Yog-Viyog - 58 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 58

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 58

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૫૮

બ્રુકલીન બ્રિજના ખૂણે રેલિંગને અઢેલીને શાંતિથી ઊભેલા બાપ-દીકરો ધીમે ધીમે દરિયાના કાળા થતાં જતાં પાણીને જોઈ રહ્યા હતા. ખાસ્સી વારથી બંને ચૂપચાપ ઊભા હતા. જોકે સૂર્યકાંતને ઘરની બહાર નીકળવાની ડોક્ટરે ચોખ્ખી ના પાડી હતી, તેમ છતાં આજે જીદ કરીને સૂર્યકાંત અજયની સાથે બહાર નીકળ્યા હતા.

ગાડીને થોડે દૂર પાર્ક કરીને બ્રુકલિન બ્રિજના લાકડાનાપ્લેટફોર્મ પર દીકરાનો હાથ પકડીને ધીરે ધીરે ચાલતા સૂર્યકાંતને લાગ્યું કે એમનું જીવન સફળ થઈ ગયું !

આખી જિંદગી સૂર્યકાંતે આવી જ કોઈ ક્ષણનાં સપનાં જોયાં હતાં. ભારત છોડીને અમેરિકા આવીને વસી ગયેલા સૂર્યકાંતને ખરું પૂછો તો સંતાનો ક્યારેય ભૂલાયાં નહોતાં. એમાં પણ અંજલિ અને અજય સૂર્યકાંતના જરા વધુ જ વહાલા હતાં, એમ કહીએ તો ના નહીં.

બ્રુકલિન બ્રિજ ઉપર ખાસ્સી ચહલપહલ હતી. એકબીજાના હાથમાં હાથ પકડીને ઢળતી સાંજને માણી રહેલાં પ્રેમીઓથી શરૂ કરીને ડોગીને સાથે લઈને ફરવા આવેલી ફેશનેબલ, અતિ પાતળી અમેરિકન સ્ત્રીઓ, બર્ગર હાથમાં લઈને ખાવામાં જ જીવનનું સાર્થક્ય માણી રહેલા સ્થૂળ અમેરિકનો, પરદેશથી ન્યૂયોર્ક જોવા આવેલા ઇટાલિયન, ચાઇનીઝ, જાપાનીસ, ફ્રેન્ચ અને એશિયન ચહેરાઓ...

સાવ એકાકી, ચૂપચાપ બાકડા પર બેઠેલા અમેરિકન વૃદ્ધો અને બ્રિજની રેલિંગને અઢેલીને એકબીજાને ચુંબન કરી રહેલાં ટીનએજર અમેરિકન યુગલો.

એક સાવ નવી જ દુનિયા અજયની સામે ઊઘડી રહી હતી. વિશ્વના સૌથી સમૃદ્ધ દેશ, એક મહાસત્તાની ધરતી પર ઊભો હતો એ. ગઈ કાલ સાંજ સુધી એ એક નિષ્ફળ, પોતાની જાતને સાબિત નહીં કરી શકેલો, પત્ની અને ભાઈના પૈસા પર જીવતો નબળો વકીલ હતો. આવતી કાલે સવારથી એ કરોડો ડોલરની સંપત્તિ ધરાવતી ગ્રૂપ ઓફ કંપનીઝનો મેનેજિંગ ડિરેક્ટર બનવાનો હતો. આજની સાંજ અને આવતી કાલની સવાર વચ્ચેની આ રાત અજયની જિંદગી પલટી નાખવાની હતી.

સાંજે અચાનક જ સૂર્યકાંતે અજયને પોતાના ઓરડામાં બોલાવ્યો. પછી, થોડી વાર ચૂપચાપ બેસી રહ્યા અને ધીરે રહીને એનેપોતાના વીલની કેટલીક વિગતો સંભળાવી.

‘‘મને શા માટે કહો છો આ બધું ?’’ શું બોલવું એ ન સમજાતા અજયે પૂછ્‌યું.

‘‘એટલા માટે કે આ સંપત્તિનો વહીવટ તારે કરવાનો છે. મને લક્ષ્મીની ચિંતા હતી, પણ હવે નથી. નીરવ ખૂબ સારો છોકરો છે અને આર્થિક રીતે પણ એની ચિંતા કરવાની જરૂર હવે રહી નથી...’’ એક ઊંડો શ્વાસ લઈને સૂર્યકાંત આંખો મીંચીને થોડી વાર ચૂપચાપ પડી રહ્યા, ‘‘દેવશંકર મહેતાનાં પુણ્ય હશે આ.’’ જરા સ્મિત આવી ગયું એમના ચહેરા પર, ‘‘મેં તો પુણ્ય કર્યાં નથી, પણ આ ઘરની દીકરીઓ એવા ઘરમાં ગઈ જ્યાં સાક્ષાત લક્ષ્મીની જેમ પૂજાશે. મારી અંજલિ ને મારી લક્ષ્મી...’’ કંઈ બોલ્યા વિના એ આંખો મીંચીને ચૂપચાપ બેસી રહ્યા.

