Mother's mother in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | માતાની માતા

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

માતાની માતા

અમે પાછળ આવવાનો જે વખત કહ્યો હતો તેના કરતાં થોડા ને ઘણા ખાસ્સા અઢી કલાક અમે મોડા પડ્યા હતા. એટલે આશા તો ન હતી. ગમે તેવો સજ્જન વીશીવાળો હોય, તો પણ ઊની ઊની વાનગી રાખીને અત્યાર સુધી રાહ જોતો બેઠો હોય એ ન બને ! એણે ઢાંક્યું હશે ને ઠરીને ઠીકરું થયેલું ભોજન અઢી વાગે મળે એ ખોટું પણ ન કહેવાય ! તે છતાં વખત ઘણો જવાથી અમે કાંઈક સંકોચભર્યા ગુનાઈત માનસે વીશીમાં પ્રવેશ કર્યો. પણ અમને જોતાં જ જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ, સવારના જેટલા જ ઉમળકાભર્યા શબ્દોથી ડોસાને આવકાર આપતો સાંભળીને અમને પગમાં નવું જોમ આવ્યું ! સવારે અમે તેની સાથે વાત કરી ત્યારે લાગ્યું હતું કે ડોસો વ્યવહારુ છે. પણ અત્યારે તો એના માત્ર બે જ શબ્દ સાંભળ્યા અને ખાતરી થઈ ગઈ કે ખરેખરો સજ્જન જ છે.

ચૂલા પાસે એક તરફ બેસીને થોડા થોડા સળગતા કોયલા ઉપરથી તપેલાને ઉતારતાં ઉતારતાં ડોસો માયાભર્યા શબ્દોમાં બોલી રહ્યો હતો : ‘મહાકાલનો પ્રતાપ જ એ છે, ભાઈ ! કલાક માટે જાય, તે બે કલાક રોકાય. ને બે કલાક માટે જાય તે ત્રણ કલાક કાઢે !’ પછી કાંઈક સ્વાગત લાગે તેવા ધીમા શબ્દોમાં બોલ્યો : ‘લક્ષ્મીએ આ બધું મને કહી રાખેલું. એને ખબર કે વખતે-કવખતે આ વાત જવાબ વાળશે ! આ ચૂલો પણ એની રચના છે ! લક્ષ્મી તો લક્ષ્મી. લે દીકરી ! તું તાવડી માંડ, બેટા !’ એણે પોતાની આઠ-નવ વરસની દીકરીને કહ્યું. ‘મહેમાનને ઊની ઊની રોટલી આપણે આપીએ. તારી મા હોય તો તો બધું જ વરાળ નીકળતું હોય !’

ડોસાના ધોળા નિમાળા, સૂકલકડી જેવો એક ધોતિયું પહેરેલો પાતળો દેહ, નાની તેજસ્વી પણ પ્રેમ ને દિલગીરી ભરેલી આંખો, અને સૌથી વધુ તો એનું વાક્યે, મધુર સ્મિત જાળવનારું દિલ જીતી લે ને દિલ વીંધી નાખે એવું મોં ! ચોક્કસપણે કહી ન શકાય કે ડોસામાં એવું શું જાદુ હતું, પણ એક સામાન્ય વીશીના તદ્દન જ સામાન્ય ધૂળિયા ભાડાના મકાનને એણે જે સ્વચ્છતાથી ને પ્રેમથી રાખ્યું હતું, તે જોઈને ત્યાં બે ઘડી બેસનારો માણસ પણ, ઘરની હવા લેતો હોય તેવું એને લાગે ! અને એ હવા ડોસામાંથી ફેલાતી જણાય!

એ આ બધું ધીમે ધીમે શું બોલી રહ્યો હતો એની તો કાંઈ ગતાગમ પડી નહિ. પણ એની પિયર કે પરગામ ગયેલી વહુને એ અત્યારે સંભારતો જણાયો. કદાચ આ છોકરી કામે પહોંચી શકતી નહિ હોય ને પોતે વૃદ્ધ હતો તેથી એને સંભારતો હોય ! ગમે તેમ, પણ એના મોંમાં ‘લક્ષ્મી’ શબ્દ એ ખરેખર ‘લક્ષ્મી’નો સૂચક જેવો બની રહેતો હતો. અને નવાઈની વાત હતી કે વહુનું નામ લઈને વહુને બોલાવનારા અનેક ભણેલા અણઘડો કરતાં, આના મોંમાં એ વધુ બંધબેસતો - જાણે એના અંતરમાંથી જન્મ્યો હોય તેવો જણાતો હતો.

