Mirani in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | મીરાંણી

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

મીરાંણી

અસ્ત પામી ગયેલા દરબારી ઠાઠમાઠોમાં ગવૈયા કે રાજગાયકની પેઠે જ કોઈ કોઈ નાની મોટી ઠકરાતોમાં, ‘મીર’ નામની ગવૈયાની એક જાત પણ રહેતી. એ જમાનાની એક વાત આજે સાંભરી આવી છે. એવી એક ઠકરાતમાં દરબાર ભરાયો હતો. જ્યારે નવા મીરે પોતાના કર્કશ અવાજે દરબારમાં ગાણું ઉપાડ્યું, ત્યારે ત્યાં ભેગી થયેલી મેદનીના કણબી, વેપારી, નોકરી, વસવાયાં, જેમાંના કોઈને ગાણાંની કે સારંગીની કાંઈ જ સમજ ન હતી, તે પણ દરબારના જૂના, મરી ગયેલા મીરની પ્રશંસામાં બેચાર શબ્દો બોલ્યા વિના રહી શક્યા નહિ. સૌને લાગ્યું કે એ જૂનો મીર ક્યાંય થાવો નથી. એની પાસે ગજબનું ગળું હતું. એની મીઠાશ પણ અજબની હતી. સમો સાચવવાની એની સમજણ પણ ભારે હતી. એ સમજતો કે દરબાર ભરાયો છે તે અમુક પ્રસંગને લગતો છે, માટે અમુક જાતનું ગાણું શોભશે. સમય સાચવવાની આ કલા એ તો એ મીરની જ !

નવા મીરમાં એમાંનું કાંઈ મળે નહિ. કહેવાય કે દરબારમાં મીર ગાય છે, બાકી એના ગાવામાં કાંઈ શકરવાર મળે નહિ. જૂનો મીર કોણ જાણે શું થયું તે, એક રાતમાં જ ઊપડી ગયો હતો. એનો વાસ પણ એવા વિચિત્ર અને રંગબેરંગી પાડોશમાં હતો કે એ ઊપડી ગયાની વાત પણ થોડીક ચર્ચા પામીને, પછી ભોંયમાં જ દટાઈ ગઈ. ન કોઈએ એની તપાસ કરી. ન કોઈએ ભાવ પૂછ્યો. કોઈ એકાદ સિપાઈ એક દિવસ ફરક્યો હતો ખરો. પણ એમ તો મીરની વહુ મીરાંણી જબરી હતી. એની આંખમાં વિવિધ પ્રકારનાં ઝેર રહેતાં. એમાં પ્રેમનું ઝેર હતું, અને ધિક્કારનું ઝેર પણ હતું. કુશંકાનું ઝેર પણ રહેતું, અને વિષયલાલસાની વિષકૂંપી પણ રહેતી. એમાંથી કયે વખતે કેટલું ઝેર કાઢવું એ વાતમાં કોઈ એને ન પહોંચે. એ હસે ત્યારે એમાં ઝેર હોય, ને રુએ ત્યારે પણ ઝેર હોય. બોલે તે વખતે ઝેર હોય અને પ્રેમ કરે ત્યારે તો હળાહળ હોય ! આવી એ અનોખા પ્રકારની નારી હતી.

એવી ડંખીલી, ઝેરીલી, કુશંકાથી ભરેલી નારીને પામીને બિચારો મીર પણ હેરાન થઈ ગયો હતો. સારું હતું કે વંશપરંપરાગત પોતાની બાપદાદાની સારંગીનો એ દોસ્ત હતો. ગવૈયો હતો અલબત્ત એ ન હતો, પણ કાંઈક ઘેલો ગાયક તો ચોક્કસ હતો. એને વારસામાં જૂની નોકરી મળી હતી. એક ખોરડું રહેવા મળ્યું હતું. અને ખળાટાણે ‘મીરની ઉપની’ એ નામથી, થોડીઘણી દાણાદૂણીની ખંડણી મળતી. આમાંથી એના બાર મહિનાના રોટલા નીકળી જતા. અવારનવારની દરબારી નવાજેશમાંથી કપડાં થઈ જતાં. એને કાંઈ સંતાન હતું નહિ, અને મીરાંણી સંતાનની માા થવાની શક્તિ કે યોગ્યતા કાંઈ લાવી પણ ન હતી. આથી સંતાનની - વારસાની આશા પણ એણે રાખી નહોતી. એણે પોતાના મનને એમ મનાવી લીધું હતું કે ભગવાનની મરજી પ્રમાણે બધું થાય. એટલે દોસ્ત જેવી પોતાની જૂની સારંગીની સારવારમાં એ દિવસ અને રાત ગાળતો રહેતો. દોસ્ત જેવી સારંગી એને ઠીક મળી ગઈ હતી, નહિતર આ મીરાંણી એને ભારે પડી જાત.

