MOJISTAN - 52 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 52

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મોજીસ્તાન - 52

મોજીસ્તાન (52)

બાબો થોડીવાર લખમણ ભૂતની વાત સાંભળતો રહ્યો.ભૂત ઘડીક રડતું હતું તો ઘડીક અટ્ટહાસ્ય કરવા લાગતું હતું.

"હા..ભાઈ..લખમણભૂત..તારે શું જોઈએ છે એ બોલને ભાઈ.આમ રોજ રોજ ફોન કરીને ભાભાને હેરાન શુંકામ કરે છે ! હું એમનો પુત્ર બાબાશંકર બોલું છું.તારો મોક્ષ હવે મારા હાથે જ થવાનો લાગે છે. બોલ શું જોઈએ છે તારે ?'' બાબાએ સહેજ પણ ગભરાયા વગર જરા મોટેથી કહ્યું.

ભૂત બાબાનો અવાજ સાંભળીને થોડીવાર ચૂપ થઈ ગયું.
એ દરમ્યાન ફોનમાં કોઈ વાહનનો અને કૂતરા ભસવાના અવાજો પણ સંભળાયા.એ અવાજો સાંભળીને બાબો સમજી ગયો કે ફોન કરનાર ભૂત તો નથી જ.પણ ભૂત બનીને ગામનો જ કોઈ માણસ પરેશાન કરી રહ્યોં છે..!

"હેં..? તું કોણ સો ? બાબાશંકર ?
તું શું કરવાનો સો..હું હું લખમણ..
બસ્સો ઓગણએંશી વરહ પેલા..
વાડીએ હતો..મારી ઘરવાળી જુવાન હતી..હા..હા..હા...મને એરું કયડ્યો..હું મરી જ્યો...હવે મારે જીવતું થાવુ સે..મારી ઘરવાળી હાર્યે રે'વું સે..મારા સોકરા માબાપ વગર મોટા થિયા.''

"હા.. ભાઈ.તને એરું કયડ્યો. તું મરી ગયો..કેટલા વર્ષ પહેલાં ?"
બાબાએ પૂછ્યું.ભાભા અને ગોરાણી મા બાબાને જોઈ રહ્યાં હતાં.

"બસ્સો ઓગણ..ભાભાને ખબર્ય જ સે..મને જીવતો કરો.મને કોઈ માણહાનું શરીર આલો.હું ઈ શરીરમાં પરવેસ કરીને જીવીશ.."

"માણહનું શરીર કંઈ દુકાને થોડું મળે છે તે તને લાવી આપીએ.તું હવે એમ કર તારો મોક્ષ કઈ રીતે થાય એ બતાવ.એટલે અમે એ વિધિ કરી નાખીએ.."

"મારે ભૂત મટીને માણહ થાવું સે.
તભાભાભા વગર ઈ કોય કરતા કોય કરી નઈ હકે ઇની મને ખબર્ય સે.અટલે જ હું ઈમને રોજ રોજ ફોન કરીન કનડું છું.."

"તું માણહ તો છો જ ભલામાણહ
હાથે કરીને શુકામ ભૂત થયો છો.
જો ભાભા શ્રાપ આપશે તો તું સાચે જ લખમણિયાનું ભૂત થઈ જઈશ..કોણ છો તું સાચું બોલ નકર હમણાં ભાભા ત્રીજું નેત્ર ખોલશે..આમ તો સમાધિ લગાવીને ભાભા જોઈ પણ શકે છે કે તું છો કોણ ! બોલ સાલ્લા નાલાયક.." બાબાએ ત્રાડ પાડી.

ભૂત બાબાની ત્રાડથી ભડકયું હોય એમ તરત ચૂપ થઈ ગયું.અને ફોન પણ કટ થઈ ગયો.એ જોઈ બાબો હસ્યો.પછી ભાભાને પૂછ્યું,

"તમે કથા વાંચીને ઘેર આવ્યા ત્યારે કરસનના ઓટલે ખરેખર કોણ બેઠું હતું એ તમને ખબર નથી..? શું એ ભૂત હતું ?"