અમે સૌ ત્યાં બેઠા. ડોસાએ મકાનને અનુરૂપ અને છતાં બેસનારને કઢંગી ન લાગે તેવી ખાસ નાની પાટલીઓ વસાવી હતી. પડખે મૂકેલો લોટો ને પવાલું, જાણે એમની સ્વચ્છતાથી જ બોલી રહ્યાં હતાં કે આ વીશી નથી, પણ આગંતુકો માટેનું ભલે થોડી પળો માટેનું, પણ ઘર છે !

અમે બેઠા ને અમારામાંના દરેકને પહેલી એ જ વાત મનમાં આવી ગઈ. આ ઘર છે !

અને પછી ડોસો પીરસવા આવ્યો. એણે ખભે ધોયેલ ધોતિયું મૂક્યું હતું. કપાળમાં ચંદન હતું. મીઠું, હળદર, આદું... નાની નાની ચીજ... પ્રમાણમાં ઓછી, પણ સ્વચ્છતાથી ને ફરી માગવી ન પડે તેમ મૂકેલી. નાની નાની થાળીઓ એણે પ્રેમથી, અમારી સામે મૂકી. અઢી-ત્રણ થવા આવ્યા હતા. પણ જાણે એને કોઈ વાતની ઉતાવળ ન હોય તેમ, એ ચીવટથી બધી વાનગી મૂકી રહ્યો હતો !

અમને એના સ્વભાવની, આ સ્ત્રી જેવી કુમાશ, સ્પર્શી ગઈ !

એણે બધું નિયમસર પીરસ્યું. અને ત્યાં એની દીકરીએ ઊની ઊની રોટલીઓ ઉતારી હતી ને આવી. નાનકડી પણ મીઠી અને મોહક ચપાટી જેવી રોટલીઓ છોકરી ઉતારી રહી હતી. છોકરીને પણ જાણે ડોસાએ વાતાવરણમાં ને વારસામાં કેવળ આ એક જ વાત આપી હોય તેમ એ નાનકડી છોકરી, સુઘડ રીતે શાંત બેસીને લેશ પણ ઉતાવળ વિના, અને છતાં જોઈતી સ્ફૂર્તિથી, રોટલીઓ ઉતારી રહી હતી !

‘શોભા ! બેટા ! નાનકડીને સાદ દે. દહીંની વાટકીઓ લાવે ! ભાઈ! સાથે ખાંડ મુકાવું કે ? લ્યો ને, ગરમી છે ! મજા પડશે !’

ડોસાની રીતભાતમાં એવી એક સુંદર કલાત્મક, નાજુકતાભરેલી કુમાશ બેઠી હતી કે અમને એ કુમાશભરી હવા વધુ વખત લેવા મળે માટે જ અમે સૌએ ડોસાની માગણી સ્વીકારી લીધી. રોટલી ઉતારનારી એની મોટી દીકરી છે, ને એનું નામ શોભા છે, એટલી વાત સમજાઈ. ખરેખર અમને એ નામ સાચેસાચું સાર્થક લાગ્યું. છોકરી ઘરની શોભા જેવી જ જણાતી હતી. રૂપાળી કે તેજસ્વી કે ચપળ કે સ્ફૂર્તિમય હતી તેથી નહિ, પણ એના સાદા સ્વચ્છતાભરેલા રંગઢંગથી, બેસવાની ઢબથી, કામ કરવાની શૈલીથી જ એ ‘શોભા’ જેવી જણાતી હતી. એટલામાં ડોસાની નાની દીકરી ઉપરથી દહીં લઈને આવતી દેખાણી. ઉપર અરધા મેડા જેવું ડોસાએ કર્યું હતું. ને જ્યારે બપોરે રોંઢે કોઈ ઘરાક નહિ જણાતું હોય ત્યારે એ આરામઘરનું કામ કરે એવી એની રચના હતી. ડોસાએ બે-ચાર કૂંડાં મૂકીને એક રમણીય ઉદ્યાનની ગરજ સારે એવી એની સુંદર સજાવટ કરી હોય તેમ દેખાયું. ઉપર એક ખુલ્લી બારી દેખાતી હતી, તેમાં એક ફૂલનો છોડ શોભી રહ્યો હતો.

