Yog-Viyog - 60 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 60

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

યોગ-વિયોગ - 60

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૬૦

વહેલી સવારે અજય જ્યારે તૈયાર થઈને ઓફિસ જવા નીકળ્યો ત્યારે લક્ષ્મી, જાનકી, હૃદય, રિયા અને સૂર્યકાંત સૌએ એનો મૂકવા પોર્ચ સુધી આવ્યાં. લક્ષ્મીએ દહીં ખવડાવ્યું, જાનકીએ અજયના કપાળે તિલક કર્યું, સૂર્યકાંત પગે લાગવા જતા અજયને ભેટી પડ્યા.

‘‘બસ બેટા, દેવશંકર મહેતાની પેઢીનું નામ અમર રાખજે. ઇમાનદારી અને સત્યને ક્યારેય તારાથી દૂર નહીં થવા દેતો, લક્ષ્મી આપોઆપ તારી નજીક રહેશે.’’

‘‘લક્ષ્મી તો અમસ્થીય મારી નજીક જ છે બાપુ !’’ અજયે કહ્યું અને સૌ હસી પડ્યાં, ‘‘ક્યારે આવે છે નીરવ? તને અમારાથી દૂર લઈ જવા...’’ અજયે લક્ષ્મી સામે જોઈને પૂછ્‌યું.

‘‘આવતી કાલે.’’ લક્ષ્મીએ કહ્યું અને એની ગોરી ચામડી પર શરમની લાલાશ છવાઈ રહી.

‘‘હું આજે નીકળું છું.’’ રિયાએ અજયને કહ્યું, ‘‘નીરવ મારે ઘરે આવશે. પછી અમે બંને અહીં આવીશું.’’

‘‘મારી બહેનનું માગું લઈને ?’’

‘‘હાસ્તો.’’

‘‘અમે તો દહેજ માગીશું આવી બહેન માટે...’’

‘‘તમે જે માગો તે આપવાની અત્યારે જ હા પાડી દઉં છું.’’ રિયાએ કહ્યું અને લક્ષ્મીના માથે હાથ ફેરવ્યો, ‘‘આ ખરેખર લક્ષ્મી છે. જ્યાં પગ મૂકે છે ત્યાં સુખ અને સમૃદ્ધિ એની જોડે જોડે જાય છે.’’ રિયાની આંખો ભીની થઈ ગઈ, ‘‘નસીબદાર છે મારો દીકરો.’’

આ બધી વાતો ચાલતી હતી એ દરમિયાન સૂર્યકાંતને સહેજ નબળાઈ જેવું લાગવા માંડ્યું. પોર્ચમાં મૂકેલી નેતરની ખુરશી પર બેસી જતા સૂર્યકાંતે અજયને પૂછ્‌યું, ‘‘મધુભાઈ સાથે ટિકિટની વાત થઈ ગઈ? ’’

‘‘તમને આટલી ઉતાવળ કેમ છે પપ્પાજી ?’’ જાનકીએ જરાક ચિડાઈને પૂછ્‌યું.

‘‘પચીસ વરસ તો દૂર રહ્યો એનાથી. હવે ઉતાવળ ના કરું તો ક્યારે કરું ?’’ સૂર્યકાંતની આંખોમાં જોયા પછી જાનકીથી આગળ કંઈ કહેવાયું નહીં. સૌ થોડી વાર એમ જ ચૂપચાપ ઊભા રહ્યા. પછી અજયે હળવેથી પોર્ચના પગથિયા ઉતરવા માંડ્યા.

‘‘દીકરો જ્યારે બાપના ખભાનો બોજો લઈ લે ત્યારે એને ખભે ચડીને જવાનો સમય થઈ ગયો છે એવું લાગવા માંડે, નહીં ?’’ સૂર્યકાંતે લગભગ સ્વગત કહ્યું. સૌએ એમની સામે જોયું, પણ કોઈ કશું બોલ્યું નહીં.

બધા ધીમે ધીમે વિખરાયા અને જાનકી સૂર્યકાંતનો હાથ પકડીને એમને હળવે હળવે એમના ઓરડા તરફ લઈ ગઈ. જતાં જતાં લક્ષ્મીએ જાનકી સામે એવી રીતે જોયું કે જાણે ગઈ કાલે રાત્રે તમે મારા રૂમમાં ના આવ્યાં, પણ હું તમને વાત કર્યા વિના છોડવાની નથી.

જાનકી પણ જાણી જોઈને જ લક્ષ્મીના રૂમમાં નહોતી ગઈ. એણે વિચાર્યું હતું કે રિયા જાય પછી જ શાંતિથી લક્ષ્મી જોડે વાત કરવી. અજયના ગયા પછી નાસ્તાનું ટેબલ સમેટીને જાનકી સિન્કમાં વાસણ સોપ કરતી હતી ત્યારે લક્ષ્મી આવીને બાજુમાં ઊભી રહી.

‘‘તમે કાલે આવ્યાં નહીં ભાભી.’’

‘‘રાત્રે જરા વહેલી ઊંઘ આવી ગઈ.’’ જાનકીએ પાંગળો બચાવ કર્યો.

‘‘ભાભી, મારી જિંદગીથી અગત્યની તમારી ઊંઘ છે ?’’ લક્ષ્મીએ જાનકીની આંખોમાં જોયું, ‘‘મારે મા તો છે નહીં અને વસુમા હજારો કિલોમીટર દૂર છે. અહીં તો તમે જ મારી મા છો ભાભી.’’ લક્ષ્મીના ચહેરા પર થોડી ઝાંખપ હતી, ‘‘તમને જેટલી અંજલિ વહાલી છે એટલી હું વહાલી નથી, નહીં ? અજયભાઈની સાવકી બહેન છું ને?’’

