Yog-Viyog - 71 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 71

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 71

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૭૧

એ મુખ્ય દરવાજા પાસે આવી, વૈભવીએ આરતીનો થાળ લઈ એને વધાવી. પાણીનો લોટો લઈ એને પોંખી અને બારણાની બંને તરફ તેલ રેડી એને અંદર આવવાનો ઇશારો કર્યો.

‘‘એક મિનિટ... એક મિનિટ... એક મિનિટ...’’ લજ્જા અને અંજલિ એકબીજાનો હાથ પકડી દરવાજો રોકીને ઊભાં રહી ગયાં.

શ્રેયા કંઈ બોલે એ પહેલાં અંદરના ટેલિફોનની રિંગ વાગી.

‘‘હલ્લો...’’ અભયે ફોન ઉપાડ્યો. અંજલિ અને લજ્જા હજી અહીં તોફાન કરી રહ્યાં હતાં. હાથમાં એક હજારની નોટ લઈને અલય ગોળ ગોળ ફેરવી રહ્યો હતો... એ નોટ લેવા માટે અંજલિ અને લજ્જા અલયનો હાથ ફરે તેમ ઝૂટવવાનો પ્રયત્ન કરતા હતા.

હસાહસી અને તોફાનનો માહોલ હતો.

‘‘એક મિનિટ, જરા શાંતિ રાખો.’’ અભયે અંદરથી બૂમ પાડી. અહીં સોપો પડી ગયો.

‘‘ક્યારે ?’’ અભય ફોન પર વાત કરી રહ્યો હતો, ‘‘તમે હોસ્પિટલ...’’ પછી એક નિઃશ્વાસ નાખીને ધીમેથી કહ્યું, ‘‘ઓહ !’’

ફોન સાઇડમાં મૂકીને એ વસુમા તરફ આગળ વધ્યો. વસુમા સીડી પાસે ઊભાં રહીને છોકરાંઓનું આ તોફાન જોઈ રહ્યાં હતાં. એમના તરફ આવતા અભયના હાવભાવ જોઈને એમને એવું તો સમજાઈ જ ગયું કે કશુંક ખૂબ ગંભીર, ખૂબ અનિચ્છનીય બન્યું છે.

‘‘અભય ?’’

‘‘મા.’’ અભયે ઘરના બધાની સામે એક સરસરી નજર નાખી. ઊંબરાની પેલી તરફ ઊભેલા નવદંપતી અને આ તરફ ઊભેલી અંજલિ અને લજ્જા પણ અભયના હાવભાવ જોઈને ગંભીર થઈ ગયાં. સોફામાં બેઠેલા સૂર્યકાંત ઊઠીને અભયની નજીક આવ્યા, ‘‘શું થયું બેટા ?’’

‘‘બાપુ... મા...’’ વાત કઈ રીતે કહેવી એ અભયને સમજાતું નહોતું.

‘‘શું થયું છે અભય ?’’ હવે વૈભવીને પણ ફાળ પડી હતી. એ અભયની નજીક આવી અને અભયના ખભે હાથ મૂકીને પૂછ્‌યું, ‘‘બધું ઠીક છે ને ?’’

‘‘ડેડી, આર યુ ઓલ રાઇટ ?’’ આદિત્યએ આગળ વધીને અભયને પકડી લીધો.

‘‘અનુપમા...’’

‘‘શું થયું અનુપમાને ?’’ શ્રેયા અંજલિ અને લજ્જાના એકબીજા સાથે પકડેલા હાથ છોડાવીને અંદર દાખલ થઈ ગઈ.

‘‘એણે આત્મહત્યા કરી છે.’’

‘‘વ્હોટ ?’’ અલયથી ચીસ પડાઈ ગઈ, ‘‘કેવી રીતે ?’’

‘‘ઊંઘની ગોળીનો ઓવરડોઝ.’’

‘‘કંઈ ભૂલ થતી હશે. કોઈ ડોક્ટરને બતાવ્યું ?’’

‘‘ત્રણ ડોક્ટર ભેગા થયા છે, પણ એણે બપોરે ઊંઘની ગોળી લીધી હતી અને છેક સાંજ સુધી એના રૂમનો દરવાજો બંધ રહ્યો. કોઈને ખ્યાલ જ ના આવ્યો કે...’’

‘‘શીટ...’’ અલય માથે હાથ દઈને ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેસી ગયો.

શ્રેયા ધ્રૂજતા પગે આગળ વધી અને સીડીનો કઠેડો પકડીને પગથિયા પર બેસી ગઈ. લજ્જા ઊંબરામાં જ બેસી ગઈ અને અંજલિએ બારશાખનો આધાર લઈ લીધો.

રાજેશે આગળ વધીને અંજલિને સંભાળી લીધી અને વૈભવી અલયના ખભે મૂકેલો હાથ એમ જ રાખીને બીજા હાથે મોઢું દબાવીને રડી પડી અને અભયની બીજી તરફ ઊભેલા આદિત્યએ વૈભવીને અભયથી છૂટી પાડી ડાઇનિંગ ટેબલ પરની એક બીજી ખુરશીમાં બેસાડી દીધી.

સૂર્યકાંત અને વસુમાએ એકબીજાની સામે જોયું.

પછી વસુમા હળવેકથી આગળ વધ્યાં. બે હાથ વચ્ચે માથું પકડીને ડાઇનિંગ ટેબલ પર બેઠેલો અલય જાણે નિશ્ચેટ, નિષ્પ્રાણ થઈ ગયો હતો. એને હજી પોતાના કાન પર - આ સમાચાર પર ભરોસો નહોતો...