પણ એટલામાં અમારી નજરે નાની છોકરીની પાછળ જ એક નાનકડો છોકરો પણ પાછળ પાછળ ઊતરતો જણાયો. ડોસો એને જોતાં માતાના હેતથી બોલ્યો :

‘તું પણ આવ્યો કે ? આવ આવ, ભાઈને બધાયને એક એક પવાલું પાસે મૂકી દે !

‘એની માનો બહુ હેવાયો છે, સાહેબ !...ને’ ડોસાનું વાક્ય એવી રીતે અધૂરું રહી ગયું હતું કે જાણે કોઈ અમંગળ ભાવિની લટકતી તલવાર એની વળગણીએ બેઠી હોય !

પછી એની સ્વગત ઉક્તિ ચાલતી લાગી : ‘મારો નાથ ક્યાં નથી જાણતો ? બધું જાણે છે ! શોભા ! બેટા ! ઊની ઊની જ આવવા દે. આ ભાઈએ બે જ લીધી છે...’ અને તે એક ઊની રોટલી લઈને મારી થાળી પાસે જ આવ્યો : ‘મેં આડે હાથ ધર્યા. ‘એક લઈ લ્યો સા’બ ! શોભાની રોટલી નડે તો તો થઈ રહ્યું ને ! એને એની માએ કેળવી છે. એણે લોટ સવારે સાત વાગ્યે બાંધ્યો હશે કાં બેટા ?’

‘આજ તો, કાકા ! વહેલો બાંધ્યો’તો.’

‘એમ ? એમ ? વાહ ! મારી દીકરી વાહ ! તારી માની વાણી કાં તો ફળશે !’

‘શું છે એની માની વાણી ?’ મેં કહ્યું : અને પછી ઉમેર્યું : ‘પણ બેન તો દેખાયાં જ નહિ !’

‘મારો નાથ બધું જાણે ! બધું...’ આટલું જાણે સ્વગત પોતે પોતાને આશ્વાસન - ધીરજ આપતો હોય તેમ, ધીમેથી પોતે સાંભળે એટલા જ સાદે બોલીને ડોસો મીઠું હસી પડ્યો : ‘ઓ ! એ તો એની મા લક્ષ્મીની ગાંડીઘેલી કલ્પના છે ! આ વીશીએ સો વરસ પૂરાં કરવાં. હજી તો સિત્તેર થયાં છે. ને વાત કરીને પોતે... તો’ ડોસો બીજા શબ્દો ગળી ગયો. ‘આ શોભા એ પૂરાં કરાવશે !’

પણ ડોસાના હૃદયનો તમામ ભાર એના અધૂરા રહી ગયેલા શબ્દોમાં બેઠો હતો. જે રીતે એ વારંવાર વાક્ય ગળી જતો હતો તે રીતમાંથી જ એ દેખાઈ જતું હતું.

‘પણ લક્ષ્મીબેન ક્યાં છે ?’ મેં હવે ફોડ પાડવા માટે જ સવાલ પૂછ્યો.

‘સે સુવાવડ કરવા ગયેલ છે, સા’બ ! મારો નાથ બધું જાણે છે. શું નથી જાણતો ?’

ડોસાના વાક્યમાં, આ પાછળ આંહીં રહેલાં બાળકોની જે વ્યગ્રતા બેઠી હતી, અને છતાં જે કુમાશભરેલી મીઠાશથી એ આ નાનકડી વીશીને જાળવી રહ્યો હતો, એ બન્ને ચિત્રો, હવે એકીસાથે પ્રગટ થઈ જતાં, હવામાં છાની કરુણતાનાં આંસુ જાણે લટકતાં જણાયાં. તે પછી અમે કોઈ કાંઈ બોલી શક્યા નહિ. ડોસો છાશ તૈયાર કરવામાં પડી ગયો.

