My Better Half - 8 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | My Better Half - 8

Featured Books
Categories
Share

My Better Half - 8

My Better Half

Part - 8

Story By Mer Mehul

હું બહાર આવ્યો ત્યારે બહારનું વાતાવરણ હતું એવું જ તંગ હતું. વૈભવીએ મારી સામે જોઇને મને ઇશારામાં પૂછ્યું. મેં આંખો પલકાવીને ‘બધું ઑકે છે’ એવું જણાવ્યું.

હું અંકલ પાસે ગયો,

“અંકલ થોડીવારમાં એ બહાર આવે છે, તેને કંઈ પૂછતાં નહિ. બહાર આવે એટલે પહેલાં જેવું વર્તન કરતાં એવું જ કરજો” મેં કહ્યું. મને ભરોસો હતો, મારી વાતો રોશનીનાં ગળે ઉતરી ગઈ છે એ મને તેની આંખો પરથી ખબર પડી ગઈ હતી.

બે મિનિટ થઈ એટલે રૂમનો દરવાજો ખુલ્યો. રોશની બહાર આવી. આંટી પાસે જઈને એ બોલી,

“હું જીજુ માટે ચા બનાવી આવું”

આંટીએ તેને ગળે લગાવી લીધી. અંકલ મારી સામે જોઇને હસવા લાગ્યાં. વૈભવી પણ મારી સામે જોઇને હસતી હસતી, રડતી હતી. વાહ..! હસતાં હસતાં રડવું…!

“હજી એ તારાં જીજુ નથી બન્યા” વૈભવીએ રોશનીની પાસે જઈને કહ્યું.

“મેં તો માની જ લીધાં છે” રોશનીએ કહ્યું અને વૈભવીને ગળે વળગી ગઈ. બંને બહેનો થોડીવાર માટે રડી પડી. ત્યારબાદ રોશની અંકલ પાસે આવી,

“સૉરી પપ્પા” રોશનીએ કહ્યું.

“ઇટ્સ ઓકે બેટા, હવે કોઈ પ્રોબ્લેમ થાય તો અમને કહેજે. રૂમ બંધ કરીને ખોટા વિચાર ના કરતી” અંકલે તેનાં માથે હાથ રાખીને કહ્યું.

વાતાવરણ હળવું ફૂલ બનાવવા માટે હું વચ્ચે કુદ્યો.

“હું ચાની રાહ જોઈ રહ્યો છું..રોશની”

મારી વાત સાંભળીને બધા હસી પડ્યા. થોડીવારમાં ચા આવી, અમે લોકોએ ચા પીધી. અંકલે મારી ફેમેલીનાં ખબર-અંતર પૂછ્યા.

મેં ઘડિયાળમાં નજર કરી. સાડા બાર થયાં હતાં. જો થોડીવાર વધુ બેસી ગયો તો અંકલ જમ્યા વિના મને નહિ નીકળવા દે એની મને ખાતરી હતી. મેં જવામાં માટે રજા માંગી એટલે અંકલે જમવા માટે આગ્રહ પણ કર્યો. મેં સિફતથી બહાનું બનાવી લીધું અને ‘પછી ક્યારેક આવીશ’ એમ કહીને જવા માટે મંજૂરી મેળવી લીધી.

“જા બેટા..અનિરુદ્ધને નીચે સુધી છોડી આવ” અંકલે વૈભવીને ઉદ્દેશીને કહ્યું.

અમે બંને નીચે પાર્કિંગમાં આવ્યાં.

“થેંક્યું..” વૈભવીએ કહ્યું.

“આ પણ મારી ટેસ્ટ માટે જ નહોતું ગોઠવ્યું ને..!” મેં મજાક કરતાં કહ્યું. વૈભવીએ મારી સામે જોઇને નાક ફુલાવ્યું.

“ટેસ્ટ તો નહોતી પણ તું પાસ જરૂર થઈ ગયો છે” તેણે કહ્યું. મેં હળવી સ્માઈલ કરી.

