Goddess of freedom in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | સ્વતંત્રતાની દેવી

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સ્વતંત્રતાની દેવી

ચૌદમી સદીની શરૂઆત હતી. અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલફખાનના નામથી સારું ગુજરાત ધ્રૂજતું હતું. કરણરાજા, કોણ જાણે ક્યાં ગુજરાતનું ગૌરવ ફરી સ્થાપવાનું સ્વપ્ન ઘડતો હશે કે મનસ્વી માણસના વેદનાભર્યા પશ્ચાત્તાપથી સળગતો હશે ! હિંદુ નામર્દ બન્યો હતો. મુસલમાન જુલમી બન્યો હતો. સર્વત્ર પોતાનો ચોકો સાચવી લેવાની વૃત્તિ દેખાતી હતી. મેવાડના રાણા સમરસિંહ રાવળ જેવાએ પણ માર્ગ આપીને મુસલમાન સૈન્યને પાટણ જવા દીધું હતું. પછી તો પાટણ પડ્યું, સોમનાથ લૂંટાયું. સારુંય સૌરાષ્ટ્ર થરથરવા લાગ્યું; કચ્છનાં અનેક જાતવંત ઘોડાં, ને કાઠિયાવાડની ‘તેજણ’ ને ‘માણકી’, ‘લખમી’ ને અનેક જાતવંત ઘોડીઓ અલફખાનના સૈન્યમાં દેખાવા લાગી.

દિલ્હી જવા ઊપડેલું અલફખાનનું સૈન્ય કંથકોટ, પારકર, ઠઠ્ઠા વગેરે ચાંપી નાંખીને, મારવાડને રસ્તે સીધું દિલ્હી તરફ પાછું વળવા માંડ્યું. રસ્તામાં ઝાલોરનો ભવ્ય દુર્ગ હજી રજપૂતોનું ગૌરવ જાળવી રહ્યો હતો. ઝાલોરના કાન્હડદેએ દિલ્હીના સૈન્યને પોતાના મુલકમાં થઈ, પાટણ જવા દેવાની ના પાડી હતી. અત્યારે એ એક જ રજપૂત બનીને ઊભો હતો; કાન્હડદે અને એનું સામંતમંડળ હિંદુત્વને નામે મરી ફીટવા તૈયાર હતાં. અલફખાને આગળનું અપમાન સંભારી ઝાલોરને લેવાનો નિશ્ચય કર્યો. ફરી એ મેદાનમાં ઘોડા ઘૂમવા લાગ્યા, રણશિંગાં ફૂંકાયાં, ને રજપૂતોની તલવાર લોહી પી પીને વધારે ને વધારે તીખી બનતી ગઈ. ફરી એ દેશ ડોલ્યો; ડુંગરા ડોલી ઊઠ્યા; ઢોલ ધબૂક્યા; નગારે ઘાવ થયા; ને શુદ્ધ ગંગાજળથી નાહેલા કચ્છી ઘોડા ઉપર ચઢી, કાન્હડદેનો પાટવીકુમાર વીરમદેવ અને સરદાર માલદેવ મુસલમાનોને હંફાવવા, ચારે તરફ ઘૂમવા લાગ્યા. વાતાવરણ વીરત્વથી ભરાઈ ગયું. જ્યાં જુઓ ત્યાં મૃત્યુ દેખાય - પણ જીવનારને અદેખાઈ આવે એવું. ભાટ અને ચારણોની બાનીથી તો રજપૂતોનાં લોહી, અબઘડી તુરકડાઓને ધૂળ ચાટતા કરીએ, એમ બોલતાં વેગભર્યાં નસોમાં દોડવા લાગ્યાં. મરણ એ જાણે નિત્યનો બનાવ બન્યો, અને જીવન એ જ અકસ્માત થયો.