(ર)

ત્રણેક વર્ષ પછીની વાત છે. ત્યાં કામ પ્રસંગે ગયા ત્યારે સિપ્રાસ્નાન કરીને પછી શહેરની મધ્યમાં આવ્યા. ઉજ્જૈનના મધ્યમાં જ આવેલ એક ઊંચી ટેકરી ઉપર મહાદેવનું જૂના સમયનું મંદિર છે. ત્યાં જઈને મહાદેવનાં દર્શન કર્યાં. પછી ત્યાં ઊભા રહીને ચારે તરફ નજર ફેરવી. પણ એ નજર ફેરવતાં તો જાણે દૂર દૂર સુધીના સપાટ પ્રદેશમાં એક વખત ઊભી રહેલી કોઈ મહાન નગરીના ઉત્તુંગ ને ભવ્ય રાજમહાલયો દેખાવા મંડ્યા. ક્યાંય સુધી એ નગરીનો વિસ્તાર જણાતો હતો. મધ્યની ઉચ્ચતમ ખંડેર ટેકરી, આજે જ્યાં એક નાનકડું મંદિર માત્ર ઊભું છે, ત્યાં જ જાણે એક વખત રાજા વીર વિક્રમનો મહાન પ્રાસાદ ઊભો હોય તેમ જણાવા માંડ્યું. નીચે ઊતરતા ઊતરતામાં તો આ કલ્પનાએ મનનો બધો પ્રદેશ જાણે રોકી લીધો હતો. પણ એટલામાં કોણ જાણે ક્યાંથી, કદાચ સામેનું કોઈ ‘લાજ’નું પાટિયું વાંચતાં, અચાનક જ તે દિવસવાળી વીશી, ડોસો ને પેલી છોકરી ‘શોભા’ યાદ આવી ગયાં. અને ડોસાની ‘લક્ષ્મી’!

મનમાં થયું કે ત્યાં જવું. બહુ દૂર ન હતું. ધીમે પગલે એ તરફ ગયો. બહાર ઊભા રહીને અંદર ડોકિયું કર્યું. તે દિવસની પેઠે જ નાનકડી પાટલીઓ કોઈકને માટે ગોઠવાઈ ગયેલી જોવામાં આવી. ઘરમાં જાણે એ જ હવા ચાલી રહી હતી !

‘કેમ કાકા ?’ બોલીને પ્રવેશ કર્યો. પણ ચૂલા પાસે નજર જતાં જ થયું કે વાત કાંઈક કાચી કપાય છે. તે દિવસવાળા કાકા ત્યાં દેખાયા નહિ. પણ પોતાની એ જ સુઘડ, સ્વચ્છ, સાદી રીતથી શોભા ત્યાં બેઠી હતી. ને રોટલી વણી રહી હતી.

એની એક તરફ એક બીજી છોકરી હતી. સામે પાટલા ઉપર નાનકડો છોકરો બેઠો હતો. મેં તરત એમને બંનેને ઓળખી કાઢ્યાં. ખાસ બહુ વધ્યાં ન હતાં. શોભાના શરીરમાં, દેખાવમાં ને ચહેરામાં, કાંઈક ન કહી શકાય તેવી જરાક ગંભીરતા ઉમેરાણી હતી. બાકી ચારે તરફ દૃષ્ટિ કરતાં લાગ્યું કે તે દિવસવાળી એ જ હવા આંહીં હજી પણ જાણે વહી રહી છે ! એમાં કાંઈ જ ફેરફાર નથી !

‘બેન ! ઓળખાણ પડે છે ?’ મે જરાક આગળ વધીને કહ્યું.

સહેજ હસીને શોભા બોલી : ‘કેમ ન પડે ? તે દિવસે તમે બેએક વરસ પહેલાં, કાકા હતા ત્યારે આવ્યા હતા, એ બરાબર યાદ છે. આવો, જમવા બેસવું છે નાં ?’

પણ તેના વાક્યની મીઠાશમાં વહી રહેલી એક કરુણ છાંટે કોણ જાણે કેમ હૃદયમાં એક તીવ્ર દુઃખભરી ‘આહ !’ આપી દીધી હતી. એટલામાં તો એ જે બોલી હતી તેમાં, ‘કાકા હતા ત્યારે’ એમ આવ્યું હતું, એ મને એકદમ યાદ અવી ગયું. મનમં એક અમંગળ શંકા આવી ગઈ. એણે તો એ આહને વધુ કટુ બનાવી દીધી.