વસુમાએ અલયના ખભે હાથ મૂક્યા અને એની બાજુની ખુરશીમાં બેસી ગયાં.

‘‘તારે જવું જોઈએ અલય.’’

‘‘હા મા.’’ અલયે વસુમા સામે જોયું, ‘‘મેં ક્યારેય નહોતું ધાર્યું કે...’’

‘‘મને ખાતરી હતી અલય, મેં તને ગઈ કાલે રાત્રે જ કહેલું... હે ઈશ્વર ! આ છોકરીએ...’’ શ્રેયાએ વસુમાની સામે જોયું, ‘‘મા, મારે અલય જોડે નહોતું પરણવું જોઈતું.’’

‘‘એથી હું એની સાથે ન પરણી જાત.’’ અલયે શ્રેયા સામે જોયું, ‘‘જે કંઈ થયું એની જવાબદારી લેવાની જરૂર નથી.’’

‘‘તું સમજતો નથી અલય...’’ શ્રેયાએ ઊંડો શ્વાસ લીધો. વાત કહેવી કે નહીં એવો નિર્ણય કરતા એને થોડી ક્ષણો લાગી. પછી આંખો મીંચીને, હિંમત કરીને એણે કહ્યું, ‘‘અમે બ્યુટી પાર્લરમાં હતા ત્યારે એનો ફોન આવેલો.’’

‘‘શું કહેતી હતી ?’’

‘‘બહુ ડિસ્ટર્બ્ડ હતી, ઇમોશનલ પણ...’’ અને શ્રેયાથી ડૂસકું નખાઈ ગયું.

‘‘કાકીએ સંજીવને ફોન કર્યો હતો.’’ લજ્જા શ્રેયાની મદદે આવી.

‘‘તેં મને કેમ ના કહ્યું ?’’ આ સવાલ પૂછતાની સાથે જ અલયને સમજાયું કે આ સવાલ અર્થહીન હતો. વસુમાએ અલયને ખભો થપથપાવ્યો. પછી ઊભા થઈને, એનું માથું છાતીની નજીક લીધું. એમણે થોડી વાર અલયને એમ જ પકડી રાખ્યો. અલયને જાણે ધીમે ધીમે કળ વળતી હોય એવી લાગણી થઈ.

‘‘મા, હવે શું થશે ?’’

‘‘બેટા, જે થવાનું હતું એ થઈ ચૂકયું છે. ધ વર્સ્ટ ઇઝ ઓવર. હવે તું જઈને સંજીવની મદદ કર અને એ છોકરીના આત્માને શાંતિ થાય એવી પ્રાર્થના કરીએ આપણે.’’

‘‘મા, ત્યાં મીડિયાવાળાઓએ ભેગા થઈને કાગારોળ કરી મૂકી હશે. આવા સમયે અલયભાઈનું ત્યાં જવું...’’ વૈભવીએ બહુ ધીમેથી, પણ મજબૂતીથી પોતાની વાત કહી, ‘‘એ ત્યાં પહોંચશે એટલે સવાલ-જવાબ થશે અને આ પરિસ્થિતિમાં કારણ વગર પોતાના તરફ આંગળી ચીંધવા જેવું થશે.’’

‘‘વૈભવી, અલય મારો દીકરો છે. જવાબદારીથી ભાગવાનું મેં એને ક્યારેય નથી શીખવ્યું.’’ પછી શ્રેયા સામે જોઈને ઉમેર્યું, ‘‘ભલે થોડી પળો માટે, પણ એણે પ્રેમ કર્યો હતો અનુપમાને. હવે જ્યારે એ નથી રહી ત્યારે એ સંબંધ નિભાવવાની એની જવાબદારી છે.’’

‘‘હું જઈશ મા.’’ અલય ઊભો થઈ ગયો.

‘‘હું આવું સાથે ?’’ રાજેશે પૂછ્‌યું. સૂર્યકાંત પણ એવી રીતે ઊભા હતા, જાણે એક વાર અલય કહે તો તરત જ એની સાથે જઈ શકે. અભય બે ડગલાં આગળ વધ્યો અને અલયના ખભે હાથ મૂકીને એણે કહ્યું, ‘‘હું આવું ?’’

‘‘ના, હમણાં કોઈ નહીં.’’ અલયે ફટાફટ નિર્ણયો કરવા માંડ્યા, ‘‘પહેલાં હું જાઉં છું. ત્યાંની પરિસ્થિતિ જોઈ-સમજીને કોઈ એક જણના સેલ પર ફોન કરીશ. એ પછી તમે બધા આવવું હોય તો આવજો.’’

‘‘મને તો લઈ જશો ને ?’’ શ્રેયાએ ધીમેથી, સંવેદનશીલતાથી પૂછ્‌યું. ઘરના બધાએ શ્રેયા સામે જોયું. સૌને લાગ્યું કે અલય હમણાં ચીડાશે, ના પાડશે. પણ અલય એટલી જ સંવેદનશીલતાથી શ્રેયાની નજીક ગયો. એને સીડી પરથી ઊભી કરી અને બંને ગાલ પર હાથ મૂકીને પ્રેમથી કહ્યું, ‘‘હા, જા કપડાં બદલી લે.’’

‘‘તમે ?’’ વૈભવીએ અલયને કહ્યું, ‘‘આમ લગ્નનાં કપડાંમાં જશો તો..’’