રજપૂતાણી ઘરઆંગણે છોકરાંને ધવરાવતી, પણ એની કલ્પનાની આંખ તો, પેલી મેર - જ્યાં એનો કંથ લોહીમાં તરબોળ નાહતો હશે ત્યાં ચોંટી હતી. દરેક દરેક રજપૂતના ઘરમાં બસ એ જ વાત હતી, એ જ ધૂન હતી, અને એ જ ધ્યેય હતું. અને કેમ ન હોય ? અલફખાનના સૈન્યને એક વાર તો રજપૂતોએ થોભાવ્યું હતું. પણ રજપૂતો બેપરવા બનીને નાહવા માટે એક તળાવમાં પેઠા, એ વખતે મુસલમાનોનો હુમલો થયો. હજારો પડ્યા. પાણી રંગાઈ ગયું ને એક રજપૂત મહીપત દેવડો નાસી આવ્યો. ને જમવા બેઠો હતો. રસોડામાં રજપૂતાણી પીરસતી હતી. એટલામાં દેવડાની દીકરી બોલી : ‘મા જોજો, કાંસાની થાળી સાથે લોઢાની કડછી ખખડાવતાં નહિ. મારા બાપુ લોઢાના ખખડાટથી તો ભાગ્યા છે !’ બસ, એ પીરસ્યું પીરસ્યાને ઠેકાણે રહ્યું. રજપૂત ઊઠ્યો, તલવાર લીધી, ઘોડું છોડ્યું ને ધૂમ તડકામાં ચાલી નીકળ્યો. જ્યારે અલફખાન ઝાલોર લેવા યત્ન કરી રહ્યો હતો ત્યારે આવું વાતાવરણ હતું.

અલફખાનને ઘૂમતાં ઘૂમતાં ઘણો વખત થઈ ગયો. અનેક ઝપાઝપી થઈ, અને છેવટે આજે તેના પછી આવેલ ખાનેજહાં ઝાલોરને ઘેરો નાખીને પડ્યો હતો. ચારેતરફના બીજા ગઢ પણ ઘેરાતા જાય છે. ને રજપૂત તેમ જ મુસલમાન લશ્કર છેલ્લો દાવ ઝાલોરને આંગણે ખેલી લેવાની તૈયારી કરી રહ્યાં છે.

ચારે તરફના રજપૂતો ચારે દિશાએથી દોડતા આવતા મુસલમાન લશ્કરને ખાળવા યત્ન કરી રહ્યા હતા. સેનાપતિ માલદેવ ને પાટવીકુંવર વીરમદેવ જુદાજુદા ગઢવીઓને પ્રોત્સાહન આપતા ઘૂમી રહ્યા હતા.

છેક સંધ્યાનો વખત હતો, ને ઝાલોરના મજબૂત દુર્ગનાં દ્વાર બંધ થયાં હતાં. આજે સાતસાત વર્ષ થયાં જેણે બાદશાહી લશ્કરને મચક આપી ન હતી અને જેના નામથી રજપૂતમાત્રનું લોહી વગે ચડતું, તે સમિયાણાગઢ ધણી સાંતલસિંહનો સમિયાણાગઢ પડ્યો કે પડશે એ સમાચારથી આખું ઝાલોર ખળભળી ઊઠ્યું હતું. કારણ કે સમિયાણાગઢ પડે એટલે જાણે ઝાલોરનો જમણો હાથ કપાયો. દુર્ગનાં દ્વાર હંમેશના કરતાં વહેલાં બંધ થયાં હતાં, ને સાંકડીસાંકડી શેરીઓ સમિયાણાનું ભાવિ જાણવા આતુર હોય તેમ અંધારામાં સોડ વાળીને ગુપચુપ ઊભી હતી.

જે વખતે આમ ઝાલોરગઢ પોતાનું ભાવિ જાણવા આતુર બની ચિંતાવાળી અવસ્થામાં ઊભો હતો, તે વખતે ગઢની બહાર, જંગલમાં આમલીના એક વિશાળ વૃક્ષ નીચે, બે માણસો કંઈક વાત કરી રહ્યા હતા : એકે બુકાની બાંધીને પોતાનો ચહેરો જેમ બને તેમ વધારે ને વધારે છુપાવવા યત્ન કર્યો હતો. તેનું સાધારણ કદ, સાદો દેખાવ અને ચારે તરફ શંકાની દૃષ્ટિ ફેંકીને ધીમેધીમે વાત કરવાની ઢબથી સ્પષ્ટ થતું હતું કે તે સાહસિક કે મૂર્ખ ન હતો, પણ વધારે પડતા વ્યાવહારિક ડહાપણના બોજા નીચે દબાયેલો, એક ઘરેડમાં ચાલનાર આદમી હતો. તેની સામે ઊભેલા આધેડ વયના, કાંઈક કાળા ચહેરાવાળા આદમીએ પોતાની ખાંધ પર એક લોઢાનો કુહાડો ને ગજ રાખ્યાં હતાં, અને સાદું અંગરખું પહેર્યું હતું : તેને કોઈ છેટેથી સથવારો ધારે.