અજય પણ જાણે એમને બોલવાનો અવકાશ આપતો હોય એમ ચૂપચાપ એમના બોલવાની રાહ જોતો બેસી રહ્યો.

‘‘બેટા, તને કદાચ જૂનવાણી લાગશે, પણ બાપને દીકરાઓની િંચતા નથી હોતી બહુ.’’ એમણે આંખો ઉઘાડી. હલકી ભીનાશ અને ગજબ વહાલ હતું એમની આંખોમાં, ‘‘દીકરી સારે ઘેર પરણી જાય એટલે કોઈ પણ બાપને મરવાની પરમિશન મળી જાય.’’

‘‘આવું શું કામ બોલો છો ?’’ અજયે એમનો હાથ પકડી લીધો.

હસી પડ્યા સૂર્યકાંત, ‘‘હું અમેરિકામાં નથી મરવાનો.’’

‘‘બાપુ !’’

સૂર્યકાંત અને અજય ક્યાંય સુધી એકબીજાની સાથે વાતો કરતા રહ્યા. વસુમા વિશે, અજયના બાળપણ વિશે, દેવશંકર મહેતા વિશે અને ફરી ફરીને એક વાર વસુમા વિશે.

‘‘બાપુ, માએ તમારા માટે સંદેશ મોકલ્યો છે.’’

‘‘આમ તો બહુ વાંચે છે તારી મા, સાહિત્યની મોટી લાઇબ્રેરી છે, જાતે જ ! એક કાગળ ઉપર ચાર અક્ષર પાડતા શું નડ્યું તારી માને ?’’ સૂર્યકાંતે પૂછ્‌યું, પણ એ સવાલમાં ફરિયાદ ઓછી અને લાડ વધારે હતા.

‘‘બાપુ, માએ કહ્યું છે કે એણે તો રાહ જોઈ જ છે અને જોતી જ રહેશે, પણ હવે પાછા ફરવાનો સમય થઈ ગયો છે.’’ સૂર્યકાંતની આંખો અચાનક બદલાઈ ગઈ. એમણે અજય સામે એવી રીતે જોયું જાણે અજય જ વસુમા હોય, ‘‘આથમતા સૂરજના સમયે પંખી પણ ઘેર પાછાં ફરે, પણ મા કહે છે કે આપણે તો માણસ છીએ.’’

સૂર્યકાંતનું હૃદય ભરાઈ આવ્યું. એમની નજર સામે દેવશંકર મહેતાનો હીંચકો ઝૂલવા લાગ્યો. હવેલીમાં દાખલ થતાંની સાથે ગૂગળના ધૂપની જે સુવાસ એમના આખા અસ્તિત્વને ઘેરી લેતી એ અહીં અમેરિકાના ઘરમાં કોણ જાણે ક્યાંથી આવી લાગી ! એ હવેલીના વિશાળ દરવાજા, બે તરફ સોનાની ફ્રેમમાં જડેલાં ચિત્રો, દેવશંકર મહેતાનો ઝૂલતો હીંચકો, હીંચકાની રણકતી ઘૂઘરીઓ અને એના ઉપર બેઠેલા કોઈ સાક્ષાત દેવપ્રતિમા જેવા સુંદર શરીરસૌષ્ઠવ ધરાવતા ઊંચા, દેખાવડા દેવશંકર મહેતાની આંખો સૂર્યકાંતની સામે જોઈ રહી હતી.

‘‘બાપુ, તમારા બાપુજી કહેતાને કે સંધ્યા ટાણાની ઝાલર વાગે ત્યારે માણસે ઘરભેગા થવું જોઈએ...’’

દૂર બ્રૂકલિન બ્રિજના દરિયાને છેડે આકાશ કેસરી થઈ ગયું હતું. કેસરી અને જાંબુડિયા રંગની સાંજ બાપ-દીકરાની આસપાસ વીંટળાઈ વળી હતી. આટલી બધી ચહલપહલની વચ્ચે જાણે એ બે જ જણા ઊભા હોય એમ આસપાસનું ચિત્ર બંનેની આંખોનાં ઝળઝળિયાંને કારણે ડિફ્યુઝ થઈ ગયું.

