનમાં એક સવાલ ઊભો થાય છે. તમે કહો તો હું પૂછું, મેડમ.” દીનુએ અદિતી સામે જોઇને પૂછ્યું હતું.

અદિતીએ માથું હકારમાં હલાવ્યું હતું.

“આ આખો પ્લાન તમારા મગજમાં આવ્યો કઇ રીતે?” દીનુએ અદિતીને પૂછ્યું હતું.

“આજથી બે વરસ પહેલા જ્યારે હું અને કુણાલ ઝઘડો કરી રહ્યા હતા ત્યારે તું નાસ્તાના ખાલી થયેલા કપ-રકાબી લેવા માટે આવ્યો હતો. એ પહેલા રસોડાના દરવાજામાંથી અમારા બંન્નેની વાતો તું સાંભળતો હતો એ વાત મેં નોટીસ કરી હતી. ત્યારબાદ કસમયે તું શાક લેવાના બહાને ઘરમાંથી બહાર નીકળ્યો. હું તરત મારી ગાડી લઇને તારી પાછળ ને પાછળ આવી હતી. મેં તને J.K. ના બંગલામાં દાખલ થતા જોયો એટલે હું સમજી ગઇ કે તું J.K. નો માણસ છે. હું ઘરે પાછી આવી અને તું શાકભાજી લેવા ગયો. તું જ્યારે શાકભાજી લઇને પાછો આવ્યો ત્યારે હું અને કુણાલ ઝઘડી રહ્યા હતાં, એ તને યાદ છે?” અદિતીએ દીનુને પૂછ્યું હતું.

“હા, મને બરાબર યાદ છે. તમે મને જોઇને બંન્ને જણ ચૂપ થઇ ગયા હતાં.” દીનુએ જવાબ આપતા કહ્યું હતું.

હવે અદિતીએ વાત આગળ વધારી.

“તું જ્યારે આવ્યો ત્યારે કુણાલ મને કુન્નુર છોડી ઓસ્ટ્રેલીયા લઇ જવા માટે સમજાવી રહ્યો હતો અને J.K. વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરવાની પણ વાત કહી રહ્યો હતો. કંપનીની માલિકી મારા નામે હોવાના કારણે ફરિયાદ મારે કરવી પડે તેમ હતી અને એ વાતનો હું વિરોધ કરી રહી હતી એટલે અમારા વચ્ચે ઝઘડો થઇ રહ્યો હતો.” અદિતી આટલું બોલતા બોલતા વિચારોમાં સરી ગઇ હતી.

“તો પછી તમે મને ખુલ્લો કેમ ના પાડી દીધો અને કુણાલ સાહેબને કેમ ના દીધું કે હું J.K.નો માણસ છું?” દીનુએ આશ્ચર્ય સાથે અદિતીને પૂછ્યું હતું.

“કુણાલ મારા કહ્યામાં રહ્યો ન હતો અને અફીમનો ધંધો એ બંધ કરવા માંગતો હતો, જ્યારે હું આ ધંધો ચાલુ રાખવા માંગતી હતી. સીત્તેર ટકા અફીમ J.K.ને વેચીને પણ અમને જોઇએ એટલો નફો થતો ન હતો. હું J.K.ને વચ્ચેથી કાઢી ડાયરેક્ટ માલ સપ્લાય કરવા માંગતી હતી જેથી મને પ્રોફીટ વધારે મળે અને એટલે જ મેં તારી પાસે તને વિશ્વાસમાં લઇ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયેલા કુણાલનું ખૂન કરાવ્યું હતું. કુણાલનું ખૂન થવાના કારણે J.K. ડરીને કુન્નુર છોડીને જતો રહેશે એની મને ખાતરી હતી અને તને ફેક્ટરીમાં અને ખેતીમાં નાંખી મેં અફીમનો ધંધો ડાયરેક્ટ ડ્રગ્સ માફીયા સાથે ચાલુ કરી દીધો, જેથી મને મોટો પ્રોફીટ થઇ રહ્યો છે અને તું પણ સારામાં સારા પૈસા કમાઇ રહ્યો છે. હજી તારા મનમાં કોઇ સવાલ છે ખરો?” અદિતીએ હસતાં હસતાં દીનુને પૂછ્યું હતું.

“પત્ની થઇને પતિની હત્યા કરાવતા તમારો જીવ કેમ ચાલ્યો? આ વાત મારા મગજમાં બેસતી નથી.” દીનુએ અદિતીને પ્રશ્ન કર્યો હતો.

“કોઇપણ સ્ત્રીને પોતાના પતિ કરતા પોતાના સંતાનો વધારે વ્હાલા હોય. કુણાલની બેવકૂફીના કારણે મારી અને મારા સંતાનોની જાન પણ જોખમમાં આવી ગઇ હતી. જો કુણાલને મેં જીવતો રાખ્યો હોત તો અમે ચારેય જણ ના જીવતા રહ્યા હોત. J.K.એ અમારા આખા પરિવારનું ખૂન કરાવી દીધું હોત. મેં મારી અને મારા સંતાનોની જાન બચાવવા કળિયુગની સ્ત્રી બનીને મારા સંતાનોને જીવતા રાખવા પત્ની હોવા છતાં મારા પતિનું ખૂન મેં તારી પાસે કમને કરાવ્યું હતું. કુણાલ એક સારો પતિ અને પિતા તો બની શક્યો ન હતો પરંતુ સારો વેપારી પણ હવે રહ્યો ન હતો. એટલે મેં જે પણ કંઇ કર્યું એ મારા સંતાનોના ભવિષ્યને ઉજ્જવળ રાખવા માટે કર્યું હતું. ઈશ્વર મને મારા ગુના માટે મને નરક આપે એવી ઈશ્વરને હું રોજ પ્રાર્થના કરું છું. મેં કરેલા પાપનો મને જરાય અફ્સોસ નથી.” અદિતી કુણાલના ફોટા સામે જોઇ બોલી રહી હતી.

(ક્રમશઃ......)

- ૐ ગુરુ