My Better Half - 15 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | My Better Half - 15

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

My Better Half - 15

My Better Half

Part – 15

Story By Mer Mehul

“અનિરુદ્ધ….” વૈભવી ચોંકી ગઈ, “તું સાચે આવી ગયો…”

એ દોડી અને રૂમનું બારણું વાસીને સ્ટોપર લગાવી આવી. હું તેનાં રૂમમાં પ્રવેશ્યો.

“કેવી રીતે આવ્યો તું ?” મારી નજીક આવીને એ ગણગણી, “અને તને ના નહોતી પાડી ?”

“તે જ કહ્યું હતું કે મારે જે જોઈએ છે તેનાં માટે મળવું પડે અને હું અત્યારે મળીશ તો તું જ સામેથી….” મેં વાત અધૂરી છોડી દીધી.

“પાગલ છે તું સાવ….” એ બોલી, “આવી રીતે અડધી રાત્રે કોણ આવે ?”

“હું એકવાર જે નક્કી કરું એ કરીને જ રહું છું…ચાલ જલ્દી હવે નહીંતર હું રાડ પાડીશ”

“સેક્સ થોડું કરવાનું છે કે કપડાં ઉતારીને મંડી પડવાનું હોય…ફિલિંગ પણ આવવી જોઈએને…” એ બોલી, “હું અત્યારે થાકી ગઈ છું અને મારો એવો કોઈ મૂડ પણ નથી”

હું એકદમ તેની નજીક પહોંચી ગયો. તેની કમર પર હાથ રાખીને મેં તેને પોતાનાં તરફ ખેંચી અને કહ્યું, “સાચું મૂડ નથી ?”

“અની…” એ શરમાઈ ગઈ, “તું આવી રીતે અચાનક નજીક ન આવી જા..”

હું તેની સામે જોઇને મુસ્કુરાતો રહ્યો.

“અચ્છા…અડધી કલાક છે તારી પાસે…સાડા દસ વાગ્યે રોશની રૂમમાં આવી જશે” વૈભવીએ કહ્યું, “ક્યાંથી શરૂઆત કરું બોલ…”

“બેડ પર બેસી જા..!” મેં કહ્યું. એ બેડ પર બેસી ગઈ. હું બેડ પર આડો પડ્યો અને તેનાં ખોળામાં માથું રાખી દીધું. તેણે મારી દાઢી પર આંગળીઓ ફેરવી. હું રોમાંચિત થઇ ઉઠ્યો. મેં પોતાની આંખો બંધ કરી દીધી હતી. તેની આંગળીઓ ધીમે ધીમે ઉપર આવતી ગઈ. દાઢીથી હોઠ, હોઠથી ગાલ, ગાલથી આંખ, અને છેલ્લે કપાળ પર થઈને મારાં વાળમાં આવીને અટકી. એ મારાં વાળ પસવારતી હતી.

“અની…” એ વહાલથી બોલી, “સાચું તારે આ બધું જોતું હતું એટલે જ તું અહીં આવ્યો છે ?”

“મારે શું જોતું છે એ તો મને નથી ખબર પણ અહીં આવવાનું કારણ તું છે, આપણી શરત નહીં” મેં આંખો બંધ રાખીને જ જવાબ આપ્યો.

“થોડીવાર માટે આંખો ખોલ” તેણે કહ્યું. મેં આંખો ખોલી. એ મારાં પર ઝૂકી રહી હતી. તેણે મારાં કપાળ પર હળવું ચુંબન કર્યું અને મારી આંખોમાં જોઈ રહી.

“શું..?” મેં નેણ નચાવીને પૂછ્યું.

“શું…?” એણે પણ સામે નેણ નચાવ્યા.

“એ જ પૂછું છું..” મેં કહ્યું, “આંખો ખોલવાનું શા માટે કહ્યું”

“બુદ્ધુ છે તું સાવ..” તેણે મારાં કપાળ પર હળવી ટાપલી મારી, “છોકરીને શું જોઇએ છે એ પણ નથી સમજી શકતો..”

