My Better Half - 19 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | My Better Half - 19

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

My Better Half - 19

My Better Half

Part - 19

Story By Mer Mehul

બીજા દિવસની સવાર મારા માટે જુદી જ મુસીબત લઈને આવી હતી. જ્યારે મારી આંખો ખુલ્લી ત્યારે મારાં બેડ ફરતે મારો પૂરો પરિવાર હતો. સામે મમ્મી-પપ્પા ઊભાં હતાં. બાજુમાં ભાઈ-ભાભી હતાં. એ લોકો મને અપલક નજરે જોઈ રહ્યાં હતાં. એ લોકો ક્યારનાં મારી રાહ જોઇને ઊભાં હતાં એ મને ખબર નથી, કોઈએ મને જગાડવા ઢંઢોળ્યો પણ નહોતો. મને એ વાતનું આશ્ચર્ય થયું,

“તારી આંખો કેમ સોજી ગઈ છે ?” મમ્મીએ મારી આંખોમાં આંખ પરોવીને પૂછ્યું. હું ડરી ગયો. રડવાને કારણે મારી આંખો સોજી ગઈ હતી અને એ વાતની જાણ મારી મમ્મીને થઈ ગઈ હતી.

“બે દિવસથી મોડી રાત સુધી જાગુ છું એટલે ઉજાગરો છે” મેં બહાનું બનાવ્યું.

“તું ક્યાં દિવસથી ખોટું બોલવા લાગ્યો ?” મમ્મીએ ફરી પૂછ્યું.

“મતલબ…” મેં પૂછ્યું.

“તું છેલ્લાં કેટલાંક દિવસથી શા માટે મોડો આવે છે એ અમને ખબર છે…તું વૈભવીને મળવા નથી જતો.., તું અંજલી નામની છોકરીને મળે છે..” મમ્મીએ કહ્યું.

“હા..મળું છું...તો શું થયું…મેં પપ્પાને બધી વાત કહી છે” મેં કહ્યું.

“બધી વાત નથી કહી તે…” મમ્મીએ કહ્યું, બધા મૌન બનીને મમ્મીની વાત સાંભળતા હતાં.. મતલબ તેઓ મમ્મીની સાથે હતાં.

“તું અંજલીને પસંદ કરવા લાગ્યો છે.. વૈભવી સાથે તારે લગ્ન નથી કરવા અને એટલા માટે જ થોડા દિવસથી તારું વર્તન બદલાય ગયું છે” મમ્મીએ ધમાકો કર્યો.

“શું બકવાસ કરે છે મમ્મી…તને આવું બધું કોણે કહ્યું ?, મેં લગ્ન માટે હા તો પાડી દીધી છે”

“કોણે કહ્યું છે એ મહત્વનું નથી. સાચું છે કે નહીં એ મહત્વનું છે…”

“હા સાચું છે…હું અંજલીને પસંદ કરું છું પણ વૈભવી સાથે મારે લગ્ન નથી કરવા એવું મેં કહ્યું જ નથી..” મેં સફાઈ આપતાં કહ્યું.

“હજી જુઠ બોલે છે તું…તારી આંખો, તારું વર્તન એમ જ કહે છે કે તું અંજલી સાથે રહેવા ઈચ્છે છે..”

“મમ્મી…હું શું ઈચ્છું છું એ મહત્વનું નથી. તમે લોકો લગ્નની તૈયારી શરૂ કરી દો” મેં કહ્યું, “અને મને આવી રીતે ઘેરીને ના ઊભા રહો.. હું તમારો દીકરો છું કોઈ ગુન્હેગાર નહિ..”

“અનિરુદ્ધ…” પપ્પાએ કહ્યું, “તું લગ્ન માટે સાચે તૈયાર છે ને…હજી કંઈ બગડ્યું નથી. તું કહીશ તો અમે તારા લગ્ન અંજલી સાથે કરાવી દઈશું”

હું ચૂપ રહ્યો.