‘‘સ્ટૂપીડ !’’ જાનકીએ સાબુવાળા હાથે લક્ષ્મીના ચહેરા પર હળવી થપાટ મારી, ‘‘આ શું અંટસંટ વિચારે છે ?’’

‘‘તમે રાત્રે આવ્યા કેમ નહીં ? મેં કહ્યું હતું તો પણ...’’

‘‘લક્ષ્મીબેન...’’ જાનકીને જે કહેવી હતી એ વાત એ ગળી ગઈ. એને અજય સાથેનો પોતાનો સંવાદ યાદ આવી ગયો.

ગઈ કાલે રાત્રે અજય ફરી એક વાર ટુ બી - ઓર નોટ ટુ બી-ના મૂડમાં હતો. અજયને આવા અટેક અવારનવાર આવતા. જિંદગીના લગભગ ચાર દાયકા નિષ્ફળતામાં અને અભાવોમાં કાઢ્યા પછી ઘડી ઘડી ડિપ્રેશન તરફ સરકી જવું, અજયનો સ્વભાવ થઈ ગયો હતો. કોઈ પણ નિર્ણય લીધા પછી એને ફરી ફરીને જોયા કરવો, તપાસવો, એનું પોસ્ટમોર્ટમ કરવું અને એમાંથી ભૂલો શોધીને એને માટે અપરાધભાવ અનુભવવો અજય માટે જાણે એના અસ્તિત્વનો અનિવાર્ય ભાગ હતો. જાનકી આ સમજતી, પહેલા જ દિવસથી !

એટલે એ ક્યારેય અજયને આવા મૂડમાં એકલો ના છોડતી. ગઈ કાલે રાત્રે પણ ફરી એક વાર અજયને આવા જ વિચારોનો હુમલો થયો હતો. બેડરૂમની મોટી મોટી ફ્રેન્ચ વિન્ડોઝ તરફ ચહેરો કરીને છેલ્લા અડધા કલાકથી ઊભા રહેલા અજયને જોતાં જાનકીને સમજાઈ ગયું હતું કે એના મનમાં શું ચાલતું હશે.

આમેય અજય અને જાનકી વચ્ચે શબ્દો ઓછા અને સંવેદનો વધારે વહેંચાતાં. અજયના વગર કહ્યે જાનકી એના મનની વાત સમજી જ જતી.

‘‘અજુ...’’ જાનકીએ એના ખભા પર હાથ મૂક્યો. અજયે પાછળ જોયું. એની આંખોમાં ગજબનો ખાલીપો હતો, ‘‘શું થાય છે ?’’

‘‘જાનુ, મને...’’ અજયે જાનકીને બાહુપાશમાં લઈ લીધી. જાણે પોતાના શરીર સાથે એક કરી દેવા માગતો હોય એમ ભીંસી દીધી એને, ‘‘જાનુ, મને મા યાદ આવે છે.’’ અજયનો અવાજ જાણે કોઈ પુરુષનો નહીં, પણ પાંચ વર્ષના બાળકનો હોય એટલો અસહાય હતો.

‘‘અજય, મા તો યાદ આવશે, એ છે જ એવાં કે જિંદગીના કોઈ પણ સુખમાં અને કોઈ પણ દુઃખમાં સૌથી પહેલાં યાદ આવે.’’ જાનકી હળવે હળવે અજયની પીઠ ઉપર અને એના વાળમાં હાથ ફેરવી રહી હતી.

‘‘મને નથી લાગતું હું અહીંયા લાંબો સમય રહી શકું. આ ઘર અને અહીંનું કશુંયે મને પોતાનું નથી લાગતું.’’ અજય હજીયે જાનકીને ભીંસી રહ્યો હતો, ‘‘દરેક ઓરડામાં લટકતા સ્મિતાબેનના ફોટા, સાવ પાશ્ચાત્ય ઢબનું અત્યંત વ્યવસ્થિત ઇન્ટિરિયર... સતત ચૂપચાપ રહેતું આ વિશાળ ઘર... બધું જ જાણે કોઈ બીજાનું છે. આ દેશ બીજાનો છે. આ ઘર બીજાનું છે...’’ અજય હળવેથી છૂટો પડ્યો અને એણે જાનકીની આંખોમાં જોયું, ‘‘હું કાલે જે ખુરશી પર બેસવાનો છું એ પણ બીજાની જ છે.’’ એણે ફરી બારીની બહાર જોઈને ઉમેર્યું, ‘‘રોહિતની.’’

અજયના ચહેરા પર હજીયે પેલી નિષ્ફળતા અને હારી ગયાની લાગણી એમ જ હતા. જ્યારે જ્યારે વૈભવી અજયના નહીં કમાવા વિશે ટોણો મારતી ત્યારે જે ભાવ અજયના ચહેરા પર આવતા એવા જ ઝાંખપના અને પાછળ રહી ગયાના ભાવ હતા, એના ચહેરા પર અત્યારે પણ !

‘‘જાનુ, મને આખી જિંદગી બીજાનું ઊતરેલું મળ્યું છે. અભયભાઈનો યુનિફોર્મ, અભયભાઈનાં કપડાં, એમના ચોપડા અને આખરે એમની કૃપા...’’ અજયનો અવાજ સહેજ તીક્ષ્ણ થઈ ગયો. જાનકીને ઊંડે કશું ખૂંચી ગયું હોય એવું લાગ્યું, ‘‘હું જ્યારે પણ તારી પાસે પૈસા માગતો કે ઘરમાં પૈસા નહીં આપી શકવાની મારી લાચારીનો વિચાર કરતો ત્યારે હું પુરુષ ના હોઉં એવી ફિલિંગ આવતી મને.’’