હું હસ્યો,

“કોઈએ કહ્યું હતું કે કોઈ સામે ચાલીને શરૂઆત કરશે”

“અચ્છા ચાલ, આંખો બંધ કર હવે” તેણે કહ્યું, “હું કોશિશ કરું છું”

આંખો બંધ કરીને હું મુસ્કુરાયો. દસ સેકેન્ડ બાદ, તેની ઝુલ્ફો મારાં ગાલ પર રમતી હતી. એ મારા પર ઝુકેલી હતી. એકવાર તેનાં અધર મારાં અધરની નજીક આવ્યાં, હું સહેજ ઊંચો થયો એટલે એ દૂર થઈ ગઇ. હું હળવું હસ્યો.

“હસવાનું બંધ કર, નહીંતર હું નહિ કરું” તેણે મારાં વાળ ખેંચ્યા.

“સૉરી..” કહીને હું મૂછોમાં હસ્યો. એ ફરી મારી નજીક આવી, તેણે પોતાનાં લિપ્સ મારાં લિપ્સ પર લેન્ડ કરી દીધાં. અમે છેલ્લી પાંચ કલાકમાં બીજીવાર કિસ કરી રહ્યાં હતાં. તેનું નાક મારી દાઢીનાં વાળને સ્પર્શી રહ્યું હતું, મારું માથું તેની ગરદનને સ્પર્શી રહ્યું હતું. અમે બંને એકબીજામાં સમાઈ રહ્યાં હતાં. લગભગ સાતેક મિનિટ અમે એ જ અવસ્થામાં રહ્યાં. ત્યારબાદ તેણે મને બેઠો કર્યો અને મારી બાહુપાશમાં આવી ગઈ.

હું આજની ઘટનાને હવસ અથવા તૃપ્તિનું નામ નહીં આપું. અમે બંને જે કરી રહ્યા હતાં એ મર્યાદામાં રહીને કરી રહ્યાં હતાં. હું એવી કોઈ હરકત નહોતો કરતો જેથી તેનાં મગજમાં ઊંધો વિચાર આવે.

થોડીવાર પછી વૈભવીએ કહ્યું,

“તારું થઈ ગયું હોય તો જા હવે”

વૈભવીની વાત સાંભળીને હું તેનાથી અળગો થઈ ગયો.

“મારું થઈ ગયું મતલબ…” મેં સહેજ મોટા અવાજે કહ્યું, “તું આ બધું મારાં માટે કરતી હતી..!”

“અની…” એ એટલા જ વહાલથી બોલી જેટલાં ગુસ્સામાં હું બોલ્યો હતો.

“શું..” મેં તરછોડેલો અવાજે કહ્યું.

“સાડા દસ થવા આવ્યાં છે..રોશની આવી જશે તો તકલીફ થશે…પ્લીઝ તું સમજ…” તેણે કહ્યું, “અને તું જે સમજે છે એ વૅમાં મેં નહોતું કહ્યું સો… ગુસ્સો ના કર”

મેં સ્માઈલ કરી. કાલે સાંજે મળવાનું નક્કી કરીને હું બાલ્કનીમાં આવ્યો. ઉતરતી વખતે મારે વધુ મહેનત કરવાની નહોતી. હું બાલ્કનીમાંથી સીધો દીવાલ પર કુદ્યો અને નીચે ઉતરી ગયો. પાર્કિગમાં જઈને મેં બાઇક કાઢી અને એપાર્ટમેન્ટ બહાર નીકળી ગયો.

*

બીજા દિવસની સવાર ખુશનુમા હતી. મેં આંખો ખોલી ત્યારે મારાં ચહેરા પર સ્માઈલ હતી. હું વૈભવીનાં વિચારોમાં ખોવાયેલો હતો. સહસા ભાભી રૂમમાં આવ્યાં અને મને જોઈને હસી પડ્યા.

“અનીભાઈ…કાલે સાંજે શું વાત કરી એ તો કહો મને…” ભાભીએ પૂછ્યું.

“હજી બેડ પરથી નીચે પણ નથી ઉતર્યો ભાભી…કંઈ તો શરમ કરો” મેં કહ્યું.

“તમે બેડ પરથી નીચે ઉતરી જશો એટલે તમારી દિનચર્યા શરૂ થઈ જશે, પછી તમે જોબ પર ચાલ્યાં જશો” ભાભીએ કહ્યું, “અને આ તમારાં કપાળ પર શું લાગ્યું છે ?”