‘‘હા, હું પણ બદલી લઉં છું.’’ અલય બબ્બે પગથિયા કૂદતો સડસડાટ સીડી ચડી ગયો અને શ્રેયા પણ એની પાછળ ધીમે ધીમે પગથિયા ચડવા લાગી.

ઘરમાં ઘડીભર પહેલાંનો આનંદ અને ઉલ્લાસ અચાનક જ જાણે શોક અને ગમગીનીમાં ફેરવાઈ ગયો. સૌના ચહેરા પર અનુપમાના જવાનું દુઃખ અને આઘાત હતા.

‘‘મા, આ વાત લાંબી થશે.’’ વૈભવીએ ચેતવણીના સૂરમાં કહ્યું, ‘‘મીડિયા આને ચગાવશે. અલયભાઈ પર જાતભાતના આક્ષેપો થશે. કદાચ પોલીસ કેસ પણ...’’

‘‘પહોંચી વળીશું.’’ અત્યાર સુધી ચૂપચાપ ઊભેલા સૂર્યકાંત પહેલી વાર બોલ્યા. એ વસુમાની નજીક ગયા અને એમનો હાથ પકડીને એમણે મજબૂતીથી કહ્યું, ‘‘હું છું વસુ, તું ચિંતા મૂકી દે.’’

‘‘મેં તો મૂકી જ દીધી છે કાન્ત, દરેકે પોતાના ભલા-બૂરાની પોતાની વ્યાખ્યા ઘડવાની હોય છે અને પછી એ વ્યાખ્યા પ્રમાણે ઊભાં થતાં પરિણામો પણ ભોગવવાના જ હોય છે.’’ બધા વસુમા તરફ જોઈ રહ્યા. એમનો અવાજ એકદમ સ્વસ્થ હતો, ‘‘અલય કંઈ નાનો નથી. એણે જે કંઈ કર્યું તે પૂરેપૂરી સભાનતાથી અને સમજદારીથી કર્યું. હવે જે કંઈ થયું છે તેની સાથે પણ એણે સભાનતા અને સમજદારીથી જ કામ લેવું પડશે.’’

‘‘એ કદાચ કોઈ ચિઠ્ઠી-બિઠ્ઠી લખીને...’’ વૈભવીનું મન કંઈ કેટલીયે શંકા-કુશંકાઓ કરી રહ્યું હતું. આમ પણ સામાન્ય સ્ત્રીઓ કરતાં વધુ બુદ્ધિશાળી અને વ્યવહારુ વૈભવી એમ માનતી કે ખરાબમાં ખરાબ સ્થિતિની કલ્પના કરીને આગળ વધીએ તો ઊભા થતા પ્રશ્નોેને પહોંચી વળવામાં આસાની રહે, ‘‘પોલીસ કમિશનર રાંગણેકર પપ્પાના અંગત મિત્ર છે... હું ફોન કરવાનું કહી દઉં ?’’

‘‘હા, ફોન કરાવી રાખ.’’ સૂર્યકાંતે વૈભવી તરફ આભારવશ નજરે જોયું.

‘‘ના કાન્ત.’’ વસુમાએ સૂર્યકાંત અને વૈભવી તરફ વારાફરતી જોયું, ‘‘હજી જરૂર નથી. પહેલા અલયને એની રીતે આ પરિસ્થિતિને મૂલવી જોવા દો, એને એના નિર્ણયો કરવા દો...’’ એમણે વૈભવીના ખભે હાથ મૂક્યો, ‘‘પછી જરૂર પડશે તો આપણે છીએ જ.’’

‘‘વસુ, ક્યારેક તારી ઇર્ષ્યા આવે છે અને ક્યારેક તારો ડર લાગી જાય છે મને. જે ફિતરત મારી હોવી જોઈએ, જે રીતે મારે વિચારવું જોઈએ એ બધું તું કરે છે....’’ સૂર્યકાંતે વસુમાની આંખોમાં આંખો નાખી, ‘‘તું મા છે વસુ, તેમ છતાં પુરુષની જેમ -’’ તરત સુધાર્યું, ‘‘બાપની જેમ વિચારી શકે છે.’’

‘‘મા છું ! પણ બાપ થઈને ઊછેર્યાં છે બાળકોને. આકરા તાપમાં જો એક વાર તળિયા દઝાવા નહીં દઈએ તો એમને ખબર કેવી રીતે પડશે કે આવનારો રસ્તો કેટલો વિકટ છે ? કાન્ત, મને પણ અલય વહાલો છે, પણ હું ઇચ્છું છું કે એની જિંદગીના આ સવાલો સામે એ ઝઝૂમે, મરણિયો થઈને લડે અને વિજેતા થઈને બહાર નીકળે.’’

‘‘સમજી શકું છું...’’ સૂર્યકાંતના અવાજમાં હળવી ધ્રુજારી હતી, ‘‘આ વાત તું ધારે છે એટલી...’’

‘‘હું કંઈ ધારતી નથી કાન્ત... ધારવા માગતી પણ નથી. કોઈ પણ પરિસ્થિતિ વિશે ધારીને આપણે આપણું જ નુકસાન કરતા હોઈએ છીએ. શું હશે કે શું થશે એવું વિચારવાને બદલે જે જ્યારે થાય ત્યારે એની સામે ઊભા રહેવું અને એને ધીમે ધીમે ઉકેલવાનો પ્રયાસ કરવો એ સરળ રસ્તો છે, જીવવાનો.’’ પછી ઊભા થઈને પોતાના ઓરડા તરફ મક્કમ, પણ ધીમા પગલે ચાલવા લાગ્યા. દીવાનખાનામાં ઊભેલી દરેકે દરેક વ્યક્તિએ વિસ્ફારિત આંખોએ અને ડઘાયેલા ચહેરાએ એમને ગણગણતાં સાંભળ્યાં, ‘‘જે ગમે જગતગુુુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો... આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એ જ, ઉદ્વેગ ધરવો...’’