જાનકીને અચાનક જ એવી કેટલીય રાતો યાદ આવી ગઈ, જ્યારે પથારીમાં બધું જ સામાન્ય રીતે ચાલતું હોય... અજય એને ખૂબ વહાલ કરતો હોય અને બંને વચ્ચે નૈકટ્યની એ ક્ષણ આવવાની તૈયારી હોય ત્યારે જ અચાનક અજયનું લોહી ઠંડું પડી જતું. જાનકી ઉપર ઝૂકેલો અજય અને એની પકડ અચાનક ઢીલા પડી જતા... એ ચૂપચાપ જાનકીની બાજુમાં ચત્તોપાટ પડી જતો અને કલાકો સુધી છત તાકતો એમ જ પડી રહેતો.

‘‘શું થાય છે ?’’ જાનકી પૂછતી.

‘‘જાનકી, મને એવી લાગણી થાય છે કે હું પુુરુષ નથી.’’ અજયનો અવાજ ભરાઈ આવતો, ‘‘જે માણસ કુટુંબની જવાબદારી ના લઈ શકે એને શું અધિકાર છે પોતાની પત્નીના શરીરનો ભોગવવાનો?’’ અજયની આંખના બંને ખૂણે આંસુ તોળાઈ રહેતાં...

આવી કેટલીય રાતો અજયની સાથે જાગી હતી જાનકી. એ સમજી શકતી હતી એની પીડા, એની વેદના અને એનો તરફડાટ.

કદાચ એ પણ એક કારણ હતું કે એણે અજયના અમેરિકા આવવાના નિર્ણયનો બહુ તીવ્રતાથી વિરોધ ના કર્યો.

આજે પણ જાનકીને અજયની આંખોમાં એ જ રાતોનો ખાલીપો અને નિષ્ફળતા દેખાતા હતા.

જાનકી થોડી વાર એમ જ ચૂપચાપ ઊભી રહી, અજયની પીઠ પર હળવે હળવે હાથ ફેરવતી...

એને યાદ આવી ગયું, મુંબઈથી નીકળતી વખતે એની સાસુએ એને કહેલું, ‘‘તું અજયની પ્રગતિ અને એના વિકાસ માટે પરદેશ જઈ રહી છે એ વાત ક્યારેય નહીં ભૂલતી. ત્યાં પહોંચ્યા પછીનો થોડો સમય તારી જાતને ભૂલીને ફક્ત અને ફક્ત અજયને આપજે. એને તારી પ્રેરણાની, તારા સાથની, તારી સંભાળની ડગલે ને પગલે જરૂર પડશે ત્યાં જઈને !’’

જાનકીને નવાઈ લાગી. કેટલું દૂરનું જોઈ શકતી હતી એ સ્ત્રી ! માણસના મનની કેટલી સમજ હતી એને !

અહીં આવી ગયા પછી કાલે સવારે જ્યારે ઓફિસ જોઇન કરવાની છે એવા સમયે અજય આવું વર્તશે એવું એમને ત્યાંથી જ ખબર હતી !

‘‘અજય ! પારકું અને પરાયું એ તો મનની સ્થિતિ છે.’’ અજયે જાનકી તરફ જોયું, ‘‘તમને સમજાવતી નથી. માત્ર યાદ કરાવું છું. વસુમા હોત તો કદાચ આમ જ કહેત, ખરું ને ?’’

‘‘જાનુ, મને અહીં આવ્યાનો અફસોસ નથી થતો, પણ કોણ જાણે કેમ હજી આ પરિસ્થિતિ સાથે મન તાલ નથી મિલાવી શકતું.’’

‘‘અજય, મનનું તો કામ જ એ છે કે જ્યાં હોઈએ ત્યાં ટકવું નહીં. તમને સ્થિર ન થવા દે એનું જ નામ મન.’’ જાનકીના ચહેરા પર સ્મિત હતું, ‘‘આપણે અહીં જિંદગીની એક નવી દિશા શોધવા આવ્યા છીએ. પહેલું ડગલું ઉપાડતાં પહેલાં જ જો તમારો પગ ડગમગી જશે તો આપણે આગળ કેવી રીતે વધી શકીશું, અજય ?’’ જાનકી ખૂબ સ્થિરતાથી અને સંયત અવાજમાં વાત કરતી હતી, પણ એ સમજી શકતી હતી કે અજયની વાત સાચી છે. એને પોતાને પણ આ નવો દેશ અને નવા ઘરમાં હજી ગોઠતું નહોતું.

‘‘અજય, મા કહે છે ને કે વહેતા રહેવું એનું જ નામ જિંદગી છે. વહેતી નદી પોતાની સાથે એની જમીન નથી લઈ જતી. પથ્થરોને ઘસી ઘસીને ગોળ કરી નાખે છે, પોતાનું વહેણ સહેલું બનાવવા. પરંતુ એમને પોતાની સાથે નથી લઈ જતી...’’

‘‘જાનુ, હું સફળ થઈશ ને ?’’ અજયની આંખોમાં એક અસમંજસ હતી, ‘‘બાપુએ મારામાં મૂકેલો વિશ્વાસ હું સાચો સાબિત કરીશ ને ?’’

‘‘મને કોઈ શંકા નથી.’’ જાનકીએ અજયને વહાલથી બાહુપાશમાં લઈ લીધો અને એના હોઠ પર હોઠ મૂકી દીધા. હળવે હળવે એણે અજયને વહાલ કરવા માંડ્યું. જાનકીના હોઠ અજયના ગળા પર, એની છાતી પર એના પુરુષાતનને જગાડતા સરકી રહ્યા હતા. અજયના હાથ પર જાનકીની ગુજરાતી સાડીનો પાલવ હટાવીને એની કમર પર અને એના પેટ પર સરકવા લાગ્યા.