મીરાંણીને પણ બન્ને પગે ખરજવાં હતાં. એટલે એ પણ ઘણુંખરું ખરજવાની માવજતમાં રહેતી. પણ એ ખરજવા સિવાય મીરાંણી બીજી બધી રીતે, ત્યાં રહેનારા ચિત્રવિચિત્ર પડોશીઓ બોલતા તેમ, ‘ઈશકની અસલ પ્યાલી’ જેવી લાગતી. એના આંખના ઝેરની પેઠે જ, એના ઈશકમાં પણ વિચિત્રતાઓ ઓછી ન હતી. એનો ઈશક ક્યારે વિફરશે ને ક્યારે ફનાફાતિયાકરી નાખશે તે કહેવાય નહિ.

એ ગમે તેમ હો, એમ હો કે ન હો, એ જાણે દૃષ્ટિભેદનો પ્રશ્ન હોઈ શકે, પણ મીરને ત્યાં એનો કોઈ દૂરદૂરનો સગો વખાનો માર્યો આવી ચડ્યો ને એ પણ સારંગી બજાવતો ને ગાતો, અને બીજે ક્યાંક ઠેકાણું ન હતું, એટલે એ પણ ‘અઠે દ્વારકાં’ કરીને મીરને ત્યાં રહી ગયો, ત્યારે એ મુફલિસ માણસને તો આ ‘ઈશકની અસલ પ્યાલી’એ જ જરૂર ભૂરકી નાખી, એમ પાડોશીઓ બોલતાં. જોકે ત્યાં પાડોશીઓમાં બીજું કોણ હતું ? એક તો કંકાળી ભાટ જેવો વાઘરી હતો. એની છોકરી જીથુડીને એ માગવા મોકલતો અને પોતે ઘેર બેઠો ખાવાનું જોર રાખતો. બીજો એક પીંજરો હતો. તે ભાગ્યે જ દિવસનો અરધો કલાક પણ શાંત રહેતો. એને કજિયો જોઈએ જ જોઈએ. કજિયો એને માટે વ્યસન જેવો થઈ ગયો હતો. એક ભરવાડ હતો. એ બોકડાઓને પાંજરાપોળે મોકલતો પણ ઊંટડીનાં દૂધને સિફતથી ભેંસના દૂધમાં ભેળવીને ચલાવી દેતો. બેત્રણ બ્રાહ્મણ હશે. પણ એ બિચારા તો સવારના સાતથી બપોરના બે સુધી લોટ માગતા, અને ત્રણ વાગે બે રોટલા ભેગા ભાંગે તેમ જમવા બેસતા. બીજા તો ત્યાં ખાંટ, કોળી અને ભવાયા હતા. આઘે લવારિયાં પડ્યાં રહેતાં. કંકુડી નામની એક કોઈક વિધવા હતી. એ પણ ગજબની હતી. પાડોશનું ઘણુંખરું સમાચારપત્ર એ જ ચલાવતી. કોઈ પણ ભૂખડીબારસ, લેભાગુ વર્તમાનપત્રના ખબરપત્રી થવાની યોગ્યતા એનામાં હતી. બીજાને જે વાતની ગંધ પણ ન હોય, તે વાતની આ કંકુડી પાસે કટીબદ્ધ અખી ઈતિહાસવાર્તા હોય ! ઈતિહાસ બન્યો ન હોય તો એણે રચ્યો હોય. પણ એની પાસે આખા પાડોશની ઝીણામાં ઝીણી બાતમી હોય. એટલે ખરી રીતે ત્યાં આ મીરાંણી ને આ કંકુડી - એ બે કરતાં-કરાવતાં હતાં.

મીરના મરણસમયે આ કંકુડીએ જ સૌને કાન કરડતા કરી મૂક્યા હતા. એને સત્તાવાર સમાચાર પ્રગટ કર્યા હતા કે ‘કહો-ન કહો પણ આ કાળો કામો છે રાંડ મીરાંણીનો ! મારી વાલી ગાજરનાં બી પણ વાપરી જાણે, ને ધતૂરાનાં બી પણ વાપરી જાણે ! એણે મીરને રાતોરાત ભરખી લીધો છે.’

