MOJISTAN - 56 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 56

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મોજીસ્તાન - 56

બોટાદથી નયનાને બેસાડીને ગામ આવતી વખતે હુકમચંદ અને નયના બાજરાના ખેતરમાં ઘુસ્યા હતા.એ વખતે પાછળ આવેલા રણછોડે એ બંનેનું શૂટિંગ કરી લીધું હતું.એ વીડિયો ક્લિપનો આધાર લઈ હુકમચંદને હલાલ કરવાનો આઈડિયા ચમન ચાંચપરાએ લગાવ્યો હતો.પણ રણછોડ માત્ર ધમકી આપવા સંમત થયો હતો.કારણ કે જો એ ક્લીપ વાયરલ થાય તો નયનાની ઈજ્જત પણ જાય અને એમ કરવાથી નયના કદાચ એનો જીવ દઈ દેતા અચકાય નહિ. કારણ કે એની દીકરીનું ભવિષ્ય પણ બગડે અને બિચારા નગીનદાસને ક્યાંય મોઢું બતાવવા જેવું ન રહે.

રણછોડને આ પ્રકરણમાં નયનાને સામેલ કરવા બદલ પસ્તાવો થઈ રહ્યો હતો.બિચારી નયનાએ પોતાના પ્રેમને ખાતર હુકમચંદ જેવા ખંધા અને બદમાશ માણસ સાથે પ્રેમનું નાટક કર્યું.પણ એ નાટક એને કેટલું ભારે
પડી શકે એની સમજણ રણછોડને હતી.

ચમન ચાંચપરા જાણતો હતો કે માણસને પછાડવો હોય તો પહેલા એના હાથ પગ ભાંગવા જરૂરી છે. હુકમચંદના બે ખાસ માણસો જગા ભરવાડ અને નારસંગને આ માટે કબજે કરવા જરૂરી હતા.

જગો અને નારસંગ હુકમચંદની જીપ હાંકતા હતા.કામ ન હોય ત્યારે બરવાળા અને બોટાદના ભાડા કર્યા કરતાં. ધરમશી ધંધુકિયા સુધી છેડા હોવાથી એ જીપને કોઈપણ પોલીસ રોકે તો તરત છોડી દેવા પડતા.પછી ભલે ડ્રાઈવિંગ લાયસન્સ પણ ન હોય !
ચમન પણ એક કાબેલ નેતા હતો.
એને હુકમચંદ જેવા હરિફની નબળી નસો કઈ કઈ છે એનો પૂરો ખ્યાલ હતો.

બરવાળા પોલીસ સ્ટેશનના નવા પી.આઈ.સોંડાગર સાથે ચમનને સારા સબંધ હતા.એ સબંધનો ઉપયોગ કરીને ચાંચપરાએ પેલા બંનેને ફિટ કરવાનો કારસો કર્યો.
ચમનની ઓફીસમાં સાફ સફાઈ કરતો વજો વાળંદ દેશી દારૂની હેરફેર પણ કરતો અને સાંજ પડ્યે બે કોથળી મારી પણ લેતો. બોટાદથી બરવાળા જતા જગા ભરવાડની જીપ નીકળી એટલે વજાએ જીપમાં બેસવા હાથ ઊંચો કર્યો.

જીપમાં બેસેલા ખીચોખીચ મુસાફરોના પગમાં એક મેલુંઘેલું પ્લાસ્ટિકની કોથળીનું પોટલું મૂકીને વજો પાછળ લટકી ગયો. રેલવે ફાટક બંધ હોવાથી જગાની જીપ ત્યાં ઉભી રહી એટલે વજો જીપમાં ટીંગાઈ રહેલા બીજા મુસાફરો સાથે નીચે ઉતરી ગયો. ટ્રેન આવીને જતી રહેતા ફાટક ખુલ્યું અને જગાની જીપ ઉપડી, પણ વજો જીપમાં ચડ્યો નહીં.

જીપ રસ્તામાં આવતા ગામડામાં મુસાફરોને ઉતારતી ચડાવતી બરવાળા પહોંચી એટલે એ જીપની જ રાહ જોઈને ઉભેલા પી.આઈ.સોંડાગરના બે હવાલદારોએ રઘુ અને ટેમ્ભાએ જગાની જીપ રોકી.