જાનકીનું મન એને એક સવાલ પૂછી રહ્યું હતું, ‘‘અજયને એના વિશાદમાંથી બહાર કાઢવાનો રસ્તો શું માત્ર શરીર હતું ?’’ એની બુદ્ધિ એના જ હૃદય સામે વિદ્રોહ કરી રહી હતી, ‘‘પુરુષને પુરુષ હોવાની લાગણી માત્ર ત્યારે જ બળવત્તર થાય, જ્યારે એ પોતાને એક સ્ત્રીની સામે, ભલેને એ પછી પત્ની હોય, પુરુષ સાબિત કરે- ખાસ કરીને શરીરથી...??’’

પણ સામે એનું જ મન એને જવાબ આપી રહ્યું હતું, ‘‘પતિ માટે શયનેષુ રંભા અને કાર્યેષુ મંત્રી... એ જ મારી ફરજ છે, આજના સંજોગોમાં તો ખરી જ.’’

એને યાદ આવી ગયું. એક વાર આવી જ ચર્ચામાં એણે વસુમાને પૂછેલું, ‘‘હેં મા, બાપુએ યશોધરાનો સાથ શોધ્યો એના કારણમાં ક્યાંક તમારા તરફથી મળેલો જાકારો કારણભૂત હશે ?’’

‘‘ક્યાંક શું કામ ?’’ વસુમાએ નિખાલસતાથી કહ્યું, ‘‘એ જ કારણભૂત હોય એમ પણ બને. પુરુષ માટે એના પુરુષાતનને સાબિત કરવાની ક્ષણ એટલે સ્ત્રીશરીર અને સંભોગની ક્ષણ... પુરુષ માટે એ એની સૌથી મોટી શક્તિ છે અને સૌથી મોટી નબળાઈ પણ.’’ જાનકીને એ નિખાલસતા માટે માન થઈ ગયેલું, ‘‘બેટા, હું હંમેશાં સાચી જ હતી અથવા મેં જે કર્યું તે સત્ય જ હતું એમ માનવાથી મોટી ભૂલ બીજી કોઈ નથી. દરેક વખતે સામેની વ્યક્તિનો વાંક જોવો એ આપણી સૌથી મોટી નબળાઈ છે...’’ વસુમાએ કહેલી આ સુંદર વાત જાનકીને ગઈ કાલે રાતના પ્રસંગે ખૂબ મદદરૂપ નીવડી હતી, ‘‘બેટા, સામેનો માણસ જ્યારે નબળો થાય ત્યારે એની નબળાઈને એની શક્તિ બનાવીને એના જ હાથમાં સોંપી દેવી એ ઉત્તમ રસ્તો છે.’’

જાનકીના હાથ સિન્કમાં સાબુ સાથે જ અટકી ગયા હતા. લક્ષ્મી એની સામે જોઈ રહી હતી.

‘‘શું વિચારમાં પડી ગયાં છો ભાભી ?’’

‘‘કંઈ નહીં.’’ જાનકીએ લક્ષ્મી સામે જોયું, ‘‘મને લાગે છે મારે અહીં વસુમાનો રોલ કરવાનો છે.’’

‘‘હાસ્તો.’’ લક્ષ્મીની ચહેરા પર સ્મિત આવી ગયું, ‘‘એમણે તમને મોકલ્યાં છે જ એટલા માટે કે તમે અહીં બધું ઠીકઠાક કરી નાખો...’’

‘‘કેમ ? કશું ગૂંચવાયેલું છે ?’’ જાનકીએ વાસણ એક પછી એક એના સ્ટેન્ડમાં ગોઠવતાં લક્ષ્મીને પૂછ્‌યું.

‘‘હા.’’ લક્ષ્મી હાઇ ચેર ખેંચીને બ્રેકફાસ્ટ કાઉન્ટરની સામે બેસી ગઈ, ‘‘રિયા મા કહે છે કે...’’ લક્ષ્મી એક ક્ષણ ખચકાઈ. પછી હિંમતભેર વાક્ય પૂરું કર્યું, ‘‘હું, હું મારા ડેડીની દીકરી નથી.’’

ક્ષણભર માટે સોપો પડી ગયો. જાનકી લક્ષ્મીની આંખોમાં જોઈ રહી. આમ તો જાનકી લક્ષ્મીના દેખાવ પરથી જ આ વાત સાચી છે એમ કહી શકે તેમ હતી... પરંતુ એ ચૂપ રહી.

‘‘મારી મા મારા ડેડી સાથે પરણી ત્યારે ઓલરેડી પ્રેગનન્ટ હતી.’’ લક્ષ્મી અને જાનકી બંને એકબીજા સામે જોઈ રહ્યાં.

‘‘તમને ખરેખર એનાથી કોઈ ફરક પડે છે, લક્ષ્મીબેન ?’’ જાનકીએ સીધો જ સવાલ પૂછી નાખ્યો, ‘‘તમારી જિંદગી હવે સુખની, સંસારની દિશામાં જઈ રહી છે.... કાલે તો નીરવભાઈ આવશે. શું કામ આ બધાની પાછળ...’’

‘‘રિયા મા પણ એમ જ કહે છે.’’ લક્ષ્મીનો ચહેરો ભાવવિહીન, સાવ સપાટ હતો, ‘‘પણ મારું મન નથી માનતું. મારે એ માણસને મળવું છે. એક વાર...’’