‘પણ સાચી વાત છે ? સમિયાણાગઢ પડે તો તો રજપૂતાઈ રંડાય !’ પેલા બુકાનીવાળા અદમીએ સથવારાને કહ્યું.

‘ઠાકોર વિક્રમસિંહજી ! બાદશાહ અલાઉદ્દીન તો રુદ્રાવતાર છે, અને ન માનતા હો તો પૂછો તમારા સોમેશ્વર વ્યાસને !’

‘રજપૂતો પણ વિષ્ણુના વંશજ છે ને ? હરિહર તો લડતા આવ્યા છેઃ હરજી નાઠા છે ને શ્રીહરિ જીતતા આવ્યા છે. ઝાલોરના ગઢ આગળ આ બાદશાહનું મોત છે !’ વિક્રમસિંહે જવાબ આવ્યો.

‘બાદશાહનું મોત તો થશે ત્યારે, બાકી ઝાલોરગઢ પડશે તો રજપૂતો વઢાઈ જશે એ વાત ચોક્કસ છે.’

‘વઢાઈ જશે તો વળી શું થઈ જશે !’ - વિક્રમસિંહે જવાબ આપ્યો, ‘રજપૂતો જીવવા માટે મરે છે ને બીજા મરવા માટે જીવે છે !’

પેલા માણસે એક ઊંડો નિઃશ્વાસ મૂક્યો : ‘ઠાકોર ! ઠાકોર ! હજી માનો : આ ભાઈલુનું માનો. ગાંડપણભરેલું શૂરાતન રાણા હમીર જેવાનું, રણથંભોરમાંયે ખપ નથી આવ્યું ને તમારું ખપ નહિ આવે; ગઢ જશે, દેશ લૂંટાશે, ને પૃથ્વી નિઃક્ષત્રી થશે. જીવતા રહેશો ને ગઢ ટકશે તો એક દી આ તરકડાને ધૂળ ચાટતા કરીશું ! -’

વદ બીજ-ત્રીજનો ચંદ્ર અમલીનાં બિડાયેલાં પાનમાંથી છાયા અને તેજની ગૂંથણી કરવા લાગ્યો; છેટેથી એક મોરલો ગળક્યો, પાસે શિયાળ બોલ્યું, અને દૂર ખેતરમાં ભડકો થઈ ઠરી ગયો. ઠાકોર વિક્રમસિંહજીની આંખ આ બધાં દૃશ્યો પર ફરી જઈને ભાઈલુના ચહેરા પર આવી ઠરી.

તે વખતે અમલીમાં ઉપર જરા ખખડાટ થયો. એક ધડાકે ભાઈલુ બેચાર કદમ જમીન ઠેકી ગયો : ‘હય રે ભૂ..ત !’ તેની રાડ ફાટી ગઈ. તિરસ્કારથી હસીને રજપૂતે તલવાર મ્યાનમાંથી બહાર ખેંચી. તેણે અજબ હિંમથી ઊંચે જોયું, ને ભારે અભિમાનથી હોઠ ફફડાવ્યા : ‘ઊંહ !’

ભાઈલુ હિંમત પકડીને ઊભો : ‘ઠાકોર, ગમે તેમ પણ સળવળાટ થયો !’

‘અરે જાને, રજપૂત હોય ત્યાં ભૂત ન આવે !’ ભાઈલુને હિમ્મત અવી. ‘મેં કહ્યું તે તમે સમજ્યા ? આજે તમે રજપૂતનાં લોહી બચાવો કે ક્યારેક ખરે ટાંકણે એના જગન મંડાય.’

‘પણ શી રીતે ?’ ઠાકોરે શાંતિથી પૂછ્યું.

ભાઈલુ છેક પાસે આવ્યો. તેણે ઠાકોરના ખભા પર હાથ મૂક્યો ને તેની સામે નજર ટકાવી.

‘હું રજપૂત નથી પણ રજપૂતનું અનાજ મેં ખાધું છે...’ તે પોતાનું મોં ઠાકોરના કાન પાસે લાવ્યો, ‘સિંહમલિક તમને મળવા માગે છે. સિંહમલિક-જેને એક વખત તમે જ કેદ પૂર્યો હતો તે જ. તેને તમે મળો ને તે તમને ઝાલોરગઢ આપશે. હમણાં ડાહ્યા થઈ ઝાલોરગઢ હાથ કરો ને પછી તરકડાને જોઈ લેવાશે. કાન્હડદે સાથે ગાંડાઈભરેલા શૌર્યમાં મરીને શું મેળવશો ? ઠાકોર! સમજવા જેવું છે - ઝાલોરગઢ મેળવાશે.’