"અરે માણસનો હાથ એટલો લાંબો કેવી રીતે થાય.એણે ઓટલા પર બેઠા બેઠા જ હાથ લાંબો કરીને મારી પાસેથી થેલી આંચકી લીધી.લગભગ દસ ફૂટ તો હાથ લાંબો કર્યો હતો.હું એમ કંઈ બી જાઉં ? ખરેખર એ ભૂત જ હતું..!" ભાભાને એ રાત્રે બનેલી એ ઘટનાનું દ્રશ્ય યાદ આવતા ભયનું લખલખું શરીરમાંથી પસાર થઈ ગયું !

"તો આ ભૂત લખમણિયો છે એ કોણે કહ્યું..?" બાબાને હવે રસ પડવા લાગ્યો.

ભાભા સહેજ હસ્યાં. મીઠાલાલના ઘેર પહોંચીને પોતે જ એ ભૂતને નામ આપી દીધેલું.. કારણ કે લોકો સમક્ષ, એમ ભૂતથી ડરીને પોતે ભાગ્યા નથી પરંતુ પોતે ભૂતને ઓળખી ગયા છે એ બતાવવું જરૂરી હતું.

"એ તો મીઠાલાલને ત્યાં માણસો ભેગા થઈ ગયા એટલે મેં ગપ્પુ મારેલું પણ સાલું હું ઘરે આવીને સૂતો ત્યારથી સચોસાચ એ લખમણિયાનું ભૂત પાછળ પડી ગયું છે."ભાભાએ કહ્યું.

"એ વખતે મીઠાલાલના ઘેર કોણ કોણ હતા."

"ઘણાય હતા.કોણ કોણ હતા એ કહેવું તો મુશ્કેલ.."

"પણ કોઈ એવો માણસ હતો ખરો જેને આપણી પર દાઝ હોય, આપણને હેરાન કરવા માંગતો હોય એવો કોઈ નજરે ચડેલો ?''
બાબાએ જાસૂસની જેમ વાતનું પૂછડું પકડ્યું હતું.

"આપણને કોણ હેરાન કરવા માંગતું હોય ? બેટા આ ગામ તો મને પૂજે છે.આપણો કોઈ દુશ્મન નથી.."

"આપણને જેવું લાગે છે એવું હકીકતમાં હોતું નથી..તમે યાદ કરો.."

ભાભા વિચારમાં પડી ગયા.એકાએક એમને યાદ આવ્યું કે પોતે ભૂતની વાર્તા ઘડી કાઢી ત્યારે ટોળામાંથી કોઈ બોલેલું. કોઈએ શંકા કરેલી.પછી પોતે ખિજાઈને એની બોલતી બંધ કરી દીધી હતી.કોણ હતો એ...કોણ હતો...કોણ હતો...!" ભાભા યાદ કરવા મથી રહ્યાં પણ યાદશક્તિ સાથ આપી રહી નહોતી.

"ચંચિયાને તો આવી બુદ્ધિ નથી..
આ અવાજ પણ એકદમ અજાણ્યો જ છે.ફોન કોઈ ભૂત બૂત કરતું નથી પણ આપડા ગામનો જ કોઈ માણસ તમને હેરાન કરે છે.યાદ કરો તે દિવસે ભૂતની વાત કોણે કોણે સાંભળી હતી ?"

"ઘણાય હતા બેટા, મને યાદ કરવા દે.." કહી ભાભાએ આંખો બંધ કરી.તે રાત્રે મીઠાલાલના ઘેર પોતે યમપુરીમાં આંટો મારવા ગયેલા અને યમરાજાને લખમણિયાના મોક્ષ માટે વિનંતી કરી હોવાનું ગપ્પુ મારેલું.એ વખતે કોઈએ શંકા કરેલી..સાલો કોણ હતો...કોણ હતો..." ભાભાને કેમેય કરીને યાદ આવતું ન હતું.

"કોઈ વાંધો નહીં. તમે યાદ કરવાની કોશિશ કરો.તખુભાના માણસોમાંથી કોઈ હતું ? કોઈ હુકમચંદના ચમચાઓ..પેલો ચંચો..કે હબલો... એ કોઈ હતું ?''

