Destruction in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | વિનિપાત

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

વિનિપાત

આટલાં વર્ષે શિલ્પી હીરાધર ! ભાઈ ! તું તો ક્યાંથી હોય ? પણ તારી પ્રાણધારી કૃતિઓએ તો હદ કરી નાખી. એમણે તો તારી વિજયગાથા લલકારી - વડોદરા, પૂના કે દિલ્હીને આંગણે નાહિ - છેક સ્કૉટલેંડમાંથી લીલીછમ ડુંગરમાળાઓમાં.

ઈ.સ. ૧૭૮૩નો સમય હતો.

મરાઠી રાજ્યના છેલ્લા બે મહાપુરુષો - મહાદજી સિંધિયા અને નાના ફડનવીસ - પોતપોતાનું સ્વત્વ જાળવી રહ્યા હતા. મરાઠી સૈનિકોના તેજથી અંગ્રેજો ધ્રૂજતા હતા. હરિપંત ફડકે ને પરશુરામ ભાઉનાં નામ રણક્ષેત્રમાં જાદુઈ અસર ફેલાવતાં. ગુજરાતને આંગણે બેઠેલી અંગ્રેજી સત્તા મહાદજી સિંધિયાને નમતું આપતી હતી.

એ વખતે શિલ્પી હીરાધરની યશકલગી જેવા ડભોઈમાં એક બનાવ બન્યો.

અંગ્રેજો ભરૂચ અને આસપાસનો સઘળો પ્રદેશ ખાલી કરી મહાદજી સિંધિયાના પ્રતિનિધિ ભાસ્કરરાવને સોંપવાની તૈયારી કરી રહ્યા હતા.

ડભોઈ એ વખતે જેમ્સ ફૉર્બસના હાથમાં હતું. કિલ્લા સમારવાની ને રણમાં શોણિત વહેવરાવવાની યુદ્ધવિદ્યા એને વરી હતી, પણ સાથે સાથે છેક સંધ્યા વખતે, પોયણીનો મંદમંદ પરિમલ ડભોઈના સુંદર તળવમાંથી આવતો હોય તે વખતે, અનિમેષ નેન, શિલ્પી હીરાધરની અણમોલ કૃતિઓ જાણે કોઈ સ્વસ્થ પ્રતિમાઓ હોય તેવી, એની નજર સામે તર્યા કરતી - એવી કવિતાદૃષ્ટિ પણ એને વરી હતી. એ યુદ્ધસમયે અવિશ્રાન્ત પરિશ્રમ લેનાર યોદ્ધો હતો, શાંતિ વખતે સૌન્દર્યસૃષ્ટિમાં રાચનારો આત્મા. થોડા સમય પહેલાં ડભોઈના કિલ્લા ફરતી, મરાઠા સવારોની ધજાઓ ફરકી ત્યારે અગ્ન્યસ્ત્ર, કિલ્લામરામત, સુરંગ, તોપો - ને એવું તો કેટલું સાહિત્ય એણે નજર તળેથી કાઢી નાખ્યું હતું-ને જ્યાં યુદ્ધમંત્ર રચાતો હતો ત્યાં ખૂણામાં જ શિલ્પી હીરાધરની પેલી યક્ષકન્યા કેવું સ્મિત કરી રહી હતી !

પણ યુદ્ધના દિવસો આવ્યા, ન આવ્યા, ને ગયા. ડભોઈના કિલ્લાની કૂંચીઓ મહાદજી સિંધિયાના પ્રતિનિધિ ભાસ્કરરાવને સોંપવાનો વખત આવી પહોંચ્યો.

ડભોઈનું મહાજન - બ્રાહ્મણમંડળ - ‘ગોરાસાહેબ’ને મળવા આવ્યું હતું. એ અંગ્રેજ હતો, પણ મરાઠાના સવારોથી કંટાળેલી પ્રજાને એણે શાંતિનો સ્વાદ ચખાડ્યો હતો. એ પ્રાથમિક શાંતિમાં હજી મુડદાંની દુર્ગંધ પેઠી ન હતી.