"ચ્યમ શાએબ, નહિ ઓળખતા ? હુકમચંદ સરપંચના માણહ સવી..
કોય દી નય ને આજ ચીમ આડું પડવું પયડું ?" જગાએ માલિકની
ઓળખાણનો પાવર બતાવ્યો.

"હવે વાયડીનું થયા વગર લાયસન્સ બતાડ.." કહીને રઘુએ મુસાફરો પર રાડ પાડી, "હાલો બધા પોતપોતાનો સમાન લઈને હેઠા ઉતરો.જીપની જડતી લેવાની છે.ઉપરથી બાતમી મળી છે."

પેસેન્જરો ફટાફટ પોતપોતાની થેલીઓ લઈને નીચે ઉતરી ગયા.
જગાએ જડતીની વાત સાંભળીને નારસંગ સામું જોયું.નારસંગે તરત હુકમચંદને ફોન લગાવ્યો.

"આ પોટલું કોનું છે ભાઈ.." વજાએ મૂકેલી,દોરીથી મોઢું બાંધેલી પ્લાસ્ટિકની કોથળી જીપમાંથી ખેંચીને બધા મુસાફરોને હવાલદારોએ બતાવ્યું.

"મારું નથી.. મારું નથી.."એવા અવાજો ટોળામાંથી ઉઠ્યાં. એટલે હવાલદારે એ કોથળીની દોરી છોડીને અંદર હાથ નાંખ્યો.

દેશીદારૂના ગાંઠ મારેલી પ્લાસ્ટિકની ઘણી બધી પોટલીઓ એ કોથળીમાં હતી. એમાંથી એક પોટલી બહાર કાઢીને રઘુએ બીજા હવાલદાર ટેમ્ભાને પૂછ્યું, "જોવો તો ટેમ્ભા, આ હાળો દેશી દારૂ હોય ઈમ લાગે સે..!"

દેશીદારૂ ઓળખવામાં નિષ્ણાંત ગણાતા ટેમ્ભાએ કોથળી નીચેથી તોડીને મોઢામાં ઠાલવી.બે ચાર ઘૂંટ ઝડપથી ગળા નીચે ઉતારીને ટેમ્ભા ચકળવકળ આંખો કરીને બોલ્યો, "લાઆ..હગે સે નય..સે જ..આ.. દેશી દા.....રૂ...જ સે. વશવાસ નો આ..આહવે તો..તો...તો..તું..હુંઉય.. લગ્ગાય."

"ના ઈમ તમે કિયો અટલે હું માની નો લવ હો..આમાં તો પાક્કું કરવું જ પડે.." કહી રઘુએ વધેલી કોથળી પોતાના મોંમાં ઠાલવી.

"કાં.. હ..?..હલ્યા..આ..ટેમ્ભા.. સાહ..ખે અટલે...હો.. ટહ..કા જ હોય..આજ..કાહલનો ઠોહડો દારૂ પહ..કડવી છી..!'' કહી ટેમ્ભા ઝૂમવા લાગ્યો.

"હાલો અલ્યા..જીહપ પોહલીસ ટેહસને લય લિયો..મારા હાળા દાહરુની હેરફેર કહરો સોહ.." પેલા હવાલદારે નારસંગના હાથમાંથી ફોન આંચકી લઈને એનું બાવડું પકડ્યું.

નારસંગે હુકમચંદને ફોન કર્યો હતો,પણ કોઈ કારણસર હુકમચંદ ફોન ઉપાડતો નહોતો..

"પણ અમે સુ લેવા દારૂની હરફર કરવી ? ઈ પોટલું અમારું સે જ નઈ.. ભલામાંણ્યો કાંક હમજો, તમે કોની ઉપર હાથ મેલો સો ખબર સે ને ? ઘડીક રો, તમને વાત કરાવી દવ.." જગાએ સ્ટિયરિંગ પર બેઠા બેઠા કહ્યું.