‘અરે, પણ એ તો ગજબ થાય ! - રજપૂતાઈ રાંડે ને નાક કપાય.’

‘ઠાકોર ! ગાંડું શૌર્ય એ વીરત્વ નથી. અનેક બચશે, તમને ગઢ મળશે. ને એક દી, દીનાનાથ તમારું મોં ઉજ્જવલ કરશે. આજ એ સરદાર કહેવા આવ્યો છે, પણ એ નહિ માનો તો કાલે તમે પોતે કહેવા જશો !’

વિક્રમસિંહનો દૃઢ નિશ્ચય સરવા લાગ્યો. તે વિચારમાં પડ્યો.

‘પણ મલિક પોતે છે ? સિંહમલિક - જેને મેં કેદમાં રાખ્યો હતો તે પોતે છે ? તેણે કહેવરાવ્યું છે ?’

‘હા હા, તે પોતે જ છે, ને તમારી રાહ જુએ છે.’

‘પણ ભાઈલુ, વિશ્વાસઘાતનું મહાપાપ - ?’

‘આ વિશ્વાસઘાત નથી, રાજનીતિ છે : વધારે જીવ બચાવવા માટે થોડા જીવ હોમીએ તેના જેવું.’

ઠાકોરે વધારે કંઈ ન બોલતાં એક પ્રકારનો અવાજ કર્યો. તરત જ ઘોડીનો ઝીણો હણહણાટ ને ડાબલા સંભળાયા. ‘બાપ માણકી’ એટલું કહેતાંકને વિક્રમસિંહે ઘોડી પર પલાણ કર્યું, લગામ હાથમાં લીધી. ને ઘોડીને થોભાવીઃ ‘ઠીક, ભાઈલુ, ત્યારે તું - તુું ઝાલોર જા અને હું મલિકને મળીને ઘડીમાં આવ્યો.’

‘હા; ભલે પધારો, ને વિજય કરો.’

તીરની માફક ઘોડી છૂટી ને સથવારાનો વેશ ઠીકઠીક કરીને ભાઈલુ ઊપડવાની તૈયારી કરવા લાગ્યો.

ચંદ્રમાના ઉજાસમાં જોયું હોય તો ભાઈલુના મોં પર તૃપ્ત થયેલી આશાનો રંગ દેખાયો !

‘હં !’ તે મનમાં જ બોલ્યો, ‘સમિયાણા પડ્યું. સાંતલસિંહે ગયો અને હવે આ ઝાલોરગઢ પડશે. વિક્રમસિંહ રાજા થશે ને હું જાગીરદાર !’ તે મોટેથી હસી પડ્યો. ‘ના, ના, ના. એમાં શું ? જાગીદાર થવામાં શું ? પછી તો હું જ રાજ ચલાવીશ ને હીરાદેવી...’

તે ધ્રૂજવા લાગ્યો. આ નામની સાથે જ એક ઉગ્ર સ્ત્રીમૂર્તિ તેની કલ્પનામાં ખડી થઈ ગઈ. તેણે ફરી વેષ સમાર્યો, ચાલવાની તૈયારી કરી, ને એક વખત સહજ ઊંચું જોયું. પણ એક ભયંકર ધડાકા સાથે આમલીની ડાળીઓ ખસી ગઈ. કડેડાટ કરતું ઝાડ હચમચ્યું ને હુડુડુ એક ભારે વજન ઉપરથી નીચે પડતું હોય તેમ ભાઈલુના શરીર પર કોઈ પડ્યું. ‘ઓયવોય બા-બા !’ એટલું બોલ્યો ન બોલ્યો ત્યાં તેનું મોં લોઢાના પંજા નીચે ગૂંગાળતું લાગ્યું. ભાઈલુનો પહેલો ભય ભૂતનો હતો, તે લોઢાનાં હથિયાર જોતાં કંઈક ઓછો થયો. નીચે દબાતો હતો છતાં તે ગણગણ્યો : ‘તું કોણ છે ?’

‘હું ? તું મને નથી ઓળખતો ?’

