Loving in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | પ્રેમાવતી

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પ્રેમાવતી

રાતના નવ વાગે ફોજદારનું ઊંટ ફળીમાં આવીને ઊભું રહ્યું. અમારા એ ઓળખીતા હતા. હમણાં જ નવાસવા નિમાયા હતા. અત્યારે બધા વાળુપાણી કરીને તડાકા મારતા બેઠા હતા, ત્યાં અચાનક જ હબ કરતુંકને ઊંટ આવીને ઊભું રહ્યું. એને ઝોકારવા જતાં એણે ગાંગરી ગાંગરીને ફળીનાં બધાં કૂતરાંને પણ જગડી દીધાં. પછી તો કૂતરાંનો, ગધેડાંનો, ઊંટનો ને ફોજદારનો, એવા ચાર ચાર અવાજમાં અમારી બિચારી ગાય પણ ખીલે ઘાંઘી થઈને ફરવા માંડી.

નવા ફોજદાર બહુ રોફીલા હતા એમ ઘણાને કહેતાં સાંભળ્યા હતા. પણ આટલા બધા જડબતોડ બોલકણા હશે એની તો અમને પણ ખબર ન હતી. એ તો બે મોંએ બેફામ બોલી રહ્યા હતા : ‘રાંડનીને મારને કોરડો, એટલે સખણી ઊભી રે’શે ! દે હજી, સાળીને ! કમજાત ઊભી રે’ સરખી. આંઈ ક્યાં તારા બાપનું ઘર છે ? બેશ ન્યાં. જો, પેલો પાણો પડ્યો, ન્યાં બેશ!’

શું વાત છે એ જાણવ માટે મેં પગરખાં પહેર્યાં, ખોંખારો ખાધો, હાથમાં લાકડી લીધી, ને ઓશરીએથી ઊતરીને એના તરફ ચાલ્યો. મારા હાથમાં હરીકેન ફાનસ હતું. ને તેમાં ટમટમ બળતા દીવના ઝાંખા તેજમાં ઊંટ પાસે ઊભેલા ત્રણ જણ દેખાતા હતા. એક તો ઊંટવાળો હતો. બીજો ફોજદાર હતો. ત્રીજી કોઈક બાઈ હતી. એટલામાં ઊંટની પછવાડે પણ બે ટારડાં આવીને ઊભાં રહ્યાં. આમ આ ચાર-પાંચની સવારીને, એક સાંકડી ઓશરી ને એક નાનકડી કોટડી, એમાં ક્યાં ઉતારો દેવાશે એની મારા મનમાં ચિંતા થઈ રહી હતી. ત્યાં ફોજદારે જ છેટેથી હાકલ કરી : ‘એ બાપા ! તમે તસ્દી ન લેતા. અમારું સાજનમાજન હમણાં ત્યાં અવે છે. અલ્યા, તમે આંહીં ઘોડાં બાંધી દ્યો, ને જાવ ગામમાં, હોટલબોટલ ઉઘાડી હોય ત્યાં પહોંચી જાવ. લ્યો...’ એમ કહીને ફોજદારે એક રૂપિયો તેમના તરફ ફેંક્યો. તેનો ખણખણાટ સંભળાયો.

‘પણ એ અત્યારે ક્યં જશે પૂરણચંદભાઈ ! ભલેને અંહીં બેસતા. બે વાટકા વધુ ઉકાળતાં શું વાર લાગશે ?’

‘ના ના, એ તો બાપા ! અમારું સપાઈભાઈનું એમ જ હાલે. મોઢા આગળ થા ને રાંડની, સાળી ઝોડની પેઠે ઊભી ઊભી સાંભળે છે !’

ફોજદારની ધોલ પેલી બાઈ ઉપર પડી જાત, પણ તે તરત જ આઘી ખસી ગઈ હતી. મારા મનને થયું કે કો’ક બિચારી સપડાણી લાગે છે. કાં છોકરું મૂકી દીધાની વાત હશે અને કાં ભાગવાની વાત હશે. ફોજદારથી આઘે ખસીને, મારા તરફ તે આગળ આવી.