બ્રાહ્મણો-મહાજનો સૌ આવ્યા. ગોરાએ ધારણ કરેલી રાજનીતિ અને સાચવેલી શાંતિનાં વખાણ થયાં. અને કાંઈક યાદગીરી રૂપે નજરાણું લેવાના આગ્રહ કરવા મંડ્યા.

જેમ્સ ફૉર્બસ શાંત ઊભો રહ્યો. એને ડભોઈ છોડવું ગમતું ન હતું. ડભોઈમાં એની નજરે ગ્રીસ-રોમની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રતિમાઓના કરતાં ચડે એવું કાંઈક હતું. એનું તળાવ, લીલીછમ હરિયાળી, ચડતી ઊતરતી ભોં, મંદ પવનમાં ઝૂલતાં કમળ, શિલ્પી હીરાધરની યક્ષકન્યાઓ, પેલું પૂર્વદ્વાર - એ સઘળું વાતાવરણ એને એની સ્કૉટલેંડની ભૂમિની યાદ આપતું હતું. અત્યારે એ યોદ્ધો મટી ગયો હતો - મુલકી ઑફિસર પણ મટી ગયો હતો. માતા સ્કૉટલેંડનો બાળક બની ગયો હતો. અને - વિખૂટા પડેલા બાળકને - આ ભૂમિનો ખોળો માતાના ખોળા જેવો પ્યારો લાગતો હતો.

માણસને કૃત્રિમ જુસ્સાનો ગુલામ બનાવવામાં ન આવે તો હરેક જગા એને માતાના ખોળા જેવું સાંત્વન આપી શકે છે. પૃથ્વીમાં એવો અખૂટ અમૃતરસ ભર્યો છે. માનવહૃદયમાં એવું સચરાચરના સ્વામીનું પ્રતિબિંબ જળવાઈ રહ્યું છે.

જેમ્સ ફૉર્બસને શાંત જોઈ સૌ બોલ્યા : ‘અમારે કાંઈક ભેટનજરાણું કરવાનું છે. તમારે લેવાનું જ છે. અમારી એટલી યાદી તમારી સાથે રાખો.’

અને મૂલ્યવાન વસ્ત્રો - અમદાવાદી અતલસ ને સૂરતી ગજી નીચે છુપાયેલાં આભૂષણો ચમકવા લાગ્યાં.

જેમ્સ ફૉર્બસે માથું ધુણાવ્યું : મારે એ ન જોઈએ. મારે આવતી કાલે ઊઠીને બીજે દોડવું પડે. અને હું શું કરું ?’

મહાજન ખિન્ન થયું. ગમે તે ઉપાયે ટોપીવાળાને હંમેશાં યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. એમણે ફરી આગ્રહ કર્યો - કાંઈક નિરાશાભરેલા અવાજે, ખિન્ન હૃદયે.

ફૉર્બસે એના આગ્રહમાં રહેલા સત્યનો રણકો પારખ્યો. જરા વાર રહીને તે બોલ્યો :

‘મગાય કે નહિ એ મને ખબર નથી, પણ જો મને ખરેખરી યાદી આપવા માગતા હો તો તમારી પાસે થોડી અમૂલખ ચીજો છે તે આપો.’

‘બોલો સાહેબ ! બોલો, શું આપીએ ?’

‘તમને ધાર્મિક બાધ ન આવે તો જ આપવાની છે હો -’

‘બોલો.’

‘મને મંદિરોના બહારના ખંડિત ભાગમાંથી છેરણછેરણ રખડતી થોડીક મૂર્તિઓ અપાવો અને હીરાદ્વારની બહારની કોતરણીમાંના ખંડિત નમૂનાઓ છે તે લઈ જવાની રજા આપો.’

મહાજનમંડળનો - બ્રાહ્મણમંડળનો - મોટો ભાગ સ્તબ્ધ બની ગયોઃ દિલગીરીથી નહિ, આશ્ચર્યથી. માગી માગીને હીરાદ્વારના ખંડિત નમૂનાઓ જેમના ઉપર બેસીને ડભોઈનો હરકોઈ રખડુ છોકરો, ગામને ગોંદરે ગાયો મૂકવા જતી કેશલી કે મોતડીની મશ્કરી કરી શકતો - એવા ટુકડાઓમાં સાહેબે શું માગ્યું ? એમને મન એ કોયડો થઈ પડ્યો.