"ઈ હંધુય પોહલીસ ટેહસને કેહજે
પહેલા જીહપ પોહલીસ ટેહસને લય લેહ.." હવાલદારના પેટમાં ગયેલો દેશી દારૂ 'હ' બનીને દરેક શબ્દોમાં ગોઠવાઈ ગયો હતો. બીજો હવાલદાર ટેમ્ભા તો જીપના ટેકે ઉભો રહીને પેલી કોથળીમાંથી એક પોટલી કાઢીને એના પેન્ટના ખિસ્સામાં નાખવાની કોશિશ કરતો હતો.પણ એ પોટલી મોટી હોઈ એના ખિસ્સામાં જતી નહોતી, આગળની અડધી પોટલી દેશીદારૂ એના પેટમાં જઈને મગજમાં ચડ્યો હતો,અને આ પોટલી ખિસ્સામાં જતી નહોતી, એટલે ટેમ્ભાનો પિત્તો ગયો.

"હેય..આ..વ..ડા.. મોહ..ટા ઝબલાં..ચ્યાંથી લાયો..પેન્ટના ખી.. હ...સ્સામાં ચિહમ.. નહઠ જા..આતું..?" એક લથડીયું ખાઈને એણે નારસંગને મારવા સોટો ઉગામ્યો.

"અલ્યા..ભાઈ અમે નથ લાયા. કોક રાંડનો અમારી જીપમાં મેલીન ઉતરી જ્યો લાગસ..ભૂંડીયો હવે જાવા દયોને..કે'તા હોવ તો આખું
પોટલું તમને આલી દેવી..પણ અમને જધોમાં..!" નારસંગે કંટાળીને તોડપાણી કરવાનું વિચાર્યું.

બીજો કોઈ સમય હોત તો તો એ બંને હવાલદાર પોટલું લઈ જ લેત. પણ આજ તો સોંડાગર સાહેબ રોડની સામેની સાઈડ જીપમાં બેઠાંબેઠાં બધો ખેલ જોઈ રહ્યાં હતાં એટલે પેલા બેઉ લાચાર હતા.

"અહમને એહવા હ..હલકા ધાહર્યા ? હેં.. એ...એ..હલ્યા તું હું હમજશ અહમને હેં..?" કહી હવાલદાર રઘુએ નારસંગનો ફોન પોતાના ખિસ્સામાં નાખી દીધો અને જીપમાં ચડી ગયો.
પેલી પોટલી જેમતેમ ખિસ્સામાં ભરાવીને ટેમ્ભા પણ જીપમાં ચડી ગયો.

"હાલ્ય...હાંક..પોહલીસ ટેહસણ
લય લેહ.." રઘુ પણ જગાની બાજુમાં ગોઠવાયો.નીચે ઉભેલા નારસંગને જીપમાં બેસવાનો ઈશારો કરીને એ બોલ્યો..

"યુહ..આહર અહન્ડર એહ..રેસ્ટ"

"પેલા મારો ફોન તો પાસો દિયો..
ભલીમાણા.. હાવ આમ નો કરવાનું હોય..!" કહી નારસંગ પણ જીપમાં ચડ્યો.અત્યાર સુધી બધો તમાશો જોઈ રહેલા મુસાફરો પણ હવે 'પતી જ્યું' એમ સમજીને ચાલતા થઈ ગયા.

"એ....એ...એક તો દેહશી દા... હારુંની...હે..હર...ફે...હર ક..રવી
ને પા...સા...આ...હ..વડાં મોહટા ઝ..હબલાં લાહવો સો..? સા.....
હલ્લાવ...!"ટેમ્ભાને હજી પોટલી ખિસ્સામાં સમાઈ નહિ એની દાઝ ચડતી હતી.નાની પોટલી હોત તો બેચાર અહીંથી બારોબાર લઈ લેવાત..!!

"પણ અમારું નથી ભૂંડ્યો..કાં તમે હમજતા નથ્થ.."જગાએ કહ્યું.

"ઈહ બહધી સહફાઈ તુંહ પોહલીસ ટેહસને દેહજે ને ભાહઈ..!" રઘુને 'હ' બરાબરનો ચડ્યો હતો !

ના છૂટકે જગાને જીપ બરવાળા પોલીસ સ્ટેશને લેવી પડી.પોતાના હવાલદારોની કુનેહ જોઈને પી.આઈ.સાહેબ પણ સામેની સાઈડમાં ઉભેલી એમની જીપમાં હસી રહ્યાં હતાં. જગાની જીપ ઉપડી એટલે એની પાછળ જ એમણે જીપ હાંકવા ડ્રાઈવરને કહ્યું.