“બાય ધ વે, હું દસ મિનિટ સુધી કોશિશ કરીને થાકી ગઈ તો પણ રોશનીએ કંઈ જવાબ નહોતો આપ્યો અને તે પાંચ મિનિટમાં એવી તો શું વાતો કરી કે એ માની ગઈ”

“આપણી ભૂલ જ ત્યાં થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ હતાશ હોય અથવા મુંજાયેલો હોય ત્યારે આપણે એને સલાહ આપીએ છીએ અથવા તેની આ ઉદાસી પાછળનું કારણ જાણવાની કોશિશ કરીએ છીએ. હકીકતમાં તેને સલાહ નહિ સાથની જરૂર હોય છે. મેં એને એક પણ પ્રશ્ન નહોતો પૂછ્યો, એને સમજાવવાની કોશિશ પણ નહોતી કરી…ઈનફેક્ટ હું તેને સ્યુસાઇડ કરવાની પરમિશન આપીને આવ્યો હતો. મેં મારી સાથે બનેલી એક ઘટનાં શેર કરી અને બહાર આવી ગયો. મને વિશ્વાસ હતો એ સમજી જશે અને એ સમજી પણ ગઇ”

“તે કંઈ ઘટનાં શેર કરી એ મારે નથી જાણવું, અંતે બધું ઠીક થઈ ગયું એ જ મહત્વનું છે” તેણે સસ્મિત કહ્યું.

“આજે આપણે નહીં મળીએ, હજી કદાચ તેનું મન ભટકી શકે છે. કાલે સાંજે આપણે CCDમાં મળીશું” મેં કહ્યું.

“સાંજે હું તને કૉલ કરીશ” તેણે કહ્યું.

મેં સહમતીપૂર્વક ડોકું ધુણાવ્યું. અમે બંને ‘બાય’ કહીને છુટા પડ્યા.

બાકી રહેલો અડધો દિવસ દોસ્તોને મળવામાં અને ફેમેલી સાથે જ પસાર થઈ ગયો. સાંજે અમે મોડી રાત સુધી વાતો કરી. એ વારેવારે રોશનની બાબતમાં મને થેંક્યું કહેતી હતી. હું પણ તેને થેંક્યું ન કહેવા સમજાવી રહ્યો હતો. મેં થોડીવાર રોશની સાથે પણ વાત કરી હતી. રોશની હવે સ્વસ્થ જણાય રહી હતી. છેલ્લે ફોન રાખ્યો ત્યારે વૈભવી મને કશું કહેવાની કોશિશ કરતી હતી પણ એ સરખી રીતે બોલી નહોતી શકતી.

‘સમય આવશે ત્યારે કહીશ’ એમ કહીને તેણે વાત પૂરી કરી દીધી. આખરે એક વાગ્યે અમે ‘ગુડ નાઈટ’ કહ્યું.

મારો પૂરો દિવસ ચડાવ-ઉતારમાં પસાર થયો હતો. હા, ચડાવ-ઉતાર જ..!

સવારમાં વૈભવીને જોઈને હું અંજાઈ ગયો, આગળની રાત્રે પુરા દિવસનું પ્લાનિંગ કર્યું હતું તેનાં પર વૈભવીએ પાણી ઢોળી દીધું. ત્યારબાદ અમે લોન્ગ ડ્રાઇવ પર ગયાં. જ્યાં પહેલીવાર અંજલીએ મને હગ કર્યો. પછી અંજલીએ મારી ટેસ્ટ લીધી, ત્યારબાદ અમે બંને નિરાંતે બેસીને વાતો કરવાની તૈયારીમાં હતાં ત્યાં અંકલનો ફોન આવ્યો અને રોશનિવાળી ઘટનાં…!

હું થાકી ગયો હતો. ફોનમાં એલાર્મ સેટ કરીને હું વૈભવીનાં વિચાર કરતો સુઈ ગયો.

*

બીજા દિવસની સવાર કંટાળાજનક હતી. સોમવાર હંમેશા કંટાળાજનક જ હોય છે. કોઈ ધક્કો મારીને ઓફીસે મોકલતું હોય એમ હું પરાણે ઓફિસે ગયો. હવે પછીનાં છ દિવસ કામમાં જ પસાર થવાનાં હતાં. ડીલક્સની વિઝીટ લઈને હું ઓફીસે પહોંચ્યો. આજે પણ અંજલી નહોતી આવી. અંજલીએ સતત બે દિવસ રજા રાખી હતી. શુક્રવારે તેણે પોતાનો કોઈ પ્લાન પણ નહોતો જણાવ્યો. એ બીમાર પડી હશે , કોઈ કામ આવી ગયું હશે અથવા અંગત કારણોસર તેને રજા રાખી હશે એમ વિચારીને હું કામમાં લાગી ગયો.

