Gandharv-Vivah - 8 in Gujarati Horror Stories by Praveen Pithadiya books and stories PDF | ગંધર્વ-વિવાહ. - 8

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

ગંધર્વ-વિવાહ. - 8

પ્રકરણ-૮.

પ્રવીણ પીઠડીયા.

                    પૂજારી પહેલીવાર ઢિલો પડયો. રાજડાનાં સવાલથી તે થોડો ઓઝપાયો હતો. તેનું રોદ્ર સ્વરૂપ ક્ષણભર પૂરતું સૌમ્ય બન્યું. રાજડાએ એ ફેરફાર નોંધ્યો હતો અને તેની મુસ્કાન ઓર ગહેરી બની. તે યોગ્ય દિશામાં જઈ રહ્યો હતો. 

                    “કેમ, તને યાદ નથી..?” તેણે પ્રશ્ન ઉછાળ્યો.

                    “શું યાદ નથી..?”

                     “તારા કરતૂત. તેં જે કર્યું હતું એ.”

                     “છોકરા., રમત રમવાનું છોડ, જે કહેવા માંગતો હોય એ સ્પષ્ટ શબ્દોમાં કહે.” પૂજારીનો પડછાયો રાજડાની ઓર નજદિક સરક્યો. કદાચ વર્ષો પછી આજે તેનું મન કોઈ વાત જાણવા આતૂર બન્યું હતું નહિતર અત્યાર સુધી તેણે પોતાનું ધાર્યું જ કર્યું હતું. આજે અચાનક તે એક અલગ અનુભૂતી કરી રહ્યો હતો. સામે ઉભેલા છોકરાથી તે ખરેખર અંજાયો હતો. એ છોકરો બીજા બધાથી કંઈક અલગ હતો એ તો તેને પહેલી વખત જોયો ત્યારે જ સમજાઈ ગયું હતું અને એ કારણે જ કદાચ તેણે તેને જીવીત રહેવા દીધો હતો.    

                       “એટલો નાદાન તો તું નથી લાગતો કે મારે બધી ચોખવટ કરવી પડે છતાં… તારે સાંભળવું હોય તો કહું….” રાજડાએ એક ઉંડો શ્વાસ ભર્યો અને ટટ્ટાર થયો. “ગામ લોકોએ જેમ તારો વિશ્વાસઘાત કર્યો હતો એમ તેં પણ એ લોકોને દગો દીધો જ હતો ને.!” બહુ જ સાચવીને તેણે શબ્દો વાપર્યા હતા કારણ કે હાથમાં આવેલી તક તે ચૂકવા માંગતો નહોતો.

                     “મેં…? મેં શું દગો કર્યો હતો..?” પૂજારીની લાલ હિંગોળાક જેવી આંખોમાં દુનિયાભરનું આશ્વર્ય ઉમડયું. 

