Prayshchit - 18 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 18

Featured Books
  • Schoolmates to Soulmates - Part 11

    भाग 11 – school dayनीतू जी तीनो को अच्छे से पढाई करने की और...

  • बजरंग बत्तीसी – समीक्षा व छंद - 1

    बजरंग बत्तीसी के रचनाकार हैं महंत जानकी दास जी । “वह काव्य श...

  • Last Wish

    यह कहानी क्रिकेट मैच से जुड़ी हुई है यह कहानी एक क्रिकेट प्र...

  • मेरा रक्षक - भाग 7

    7. फ़िक्र "तो आप ही हैं रणविजय की नई मेहमान। क्या नाम है आपक...

  • Family No 1

    एपिसोड 1: "घर की सुबह, एक नई शुरुआत"(सुबह का समय है। छोटा सा...

Categories
Share

પ્રાયશ્ચિત - 18

પ્રાયશ્ચિત પ્રકરણ - 18

સાઈટ ઉપર જઈને બંગલાની ડીઝાઈન અને આજુબાજુ ની ગાર્ડન માટે ની વિશાળ જગા જોઈને કેતને સાત નંબર નો બંગલો લેવાનું મનોમન નક્કી કરી દીધું. દરવાજો પૂર્વ તરફ ખુલતો હતો એ પણ એક પ્લસ પોઈન્ટ હતો. એ લોકો ફરીથી બિલ્ડરની ઓફિસમાં આવ્યા.

" જુઓ નીતિનભાઈ સાત નંબર નો બંગલો અમે ફાઇનલ કરી રહ્યા છીએ. આ સાહેબ આપણા જામનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબ ના રિલેટિવ છે અને ભાવ પણ એ રીતે લેવાનો છે. તમે પપ્પા આવે એટલે એમની સાથે વાત કરી દેજો અને ફાઈનલ કિંમત મને ફોન ઉપર કહી દેજો અથવા પપ્પા સાથે વાત કરાવજો. કાલે હું ફુલ પેમેન્ટનો ચેક આપી જઈશ. " જયેશ ઝવેરીએ નિતીનને કહ્યું .

" ભલે સાહેબ હું પપ્પા સાથે તમારી વાત કરાવી દઈશ." નીતિને જયેશભાઇને કહ્યું.

" તમારે બંગલામાં કોઈ ફેરફાર કરાવવો છે ? અત્યારે કામ ચાલુ છે એટલે ફેરફાર થઈ શકશે. " નીતિને કેતનને પૂછ્યું.

" જુઓ કામમાં મારે એકદમ પરફેક્શન જોઈએ. તમે વ્યક્તિગત ધ્યાન આપીને ત્યાં કામ કરાવો. પૈસા તમે કહેશો તે મળી જશે. મકાનની ઇન્ટર્નલ ડિઝાઇન તો બરાબર છે એટલે મારે કોઈ ફેરફાર કરવો નથી પરંતુ સારામાં સારી ટાઇલ્સ તમે વાપરો અને પાઇપલાઇનનું ફીટીંગ ખૂબ જ પરફેક્ટ થવું જોઈએ. બે પાંચ વર્ષે બાથરૂમની દિવાલોમાં ભેજ આવવાની ફરિયાદ ના આવવી જોઈએ. પ્લમ્બિંગ મટીરીયલ પણ મારે બેસ્ટ જોઈએ. તમામ બાથરૂમમાં છેક ઉપર સુધી ટાઇલ્સ લગાવી દેજો. નળ પણ જગુઆર ના જ ફીટ કરજો. " કેતને સૂચના આપી.

" ભલે સાહેબ હું તમારી તમામ સૂચનાઓ નોંધી લઉં છું. કામમાં તમારે કંઈ કહેવું નહીં પડે. છ મહિનામાં પજેશન મળી જશે. " નિતીન બોલ્યો.

" હવે બોલો સાહેબ ઠંડુ ફાવશે કે ગરમ ? ઠંડુ તો અહીં ઓફિસમાંથી જ મળી જશે. ચા ની ઈચ્છા હોય તો બહારથી મંગાવવી પડે. " નીતિને વિવેક કર્યો.