બંને એકબીજાને ભેટી પડ્યા.

સૂર્યકાંતનો હાથ અજયની પીઠ પર ફરતો હતો અને એમનાથી કહ્યા વિના ના રહેવાયું, ‘‘બેટા, તેં અહીં આવીને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે.’’

‘‘આ શું બોલો છો, બાપુ ?’’ અજયે અલગ થતા પૂછ્‌યું.

‘‘બેટા, કોઈ તમને એના મકાનની ચાવી સોંપીને જાય એટલે તમારા પોતાના મકાન કરતાંય વધુ બીજાનું મકાન સાચવવાની તમારી જવાબદારી બને છે.’’ સૂર્યકાંતની આંખો સામે સ્મિતા હસી રહી હતી, ‘‘રોહિતના ગયા પછી મારી કમર ભાંગી ગઈ બેટા.’’ સૂર્યકાંતની નજર સામે રોહિતનો પાટા બાંધેલો, પોસ્ટમોટર્મ કરેલો નિશ્ચેત દેહ તરવરી રહ્યો.

‘‘એટલે...’’ અજયના અવાજમાં સહેજ નિરાશા ઊતરી આવી, ‘‘રોહિત ગયો એટલે મને...’’ સામેનું કેસરી આકાશ અજયની આંખોમાં પ્રતિબિંબિત થતું હતું. એક ઘડી પહેલાંનો વહાલસોયો લાગણીભર્યો અજય ફરી એક વાર નિષ્ફળતા અને વારંવાર સાંભળેલાં મહેણાં પોતાની આંખોમાં લઈને સૂર્યકાંતની સામે જોઈ રહ્યો હતો. ‘‘રોહિત હોત તો તમે ન બોલાવ્યો હોત મને ? હું શા માટે દરેક વખતે બીજી ચોઈસ હોઉં છું બાપુ ?’’

‘‘રોહિત હતો ત્યારેય એની પાસેથી બહુ આશા નહોતી બેટા !’’ સૂર્યકાંતની આંખોમાં એક સચ્ચાઈ હતી, ‘‘પણ આ જે કંઈ હું તને સોંપી રહ્યો છું એનો પહેલો હકદાર રોહિત હતો...’’

‘‘બાપુ, તમારી આટલી સમજદારી અને આટલું વહાલ રોહિતને કેમ બદલી ના શક્યા ?’’

‘‘બેટા, આ સવાલ હું પણ મારી જાતને પૂછતો રહ્યો છું, વારંવાર...’’ સૂર્યકાંતે નિઃશ્વાસ નાખ્યો અને એના જવાબમાં મારા મને દરેક વખતે એક જ જવાબ આપ્યો, ‘‘વસુંધરાની આટલી બધી સચ્ચાઈ, સમર્પણ અને સ્નેહ જો મને ના બદલી શક્યા તો...’’ સૂર્યકાંતે અજયના ચહેરા પર હાથ ફેરવ્યો, ‘‘ગ્રહ-નક્ષત્રોમાં નથી માનતો હું, પણ હા, કુદરત હોય છે... તમે જે કરો એ તમને આ જ જિંદગીમાં અહીં જ... સામે આવીને મળતું હોય છે.’’

‘‘તો આ સંપત્તિ મને શું કામ મળી ગઈ ? હું કોણ છું ?’’ અજયે સવાલ કર્યો.

‘‘બેટા, હું પણ નથી જાણતો અને છતાં ઈશ્વરને સાક્ષી રાખીને મારાથી થઈ શકે એટલી ન્યાયી વહેંચણી કરી છે મેં... આ કરોડો ડોલરની સંપત્તિ મારી નથી બેટા, એને ઇચ્છું તો એક મિનિટમાં છોડી દઉં. હું તો અહીં આવ્યો ત્યારે હાથ હલાવતો આવ્યો હતો... આ દેશમાંથી મારે કંઈ લઈ જવાનું નથી.’’ એ દૂર ક્ષિતિજ તરફ જોઈ રહ્યા, ‘‘સ્મિતાએ આ દેશમાં એક સારી જિંદગી આપી મને... અને લક્ષ્મી.’’ એમને ડૂમો ભરાઈ ગયો, ‘‘બેટા, સ્મિતાની સંપત્તિ અને સ્મિતાની દીકરી હવે તારી જવાબદારી છે !’’

‘‘બાપુ, આજે સાવ નવું રૂપ જોઉં છું તમારું !’’ અજય ખરેખર આંખોમાં આશ્ચર્ય સાથે સૂર્યકાંતની તરફ જોઈ રહ્યો, ‘‘મને તો એમ કે તમે અમેરિકાના મોહમાં, અહીંની ચમકદમકમાં અને અહીંના સુખ-વૈભવમાં અમને ભૂલી ગયેલા, પણ...’’