સંજીવે પંદર મિનિટમાં ત્રણ ડોક્ટર ભેગા કર્યા હતા.

એને લાગતું હતું કે એનું હૃદય બેસી જશે. અનુપમાના ચહેરા પર એકદમ શાંતિના ભાવ હતા. ક્યાંય કોઈ ઉદ્વેગ, ઉચાટ કે અસ્વસ્થતા નહોતી. જાણે નાનકડું બાળક માના ખોળામાં ઊંઘી ગયું હોય એટલી નિદરેષતા અને નિરાંત એના ચહેરા પર ઝળકતી હતી.

સફેદ રંગની સિલ્કની સાડી અને હાથમાં ઢગલો બંગડીઓ, મોતીના સુંદર દાગીના પહેરીને સૂતેલી અનુપમા જાણે હમણાં જ જાગશે અને સંજીવ સામે જોઈને મોતીના દાણા જેવા એના દાંત દેખાડીને મોટું બધું સ્મિત કરશે એવું લાગતું હતું.

એના લાંબા, રેશમ જેવા કાળા-સુંવાળા વાળ પથારીમાં ફેલાયેલા હતા. ચહેરા પર બિલકુલ મેક-અપ નહોતો, પણ તાજી જ નાહીને સૂતી હશે એટલે ત્વચા ઝગારા મારતી હતી. એનો એક હાથ ચહેરા પાસે મૂકેલા અલયના ફોટોગ્રાફ પર હતો અને બીજા હાથે સફેદ ઓશિકું લપેટીને એ એવી રીતે સૂતી હતી, જાણે કોઈ પણ એક ક્ષણે જાગી ઊઠશે.

એના પલંગના સાઇડ ટેબલ ઉપર લોરા ઝેપાન નામની ઊંઘની ગોળીઓના છ આખા ખાલી સ્ટ્રીપ પડ્યા હતા. બે મિલિગ્રામની સાઇઠ ગોળીઓ આ છોકરીએ એક ઝાટકે પેટમાં ઓરી દીધી હતી. એની બાજુમાં વ્હીસ્કીની બોટલ અને ખાલી ગ્લાસ પડ્યા હતા.

‘‘નીટ વ્હીસ્કી સાથે ઊંઘની ગોળીઓ લીધી છે. ડેડલી કોમ્બિનેશન !’’ એમના ફેમિલી ફિઝિશિયને સંજીવને સમજાવતા કહ્યું, ‘‘મિ. સંજીવ, એમણે ઊંઘની ગોળીનો હેવી ઓવરડોઝ લીધો છે. એ પછી કલાક-દોઢ કલાકમાં તો એની સી.એન.એસ. (સેન્સિનરી નર્વસ સિસ્ટમ) ડિપ્રેસ થઈ ગઈ હશે અને ધીમે ધીમે બ્રેઇન ડેડ થવા લાગ્યાં હશે. આવા કેસમાં નર્વસ સિસ્ટમનાં એક એક સેન્ટર્સ ધીરે ધીરે બંધ થવા લાગે અને માણસ કોમામાં જ મૃત્યુ પામે.’’

‘‘મિ. સંજીવ, તમારે અમને સહેજ વહેલુ ં જણાવવાનું હતું.’’ બીજા એક ડોક્ટરે કહ્યું.

‘‘અમને ખ્યાલ જ નહોતો.’’ અનુપમાની સતત સાથે રહીને છેલ્લા થોડા વખતથી એને સાચવતા રહેલા સંજીવને અચાનક અપરાધભાવ જાગી ઊઠ્યો, ‘‘મેં એને એકલી શું કામ છોડી ?’’ સંજીવ નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો.

‘‘હજી ઘણી ફોર્માલિટીઝ બાકી છે સંજીવ, સ્ટ્રોંગ થઈને તમારે જ બધું કરવું પડશે.’’ ડોક્ટરે સર્ટિફિકેટ લખીને સંજીવના હાથમાં મૂક્યું, ‘‘ઇટ ઇઝ અ પ્યોર કેસ ઓફ સ્યૂઇસાઇડ, પરંતુ પોલીસને તો જણાવવું જ પડશે.’’ એમણે સંજીવનો ખભો થપથપાવ્યો, ‘‘અમારી ફરજ છે, સમજો છો ને ?’’

‘‘હવે તો જે થાય તે કરવાનું ડોક્ટર.’’ સંજીવે આંખો લૂછી અને હિંમત બટોરવા માંડી, ‘‘જ્હોન, જૂહુ પોલીસસ્ટેશનમાં ફોન કર.’’ અને પછી ઉમેર્યું, ‘‘સિક્યોરિટી માટે પણ કહી દેજે. મીડિયાવાળાને ખબર પડશે એટલે હલ્લો થશે અહીં. અનુપમાનું મૃત્યુ એના જીવન જેવું જ ગૌરવપૂર્ણ અને શ્રેષ્ઠ હોવું જોઈએ.’’