‘‘સ્ત્રીને બનાવીને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે.’’ જાનકીના ચહેરા પર સ્મિત આવી ગયું. એણે બાજુમાં પડેલા નેપકિનથી હાથ લૂછ્‌યા, પછી લક્ષ્મીની નજીક આવીને એના બંને ગાલ પર હાથ મૂકી માર્દવથી એનો ચહેરો નજીક લીધો, ‘‘હું તમારી લાગણી સમજી શકું છું.’’

‘‘લાગણી નહીં ભાભી, જરૂરિયાત. એ માણસને મળીને કંઈ ભેટી નથી પડવાની એને...’’

‘‘એ પણ જાણું છું.’’ જાનકીએ સ્વસ્થતાથી કહ્યું, ‘‘પણ કદાચ એ ભેટી પડે તમને... તો ?’’

‘‘ભાભી, નીરવ સાથે જોડાઉં એ પહેલાં મારે મારી જાત સાથે જોડાવું છે. કોઈકને ત્યાં જન્મી, કોઈની દીકરી... છેલ્લા ત્રીસ-ચાળીસ દિવસમાં મારી જિંદગીના પ્રવાહ પલટાઈ ગયા છે... ઇન્ડિયા જતાં પહેલાં ડેડીના ભૂતકાળ વિશે, પછી નીરવ, પછી રિયા મા અને હવે આ સત્ય... મને સમજાતું નથી, મારે શું કરવું ?’’

‘‘જેમ થાય છે તેમ થવા દો.’’ જાનકીએ પોતાના હાથમાં પકડેલા લક્ષ્મીના ગાલ થપથપાવ્યા, ‘‘આમ પણ આપણે કશું બદલી શકતા નથી. બદલવાના પ્રયત્નમાં છેવટે હાથમાં આવે છે નિષ્ફળતા અને ફ્રસ્ટ્રેશન !’’ એણે બાકી રહેલાં બે-ચાર વાસણ ગોઠવતાં જાણે અમસ્તી જ કહેતી હોય એમ કહ્યું, ‘‘મળી લો, પણ એને તમારી જિંદગીનો બહુ મહત્ત્વનો ભાગ નહીં બનાવતા, એટલું જ કહી શકું છું.’’

એ પછી જાનકી પોતાનું બાકીનું કામ કરતી રહી. લક્ષ્મી ત્યાં જ બ્રેકફાસ્ટ ટેબલ પર ચૂપચાપ બેસી રહી. જાનકીનું કામ પત્યું કે એણે લક્ષ્મી સામે જોયું, ‘‘જઈએ ?’’

‘‘એક બીજી વાત ભાભી.’’

‘‘હમ.’’ જાનકીએ એવી રીતે જોયું, જાણે કહેતી હોય, કહો - થઈ જશે.

‘‘ભાભી, હું જ્યારે એ માણસને મળવા જાઉં ત્યારે તમે મારી જોડે આવજો.’’

‘‘લક્ષ્મીબેન, ત્યાં સુધીમાં તો નીરવભાઈ આવી જશે. મને લાગે છે તમારે મને નહીં, એમને સાથે લઈ જવા જોઈએ. તમારી સૌથી નાજુક અને સૌથી અગત્યની પળમાં તમારી સાથે તમારો જીવનસાથી હોવો જોઈએ.’’

લક્ષ્મી જાનકી સામે જોઈ રહી. એને લાગ્યું કે જાનકી સાચું કહેતી હતી. નીરવથી વધુ અગત્યનું કોણ હોઈ શકે, જિંદગીની આવી પળે ? એ આગળ કંઈ કહે એ પહેલાં રિયા કિચનમાં દાખલ થઈ, ‘‘શું ગોસિપ ચાલે છે ?’’

‘‘તમારા દીકરાની ફરિયાદ કરું છું.’’ લક્ષ્મીએ હસીને કહ્યું.

‘‘તો તો મારે પણ ઘણું કહેવાનું છે.’’ રિયાના ગાલમાં ખાડા પડી ગયા અને ત્રણેય સ્ત્રીઓ ખડખડાટ હસી પડી. સાવ ખોટું અને બોદું એ હાસ્ય એમની અંગત લાગણીઓને ગજબ રીતે સંતાડતું હતું એ વાત ત્રણેય સમજતી હતી અને છતાં ત્રણેય ન સમજવાનો અજબ ડોળ કરી રહી હતી.

શ્રીજી વિલાની બહાર સાંજ જાંબુડી થઈ ગઈ હતી. સૂરજ ઢળી ગયો હતો, પણ હજી પૂરેપૂરું અંધારું નહોતું થયું. પથ્થરની બેઠક પર બેસીને વસુમા દિવેટ કરી રહ્યાં હતાં. સામે બેઠેલી વૈભવી શૂન્ય નજરે આકાશ તરફ જોઈ રહી હતી.

હવે અભય મોડો આવે કે વહેલો, વૈભવી એને ફોન નહોતી કરતી. એ જ્યારે આવે ત્યારે એના જમવા વિશે સાદા અને ટૂંકા સવાલો કરતી. છેલ્લા બે-ચાર દિવસોમાં વૈભવી અને અભય વચ્ચે ભાગ્યે જ દસ વાક્યોથી વધારે વાત થઈ હશે.

અજયને એરપોર્ટ મૂકીને આવ્યાની રાત્રે થયેલા સંવાદ પછી અભય પણ જાણે બુઝાઈ ગયો હતો. એ પ્રિયાને બહુ જ ચાહતો હતો અને અત્યાર સુધી એને લાગતું હતું કે વૈભવી આ જ ટ્રીટમેન્ટને લાયક છે, પરંતુ તે દિવસે રાત્રે જે સંવાદ થયો એ પછી આ નરમ, તૂટી ગયેલી, બુઝાયેલી વૈભવી એનાથીય નહોતી સહી શકાતી.