ધત..!!, ભાભીને હવે કહ્યાં વિના છૂટકો નહોતો.

“શું છે ?” કહેતાં મેં કપાળ પર હાથ ફેરવ્યો, “મારાં હાથમાં થોડી લિપસ્ટિક આવી..”

“સાંજ સુધી તો કપાળ સાફ હતું અનીભાઈ…”સ્નેહભાભીએ કહ્યું” રાતે ક્યાં ગયા હતાં સાચું બોલો”

“કોઈને કહેતાં નહિ…તો કહું” મેં કહ્યું. તેઓએ મને બાંહેધરી આપી.

“હું વૈભવીનાં ઘરે ગયો હતો” મેં કહ્યું, પછી પાછળથી ઉમેર્યું, “બાલ્કનીમાં થઈને…!”

“હેં…” ભાભીએ ઉદગાર કાઢ્યો, “વૈભવી હજી મળીને ગઈ હતી તો પણ…”

“એ તમે નહિ સમજો ભાભી…” કહેતા હું હસ્યો.

“તમે અત્યારે જે સમયમાંથી પસાર થાઓ છો ને અનીભાઈ…એ સમયમાંથી હું ચાર વર્ષ પહેલાં પસાર થઈ ચૂકી છું..તો મને ના સમજાય એવું ના બોલો, અને તમારા ભાઈએ આવું કર્યું હતું તો તમે પણ કરવાનાં જ ને..!”

“મતલબ ભાઈ પણ રાત્રે મળવા આવતો તમને…” મેં પુછ્યું. તેઓએ હકારમાં માથું ધુણાવ્યું.

“ઠીક..” મેં કહ્યું, “શું કામ હતું એ બોલો..”

“તમારે પપ્પા સાથે બહાર જવાનું છે તો જગાડવા આવી હતી..” ભાભીએ કહ્યું.

“ક્યાં જવાનું છે ?” મેં પૂછ્યું, “ધરમશીભાઈએ મને તો કંઈ નથી કહ્યું..”

“અત્યારે જ નક્કી થયું છે” ભાભીએ કહ્યું, “જલ્દી તૈયાર થઈને નીચે આવી જાઓ”

આટલું કહીને ભાભી નીચે ચાલ્યાં ગયાં. હું તૈયાર થઈને નિચે ગયો. અમારે માણસા કોઈ કામથી જવાનું હતું. મોટાભાઈને ફેક્ટરીએ કોઈ કામ હતું એટલે ધરમશીભાઈએ મને સાથે લઈ જવાનું નક્કી કર્યું હતું.

“હું કાર ચલાવું ?” મેં ધરમશીભાઈને પૂછ્યું.

“ચલાવી લે..એમાં શું વાંધો છે ?” તેઓએ કહ્યું.

મને રાશિફળની પહેલી લાઇન યાદ આવી ગઇ. મારે વાહન ચલાવવામાં ધ્યાન રાખવાનું હતું.

“ના..તમે જ ચલાવી લો” આંખો પર ગોગલ્સ ચડાવીને મેં કહ્યું.

“હમણાં તે જ પૂછ્યું અને હવે તું જ ના પાડે છે…” ધરમશીભાઈએ કહ્યું, “તબિયત તો ઠીક છે ને બેટા..!”

“બેટા નહિ…અનિરુદ્ધ કહો” મેં ઇનોવાનો દરવાજો ખોલ્યો, “અને મારી તબિયત બરાબર જ છે”

“કાલે સાંજે મેં સચિનને ફોન કર્યો હતો” ડ્રાઇવર સીટ પર બેસતાં ધરમશીભાઈએ કહ્યું, “એ કહેતો હતો તમે લોકો સાંજે મળ્યા જ નહોતાં. તું વૈભવીને મળવા ગયો હતો ને..!”

મેં આંખો પરથી ગોગલ્સ હટાવી લીધાં.

“હા તેને જ મળવા ગયો હતો” મેં કહ્યું, “બોલો શું કરશો હવે…”

“કંઈ નહીં…હું શું કરી શકું”તેઓ હસ્યાં, “જલ્દી ગોઠવવું પડશે હવે”

“તમે કાર ચલાવવા પર ધ્યાન આપોને…” મેં ફરી ગોગલ્સ ચડાવી લીધાં. કાર ગેટની બહાર નીકળી અને પોતાની મંજિલ તરફ આગળ વધી.