પોલીસની જીપ જોઈને જગાના મનમાં બેઉ હવાલદારને લઈને ભાગી જવાનો વિચાર ઊગીને તરત આથમી ગયો.

બરવાળા પોલીસ સ્ટેશનમાં જીપને મુકાવી દઈ પેલું દારૂનું પોટલું જપ્ત કરવામાં આવ્યું. મુદ્દામાલ સાથે દારૂની હેરફેર કરતાં બે ઈસમો જગા ભરવાડ અને નારસંગ બંડારીની ધરપકડ કરીને બેઉને કસ્ટડીમાં લેવામાં આવ્યાં.
કામ પૂરું કરીને સોંડાગરે ચમન ચાંચપરાને ફોન કરીને જાણ કરી દીધી.ચમન ચાંચપરાએ સ્થાનિક સમાચારપત્રના બે પત્રકારોને બરવાળા પોલીસ સ્ટેશને આ સમાચારની વિગતો લેવા મોકલી આપ્યા.અને ન્યૂઝ ટીવી ચેનલોને પણ જાણ કરવામાં આવી.

હુકમચંદના ગળામાં પહેરાવવાનો ગાળિયો તૈયાર થયેલો જોઈ ચમન ચાંચપરા અને એની ઓફિસમાં બેઠેલો રણછોડ ખુશ થઈ ગયા.

"અબ આયા ઊંટ પહાડ કે નીચે, કેમ બરોબરને રણછોડ..! હજી ઈ હુકમો મને ઓળખતો નથી.ઈ એમ સમજે છે કે હું જ બુદ્ધિશાળી..પણ આપડે ઈના બાપ છીએ. એકવાર ચૂંટણી જીતવા દેને..પછી જો આ હુકમાની અને ઓલ્યા ધરમશીની વલે કરું ઈ.. મારો બેટો ખિલાના જોરે કુદકા મારતાં વાછડાની જેમ કૂદે છે,પણ ખિલા સ્હોતો ઉપાડી નો લવ તો મારા બાપમાં ફેર હોય !" કહી ચમન ચાંચપરાએ ટેબલ પર હાથ પછાડ્યો.અને વજુ વાળંદને શાબાશી આપીને ચા લેવા મોકલ્યો.

*

તભાભાના ઘેરથી નીકળેલા તખુભા ઘેર આવીને ખાટલામાં લાંબા થયા હતા.તભાભાભાએ એકદમ ઉઠીને એમને જે રીતે ધક્કો માર્યો હતો એનાથી એમને કમરમાં વાગ્યું હતું.મનોમન તખુભાએ દેવાય એવી ગાળો તભાભાભાને દીધી હતી.

'આ માળો ગોર પણ ખરાં ઉઠાં ભણાવે છે..માળો કે છે કે હું સ્વર્ગે જિયો'તો ! ચીમ જાણે ગામના પાદરેથી સ્વર્ગની બસ ઉપડતી હોય ! હજી કાલ્ય એને વધુ ઉંઠા ભણાવવા છે..મારે તો હવે ગોરના મામલામાં માથું મારવું જ નથી. હાળાએ ધક્કો દઈને ગબડાવી દીધો.કાયમ કાંક ને કાંક ભવાડા કરે છે.હવે આપણે આઘુ રે'વુ, બીજું શું !' એમ વિચારતા,કમર દબાવતા તખુભા ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં,એ જ વખતે એમના ફોનની રિંગ વાગી.

'વળી પાસું કોને મોત આવ્યું ? માય ગિયું..મારે તો ફોન જ નથી ઉપાડવો..'એમ બબડી તખુભાએ ફોન કાપી નાંખ્યો.

એ ફોન હતો ડો.લાભુ રામાણીનો ! તખુભાએ ફોન કાપ્યો એટલે એમણે ફરી કર્યો.વળી તખુભાએ કાપ્યો.પણ ડોકટરને 'ખાસ' કામ હતું એટલે એમ તખુભાને પડતા મૂકી શકાય એમ નહોતું.ત્રીજીવાર રિંગ વાગી એટલે તખુભાનો પિત્તો છટક્યો. ફોન ઉપાડીને એમણે રાડ પાડી..