હબાનું નામ સાંભળતા જ ભભાના દિમાગમાં ચમકારો થયો.
"હા હા..એ નલાયક હબલાએ જ મારી વાતમાં શંકા કરેલી અને હું એને બરાબરનો ખીજવાયેલો..હા એ હતો.પણ એ ત્યાં શુકામ આવ્યો હશે ? એનું ઘર તો ગામની બહારના પરામાં છે તો એ નીચ હબલો રાતે બાર વાગ્યે મીઠીયાના ઘરે ક્યાંથી ટપકી પડ્યો હશે..?"

"સારું, હવે તમે સુઈ જાવ પિતાજી..હું એ ભૂતનો મોક્ષ કરી નાખીશ." બાબાએ એક વત્તા એક બરાબર બે કરી નાખ્યું.

"એ નીચ હબલો ફોન કરતો હશે ?" ભાભાને હબા સાથે ઘણીવાર માથાકૂટ થઈ હતી એ યાદ આવ્યું.બાબાએ જે રીતે આ વાતમાં એની બુદ્ધિ ચલાવી એ જોઈ ભાભા ખુશ થઈ ગયા.પોતાનો પુત્ર ખરેખર પરમ જ્ઞાની હોવા વિશે એમને લેશમાત્ર શંકા રહી નહીં !

બાબાને ખ્યાલ આવી ગયો હતો કે ફોન કરનાર કોઈ વ્યક્તિ ગામનો જ છે.એને પણ હબા પર શંકા પડી હતી.

બાબો હવે હબાનો દાવ કેવી રીતે લેવો એની યોજના વિચારતો વિચારતો પથારીમાં પડ્યો.

*

ડો. લાભુ રામાણી આજકાલ બહુ આનંદમાં રહેવા લાગ્યા હતા.
આ ગામમાં આવ્યા એને એકાદ વર્ષ જેવો સમય થઈ ગયો હતો.
એમની જિંદગીના બાગમાં એકાદ ફૂલનો મઘમઘાટ કાયમ રહ્યો હતો.આજ સુધીમાં ઘણા નાના મોટા ફૂલોએ એમનો જીવનબાગ રંગીન બનાવ્યો હતો..!

પણ આ ગામમાં આવ્યા ત્યારથી એમનો બાગ ઉજડે ચમન બની ગયો હતો.એમની ચકળવકળ થતી નજર ચશ્માના જાડા કાચ સોંસરવી કોઈ સ્ત્રીદેહની તપાસ અર્થે અહીંતહીં ઘુમતી રહેતી.લાભુ રામાણી તેલ જોતો અને તેલની ધાર પણ જોતો.લોઢું ગરમ થયા પહેલા ક્યારેય ઘા કરવામાં માનતો નહીં.
સ્ત્રીઓને પટાવવાના અનેક સફળ કિમીયા એના MBBS દિમાગમાં પડ્યા હતા..!

સરકારી દવાખાનામાં પોતાને લાયક માણસ કોઈ હતું નહીં.અને ડોકટર પોદળામાં પગ ન પડી જાય એ બાબતમાં ખૂબ જાગૃત હતો !
આખરે નહિ મામા કરતા કાણો મામો શું ખોટો એમ સમજીને નર્સ ચંપા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

બેઠી દડીની ચંપા શરીરે હૃષ્ટપુષ્ટ હતી.ઉજળોવાન અને ફળદ્રુપ જમીનમાં જામેલી મોલાત જેવી એની કાયા આખરે ડોક્ટરે સંગ કરવા લાયક ગણી હતી ! એ ચંપાનો અવાજ થોડો ઘોઘરો હતો પણ ડોકટરને ક્યાં એની પાસે લતા મંગેશકરના ગીતો ગવડાવવાના હતા.બરવાળાથી એ અપડાઉન કરતી હતી.ડોક્ટરે ધીરે ધીરે પોતાનું કામણ શાસ્ત્ર એ બુઠ્ઠી ધારની છરી જેવી ચંપાને શીખવવાનું શરૂ કરેલું..!