‘‘સંજીવ...’’ અલયનો અવાજ સાંભળીને સંજીવ નાના બાળકની જેમ દોડ્યો. અલયને ભેટી પડ્યો અને ફરી એક વાર જોરથી રડવા લાગ્યો.

હાથમાં મહેંદી, ચૂડો, લાલ ચટ્ટક ચાંલ્લો, સેથામાં સિંદૂર અને મંગળસૂત્ર સાથે સફેદ સલવાર-કમીઝ પહેરીને ઊભેલી શ્રેયાને જોઈને સંજીવ ધ્રૂજી ગયો, ‘‘પાનેતર પણ ઊતર્યું નથી અને આ છોકરી અહીં આવી ગઈ ?’’

અલય સંજીવને ભેટીને ઊભો હતો, પણ એની નજર પલંગમાં સૂતેલી અનુપમા પર હતી. જાણે કોઈ મીણની પૂતળી સુવાડી હોય એટલી સુંદર અને પરફેક્ટ દેખાતી હતી એ ! સફેદ સાડી એટલી વ્યવસ્થિત પહેરી હતી કે સૂવા છતાં પણ સાડી ઇધર-ઉધર નહોતી થઈ ગઈ...

સંજીવથી છૂટો પડીને અલય એની નજીક ગયો. થોડીક ક્ષણો એકીટશે એ અનુપમાને નિહાળતો રહ્યો. પછી હાથ લંબાવીને એના ગાલ પર હાથ ફેરવવા જતો હતો કે સંજીવે એને રોક્યો, ‘‘પોલીસ આવશે અલય... કદાચ પોસ્ટમોર્ટમ...’’

આ શબ્દો જાણે સાંભળ્યા જ નથી એમ લંબાવેલો હાથ આગળ વધારીને અલયે અનુપમાના ગાલ પર હાથ ફેરવ્યો. એના વાળ, જે આછા આછા ગાલ પર આવી ગયા હતા એને હટાવ્યા. પછી પલંગ ઉપર બેસી ગયો. ક્યાંય સુધી એ અનુપમાને જોતો રહ્યો. પોતાના ફોટો પર મુકાયેલા એના હાથને જોતો રહ્યો...

‘‘અનુ... અનુ...’’ અલય જાણે મૃત્યુ પામેલી અનુપમા સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ‘‘આઇ એમ સોરી અનુ... આઇ એમ રિયલી સોરી !’’ એનું ગળું ભરાઈ આવ્યું હતું, એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

એને લાગ્યું કે જાણે અનુપમા બેઠી થઈ એની સામે જોઈ રહી છે, ખડખડાટ હસતી એનું નામ પકડીને ખેંચી રહી છે, ‘‘બુદ્ધુ ! હું એમ મરવાની નથી. આ તો તને ડરાવવાનો પ્રયત્ન કર્યો. એક નાનકડું રિહર્સલ ! હું મરી જાઉં તો શું થાય એ જોવા માટે... ખબર પડીને તને ?’’

એ અનુપમાની સામે જોતો રહ્યો... અનુપમા શાંત-નિશ્ચેષ્ટ આંખો મીંચીને બસ, સૂતી હતી !

અલયે અનુપમાના ગાલ પર મૂકેલો હાથ ગાલ ઉપરથી લઈને અનુના હાથ નીચે રહેલો ફોટો ખેંચ્યો.

‘‘બધું જેમ છે તેમ જ રહેવા દે અલય, પ્લીઝ !’’ સંજીવનું આ વાક્ય પૂરું થાય તે પહેલાં તો ફોટો ખસ્યો અને એની નીચે મુકાયેલું એક સફેદ કવર બહાર નીકળી આવ્યું. અલયે સંજીવની વાત સાંભળ્યા વિના એ કવર ખેંચ્યું.

અલય વસુંધરા મહેતા- કવર પર મરોડદાર અક્ષરે લખ્યું હતું.

અલયે કવર હાથમાં લઈને ખોલ્યું, અંદર એક ખાદીપેપર પર મરોડદાર અક્ષરે અંગ્રેજીમાં લખાયેલો પત્ર હતો.

‘‘અલય,

આ પત્ર તને મળશે ત્યારે હું નહીં હોઉં - ને, નહીં જ હોઉં એવી મને ખાતરી છે.

આમ તો મારે તને જે કહેવાનું છે તે મેં વારંવાર કહ્યું છે. છતાં, આ પત્ર તને લખું છું એ કહેવા કે જિંદગીના જે થોડા દિવસો તારી સાથે ગાળ્યા એટલા જ સમયમાં જીવી લીધું મેં.

તને મળી એ ક્ષણથી શરૂ કરીને હવે હું નથી તો પણ, હું તને પ્રેમ કરું છું - કરતી રહીશ, એ સત્ય શાશ્વત બની ગયું !

મને હંમેશાં લાગતું હતું કે પ્રેમ એવો હોવો જોઈએ જે જીવવા માટે પૂરતો હોય અને મરવા માટે મજબૂર કરી શકે... એવો પ્રેમ તેં કરાવ્યો, મારી પાસે. મારા શરીરના અણુએ અણુથી, આત્માના ઊંડાણથી, મારા આખા અસ્તિત્વથી ચાહ્યો છે મેં તને !

તારા વિના જીવવું અસંભવ બની ગયું છે અલય.

દરેક પળે હું મારી જાતને સમજાવું, અને દરેક પળે મારું મન મને ફરી તારા સુધી ધકેલી દે. હીંચકાની જેમ તારી સાથે અને તારા વગર ઝોલા ખાતા જીવ્યા કરવું મારા માટે સંભવ નથી.