‘‘મોહ? મને? પણ કોઈએ સોંપેલી આ અમાનતને મારે જાળવવાની છે એ વિચારે મૃત્યુને પણ દૂર ઠેલતો રહ્યો છું.’’ એમણે અજયના માથે હાથ ફેરવ્યો, ‘‘હવે તું આવ્યો છે એટલે મારી બધી ચિંતા દૂર થઈ ગઈ. તું સંભાળી લે બધું એટલે હું નિરાંતે મારે ઘરે પાછો જાઉં.’’

બાપ-દીકરો બંને ક્યાંય સુધી ચૂપચાપ એક નજીકના બાકડા પર બેસી રહ્યા. સાવ અંધારું થઈ ગયું અને ન્યૂયોર્ક શહેરની નીઓન લાઇટ્‌સ શહેરને ઝળાહળા કરવા લાગી ત્યારે અબ્દુલથી ના રહેવાયું એટલે એ એમને શોધતો આવી લાગ્યો.

બાપ-દીકરાને ચૂપચાપ બેઠેલા જોઈને થોડીક ક્ષણો એ પણ એમ જ ચૂપચાપ ઊભો રહ્યો. પછી એણે ધીમેથી કહ્યું, ‘‘સાહેબ, ઘેર જઈએ? બેબીબેન રાહ જોતાં હશે.’’

સૂર્યકાંતને ત્યારે જ ખ્યાલ આવ્યો કે ઘરેથી નીકળીને ચાર કલાક થઈ ગયા હતા. બંને જણા સેલ્યુલર લીધા વિના આવ્યા હતા એટલે હવે લક્ષ્મી ચિંતા કરે એ સ્વાભાવિક હતું.

અજયના ટેકે બાકડા પરથી ઊભા થતાં સૂર્યકાંતને ફરી એક વાર જિંદગી જીવવા જેવી લાગવા માંડી !

‘‘હું તને ભૂલી જાઉં એ શક્ય નથી, ને તું મને ભૂલી જાય એ હું થવા નહીં દઉં.’’ અનુપમાએ આખો બંગલો હલબલી જાય એવા અવાજે ચીસ પાડી, ‘‘હું મરી જઈશ... પણ તને યાદ રહીશ.’’ અને પછી મોબાઈલ છૂટ્ટો ફેંકીને જોરજોરથી રડવા લાગી. ભીતમાં માથું પછાડવા લાગી.

અલયનો ફોન ચાલુ હતો. એ અનુપમાનું રડવું, એની ચીસો અને ભીંતમાં માથું પછડાવાનો અવાજ સાંભળી શકતો હતો.

પહેલાં અલયને વિચાર આવ્યો કે એ હમણાં જ અનુપમાને ત્યાં પહોંચી જાય, એને બાહુપાશમાં લે અને હળવે હળવે પંપાળીને શાંત કરી દે. પરંતુ એ જ વખતે એના મને એને કહ્યું કે આજે જો એ એવું કરશે તો આ રોજનો ક્રમ બની જશે.

અનુપમા બીમાર હતી એવું અલયને પહેલી વાર સમજાયું. તે દિવસે ગોવામાં ઘૂંટણિયે પડીને પોતાનું સમર્પણ કરી રહેલી ત્યાગ અને બલિદાનની દેવી અનુપમા તો કોઈ બીજી જ હતી. આ અત્યારની અનુપમા જે રીતે ચીસો પાડી રહી હતી એ સાંભળીને અલય પોતાની જાત પર વિશ્વાસ ના કરી શક્યો.

એણે ફોન કાપી નાખ્યો અને સંજીવને ફોન લગાડ્યો. ખાસ્સી રિંગો વાગ્યા પછી જાણે માઉથ પીસ પર હાથ રાખીને બોલતો હોય એવો દબાયેલો, ગભરાયેલો અવાજ અલયના કાને પડ્યો, ‘‘હું અહીં જ છું.’’

અલયે નિરાંતનો શ્વાસ લીધો, ‘‘ઓ.કે.’’

‘‘બેબી તોફાને ચડી છે. પ્લેટો તોડી રહી છે. ચીસો પાડે છે અને ભીંતમાં માથું પછાડી પછાડીને લોહી કાઢ્યું છે. શી ઇઝ કમ્પ્લીટલી આઉટ ઓફ કન્ટ્રોલ. મેં ડોક્ટને ફોન કર્યો છે. યુ ડોન્ટ વરી.’’