                      “એ લોકો કેટલા વિશ્વાસથી તારી પાસે આવ્યાં હતા કે તું ભાગીને આવેલા એ છોકરા અને છોકરીનો યોગ્ય ન્યાય તોળીશ. પરંતુ નહી… એને બદલે તેં શું કર્યું…? એ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી. એક એવો નિર્ણય લીધો જેનો કોઈ કાળે ગામવાસીઓ સ્વિકાર કરી શકે તેમ નહોતા. એટલું ઓછું હોય એમ તેં ગામનાં રિતી-રિવાજ વિરુધ્ધ જઈને તેઓના ગંધર્વ-વિવાહ યોજયા હતા. શું એ અપરાધ નહોતો..? કમસેકમ ગામ લોકોને તારે વિશ્વાસમાં લેવા જોઈતા હતા. તેમની ભાવનાઓ અને માન્યતાઓને ઠેસ ન પહોંચે એ જોવાની જવાબદારી તારી હતી કે નહી.?” રાજડાએ એકદમ સાચવીને સટિક શબ્દો વાપર્યાં. તે જાણતો હતો કે જો સચ્ચાઈ જાણવી હશે તો પૂજારીનો પક્ષ પણ સાંભળવો પડશે. એ જાણવું પડશે કે તેણે એ સમયે શું કામ બધાથી વિરુધ્ધ જઈને કોઈના ગાંધર્વ લગ્ન કરાવ્યાં હતા. “ અરે… તું એ યુવક યુવતીને તેમનાં માં-બાપ પાસે મોકલી શકતો હતો. અથવા તો તેમને સમજાવીને બધાની સંમતીથી વિધી-વિધાન પૂર્વક લગ્ન કરાવી શકતો હતો. પરંતુ નહી, તે એવું કશું જ કર્યું નહી. ગામ લોકોને તેં ખોટો રસ્તો અપનાવવા મજબૂર કર્યા હતા અને હવે ડાહી-ડાહી વાતો કરે છે.? વર્ષોથી આ મંદિર તારું આશ્વય સ્થાન બની રહ્યું હતું. અહી જ તું તારા આરાધ્યને ભજતો હતો. તારી ભક્તિ અને સમર્પણ જોઈને ગામ લોકો તને ભગવાનનું બીજું સ્વરૂપ માનીને પૂજતા હતા… તો પછી એવું શા માટે કર્યું તે? શું તને ગામની માન્યતાઓ અને રિવાજોની ખબર નહોતી..? મને નથી લાગતું કે એટલો બેવકૂફ તું હોઈશ. તે જાણી જોઈને એ નિર્ણય લીધો હતો અને પછી જ્યારે તારા ઘરે એનો રેલો આવ્યો એટલે હવે બદલો લેવા નિકળ્યો છે.!” રાજડા ધમધમી ગયો. શરીર ઉપર પડતા ઠંડા પાણીમાં એકાએક  ગરમાહટ ભળી હોય એટલો તે તપી ગયો હતો. તેને ખુદને આશ્વર્ય થયું કે તે પોતે મરવાની અણી ઉપર છે છતાં એક પ્રેતને ધધડાવી રહ્યો છે. જ્યાંરે ખુદ પોતાના જ પગ કબરમાં લટકતા હોય ત્યાંરે આવી ગુસ્તાખી ભાગ્યે જ કોઈ કરી શકે.  

                       “ચૂપ મર છોકરાં…” જોરથી ત્રાડ પાડી પૂજારીએ. એ ત્રાડ એટલી ભયાવહ હતી કે મંદિર પરીસરમાં રીતસરનો ભૂચાળ આવ્યો. પૂજારી એવી રીતે ખળભળી ગયો જાણે રાજડાએ સીધા જ તેના મર્મ ઉપર કર્યો ન હોય. 

                       “કેમ, સચ્ચાઈ સહન ન થઈ..?” રાજડા હવે પાછો પડે એમ નહોતો. બહુ નાજૂક સમયની ધાર ઉપર તે ચાલી રહ્યો હતો. સહેજ ચૂક સીધી જ તેને મોતની ખાઈમાં ધકેલી શકે એમ હતી. આ દૂનિયાનો કદાચ તે પહેલો એવો વ્યક્તિ હશે જે આ રીતે એક આત્મા સાથે સંવાદ કરી રહ્યો હતો અને તેમાં સફળ થવાનાં સંજોગો દેખાતા હતા. “કે પછી તારા પેટમાં મેલ છે…? તે શું કામ એ ભાગેડું છોકરાઓનાં ગંધર્વ-વિવાહ યોજયા હતા..?”

                        “કારણ કે… કારણ કે… મારા પોતાનાં ઘરમાં જ ખોટ હતી.” પૂજારીએ ધડાકો કર્યો. “ખુદ મારા સગ્ગા પૂત્રએ ભાગીને ગંધર્વ લગ્ન કર્યાં હતા.” ચિત્કારી ઉઠયો તે. ગળું ફાડીને તેનામાં હતી એટલી તાકતથી તે બોલ્યો હતો. પરંતુ… એટલું બોલવામાં પણ તેનો અવાજ ફાટી પડયો હતો. તેના ગળામાંથી સાવ બોદો પડઘો બહાર ફંગોળાયો. એકાએક જ તેનો ક્રોધ ગાયબ થઈ ગયો અને તેનું શરીર સાવ ઢિલું ઢફ્ફ પડી ગયું. જાણે તેનું કૌવત એક ઝટકે હણાઈ ગયું હતું. 