‘કાકા બહાર ગયા છે, બહેન ?’

‘કાકા ?’ તે બોલી ને નીચે જોઈ ગઈ. તેણે થોડીવાર પછી ઊંચે જોયું, ત્યારે એની આંખમાં એક અદૃશ્ય ઝળઝળિયું બેઠું હતું. પણ તે બહાર ન આવે એની એના મનમાં ગડભાંગ ચાલતી જણાઈ. છતાં તે મિઠ્ઠું હસીને ધીમેથી બોલી : ‘બહાર ગયા છે ? હ, બહાર જ ગયા છે ને. આ કનુની ને અમારી બાને તેડવા ગયા છે. કાં કનુ ? હવે તો આવતાં હશે નાં ? કાં કનુ?’

છોકરો પાટલી ઉપર બેસીને પુરી ખાઈ રહ્યો હતો. તે બેનના શબ્દોને સાચા માનીને ખાતરી કરવા માટે વધારે ભારથી એ જ શબ્દ બોલ્યો : ‘હવે તો અવતાં હશે, હા, હવે તો આવતાં હશે !’

પણ એના શબ્દોમાંથી આખી વાતની કડી ઉકેલાતાં મારા પગ ત્યાં ધરતી સાથે ચોંટી ગયા, હૃદય ભારે થઈ ગયું. ચારે તરફ નજર કરી, પણ ત્યાં કોઈ બીજું દેખાયું નહિ. ઉપરનો મેડો પણ સુમસામ જણાયો.

‘બીજું આંહીં કોણ છે, બેન ? તમારી સાથે કોણ છે ? કોણ વીશી ચલાવે છે ?’

પેલો છોકરો કનુ વાતમાંથી કાંઈ નવું પકડીને કોઈ નવી હઠે ચડી ન જાય તેની ચિંતા એની આંખમાં દેખાણી. તે મને જવાબ આપવા માટે પણ કનુની સાથે જ પ્રેમથી વાત કરતી હોય તેમ બોલી : ‘અરે ! એ તો આ અમારો કનુ જાણે છે. કાકા બે વરસ પહેલાં ગયા છે, માને તેડવા, પણ હવે તેડીને આવતા હશે, કાં કનુ ? એ આવે ત્યાં સુધી તો અમે એકલં આંહીં કેવી મજા કરીએ છીએ ! કનુ સવારમાં વહેલો ઊઠે છે. ઊઠીને દૂધ પીએ છે. એની શોભાબેનને પૂરીઓ વણવામાં મદદ કરે છે. હવે તો અમારો કનુ પોતે પૂરી વણતાં પણ શીખી ગયો છે. એ બાને બતાવવાનો છે... કાં કનુ ?’ શોભાના ગળામાંથી નીકળતા છેલ્લા શબ્દોમાંથી કરુણરસની એક એવી અનોખી છાંટ પ્રગટી રહી હતી કે મને થયું કે આ બહાદુર છોકરી તો આંસુ ખાળી રહી છે, પણ મારી આંખમાંથી હવે એ ખાળ્યાં નહિ રહે !

‘હેં ! કનુ ! તું પૂરી શીખી ગયો છે એમ ?’ મેં છોકરાના તરફ ફરીને કહ્યું, પણ એટલું બોલતામાં તો શબ્દો, જાણે મારી જાતને વ્યક્ત કરીને, હમણાં જ આ બહાદુર છોકરીની આજની શાંત વ્યવસ્થાને અવ્યવસ્થિત કરી મૂકશે એવો ભય લાગ્યો.

હું ત્યાંથી તરત પાછો વળ્યો : ‘આવું છું બેન ! આ તું કનુને આપજે...’

મેં એક દસ રૂપિયાની નોટ, ને છોકરાને ગમે ને સમજાય માટે એક રૂપિયો રોકડો, ત્યાં પાટલી ઉપર મૂક્યાં. પણ એ મૂકતાં મૂકતામાં તો બળ કરીને નીકળી પડેલાં આંસુ એના ઉપર જ પડી ગયાં !