એણે પોતાના મોં આડે જરાક સાડલાનો છેડો ખેંચી લીધો હતો. પણ એનું નાનું, રૂપાળું, શોકભર્યું, ઘાટીલું, જરાક શ્યામ કહેવાય એવું મોં એમાંથી દેખાતું હતું. એની વય જુવાન કહેવાય તેવી હતી. પણ તેના પ્રમાણમાં એનો દેખાવ છોકરી જેવો લાગતો હતો. દીવાના તેજમાં એનું મોં દેખાતાં મને અચાનક કાંઈક સાંભર્યું. મનમાં થયું, આને મેં ક્યાંક દેખી લાગે છે. ક્યાં દેખી છે ને એ કોણ છે એ તો એકદમ યાદ આવ્યું નહિ.

પણ એ સીધી ઓશરીનાં પગથિયાં ઉપર જવાને બદલે જરાક ફંટાઈ. બીજી તરફ અંધારાવાળો ભાગ હતો. ત્યાંથી ઓશરી ઉપર ચડવા માગતી હોય તેમ એ તરફ ગઈ. પણ ક્યારના ધોલ મારવા મટે તલસી રહેલા ફોજદારની ચપળ દૃષ્ટિએ એની હિલચાલ પડતાં જ, એણે તરત એને એક ધોલ લગાવી દીધી : ‘સાળી ! રાંડની, હજી ભાગી જવું છે કાં ? આંહીં પગથિયાં છે, એ નથી દેખતી ?’

ફોજદાર નવાસવા હતા ને પોતાની ધાક બેસરી દેવા માગતા હતા. એટલે એમના કડપ વિષે ઘણી વાતો આવતી હતી, પણ અત્યારે તો એ કેવળ નકામો જ ઘોંઘાટ કરતા જણાતા હતા. એના પ્રમાણમાં તો ગુનેગાર બાઈ ઘણી સલસ ને શાંત દેખાતી હતી.

‘બાઈમણસ છે, ભાઈ !’ મેં કહ્યું : ‘હોય, ભૂલ થઈ જાય. અજાણ્યું રહ્યું નાં ?’

‘અરે ! હોય બાપા ! મને ને તમને બેયને વેચીને ખાય તેવી છે, આ પેમુડી !’

નામ સાંભળતાં મારી યાદદાસ્ત જરાક વધારે સતેજ થઈ ગઈ. મનમાં થયું, પ્રેમવતી - પ્રેમીબાઈ તો અ ન હોય ? લાગે છે તો બરાબર એવી જ. પણ ફોજદારના અવાજે વિચાર વીંખાઈ ગયા : ‘મારા તમારા જેવા કૈંકને હથેળીમાં રમડે એવી છે. એનું નામ જ જુઓને, પ્રેમુડી !’

‘પ્રેમબાઈ, પ્રેમીબાઈ કે પ્રેમાવતી તો નહિ હોય ?’ મેં સહજ જ કહ્યું.

પ્રેમુડી થોડી અગળ ચાલીને થોભી ગયેલી જણાઈ. તેને જરાક જ ડોક ફેરવીને પાછળ મારી તરફ જોયું. એમાં કોઈ ત્રાસિત હરણીની કાતર દૃષ્ટિની ઝાંખી થઈ આવતી હતી. પોતાને આવા સારા નામથી બોલાવનાર આંહીં કોણ નીકળ્યું ? એટલું જાણવા માટે જ જાણે એણે પાછળ જોયું હોય તેમ એણે ડોક તો તરત જ પાછી ફેરવી લીધી. પણ મને થઈ ગયું કે કહો ના કહો, પણ આ તો પેલી પ્રેમાવતીબાઈ જ છે ! પણ એ આંહીં કયાંથી હોય ? જે હશે તે જણાશે, કહીને હું ફાનસ લઈને આગળ થયો. મારી પાછળ ફોજદાર જેને પ્રેમુડી કહેતા હતા તે હતી. પ્રેમુડી પાછળ ફોજદાર આવતા હતા. ફોજદારની પાછળ પટાવાળો આવતો હતો. ઓશરી આવતાં પટાવાળો અદબ વાળીને ત્યાં ઊભો રહી ગયો.