તેમનામાંથી મોટેરાઓએ ડોકું ધુણાવ્યું.

‘સાહેબ ! એવું તે કાંઈ અપાય ?’

ગ્લાનિનું એક વાદળ ફૉર્બસના મોં ઉપરથી ચાલ્યું ગયું.

બીજો બોલ્યો : ‘સાહેબ, એવા નમૂના તો તમને જોઈએ એટલા આપીએ, પણ એમાં તમે શું માગ્યું ? કાંઈક બીજું માગો.’

જેમ્સ ફૉર્બસ બોલ્યા નહિ, પણ એના અંતઃકરણમાં જાણે ઝીણીશી લોઢાની મેખ પેસી ગઈ. એણે વ્યાકુળતાથી જરાક પાછું પણ જોયું - ‘શિલ્પી હીરાધરનો મૃતાત્મા આ સાંભળતો તો નહિ હોય નાં ?’ એવું જાણવા.

એટલામાં મહાજનનો અગ્રણી બોલ્યો : ‘ખંડિત મૂર્તિઓ વિશે કાલે સોમેશ્વર શાસ્ત્રીને પૂછી જોઈશું, ને આપને હીરાદ્વારમાંથી જે નમૂનાઓ જોઈએ તે આપશું - પણ એને તમે શું કરશો ? શી રીતે સાચવશો ? એવો મફત પથારો...’

ફૉર્બસ બોલ્યો : ‘બની શકે તો એટલું આપો, બીજું મારે કાંઈ જોઈતું નથી.’

પછી સૌ ગયા.

ધીમેશાંત પગલે જેમ્સ ફૉર્બસ ચાલ્યો ગયો - સતીમાના ચોક તરફ. પિલાજી ગાયકવાડના પુત્ર સયાજીની વિધવા સ્ત્રી ત્યાં સતી થયેલી. ફૉર્બસને એ વાતાવરણ પણ અપૂર્વ લાગતું.

(ર)

તદ્દન એકાંત જીવન ગાળનારો સોમેશ્વર, મહાજનનું ટોળું આંગણે જોઈ સ્તબ્ધ બની ગયો. વાત સાંભળી ત્યારે વધારે સ્તબ્ધ બન્યો.

‘તમે શું ધારો છો ખંડિત મૂર્તિઓ વિશે ? - બીજા નમૂનાઓનું જાણે ઠીક.’ મહાજને પૂછ્યું.

સોમેશ્વરે પોતાની ઝૂંપડીમાં એક ખૂણા તરફ શિલ્પી હીરાધરની એક સુંદર પ્રતિમા રાખી હતી. અંધાધૂંધી અને અશાંતિના સમયમાં આ સાત્ત્વિક બ્રાહ્મણે કેવળ વૃક્ષના આશ્રય નીચે રહીને પોતાનું જ્યોતિષનું ને વૈદકનું જ્ઞાન વધાર્યું હતું. ડભોઈમાં એની પ્રતિષ્ઠા અદ્વિતીય ગણાતી, એની સાત્ત્વિકતા બધાને મન વસી ગઈ હતી. એનો અભિપ્રાય શાસ્ત્રવચન મનાતો. એની ઈતરાજી શાપરૂપ ગણાતી.

મહાજને પૂછ્યું : ‘તમે શું ધારો છો ? ખંડિત મૂર્તિઓ વિધર્મીઓને અપાય ?’

સોમેશ્વર કાંઈ બોલ્યો નહિ. એની નજર ડભોઈ ભણી - જાણે હીરાદ્વાર તરફ જોતી હોય તેમ આકાશમાં મીટ માંડી રહી.

‘જાય, ત્યારે બધું જાય - પેલા ‘મુદ્રારાક્ષસ’માં શ્લોક નથી આવતો? જેમાં રાક્ષસ ગરીબીનું વર્ણન કરે છે : આ દેશ પણ એવી જ રીતે ગરીબ થયો. પછી કોણ રહે ? હવે ખંડિત મૂર્તિઓ પણ ચાલી જશે.’