એ ગમે તેમ હો, પણ બેચાર દી સૌએ કાન કરડ્યા. ને પછી વાત ભોંમાં ભંડારાઈ ગઈ. મીરાંણી સામે જાહેરમાં બહુ ઊહાપોહ કરવાની એ પાડોશીઓમાં શક્તિ ન હતી, એટલે વાત દટાઈ ગઈ. પણ ત્યારથી મીરાંણી ને કંકુડી બે સામસામાં થયાં ને એકને ત્યાં કાંકરી ખરે તો બીજું ધ્યાન રાખે એવી વાત થઈ ગઈ.

નવો મીર ત્યાં રહેવા લાગ્યો હતો... એને ગાતાં આવડતું ને એ સારંગી પણ વગાડી જાણતો. એટલે એ ધીમે ધીમે જૂના મીરની જગ્યાએ ગોઠવાઈ ગયો.

(ર)

મીરાંણીને ભગવાને એક આંખમાં જો ઝેર આપ્યું હતું, તો બીજી આંખમાં કુશંકા પણ આપી હતી. અને એનું મન ? એના મનમાં કુશંકા જન્મી એટલે એનો ખેલ ખલાસ ! એ કોઈ દી પછી જીવતો જાય નહિ. અને મીરાંણી પણ એવી કે એનો તાગ લીધે જ છૂટકો કરે. આ નવા મીરને એ એક વાર કંકુડીના ઘર તરફ જતો જોઈ ગઈ. ત્યારે એ જ દિવસથી એ નવા મીરના પણ દિવસ ગણાવા માંડ્યા હતા.

પણ એમ તો એ મીરાંણી હતી. રાજરમતની જાણકાર હતી. રાહ જોઈ શકતી હતી. એકાદ વરસ ગયું ને નવો મીર પણ અચાનક જ ઊપડી ગયો ! બરાબર જૂના મીરની પેઠે જ. એ પણ એક રાતમાં જ ગયો હતો. રાતે સૂતો તે સૂતો. પણ આ વખતે એક નવી નવાઈની વાત બની. પેલું સમાચારપત્ર તદ્દન શાંત હતું.

કંકુડીને શાંત જોઈને ઘણાંને નવાઈ લાગી. પણ કંકાળી ભાટ જેવા પેલા વાઘરીની છોકરી જીથુડીએ સમાચાર આપ્યા. ‘કંકુડીમા હવે બોલે તેમ નથી તો ! ક્યાંથી બોલે ?’ અને પછી સાંભળનારના કાન પાસે જઈને એ ધીમેથી ઉમેરતી : ‘બોલી શકે તેમ નથી. એના પેટમાં પાણો પડ્યો છે ! એટલા માટે મોંએ દોઢ હાથનું બાંધ્યું છે !’

‘પણ વાત કોની છે ?’ પૂછનાર પૂછતું.

જીથુડી કહેતી : ‘ભગવાન જાણે કોની ? પણ બીજા કોની હોય ? આટલામાં જ કોકનો કામો હશે. કાંઈ કોઈ મલક ઊતરીને થોડો જ આંહીં આવ્યો હશે ? આંહીં એવાં શાં રતન પડ્યાં’તાં ? આ છેવાડી વાઘરવાડમાં!’

આંહીં આ પાડોશમાં જ્યાં જીવનમાં બીજો કોઈ રસ ન હતો ત્યાં જીથુડીની આ વાતે હવાને ઠીકઠીક સમય જાગતી રાખી.

પણ નવા મીરની વાત ધીમે ધીમે દટાઈ ગઈ. અને એ વાતને ઠીક ઠીક સમય વીતી ગયો.

(૩)

એક વખત ભાદરવા મહિનાની ઘોર અંધારી રાત હતી. આ વખતે વરસાદે જાણે ભાદરવાને આષાઢી મેઘ આપ્યો હોય એમ લાગતું હતું. વીજળી આકાશને એક પળની પણ નિરાંત લેવા દેતી ન હતી. ધીમો પણ એકધારો વરસાદ વરસી રહ્યો હતો. જાણે આઘુંપાછું જોય વિના વરસાદમાં જ એ માનતો ન હોય !