ધરમશીભાઈને માણસામાં એક ડીલર સાથે ડિલ હતી, એ ડિલ પુરી કરી ત્યાં સુધીમાં બપોર થઈ ગઈ. ત્યારબાદ અને મહેસાણા ગયાં જ્યાં એક પાર્ટીને મળવાનું હતું. અમે ઘરે પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી અને થાકીને લોથપોથ થઈ ગયાં હતાં. મેં મેસેજમાં વૈભવીને પુરા દિવસમાં બનેલી ઘટનાઓ કહી અને સાંજે નહિ મળી શકીએ એવું જણાવ્યું. એ મને સમજી શકતી હતી. તેણે મારી વાત સ્વિકારી લીધી. સાંજે જમીને હું સીધો બેડ પર આડો જ પડ્યો હતો અને સુઈ જ ગયો.

સવારે જાગીને રાબેતા મુજબ હું નિત્યક્રમ પતાવીને ઓફિસે ચાલ્યો ગયો. જ્યારે હું ઓફિસે પહોંચ્યો ત્યારે અંજલી મારી સામે ઘુરકી રહી હતી. હું તેની પાસે ગયો.

“વોટ..” મેં પુછ્યું.

“કાલે નહોતો આવવાનો તો એક મૅસેજ નહોતો કરી શકતો” તેણે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું.

“સૉરી…મને પણ સવારે જ ખબર પડી હતી” મેં કહ્યું, “સવારે ધરમશીભાઈ…આઇ મીન મારાં પાપાએ મને બહાર જવાનું કહ્યું એટલે મેં તને મૅસેજ નહોતો કર્યો”

“તને ખબર છે અહીં તારાં સિવાય કોઈ મારુ દોસ્ત નથી” તેણે કહ્યું, “કાલે પૂરો દિવસ હું તારી રાહ જોઇને બેઠી રહી. ગુસ્સામાં મેં તને કૉલ કે મૅસેજ પણ ન કર્યા અને તું…તું તારાં કામમાં વ્યસ્ત હતો..”

મેં ફરી સૉરી કહ્યું. એ રડવા જેવી થઈ ગઈ.

“હેય…શું થયું ?” મેં પૂછ્યું. એ રીતસરની રડવા લાગી.

“અંજલી…” હું તેની બાજુમાં પહોંચી ગયો, “શું થયું ?”

“કાલે સાંજે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. હું તેઓની સાથે વાત કરવાની કોશિશ કરતી હતી પણ તેઓ કંઈ જવાબ જ નહોતાં આપતાં”

હું ગભરાઈ ગયો. આંટી સિવાય અંજલીની લાઈફમાં બીજું કોઈ નહોતું. મારાં મગજમાં અમંગળ વિચારો આવવા લાગ્યાં.

“તે મને કૉલ કેમ ના કર્યો ?” મેં ખિજાઈને કહ્યું. એ વધુ જોરથી રડવા લાગી. બધા તેની સામે જોઈ રહ્યા હતાં.

“બહાર ચાલ…”મેં કહ્યું. એ ઉભી થઇ. હું તેને બહાર લઈ આવ્યો.

“હવે બોલ શું થયું ?” મેં પૂછ્યું.

“કાલે સાંજે હું ઘરે ગઈ ત્યારે મમ્મીની હાલત અત્યંત ગંભીર જણાતી હતી. મેં તેઓની સાથે વાત કરવાની કોશિશ કરી પણ તેઓ બોલી નહોતાં શકતાં. મેં તને કૉલ કરવાનો વિચાર કર્યો હતો પણ તું ઓફિસે નહોતો આવ્યો એટલે કામ હઈશ એમ વિચારીને મેં તને કૉલ ના કર્યો. મેં ડોક્ટરને કૉલ કરીને બોલાવ્યાં. ડૉક્ટરે કહ્યું….” કહેતાં કહેતાં એ રડવા લાગી.

“શું કહ્યું ડોક્ટરે ?” મેં પુછ્યું.

“મમ્મી પાસે હવે વધુ દિવસો નથી..” અંજલી રડતાં રડતાં બોલી. મારું મગજ રીતસરનું ચક્કર ખાઇ ગયું.