                      સ્તબ્ધ બની ગયો રાજડા. તેને માન્યામાં આવતું ન હોય એમ આંખો ફાડીને પૂજારી સામે જોઈ રહ્યો. એક અજીબ અહેસાસથી તેનું દિલ તેજીથી ધડકવા લાગ્યું. તેના કાને જાણે કશુંક અજુગતું સાંભળી લીધું હોય એમ તેણે માથું ધૂણાવ્યું. ’ઓહ…” એટલા જ શબ્દો સર્યા તેના મોં માંથી. તો આ હકીકત છે…  સ્વગત જ બબડતો હોય એમ તેના હોઠ હલ્યાં. પૂજારીનાં પ્રેતનું સત્ય હવે તેની સમજમાં ઉતર્યું હતું. પરંતુ… શું એટલી જ વાત હતી…? કે હજું પણ કંઈક રહસ્ય ઘૂંટાયેલું છે…? પૂજારીએ ગામ લોકોનાં ખોફને વહોરીને એ લગ્ન કરાવ્યાં હતા એ થોડી વિચિત્ર બાબત તો હતી જ કારણ કે જેણે વર્ષોથી મંદિરની સેવા કરી હોય, ગામમાં જે વ્યક્તિ ભગવાનની જેમ પૂજાતો હોય, એ વ્યક્તિ એવું કરે એ ગળે ઉતારતા તકલીફ તો થવાની જ ને. રાજડા એટલે જ વિચારમાં પડયો હતો. 

                      “કેમ, વિશ્વાસ નથી થતો..?” રાજડાને વિચારમાં પડેલો જોઈને પ્રેતે હુંકાર કર્યો. “જ્યારે ખુદ મારાં પૂત્રએ જ મારી જાણકારી બહાર ગાંધર્વ-વિવાહ કરી લીધા હોય હોય ત્યારે ક્યાં મોઢે બીજાને એ જ ગુનાહની સજા હું કરી શકું.!  પરંતુ તેનો મતલબ એ નથી કે મારા કર્મોની સજા મારા દિકરાને મળે. ગામ લોકોએ મારા નિર્દોષ પૂત્ર અને ગર્ભવતી વહુને બેરહમપણે ઢસડી જઈને તળાવમાં ડૂબાડી દીધા શું એ યોગ્ય હતુ ? એ લોકોએ જે કર્યું હતું એનો જ બદલો અત્યારે હું લઈ રહ્યો છું તો એમાં ખોટું શું કહેવાય. કદાચ પ્રેત યોનીમાં મારો જીવ એ કારણે જ ભટકી રહ્યો છે.” પૂજારીનો બોદો અવાજ રાજડાનાં કાને અફળાયો. તે ખરેખર ઢિલો પડી ગયો હતો. તેના દિલમાં પશ્ચાતાપની જ્વાળા ઉઠી હતી. અત્યાર સુધી ભયંકર હુંકારા ભણતો તેનો દેહ એકાએક જ પ્રાણ વિહિન ભાસવા લાગ્યો હતો.

                       “એ માટે તારે કોઈ બે-ગુનાહ વ્યક્તિને મારવાની બીલકુલ જરૂર નહોતી. ગામ લોકોએ જે કર્યું એનો હિસાબ…” રાજડા અટક્યો અને તેણે મંદિરનાં ગર્ભગૃહ તરફ હાથ લાંબો કર્યો. “આ સામે મંદિરમાં બેસેલો ઈશ્વર કરશે. એક પૂજારી થઈને એટલી સમજ તને હોવી જોઈએ. મારું માન, આજે… અત્યારથી જ આ બધું બંધ કર અને પ્રભુને શરણે ચાલ્યો જા અને જે કોઈ પણ અહી આવ્યું છે એમને બક્ષી દે.” રાજડાનો ઈશારો પેલી સેન્ટ્રો કારમાં આવેલા લોકો તરફ હતો.

                       “નહીં… એ નહી બને. તેમણે મરવું જ પડશે.” પૂજારીનાં હાવ-ભાવ એકાએક ફરીથી બદલાયા. ઢિલો પડેલો તેનો દેહ ફરીથી ટટ્ટાર થયો.