એ વખતે મીરાંણી એકલી પોતાની ખડકી વાસીને પથારીમાં પડી પડી જે બે મીર ગયા હતા તેના વિચાર કરી રહી હતી. એ હવે એકલી હતી. ખરજવાને લીધે અપંગ જેવી હતી. જૂનો મીર હતો ત્યારે ઠીક હતું કે એ સારંગી સંભાળતો તો પોતે બેઠી ખરજવું સંભાળતી. યાંત્રિક રીતે ચા તૈયાર કરતી. બપોર પછી ચાર પાંચ વાગે એક છાલિયું ચા મીરને આપવા જતી, ત્યારે એટલો વખત એને ઘર ને જીવન બન્ને સજીવન બની જતાં જણાતાં. આટલો નાનકડો નિત્યનો ક્રમ, એને ખબર ન હતી પણ, એને જિવાડી રહ્યો હતો ! એમાં આનંદ હતો, જીવન હતું, ઉષ્મા હતી. આજે એ જૂના મીરની યાદી આવતાં એ વાત એને સમજાણી. ઘણી વખત જીવનમાં એક પળે જે એક નાની વસ્તુ કાંઈ જ હોતી નથી, તે વસ્તુ જ પાછળથી અમૂલ્ય થઈ રહે છે ! સંસ્મરણો એ જીવનનો અમૃતસ્ત્રોત છે. નવો મીર આવ્યો ત્યારે પણ એ જ ક્રમ વડે એ જીવી રહી હતી.

પણ બન્ને મીરને વિદાય કર્યા પછી હવે એને આ એકલતા સાલી રહી હતી. આજ એ ક્રમ એને સાંભરી આવ્યો હતો. અને એમાં પણ આવી ભયંકર રાતે જ્યારે એકધારો વરસાદ પડતો હોય ત્યારે તો ઘરમાં કોઈ જ ન હોય એ વસ્તુ મીરાંણીને મૃત્યુના જેવી વેદના આપી રહી હતી !

એ એકલવાયાપણું ટાળવા એણે એક બિલાડી પાળી હતી. અને એક કૂતરી પણ રાખી હતી. પણ કોઈ કોઈ વખત એ બન્ને પ્રાણીઓ પણ રજા વિના જ, પોતપોતાનાં પ્રિયતમને કે પ્રિયતમાને શોધવા માટે ભાગી જતાં અને ત્યારે તો મીરાંણીને લાગતું કે એણે પોતે જ પોતાના પગ ઉપર હાથે કરીને કુહાડો માર્યો છે. એટલો વખત એનો ડંખીલો સ્વભાવ પણ એને તજી જતો.

આજે એ જાગતી પડી હતી. બહાર વરસાદ વરસતો હતો. કોઈનો અવાજ સંભળાય તેમ ન હતું. તે ગુપચુપ પડી પડી વરસાદને વરસતો સાંભળી રહી હતી. બહારથી વીજળીનો પ્રકાશ ક્યારેક ઘરને અજવાળાથી લીંપીને ભાગી જતો હતો.

થોડી વાર પછી વરસદ જરાક મંદ પડ્યો અને મીરાંણી ગભરાટમાં બેઠી થઈ ગઈ. એને કાને કોઈક છોકરાના રડવાનો અવાજ આવ્યો એમ એને ભણકારા વાગ્યા. એ ચોંકી ગઈ. બેબાકળી થઈ ગઈ. ગભરાટમાં પડી ગઈ. એણે ખરેખર સાંભળ્યું હતું કે માત્ર ભણકારા જ હતા ? એણે સાંભળ્યો તે સાચો અવાજ હતો કે કોઈ ભયંકર અકુદરતી ચરિતર વસ્તુ હતી ? પોતાના જ ઘરઆંગણે એ પ્રગટી હતી કે બીજે હતી ? એનું મન સવાલોથી ભરાઈ ગયું.

એ બારણા તરફ દોડી. પણ બારણું ઉઘાડવાની એની હિંમત જ ચાલી નહિ ! એ ત્યાં બારણા પાસે જ બેઠી રહી - જાગતી બેઠી રહી. એણે કાનને બહર રાખ્યા. પણ હવે કાંઈ અવાજ આવતો ન હતો. એને શંકા થઈ કે કો’ક એને ત્યાં ‘પાપ’ તો મૂકી ગયું નહિ હોય ? આપાડોશ માટે એ નવાઈની વાત ન હતી. પણ છતાં અકુદરતી ચરિતરનો ભય એના મનમાં એવો વસી ગયો હતો કે પોતે બારણાથી માત્ર દોઢ જ ફીટ આઘી સાંકળને અડી પણ શકતી ન હતી !

સવાર થયું. પંખી બોલ્યાં. અજવાળું આવ્યું. પરંતુ એ વખતે પણ મીરાંણીનો હાથ સાંકળ ઉઘાડવા જતાં હજી ધ્રૂજતો હતો. એટલામાં દૂધવાળા રબારીનોસાદ પડ્યો ને તરત પોતાનીકૂતરીનો અવાજ પાસે ઓશરીમાં સંભળાયો. એટલે એણે ઝડપથી બારણું ઉઘાડી નાખ્યું. પણ ઓશરીની કોર પર એની દૃષ્ટિ પડતાં જ એણે જે દૃશ્ય જોયું, તે જોઈને એ ભયની મારી ચાર ડગલાં પાછી હઠી ગઈ !