" થેન્ક્યુ નીતિનભાઈ. બસ અત્યારે તો કંઈ ઈચ્છા નથી. તમે ભાવ ફાઇનલ કરી દો એટલે કાલે જયેશભાઈ ચેક આપી જશે. "
કહીને કેતન ઉભો થઇ ગયો.

કેતન અને સુરેશ ઝવેરી બહાર નીકળીને ગાડી જ્યાં પાર્ક કરી હતી ત્યાં આવ્યા.

" ચાલો બંગલાનું કામ પણ સરસ રીતે પતી ગયું. " કેતને જયેશને કહ્યું અને દરવાજો ખોલીને પાછળની સીટ ઉપર બેઠક લીધી.

" ગાડી ને બંગલે જ લઈ લો. હવે આજે કોઈ ખાસ પ્રોગ્રામ નથી. મારે ક્યાંય જવાનું હશે તો તમને ફોન કરી દઈશ " કેતને મનસુખ માલવિયા ને સૂચના આપી.

અને મનસુખે ગાડીને પટેલ કોલોની તરફ લીધી.

" મનસુખભાઈ આવતીકાલે બપોરે બાર વાગ્યે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ જમવા આવવાના છે. એ જમતા હોય ત્યારે તમે જરા પીરસવામાં મદદ કરજો. અને આજે સાંજે છ વાગે આવી જજો. માસીને કદાચ તમારી મદદની જરૂર હોય. માસી કહે એ પ્રમાણે દૂધ પણ લાવવાનું છે. "

" શેઠ તમે કોઈપણ જાતની ચિંતા ના કરો. હું સાંજે પણ આવી જઈશ અને કાલે સવારથી પણ રસોઈની મદદમાં આવી જઈશ. "

અને જયેશને લઈને મનસુખ માલવિયા બાઈક ઉપર રવાના થયો.

કેતને ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે બપોરના સાડા બાર થયા હતા. જમવાનો ટાઈમ થઈ ગયો હતો. એણે દક્ષાબેનને થાળી પીરસવાનું કહ્યું અને પોતે વોશબેસિન જઈ હાથ મોં ધોઈ આવ્યો.

આજે જમવામાં ફૂલકા રોટલી દાળ ભાત અને ભીંડા નું શાક હતું. દક્ષાબેન હંમેશા જ્યારે કેતન જમવા બેસે ત્યારે ગરમાગરમ ફૂલકા રોટલી જ પીરસતાં. ક્યારે પણ રોટલી બનાવીને મૂકી નહીં રાખતાં. બેઉ ટાઈમ ગરમ રસોઈ બનાવતાં અને તે પણ કેતનના જેટલી જ. પોતે ક્યારે પણ અહીં જમતાં નહીં.

" માસી સાંજે મનસુખભાઈ આવે ત્યારે જેટલું પણ દૂધ લાવવાનું હોય એ તમે એને કહી દેજો. બીજો પણ કોઈ નાનો-મોટો સામાન મંગાવવો હોય તો એ પણ એને કહેજો. "

" હા ખાંડ થઈ રહી છે. સાથે પિસ્તા કેસર ચારોળી અને બદામનું પણ હું એને કહી દઈશ. હું આજે લિસ્ટ બનાવી દઈશ. ચા પણ થઇ રહેવા આવી છે" દક્ષાબેને કહ્યું.

જમીને કેતન બેડરૂમમાં આવ્યો. એ.સી. ચાલુ કરી આડો પડ્યો. આજે હવે એને કોઈ કામ નહોતું. મન ફરી પાછું વિચારોમાં ચડી ગયું.

જાનકી ના ગયા પછી ઘરમાં એક ખાલીપો ઉભો થયો હતો. જાનકી નહોતી આવી ત્યાં સુધી તો ખાલીપણાનો આવો કોઈ અનુભવ એને ઘરમાં થતો ન હતો પરંતુ હવે ઘર સૂનું સૂનું લાગતું હતું. જાનકી જાણે કે એનું ચેન છીનવી ને ચાલી ગઇ હતી.