‘‘અરે શું ડોન્ટ વરી... મારી તો...’’ અલયના મોઢામાંથી ગાળ નીકળી જાત, પણ એણે જાતને સંભાળી લીધી.

‘‘બેબી સાથે આ નવું નથી. જોકે ઘણા વખતથી આવો અટેક નથી આવ્યો, પણ શી વોઝ અન્ડર ટ્રીટમેન્ટ.’’

‘‘એટલે ?!’’ અલયે સંજીવને પૂછ્‌યું, ‘‘અનુપમા માનસિક રીતે...’’

‘‘તમે શું આશા રાખો છો ? એક એવી છોકરી પાસેથી, જેને એની મા જ પોતાના પ્રેમીને સોંપી દેવા તૈયાર હતી ? જેણે બાળપણથી શરીર સિવાયનો કોઈ સંબંધ જોયો જ નથી. શરીર આપો તો બદલામાં જિંદગીનાં સુખો મળે એવી લેવડ-દેવડ જેને દૂધ છોડીને ચા શરૂ કરે એ પહેલાં સમજાઈ ગઈ હતી એ છોકરી પાસે તમે સમજદારીની આશા રાખો છો ?’’ સંજીવનું ગળું ભરાઈ આવ્યું હતું. એ ખરેખર અનુપમાને ચાહતો. અનુપમાની તમામ વિચિત્રતાઓ છતાં એણે એને નહોતી છોડી એનું સૌથી મોટું કારણ એની અનુપમા માટેની કાળજી અને લાગણી હતા.

એ હજીયે બોલી રહ્યો હતો, ‘‘આ છોકરીની એકલતા જ એનો દુશ્મન છે. એને લાગ્યું હશે કે તમે કદાચ એની મદદ કરી શકશો.’’

‘‘પણ મેં કહ્યું હતું એને.’’ અલયનો અવાજ ફાટી ગયો, ‘‘સ્પષ્ટ! આ સંબંધની કોઈ દિશા નથી...’’

‘‘કહેવાથી સમજે એટલી સમજદાર હોત તો આજે આ હાલત ના હોત આ છોકરીની.’’ સંજીવના અવાજમાં ભારોભાર દયા હતી, ‘‘એને જ નથી ખબર એને શું જોઈએ છે. એણે ધાર્યું હશે કે શરીર આપવાથી એને પ્રેમ મળી રહેશે...’’

‘‘પ્રેમ એક જ પ્રકારનો નથી હોતો સંજીવ.’’

‘‘એ ચોવીસમાંથી પચીસ કલાક તારી સાથે રહેવા માગે છે અલય.’’ સંજીવે એક સમજદાર, મેચ્યોર વ્યક્તિની જેમ કહ્યું, ‘‘એ બીમાર છે. એને નહીં સમજાય વ્યવહાર, સમાજ, નિયમો અને જિંદગીની પ્રેક્ટિકાલિટી. એ સ્વયં એક ઇલ્યુઝન છે અને ઇલ્યુઝનમાં જ જીવવા માગે છે. કશું સાચું, ઠોસ, અડકી શકાય, પકડી શકાય એવું એને કબૂલ નથી !’’

‘‘તો હું શું કરું ? મરું ?’’ અલયને ચીડ ચડી રહી હતી, ‘‘મારું કામ બગડે છે. આ આવાં ત્રાગાં કરવાનો સમય છે ?’’

‘‘તું કંઈ ના કર, હવે જે કરવાનું છે તે હું કરીશ.’’ સંજીવે એટલા જ સંતુલિત અવાજમાં કહ્યું, ‘‘તું તારા કામમાં કોન્સન્ટ્રેટ કર એ વધારે અગત્યનું છે.’’

‘‘થેન્કસ સંજીવ.’’ અલયે નિઃશ્વાસ મૂક્યો ફોન ડિસકનેક્ટ કર્યો. સંજીવે ફોન કપાયાનો રાહતનો શ્વાસ લીધો અને કંઈ સમજે તે પહેલાં એના ખભા પર કોઈનો હાથ મુકાયો.

‘‘તો હું બીમાર છું.’’ અનુપમા ઊભી હતી. સુંદર, નમણા ચહેરા પર પાગલપન છલકાવતી બે આંખો સંજીવને અસહ્ય લાગી.

‘‘બેબી, યુ નીડ રેસ્ટ, આરામ કર.’’

‘‘યેસ યેસ... મને ખૂબ આરામ મળે એવી એક જગ્યા છે. ત્યાં કેમ નથી મોકલતા ?’’ એ હસી, ‘‘અસાયલમ - મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપો મને. હેડ લાઇન બનશે.’’