‘મકાજી ! તમે પણ જાઓ, જઈ અવો, જઈ આવવું હોય તો. પાછા આવજો વહેલા. આ સાલ, ભેગું છે નાં ?’

‘હા સા’બ !’ કહીને મકાજી સલામ કરીને ગયો.

ઓશરીમાં એક ત્રણટાંગ ભાંગલ ખુરશી પડી રહેતી એના ઉપર ફોજદાર બેઠા. પછી એમણે પગ લંબાવ્યા. ‘લે તો રાંડની ! આ જોડા કાઢી નાખ !’ ફોજદારે પોતાના જાડા કાળા બૂટ આગળ લંબાવ્યા.

એક પણ શબ્દ બોલ્યા વિના પ્રેમુડી આગળ આવી. પણ તેના મોં ઉપર ફાનસનો પૂર્ણ પ્રકાશ પડતાં જ મારી દૃષ્ટિએ વર્ષો પહેલાં મેં જોયેલી પ્રેમાવતી યાદ આવી ગઈ. એ જ હતી, એમાં હવે શંકા ન રહી.

મારું મન ઊંડું ઊતરી ગયું. પણ એ પ્રેમાવતીએ એવો શું ગુનો કર્યો હોય ? એનો તે દિવસનો મધુર કંઠ, એની અદ્‌ભુત છટા, એની એક અનોખી જ શૈલી - એ બધાં મને સાંભરી આવ્યાં.

એ વખતે હું માસ્તરમાંથી ઈન્સ્પેક્ટર બન્યો હતો. ને નાનકડા સરખા વર્તુળમાં દસ-પંદર ગામઠી ને પ્રાથમિક નિશાળો તપાસવા જતો. નિશાળમાં તો શું તપાસવાનું હોય ? ત્યાં તો છોકરાં ભણતાં હોય ને કાં ધૂળ ઉડાડતાં હોય ! એ જમાનામાં હજી આવી હવા હતી. પણ એ બહાને અઠવાડિયે બેત્રણ દી કોઠો ઘીવાળો થઈ જતો. મારી પહેલાંના બધા સાહેબે ભોજન માટે લાડુનો રિવાજ રાખ્યો હતો, ને એ રિવાજ બદલવવાનું મારે કાંઈ કારણ ન હતું. એવે એક પ્રસંગે વરિયાળી ગામમાં મેં રાત ગાળી હતી. વરિયાળી ગામને પાદર ઘણી સરસ નદી વહે છે. નદી તો એને શું કહેવાય ? પણ સરસ જીવતો વોંકળો છે, ને બારે માસ પાણી રહે છે. એના વેકુરપટમાં હું ને માસ્તર અભેચંદભાઈ બેઠા હતા, ત્યાં ગામમાંથી, બાવાના મંદિર પાસેથી એક મધુર સુરીલા કંઠનો કોઈકનો ત્રિભંગી રાસડો સંભળાયો ને કાન ચમકી ગયા. ગામડાની બૈરીઓ એ ઉપાડે ને સરસ જમાવટ કરે, તો મનને આકર્ષી લે એમાં કાંઈ નવું ન હતું. પણ આ કંઠમાં તો સૂરીલું ગાન બેઠેલું જણાયું. જાણે કોઈક અનોખી શૈલી હોય એવા પલટા આવી રહ્યા હતા. એ વાત તદ્દન જ નવી હતી.

‘બાવાની છોકરી છે, સા’બ ! પ્રેમાબાઈ નામ. એણે બદલાવીને પોતાનું નામ પ્રેમાવતી રાખ્યું છે. પણ આટલા પંથકમાં રસડો એનો. આજ એણે ઉપડાવ્યો લાગે છે. ગામ હમણાં ધોડશે ! જાવું છે આપણે ?’

‘જોઈએ. આપણે આંહીં બીજું શું કામ છે ?’ એટલે તે દિવસે માસ્તર અભેચંદ સાથે આ પ્રેમાવતીનો રાસડો સાંભળ્યો હતો. પણ શું એનો કંઠ હતો? અને શી છટા હતી ?