‘હં, હં, દીઠો કનકેશ્વર. સાંતલસિંહનો ગુરુ કે ? તારો શિષ્ય તો ગયો, એ જોયું ને ?’

કંઈ જવાબ ન વાળતાં કનકેશ્વરે તેના શરીરને વધારે મસળ્યું. ભાઈલુ જેમજેમ છૂટવા પ્રયત્ન કરવા લાગ્યો, તેમતેમ કનકેશ્વર તેને વધારે કચડવા લાગ્યો. થાકથી હાંફીને અંતે ભાઈલુ શાંત રીતે નીચે પડ્યો રહ્યો.

‘બોલ, હવે છૂટવું છે ? છૂટવું હોય તો કહે કે તું ક્યાં જાય છે ?’

‘એ તો તને ખબર જ છે : સાંતલસિંહનો ગઢ ખોવરાવ્યો ને હવે ઝાલોરગઢ ખોવરાવવા.’

કનકેશ્વરે વધારે જોરથી તેને ભીંસ્યો; ભાઈલુ બૂમ પાડે તે પહેલાં તેના મોં પર હથનો ભાર આવ્યો.

‘સમિયાણાગઢ ખોવરાવીને તેં શું મેળવ્યું ?’

‘હું સમિયાણાનો ગઢવી થઈશ, ને...’

‘બીજું શું ?’

‘ઝાલોરગઢ પડશે તો વિક્રમસિંહ રાજા થશે, તારામાં ડહાપણ હોય તો તું પણ અમારી સાથે થા.’

કનકેશ્વરને વખત ગુમાવવો ઠીક ન લાગ્યો. જે વખત જય છે તેમાં મુસલમાન સરદાર સિંહમલિક કદાચ ઝાલોર તરફ કૂચ કરી રહ્યો હશે. એ વાત સ્પષ્ટ હતી કે વિક્રમસિંહ સિંહમલિકને મળવા ગયો હતો.

જે સાંભળ્યું હતું તે પરથી કનકેશ્વરને આખી વાતની સાંકળ મળી આવતી હતી. ભૂતકાળનો ઈતિહાસ તે જાણતો હતો. તેને ખબર હતી કે સિંહમલિકને એક વખત વિક્રમસિંહે કેદ કર્યો હતો. પણ ત્યાર પછી તેને નસાડી મૂકવામાં પણ તેનો હાથ હતો એમ કહેવાતું. એ બનાવ પછી વિક્રમસિંહની પ્રતિષ્ઠા ઘડી હતી, અને તે પોતે પણ માનહાનિ સહન કરતો હતો, છતાં તકની રાહ જોયા કરતો હતો. આજ વિક્રમસિંહ ત્યાં ગયો છે : સિંહમલિકને મળવા ને ઝાલોરની ગુપ્ત હકીકત આપી ઈનામ લેવા; બસ, થઈ રહ્યું !

‘થઈ રહ્યું ! થઈ રહ્યું. હવે ઝાલોરગઢ નહિ ટકે...’ એ વિચાર બ્રાહ્મણના મનમાં ઘૂમી રહ્યો. હવે વખત ગુમાવવામાં ભારે હાનિ હતી. તે પોતાની તલવાર કાઢી ભાઈલુની છાતી પર અણી ભારવી ઊભો.

‘એ માબાપ !’ કહીને ભાઈલુ બેઠો થવા ગયો, પણ તેને તરત જ સાંભર્યું કે પોતે જરા પણ હાલશે તો સોએ વર્ષ પૂરાં થઈ જશે. ને શાંત પડ્યો રહ્યો.

તલવારની અણી વધારે સખત થતી લાગી. ‘બોલી દે, દુશ્મનો કેટલા વખતમાં આવશે ?’ કનકેશ્વરે પૂછ્યું.

ભાઈલુએ કાંઈ જવાબ વાળ્યો નહિ. પણ તે એક આંચકા સાથે બેઠો થયો, કારણ કે તલવારની અણી વધારે સખત થતી લાગી. પણ આંચકાની સાથે જ તલવાર તેના હૃદયસોંસરવી નીકળી ગઈ. અને તે લોહીમાં નાહી રહ્યો. તેને એમ ને એમ પડતો મૂકી કનકેશ્વર પવનવેગે ઝાલોરગઢ જવા નીકળ્યો.

સવારે સોંસૂઝણું થયા પહેલાં એક અધીરા ઘોડેસવારે ઝાલોરમાં પ્રવેશ કર્યો.