અભયને ઊંડે ઊંડે લાગ્યા કરતું હતું કે વૈભવીની આ સ્થિતિ માટે પોતે જવાબદાર છે, અને છતાં એ અંગે એ કશુંયે કરી શકે એમ નહોતો.

પથ્થરની બેઠક પર બેસીને શૂન્યમાં જોઈ રહેલી વૈભવી અને ઓફિસમાં બેસીને ટેબલ ઉપર મૂકેલા કાગળમાં આડા-અવળા લીટા દોરતા અભયની મનઃસ્થિતિ લગભગ સરખી હતી.

અહીં વસુમા અને ત્યાં પ્રિયા વૈભવી અને અભયને જોઈ રહ્યાં હતાં. વસુમા તો સમજતાં હતાં કે આ પરિસ્થિતિમાંથી પસાર થયા વિના વૈભવી માટે જિંદગી સાથે સમજૂતી કરવી અસંભવ છે. એક ભયાનક ભૂકંપમાંથી પસાર થયેલી જિંદગીને ફરી ગોઠવાતા પહેલાં કેટલાક આફ્ટરશોક અનુભવવા પડશે એનો એમને અનુભવ હતો, અને એટલે જ એ ખાસ કશું બોલ્યાં વિના વૈભવીની આસપાસ રહેવાનો પ્રયત્ન કરતાં હતાં. એમની હાજરી જ વૈભવી માટે એક આશ્વાસન, એક સધિયારો બની રહેતી. બિનજરૂરી શબ્દોની આપ-લે, કે સલાહ-સૂચનાનો મારો કર્યા વિના વસુમા માત્ર પોતાની નજરથી અથવા હાજરીથી વૈભવીને એટલું મૂક રીતે કહેતાં રહેતાં કે હું છું. જ્યારે મારે જરૂર પડે ત્યારે હું હાજર જ છું, એટલી શ્રદ્ધા રાખજે અને વૈભવી પણ આ વાત સમજતી હોય એમ જ્યારે જ્યારે મન ઉદાસ થાય ત્યારે એક વાર વસુમા સામે જોઈ લેતી...

જોકે એને સતત યાદ રહેતું કે આ સ્ત્રી સાથે વર્ચસ્વની લડાઈમાં પોતે કેવા અને કેટલા ઘસરકા પાડ્યા હતા, આ ઘરમાં એનું વર્તન કેટલું ખરાબ રહ્યું હતું એ વાત હવે એને સમજાઈ હતી, એટલું જ નહીં- રહી રહીને એ વાત એને પીડા આપતી રહેતી.

ઘરનો કોઈ સભ્ય એની સાથે જરાય ખરાબ રીતે વર્તવાનો કે એને જૂની વાતો યાદ કરાવવાનો પ્રયત્ન સુધ્ધાં નહોતો કરતો અને તેમ છતાં વૈભવીને પોતાનું જ વર્તન રહી રહીને ડંખતું.

‘‘મા.’’ વૈભવીએ વસુમા સામે જોયું, એની આંખોમાં પાણી હતાં.

‘‘વળી શું થયું બેટા ?’’ વસુમાએ દિવેટ આઘી મૂકી અને વૈભવીના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો, ‘‘શા માટે રહી રહીને રુઝાતા ઘાને ખોતર્યા કરે છે ?’’

‘‘મા, હવે મારી ભૂલો મારી સામે પહાડ થઈને ઊભી રહે છે... આગળ જોવાનો રસ્તો બંધ થઈ જાય છે. મેં જે કર્યું તે રહી રહીને મને પીડે છે અને હવે એને સુધારવાની કોઈ શક્યતા બાકીયે નથી રહી.’’

‘‘બેટા, મેં જો આમ વિચાર્યું હોત તો ચાર સંતાનોને કેવી રીતે ઉછેર્યાં હોત ?’’

વૈભવીએ ચોંકીને વસુમા સામે જોયું. એમની વાત કેટલી સાચી હતી ! આ સ્ત્રી જો અંગત દુઃખોને પંપાળીને બેસી રહી હોત તો એનો કોઈ અંત જ ના આવ્યો હોત.

‘‘બેટા, એક વાર મા બનીએને પછી આપણું સ્ત્રીત્વ ચાર ડગલાં પાછળ જતું રહે છે. સાથે સાથે પત્નીત્વ પણ ક્યાંક દૂર જઈને ઊભું રહી જાય છે. સૌથી આગળ અને સૌથી મહત્ત્વનું રહે છે માતૃત્વ.’’ એમણે વહાલથી વૈભવીને સમજાવી, ‘‘લજ્જા છે, આદિત્ય છે- એમનામાં ધ્યાન આપ.’’

‘‘પણ મા, અભયે મને મારા કારણે તરછોડી હોત તો આટલું દુઃખ ન થયું હોત...’’ વૈભવી નીચી આંખે કહી રહી હતી.

‘‘સમજું છું, જેની સાથે જિંદગી જીવવા માટે તમે બધું જ છોડીને આવ્યા હો એ કોઈ બીજી સ્ત્રીના કારણે તમને તરછોડે ત્યારે એમાં પીડા કરતાં અપમાનનો ભાવ વધારે હોય છે.’’ વૈભવીએ આંખો ઊંચકીને વસુમા સામે જોયું, ‘‘મારી વાર્તા પણ તારાથી જુદી તો નથી જ ને બેટા?’’