સોમેશ્વર જાણે સ્વગત બોલી રહ્યો હોય તેમ તેના શબ્દો નીકળ્યા. એ ભાનમાં બોલે છે કે સ્વપ્નમાં તે સમજી નહિ શકવાથી મહાજને ફરી પૂછ્યુંઃ ‘ખંડિત મૂર્તિઓ આપી શકાય ? - જો લેનાર વિદ્યર્મી હોય તો ? એ આપણો પ્રશ્ન છે.’

‘હું એ જ પ્રશ્નનો વિચાર કરું છું. હીરાધરનો દૂર દૂરનો પણ કોઈ સગો છે ? કોઈ સારો સલાટ છે ?’

‘કોઈ નથી. હોય તો જાણમાં નથી. અને એનું આપણે કામ પણ શું છે ? આપણે તો વિધર્મીઓને ખંડિત મૂર્તિઓ અપાય કે નહિ એ વિષયમાં શાસ્ત્રજ્ઞા શી છે એટલું જ જાણવાનું છે.’

‘ત્યારે તમને ખબર છે ? આ પેલી ખૂણામાં પડેલી યક્ષકન્યા હીરાધરની કૃતિ છે. કૃતિ નથી - એની જાણ કે, પ્રાણપ્રતિમા છે. એમાં હીરાધરે મૂંગા પથ્થરને અમર વાણી આપી છે. વેદની ઋચા જેવું પેલું સ્મિત - અને મોહક આરોહઅવરોહ જેવો શરીરનો ત્રિભંગ - તમે એ જુઓ તો ખરા - જાણે હીરાધર હજી ઊભો ઊભો પ્રતિમા નિહાળે છે. એના હાથની શી છટા છે...!’

યક્ષકન્યા જેવી સોમેશ્વર શાસ્ત્રીન પુત્રીએ પાછળના દ્વારથી પ્રવેશ કર્યોઃ ‘પિતાજી ! વળી તમે એવી વાતોએ ચડ્યા કે ? યક્ષકન્યા ને શિલ્પી મહજનના પ્રશ્નનો ઉત્તર આપો ને !’

નાનું છોકરું માનું કહ્યું માને તેમ શાસ્ત્રી શાંત થઈ ગયા. એમની નજર પૃથ્વી પર ચોંટી રહી.

‘ત્યારે વિધર્મીઓને ખંડિત મૂર્તિ આપી શકાય ?’

અગ્રણીએ એ જ પ્રશ્ન ફરી કર્યો.

શાસ્ત્રીજી પાછા તરંગે ચડ્યા : ‘જે રસિકતા જયદેવની બાનીમાં છે, એ જ રસિકતા હીરાધર શિલ્પીમાં છે. એણે પથ્થરમાં કાવ્ય લખ્યાં - હીરાધર!’ શાસ્ત્રી હજી આગળ વધત પણ એટલામાં એમની પુત્રીએ વળી ટકોર કરી : ‘તમે જવાબ નહિ આપો નાં ?’

‘આપું છું, આપું છું. લે, આપું.’

શાસ્ત્રી થોડી વાર શાંત રહ્યા. પછી એમણે ધીમેથી જવાબ વાળ્યો : ‘હીરાધરની આ યક્ષકન્યા - કાલિદાસની અલકાનગરીની જાણે રૂપરેખા હોય તેવી - હું એ ધેનુ રબારણના વાડામાંથી ઉપાડી લાવ્યો છું. સોનેરી રજમાં રત્ન શોધતી એ રૂપમૂર્તિ પાસે બે ગધેડાં ઊભાં હતાં - એકબીજાની સામે જોઈને, કોણ વધારે રૂપાળું છે એવી ચર્ચા કરતાં. અને યક્ષકન્યા પર હીરાધરે જે અણમોલાં અંબર ઓઢાડ્યાં હતાં, તે સઘળાં ગાયના છાણથી લિપાઈ ગયાં હતાં.’

શાસ્ત્રીજી થોડી વાર થોભ્યા : ‘એટલે આ ગોરાને પથરા આપવામાં કાંઈ જ વાંધો નથી...’

‘વાંધો નથી નાં ? - હાસ્તો, ભલે ને, એનો જીવન સંતોષાતો. આપણે બીજા બહુ પડ્યા છે.’ મહાજને કહ્યું.

