MOJISTAN - 19 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 19

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મોજીસ્તાન - 19

મોજીસ્તાન (19)

"ઓહ્ય ઓહ્ય...બાપલીયા...મરી ગયો રે...એ...."

બૂમ પાડીને કાદવકીચડમાં લથબથ થયેલો બાબો ઘરના બારણાંમાં પડ્યો એ જોઈને હમણાં જ સંડાસમાંથી બહાર નીકળેલા તભાભાભા દોડ્યા.

અંદરના ઓરડામાંથી હૈયામાં પડેલી ફાળને કારણે એમને ઉંબરો ઠેકવાનું યાદ રહ્યું નહીં.

ઉંબરો તો ઉતાવળને રોકવા જ બનાવ્યો હોય છે. ઘરમાં પ્રવેશતા કે ઘરમાંથી બહાર નીકળતા દરેકને ઉંબરો પૂછતો હોય છે કે જે કરવા જઈ રહ્યા છો એ બરાબર તો છે ને...! ઉંબરાની અટકાયત કારણ વગરની નથી હોતી. આંધળી દોટ મૂકનારનો પગ ખેંચ્યા વગર એ રહેતો નથી.

તભાભાભાને આમ આજે એકાએક દોટ મૂક્તા જોઈને એ ઉંબરાએ પોતાની ફરજ બજાવી...ભાભાનો જીવથીય વહાલો દીકરો બારણાં આગળ પોક મૂકીને પડ્યો હતો એ આ ઉંબરાએ ગણકાર્યું નહોતું.

ઉંબરાની ઠેસ વાગતા ભાભા પણ ગડથોલિયું ખાઈને છેક બાબા પાસે જઈને પડ્યા...! એ જોઈને ગોરાણી ઉપર આભ તૂટી પડ્યું હોય એમ એમના મોંમાંથી હાયકારો નીકળી ગયો. એ પણ ઉતાવળા પગલે બહાર આવ્યાં.

"ભાભાએ ઉંબરા સામે ડોળા કાઢીને એમનો મરડાઈ ગયેલો અંગૂઠો સીધો કરવા પ્રયત્ન કર્યો. એમને અત્યારે ત્રણ ત્રણ મોરચા સંભાળવાના થયા હતા.

બારણાંમાં પડેલો કાદવકીચડવાળો બાબો, દુઃખતો અંગૂઠો અને પેટમાં આંટીએ ચડેલું મોટું આંતરડું...આ બધા ભાભાને એકસાથે બોલાવી રહ્યા હતા.

હવે, કયો મોરચો પહેલો સંભાળવો એ તાત્કાલિક એમને નક્કી કરવું પડે તેમ હતું. એક ક્ષણમાં નિર્ણય લઈને ભાભા લંગડાતા પગે ઊભા થઈને ફળિયામાં બનાવેલા સંડાસ તરફ ભાગ્યા. સૌથી પહેલું પ્રાધાન્ય એ કામને આપવું જરૂરી હતું, કારણ કે બાબો હવે ઘરે તો આવી જ ગયો હતો...!

ભાભા પોતાની આવી ખરાબ હાલત હોવા છતાં "શું થયું મારા દીકરાને...?" એમ પૂછવાય ઊભા ન રહ્યા એ જોઈને બાબો બરાડી ઉઠ્યો.

"મને કૂતરાં કરડ્યા છે. કોકે પાદરમાં વહેતી ગટરમાં ધક્કો મારીને ગબડાવી દીધો. ડોક્ટરે મને લાફો મારીને કાઢી મૂક્યો..." બાબાએ રડતા રડતા બનેલી ઘટનાઓ ઊંધા ક્રમમાં જણાવી. ભાભા લંગડાતા પગે ભાગી રહ્યા હતા, પણ જતી વખતે તો એમણે ઉંબરાનું ખાસ ધ્યાન રાખ્યું હતું.