“એ લગ્ન માટે તૈયાર જ છે…તમે એનું મન ના ભટકાવો.. આજે વૈભવીને બોલાવીને બધી ખરીદી કરી લઈએ એટલે એક કામ પતે..” મમ્મીએ કહ્યું.

“તમારે જે કરવું હોય એ કરો…મને અત્યારે ફ્રેશ થવા દો” મેં કહ્યું.

બધા મારો રૂમ છોડીને જતાં રહ્યાં. તેઓને અંજલી વિશે કોણે કહ્યું હશે ?, વૈભવીએ..?, પણ મેં એને કોઈ વાત જ નથી કરી. મેં વૈભવીને કૉલ કર્યો.

“કાલે ક્યાં બિઝી હતો ?” વૈભવીએ કૉલ રિસીવ કરીને પૂછ્યું. તેનો અવાજ બિલકુલ શાંત હતો, એ નારાજ નહોતી મારાથી.

“કામમાં હતો..” મેં બહાનું બનાવ્યું, “તે લગ્ન માટે હા કહી છે ?”

“ના..મારાં ભુતે હા કહી છે..” એ હસી, “ઓબ્વીયસલી મેં જ હા કહી હોય અને મને ખબર છે તે પણ હા જ કહી છે… મને તો ખબર જ હતી…”

“પંદર દિવસ પછી લગ્ન છે એ વાત પણ તને ખબર હશે..” મેં કહ્યું.

“મારાં લગ્ન છે તો મને ખબર નહિ હોય તો કોને હશે ?”

“આપણે ઉતાવળ કરીએ છીએ એવું નથી લાગતું તને ?” મેં પૂછ્યું.

“એમાં શેની ઉતાવળ…આપણી કુંડળીમાં ચાર વર્ષનો દોષ છે તો આ પંદર દિવસમાં લગ્ન કરીએ છીએ અને પછી કરવા કે અત્યારે..હવે લગ્ન તો કરવાનાં જ છે ને..”

“આજે શોપિંગ માટે બોલાવશે તને…” મેં કહ્યું, “તને પસંદ આવે એ વસ્તુ લઈ લેજે..”

“તું નહિ આવે ?” તેણે પૂછ્યું.

“એમાં મારી જરૂર પડશે?.. અને આમ પણ મારે થોડું કામ છે…એડજસ્ટ કરી લેજેને…પ્લીઝ..” મેં કહ્યું.

“ઑકે…તું તારું કામ પતાવ પહેલાં..” તેણે કહ્યું.

“બાય..” કહીને મેં કૉલ કટ કરી દીધો.

વૈભવી જેવી રીતે વાત કરતી હતી તેનાં પરથી તેને અંજલી વિશે ખબર હશે એવું મને ના લાગ્યું. તો પછી મારાં ઘરે આ વાત પહોંચી કેવી રીતે ?

મારી અને અંજલી સિવાય આ વાતની જાણ માત્ર સચિનને જ હતી. તો શું સચિને… પણ સચિન આવું શા માટે કરે..?, એ તો મારો દોસ્ત છે.

મેં સચિનને કૉલ કરીને પણ પૂછી લીધું, તેને એવી કોઈ વાતો નહોતી કરી. અંજલીને પુછવાનો સવાલ જ નહોતો.

પૂરો દિવસ આ સવાલ મને હેરાન કરતો રહ્યો પણ તેનો કોઈ જવાબ મને ના મળ્યો. સાંજે મારે અંજલીને મળવાનું હતું. કદાચ તેની પાસે મારા સવાલનો જવાબ હશે એવી આશાએ હું તેને મળવા પહોંચી ગયો.