શાસ્ત્રીજી કાંઈક ખિન્ન અવાજે બોલ્યા : ‘કાંઈ જ વાંધો નથી. કારણ કે એ ગોરો આ પથરાને સાચવશે. કોઈક દિવસ કોઈકને પ્રેરણા પાશે - કોને ખબર છે, શિલ્પી હીરાધરનું દર્શન કરવા કોઈ ને કોઈ આવી ચડશે - આપણે એ ખંડિત મૂર્તિઓને બીજું કાંઈ નહિ - ગધેડાકૂતરાં કરતાં તો સારા હાથમાં સોંપીએ છીએ...’

‘હા, હા, ભલા માણસ. સો વાતની એક વાત - આપણે પથરા નકામા જગ્યા રોકે છે - ગોરાને કામ આવે છે.’

‘પણ એક શરતે...’

‘શી ?’

‘કાલ તમે ત્યાં જાઓ, ત્યારે મને તેડી જજો.’

‘બહુ સારું - ’ હુડુડુડુ મહાજન ઊઠ્યું, અને શાસ્ત્રીજીને નમીને ચાલતું થયું. શાસ્ત્રીજીએ નિર્ણય આપી દીધો હતો. શાસ્ત્રીજીએ બીજું જે કહ્યું એ કોઈ સમજ્યા ન હતા; પણ એની એ વિદ્વત્તાભરેલ વાણી વિશે સૌ સમજ્યેવણસમજ્યે વખાણ કરી રહ્યા હતા.

બીજે દિવસે જેમ્સ ફૉર્બસ શિલ્પી હીરાધરની કૃતિઓ છેલ્લીવેલ્લી જોઈ રહ્યો હતો. હવે એ અહીં કોણ જાણે ક્યારે આવશે એમ જાણીને પૂર્વનું હીરાદ્વાર ફરી ફરી નિહાળી રહ્યો હતો. એક કરતાં એક સરસ એવી કોતરેલી કમાનો - રજપૂતાણીના માથાની મોતીની સેર જેવી મૌક્તિકમાળાઓ જોઈ રહ્યો હતો. જ્યાં નજર કરો ત્યાં નજર ઠરી જાય એવું અજબ આકર્ષણ પથ્થરમાં ભર્યું હતું.

મહાજન આવ્યું. સોમેશ્વર અગ્રસ્થાને હતો.

ફૉર્બસે સૌને આવકાર આપ્યો.

‘અમને બહુ આનંદ થાય છે કે, અમે તમારી માગેલી ભેટ તમને આપી શકીશું. શાસ્ત્રીજીએ કહ્યું છે, વાંધો નથી.’

ફૉર્બસે શાસ્ત્રીજી સામે જોયું. ચતુર અંગ્રેજ તરત સમજી ગયો. આવનાર વ્યક્તિની ધાર્મિકતા પ્રસિદ્ધ હતી. એણે નમન કર્યું.

‘હું આપનો ઘણો ઘણો ઉપકાર માનું છું. મને હીરાદ્વારની આ કમાનોમાં...’

ફૉર્બસ બોલતો અટક્યો. સોમેશ્વર હીરાદ્વાર તરફ એકીનજરે - એવી નજરે- જોઈ રહ્યો હતો કે ફૉર્બસને શબ્દો બોલી, એ વાતાવરણ ભંગ કરવાનું ઠીક ન લાગ્યું.

‘શિલ્પી હીરાધરના ટાંકણામાં, સાહેબ ! સંગીતની રમ્ય પદાવલિ રમતી હશે. તે વિના - પેલી યક્ષકન્યાની કટીમેખલા તો જુઓ - જાણે હમણાં એની સોનેરી ઘૂઘરીનો રણકાર સંભળાશે ! જુઓને - જાણે એના મોં પર એ રણકાર સાંભળવાનો આનંદ પણ છવાઈ રહ્યો છે...’ શાસ્ત્રીજી ચિંતનમાં હોય તેમ અચાનક અટકી ગયા.

‘આપને હીરાધરની સર્વોત્તમ કૃતિ કઈ લાગી છે ?’ ફૉર્બસે પૂછ્યું.