"તમે બધા માય જાવ..ગોલકીનાવ
હવે તો હખ લેવા દયો.આખી રાત્ય તમારા ભવાડા જોવા કોઈ નવરું નથી..મુકય ફોન.મુકય ઝટ, મને હવે કોય કરતાં કોય ફોન જ કરતાં નય. નકર આવીને ભડાકે દઈ દશ..હાલી જ નીકળ્યા છો..
ઈ તભો મરી જાય તોય હું હવે નાહવા નથી આવવાનો.મુકય ફોન...ફોન મુકય ઝટ ! કેટલાંક ગુડાણાં છો આવા ને આવા. અલ્યા કોક માહણની અગવડ સગવડ તો જોતા હો ! ફોન કાપી નાખું છું તોય હમજતો નથી ? રિંગ ઉપર રિંગ મારછ ? મુકય ફોન.. ફોન મુકય ઝટ..મુકય નકર હમણે ગાળ્યું ખાશ.. મુકય ફોન..હાળા. મુકય ઝટ !...."

"અરે તખુભા..ધીરા પડો બાપુ, ધીરા પડો..મુકય મુકય કરો છો પણ તમે જ ફોન મુકતાં નથી, અને મૂકતાં'ય નહીં.. હું ડોકટર લાભુ રામાણી બોલું છું.તમારાં ગામના બે હરામખોરો મારા કવાટરમાં ઘુસી આવ્યા છે. બેય દારૂ પીને અહીં બથોબથ આવ્યા'તા..અને બેભાન થઈને ઢળી પડ્યાં છે..અહીં મને પેલી નર્સ ચંપા સમજીને મારી ઈજ્જત લૂંટવા માંગતા હતા...બાપુ તમે ઝટ આવો..મારી આબરૂનો સવાલ છે..જલ્દી આવો તખુભા, તમને તો ખબર છે ને હું તમારા કારણે જ આ ગામમાં ટક્યો છું.જો તમે અત્યારે નહિ આવો તો હું મારી ગાડી લઈને અત્યારે જ અમદાવાદ ભેગો થઈ જઈશ.આ ગામના લોકો પુરુષની ઈજ્જત પર પણ હુમલો કરશે એવી મને ખબર હોત તો હું અહી આવત જ નહીં.તમારી જેવા દરબાર જીવતા હોય તોય એક ડોકટર સલામત નો રહી શકે તો તો પછી તમારા જીવનમાં ધૂળ પડી ધૂળ..હું જતો રહીશ પછી આ ગામમાં કોઈ ડોકટર આવશે નહીં. હું તમારું નામ છાપામાં લખાવીશ કે તખુભા પણ ડૉક્ટરનું રક્ષણ કરી શક્યા નહીં. હરામખોરોએ રાતની એકલતાનો લાભ લઈ એક ડોકટર ની ઈજ્જત લૂંટવાની કોશિશ કરી છે.આ જેવીતેવી ઘટના નથી.બાપુ તમે આવો છો કે હું જાઉં ?" એકી શ્વાસે આટલું બોલીને લાભુ રામાણી હાંફી રહ્યાં.

તખુભા ડોકટરની વાત સાંભળીને પથારીમાંથી બેઠા થઈ ગયા.ડોક્ટરે બોલવાની તક આપી એટલે એ બોલ્યા, "દાગતર તમે શું વાત કરો છો ? તમારી આબરૂ લેવા બે જણા આયા ઈમ ? મારા જીવતા આ બન્યું ? કોણ છે ઈની માના હાંઢ ! રાંડના'વને ભડાકે નો દવ તો મારું નામ તખુભા નય.તમે જરીકેય બીશો નય..ચ્યાં છે ઈવડા ઈ..?"