"ગોરાણી, જરા જુઓને. આપણા
દીકરા પર આ કેવી આફત આવી છે...એનું ધોતિયું પણ મને નજરે ચડતું નથી...કહે છે કે કૂતરાં કરડ્યા છે...હું આ ગામમાંથી તમામ શ્વાનોનો વિનાશ કરી નાખીશ...પણ અત્યારે મારે...."

આગળનું વાક્ય ભાભા પૂરું પણ કરી શક્યાં નહીં.

ગોરાણીએ બાબા પાસે જઈ એની હાલત જોઈ. તરત જ અંદર જઈ પાણીની ડોલ ભરી લાવ્યા. બરાડા પાડતાં બાબાનું મોં અને હાથપગ ધોઈને એને શાંત પાડ્યો. ઘર આગળ ભેગા થયેલા લોકોમાંથી કોઈએ બનાવની વિગતો આપવા માંડી...

"બાબાકાકા ગામની ગટરમાં ગોથું ખાઈને બજારમાં નીકળ્યા એટલે કૂતરાં વાંહે થ્યા. જો ઈ ધોડ્યા નો હોત તો વાંધો નો આવત પણ કૂતરાં ભંહતાતા અટલે ઈ ભાગ્યા ઈમાં ઓલ્યો કાળિયો વાંહે થિયો..
ઇની હારે બીજા કૂતરાં હોતે વાંહે ધોડીને બેય પગે બટકું ભરી લીધું. બાબાકાકાની પોતડી પણ કૂતરાએ ખેંહી લીધી.
ગોરાણીમાં ઈ તો અમે હારોહાર ધોડીને કૂતરાં ભગાડ્યા નકર આજ બાબાકાકાના લોંશરા (લોચા) કાઢી નાખત. ઈમ કૂતરાં ભાળીને ભાગવાનું નો હોય... હડયકારો કરો અટલે ઈતો વ્યાં જાય...હવે ઝટ નવરાવીને ડોકટર પાંહે લય જાણ નકર હડકવા ઉપડશે હડકવા... "

"અરે...રે...મારા બાબાને આવું કેમ થયું?
બટા... કૂતરાં કરડ્યા તને? દાગતરે શું કામ લાફો માર્યો? લે ચાલ ઝટ અંદર આવીને નાહી લે. તારા બેય પગમાંથી જો લોહી નીકળે છે..અ.. ર..ર..ર...'' કહીને ગોરાણી રડવા લાગ્યાં.

બાબો ઝડપથી ઊભો થયો. એને ભાભાની બગડેલી તબિયતનો ખ્યાલ આવ્યો.

"ચંચિયા તને ને દાગતર લાભુડા...તને... તમને બેયને હું નહીં છોડું...અધમ અને નીચ માણસો...તમે એક બ્રાહ્મણના દીકરા ઉપર કાળો કેર વર્તાવ્યો છે. મને પાછળથી જેણે ધક્કો માર્યો છે એને તો હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ. રૌ રૌ નરકના અધિકારી છો તમે ત્રણેય જણ.. ઘોર અપરાધ કર્યો છે તમે લોકોએ." એમ બબડતો બબડતો બાબો બાથરૂમમાં જતો રહ્યો.

ભાભાએ બહાર આવીને ભેગા થયેલા લોકો પાસેથી વિગતો જાણી. બે જણને સાઇકલ લઈ આવવાની આજ્ઞા કરી.

બાબો નાહીને નીકળ્યો એટલે ગોરાણીએ એના પગના ઘાવ પર હળદર લગાવીને પાટો બાંધી આપ્યો.

છેક સાંજે પેલા બે જણે સાઇકલ પાછળ બેસાડીને ભાભા અને બાબાને સરકારી દવાખાને ભેગા કર્યા.

ગામમાં વાયુવેગે આ દુર્ઘટનાના સમાચાર ફરી વળ્યાં.હબાએ અને ચંચાએ બબ્બે પાન ચડાવ્યા. જાદવો રાજીનો રેડ થઈ ગયો..!

ડો.લાભુ રામાણીને તાત્કાલિક ઉઠાડવામાં આવ્યા.