હવે લગ્નનો નિર્ણય તો કરવો જ પડશે. જાનકી ખૂબ જ સારી છોકરી છે. સંસ્કારી અને લાગણીશીલ છે. ઘરનાં પણ બધાં એને પસંદ કરે છે. મારી સાથે લગ્ન કરવાનાં એનાં અરમાન પણ છે. પાંચ વર્ષથી એ મારા પ્રેમમાં છે.

તો બીજી તરફ વેદિકા પણ એટલી જ ખૂબસૂરત છે. તે દિવસે સાંજે એ સ્પેશિયલ મારા માટે સજી-ધજીને તૈયાર થઈ હતી. કોને હા પાડવી કોને ના પાડવી એ બહુ જ મુશ્કેલ સવાલ હતો !!

એ આ બધા વિચારોમાં ગૂંથાયેલો હતો ત્યાં જ એના ઉપર મમ્મી જયાબેન નો ફોન આવ્યો.

" બોલ મમ્મી.. શું વાત છે આજે તો તેં સામેથી ફોન કર્યો !! " કેતન બોલ્યો.

" કેમ મારા દીકરાને ફોન ના કરી શકું ? "

" તારો તો હક છે મમ્મી. બોલ શું હતું ? કારણકે કામ વગર તું સામેથી ફોન ના કરે. હું તને સારી રીતે ઓળખું. " કેતને હસીને કહ્યું.

" બહુ ચાલાક થઈ ગયો છે તું તો ! સાંભળ. હમણાં કલાક પહેલાં તારા પપ્પા ઉપર કાંદીવલીથી સુનિલભાઈ શાહનો ફોન હતો. તું તો એમને ઓળખે જ છે. આપણો ડાયમંડ નો બિઝનેસ મુંબઈમાં એમની સાથે જ ચાલે છે. તું અમેરિકા હતો ત્યારે પણ એમણે એમની દીકરી નિધી માટે માગુ નાખેલું. એ વખતે તો અમે વાત ટાળી દીધેલી કે કેતન ઇન્ડિયા આવે પછી મીટીંગ ગોઠવીશું."

" આજે ફરી ફોન આવ્યો તો તારા પપ્પાએ કહી દીધું કે કેતન તો હવે જામનગર શિફ્ટ થઇ ગયો છે અને ત્યાં હોસ્પિટલ ખોલવાનો છે. ડાયમંડ બિઝનેસમાં એને રસ નથી. તો પણ એમનો આગ્રહ છે કે નિધી સાથે તારી મીટીંગ થાય. હવે બિઝનેસમાં પાર્ટનર જેવા છે એટલે ના તો પડાય નહી. તારે એકાદ વાર સુરત આવવું પડશે અથવા તો પછી મુંબઈ આંટો મારી આવજે. " જયાબેન બોલ્યાં.

" પણ મમ્મી જાનકી તો તમને બધાંને પસંદ જ છે. અને પ્રતાપ અંકલે પણ એમની દીકરી વેદિકા માટે આપણા ઘરે માગુ નાખેલું છે. અમારી તો અહીંયા મિટિંગ પણ થઈ ગઈ. હવે કેટલીક છોકરીઓ જોઉં ? " કેતન બોલ્યો.

" પ્રતાપ અંકલ ના ઘરે તું જઈ આવ્યો ? વેદિકા સાથે મિટિંગ પણ કરી લીધી ? તેં તો અમને કહ્યું પણ નહીં !! " જયાબેન બોલ્યાં.

" મમ્મી હજુ ત્રણ દિવસ પહેલા જ મીટીંગ થઈ છે. અને હું તો અમસ્તો પ્રતાપ અંકલ ના ઘરે ખાલી મળવા ગયેલો. અગાઉથી ફોન કરીને ગયેલો એટલે એ લોકોને એમ કે હું વેદિકા ને સ્પેશિયલ જોવા માટે આવ્યો છું. એટલે વેદિકા સાથે મીટીંગ કરાવી દીધી. મને તો ખબર પણ ન હતી. " કેતને ખુલાસો કર્યો.