“તું જોબ પર શા માટે આવી ?” હું ખીજાયો, “આંટીને હોસ્પિટલ લઈ જા”

“કોઈ ફાયદો નથી” તેણે કહ્યું, “મમ્મીનો લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો છે અને લીવર મળતો નથી. સગા સંબંધીઓ મદદ કરવા તૈયાર નથી. છેલ્લે બે વર્ષથી કોઈએ મમ્મીની પણ ખબર નથી પૂછી”

“તું ચાલ…આપણે તારાં ઘરે જઈએ…આંટીને તારી જરૂર છે”મેં કહ્યું.

“પણ જોબ…તું કાલે પણ નહોતો આવ્યો, સતત બે દિવસ માટે તે અડધા દિવસની લિવ લીધી હતી..બોસ શું કહેશે…”

“તને અત્યારે જોબની ચિંતા છે” હું ફરી ખિજાયો, “મેડમ સાથે હું વાત કરી લઈશ”

મેં બાઇક કાઢી, અમે બંને તેનાં ઘર તરફ ગયાં. તેનાં ઘરે પહોંચ્યા ત્યારે તેનાં ઘરનું બારણે તાળું હતું. અંજલી આંટીને અંદર કેદ કરીને આવતી હશે ?

અંજલીએ તાળું ખોલ્યું, અમે બંને ઘરમાં પ્રવેશ્યાં. આંટી પલંગ પર સૂતાં હતાં. તેઓની આંખો ખુલ્લી હતી. તેઓને જોઈને જ હું સમજી ગયો. એ આંખો નહોતાં પલકાવતાં. અંજલી તેઓની પાસે પહોંચી. તેણે આંટીને ઢંઢોળીને જગાડવાની કોશિશ કરી પણ આંટી નહોતાં જાગવાનાં. હું અંજલી પાસે પહોંચ્યો. અંજલીએ મારી સામે જોયું.

“અનિરુદ્ધ…મમ્મી જવાબ કેમ નથી આપતાં ?” તેણે ગભરાઈને મને પૂછ્યું. તેનાં ચહેરા પરનો ડર હું સાફ સાફ જોઈ શકતો હતો.

મેં તેનાં ખભા પર હાથ રાખ્યો અને કહ્યું,

“અંજલિ ,આંટી હોવી જવાબ નહીં આપે”

અંજલીએ ચીસ પાડી, તેના મમ્મીની છાતી પર માથું ઢાળીને એ રડવા લાગી. મેં તેને રડવા દીધી.

*

મારી નજર સામે આંટીની ચિતા સળગતી હતી. અમે પંદરેક લોકો તેની સામે ઉભા હતાં, જેમાં અંજલીની થોડી સહેલીઓ હતી અને મારા દોસ્તો હતાં. મેં પ્રણવને ફોન કરીને મારાં દોસ્તોને બોલાવી લીધાં હતાં. અંજલી નિરંતર રડતી હતી.

મને પોતાનાં પર ગુસ્સો આવી રહ્યો હતો. જો ગઈ કાલે મેં એકવાર પણ અંજલીને કૉલ કર્યો હોત તો આજે દ્રશ્ય કંઈક જુદું હોત. હું રડતી અંજલીને જોઈ રહ્યો હતો. તેનાં માથેથી હવે માતા-પિતા બંનેનો છાયો હટી ગયો હતો. તેનાં સગા-સંબંધીઓ તેની સાથે નહોતાં. એ જે ઘરમાં રહેતી હતી એ ઘર નહોતું. હું તેનાં પ્રત્યે ખરાબ ફિલ કરી રહ્યો હતો.

થોડાં દિવસ માટે મેં તેને મારા ઘરે રહેવા સલાહ આપી પણ તેણે ના પાડી દીધી. એ મારા ઘરે નહોતી રહેવા ઇચ્છતી તો થોડા દિવસ માટે મેં તેનાં ઘરે રહેવાનો પ્રસ્તાવ મુક્યો. એ પોતાની મમ્મી વિના એકલતાપણું મહેસુસ ના કરે એટલું જ હું ઇચ્છતો હતો. તેણે એ પ્રસ્તાવ પણ ઠુકરાવી દીધો. મેં એ બધી કોશિશ કરી જેથી અંજલી એકલી ના રહે પણ તેણે બધી વાતમાં ઇન્કાર કરી દીધો અને ‘મારાં પર ઉપકાર કરવાની જરૂર નથી’ એમ કહ્યું.