એવી સરસ છોકરી આજે આવી ફિક્કી, શોકઘેરી, ત્રાસિત હરણી જેવી કેમ બની ગઈ હશે એ એક કોયડો થઈ પડ્યો.

અભેચંદ માસ્તરે તે દિવસે આ પ્રેમાવતીનું થોડું શબ્દચિત્ર આપ્યું હતું, તે પણ હવે મનમાંથી જાગ્યું. ‘પ્રેમાબાઈ આટલામાં સા’બ, ગાણામાં એક ગણાય છે.’ અભેચંદે વાતવાતમાં કહ્યું હતું : ‘એ રાસડો ઉપાડવાની છે એમ ખબર પડે, અને એમાં પણ એણે આ ગાયો એ ત્રિભંગી રાસડો છે એ જાણ થાય, એટલે આ આખો પંથક ગાંડો ગાંડો. સાત સાત ગાઉથી માણસ ટોળે મળે. નવરાત તો ગામ વરિયાળીની. બાકી બધી વાતું. કૈંક ગામવાળા સરસાઈમાં આ ગામને જીતવાને માટે મથામણ કરી છૂટ્યા. કોઈકે તો સંગીતતાલીમની છોકરીઓ પણ ઉતારી, પણ આ પ્રેમાબાઈ, એ એક પંક્તિ બોલે અને હવા ફરી જાય, સા’બ ! એની તોલે કોઈ ન આવે. અને પાછી નજરની એવી કે એની નજરમાંથી એકલો દેવતા ખરે - જો કોઈ એલફેલ બોલી ગ્યો’તો. એવી જોગણ જેવી. પણ બિચારીનાં નસીબ વાંકાં છે ! કોક એવે ઠેકાણે લેખ મંડાણા છે કે અમે તો આંહીં એનો એ નમાલો, વિચિત્ર, તદ્દન મુફલીસ અને પાછો શંકાથી ભરેલો એવો વર જોઈને જ પ્રેમાબાઈના બાપને કહ્યું હતું કે ભાઈ ! આ સંસાર નહિ નભે. આ તમે છોકરીને હાથે કરીને કૂવામાં ઉતારો છો.’

‘પણ પાછો, એ પ્રેમાનો વર આમ તો પ્રેમાબાઈ વિના જાણે જીવવાનો જ ન હોય, એમ ઘેલાં કાઢે. એક વખત અફીણ ઘોળી પીધું, બચી ગયો. એક વખત ફાંસો ખાધો, બચી ગયો. એક વખત ભાગી ગયો, પાછો આવ્યો. એટલે પ્રેમાબાઈ માટેની એની ઘેલછાનો પાર નહિ, નમાલાઈનો પાર નહિ, નબળાઈનો પાર નહિ અને શંકાનો પણ પાર નહિ. અને પાછું પોતાનામાં ઠેકાણું નહિ. અને છતાં મનનો ઘેલો ! ભગવાન આ બાઈ સામું જુએ ને એ ફરી જાય તો... બાકી આ બાઈ, જો કોઈ એની અસલી હવામાં પડી જાય, તો કો’ક રતન-જનેતા થાય એવી છે !’

અભેચંદ માસ્તરે જે વાત કહી હતી તે વાત પૂરેપૂરી યાદમાં અવી ચડી. એક વખત વધારે ઝીણવટથી પ્રેમાવતી તરફ જોયું અને હવે ચોક્કસ ખાતરી થઈ ગઈ. એ જ સુંદર પ્રેમભર્યો ચહેરો ત્યાં હતો. માત્ર સમયના ક્રૂર પ્રહારોથી એમાં હવે શોક દેખાતો હતો. ઉત્સાહને બદલે નિરાધારતા હતી. આંખની તેજકણીમાં ઝેરની છાંટ આવી ગઈ હતી. મોં ઉપરના પ્રેમભર્યા બે પાતળા લાલ હોઠમાં લાલસા બેસી ગઈ હતી. કડવાશ અને તીખાશ, અને જિંદગીની ખારાશ, ત્યાં દેખાતાં હતાં. થાક, નિઃશ્વાસ અને અવિશ્વાસ આવ્યાં હતાં. એક સુંદર આત્માનું આટલાં વર્ષોમાં થયેલું આવું વિચિત્ર પરિવર્તન જોઈને ચકિત થઈ જવાય તેવું હતું. ક્યાં પ્રેમકંઠ ભરેલી ઉત્સાહમૂર્તિ તેજસ્વી પ્રેમાબાઈ - અને ક્યાં આ બેપરવા, જિંદગીથી હાથ ધોઈ બેઠેલી જેવી નફકરી, નફ્ફટ નિર્લજ્જ લાગતી પ્રેમુડી - પેમુડી ? ઓ હો ! માણસ માણસનું શું કરે છે ? પણ અને થયું હશે શું ? મારા મનમાં કૈંક વિચારો ઘોળાવા મંડ્યા. પણ ત્યાં તો ફોજદાર જ અમારી મદદે આવ્યા.