" જો દીકરા કુંવારા વરને હજાર કન્યાઓ હોય ! આપણું આટલું સુખી ઘર છે અને તું પાછો અમેરિકા જઈ આવ્યો છે. એટલે આપણને ઓળખતાં પરિવારો પોતાની દીકરી માટે વાત તો નાખે જ ને !! દીકરીનાં માબાપને હંમેશા ચિંતા હોય જ. આપણે મીટિંગ કરી લેવાની. જ્યાં આપણું મન બેસે ત્યાં હા પાડવાની !! હા.. તેં જાનકી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હોય તો અમે બધાંને ના પાડી દઈએ !! બોલ.. "

" ના..ના.. મેં હજુ કોઈ નિર્ણય લીધો નથી મમ્મી. " કેતને સ્પષ્ટતા કરી.

" સારુ.. તો નિધી માટે તું તારી રીતે વિચારી લેજે. સિદ્ધાર્થના મોબાઇલમાં થોડીવારમાં સુનીલભાઈ નિધી ના ફોટા મોકલશે. એટલે સિદ્ધાર્થ તને ફોરવર્ડ કરશે. તું જોઈ લેજે. ચાલ ફોન મૂકું " કહીને જયાબેને ફોન કટ કર્યો.

આ વળી નવી ઉપાધી !! મમ્મીએ આદેશ આપી દીધો એટલે હવે કાં તો સુરત જવું પડશે અથવા તો મુંબઈ !! સુરત જવા કરતાં મુંબઈ જઈને જ નિધી સાથે મિટિંગ કરું એ વધારે સારું રહેશે. - કેતન વિચારી રહ્યો.

ફરી એણે સુવાની તૈયારી કરી ત્યાં એના મોબાઈલમાં સિદ્ધાર્થભાઈ ના નંબર ઉપરથી 3 ફોટોગ્રાફ્સ આવ્યા. એને ખ્યાલ આવી ગયો કે ભાઈએ નિધીના ફોટા મોકલ્યા છે.

કેતને ત્રણે ત્રણ ફોટા ધારી ને જોઈ લીધા. આ છોકરી પણ કંઈ કમ નથી. એકદમ મોડેલ જેવી દેખાય છે. ખરેખર હવે લગ્નનો નિર્ણય લેવો અઘરો બનતો જાય છે.

જે હોય તે ... નસીબમાં જે હશે તે જ આવશે. અને કેતને પડખું ફેરવીને આંખો બંધ કરી લીધી.

એ.સી. ના કારણે એને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. કોઈએ બહારથી ડોરબેલ વગાડી ત્યારે એની આંખ ખુલી. મોબાઈલ માં જોયું તો સાંજના ચાર અને દસ મિનિટ થઈ હતી.

એ ઊભો થયો અને વોશબેસિન પાસે જઈને માં ધોઈ લીધું. માથાના વાળ સરખા કર્યા અને એણે દરવાજો ખોલ્યો તો સામે વેદિકા ઊભી હતી.

" વોટ આ સરપ્રાઈઝ વેદિકા !! "

" બસ આજે તમારાં દર્શન કરવાની ઇચ્છા થઈ એટલે એક્ટિવા લઇને નીકળી પડી. કોલેજથી સીધી જ આવું છું. "

" વેલકમ ! અત્યારે જીન્સ ટીશર્ટમાં સાવ અલગ લાગે છે તું !! " કેતને હસતાં હસતાં કહ્યું.

" તમને ગમ્યું કે નહીં ? મારા માટે તો તમારી ચોઇસ વધારે અગત્યની છે. તમે કહેતા હો તો સાડી પહેરવાનું ચાલુ કરું !! " વેદિકાએ રમતિયાળ શૈલીમાં કહ્યું.