થોડા દિવસથી સાઈડ બિઝનેસ પણ ઠપ હતો. મેં એક સાઇટ ઓપન કરીને થોડાં વીડિયો ડાઉનલોડીંગમાં મુક્યા. અંજલી નહોતી આવી એટલે પ્રણવ પણ ઉદાસ હતો. એક પત્ની ઘરે હોવા છતાં એની ઉદાસીનું કારણ હું સમજી નહોતો શકતો.

હું કામમાં વ્યસ્ત હતો એ દરમિયાન બોસે મને કેબિનમાં બોલાવ્યો. પહેલાં તો મને ડર લાગ્યો. પહેલાં આવી રીતે બોસે મને કોઈ દિવસ ઓફિસમાં નહોતો બોલાવ્યો. ‘અંજલીએ મારાં સાઈડ બિઝનેસ વિશે કહી દીધું હશે તો મારું તો આવ્યું જ બનશે’ એમ વિચારીને મેં ધીમે ધીમે ઓફિસ તરફ પગ ઉપાડ્યા.

‘મૅય આઈ કમિન મેડમ…” કાચનો દરવાજો અધુકડો ખોલીને મેં બોસની કેબિનમાં ડોકિયું કર્યું.

“યસ..પ્લીઝ..” મેડમે કહ્યું.

હું કેબિનમાં પ્રવેશ્યો. અંદર બીજા બે એમ્પ્લોય પણ બેઠા હતાં. મેડમે તેઓને બહાર જવા ઈશારો કર્યો. અહીં મારાં દિલની ધડકન તેજ થઈ ગઈ.

“બેસો…” મેડમે સામેની ખુરશી પર બેસવા ઈશારો કર્યો. હું ધીમેથી ખુરશી પર બેસી ગયો.

“અંજલી….” મેડમ બોલ્યા. મારાં છક્કાછૂટી ગયાં. નક્કી આ અંજલીનું કારસ્તાન છે. એટલા માટે જ એ બે દિવસથી ઓફિસે નથી આવતી.

“સૉરી મેડમ…વોટ અંજલી..!” મેં અજાણ બનવાની કોશિશ કરી.

“બે દિવસથી અંજલી કેમ નથી આવતી ?” મેડમે પૂછ્યું.

ઓહહ.. હાશશ…!

મેં હાશકારો અનુભવ્યો.

“આઈ ડોન્ટ નૉ મેડમ…તેણે મને જણાવ્યું નથી” મેં કહ્યું.

“તેનો કૉલ પણ રિસીવ નથી થતો” મેડમે કહ્યું.

“મેં તમને જણાવ્યુંને મેડમ, તેણે મને કશું જણાવ્યું નથી” મેં વાત દોહરાવી.

“ઠીક છે, બે દિવસ એની રાહ જોઈએ.. નહીંતર જવા દઈએ” મેડમે કહ્યું, “તારી પીસીનાં બધા ડેટા બરાબર છે ને..?”

“હા મેડમ..બધું બરોબર છે” મેં કહ્યું.

“યુ કેન ગો નાઉં…” મેડમે કહ્યું. હું ઉભો થયો અને દરવાજા પાસે પહોંચ્યો. થોડું વિચારીને હું ફર્યો.

“મેડમ…અંજલીનું એડ્રેસ મળી શકશે ?” મેં પૂછ્યું, “હું એકવાર તેને મળીને પૂછી જોઇશ”

“યસ..એચ.આર ડિપાર્ટમેન્ટમાંથી મળી જશે” મેડમે કહ્યું.

“થેંક્યું મેડમ” કહીને બહાર નીકળી ગયો. એચ.આર ડિપાર્ટમેન્ટમાંથી મેં અંજલીનો રિઝ્યુમ લીધો અને પોતાનાં ડેસ્ક પર આવી ગયો.

‘અંજલીએ શા માટે બોસને નહિ જણાવ્યું હોય ?’ મને વિચાર આવ્યો. મેં રિસ્યુમમાંથી અંજલીનો નંબર લઈને ફોન લગાવ્યો. મારો કૉલ પણ રિસીવ ના થયો. હવે સાંજે જ તેને રૂબરૂ મળીને વાતચીત કરી લેવી એવું નક્કી કરીને હું કામમાં લાગી ગયો.