ચંપા દસ ધોરણ સુધી ભણેલી.એનો ઘરવાળો ચમન એને સાવ આંટા વગરનો લાગતો હોવા છતાં એ ચાર છોકરાની મા થઈ ગયેલી.ચમનના બાપને તખુભા સાથે સારાસારી હોવાથી ચંપનો મેળ અહીંના સરકારી દવાખાનામાં પડી ગયેલો. ચંપા આમ પાછી ચબરાક હતી એટલે ડોકટર સાથે રહી રહીને અનુભવે અડધી ડોકટર પણ થઈ ગયેલી.ચંપાને માનવશરીર વિશે અને રોગની દવાઓ વિશે જાણવાની જિજ્ઞાસા ખૂબ રહેતી.
ભવિષ્યમાં પોતે એકલી દવાખાનું ખોલી શકશે એવી મહત્વકાંક્ષા એના અંતરમાં ઉછરી રહી હતી.

ડો.લાભુ રામાણીએ બે મહિના સુધી ચંપાનો અભ્યાસ કર્યા પછી દાણા નાખવાનું શરૂ કર્યું હતું..

સૌ પ્રથમ પોતાની ભવ્યગાથા એમણે ગાવાનું શરૂ કર્યું.કેવા કેવા દર્દીઓને એમણે મોતના મોમાંથી છોડાવેલા, કેવી રીતે ઓપરેશનો કરેલા અને શહેરોમાં પોતાનું કેવડું નામ છે એ કથાઓ એમણે ચંપા સહિત આખા સ્ટાફને કહેવા માંડી હતી !

પોતે આવા મહાન ડોકટર હોવા છતાં આવા ગામમાં આવી પડ્યા એનું કારણ ગરીબ લોકોની સેવા કરવાનો સંકલ્પ હોવાનું કહીને એમણે સ્ટાફનો અહોભાવ અંકે કરેલો. નવરાશના સમયે નાસ્તા પાણી પાછળ થોડા છુટા વાપરીને ઉદારદીલના હોવાનું બતાવી આપેલું.

અમદાવાદથી એમની પત્નીએ કાઢી નાખેલી સાડીઓ અને કચરામાં નાખી દીધેલા મેકઅપના પ્રસાધનો સરસ રીતે પેક કરાવીને ચંપાને ભેટ આપીને "બવ હારા દાગતર" બની ગયા હતા.ધીમે ધીમે વધતા ધૂળના ઢગલાની જેમ ડોક્ટરે ચંપાના અબોટ દિલમાં જગ્યા કરવા માંડી.

ત્યારપછી ક્યારેક ક્યારેક હસી મજાકમાં ચંપાના ગાલ પર ટપલી
મારીને "તું તો ભારે હોશિયાર હો..
આ દવાખાનું તું ન હોય તો એક દી પણ ચાલે નહીં.." એમ કહી ડોકટર ખી ખી ખી કરીને હસી પડતા. ચંપાને પણ એમાં બહુ વાંધા જેવું લાગેલું નહીં. જરીક છૂટછાટ લેવા દેવામાં એને કંઈ નુકસાન હતું નહીં.

એક દિવસ ડોકટર નિમાણું મો કરીને બેઠા.જાણે કે હમણાં જ રડી પડશે.ચંપાએ જોયું તો ડોકટર સાવ ઉદાસ થઈ ગયેલા.

"હાય હાય..કેમ તમે આટલા બધા સીસીયર થઈ ગિયા છો..?'' ચંપાએ ઉતાવળમાં સિરિયસનું સીસીયર કરી નાખ્યું.

ચંપાના મોએ સીસીયર શબ્દ સાંભળીને ડોકટરના સિરિયસ થવાના નાટકમાં ગાબડું પાડતું હાસ્ય એમના ચહેરા પર ફેલાઈ ગયું. પણ તરત જ એ હાસ્ય ઓલવીને રોતલવદને રડમસ અવાજથી ડોકટર ઓચર્યા..

"ચંપા, એમ થાય છે કે આ જીવવું એ શું જીવવું કહેવાતું હશે ? આ દર્દીઓની સેવા કરવાનું કામ પ્રભુએ મને આપ્યું છે એટલે જીવતો રહ્યો છું.નહિતર એમ થાય છે કે એકાદ ઝેરનું ઈન્જેકશન લઈને મરી જાઉં.."