‘તિકુડો નથી ગમતો કાં ? તો રાંડની ! રાજાને ત્યાં જનમ લેવો’તો ને ?’

‘તિકુડો કોણ છે ફોજદારસાહેબ ?’

‘અરે ! આ રાંડનીનો ભાયડો. ત્રિકમભારથી નામ છે. પણ અ રંડનીયે એનું નામ બગાડ્યું છે. તિકુડો ! અને તું ? તું તો પ્રેમાબાઈ પ્રેમાવતી કાં ? અરે ! જા ને સાળી પ્રેમલી ! પેમુડી !’

‘એમ નહિ, એમ નહિ, ફોજદાર સા’બ ! આપણે એને પૂછીએ, કેમ ત્રિકમ ગમતો નથી !’ મેં વાત જાણવા માટે કહ્યું.

‘અરે ! તમેય તે શું મારાભાઈ ! છોકરાંવ ચરાવોને. આવાંને તે પુછતું હશે, કેમ ગમતો નથી ? એની વાતમાં બીજું કાંઈ નો નીકળે. છેવટે નીકળે કે એ નમાલો છે ! ને આ સાળી માલવાળી ! જો ને એની આંખમાં ઝેર કેટલું ભર્યું છે ?’ ફોજદારે બૂટ કાઢી લીધેલો પગ એના માથા ઉપર ઉગામ્યો. પણ એણે પગને હાથમાં પકડી લીધો ને પોતે આઘી ખસી ગઈ. ને ધીમે ધીમે સાડલામાં મોં રાખીને હસવા માંડી !

‘જો તો સાળી નિર્લજ્જ ! આ તો પકડાઈ ગઈ એટલે, નહિતર તિકુડાનું કાસળ કાઢી નાખત ! તમે આને ઓળખતા નથી મારા ભાઈ ! આ તો કોઈ નંગ છે !’

હું હવે રહી શક્યો નહિ. મેં કહ્યું :

‘તમે તો ક્રૂર મશ્કરીમાં એને નંગ કહ્યું છે, ફોજદાર સાહેબ ! પણ એ ખરેખર વીંટીમાં જડાય તેવું મહામૂલ્યવાન નંગ જ છે. એને કોઈ વીંટી ન મળી એ દોષ એનો નથી. તમે એને નથી જાણતા એટલી હું એને ઓળખું છું. મને હવે સાંભર્યું.’

‘એમ ? તમે ક્યાંથી ઓળખો ?’

‘એ છે વરિયાળી ગામની, સાચું ?’

‘હા, છે તો ત્યાંની !’

‘એક જમાનામાં મેં એનો કંઠ સાંભળ્યો છે. સાત સાત ગાઉ ભોમકાથી

માણસો એને સાંભળવા આવતાં ! એના કંઠમાં ફોજદર સા’બ ! એ વખતે પણ મહોબ્બતમાં સરોવર છલકાતાં. ગામ આખું એને વશ હતું.’

‘કોને આને ? આનામાં એવું શું બળ્યું હશે ? ગામ ગાંડું હશે !’

‘અરે ! હોય કાંઈ ? એની તોલે કોઈનો રાસડો અવે નહિ. ફોજદારસાહેબ ! એનો પણ જમાનો હતો. એનું નામ પ્રેમબાઈ પણ નથી, પ્રેમાબાઈ પણ નથી. ખરું નામ તો છે, પ્રેમાવતી.’