ઓશરીની કોર ઉપર ગાભામાં વીંટાળેલું કોઈકનું છોકરું ત્યાં પડ્યું હતું ! મીરાંણીની કૂતરી જાણે એ છોકરાની ચોકી કરતી હોય તેમ ત્યાં સામે બેઠી હતી. મીરાંણી આ જોઈને છળી ઊઠી. પેલું છોકરું તો હજી ઊંઘતું હતું. એને જગવાની ઉતાવળ ન હતી.

ફળી બહાર રબારી ઉતાવળ કરતો સાંકળ ખખડાવી રહ્યો હતો. મીરાંણીને પહેલો વિચાર આવ્યો કે રબારી આખા ગામમાં વાત કરશે ને પોતાની ફજેતી થાશે. માટે આ વાત અત્યારે તો છુપાવ્યે જ છૂટકો. એણે ઝડપથી, કેવળ બીકના માર્યાં જ, પેલા છોકરાને ઉપાડી લીધું એને અંદર રસોડામાં મૂકી આવી. તે દોડતી પાછી આવી. પેલી કૂતરી પેલા બાળકની પાછળ પાછળ તરત દોડી ગઈ.

મીરાંણી દૂધ લઈને અંદર ગઈ તો બાળકની રક્ષક હોય તેમ પેલી કૂતરી ત્યાં બેઠી હતી. હમેશાં મીરાંણીને દૂધ લેતી જોઈને બે ટીપાં દૂધ માટે પૂંછડી પટપટાવતી, પણ આજે તો જાણે એ ગંભીર બની ગઈ હતી ! આજે એણે દૂધનાં ટીપાંનો મોહ જતો કર્યો હતો. આ જોઈને મીરાંણી ઊંડા વિચારમાં પડી ગઈ.

પણ હવે જ મીરાંણીને પોતે શું કર્યું છે એનો ખ્યાલ સતાવવા લાગ્યો. આની તપાસ થાય તો પોતે ફજેત થાય. તપાસ થયા વિના તો રહેવાની નહિ. પોતે જ વાત પ્રગટ કરવાની રહી. તે પોલીસ-ચોકી તરફ ચાલી. ને ત્યાં ગઈ ત્યારે તો એના મનમાં કોઈકને ઉઘાડા પાડી દેવાનો હરખ ભર્યો હતો. એને ખાતરી હતી કે આ કામો કંકુડીનો હોવો જોઈએ. પણ છોકરાને તેડીને જતાં એના મનમાં ધીમે ધીમે એક બીજી લાગણી પણ આવી રહી હતી. છેવટે એ લાગણી જીતી ગઈ.

મીરાંણીને ખબર ન રહી, પણ એના હોઠ સુધી આવેલું કંકુડીનું નામ એ બોલી શકી નહિ. અને પછી તો જ્યરે કોઈએ બાળક સાચવવાનું કબૂલ ન કર્યું ને બીજો કાંઈ પત્તો ન લાગ્યો, ત્યારે એ પોતે એને લઈને મોડેથી ઘેર આવી.

બાળકનું નવું જીવન તો ઠીક - પણ ખરી રીતે તો એ પોતાનું નવું જીવન લાવી હતી ! એને એ ખબર ન હતી. એ તો કેવળ એકલવાયા જીવન માટેનો ઉપાય કરતી હતી.

પણ થોડા દિવસમાં એને થયું કે એના ઘરમાં જ્યાં કોઈ ન હતું ત્યાં આ બાળક આવતાં, જાણે આખું શહેર વસ્યું હોય તેટલી વસ્તી થઈ ગઈ હતી! આ પહેલાં એનો દિવસ પૂરો થતો ન હતો. હવે તો એને દિવસ ટૂંકો પડવા મંડ્યો હતો. પેલી બિલાડી, કૂતરી, આબાળક ને પોતે - એમ ચાર જણાની એક અનોખી પ્રેમસૃષ્ટિ ત્યાં ઊભી થવા માંડી.