અમે તેનાં ઘર નજીક આવેલા ‘ગોટીલા ગાર્ડન’ માં મળવાનું નક્કી કર્યું હતું. મારે તેની સાથે એકાંતમાં વાત કરવી હતી એટલે મેં જ તેને ત્યાં મળવા બોલાવી હતી. તેણે આવીને મારાં પર શબ્દોનો મારો કર્યો હતો,

“તું પાગલ થઈ ગયો છે, તારી સગાઈ નક્કી થઈ ગઈ છે…”

“નક્કી થઈ છે, હજી થઈ નથી અને આ જ સમય છે મારી પાસે…હું હજી પપ્પાને ના પાડીશ તો સંબંધ બગડશે નહિ..જો એકવાર સગાઈ થઈ ગઈ તો પછી કંઈ નહી થાય…” મેં તેને સમજાવવાની કોશિશ કરી.

“તું મને એક વાત કહે...મેં મારી ફીલિંગ્સ કહી પછી જ તારો વિચાર બદલ્યોને…એ પહેલા તો તું વૈભવીનાં વખાણ કરતો થાકતો નહોતો..”

“તે જ કહ્યું હતું…ફીલિંગ્સ ક્યારે આવે એનો કોઈ સમય નક્કી નથી હોતો….અને વૈભવી વિશે હજી હું સારું જ બોલું છું.. એ સારી છોકરી છે..કદાચ અમારા લગ્ન થાય તો એ સારી પત્ની પણ બનશે…પણ…”

“પણ શું અનિરુદ્ધ…!”

“પણ અમે બંને ખુશ નહિ રહી શકીએ…અને તું કહે છે ને કે પહેલાં શા માટે મેં ના કહ્યું…તો એનો જવાબ છે કે પહેલા મેં તારા વિશે એવું કશું વિચાર્યું જ નહોતું…વૈભવીને જોવા ગયો એ પહેલાં પણ મેં ક્યાં એનાં વિશે કંઈ વિચાર્યું હતું…મેં ઘરેથી ના જ પાડી હતી..કારણ કે હું એવી જીવનસાથી નથી ઇચ્છતો જેને હું લગ્ન પછી જાણી શકું….હું જેને સંપૂર્ણપણે જાણતો હોઉં એનાં સાથે પુરી લાઈફ સ્પેન્ડ કરવા ઈચ્છું અને એ વૈભવી નથી..તું છે અંજલી….”

“પ્લીઝ અનિરુદ્ધ…મેં મારી ફીલિંગ્સ કહીને ભૂલ કરી છે એવું મને ફિલ ના કરાવ….હું તને પસંદ કરું છું…તારાં માટે મારાં હૃદયમાં જે સ્થાન છે એ હંમેશા અકબંધ રહેશે…તું આવી બાળકો જેવી હરકત કરીને એ ના ગુમાવ…” અંજલી રડવા જેવી થઈ ગઈ હતી.

“મને એકવાતનો જવાબ આપીશ…!” મેં પૂછ્યું, “ચાલ માની લઈએ મારાં અને વૈભવીનાં લગ્ન થઈ ગયા… તો શું તું ખુશ રહી શકીશ ?”

અંજલી ચૂપ થઈ ગઈ. ચૂપ જ થઈ જાયને…તેની પાસે મારા સવાલનો જવાબ જ નહોતો.

“તે મારી ખુશી વિશે ઘણું વિચાર્યું છે અનિરુદ્ધ…” તેણે કહ્યું, “હવે મને વિચારવા દે…તમને બંનેને સાથે જોઈને હું પહેલા પણ ખુશ હતી અને આજે પણ છું”

“જુઠ્ઠું બોલે છે તું…તારી આંખો અને શબ્દોનાં ભાવ મળતાં નથી” મારો અવાજ મોટો થઈ ગયો, “હું છેલ્લીવાર તને પૂછું છું અંજલી…મારી સાથે લગ્ન કરીશ..?”

તેણે મારી આંખોમાં જોયું, હું ગુસ્સામાં હતો…તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં, દર્દને કારણે રડી પણ નહોતી શકતી…પણ આજે મને કોઈ પરવાહ નહોતી…આજે જો એણે જવાબ ન આપ્યો તો મોડું થઈ જવાનું હતું.. ખૂબ જ મોડું…!