આખરે હારીને મેં તેની વાત સ્વીકારી લીધી. બધી વિધિ પતાવીને હું ઘરે આવ્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. મારે આજે પણ વૈભવીને મળવા માટે ના પાડવી પડી હતી. તેણે કોઈ પણ પ્રશ્ન વિના મારી વાત માની લીધી હતી. સાંજે ફ્રી થઈને મેં પહેલાં અંજલીને ફોન કર્યો. એ ફોનમાં પણ રડતી હતી. પહેલીવાર…પહેલીવાર તેની પરિસ્થિતિ જોઈને હું પણ રડી પડ્યો. સમય કેટલો ક્રૂર હોય છે એ આજે હું સમજી રહ્યો હતો.

‘અંજલી પોતાનાં ઘરમાં એકલી હશે, તેની મમ્મીનો ખાલી પલંગ જોઈને એનાં મગજમાં કેટલાય વિચારો આવતાં હશે. તેની સાથે વાતો કરવાવાળું કોઈ નહોતું, તેને સહાનુભૂતિ આપવાવાળું કોઈ નહોતું. મેં પુરી બે કલાક તેની સાથે ફોનમાં વાત કરી, વચ્ચે વૈભવીનાં કૉલ આવતાં હતાં પણ હું કાપી નાંખતો હતો.

મેં અંજલીને સમજાવીને સુવરાવી દીધી. મને ખબર એ સૂતી નહિ હોય.

ત્યારબાદ મેં વૈભવીને કૉલ લગાવ્યો. શરૂઆતમાં એ ગુસ્સામાં જણાય પણ જ્યારે મેં અંજલીની બધી વાતો કરી ત્યારે એ પણ સમજી ગઈ હતી.

મારે શું કરવું એ મને નહોતું સમજાતું. અંજલી માટે હું આટલું બધું શા માટે વિચારતો હતો એ હું સમજી શકતો નહતો. મારી લાઈફ તો મુશ્કેલીઓ વિનાની હતી. મારી સગાઈ નક્કી થવાની હતી, વૈભબી જેવી સારી છોકરી મને મળી હતી તો પણ હું ખુશ કેમ નહોતો ?

એ રાત્રે મને ઊંઘ ન આવી. પુરી રાત હું કરવટ બદલો રહ્યો, વિચારોનાં ભંવરમાં હું ફસાઈ ગયો હતો. સવારે નિત્યક્રમ પતાવી હું ઓફિસે જવા તૈયાર થઈ ગયો. મને ઓફિસે જવાની જરા પણ ઈચ્છા નહોતી. મારે અંજલીને મળવું હતું પણ થોડાં દિવસથી મેં ઓફિસમાં વધુ રજા રાખી હતી એટલે સીમા મેડમે ધરમશીભાઈને ફોન કર્યો હતો એટલે નાછૂટકે મારે જવું પડ્યું હતું. મેં ધરમશીભાઈને અંજલીનાં મમ્મીનાં દેહાંત વિશે વાત નહોતી કરી. અંજલી પર કોઈ તરસ ખાય એ મને નહોતું ગમતું.

હું આજે ડીલક્સ પાનનાં ગલ્લે પણ નહોતો ગયો. બાઇક પાર્ક કરીને હું સીધો ડેસ્ક તરફ ચાલ્યો. ડેસ્ક પર જ્યારે મારી નજર પડી ત્યારે હું ચોંકી ગયો. અંજલી કોમ્પ્યુટર પર કામ કરી રહી હતી. હું તેની પાસે જઈને ખુરશી પર બેસી ગયો. તેણે મારી સામે જોયું, એ બેનૂર ચહેરો આજે ફિક્કો લાગી રહ્યો હતો. જે હું સહન નહોતો કરી શકતો.

“અંજલી…” મેં કહ્યું, “હું શું કરું જેનાં કારણે તારા ચહેરા પર સ્માઈલ આવે”

“મારી મમ્મીને પાછી લાવી આપ” તેણે કહ્યું.