એ સમજી ગયોહતો કે મહાજન કરતાં જુદી જ રીતભાતનો માનવ તેની સામે ઊભો છે. હીરાધર વિશે વાત કરનારો મળ્યો જાણી એને બહુ આનંદ થયો.

‘એની સર્વોત્તમ કૃતિ ?’ શાસ્ત્રીજી ભયંકર શૂન્યતાના પડઘા જેવું હસ્યા. ‘કદાચ, એકાદ ભેંસની ગમાણમાં સચવાઈ રહી હશે ! - હીરાધર ! એ માનવ નહિ હોય. માનવેંદ્ર વિના આવી કૃતિઓ ન બને.’

‘તમે એટલું ન કરો ? આ કૃતિઓને સાચવી રાખવાનો પ્રયાસ ન કરો ?’ ફૉર્બસે પૂછ્યું.

શાસ્ત્રીજી ખિન્ન હૃદયે ફિક્કું હસ્યા : ‘મરણ પામેલી પ્રજાની હરેકેહરેક દૃષ્ટિ હણાઈ ગઈ હોય છે. આંહીં એ પથ્થર ઉપર છોકરાં થૂંકશે - તમે એને લઈ જાઓ - હીરાધરનો કોઈ સમાનધર્મી હજાર વર્ષે પણ જાગશે, તો છેવટે ત્યાંથી આંહી યાત્રા કરવા આવશે. એ કૃતિઓને સાચવવાની કે સમજવાની એક પણ શક્તિ આ જમીનમાં હવે રહી નથી.’

ફૉર્બસ બ્રાહ્મણ સામે જોઈ રહ્યો. એના ઘણા મિત્રોએ પૂનાના પ્રસિદ્ધ નાના ફડનવીસની વાતો એને સંભળાવી હતી. અને બ્રાહ્મણોની બુદ્ધિ પ્રત્યે એને આશ્ચર્ય ઉત્પન્ન થયું હતું. આજે એવા જ વર્ગનો એક સ્વપ્નશીલ એની સામે ઊભો હતો એ જોઈ એને ઘણું આશ્ચર્ય થયું.

‘ત્યારે મારા દિલની એક વાત હું પણ કહી લઉં !’ ફૉર્બસ રહી રહીને બોલ્યો.’

સોમેશ્વરના મોં પર આછું સ્મિત આવ્યું : ‘મને એ ખબર હતી શિલ્પી હીરાધરની કૃતિઓને સમજનારો સામાન્ય જન ન હોય - એટલે જ હું આવ્યો હતો, કે તમારી શી વાત છે એ તો સમજું !’

અત્યાર સુધી મહાજન બાઘાની માફક ઊભું હતું - વાર્તાની એક પણ કડી સમજ્યા વિના - તેમને પણ આશ્ચર્ય થયું. તેમાંના અગ્રણીએ કહ્યું :

‘સાહેબ ! અમારે પણ પૂછવું છે - તમે આ મૂર્તિઓને લઈ જઈને શું કરશો ? એને ક્યાં રાખશો ?’

ફૉર્બસે એક અર્થવાહી દૃષ્ટિ સોમેશ્વર તરફ ફેંકી, સોમેશ્વર પણ જાણે એ જ જાણવા ઉત્સુક હતો એમ જણાયું.

ફૉર્બસે જવાબ વાળ્યો :

‘મારો દેશ અત્યંત રમણીય છે. એના લીલાછમ ડુંગરાની હારમાળામાં મારું નાનું સરખું ગામ જાણે નીલમના હારમાં માણેક જડ્યું હોય એવું અવી રહ્યું છે. એ ગામમાં ડુંગર ઉપર અષ્ટકોણ-કૃતિ બંધાવી એમાં આ મૂર્તિઓ આઠ ખૂણે પધરાવીશ - હીરાદ્વારની કોરતણીના નમૂનાઓ સૌન્દર્યખચિત ઈલિયડની કૃતિ જેવા - ત્યાં શોભી રહેશે. પાસે ઝાડની ઘટા આવી હશે અને તમારા ડભોઈમાં મંદ પવનથી, કમળનો પરિમલ ફેલાય છે, તેમ ત્યાં આવેલ તળાવમાં પણ કમળની નાજુક પાંખડીઓ ચાલી રહેશે. મારી વૃદ્ધાવસ્થા એવા શાંત રમણીય સુંદર સ્થળમાં ગાળવાને અને જ્યાં મારી જુવાની પસાર થઈ રહી છે, એ સ્થળની અનુપમ લાવણ્યવતી કૃતિઓ વચ્ચે મારા થાકેલા જીવનને સમાધિનો આનંદ આપવાને - આ કૃતિઓ હું લઈ જાઉં છું. મારા દેશબાંધવો એ જોશે ને નવાઈ પામશે; સુંદરીઓ એ જોશે અને દિવસો સુધી ભૂલશે નહિ-હું એટલા માટે મારા આ સ્થળનાં સંસ્મરણોની પવિત્ર યાદી તરીકે એમને લઈ જાઉં છું...’ ફૉર્બસ વધારે બોલી શક્યો નહિ. એની નજર સ્ટાનમોરનો ડુંગર નિહાળી રહી હતી.