પીડાતા, તરસતા, તરફડતા જીવવું મને મંજૂર નથી અલય, હું જીવું તો મારી શરતોએ ને મરું તો મારી મરજીથી !

તારે કોઈ ગિલ્ટ કે તકલીફ અનુભવવાની જરૂર નથી. તું તારી તરફથી સાચો અને સ્પષ્ટ હતો. તને પામવાની જીદ એ મારી જ ભૂલ હતી. એ મારી જ ભૂલ હતી - તને પામ્યા પછી પણ મને લાગ્યું કે હું તારા વગર જીવતા શીખી જઈશ, શીખી લઈશ, પણ હું એવું કરી ના શકી.

બની શકે તો મારી નાની નાની બેવકૂફીઓ માટે મને યાદ રાખજે અને તારી નસ નસમાં સમાઈ ગયેલા મારા પ્રેમને તું ભૂલવા માગીશ તો પણ હવે ભૂલી નહી ંશકે એની મને શ્રદ્ધા છે. આમ તો હિન્દી ફિલ્મની જેમ હું તને કહી શકું કે મારા મૃત્યુ પછી મારી સેંથીમાં સિંદૂર ભરજે... વગેરે વગેરે, પણ એ બધાનો કોઈ અર્થ નથી. બની શકે તો મારી અંતિમવિધ કરીને મને અગ્નિદાહ તું આપજે...

શ્રેયાની મારા વતી માફી માગજે અને આવતા જન્મે હું તારી સાથે જીવવાની છું એવું કહી દેજે.

મારા મૃત્યુ માટે તારી જાતને જવાબદાર ગણવાની કોઈ જરૂર નથી. મને પોતાને જ ખબર નહોતી કે હું તને આટલો બધો પ્રેમ કરું છું.

અનુપમા. ’’

એની સાથે એક બીજો પત્ર પણ હતો, જે દસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જાતે લખીને અનુપમાએ સહી કરી હતીઃ

‘‘હું અનુપમા ઘોષ, સમજીવિચારીને સંપૂર્ણ હોશોહવાસમાં મારી જાતે આપઘાત કરું છું. મારા મૃત્યુ માટે કોઈને જવાબદાર ગણવાની જરૂર નથી તથા ૧, મારું પોસ્ટમોર્ટમ ન કરવું. ૨, હું જેવી છું તેવી જ- મને ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપવો. ૩, મારું વીલ મારા સેક્રેટરી સંજીવ પાસે છે. એ મેળવી લેવું અને એમાં લખ્યા પ્રમાણે મારી મિલકતની વહેંચણી કરવી. ૪, મારા માતા-પિતાને મારા મૃત્યુની સૂચના મારા અગ્નિદાહ પછી આપવી. ૫, મારો અગ્નિદાહ અલય વસુંધરા મહેતા કરે એવી મારી અંતિમ ઇચ્છા છે,પરંતુ કોઈ પણ કારણસર જો એ એમ ન કરવા માગતા હોય તો એમના પર કોઈ પણ જાતનું દબાણ ન કરવું.’’

આ બંને કાગળો વાંચતા જ ક્યારનો પોતાની જાત પર કાબૂ રાખીને હિંમતથી બેઠેલો અલય તૂટી ગયો. એનાથી જોરથી બૂમ પડાઈ ગઈ, ‘‘અનુઉઉઉઉ....’’ અને એ મોટેથી રડી પડ્યો. શ્રેયાએ આવીને એના હાથમાંથી કાગળો લઈ લીધા અને એમાં નજર સરખીયે કર્યા વિના સંજીવના હાથમાં આપી દીધા. પછી અલયના ખભે હાથ મૂકીને એની સામે જોયું. પલંગમાં બેઠેલો અલય અનુપમાનો હાથ પકડીને નાનું બાળક રડે એમ હિબકે ચડીને રડતો રહ્યો. શ્રેયા માત્ર એની પીઠ પર હાથ ફેરવતી રહી અને એને રડવા દીધો...

અલય શ્રીજી વિલામાં દાખલ થયો ત્યારે બપોર થવા આવ્યા હતા. એના ચહેરા ઉપર જાણે અનુપમાનું મૃત્યુ કુંડળી મારીને બેસી ગયું હતું. ગઈ કાલે સાંજથી અત્યાર સુધીની ઘટનાઓ અલયને ચૂરચૂર કરી ગઈ હતી.

દર સેકન્ડે એને અનુપમાના શબ્દો, એનું હાસ્ય, જિંદગી માટેનો એનો પ્રેમ અને એની સાથે ગાળેલી એક એક પળ રહી રહીને વિચલિત કરી રહ્યા હતા. એને રહી રહીને લાગતું હતું કે અનુપમાના મૃત્યુ માટે એ પોતે જ જવાબદાર હતો. એણે તે રાત્રે ગોઆમાં અનુપમાની જીદ આગળ નમતું ના જોખ્યું હોત તો કદાચ આજે અનુપમા આમ ચાલી ના ગઈ હોત.

શ્રીજી વિલામાં એને દાખલ થતો જોઈને વસુમાના કાળજામાં ચિરાડો પડી ગયો. ભલભલી પરિસ્થિતિઓમાં અને મુશ્કેલીઓમાં એમણે અલયને આટલો તૂટેલો, આટલો વીખરાયેલો ક્યારેય નહોતો જોયો.