ભાભાને ડીહાઈડ્રેશન થઈ ગયું હોવાથી ગ્લુકોઝનો બાટલો ચડાવીને ઝાડા બંધની દવા આપવામાં આવી.

બાબો હજી ડોળા કાઢીને એમને તાકી રહ્યો હતો પણ ડોક્ટરને મન દર્દીના વર્તન કરતા એની સારવાર અગત્યની હતી.

બાબાને ડ્રેસિંગ કરી આપવામાં આવ્યું. હડકવાની પ્રતિરોધી રસીનું ઇન્જેક્શન દૂંટી પર આપવામાં આવ્યું ત્યારે ફરીવાર બાબો રાડ પાડી ઉઠ્યો.

"ભાઈ અવતારી પુત્ર..હજી તો આ પહેલું જ ઇન્જેક્શન છે...બેટા આવા હજી બીજા તેર તારી આ કોમળ દૂંટી ફરતે આપવાના છે. આમ તો તું હડકાયા કૂતરાં જેવો જ છો...પણ મારી ફરજ છે એટલે તારી સારવાર કરું છું. હવે પછી જો ક્યારેય મારી ઝપટે ચડ્યો છો ને તો એવો લાફો ઠોકીશ કે તારા જડબામાં એક પણ દાંત નહીં રહે, સમજ્યો...? તારું જ્ઞાન તારી પાસે રાખજે."

ડો.લાભુ રામાણીએ બાબાને ટપલી મારીને સમજાવી દીધો.
મનોમન ગાળો આપતો બાબો ડોક્ટરને ખાઈ જતી નજરે જોઈ રહ્યો હતો પણ ડોકટર એનાથી ડરે એમ નહોતા.

* * * *

તખુભાના ઘરે કથાનો કાર્યક્રમ બંધ રહ્યો હતો, પણ ગોરાણીએ તખુભાની ડેલીમાં ન્યાય માટે ધા નાખી હતી.

"બાપુ, મારા દીકરાને જેણે કાદવમાં પાડી દીધો એને સજા કરો..ડોક્ટરે મારા બાબાને લાફો શું કામ માર્યો એની તપાસ કરો. આ કૂતરાં મારા દીકરાને કરડી ગયા એની પણ તપાસ કરો."

"ઓલ્યું બધું તો ઠીક પણ કૂતરાં કયડયા ઇની શું તપાસ કરવી, ગારો ગારો થઈને ભાગતા બાબા વાંહે કૂતરાં ધોડ્યા... પણ
કૂતરાને ભાળીને ભાગો તો ઈ કયડયા વગર નો રે..હમજયા.." રઘલાએ ધાધર ખંજવાળતા કહ્યું.

રઘલો ટેમુની દુકાનેથી નાસ્તો લીધા વગર આવ્યો એટલે બાપુએ એને ખખડાવ્યો હતો. ધાધર ખંજોળવાની સાવ ના પાડી હતી. છતાંય ગોરાણીની હાજરીમાં એ વલુરવા માંડ્યો એટલે તખુભાની નજર કરડી થઈ.

"તું હાળા ઘર ભેગીનો થા.. જા તારી ધાધરનો ઈલાજ કરાવ. આ ડો. લાભુ રામાણી બહુ સારા દાગતર છે...જા ટાળ્ય અહીંથી."
રઘલો નારાજ થઈને ચાલ્યો ગયો.

કસુંબો બનાવતો જાદવ ક્યારનો ગોરાણી સામે તાકી રહ્યો હતો.
"અલ્યા, જાદવા...એવો કોણ કપાતર પાક્યો સે...બિચારા બામણને વાંહેથી ધક્કો મારીને કાદવમાં પાડી દીધો."
તખુભાએ પૂછ્યું.