‘‘બેબી, પ્લીઝ !’’

સંજીવ પોતાની વાત પૂરી કરે એ પહેલાં ડ્રાઇવર ડોક્ટરને લઈને આવી ગયો હતો. અનુપમાની તમામ આનાકાની અને ધમપછાડાની વચ્ચે એને ઊંઘનું ઇન્જેક્શન અપાયું... ઘેરાતી આંખોએ એનો હાથ પોતાના ખભાની આસપાસ લપેટીને સંજીવ એને એના બેડરૂમ સુધી લઈ ગયો. સરખી સૂવડાવી, ઓઢાડી, એના વાળ સરખા કરીને સંજીવ બહાર નીકળ્યો ત્યારે સવારના સાડા ત્રણ વાગ્યા હતા !

બેન્ક ઓફ અમેરિકાની બહાર ઊભેલાં રિયા અને લક્ષ્મી હજી પણ અસંમજસમાં હતાં કે અંદર દાખલ થવું કે નહીં !

બેન્ક ઓફ અમેરિકાની આખા યુનાઇટેડ સ્ટેટ્‌સમાં હજારો બ્રાંચ હશે. રોની - રોનાલ્ડ હજી બેન્ક ઓફ અમેરિકામાં હશે કે નહીં અને હશે તો કઈ બ્રાંચમાં હશે એ શોધવું સહેલું નહોતું.

વળી, લક્ષ્મીનો આગ્રહ હતો કે આ વાતની જાણ સૂર્યકાંતને ના કરવી. એટલે ક્યાં જઈએ છીએ ત્યાંથી શરૂ કરીને આ આખીયે તપાસ વિશે ગુપ્તતા જાળવવી સહેલી તો નહોતી જ. લક્ષ્મી સેલ્ફ ડ્રાઇવ કરતી એટલે ડ્રાઇવર વિના બહાર નીકળવું તો સરળ હતું, પણ સૂર્યકાંતના સવાલોના જવાબ આપતા લક્ષ્મીને નાકે દમ આવ્યો.

આટલાં વર્ષોમાં એ પિતા સામે ક્યારેય ખોટું નહોતી બોલી. એટલે અત્યારે મેનહટ્ટનની બેન્ક ઓફ અમેરિકાની બ્રાંચ સામે ઊભેલી લક્ષ્મીનો આત્મા એને ડંખી રહ્યો હતો.

‘‘જવું જ છે લક્ષ્મી ?’’ રિયાએ ફરી એક વાર પૂછ્‌યું.

લક્ષ્મીએ રિયા સામે એવી રીતે જોયું, જાણે છેક કિનારે આવ્યા પછી માણસ પાછા મધદરિયે જવાની વાત કરતો હોય !

‘‘બેટા, હજી કહું છું કે આ તપાસથી કોઈને ફાયદો નહીં થાય.’’

‘‘દરેક વાતને ફાયદા-નુકસાનમાં તોળવાથી જિંદગી નથી જીવાતી મા, હું એ જાણવા માગું છું કે મારા આ શરીર માટે, અસ્તિત્વ માટે, મારી રાખોડી આંખો અને સોનેરી વાળ માટે જવાબદાર માણસ કોણ છે ? એ કેવો દેખાય છે ? એણે ક્યારેય મને યાદ કરી છે ખરી ?’’

‘‘એનાથી શું થશે ?’’

‘‘સંતોષ.’’ એકાક્ષરી જવાબ આપીને લક્ષ્મી ‘પુશ’ લખેલો કાચનો દરવાજો ધકેલીને અંદર દાખલ થઈ. મેનહટ્ટનની આ મેઇન બ્રાંચ સવારના ભાગે ખાસ્સી બિઝી હતી. દોડાદોડી, અવરજવર, ગ્રાહકોની ભીડ અને લાઇનમાં ઊભેલા અનેક માણસો... ગ્લોબલ ચહેરાઓની ભીડ હતી અહીં !

‘‘હવે ?’’ રિયા એવી રીતે વર્તતી હતી, જાણે એ લક્ષ્મીને ડગલે ને પગલે નિરુત્સાહ કરવા માગતી હોય, ‘‘કોને પૂછીશ અહીં ?’’

‘‘પર્સોનેલ ડિપાર્ટમેન્ટમાં જઈશ.’’ એક ભણેલી-ગણેલી અમેરિકન છોકરીની અદાથી લક્ષ્મીએ કહ્યું, ‘‘આખી બેન્ક ઓફ અમેરિકાના એમ્પ્લોયીઝનું લિસ્ટ ઓનલાઇન અવેલેબલ હોવું જોઈએ.’’ એટલું કહીને એણે એક કાઉન્ટર પર ઝૂકીને પૂછ્‌યું, ‘‘એક્સક્યુઝ મી !’’