ગઈ કાલે સાંજથી એ અને શ્રેયા બંને જણા અનુપમાના બંગલે જ હતાં. પોલીસ કમિશનર રાંગણેકરને અંગત વિનંતી કરીને અનુપમાએ કરાવેલા દસ્તાવેજ પ્રમાણે એનું પોસ્ટમોર્ટમ ન થાય એ માટેના પ્રયાસો અલય અને સંજીવે કર્યા હતાં. રાંગણેકરના કહ્યા મુજબ અનુપમા સેલિબ્રિટી હતી. એનું પોસ્ટમોર્ટમ ના કરવું અશક્ય વાત હતી, પરંતુ વૈભવીના પિતાની ઓળખાણ અને રાંગણેકરની ભલમનસાઇ બંને કામે લાગ્યા પછી માત્ર ફોર્માલિટી પૂરતું પોસ્ટમોર્ટમ કરાયું હતું. અનુપમાની છેલ્લી ઇચ્છા મુજબ એના મોટા ભાગના શરીરને, ખાસ કરીને ચહેરાને સાવ અકબંધ રખાયો હતો અને પાર્લાના સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપતી વખતે અનુપમા લગભગ એવી જ દેખાતી હતી, જેવી એ બેડરૂમમાં સૂતી હતી ત્યારે દેખાતી હતી.

સંધ્યા અને ચિન્ટુએ એને મેક-અપ કરીને, ફરીથી ડ્રેસ-અપ કરીને એવી રીતે મૃત્યુશૈય્યા પર સૂવડાવી કે જાણે ફિલ્મના શૂટ માટે સૂતી હોય.

અનુપમાના વિલ મુજબ એના સ્ટાફને ૨૦-૨૦ લાખ રૂપિયા, એની રોયલ્ટી અને ફિલ્મોના તમામ રાઇટ્‌સ સંજીવને, એનો બંગલો અને ગાડી વેચીને તમામ રકમ અનાથ આશ્રમમાં અને મધર ટેેરેસાના આશ્રમમાં સરખે ભાગે દાનરૂપે આપી દેવાની હતી.

એની ફિલ્મનું મહેનતાણું એક કરોડ રૂપિયા અલયને મળે એ મુજબની પાવર ઓફ એટર્ની શૈલેષ સાવલિયાને સંબોધીને એના વિલની જોડે જ મળી આવી હતી. આ બધા કાગળિયા જોતાં જોતાં પોલીસને પણ સમજાયું હતું કે અનુપમાએ જે કંઈ કર્યું એ સમજી-વિચારીને કર્યું હતું. ઘણા દિવસથી એના મનમાં ચાલતા આ વિચારોની એણે કરેલું વિલ અને બાકીની વ્યવસ્થા સાક્ષી પૂરતા હતા.

આવીને અલય અન્યમનસ્ક જેવો ડ્રોઇંગરૂમની વચોવચ ઊભો રહ્યો. પાછળ ધીમે ધીમે આવતી શ્રેયાએ એનો હાથ પકડીને એને ડાઇનિંગ ટેબલ તરફ દોર્યો, ખુરશી પર બેસાડી દીધો. અલય જાણે માણસ નહીં, ચાવી દીધેલું પૂતળું હોય એમ વર્તી રહ્યો હતો.

અનુપમાના શરીરને ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં અંદર જતું જોયું એ પછી અલય એક અક્ષર પણ નહોતો બોલ્યો. એની ઇચ્છા મુજબ એના પાર્થિવ શરીરની અંતિમવિધિ કરતી વખતે અલયને વસુમા, સૂર્યકાંત, અભય અને શ્રેયા મળીને પણ સંભાળી નહોતાં શક્યાં... રડતો-કકળતો, ધમપછાડા કરતો આવો અલય શ્રેયાએ ક્યારેય નહોતો જોયો.

પરંતુ એના શરીરને એક વાર ક્રેમેટોરિયમમાં જતું જોયું એ પછી અલય સાવ ચૂપ થઈ ગયો હતો... ન રડ્યો, ન એકે શબ્દ બોલ્યો...

સૂર્યકાંત, વૈભવી, અભય અને વસુમા ઘેર પાછાં આવી ગયાં, પણ અલય વિલની અને બીજી ફોર્માલિટીઝ કરવા અનુપમાના બંગલે ગયો. ત્યાંથી શરૂ કરીને આ પળ સુધી એ એક શબ્દ નહોતો બોલ્યો.

શ્રેયાને ભયાનક ચિંતા થઈ રહી હતી. એ અલયના સંવેદનશીલ સ્વભાવને જાણતી હતી. એને જાતજાતની વાત કરીને એને બોલાવવાનો, રડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ અલય જાણે સ્વીચ-ઓફ કરી હોય એમ ચૂપ થઈ ગયો હતો.

એનો પથ્થર જેવો ચહેરો જોઈને વસુમાને ધ્રુજારી થઈ આવી. અલયની આ હાલતમાં એ છાપાં ન જુએ તો સારું એમ માનીને એમણે ડાઇનિંગ ટેબલ પર પડેલાં છાપાં ખસેડવાનો પ્રયત્ન કર્યો, પણ છાપાં પર હાથ મૂકીને અલયે એ થોકડો પોતાની પાસે ખેંચી લીધો.