"ઈ બાબો કાંઈ ઓછીનો નથી. મારી હાલત એણે જ બગાડી નાખી'તી. ઓલ્યો હરામી ધુડીયો મારું ઘર ભાળી જ્યો...હું તો કયાંયનો નો રીયો...ઈ વખતે તો કોઈ નિયાય કરવા નોતું આયુ..
ગોરાણીમા તમારા છોકરાને સારા સંસ્કાર આપ્યા હોત તો આ દિવસ જોવો નો પડત..જેણે ધક્કો માર્યો હશે એને બિચારાને તમારા છોકરાએ હેરાન કર્યો હશે." જાદવે ડોળા કાઢીને કહ્યું.

"તેં તો નોતો ધક્કો માર્યોને જાદવા..મને તો તારી ઉપર જ શંકા જાય સે." તખુબાપુએ કહ્યું.

"હે તારું નખ્ખોદ જાજો...હે તું આવતા ભવે ઇ કીચડનો કીડો થાજો...હે તને આખા ડિલે કોઢ થાજો...અલ્યા જાદવા તું રક્તપિતમાં સડી સડીને મરજે..."
ગોરાણીએ જાદવને કેટલાય શ્રાપ આપી દીધા.

જાદવો કસુંબાનો વાટકો પછાડીને ઊભો થઇ ગયો.

"બાપુ તમે આમને કંઈક કયો. જીમ ફાવે ઈમ બોલે નઈ.. મેં કાંઈ ઈ બાબલાને ધક્કોબક્કો માર્યો નથી... તમેય શું ભલા માણસ મારી ઉપર શંકા કરો છો."

જાદવો ઊભો થઈને ચાલ્યો ગયો. કથા બંધ રહી એનો એને મનોમન આનંદ હતો.
ગોરાણીએ ઘણો કકળાટ કર્યો. તખુભાએ આશ્વાસન આપીને એમને વિદાય કર્યા.

* * *

સરપંચ હુકમચંદ એમના ધોતિયાને ધોઈને નગીનદાસની ખડકી બહાર નીકળ્યા ત્યારે હબો દુકાનની બહાર ઊભો હતો. ધોળી ડોશી હજી પણ તેલ માટે બરણી ખખડાવતી બેઠી હતી. તમાશો જોવા ભેગા થયેલા ચારપાંચ જણ પલળેલા ધોતિયાને કારણે પહોળા પગે ચાલતા સરપંચને જોઈને હસતા હતા.

"આંય વ્યા આવો...મારી દુકાનમાં ઘડીક પંખા નીચે ઊભા રઈ જાવ.ધોતિયું સુકાઈ જાય એટલે જજો." હબાએ હુકમચંદને બોલાવ્યા.

"હવે તો અલ્યા મને તેલ આલ. હું ચયારની વાટ જોઉં સુ. કોક ઘયડા માણાને આમ હેરાન નો કરવાના હોય... બાપા..એ સર્પસ શાબ...મારો નિયાય કરો ભાઈશાબ." ધોળીડોશી ગાંગરી.

સરપંચ થોડીવાર હબાને અને ધોળી ડોશીને તાકી રહ્યા. હબાની દુકાનમાં ધોતિયું સુકવવાની એમને જરાય ઇચ્છા નહોતી...!

"હવે હું ઘેર જ જતો રહું ભાઈ...
તારી લાગણી બદલ આભાર." કહી એમણે ચાલવા માંડ્યું.

નગીનદાસ એની ખડકીમાં ઊભો હતો.
સરપંચને જતા જોઈ એ બોલ્યો, "સરપંચ સાહેબ, ભૂલચૂક માફ કરજો. હવે હું મારા બયરાને સમજાવી દઈશ...પણ તમે આમ ભીના લૂગડે ઘરે જશો?"

સરપંચે જવાબ આપવાને બદલે ડોળા કાઢીને ચાલવા લાગ્યા. ઊભી બજારે પહોળા પગે ચાલ્યા જતા સરપંચ પાછળ પેલા તમાશો જોવા ભેગા થયેલા ચાર જણ પણ ચાલ્યા. થોડે આગળ જતાં સવજી સામો મળ્યો.