તે પોતાની ડેલીએ પહોંચ્યો ને ઉતાવળે ઘરમાં પેઠો. રજપૂતાણી ઊઠીને દાતણપાણી કરી ઊગતા સૂરજને નમતી હતી. ત્યાં પોતાના ધણીનો પરસેવાથી રેબઝેબ ઘોડો તેની નજરે પડ્યો. સાથે સાથે જ મુસાફરીથી થાકેલો રજપૂત ઘડીમાં મૂછે તાવ દેતો, ઘડીમાં તલવાર પર હાથ દઈ ચાલતો, તેની નજરે ચઢ્યો. તેના શરીર પર થાકનાં ચિહ્ન હતાં. મન પર વિહ્લલતા હતી ને લૂગડાં પર લોહીના ડાઘ હતા, રજપૂતાણી કંઈ તર્ક કરે તે પહેલાં ઠાકોર વિક્રમસિંહે જ કહ્યું : ‘ભારે થઈ ! સમિયાણા પડ્યું. સાંતલસિંહ મરાયા ને મુસલમાનો મારમાર કરતા ઝાલોર પર ઘસ્યા આવે છે !’

‘પણ ઝાલોરને આંગણે તો તમારા જેવા એમની કબર નહિ ખોદાવે? હજી કંઈ રજપૂત મરી ખૂટ્યા નથી !’

‘એ બધાં ગાંડાં શૂરાતન છે !’

હીરાદેવી આશ્ચર્ય ને શંકાની તીક્ષ્ણ દૃષ્ટિએ રજપૂત તરફ જોઈ રહી. રજપૂતે તેની નજર ચુકવી.

‘એવું છે કે રણથંભોર જેવા પણ પડ્યા છે, તો ઝાલોર તો શું ?’

કોઈ વીજળી ચમકે ને આંખ મીંચાય તેમ વિક્રમસિંહ બોલતાં તો બોલ્યો, પણ હીરાદેવીના મોં પર જે ચળકાટ ચાલ્યો ગયો એ જોઈને તે થંભી ગયો.

‘હેં... શું કહ્યું...? ઝા... લો... ર શા હિસાબમાં ?’

‘ના... પણ...’ ‘કાન્હડદે જોયો છે ?... અને વિરમ... દેવ અને તું મારો ઈશ્વર

વિક્રમસિંહ... આટલા સિંહો જીવતાં શું ઝાલોરગઢ પડે ?’

વિક્રમસિંહને પગથી માથા સુધી ધ્રુજારી ચાલી ગઈ.

‘આ લોહીનાં વીરસ્નાન ક્યાં કર્યાં ?’

‘ભાઈલુ મરણ પામ્યો. વગડામાં કોઈએ છાતી વીંધી નાંખેલી; અને મેં તેને પડેલો જોયો અને...’

રજપૂતાણીએ સાંભળ્યું નહિ. તે નિરાશ થઈ હતી. તેણે ધાર્યું હતું કે શરીર પરનાં લોહીનાં છાંટણાં યશતિલક જેવાં નીકળશે.

‘એવું છે કે જો આજે કોઈ ઝાલોરગઢને અખંડિત બચાવે અને આટલા રજપૂતોને કપાઈ જતા રોકે તો જતે દહાડે વખત આવ્યે તે તરકડાને હંફાવે.

એવું ડહાપણ હોય તો ઝાલોરગઢ બચે.’

હીરાદેવીએ ઉતાવળથી પૂછ્યું : ‘શી રીતે બચે ?’

‘ડહાપણથી.’

‘ડહાપણ એટલે ?’

‘સમયસૂચકતા.’

‘આવે રમકડે રમતાં કોણે શિખવાડ્યું, રજપૂત ?’

‘તને ખબર છે કે મેં ઝાલોરગઢ હાથ કર્યું છે ? હું રાજા છું !’

‘હેં !’

‘હા. જો પેલા મલિકને ઓળખે છે ને ? પેલો આપણે કેદ કર્યો હતો તે. તેને હું આજે મળ્યો. મેં એને ઝાલોરગઢનું ગુપ્ત દ્વારા દેખાડ્યું છે, ને તેણે

મને રાજ આપવાનું કબૂલ કર્યું છે. ગાંડા રજપૂતો પોતે મરત ને કિલ્લો

ગુમાવત : તે મેં કિલ્લો પણ રાખ્યો છે, ને રાજ પણ રાખ્યું છે !’