‘હેં અલી ? સાચું ?’

પ્રેમાવતી મારી સામે માનથી ને આભારથી જોઈ રહી હતી. તેણે માથું હલાવ્યું.

‘આ પ્રેમાવતીને કોઈ સમજી જ શક્યું નથી, ફોજદારસાહેબ ! આપણે

કોઈ કોઈને સમજતા જ નથી !...’

‘અરે ! પણ મારા સા’બ ! તમે મંડાણા છો, પણ આ કાંઈ બકરાં ચારવાની વાત છે ? રાંડની ક્યાંક પ્રેમ કરી આવી છે. ને હવે માનતી નથી. એ વગે સગે કરી ન નાખે એની આ બધી મોંકાણ છે. નામ કોઈનું આપતી નથી ! આ તમારી પ્રેમાવતી !’

તે પછી એ વખતે વધારે વાત ન થઈ, પણ મેં પ્રેમવતીને જોઈ, તો, એની આટલી, સારી વાત નીકળતાં, એ જાણે વિચારમાં પડી ગઈ હોય તેમ લાગ્યું. એને પોતાને પણ જાણે પોતાના કંઠની સૃષ્ટિ ફરીને સાંભરી આવી હતી ! ઘડીભર પોતે સેંકડોની મેદનીને ડોલાવતી એ વાત એના દિલમાં આવી ગઈ લાગી. એણે ચાનું છાલિયું આવ્યું ત્યારે, ચા લેવા માટે સાડલામાંથી હથ કાઢ્યો. પણ જે હથ, બે ઘડી પહેલાં જ, ફોજદારના પગનું નિશાન ભુલાવવા માટે શરમ વિનાનો જણાયો હતો, તે જ હાથ અત્યારે છાલિયું લેતાં ધ્રૂજતો હતો !

એની આંખમાં કુમળી નેહભરેલી રતાશ આવી ગઈ હતી, અને એમાં આંસુ ચમકતાં હતાં !

‘પ્રેમાવતી કાં ?’ ફોજદારે એનો ક્રૂર ઉપહાસ હજી છોડ્યો ન હતો.

પણ કોણ જાણે કેમ અત્યારે એ નામ સાંભળીને એણે હાથમાંથી છાલિયું નીચે મૂકી દીધું : ‘તમારે બે પાટુ મરવી હોય સા’બ ! તો મારી લ્યો. પણ હવે ઈ નામ છોડી દ્યો ! એ નામ મરી ગયું. મારે ‘કુછ નામ’ નથી. હું તો પેમુડી છું ! નહિતર, આ તમારો ચા પડ્યો !’

‘ઠીક ઠીક હવે પેમુડી ! બહુ ચાગલી થા મા. આ તો માસ્તરભા છે. એની વાતમાં બહુ ધ્યાન ન દેતી !’

પ્રેમાવતીની આંખ જોઈને ફોજદાર પણ પછી ચૂપ થઈ ગયા. તે રાત આખી ત્યાં ઓશરીમાં ચાર-પાંચ ચોકીદારો પડ્યા રહ્યા. ઘરમાં બારણા પાસે પ્રેમાવતીની પથારી કરી, અમે સૌ મોડેથી વાતો કરતા સૂતા. પણ તે આખી રાત મને નિદ્રા તંદ્રા જ રહી.

ચારેક વાગે મને લાગ્યું કે ક્યાંકથી જરા જરા અવાજ આવે છે. અવાજ પણ કોઈ વિચિત્ર જેવો જણાતો હતો. ધ્યાન દઈને સાંભળ્યું. આશ્ચર્યમાં ડૂબી જવાય તેવી વાત હતી. બહુ જ ધીમા, ઘણા જ દબાયેલા, લગભગ પોતાના હોઠમાંથી નીકળેલા શબ્દ પોતાના કાન જ સાંભળે, એટલા બધા દબી દીધેલા મંદ અવાજે, કોઈક પોતાની પથારીમાં ઊંધે મોંએ પડ્યું પડ્યું, જાણે ગાઈ રહ્યું હોય તેવું લગ્યું !