"લે...કેમ સરપંચ સાહેબ? આ ધોતિયું કેમ પલળી ગ્યું..? પાણી બહુ પીવાઈ ગ્યુંતું કે શું? ભલા માણસ ગમે ઇના ઘરે જઈને હળવું થિયાવાયને..હવે તો ઘરે ઘરે સંડાસ બનાવડાવ્યા છે આપણે...આમ તમે સરપંચ થઈને ધોતિયું પ્લાળ્યું?"

સવજીની વાત સાંભળીને પાછળ આવતા પેલા ચાર જણ ખખડયા. બીજા બે જણ પણ ઊભા રહ્યા.

"લે આલે...શું વાત કરો છો..‌.સરપંચે ધોતિયું પ્લાળ્યું?" કહીને એક જણ હસી પડ્યો.

"અલ્યા ભાઈ એમ નથી. હું પંચાયતમાં જતો'તો...." સરપંચ ખુલાસો કરવા જતાં હતાં ત્યાં સવજીએ કહ્યું,

"હા, પણ પંચાયત સુધી પોગી નો હકયા..
ત્યાં વચ્ચે જ..."

"અલ્યા એમ નથી.. હું થોડું નાનું છોકરું છું...? આ ઓલ્યા નગીન...." સરપંચે સવજીને અટકાવતા કહ્યું પણ સવજી સાંભળવા માંગતો નહોતો.

"ઈ નગીનદાસના ઘેર જઈને હળવું થવુતું ઈમને..! પણ ઈનું બયરૂ કપાતર છે...ઈમ ઝટ લઈને બાયણું ખોલ્યું નહીં હોય..ઈ ઉઘાડે ઉઘાડે ત્યાં હુધીમા તો વટાણા વેરાઈ જ્યા ઈમને..."

સરપંચ બનેલી બીના જણાવે એ પહેલાં તો આવતા જતા લોકો એકબીજાને કાનમાં કહેવા લાગ્યા,

"સરપંચ જેવા સરપંચે ધોતિયું પલાળી મૂક્યું...આવડો મોટો માણસ આમ ભરી બજારે ધોતિયામાં પેશાબ કરી મૂકે એ કેવું કહેવાય?"

ટોળુ ભેગું થાય એ પહેલાં સરપંચ તો ઘરભેગા થઈ ગયા. પણ ગામમાં વાત વધીને ત્યાં સુધી પહોંચી કે નગીનદાસની બયરીનો સરપંચે ચાળો કર્યો એમાં નગીનદાસે સરપંચને ઘરમાં પૂરીને એવો માર્યો કે સરપંચને ધોતિયામાં જ ઝાડો પેશાબ થઈ ગયા...!

જે લોકોએ સરપંચને પહોળા પગે ઘર તરફ જતા જોયા હતા એ લોકોએ સાબિતી આપી કે હા અમે સરપંચનું બગડેલું ધોતિયું જોયું'તું. સવજીભાઈએ પૂછ્યુંય હતું પણ સરપંચે સીધા જવાબ નહોતા દીધા..!!

* * *

બાબાને ડો.લાભુ રામાણીએ દૂંટી
ફરતા ચૌદ ઇન્જેક્શન આપ્યા પછી બાબો ચંચાનો ઘડો લાડવો કરવા ઉતાવળો થયો હતો. પોતાના ખાસ દોસ્ત ટેમુ સાથે મળીને ચંચાને મેથીપાક આપવાની યોજના એણે ઘડી હતી.

તખુભા સાવ સાજા થઈ ગયા હતા અને બાબાનું એમના ઘેર સત્યનારાયણની કથા વાંચવા જવાનું પણ નક્કી થયું હતું.

(ક્રમશ :)

વાચકમિત્રો, આવતા અંકમાં આપણે બાબાના મુખે સત્યનારાયણ ભગવાનની કથાનો આસ્વાદ માણીશું... એ કથા દરમ્યાન બાબો જે ભાંગરો વાટવાનો છે એની મોજ પણ લઈશું.

તો વાંચતા રહો અને આપના મિત્ર વર્તુળને પણ લઈ આવો "મોજીસ્તાન"ની સફરે...
😊😊😊

ભરત ચકલાસિયા..
સુરત.