મીરાંણીને ખબર ન રહી. પણ એ પહેલં જ્યારે કંકુડી આવતી ત્યારે આખા પાડોશની ઝીણામાં ઝીણી વિગતમાં એ રસ લેતી. એ નિંદા એ જ એનો મહાન રસ હતો. એના આધરે તો એ જીવતી. એ ન હોય તો બીજો કોઈ રસ ત્યાં ન હતો. પણ હવે તો આ બાળકે એનો બધો વખત નાનાં નાનાં પ્રેમકાર્યોથી ભરી દીધો હતો ! એના રોવામાં પ્રેમ, સાજા થવામાં પ્રેમ, એના તોફાનમાં પ્રેમ, અને એની વાતે વાતમાં પ્રેમ !

અને એ પ્રેમની છોળ મીરાંણીના દિલમાં પણ ઊછળવા માંડી !

એક પુસ્તક જેટલું પ્રેમજ્ઞાન આ તદ્દન અણઘડ, અણસમજુ અને વળી કોઈકનું - બાળક એને આપવા માંડ્યું. અને ખૂબી તો એ હતી કે પોતાને એ બાળક કાંઈક આપે છે એની મીરાંણીને ખબર ન હતી, તો પોતે મીરાંણીને કાંઈક આપે છે એની બાળકને પણ જાણ ન હતી. જળને ખબર હોતી નથી કે પોતે ધાન્યાંકુરને પ્રેમ આપી રહ્યું છે. ધાન્યાંકુરને પણ જાણ નથી હોતી કે જળ એને પ્રેમ પાઈ રહ્યું છે. આંહીં પણ એવી જ અશિક્ષિત કુદરતી પ્રેમવસ્તુ પ્રગટી હતી. એ વસ્તુ બન્નેને ઘડી રહી હતી, અને બન્ને એકબીજાને ઘડી રહ્યાં હતાં !

પણ મીરાંણીનો સ્વભાવ કેટલું પરિવર્તન પામ્યો હતો એ ખબર તો ત્યારે જ પડી, જ્યારે એક દિવસ જીથુડી ફરતી ફરતી આવી ચડી અને બહાર ઊભાં ઊભાં જ પોતાની લાક્ષણિક શૈલીમાં ‘કાં મા ? કાંઈ સાંભળ્યું તમે ?’ એમ સવાલ પૂછીને મરમમાં હસી પડી. એવે વખતે સામાન્ય રીતે તો મીરાંણી છેક તેની પાસે આવીને, તેના ખભા ઉપર હાથ મૂકીને એમ બોલે કે ‘શું છે વાલામૂઈ ! વળી કોની વાત લાવી છો ?’ ને પછી ત્યાં અર્ધો કલાક સુધી સામસામે તાળી લેતાં દેતાં હાસ્ય ચાલે ને મશ્કરી ચાલે. પણ આજે તો મીરાંણીએ જીથુડીની એ વાતની ઉપેક્ષા જ કરી નાખી. જીથુડીને શું કહેવાનું હતું એ તો એ સમજી ગઈ હતી. કંકુડી છ-સાત મહિના થયાં બહાર જાત્રા કરવા ગઈ હતી, તે હવે પાછી આવી હતી. વાત તો આટલી જ હતી, પણ સૌને ખબર હતી કે એ એકલી જ ન હતી.

મીરાંણીએ પ્રોત્સાહન ન આપ્યું, એટલે જીથુડી મોં મચકોડીને ત્યાંથી ચાલી ગઈ. અને કંકુડીને ત્યાં બેસીને મીરાંણીની વાત કરવા માંડી - એની બિલાડી કેટલાં કબૂતર મારી નાખે છે ત્યાંથી માંડીને, એનું ખરજવું મટવાનું નથી, ત્યાં સુધીની બધી.

(૪)

આવી આ નાનકડી, વિચિત્ર, પાડોશ વસાહતમાં એક દિવસના બનાવે બધાંને વિચાર કરતા કરી મૂક્યાં.

એક દિવસની વાત છે. મીરાંણી હવે ધીમે ધીમે શરીરે ઘસાતી જતી હતી. એને પોતાને લાગવા માંડ્યું હતું કે એ હવે ગમે ત્યારે વિદાય લઈ લેશે. અને જેમ જેમ એ વિચાર એના મનમાં ઘર કરતો ગયો, તેમ તેમ એનું મન પણ નબળું પડતું ગયું. એને મનમાં બીક પેસી ગઈ. એને લાગવા માંડ્યું કે જેમ એ ઘરમાં પેલા બે મીર રાતે સૂતા ને સવારે ન ઊઠ્યા, એવી જ કોઈક ભયંકર અવસ્થા હવે એના પોતાના ઉપર પણ આવી પડવાની ! ભગવાનને ત્યાં ન્યાય હોય તો તો એમ જ થાય. પોતે પણ રાતે સૂશે ને સવારે નહિ ઊઠે.