ભારતભરનાં અખબારોમાં અનુપમાના આપઘાતના સમાચાર મરી-મસાલો ભભરાવીને છપાયા હતા. ટી.વી. ચેનલ્સે અલય વસુંધરા મહેતાનું નામ આ મૃત્યુ સાથે મીડિયાએ સાંકળવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. અનુપમાને પ્રેમજાળમાં ફાંસીને આ ફિલ્મ પૂરી કરાવ્યા પછી અલયે એને છેહ દીધો એટલે અનુપમાએ આપઘાત કર્યો એવા મતલબના સમાચાર લગભગ દરેક છાપામાં હેડલાઇન બનીને ચમક્યા હતા. ડાઇનિંગ ટેબલ ઉપર છાપાંઓનો ઢગલો લઈને બેઠેલો અલય અસ્વસ્થ રીતે એક પછી એક અખબાર જોઈ રહ્યો હતો.

જેમ જેમ એ અખબાર વાંચતો હતો તેમ તેમ એનો ચહેરો વધુ ને વધુ ઝાંખો પડતો જતો હતો...

એના ખિસ્સામાં મૂકેલો અનુપમાના હસ્તાક્ષરમાં લખાયેલો પત્ર જાણે સાપ બનીને એની છાતીમાં ડંખ મારતો હતો.

અલયને રહી રહીને અનુપમાનો ચહેરો, એનું હાસ્ય, જિંદગીથી છલકાતી એની આંખો, એની ફિલોસોફી અને કુશાગ્ર બુદ્ધિથી કરાતી વેધક દલીલો... એના શબ્દો, એનો સ્પર્શ યાદ આવતા હતા... રહી રહીને જાણે અનુપમા એની આસપાસ ધુમ્મસ બનીને વીંટળાતી હતી, એના ગળામાં હાથ નાખતી હતી, એના પગ પર બેસી જતી હતી, એના ગાલ પર, હોઠ પર ચૂમતી હતી... અનુપમાના લાંબા વાળ અલયના ચહેરા પર ઢંકાઈ જતા હતા, રહી રહીને...

અલયને લાગ્યું કે જાણે ડ્રોઇંગરૂમની દીવાલો હાલી રહી હતી. છતમાં લટકતો પંખો સાવ નીચે - વધુ નીચે આવી ગયો હતો. છતમાં તિરાડો પડી રહી હતી...

એનો શ્વાસ ગૂંગળાવા લાગ્યો. જાણે કોઈએ અનુપમાના લાંબા વાળ એના ગળાની આસપાસ લપેટીને એને ફાંસો દેવા માંડ્યો હોય એમ અલય ખેંચી ખેંચીને ઊંડા શ્વાસ લેવા લાગ્યો. એની આંખો પહોળી થઈ ગઈ. કપાળ ઉપર, હોઠની ઉપર અને હડપચી ઉપર પરસેવાનાં બુંદ ઊપસી આવ્યાં. એનો શોષ પડવા માંડ્યો.

એણે ગભરાઈને, વિચલિત થઈને જોરથી ચીસ પાડી, ‘‘માઆઆઆઆ...’’

વસુમા એની પાસે જ ઊભાં હતાં. એમણે અલયના માથે હાથ મૂક્યો. અલયે વસુમાનો ગુજરાતી સાડીનો પાલવ પકડીને એમને નજીક ખેંચ્યાં અને બે હાથ એમની કમર પર વીંટાળીને એમને લપેટાઈ ગયો. બેઠેલા અલયનું માથું વસુમાની છાતી અને પેટની વચ્ચે ભીંસાઈ ગયું. વસુમાએ હળવે હળવે અલયના માથામાં હાથ ફેરવવા માંડ્યો.

અલય ફરી એક વાર હીબકે ચડી ગયો. વસુમાના શરીર પર માથું પછાડી પછાડીને એ જોરજોરથી રડતો હતો.

ઘરના બધા જ લોકો અલયની ચીસ સાંભળીને ડાઇનિંગ ટેબલની આજુબાજુ ભેગા થઈ ગયા હતા. બધા અલયને રડતો - હીબકા ભરતો જોઈ રહ્યા હતા.

શ્રેયા અને વૈભવીની આંખો ભરાઈ આવી હતી. અભય પણ વિચલિત થઈ ગયો હતો. સૂર્યકાંત પોતાની જાતને અસહાય અનુભવી રહ્યા હતા. એમણે ડાઇનિંગ ટેબલ પર મૂઠ્ઠી પછાડીને પોતાની અસહાયતા વ્યક્ત પણ કરી નાખી...

એક માત્ર વસુમા સ્વસ્થતાથી, સંતુલનથી, સંયમથી અલયના માથે વહાલસોયો હાથ ફેરવી રહ્યાં હતાં અને એને ધીમા અવાજે કહી રહ્યાં હતાં, ‘‘રડી લે બેટા, જેટલું રડાય એટલું રડી લે. મન ખાલી કરી નાખ...’’

‘‘હું ક્યાં ખોટો હતો મા ?’’ રુંધાયેલા અવાજે વસુમાને વળગેલો અલય પૂછી રહ્યો હતો, ‘‘મેં એને બધું જ કહ્યું હતું- સત્ય. એને છેતરી નથી મેં. તો પછી... તો પછી એણે આવું કેમ કર્યું ?’’

ડાઇનિંગ ટેબલની આસપાસ ઊભેલા સૌના ચહેરા પર અલયનો જ સવાલ ઓછી-વત્તી તીવ્રતાથી પડઘાતો હતો અને સૌ પોતાના મનની આ ગૂંચવણનો જવાબ જાણવા વસુમાના જવાબની રાહ જોઈ રહ્યા હતા.

(ક્રમશઃ)