કાન સરવા કરીને બહુ ધ્યાનથી સાંભળ્યું. ખાતરી થઈ કે ગાન કરનાર બીજું કોઈ ન હતું, પ્રેમાવતી જ ગાઈ રહી હતી !

મનમાં થયું કે ફોજદારને જગાડું ને આને પૂરી દેતાં પહેલાં એક વખત મોકળે કંઠે ગાઈ લેવાની છૂટ આપવાની વિનંતી કરું. પણ તેના જડસા સ્વભાવનો પરિચય થઈ ગયો હતો. એટલે વાતને મનમાં જ દબાવી દીધી. પણ અત્યંત ધીમે પગલે જઈને, છેક બારણા પાસે ભીંત સરસા ગોઠવાઈને, પ્રેમાવતીની ગીતમીઠાશ ઝીલવા પ્રયત્ન કર્યો. સુંદર હલકમાં એની ગાવાની શૈલીને, એટલી બધી દબાવી રાખી હતી કે, શબ્દો પકડવામાં મહેનત પડતી હતી.

પણ અચાનક મારા અંતરમાં એક મોટો અવાજ થઈ ગયો. આના પેલા મૂરખ અને શંકાભરેલા નિર્માલ્ય પતિએ એના કોઈ ઉત્સાહને જીવનમાંથી વ્યક્ત જ થવા દીધો લાગતો નથી. આજ એ ઉત્સાહ જાણે રેડી રહ્યો છે !

બીજે દિવસે સવારે તો પ્રેમાવતીને લઈ ગયા. ને ત્યાર પછી તો તેનું શું થયું તે પણ કાંઈ ધ્યાન રહ્યું નહિ.

પણ અચાનક ચાર-છ મહિને એક વખત પાછા ફોજદાર આવી ચડ્યા, ત્યારે મેં એને પૂછ્યું :

‘પેલી પ્રેમાવતીનું પછી શું થયું સા’બ ?’

‘કઈ પ્રેમાવતી ?’

‘કેમ તમે તે દિવસે આવ્યા હતા - પેલી બાઈને લઈને...’

‘અરે ! હાં પેલી પેમુડી... એ તો રાંડની હાથે કરીને મરી ગઈ..!’

‘હેં ! શું કહો છો ? શું થયું એને ?’

‘અરે ! સપાઈભાઈ તે નામ કઢાવ્યા વિના રહે ? ચૌદમું રતન ન દીધું હોય ત્યાં સુધી બધાંય વાયડાં થાય. આ એણેય નામ આપ્યું. અમારે કાંઈ બીજું કરવું નો’તું. પણ એવાં નામ તો ‘બેરર ચેક’ જેવાં. એટલે અમે એનો ઉપયોગ કર્યો. પણ સાળો એ તો સાવ માખણનો આદમી નીકળ્યો. પોચો પચ. આ એમાં ને એમાં ગળે ફાંસો ખાઈને મરી ગયો !’

‘અરર !’

‘શું મારા ભાઈ ! માણસ સાળાં મજબૂત મનનાં પણ હવે નથી રહ્યાં. નહિતર આમાં શું ફાંસો ખાવાનો હતો ?’

‘પણ પ્રેમાવતીનું શું થયું ?’

‘એને આ ખબર પડી ગઈ. પછી એનું એના મનમાં શું થયું એ તો ભગવાન જાણે, પણ એય સાળી હાથે કરીને ગઈ !’

‘ફાંસો ખાધો ?’

‘ના, ઝેર લીધું. એ તો ઠીક, એ લાગની હતી. પણ હસવા જેવી વાત તો હવે આવે છે. એનો પેલો નમાલો ધણી ખરો નાં, એ ય સાળો મરવા તૈયાર થઈ ગ્યો તો ! પછી રહી ગ્યો, એટલું ઠીક થ્યું !’

‘અરર ! તો તો ત્રણ જીવ આમાં જાત !’

‘અરે ! એવા તો કેટલય જાતા અમે જોઈએ છીએ. લ્યો, હવે ચા થઈ હોય તો લાવો, પછી મારે જવું છે !’