*

સાંજનાં સાડા છ થયાં હતાં. હું ગોટીલા ગાર્ડન પાસે ઉભો હતો. અંજલીનું એડ્રેસ આ વિસ્તારમાં જ હતું. રિસ્યુમમાં જે એડ્રેસ હતું એ શોધતો શોધતો હું તેનાં ઘરે પહોંચી ગયો. હું અંજલીને મળવા જાઉં છું એ વાત મેં ન તો વૈભવીને જણાવી હતી અને ના તો પ્રણવને. કામનું બહાનું કાઢીને વૈભવી સાથેની મુલાકાત મેં મુલતવી રાખી હતી અને પ્રણવને તો એમ જ હતું કે ઓફિસેથી છૂટીને હું સીધો ઘરે ગયો છું.

હું અંજલીનાં ઘર સામે ઉભો હતો. એ બે માળનો બંગલો આલીશાન લાગતો હતો. અંજલી પણ મારી જેમ અનુભવ મેળવવા માટે જોબ કરતી હશે એવો વિચાર તેનું ઘર જોઈને આવ્યો. મેં બહારનો દરવાજો ખખડાવ્યો. એક આંટી બહાર આવ્યાં.

“આ અંજલીનું ઘર છે ?” મેં પૂછ્યું.

“કોણ અંજલી ?” આંટીએ પુછ્યું. મેં રિસ્યુમ પર નજર કરી.

“સીમારીયા અંજલી કેતનભાઈ” મેં પૂરું નામ વાંચ્યું.

“ઓહહ.. એનું શું કામ છે તમારે ?” આંટીએ પૂછ્યું. મને આંટી લપણાં લાગ્યાં.

“એ મારી સાથે જોબ કરે છે, બે દિવસથી જોબ પર નથી આવી તો હું તપાસ કરવા આવ્યો હતો” મેં કહ્યું.

“જમણી બાજુથી ત્રીજી ગલીમાં ચાલ્યાં જાઓ” આંટીએ કહ્યું. હું આંટીને થેંક્યું કહ્યાં વિના ચાલતો થયો.

આંટીએ જે રસ્તો ચીંધ્યો હતો એ તરફ હું આગળ વધ્યો. ત્રીજી ગલીમાં પ્રવેશતાં જ મારો હાથ આપોઆપ નાક પર આવી ગયો. રસ્તાની બાજુમાં ખુલ્લી ગટર હતી. આંટીની કદાચ ભૂલ થઈ હશે. આગળ કોઈ મકાન નહોતા. આગળ તો ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર હતો. જેમાં કાચા મકાન પર પતારા નાંખેલા હતાં. અમુક મકાન પર દેશી નાળિયાં હતાં. હું અડધે સુધી ગયો અને પછી પાછો વળવા જતો હતો ત્યાં એક વ્યક્તિએ મને રોક્યો.

“કોનું કામ છે ભાઈ ?” એ વ્યક્તિએ પૂછ્યુ. તેનાં મોઢામાં કદાચ મસાલો ભર્યો હતો, જેથી એ વ્યવસ્થિત બોલી નહોતો શકતો.

“સીમારીયા અંજલી નામની છોકરી અહીં રહે છે ?” મેં પૂછ્યું.

“હા, સામે જે બંધ બારણું દેખાય છે એ તેનું ઘર છે” એ વ્યક્તિએ મસાલાની પિચકારી મારીને કહ્યું, “તમારે શું કામ હતું ?”

“ખાસ નહિ, મળવા આવ્યો છું” કહીને હું ચાલતો થયો. મને વિશ્વાસ નહોતો આવતો. અંજલી આવા ગંદકીવાળા વિસ્તારમાંથી આવતી હશે એ તેને જોઈને લાગતું નહોતું. હું અમીરી- ગરીબીની વાત નથી કરતો પણ તેને જોઈને કોઈ એવું ન કહી શકે કે અંજલી આવા વિસ્તારમાં રહેતી હશે. મોંઘા કપડાં, તેની બોલચાલ, રહેણીકરણી સાવ જુદી જ હતી અને અહીં જેટલાં લોકોને મળ્યો તેઓની પણ જુદી હતી.

પેલાં વ્યક્તિએ જે ઘર ચીંધ્યું હતું તેની બહાર જઈને હું ઉભો રહ્યો. એ ઘર નહોતું. એક ઓરડી હતી, જેનાં પર પણ પતરાં નાંખેલા હતાં. મેં ઘડિયાળમાં સમય જોયો. સાત વાગી ગયાં હતાં. સૂરજ આથમવાની તૈયારીમાં હતો.