તેનાં શબ્દો મારા માનસપટલ પર ટાંચણીની જેમ ચુભ્યા.

“જીવન-મૃત્યુ સંસારનો નિયમ છે…તેને કોઈ બદલી નથી શકવાનું” મેં કહ્યું.

“તારાં અંગત વ્યક્તિ તારાથી દૂર થઈ જાય ત્યારે પણ તું આવું જ કહે…” તેનાં તીર જેવા તિક્ષ્ણ શબ્દો મને ચુભી રહ્યાં હતાં.

“એ મને નથી ખબર..” મેં કહ્યું, “હું તને આ હાલતમાં નથી જોઈ શકતો…”

“મેં મારાં મમ્મીને ગુમાવ્યાં છે યાર…કોઈ છોકરા જોડે બ્રેકઅપ નથી કર્યું…” તેણે સહેજ ઇરીટેટ થઈને કહ્યું.

“હું તને આ હાલતમાં નથી જોઈ શકતો…” મેં ફરી કહ્યું.

“તો હું શું કરું ?, તારી સાથે હસીહસીને વાતો કરું ?, મારા મમ્મીનો ચહેરો હવે મને ક્યારેય જોવા નથી મળવાનો એનું દુઃખ હું ભૂલી જાઉં ?, તેનાં વિના ઘર કોરી ખાય છે એ વાત ભૂલી જાઉં ?, અનિરુદ્ધ…તારાં માટે આ બધી કહેવાની વાતો છે…તું ઓફિસેથી છૂટીશ પછી તારી સાથે તારો પરિવાર હશે, વાતો કરવાવાળા લોકો હશે. હું ઘરે જઈશ પછી એકલતાં સિવાય બીજું કશું નહીં હોય”

બસ..આ જ…મારે તેની પાસે આ જ વાતો સાંભળવી હતી. પોતાનાં સ્વજનને ગુમાવ્યાં પછી કોઈ ખુશ નથી રહી શકતું એ વાત મને ખબર હતી પણ અંજલી બધી વાતો મનમાં દબાવીને રાખતી હતી એટલે મારે તેની સાથે એવી રીતે વાતો કરવી પડી. હું મૌન બનીને તેને સાંભળવા માંગતો હતો પણ તેણે વાત પૂરી કરીને કામમાં ધ્યાન આપ્યું.

એ પછી પૂરો દિવસ અમારી બંને વચ્ચે એક શબ્દની પણ આપ-લે ના થઇ. અમે બ્રેક ટાઈમમાં બહાર ગયાં ત્યારે એ બહાર પણ ના આવી અને બપોરે લંચ માટે પણ ન આવી. સાંજે છૂટીને મેં તેની સાથે વાત કરવાનું વિચાર્યું પણ જ્યાં સુધી મેં બાઇક પાર્કિગમાંથી કાઢી ત્યાં સુધીમાં એ રોડ ક્રોસ કરીને શટલમાં બેસી ગઈ હતી. હું તેને જતી જોઈ રહ્યો.

મને ક્યાંય ચેન નહોતું પડતું. મારે શું કરવું એ જ મને નહોતું સમજાતું. તેણે સવારે જે વાતો કહી હતી એ મને યાદ આવી..ઘરે જઈને મને બધું મળવાનું હતું અને એને…

મેં બાઇક પાનનાં ગલ્લે લીધી. એક સિગરેટ સળગાવી અને થોડીવાર ત્યાં જ બેસી રહ્યો. દસ મિનિટ વિચાર કર્યા બાદ મેં નિર્ણય કર્યો. બાઇક પર સવાર થઈને હું અંજલીના ઘર તરફ વળ્યો.

અંજલીનાં ઘરનું બારણું બંધ હતું. મેં બારણું ખખડાવ્યું અને અદબવાળીને હું ઉભો રહ્યો. લગભગ એક મિનિટ પછી બારણું ખુલ્યું. મારી સામે અંજલી ઉભી હતી, એ રડી હશે એવું તેની આંખો પરથી લાગી રહ્યું હતું. બારણું ખખડ્યું એટલે તેણે પોતાની આંખો ચોળી નાંખી હશે.

(ક્રમશઃ)