                        “પણ, શું કામ…? તને એનાથી શું મળવાનું છે…? શું તારા પૂત્ર અને વહું બીજાને મારવાથી પાછા આવશે..?” રાજડાએ પૂછયું. પૂજારીનાં વર્તનમાં થયેલો ફેરફાર તેને સમજાયો નહી. હજું બે સેકન્ડ પહેલા તે કંઈક અલગ મૂડમાં હતો અને ઘડીકવારમાં તે ફરી ગયો એ આશ્વર્યજનક હતું. રાજડા વિચારમાં પડયો. શું પ્રેત યોનીમાં ગયા પછી દરેક જીવ ફક્ત બદલાની ભાવનાથી જ વિચરતો હશે.. કે પછી આત્માઓની દૂનિયામાં કોઈ નિતિ-નિયમો હશે જ નહી..! તેણે ધ્યાનથી પૂજારીનો ચહેરો નિરખ્યો. એ આશાએ કે તેના બદલાયેલા હાવભાવમાંથી કંઈક જાણવા મળે. અને… તે સાચો પડતો માલૂમ થયો. પૂજારી કંઈક અસમંજસમાં હોય એવો ભાસ થયો. ચોક્કસ કંઈક તો હતું. પણ શું…? 

                                        @@@

                     “એ તને નહી સમજાય છોકરા.” આખરે પૂજારી બોલ્યો.

                     “તો સમજાય એવું કહે ને. બની શકે હું કશી મદદ કરી શકું.”

                     “કોઈ કંઈ નહી કરી શકે. નિયતીનું ચક્ર અફર હોય છે. એ પૂરું કર્યે છૂટકો.” પૂજારીએ નિસાસો નાંખ્યો. તે ઘડીકમાં ગૂસ્સે થતો હતો, ઘડીકમાં નિરાશામાં ગરકાવ થતો હતો તો ઘડીકમાં સાવ અસમંજસમાં પડી જતો હતો. એક પ્રેત હોવા છતાં તેનામાં હજું એવું કંઈક બાકી હતું જે તેને બીજી આત્માઓથી અલગ પાડતું હતું. જો એમ ન હોત તો રાજડા અને વનરાજ ક્યારનાં રામ-શરણ પામી ગયા હોત.     

                      “આમ ગોળ-ગોળ વાતો કરવા કરતાં જે હોય એ ચોખવટથી કહી નાંખ ને. ક્યાં સુધી તું આવી રીતે પ્રેત યોનીમાં ભટકયા કરીશ..? આનો કોઈ તો અંત હશે જે તને અને ગામ લોકોને સુખી બનાવે.” રાજડા બોલ્યો. તે હવે કંટાળ્યો હતો. કારણ વગર વાત લંબાયે જતી હતી અને સમયનો ખોટો વેડફાટ થતો હતો. તે ચાહતો હતો કે હવે આ વાતનો નિવેડો આવે. તેનું પોતાનું ભલે જે થવાનું હોય એ થાય પરંતુ સામે ઉભેલા પ્રેતની હકીકત જાણ્યાં વગર તે પીછેહટ કરવાનો નહોતો એટલે જ અકળાતો હતો. પૂજારી ખામોશ બન્યો. કદાચ રાજડાની વાતે તેને વિચાર કરવા મજબૂર બનાવ્યો હતો. થોડીક ક્ષણો એમ જ ગહેરી ખામોશીમાં વિતી. અવિરત વરસતા વરસાદનો નાદ મંદિર પરીસરમાં પડઘાતો રહ્યો. આકાશમાં ચમકતી વિજળીઓનાં ચમકારા થોડી-થોડી વારે તેની હાજરી પુરાવી જતાં હતા. 

                       “તો… સાંભળ છોકરા.” આખરે પૂજારીનો ઘોઘરો અવાજ વાતાવરણમાં ગૂંજયો. રાજડાનાં કાન સરવા થયા. તેના દિલની ધડકનો તેજ બની.

                        “જે દિવસે આ ગામનો છોકરો બાજુનાં ગામની દિકરીને ભગાડી લાગ્યો હતો તેના બરાબર આઠ મહિના પહેલાનાં એક દિવસે મારો સગ્ગો પૂત્ર એક યુવતીને લઈને એકાએક બારણે આવીને ઉભો રહી ગયો હતો. મને આશ્વર્ય થયું અને તેને પૂંછયું ત્યારે તેણે જે કહ્યું એ સાંભળીને મારા પગ તળેથી જમીન સરકી ગઈ હતી. મને ભયંકર આઘાત લાગ્યો હતો કે એક ચૂસ્ત કર્મકાંડી પંડિતનો દિકરો આવું ક્રૃત્ય કરે જ કેમ..!” તે અટક્યો. એ દિવસનો ભાર જાણે આજે પણ તેને લાગતો હોય એમ તેના ઉન્નત ખભા એકાએક ઝૂકી ગયા હતા.