‘અરે રજપૂત ! આ તેં શું કર્યું ? નિમકહરામી -’ એ જ વખતે કનકેશ્વરે ડેલીમાંથી પ્રવેશ કર્યો.

હીરાદેવી જેમ વેગભરી વીજળી ચમકે તેમ રજપૂત તરફ કૂદી, પણ કનકેશ્વરને જોતાં જરા થંભી ગઈ. કનકેશ્વર છેક તેની પાસે આવ્યો. વિક્રમસિંહને ઊભેલો જોઈ તે ખંચાયો. પણ હીરાદેવીએ તેને આગળ વધવા ઈશારત કરી.

ક્રોધથી હોઠને ધ્રૂજતા દબાવવા તે વ્યર્થ યત્ન કરી રહી હતી; ‘કેમ?

કેમ, મહારાજ, શો સંદેશો છે ?’

‘અત્યંત વિપરીત !’

‘શું ?’ હીરાદેવીએ અને વિક્રમસિંહે એકસાથે પૂછ્યું.

‘ભાઈલુ મરાયો.’

વિક્રમસિંહ હસી પડ્યો : ‘ઓ.. હો ! એ તો વિશ્વાસઘાતનું ફળ !’

બ્રાહ્મણ કંઈક વધોર કહેવા માગે છે એ હીરાદેવી કળી ગઈ. તેણે બ્રાહ્મણને ફરી પૂછ્યું : ‘એ સિવાય કંઈ ?’

‘હમણાં જ મુસલમાનો આવશે, અને ઝાલોર પડશે.’

એક કૂદકે હીરાદેવીને બ્રાહ્મણના હાથની તલવાર ઝૂંટવી લીધી. તેણે તેની ગળચી પકડી, દાંત ભીંસીને કહ્યું : ‘શું, ઝાલોરગઢ પડશે ? કાળમુખા? બોલ, બોલ, ઝાલોરગઢ કેમ પડશે ?’

બ્રાહ્મણ ખડખડાટ હસ્યો : ‘જેની છાયામાં તું ઊભી છે તે વિક્રમસિંહને જ પૂછી જો ને !’ હીરાદેવીએ બ્રાહ્મણને છોડી દીધો. તેણે વેગથી વિક્રમસિંહ સામે જોયું : ‘ઠાકોર !’

‘ઝાલોરને મેં બચાવ્યું છે !’

‘બચાવ્યું છે કે બચાવીશ ? શી રીતે ?’

‘બચાવ્યું. બચાવ્યું, બચાવ્યું; મલિક મારફત ઝાલોર બચાવ્યું, ડહાપણથી બચાવ્યું.’

કનકેશ્વર હસી પડ્યો.

હીરાદેવીની આંખ ફરી ગઈ : ‘રજપૂત ! તું મારો... ધણી નથી. તું ડહ્યો છે. મારે શૂરવીર નરની સ્ત્રી થવું છે, દેશદ્રોહી !’

તેના દાંતની કડકડાટી સંભળાણી. એક ઠેકડે તેણે ભીંત ઉપરથી લટકતી તલવાર લીધી. એક જ ક્ષણમાં તેની તલવાર વીજળી ઝડપે આકાશમાં ઊંચી ગઈ, વેગથી વિક્રમસિંહ પર પડી, રજપૂતે સાવધાનતાથી તેને પોતાની તલવર પર ઝાલી લીધી. તણખા ઊડ્યા ને ભયંકર અવાજ થયો.

‘અલ્હા હો અકબર !’ દિગન્તવ્યાપી વિજયી અવાજ ઝાલોરગઢનાં દૂરદૂરનાં મેદાનોમાં સંભળાતો લાગ્યો.

‘અરેરે !’ કનકેશ્વર નિરાશ થઈને બોલ્યો, ‘આવી પહોંચ્યા.’

ફરીથી હીરાદેવીની તલવાર ઝપાટાબંધ ઊંચે ચઢીને વજ્રનો ઘા થાય તેમ વિક્રમસિંહ પર પડી; તેને જનોઈવઢ કાપી નાખ્યો, તેના ધગધગ વહેતા લોહીમાંથી તેણે હસીને કપાળે તિલક કર્યું. ને લોહીવાળી ઉઘાડી તલવારે જ તે બહાર દોડી ગઈ.