"હાય હાય..સાહેબ જેવા સાહેબ થઈને આવી વાત તે કરાય તમારે ? એવા તે શું દ:ખ પડ્યા છે તે મરી જાવું છે..?" ચંપાએ અવાજમાં સહાનુભૂતિ ભેળવીને ડોકટર પાસે આવીને કહ્યું.

"આ દુનિયામાં ચંપા, આ દુનિયામાં મારું કોઈ નથી. બધા સ્વાર્થના સગા છે.કોઈને હવે મારી જરૂર નથી રહી.અમદાવાદ જવાનું તો મન જ નથી થતું. ચંપા આજ તને એક ખાનગી વાત કહું..પણ જો તું કોઈને કહેતી નહીં હો.."
ડોક્ટરે આંખમાં ઝળઝળિયાં લાવીને ચંપનો હાથ પકડી લીધો બપોરનો સમય હોઈ ડોકટરની કેબિનમાં બીજું કોઈ આવવાનું હતું નહીં.દર્દીઓનો સમય સાંજે 4 થી 7 નો હતો અને હજી બે જ વાગ્યા હતા.

ચંપા પણ ડોકટરને રડતા જોઈ થોડી ઢીલી પડી.વળી ખાનગીવાત પોતાને કહી રહેલા ડોકટર પ્રત્યે થોડી લાગણી પણ થઈ આવી.

"અરે સાહેબ, મારી ઉપર વિશ્વાસ રાખજો.હું કોઈને નહિ કહું.."

"હા ચંપા, તું આ દવાખાનામાં ન હોત તો હું કે દિવસનો ચાલ્યો ગયો હોત.સાચું કહું ટ્રેન આવતી હોય એ વખતે મેં મારી કારને ફાટક વચ્ચે ઘણીવાર ઉભી રાખી દીધી છે.મને એમ થાય છે કે ભલે ટ્રેન મારી ઉપર ફરી વળે..આ શરીરના ટુકડે ટુકડા ભલે થઈ જાય..પણ પછી આ ગામના ગરીબ દર્દીના મોઢા મને દેખાય છે એટલે કાર હાંકી મુકું છું.એકવાર તો ટ્રેન સાવ નજીક આવી ગઈ હતી. એ વખતે મને તું યાદ આવી ગઈ ચંપા..તારું હસતું મોં મને યાદ આવી ગયું.તેં મને બચાવી લીધો..
ચંપા નહિતર આ જીવતરમાં મને હવે કોઈ રસ નથી.. કોની માટે મારે જીવવું..!" કહી ડોકટર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.

ડોકટરને રડતા જોઈ ચંપા પણ ગદગદ થઈ ગઈ.હળવેથી એ ડોકટરની નજીક આવી.

"મરદ જેવા મરદ થઈને રોતા શુ હશો સાહેબ..એવી મરી જવાની મોળી વાતું શું કામ કરો છો વળી."

એ ક્ષણની જ રાહ જોતા હોય એમ ડોકટર ઉભા થઈને ચંપાને વળગી પડ્યા. ચંપાના વક્ષસ્થળ પર માથું મૂકીને વધુ હીબકાં ભરવા માંડ્યા.ચંપા એકાએક ધ્રુજી.આવી રીતે ડોકટર વળગી પડશે એવી એણે ધારણા રાખી નહોતી.પણ રડતા માણસને આશ્વાસન તો આપવું જ પડેને એટલે ચંપાએ ડોકટરના માથે હાથ ફેરવ્યો.

ડોક્ટરે માથું ઊંચું કરીને ચંપાની આંખોમાં જોયું.રડતા ડોકટરને છાના રાખવા ચંપા સહેજ હસી.
બસ થઈ રહ્યું, ડોકટર તો ચંપાને બથ ભરી ગયા..

"ચંપા...ચંપા..આ દુનિયામાં મારુ કોઈ નથી.પણ આજ એમ થાય છે કે એક માણસ તો છે જે મારી કાળજી લે છે..ચંપા તું બહુ સારી છો. આ થાકેલા માણસને જરીક તારા સહારાની જરૂર છે.મારી ઘરવાળી તો મને જોઈને કુતરીની જેમ ભસવા માંડે છે. ચંપા, હું સાવ એવો નાખી દીધા જેવો માણસ છું..? મારી પાસે લાખો રૂપિયા છે પણ કોની માટે ? હેં..એં..એં... ચંપા ? કોની માટે...? ઈમ થાય છે કે તારા જેવી કોક મને સહારો આપીને જીવાડી દે તો મારી બધી મિલકત એના નામે કરી દેવી છે..ભલે બયરી ને છોકરા પછી લઈ લેતા..
ચંપા આજ મને તારી હૂંફ મળી છે..ચંપા તું બહુ સારી છો.."