પોતાના મૃત્યુના વિચારે નહિ, પણ એ વખતે પેલું બાળક બિચારું ‘એ મા ! મા ! મા !’ કરીને એની પાસે રડતું ઊભું હશે, અને પોતે તો જવાબ નહિ આપી શકે, અને બીજું કોઈ તેને છાનું રાખનાર ત્યાં નહિ હોય, એ વિચારે એ ધ્રૂજી ગઈ. એને રાતદિવસ એક જ વિચાર સતાવવા માંડ્યો. પોતે ન હોય ત્યારે આ બાળકનું શું ? એનું કોણ ? અને પોતે હવે કેટલા દિવસની મહેમાન ?

અને કોણ જાણે શું થયું, એના મનમાં કાંઈક વાત સૂઝી આવી કે ગમે તેમ, પણ એક દિવસ તો એ જઈને સીધી કંકુડીને ત્યાં ઊભી રહી. કંકુડી એને આવેલી જોઈને મનમાં ભય પામી ગઈ, પણ મોઢેથી આવકાર આપ્યા વિના છૂટકો ન હતો.

‘આવો, આવો, મીરાંણી મા ! આજ તો તમેઆ બાજુ સબળ ભૂલાં પડી ગયાં ? ભલું કંકુડીનું ઘર સાંભર્યું ?’

‘કેમ ન સાંભરે કંકુડી ? તું તો કે’છે બહુ મોટી જાતરા કરી આવી? ઘણા દી કાઢી નાખ્યા ?’

‘મોટી ને નાની. જાતરાબાતરા તો ઠીક... ખોળિયું બોળી આવી.’

મીરાંણી તેની સામે જોઈ રહી. કંકુડી પણ બોલીને તેની સામે જોઈ રહી હતી. બન્ને એકબીજાને જાણે વાંચી રહ્યાં.

અચાનક જ મીરાંણીથી બોલાઈ ગયું : ‘કંકુડી ! મેં એક વાર તારી આબરૂ રાખી છે. તને એ ખબર પણ છે. હવે તું મારી લાજ રાખ.’

‘તમારી લાજ ? અરે મીરાંણી મા ! એ શું બોલ્યા ?’

મીરાંણીએ તરત જવાબ વાળ્યો : ‘મારી લાજ એટલે મોર ઘેર છે બિચારું ગભરુ બાળ, એને તું સંભાળી લે. મારા દેહનો મને હવે ભરુંસો નથી. એટલે હું તને કહેવા આવી છું.’

પણ કંકુડી તો આ વાત સાંભળતાં ધ્રૂજી ગઈ. જે વાતની કોઈને ખબર નથી એમ પોતે માનતી હતી, તે જ વાતની આ મીરાંણીએ પૂછપરછ આદરી હતી, એમ એને લાગ્યું. અને તરત એ પોતાના રક્ષણ માટે તૈયાર થઈ ગઈ.

‘મીરાંણી મા !’ તે કાંઈક કડક શબ્દોમાં બોલી : ‘એવી એવી શેની વાત કરો છો ? કાંઈ ભાંગબાંગ તો પીને નથી આવ્યાં નાં ? એવું હોય તો બોલજો, બાઈ ! ભાંગનો ઉતાર કરીએ.’

‘મેં તો ભાંગ નથી પીધી પણ તેં બાઈ ! એંકાર પીધો લાગે છે.’ મીરાંણી પણ કડક થઈને બોલી : ‘જે દી વરસાદ વરસતો’તો એ દી સંભારને, એટલે બધું સાંભરી આવશે. મને ખબર હતી કે કામો તારો છે. પણ હું બોલી નહિ. કોઈને વાત જ કરી નહિ. મારું શરીર ચાલે તેમ હોત તો હું તને વતાવત પણ નહિ. આ તો આ ખોળિયાનો હવે શું ભરુંસો ? એટલે કીધું, કંકુડીને વાત કરીએ. તને ઘરમેળની વાત કરવા આવી, ત્યાં તો તું જાણે ભોરંગ બનીને ઊભી થઈ ગઈ.’

કંકુડી ખિજાઈ ગઈ. ખિજાવા સિવાય બીજી કોઈ વાત સ્વરક્ષણમાં કામ આવે તેવી ન હતી. તે વધુ છંછેડાઈને બોલી : ‘મીરાંણી મા ! આપણાં કર્યાં આપણે ભોગવવાં છે. પણ બધાંયને તમારા જેવાં ગણો મા. જે દી કાંડું પકડો નાં, તે દી ઓછાં ન ઊતરતાં. બાકી ગળે પડવા આવ્યાં છો તો તમારી પોતાની જ જાંઘ પહેલી સંભાળોને !’