‘‘મા, ક્યારેક થાય છે કે અપમાનનો બદલો લઉં, તો ક્યારેક થાય છે કે હું એ જ અપમાનને લાયક હતી... ક્યારેક લોહી ઊકળી આવે છે તો ક્યારેક મજબૂરીનો અહેસાસ થાય છે.’’ વૈભવીનો અવાજ ઊંચો થઈ ગયો, ‘‘ક્યારેક અભયનું ખૂન કરવાની ઇચ્છા થાય છે, તો ક્યારેક એના ચરણમાં બધું નાખીને માન-અપમાન ભૂલીને ફરીથી જિંદગી શરૂ કરવાની જિજિવિષા જાગી ઊઠે છે.’’ હવે એની આંખો છલકાઈ ગઈ, ‘‘અંતે બધું શૂન્યમાં પરિણમે છે. એ જ્યારે બહારથી આવે ત્યારે મને એમના શરીરમાંથી પ્રિયાની સુગંધ આવે છે. એમના શરીર પર પ્રિયાના ફિંગરપ્રિન્ટ્‌સ દેખાય છે...’’ વૈભવી રડી પડી, ‘‘મરીયે નથી શકતી ને જીવીયે નથી શકતી.’’

‘‘આ સ્ત્રી માત્રની કથા છે બેટા.’’ વસુમાએ ખૂબ સ્થિરતાથી કહ્યું, ‘‘તેં તારી જાતને પ્રિયાની જગ્યાએ મૂકી છે ? એને પણ આ જ બધું લાગતું હશે. ખરું કે નહીં ?’’

વૈભવી વસુમાની સામે જોઈ રહી, ‘‘પણ એ તો જાણતી હતી બધું...’’

‘‘જાણવા છતાંયે જાતને રોકી ના શકાય ત્યારે પહેલો ક્રોધ જાત પર ઊતરતો હોય છે.’’ વસુમાએ હળવેથી કહ્યું, ‘‘બેટા, પ્રિયાને ભૂલી જા...’’

‘‘ભૂલી જાઉં ? મને એના સિવાય કંઈ યાદ નથી રહેતું.’’

‘‘અને એટલે જ જેટલી ક્ષણો અભય તારી પાસે હોય છે એટલી ક્ષણો પણ તું કોઈ ને કોઈ રીતે પ્રિયાને તમારી વચ્ચે લઈ આવે છે.’’

‘‘હા , મા.’’ વૈભવીથી કહેવાઈ ગયું, ‘‘હું ઇચ્છું કે નહીં, વાત અમારા સંબંધની દિશામાં જ ચાલી જાય છે.’’

‘‘સ્વાભાવિક છે.’’ વસુમાએ પોતાના હાથમાં પકડેલો વૈભવીનો હાથ થપથપાવ્યો, ‘‘આ પરિસ્થિતિને તૂટેલા હાડકા પરના પ્લાસ્ટરની જેમ જોવાનો પ્રયત્ન કર વૈભવી...’’

‘‘એટલે ?’’ વૈભવીનો ખૂબસુરત ચહેરો અચાનક જ છેલ્લા થોડા દિવસથી મ્લાન અને પીળો થવા લાગ્યો હતો. છેલ્લા દસ દિવસમાં એની ઉંમર દેખાવા લાગી હતી.

‘‘એટલે એમ કે તમારા સંબંધને જોડતું હાડકું તૂટી ગયું છે. આ પરિસ્થિતિ એના પર પ્લાસ્ટર જેવી છે. એ તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં મૂકીને થોડો સમય યથાવત રાખશે.’’

‘‘ એનાથી શું થશે ?’’

વસુમાના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘‘જેમ પ્લાસ્ટર ધીમે ધીમે હાડકાને જોડે છે એમ તમારો સંબંધ પાછો જોડાશે વૈભવી.’’ વસુમાની આંખોમાં આત્મવિશ્વાસ હતો, થોડો સધિયારો અને સાંત્વના પણ, ‘‘તું જો આ પ્લાસ્ટરની પરિસ્થિતિને વારંવાર હચમચાવ્યા કરીશ તો જોડાતો સંબંધ ફરી તરડાતો જશે. આ પરિસ્થિતિને આમ જ પસાર થઈ જવા દે. કશુંયે તોડવાનો કે જોડવાનો પ્રયાસ કર્યા વિના.’’ વૈભવી સૂની આંખે એમની સામે જોઈ રહી હતી. કેટલી સહેલાઈથી કેટલી અઘરી વાત સમજાવતી હતી આ સ્ત્રી !

વસુમા હજીયે કહી રહ્યાં હતાં, ‘‘તમારા બંનેની વચ્ચેનો આ સમય એ પ્લાસ્ટર જેવો છે. એને એનું કામ કરવા દે. મને વિશ્વાસ છે કે સમયનું આ પડ ખૂલશે ત્યારે બધું ફરી એક વાર જોડાયેલું હશે.’’

‘‘મા !’’ વૈભવીએ માથું વસુમાના હાથ પર મૂકી દીધું. વસુમા હળવે હાથે એના વાળમાં હાથ ફેરવતાં રહ્યાં. વૈભવીએ ગાંઠ વાળી, ‘‘આજ પછી હું પરિસ્થિતિને કોઈ દિશામાં લઈ જવાનો પ્રયત્ન નહીં કરું. ન પોઝિટિવ, ન નેગેટિવ...’’