ડોકટર હજી ચંપાને ચોંટેલા જ હતા. એમણે દાગેલો ગોળો એની અસર બતાવી રહ્યો હતો. પચ્ચીસ સો રૂપિયાની પગારદાર ચંપાના દિમાગમાં ડોકટરના લાખો રૂપિયાએ ધમચકરડી બોલાવવાનું
શરૂ કરી દીધું.ડોકટરની મિલકતમાં ગાડી અને બંગલો એને દેખાવા લાગ્યા. ડોકટરની પત્નીની ઉતરેલી
સાડી પહેરીને વધુ રૂપાળી લાગતી ચંપા તો બંગલા ગાડીની કલ્પનાએ ચડી ગઈ.જાડા ચશ્માવાળો બુઢ્ઢો ડોક્ટર પોતાની છાતીએ વળગીને ઉભો છે એ પણ ભૂલી જવાયું.
લાખો રૂપિયાના ખ્યાલોમાં ખોવાયેલી ચંપાના શરીરનો લાભ લેવાનું ડોક્ટરે શરૂ કરી દીધું.હળવે હળવે ડોક્ટરે ચંપાના ગળે અને ગાલે ચુંબન પણ કરી લીધું !

ચંપા આંખો બંધ કરીને ગાડી બંગલા જોઈ રહી હતી.એના હોઠ પર ડોક્ટરે ધોળી મૂછોવાળા હોઠ મુક્યાં ત્યારે એ ઝબકીને જાગી.

"ચંપા...મારી..ચંપા...તું બહુ સારી છો..મારો એકમાત્ર અધાર તું જ છો.મારું બધું જ હવે તારું છે..
ચંપા તું મને તરછોડતી નહીં. જીવવા માટે આ દુનિયામાં એક માણસનો તો સહારો જોઈએ કે નહીં..હેં..ચંપા...!"

ડોકટરના શબ્દોની માયાજાળમાં ચંપા ફસાઈ ગઈ.કંઈક લાલચ અને કંઈક લાગણી.ડોક્ટરે ચંપા નામનો પ્રદેશ એ બપોરે સર કર્યો હતો.

ચંપાને એમ હતું કે આધેડ એવો ડોકટરને પોતાના શરીર સાથે ઘડીક રમી લેવા દઈશ.અને એનું મોટું વળતર મળશે.ડોકટર બિચારો દુઃખી છે તો એને સહારો આપવાનું પુણ્ય પણ મળશે.પણ એ બિચારીને ખબર નહોતી કે આ ડોકટર લાભુ રામાણી એને પીલીને તેલ કાઢી નાખવાનો હતો !

(ક્રમશ :)

વાચકમિત્રો,

હમણાં મારુ ટાઈમ ટેબલ થોડું ખોરવાઈ ગયું હોવાથી મોજીસ્તાન અને બીજી હાસ્યવાર્તાઓ હું આપ સૌ સમક્ષ નિયમિત આપી શકતો નથી. પણ બહુ જલ્દી હું રેગ્યુલર આપની સેવામાં ઉપસ્થિત થઈ જઈશ. વાંચતા રહો અને મારી વાર્તાઓ આપના મિત્રવર્તુળમાં શેર કરતા રહો..અને હા, સ્ટીકર તો આપી જ રહ્યાં છો. એટલે અમ ફકીરની ઝોળીમાં બે પૈસા પડી રહ્યા છે..😂😂😂

આવતા અંકમાં આપણે હબાનો ભૂત બનવાનો શોખ બાબા પાસે પૂરો કરાવીશું..રણછોડને હોસ્પિટલમાંથી ઉભો કરી દેશું..
અને હુકમચંદ,તખુભા અને વજુશેઠની પણ વાત કરીશું...!
તો મોજીસ્તાનની સફર માણતા રહો..!