સોમેશ્વરના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. પોતે હીરાધર શિલ્પીને સમજવા - અનેક સલાટોને સમજાવવા નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો - તે સમજણ એક સહૃદયી પરદેશીને મળી હતી. તે ફૉર્બસ સામે આનંદથી જોઈ રહ્યો.

‘બસ, આટલું જાણવા જ હું આવ્યો હતો. તમારો આત્મા કલાધર હીરાધરને જોઈ શક્યો છે. હું પણ હવે આ સ્થળનો બેચાર દિવસનો મહેમાન છું !’

‘કેમ - કેમ ?’

‘સહ્યાદ્રિની પર્વતમાળા મને બોલાવી રહી છે. કોઈ સલાટ શિલ્પી મળી જાય તો હીરાધરનો જીવનસંદેશ સાચવવા માટે એને કહેવાનું છે. પ્રજાના પ્રાણ હણાઈ ચૂક્યા છે. હવે એની પરાધીનતા એ વર્ષોનો નહિ - દિવસોનો સવાલ છે; પણ હજી જ્યાં હરિપંત ફડકે, પરશુરામ ભાઉ, શ્રીમંત નાના ફડનવીસ વિરાજે છે - જ્યાં સહ્યાદ્રિની પર્વતમાળા શોભી રહી છે - ત્યાં હું એક વખત જવા માગું છું. કદાચ શિલ્પી હીરાધરની સર્વોત્તમમાં સર્વોત્તમ કૃતિ મારી પાસે છે તે લઈને હજી જ્યાં સ્વતંત્રતા છે ત્યાં જઈને એ કોઈને બતાવી દઉં. સ્વતંત્રતા માટે મરી ફીટવાની તમન્ના ન હોય એવી તો કોઈ પણ પ્રજા હીરાધરનો જીવનસંદેશો નહિ જ સમજે; એટલે હું મરી જાઉં તે પહેલાં સ્વતંત્ર ગણાતી પ્રજામાં હીરાધરની એકાદ કૃતિ તો પહોંચાડી દઉં - વધુ સાચવવાની તો મારી તાકાત નથી - વખત છે ત્યાં કોઈ જાણકાર મળે -’

ધીમે પગલે શસ્ત્રીજી ખસવા લાગ્યા. ફૉર્બસ સાદા-વૃદ્ધ-તેજસ્વી શસ્ત્રી તરફ જોઈ રહ્યો, મહાજન તરફ પણ જોઈ રહ્યો. બન્ને વચ્ચેનું અંતર ચતુર અંગ્રેજ કળી ગયો.

‘કદાચ એ આજે જ પૂના વા નીકળશે !’ ફૉર્બસે મહાજનને કહ્યું. ‘ધૂની છે, સાહેબ ! વિદ્વાન છે, પણ ધૂની છે !’ મહાજને જવાબ વાળ્યો.

ફૉર્બસ હીરાદ્વારની અનુપમ કૃતિઓ નિહાળી રહ્યો હતો, અને દૂર દૂર ચાલ્યા જતા તેજસ્વી બ્રાહ્મણના વાંસા પર પડતું સૂર્યનું તેજ અનેક વાણીની વાણી જેવું એક સત્ય જાણે બોલી રહ્યું હતું : ‘પડે છે ત્યારે સઘળું પડે છે !’