લગભગ અઢાર હજાર જેટલાં નામ ઓનલાઇન ચેક કરવા શક્ય નહોતાં, પ્રિન્ટ-આઉટ આપવો કંપની રૂલ્સની વિરુદ્ધ હતો. ટેબલની પેલી તરફ બેઠેલી કાનની બૂટ જેટલા ટૂંકા વાળ અને નમણું નાક ધરાવતી છોકરી ભારતીય હતી. એની છાતી પર લગાડેલી પિત્તળની નેમ-પ્લેટમાં લખ્યું હતું, ‘એની પટેલ’.

‘‘એની પ્લીઝ...’’ લક્ષ્મીએ અવાજમાં લાવી શકાય એટલી વિનવણી લાવીને કહ્યું.

‘‘આઇ એમ સોરી મેમ.’’ ના પાડતી વખતે પણ એનીના ચહેરા પરનું સ્મિત અકબંધ હતું.

‘‘હી ઇઝ માય ફાધર.’’ લક્ષ્મીએ અકળાઈને કહ્યું, ‘‘તમે મને મારા પિતા વિશે વિગતો આપવાની કેવી રીતે ના પાડી શકો ?’’ રિયાએ એનો હાથ પકડીને દબાવ્યો.

‘‘તમે તમારું બર્થ સર્ટિફિકેટ લઈને આવો અથવા પાસપોર્ટ. એની સાથે અમારી વિગતો મેચ થશે તો અમે આપીશું. હું પણ નોકરી કરું છું મેમ, મારે કંપનીના કાયદા પાળવા પડે.’’

‘‘મારા બર્થસર્ટિફિકેટમાં એમનું નામ નથી.’’ લક્ષ્મીનો અવાજ ગળગળો થઈ ગયો, ‘‘અને છતાંય મારા ફાધર છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ?’’ લક્ષ્મીનો અવાજ એટલો ઊંચો થઈ ગયો કે ચાર ચારના ક્યુબિકલમાં બેઠેલા આખા રૂમના લગભગ ૩૦-૩૫ જેટલા માણસો ઊભા થઈને શું થયું તે જોવા લાગ્યા.

‘‘એ માણસ મારો બાપ છે. મને છોડીને ચાલી ગયેલો, જ્યારે હું મારી માના પેટમાં હતી. આઇ વોન્ટ ટુ મીટ હીમ. નાઉ કેન યુ હેલ્પ મી?’’ લક્ષ્મીની રાખોડી આંખો ભરાઈ આવી હતી. એણે એનીના ટેબલ પર મૂકેલા ટીશ્યૂ સ્ટેન્ડમાંથી નિઃસંકોચ એક ટીશ્યૂ ખેંચીને નાક લૂછ્‌યું.

એની લક્ષ્મી સામે જોઈ રહી.

‘‘સોરી ! એ જરા ઇમોશનલ થઈ ગઈ છે.’’ રિયાએ કહ્યું.

‘‘સમજી શકું છું.’’ એનીએ કહ્યું અને પોતાના ટેબલ પર ઢાંકેલો પાણીનો ગ્લાસ ઊંચકીને લક્ષ્મી તરફ ધર્યો, ‘‘હું વિગતો નહીં આપી શકું. આઇ વીલ બી ફાયર્ડ, જો કોઈને ખબર પડે તો...’’ અને પછી ફરી એક વાર પ્રોફેશનલ સ્મિત કરીને કહ્યું, ‘‘બીજું કંઈ ?’’

લક્ષ્મી થોડી વાર અન્યમનસ્ક જેવી ચૂપચાપ બેસી રહી. પહેલા જ પગથિયે દરવાજો બંધ મળ્યો હતો એને. હજુ તો કોણ જાણે કેટલા દરવાજા ખખડાવવાના હતા, અને તોય રોની મળશે એવી કોઈ ખાતરી એને કોઈ આપી શકે એમ નહોતું.

‘‘બેટા, જીદ છોડી દે.’’ લક્ષ્મી સીધું જોઈને ગાડી ચલાવી રહી હતી. ખાસ્સી વારના મૌન પછી રિયાએ એને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો.

‘‘તમે મારી સાથે નહીં આવતાં કાલથી.’’ લક્ષ્મીએ કહ્યું અને રિયાએ પણ આ જ પળે નક્કી કરી લીધું કે હવે એ લક્ષ્મીને રોનીની શોધ બાબતે કશું જ નહીં કહે.