શ્રેયા અને અલય ક્યારના ચૂપચાપ બેઠાં હતાં. સાગરકિનારે આવેલા એ કોફીશોપમાં દરિયાનો ધીમો ધીમો અવાજ સંભળાતો હતો. પસાર થતાં વાહનોના ધીમા ઘરઘરાટ સિવાય બપોરની નીરવ શાંતિમાં બીજો કોઈ અવાજ નહોતો. દૂર ખૂણામાં બેઠેલું એક બીજું યુગલ એમની રીતે ધીમા અવાજે ઘૂટરઘૂં કરી રહ્યું હતું.

‘‘આજે ફિલ્મ સેન્સરમાં ગઈ છે.’’ ક્યારનો ચૂપચાપ બેઠેલો અલય દરિયાની દિશામાં જોયા કરતો હતો. એણે ધીરેથી જાત જોડે વાત કરતો હોય એમ કહ્યું.

‘‘ખબર ક્યારે પડશે ?’’

‘‘ગમે ત્યારે ફોન આવવો જોઈએ. ફોર્માલિટિસ તો થયા કરશે, પણ સભ્યોના અભિપ્રાય અત્યાર સુધીમાં મળી ગયા હશે.’’ એણે ઘડિયાળ જોઈ, ‘‘માજીદનો ફોન કેમ ના આવ્યો એની જ નવાઈ લાગે છે.’’

‘‘અહીં બેસીને ચિંતા કરવાને બદલે તારે જાતે જવું જોઈતું હતું.’’ શ્રેયાએ કહ્યું.

‘‘ખબર છે !’’ અલયના બેચેન હાથ ટેબલ પર તબલા વગાડી રહ્યા હતા. એની આખીયે બોડીલેન્ગ્વેજ સખત બેચેન અને ધીરજ વગરની હતી, ‘‘પણ હું જાત તો એમના અભિપ્રાય સામે દલીલો કરવા બેસત. મને મારા સ્વભાવની ખબર છે. મારા કામ વિશે કોઈ પણ માણસ નાનકડી પણ કમેન્ટ કરે એ મારાથી સહન નથી થતું.’’ કંઈ બોલવા જતી શ્રેયાને એણે હાથ ઊંચો કરીને અટકાવી, ‘‘મને ખબર છે- આ નબળાઈ છે.’’

‘‘હું એવું નહોતી કહેવાની.’’ શ્રેયાની આંખોમાં એક અજાણ્યો અસહાય ભાવ હતો, ‘‘મારે એક બીજી જ વાત કરવી છે, ખૂબ અગત્યની.’’

‘‘બોલને...’’ અલય પ્રમાણમાં ઘણો સ્વાભાવિક હતો.

‘‘સેન્સર બોર્ડના સ્ક્રિનિંગમાંથી ફોન આવી જાય પછી વાત કરું...’’

‘‘એ તો આવશે, જે આવવાનો હશે તે.’’ અલયે જરા બેફિકર સ્મિત કર્યું, ‘‘હું ગમે તેટલા ધમપછાડા કરું, એમનો નિર્ણય સ્વીકાર્યા વિના ચાલવાનું નથી.’’ પછી શ્રેયાનું નાક પકડીને એનો ચહેરો હલાવ્યો, ‘‘બોલ બેબી બોલ... શું વાત છે ?’’

‘‘અલય, પપ્પા કોઈ રીતે માનતા નથી.’’

અલય ખડખડાટ હસી પડ્યો, ‘‘એમાં નવી વાત શું છે? આ તો આપણને ખબર જ હતી.’’

‘‘ખબર હતી...’’ શ્રેયાએ નીચું જોયું, ઘડીભર ચૂપ રહી. પછી ફરી એક વાર અલયની આંખોમાં જોયું, ‘‘ગઈ કાલ સુધી એ ઘર મારે છોડવાનું નહોતું અલય... આજે એ પરિસ્થિતિ ખરેખર ઊભી થઈ છે ત્યારે એનો ભય, અને એનું ગિલ્ટ મને ઘેરી વળ્યા છે.’’

‘‘એટલે ?’’ અલય સિરિયસ થઈ ગયો.

‘‘જે પિતાએ મને ક્યારેય માની ખોટ નથી સાલવા દીધી, જેણે મને ઉછેરવા માટે પોતાની જિંદગીનો ભોગ આપી દીધો... ’’ એણે થૂંક ગળે ઉતાર્યું, ‘‘એ પિતા કહે છે કે તને પરણીશ તો એમની સાથેનો સંબંધ પૂરો થઈ જશે.’’ એ અલયની આંખોમાં જોઈ રહી.

‘‘તો ?’’

‘‘તો...’’ શ્રેયાના ચહેરા પર એની મૂંઝવણ, એની અસમંજસ, એની તકલીફ સ્પષ્ટ દેખાતા હતા, ‘‘તો અલય, જે માએ તારા માટે આટલું બધું કર્યું એ માના દુઃખને તું તારા પિતાના સંબંધ માટે પણ ભૂલી ના શક્યો તો હું...’’ શ્રેયાના અવાજમાં અસહાયતા હતી, ‘‘કેવી રીતે છોડી દઉં એમને ? કોના ભરોસે ? મારા સુખ માટે એ બધું ભૂલી જાઉં, જે એમણે કર્યું છે ? આઇ કાન્ટ અલય, આઇ કાન્ટ...’’

અલય શ્રેયા સામે જોઈ રહ્યો. ક્યાં લાવીને મૂક્યો હતો જિંદગીએ? શું કહી રહી હતી આ છોકરી ? આજે જ્યારે સાત સાત વર્ષથી જોયેલું સપનું સાચું પડવાનું હતું ત્યારે આ કયા સવાલનો પુલ ફૂરચેફૂરચા થઈને ઊડી રહ્યો હતો...

(ક્રમશઃ)