                         “કોણ હતી એ યુવતી..? શું કર્યું હતું તમારા પૂત્રએ તેની સાથે..?” રાજડાની અધીરાઈભેર પૂછી બેઠો.  

                         “લગ્ન. તેણે એક પછાત સમાજની છોકરી સાથે લગ્ન કર્યા હતા અને તેને લઈને મારા દરવાજે આવ્યો હતો કમબખ્ત. તેણે ચોખવટ કરી ત્યારે મારું માથું ભમી ગયું હતું અને ન કહેવાનાં શબ્દો તેને સંભળાવ્યાં હતા. તે ચૂપચાપ ખામોશીથી મારા ગૂસ્સાને સહન કરતો ઉભો રહ્યો. અડધી કલાક… બરાબર અડધી કલાક સુધી મેં ઉંબરામાં ઉભા-ઉભા જ તેને ભાંડયો હતો અને આખરે થાકીને ઘરનાં અંદરનાં ઓરડામાં હું ચાલ્યો ગયો હતો. એ પછી મને ખ્યાલ નથી તેણે શું કર્યું હશે… તે ક્યારે ઘરમાં આવ્યો હશે… પરંતુ છેક નમતી સાંજે જ્યારે હું ઓરડામાંથી બહાર આવ્યો ત્યારે તે અને પેલી યુવતી મારા કમરાનાં બારણા બહાર જ ઉભા હતા. દરવાજો ખૂલતાવેંત જ તે બન્ને મારા ચરણોમાં પડી ગયા હતા અને મારા પગ પકડી લીધા હતા. તેમની આંખોમાંથી આંસુઓનો ધોધ વહેતો હતો.  

                         “પિતાજી, તમે પહેલા મારી વાત સાંભળી લો. પછી તમે કહેશો તો અમે બન્ને આ ઘર છોડીને ક્યાંક દૂર જતા રહીશું.” તે બોલ્યો હતો. મને તેના આંસુઓમાં થોડી સચ્ચાઈ દેખાઈ એટલે હું શાંત પડયો.

                         “બોલ, શું કહેવું છે તારે..?”

                         “આ વાસુ છે. આપણાં ગામથી વિસેક ગાઉ છેટે તેનું ઘર છે. બે વર્ષ અગાઉ એક મેળામાં અનાયાસે અમારી નજરો આપસમાં મળી હતી અને પહેલી નજરમાં જ હું તેના પ્રેમમાં પડી ગયો હતો. તમે એને નિયતી ગણી શકો કે પછી કુદરતનો કોઈ સંકેત… વાસુને પણ હું ગમી ગયો હતો અને અમે બન્ને એક-બીજાને પસંદ કરવા લાગ્યાં હતા. પરંતુ… તે બીજા સમાજની છે એ જાણવા મળ્યું ત્યારે મારું મન પાછું પડી ગયું હતું કારણ કે મને ખ્યાલ હતો કે તમે આ વાત ક્યારેય નહી સ્વિકારો. ફક્ત તમે જ શું કામ… આપણો સમાજ પણ અમને ક્યારેય સ્વિકારશે નહી એની ખાતરી હતી એટલે જબરજસ્તીથી મેં મારા મનને કાબુમાં રાખ્યું હતું અને પ્રથમ નજરે પાંગરેલો અમારો પ્રેમ ત્યાં જ બાળ મરણ પામ્યો હતો. તેણે પણ એ સ્વિકારી લીધું હતું અને એ પછી ન તો મેં ક્યારેય તેને મળવાની કોશીશ કરી હતી કે ન તેણે મને. પરંતુ…” તે અટકયો હતો. 

                   “પરંતુ શું…” ન ચાહવા છતાં, મને તેના પ્રત્યે ભયંકર નારાજગી હોવા છતાં હું મારી જીજ્ઞાષાને કાબુમાં રાખી શક્યો નહોતો.

(ક્રમશઃ)