" ઓફ કોર્સ વેદિકા, યુ લુક સો બ્યુટીફૂલ !! તને દરેક ડ્રેસ શોભે છે. " કેતને પ્રશંસા કરતાં કહ્યું.

" મેં તમને મારો મોબાઇલ નંબર આપ્યો છે તેમ છતાં તમે તો બિલકુલ વાત જ નથી કરતા ! રાત્રે તો ચેટિંગ કરી શકાય ને મારા સાહેબ !!" વેદિકા સોફા ઉપર બેઠક લેતા બોલી.

" આપણી વચ્ચે હજુ એક જ મુલાકાત થઇ છે વેદિકા. અને આમ પણ હું બહુ જ શરમાળ છું. તું ધારે છે એટલો હું રોમાન્ટિક પણ નથી. વાતો કરી કરીને છોકરીઓને ઈમ્પ્રેસ કરવાનું મને આવડતું જ નથી. "

" તમારે એવી જરૂર પણ નથી સાહેબ. તમે કંઈ ના બોલો તો પણ છોકરીઓ ઈમ્પ્રેસ થઈ જાય એવું તમારું વ્યક્તિત્વ છે. અને તમે શરમાળ છો એ તો તમારું જમા પાસું છે. મેં તો તમને પસંદ કરી જ લીધા છે. " વેદિકાએ કંઈક લાડભર્યા સ્વરમાં કહ્યું.

" થેન્ક્યુ ફોર કોમ્પ્લીમેન્ટ્સ " કેતને કહ્યું.

" શું લઈશ તું ? ફ્રીજમાં પેપ્સી અને ફેન્ટા છે. ચા બનાવતાં મને આવડતી નથી. "

" મારે કંઈ જ પીવું નથી સાહેબ... તમે શાંતિથી બેસો. આજે તમારો મૂડ હોય તો છ વાગે સાથે પિક્ચર જોવા જઈએ. "

" ફરી કોઈકવાર. આજે નહીં વેદિકા. કાલે અહીંના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબને જમવાનું કહ્યું છે. એટલે સાંજે કેટલીક તૈયારીઓ કરવાની છે. રસોઈવાળા બેન સાંજે છ સાત વાગે આવી જાય છે. મારો ડ્રાઈવર પણ આવી જશે. મારી હાજરી જરૂરી છે આજે " કેતને કહ્યું

" નો ઇસ્યુ જનાબ !! એમાં આટલા બધા ટેન્શનમાં આવી જવાની જરૂર નથી. મેં તો જસ્ટ ટાઈમ પાસ કરવા માટે સજેશન કર્યું." વેદિકા હસીને બોલી.

" તમે પછી કંઈ આગળ વિચાર્યું ? પપ્પા ગઈકાલે જ પૂછતા હતા. "

" મેં તે દિવસે તને કહ્યું હતું એમ તું મને ગમે જ છે વેદિકા . હું નેગેટિવ નથી. પરંતુ લગ્નનો નિર્ણય લેવામાં મને હજુ ચાર છ મહિનાનો સમય લાગશે. અહીં આ પ્રોજેક્ટો મારું સૌથી પહેલું ફોકસ છે. હું અત્યારે એ બધી દોડધામમાં પડેલો છું. " કેતને કહ્યું.

" હું સમજી શકું છું કેતન ! પણ તમને મળી છું ત્યારથી મારુ દિલ તમને દઈ બેઠી છું. ચોવીસ કલાક તમારા જ વિચારોમાં ડૂબેલી રહું છું. સતત તમારો ચહેરો નજર સામે રહે છે. જુઓને હજુ તો ચાર પાંચ દિવસ થયા છે તો પણ તમને મળવા માટે આજે દોડી આવી. " કહેતાં કહેતાં વેદિકાનુ દિલ ભરાઈ આવ્યું. એની આંખોમાં પાણી આવી ગયાં.

કેતન એની સામે જોઈ રહ્યો. જાનકી પણ કંઈક આવું જ કહીને ગઈ.
ક્રમશઃ

અશ્વિન રાવલ. (અમદાવાદ)