‘કંકુડી ! તું જ તારું પાપ મૂકી ગઈ છો, એ મને બધી ખબર છે હો!’

‘ખબર હતી તો કાંડું કાં ન પકડ્યું ?’

‘કાંડુંબાંડું તો ઠીક. ઉપરવાળો બધુંય જાણે છે. મારું હાલશે ત્યાં સુધી તો એ ગભરુને હું દગો નહિ દઉં. પણ તું સમજતી નથી. હું ને તું બે જણાં જાણીએ. ગભરુ સચવાઈ જાય. પછીની વાત પછી. એમ જાણીને હું તનેકહેવા આવી તો તું મને ઊધડી લે છે. આનું નામ કળજગ ! તારો એક હજાર જાતરાથી ય આરો નહિ આવે, પાપણી !’

‘અને તેં ક્યાં ઓછાં પાપ કર્યાં છે ? બે ય મીરને બચારાને...’

મીરાંણી બેઠી હતી તે ધરતીમાં, નીચે અગન ભર્યો હોય એવું એને લાગ્યું. તે એકદમ ઊભી જ થઈ ગઈ. ઊભી થઈને બહાર ચાલી ગઈ.

પણ જેવી મીરાંણી બહાર ગઈ કે કંકુડી ઘરમાં દોડી ગઈ. તે ધરતી ઉપર નીચે મોંએ ઢળી પડી. ધરતી સમું મોં રાખીને એ રોવા માંડી. છાનું છાનું રોવા માંડી. મોટેથી તો રડી શકાય તેમ ન હતું. માણસો ભેગાં થાય ને મફતની વાત ચોળાય. તે કેટલીય વાર સુધી રડતી જ રહી.

એ આખી રાત કંકુડીએ રોવામાં કાઢી.

બીજે દિવસે સવારના પહોરમાં મીરાંણી ચાનું છાલિયું લઈને એકલી બેઠી બેઠી ચા પીતી હતી, પેલું છોકરું ત્યાં પડખે હજી સૂતું હતું, મીરાંણીને શરીરે ઘસાઈને બિલાડી વહાલમાં મ્યાઉં મ્યાઉં કરતી ફરી રહી હતી, પોતે જાતે સ્વીકારેલા ચોકીના કામમાં જાણે બહુ જ તકેદારી રાખવાની જરૂર હોય તેમ પેલી કૂતરી ત્યાં છોકરાની નજીક બેઠી હતી. એવામાં અચાનક બારણું ઊઘડ્યું. મીરાંણી નવાઈ પામી ગઈ. કોઈ નહિ ને કંકુડી ત્યાં આવી રહી હતી. એના હાથમાં કાંઈક પોટકા જેવું હતું. તેની ચાલ જરીક લથડતી હતી. ચહેરા ઉપર નૂર ન હતું. દૃષ્ટિમાં અકળ શૂન્યતા હતી.

તે ત્યાં આવીને ઊભી રહી.

‘મીરાંણી મા !’ તે અચાનક બોલી : ‘તમે ગલઢાં છો. ખર્યું પાન છો. ગમે ત્યારે તમારે કોઈને કોઈનો ટેકો જોઈએ. હું તમને ટેકો દેવા આવી છું. છોકરાની ઊઠવેઠ પણ તમારાથી હવે થાય નહિ. મને તમારે ત્યાં ઘરકામ માટે તમે રાખી લ્યો. હું એટલા માટે જ આવી છું. મને હવે ના ન પાડતાં. કાલે તમને કહ્યા પછી મને પેટમાં બળતરા હાલી છે. તમને ન કહેવાનાં વેણ કહેવાઈ ગયાં.’

મીરાંણી એની વાત સાંભળતાં પહેલાં તો ચોંકી ગઈ. પણ એણે જરાક જ વિચાર કર્યો. ને એ વાતને પામી ગઈ.

એ તરત જ પ્રેમથી બોલી ઊઠી : ‘આવ, આવ, કંકુડી ! તું ભલે આવી. તારી વાત મારા કરતાં પણ સરસ છે. તારી બુદ્ધિ તો બાઈ ! મારા કરતાંય ગજબની ચાલી !’

બન્ને એકબીજાંની સામે થોડી વાર જોઈ રહ્યાં.

પણ એમાં એક ‘માતા’ હતી, તો બીજી ‘જનેતા’ હતી.

-અને નારી તો હવે ત્યાં ક્યાંય રહી ન હતી.