હું ચા લેવા તો અંદર ગયો, પણ મને મનમાં કાંઈનું કાંઈ થઈ જતું હતું. આ માણસને પ્રેમાવતી જેવા રસભરેલા કંઠની પણ કોઈ દિવસ અસર થઈ નહિ - અને એક અરેરાટી પણ કોઈના મૃત્યુ માટે અવી નહિ. એનું શું કારણ ?

મનમાંથી જ જવાબ મળ્યો : ‘એનું જે કારણ છે તે જ બધી વાતનું બધે ઠેકાણે કારણ છે. ઉપરથી નીચે સુધી - નીચેથી છેક ઉપર સુધી કોઈ કોઈને સમજતું નથી. સમજવા માગતું પણ નથી. અને ભયંકર કરુણતા તો આ છે, કોઈ પોતાને પણ સમજતું નથી.’

હું ચા લઈને બહાર અવ્યો, પણ ત્યાં ફોજદાર પોતાની સામે બેઠેલા એક માણસને બતાવીને બોલ્યા : ‘ઓળખો છો આ ભાઈને ?’

ફોજદાર સામે હમણાં જ આવીને બેસી ગયેલા એક જુવાન માણસને મેં ત્યાં જોયો. પણ એને જોતાં જ કોણ જાણે કેમ મનમાં એક પ્રકારની ત્યાંથી એકદમ જ ભાગી જવાની, લાગણી થઈ આવી. એની સામે જોઈ જ રહ્યો. પીળો, લાંબો, સુક્કો, પ્રાણ વિનાનો એનો ચહેરો હતો. એમાં એવી જ પ્રાણ વિનાની, જરાક સાંકડી, રતાશભરી પણ ખંધી, ડરપોક, બે માંજરી આંખો દેખાતી હતી. એના જાડા, ટુકડા બરછટ વાળ, નેણ, જોવાની રીત, એમાં એક આંખ ઝીણી હતી, નાકનું એક ફોરણું મોટું હતું. એક નાનું લાગતું હતું. કઢંગું, પાતળું, નમાલું શરીર. એવાં જ નમાલાં એનાં કપડાં. સમગ્ર દેખાવમાંથી કોઈક અવિશ્વાસુ મુડદા જેવા નિર્માલ્ય માણસની છાપ ઊભી થતી હતી.

મેં ચાનો પ્યાલો ફોજદાર પાસે ધર્યો : ‘કોણ એ ભાઈ ? ક્યાંય જોયા નથી !’

‘આ ભાઈ, તમારી પ્રેમાવતીના વર- તિકમભારથી !’

‘અ... ?’

બોલ્યા પછી તો થયું કે આ મડદા જેવો આદમી ફરીને કોઈ દી જમનારાભરમાં જોવા ન મળે તો સારું. એના શરીર ઉપર ગમે ત્યાં દૃષ્ટિ કરો ને, એક વિચિત્ર, કઢંગી, સાવ પ્રાણહીન, નિર્માલ્યતાની છાપ ઊભી થતી હતી.

હું એના માટે પ્યાલો લેવા અંદર ગયો, પણ જ્યાં બહાર આવ્યો ત્યાં એ ત્યાં ન હતો.

‘એ તો ગયો !’ ફોજદારે કહ્યું : ‘મારું જરાક કામ હતું એટલે આવ્યો’તો !’

‘પણ આ માણસ... આ મડદાને, તમે માણસ કહો છો ?...’

પછી તો હું વધુ બોલી શક્યો નહિ. ચા પીને ફોજદાર તો ચાલતા થઈ ગયા.

પછી મારા મનમાંથી ક્યાંય સુધી એની કઢંગી, વિચિત્ર, અવિશ્વાસુ માંજરી આંખો ખસી નહિ. પ્રેમાવતીનો આપઘાત હવે સમજાઈ ગયો. પણ એણે વહેલો કેમ આપઘાત નહિ કર્યો હોય, એ જ હવે એક મોટો કોયડો થઈ પડ્યો ! આ માણસ, જેની સાથે બે ક્ષણ પણ ન જાય, તેની સાથે એણે...

પ્રેમાવતીનું અત્યંત કરુણ રુદન... જાણે આકાશમાંથી આવતું સંભળાતું હતું !