“ના…” એ ધીમેથી બોલી, “હું નહિ કરી શકું”

“ફાઇન…” હું ઉભો થયો, “રવિવારે મારી સગાઈમાં અને એ પછીનાં રવિવારે મારાં લગ્નમાં આવી જજે”

એ ત્યાં જ બેઠી રહી. હું તેને રડતી છોડીને નીકળી ગયો. ગુસ્સામાં હું ઘરે આવ્યો. ઘરમાં લગ્નનો માહોલ સર્જાઈ ગયો હતો. મમ્મી-પપ્પા સોફા પર બેસીને ચર્ચા કરી રહ્યા હતા. હું સોફાની બાજુમાંથી પસાર થઈને દાદરો ચડવા લાગ્યો.

“અનિરુદ્ધ…” મમ્મીએ મને બોલાવ્યો. હું ઉભો રહી ગયો અને પાછળ ફર્યો.

“વૈભવી માટે થોડાં સાડી અને ડ્રેસ પસંદ કર્યા છે.. તું એકવાર જોઈ લે..ન પસંદ આવે તો બદલાવી લેશું..” મમ્મીએ કહ્યું.

“મારે પહેરવાનાં છે ?” હું ગુસ્સામાં બરાડ્યો, “વૈભવી સાથે હતી તો શું કામ મને પૂછો છો ?”

“અનિરુદ્ધ…” પપ્પાએ શાંત અવાજે કહ્યું, “તારી મમ્મી પર ગુસ્સો ના ઠાલવ…તારી પત્નીનાં કપડાંની ખરીદી કરી છે.. તારે જોવા હોય તો જો…નહીંતર ફ્રેશ થઈને જમવા આવી જા”

હું કંઈ જવાબ આપ્યા વિના દાદરો ચડી ગયો. રૂમમાં આવીને હું બેડ પર બેસી ગયો. મને શું થઈ રહ્યું હતું ?, બે દિવસથી હું શા માટે બધા પર ગુસ્સો કરતો હતો ?, મમ્મી પોતાની જગ્યાએ સાચા જ હતાં.. પોતાનાં દીકરાનાં લગ્નનો ઉત્સાહ કોને ના હોય ?

ફ્રેશ થઈ, કપડાં બદલી હું નીચે મમ્મીને મળવા ગયો. સોફા પર મમ્મી નહોતાં બેઠાં.. બધી વસ્તુ પણ સમેટી લેવામાં આવી હતી.

“મમ્મી ક્યાં ગયાં ?” મેં પપ્પા સામે જોઇને પૂછ્યું.

“રસોડામાં હતાં..” પપ્પાએ કહ્યું.

હું રસોડા તરફ ચાલ્યો…રસોડામાં પણ મમ્મી નહોતાં. મેં ભાભીને પૂછ્યું.

“કદાચ તેઓ પોતાનાં રૂમ તરફ ગયાં છે..” ભાભીએ જવાબ આપ્યો. હું મમ્મી-પપ્પાનાં રૂમ તરફ ચાલ્યો. રૂમનું બારણું અધુકડું ખુલ્લું હતું. હું દરવાજા પાસે પહોંચ્યો ત્યાં મમ્મીનો ઝીણો અવાજ મારાં કાને પડ્યો. એ કોઈની સાથે ફોનમાં વાતો કરી રહ્યાં હતાં. મેં દરવાજા પર કાન માંડ્યા.

“એ હજી તેને મળીને જ આવ્યો છે…ખબર નહિ એ ચુડેલે મારા દીકરા પર શું જાદુ કરી નાંખ્યો છે…સવારે ઉઠીને પહેલાં તેને સમજાવ્યો હતો તો પણ અત્યારે મળવા ગયો” મમ્મી કોઈને ફોનમાં કહેતા હતાં.