પતરાંનાં બારણાંવાળો દરવાજો ખખડાવી, અદબવાળીને હું ઉભો રહ્યો. અડધી મિનિટ પછી દરવાજો ખુલ્યો. મારી સામે અંજલી ઉભી હતી…સાક્ષાત અંજલી…!

મેં જે અંજલીને ઓફિસમાં જોઈ એ અંજલી અહીં હતી જ નહીં. ઑફિસમાં તો કહ્યું એ મુજબ મોંઘા કપડાં પહેરેલી અંજલી હતી અને અહીં…, અહીં સાદો, થોડો મેંલો ડ્રેસ પહેરેલી અંજલી. ડ્રેસમાં પણ થિંગડા મારેલા હતાં.

“અનિરુદ્ધ…!” મને જોઈને અંજલી ચોંકી ગઇ, “તું અહીં શું કરે છે ?”

“તને મળવા આવ્યો હતો” મેં કહ્યું, “તું બે દિવસથી જોબ પર નથી આવતી અને કૉલ પણ રિસીવ નથી કરતી. મને તારી ચિંતા થતી હતી”

“હું એકદમ ઠીક છું” અંજલીએ કહ્યું, “હું કાલે ઑફિસ આવીશ, આપણે કાલે જ મળીશું”

“અંદર નહિ બોલાવે” મેં હસીને કહ્યું, “છેલ્લી અડધી કલાકથી તારું ઘર શોધતો હતો”

તેણીએ મારી સામે જોયું, મારાં કપડાં પર નજર કરી. ત્યારબાદ પરાણે સ્મિત કરીને અંદર આવવા કહ્યું. હું તેનાં ઘરમાં ગયો. અંદર જતાં બારણેથી જ ઘર પુરી થઈ જાય એવી હાલત હતી. 8×8 ની એ ઓરડીમાં ખૂણામાં એક પલંગ હતો. જેનાં પર એક ઓરત સુતી હતી. કદાચ એ અંજલીનાં મમ્મી હતા. પલંગની પાસે પુરાણો પતરાંનો કબાટ હતો. દીવાલ પર અંજલીનાં કપડાં ટીંગાડેલા હતાં. જેમાં, ડ્રેસ અને બે જોડી જીન્સ-ટીશર્ટ હતાં. ઓરડીનાં બીજાં ખૂણામાં કમર સુધીની એક દીવાલ હતી, દીવાલ પર એક પાણીનું માટલું રાખેલું હતું. દીવાલની પાછળ નાહવા અને કપડાં ધોવા માટે પાતળો-ચપટો પથ્થર રાખેલો હતો.

એક ખૂણામાં પતરાંનો જ ચૂલો હતો. ચૂલા પાસે થોડાં લાકડાં અને એક પાટલી પડી હતી.

અંજલીએ આજુબાજુ નજર ફેરવી. એ મને બેસારવા માટે કોઈ વસ્તુ શોધતી હતી.

“ઇટ્સ ઑકે, હું ઉભો છું” મેં કહ્યું.

એ મારા માટે પાણી લઈ આવી. મેં પાણીનાં બે ઘૂંટ ગળા નીચે ઉતાર્યા.

“તું જોબ પર કેમ નથી આવતી ?” પાણીનો ગ્લાસ તેનાં હાથમાં આપીને મેં કહ્યું.

“મમ્મીની તબિયત સારી નથી” અંજલીએ કહ્યું.

“તારે જણાવવું તો જોઈએને” મેં કહ્યું, “મેડમે મને બોલાવ્યો હતો, બે દિવસ તું જોબ પર ના આવી તો બીજા કેન્ડીડેન્ટને સિલેક્ટ કરી લેવા કહ્યું અને તું કૉલ પણ રિસીવ નથી કરતી”

“હું જોબ છોડી દઈશ” અંજલીએ કહ્યું.

“પણ કેમ ?” મને આશ્ચર્ય થયું, “શું પ્રૉબ્લેમ છે ?”

“પ્રોબ્લેમ કંઈ નથી, કહ્યુંને મમ્મી બીમાર છે”

મેં તેની આંખોમાં આંખ પરોવી. એ કંઈક છુપાવતી હતી. એ કંઈ પ્રોબ્લેમ ફેસ કરતી હતી એ મારે નહોતું જાણવું. મેં તેની વાત સ્વીકારવાનું નક્કી કર્યું. સહસા કોઈએ દરવાજો ખખડાવ્યો.

(ક્રમશઃ)