"આ પડ્યા મારા કવાટરમાં..મારા બેટા ઈમ બોલે છે કે દાગતર તું નર્સ ભેગો કેમ સુતો'તો.અમને'ય સુવા દે..બોલો..અહીં હું નર્સ સાથે સૂતો હોઉં છું...? મારી ઉંમરનો તો વિચાર કરો ? આ ઉંમરે હું પોદળામાં પગ મુકીશ ? ધોળામાં ધૂળ નાખીશ ? અને એ પણ તખુભા દરબારના ગામમાં ? જીવવું હરામ થઈ ગયું મારું.....
મારાથી હવે અહીં શ્વાસ પણ લેવાતો નથી.આ ગામના ગરીબ દર્દીઓની સેવા કરવા હું મારું કુટુંબ મૂકીને આવ્યો છું.મારા બયરી છોકરાવ સાથે આરામથી મારી પાછલી જિંદગી વિતાવવાને બદલે તમારા ભરોસે આ ગામની સેવા આટલા માટે હું કરી રહ્યો છું ? રાતની એકલતાનો લાભ લઈ આવા હરામખોરો મારા ઘરમાં ઘૂસીને મારી આબરૂ ઉપર હાથ નાખે એનો મતલબ તો એમ જ થાયને કે તખુભા જીવતેજીવ મરી જ ગયા છે. બોલો દરબાર તમારો ઠામકોય ખોફ આ ગામના હરામખોરો ઉપર નથી ? તો પસી મુછું મુંડાવી નાખજો કાલે સવારે ઉઠીને ! હું તો જાઉં છું અત્યારે જ અમદાવાદ ! હવે તમે જાણો ને તમારું ગામ જાણે.. અને હા, હું જીવું છું ત્યાં સુધીમાં કોઈ ડોકટર આ ગામમાં આવે તો કેજો ને !"
કહી લાભુ રામાણી ફરી શ્વાસ લેવા થંભ્યા !

"દાગતર હવે વધુ કાંય બોલો તો તમને તમારી માના હમ છે.મૂંગા મરો તમે ! હું આવું છું.ઈ રાંડનાવ છે કોણ..હું આવું છું હો..દાગતર તમારે ક્યાંય કરતા ક્યાંય જાવાની જરૂર નથી. તમારી આબરૂ ઈ મારી આબરૂ...ઉભા રો..હું આવું છું..'' કહી તખુભાએ ફોન મુક્યો.
દુઃખતી કમરે તેઓ ઉભા થયાં. બુલેટની ચાવી ઓસરીમાં ખીંતી પર લટકતી હતી.ઉંચા પડથારની ઓસરીના પગથિયાં ચડવા જતાં કમરમાં કડાકો બોલ્યો.

'મારું બેટું... આ કેડ આજ દગો દેશે કે સ્હું ? આજ હું નય જાવ તો એક દાગતરની ઈજ્જત જાશે.
મારે જાવું જ જોવે..પણ હાળું આ પગથિયાં કેમ ચડાતા નથી.."
તખુભા પગથિયે ઉભા રહી ગયા.
એમના દીકરા બહાદુરભાઈ ઓરડામાં સૂતાં હતાં પણ એમને ઉઠાડવાનું મન તખુભાને નહોતું.

પગથિયાં ચડી નહિ શકાય એમ લાગતા તખુભાએ ચાલતાં જવાનું નક્કી કર્યું. ડેલી પાછળથી લાકડી લઈને એમણે હળવે હળવે ડેલીની બારી ખોલી. કમરમાં દુખાવો વધતો જતો હતો.

તખુભા માંડ બહાર નીકળ્યા. ડેલી બંધ કરીને ધીમે ધીમે ચાલવા માંડ્યું.

ગામના પાળે આવીને તેઓ ઉભા રહ્યાં. ડોકટરના કવાટર પર બળતો લેમ્પ દેખાયો.પણ ત્યાં પહોંચવા માટે નદીમાં વહેતી ગટર પાર કરવી પડે એમ હતી.એ ગટરમાં થોડે થોડે અંતરે મુકેલા પથ્થર પર ઠેકીને આજ આ વૈતરણી પાર કરવાનું સાહસ દુઃખતી કમરે તખુભાને કરવું પડે એમ હતું..!

તખુભા એ પૂછવાનું ભૂલી ગયા હતા કે એ બે જણ કવાટરમાં ઘુસ્યા કેવી રીતે ? દાગતરે બારણું ખુલ્લું રાખીને શુકામ સૂવું જોઈએ..!!

(ક્રમશ :)

શું લાગે છે મિત્રો ! તખુભા અંધારી રાતે આ વૈતરણી તરીને ડોકટરની આબરૂ બચાવવા સહીસલામત પહોંચી શકશે ?