થોડીવાર મમ્મી ચૂપ રહ્યા, ત્યારબાદ ફરી એ બોલ્યા,

“એવું કશું નહીં થાય…મારા દીકરાનાં લગ્ન તારી સાથે જ થશે…અની.. બીજું કોઈ પગલું ના ભરે એટલે તો કુંડળીનું બહાનું બતાવીને વહેલાં લગ્ન ગોઠવી દીધા”

ફરી મમ્મી પંદર સેકેન્ડ માટે ચૂપ થઈ ગયા, ત્યારબાદ તેઓએ પોતાની વાત શરૂ કરી,

“ચિંતા ના કર…તારું નામ ક્યાંય નહીં આવે…મેં કોઈનું નામ જ નથી આપ્યું..અને તારાં પતિને કોઈ આવી રીતે છીનવી જાય તો ચૂપ થોડીને બેસે… તે જે કર્યું છે એ બરાબર જ કર્યું છે…જો તે અંજલીને મળીને તેને ધમકાવી ના હોત તો એ ક્યારની લગ્ન માટે હા પાડી દેત..”

વૈભવી…!, મમ્મી વૈભવી સાથે વાતો કરી રહ્યાં હતાં. વૈભવીએ જ મમ્મીને અંજલી વિશે કહ્યું હતું. મારું મગજ ચકરાઇ ગયું. મારે હવે તેઓની વાતો નહોતી સાંભળવી. હું દોડીને પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો અને વૈભવીને કૉલ કર્યો. મને ખબર હતી તેનો ફોન વ્યસ્ત જ આવશે. મેં ફોન કાપી નાંખ્યો. એક મિનિટ પછી સામેથી તેનો કૉલ આવ્યો.

“કોની સાથે વાત કરતી હતી..?” મેં કૉલ રિસીવ કરીને પૂછ્યું.

“સહેલી હતી…” એ જુઠ્ઠું બોલી, “કેમ શું થયું ?”

“વૈભવી… મારે તને મળવું છે ” મેં કહ્યું.

“કાલે સવારે મળીએ…” તેણે કહ્યું.

“ના..અત્યારે જ..અડધી કલાકમાં હું તને પિક કરવા આવું છું.. તૈયાર રહેજે..” મેં કહ્યું.

“ઓકે…આવી જા..” તેણે કોઈ સવાલ કર્યા વિના જવાબ આપ્યો. મેં ફોન કટ કરી દીધો.

ઘરે કોઈને જાણ કર્યા વિના હું વૈભવીને મળવા ચાલ્યો ગયો.

*

“આ બધું શું છે વૈભવી ?” હું મનમાં ગુસ્સા હતો એટલા જોરથી બરાડ્યો.

“શું..?” વૈભવીએ એટલી જ શાંતિથી પૂછ્યું.

“તે અંજલીને ધમકાવી હતી ?, અને અંજલી વિશે મમ્મીને જણાવ્યું હતું ?” પૂર્વવત ગુસ્સામાં મેં કહ્યું.

“તો શું કરતી હું ?, તું મારાથી દૂર અને અંજલીની નજદીક જઈ રહ્યો હતો. હું શું કોઈ પણ છોકરી આ સહન ના કરી શકે..”

“તે મને એકવાર પૂછ્યું ?, આપણે એકબીજાની લાઈફમાં ક્યાં દિવસથી દખલગીરી કરવા લાગ્યા ?, અંજલી અને મારા સંબંધ વચ્ચે તું શું કામ માથાં મારે છે ?”

“તું મારો હસબન્ડ થવાનો છે અનિરુદ્ધ…મારી નજર સામે તું કોઈ છોકરીને આવી રીતે ટ્રીટ કરે એ હું કેવી રીતે સહન કરી શકું ?, અને અંજલીમાં શું ખાસ છે ?, ગરીબ છે, મમ્મી-પપ્પા નથી તેનાં, ઓફિસોમાં કોની કોની સાથે સુઈને આવી હશે….”

સટાક…મેં તેનાં ગાલ પર તમાચો ચોડી દીધો.

(ક્રમશઃ)