અલય શ્રીજી વિલાનો ગેટ ખોલીને ઘરમાં દાખલ થયો ત્યારે વસુમા બગીચામાં કામ કરતાં હતાં. સવારના છ વાગી ગયા હતા. ઊંઘરેટી આંખો, ચૂથાયેલાં કપડાં, થાક અને ઉજાગરો અલયના ચહેરા પર નહીં, આખા શરીરમાંથી છલકાતો હતો. એ વસુમાની બાજુમાં સાવ જમીન પર ઘૂંટણ વાળીને હાથ પાછળ ટેકવીને સહેજ લંબાવીને બેસી ગયો.

‘‘અરે અરે ! કપડાં ગંદા થશે.’’ વસુમાએ કહ્યું, પછી માટીવાળા હાથ સહેજ ખંખેરીને પોતાના ચહેરા પર ઝૂકી આવેલી એક લટ પોતાના ખભાથી ઊંચી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ લટ હજીયે એમના ચહેરા પર ઝૂલી જ રહી હતી.

અલયે હળવેથી સ્મિત કરીને એ લટ એમના કાન પાછળ નાખી દીધી. પછી વસુમાના ગાલ પર હળવું ચુંબન કર્યું, ‘‘એ મોમ ! તું આટલી રૂપાળી કેમ છે ?’’

વસુમાના ચહેરા પર એક શરમાળ સ્મિત આવી ગયું, ‘‘ચક્રમ જેવો છે.’’ એમણે કહ્યું અને માટીવાળો હાથ અલયના ગાલ પર ઠપકાર્યો.

‘‘મોમ, શ્રેયા આવી હતી...’’

‘‘મેં જ મોકલી હતી.’’ વસુમાએ કહ્યું, પછી સ્નેહાળ નજરે અલય સામે જોયું, ‘‘એક વાર પરણી જાવ પછી તમારા ઝઘડા હું સોલ્વ નથી કરવાની.’’

‘‘પરણી જઈએ તો ને ?’’ અલયે જે રીતે કહ્યું એ રીતે વસુમાના ચહેરા પર ચિંતા ઊતરી આવી.

‘‘એટલે ?’’ એમણે ભવાં સંકોચીને પૂછ્‌યું, ‘‘તમારે કંઈ વાત ના થઈ ? તેં સમજાવી નહીં એને ?’’

‘‘સમજાવી.’’ અલય થોડી વાર ચૂપચાપ વસુમાની સામે જોતો રહ્યો. પછી હળવેથી જાણે ગુનો કબૂલતો હોય એટલા નબળા અવાજે કહ્યું, ‘‘અનુપમાને સ્કિઝોફ્રેનિયાનો અટેક આવ્યો છે. એણે ગઈ કાલે ફોન પર ખૂબ ચીસો પાડી. માથું ભીંતમાં પછાડીને લોહી કાઢ્યું છે...’’ એણે વસુમાના ખભે માથું મૂકી દીધું, ‘‘મને બહુ ચિંતા થાય છે મા, આઇ કેર ફોર હર.’’

‘‘બેટા, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું, લાગણીના પ્રવાહમાં વહેતા વહેતા તું એવી જગ્યાએ પહોંચી ગયો છે, જ્યાં વમળ જ વમળ છે.’’

‘‘હા મા, હું મારી જાતને માફ નથી કરી શકતો. આ ગૂંચવણ મેં ઊભી કરી છે.’’

વસુમાના ચહેરા પર એ જ સ્મિત આવી ગયું, ‘‘બેટા, આપણે ઊભી કરેલી ગૂંચવણ કોઈ બીજું તો નહીં જ ઉકેલે !’’

‘‘મા... જિંદગીની દરેક ગૂંચવણે હું તારી પાસે આવ્યો છું અને ઈશ્વર કરતાં વધારે શ્રદ્ધા સાથે મેં મારો દરેક પ્રશ્ન, મારી દરેક ગૂંચવણ, મારો દરેક સવાલ તને સોંપ્યો છે...’’

‘‘હા... અને મેં મારાથી થાય એટલી મદદ પણ કરી જ છે. દીકરા, આજે એક વણમાગી સલાહ આપું છું તને, ગૂંચવણ કે સવાલ ઊભો ન થાય એવી જિંદગી જીવવાનો પ્રયત્ન કર. દરેક વખતે સવાલો ઊભા કરીને બીજા પાસે દોડી જવું, ભલેને એ તારી મા હોય - એ નબળાઈ છે બેટા. આપણામાં જે જોડવાની તાકાત ના હોય એ તોડવાનું નહીં...’’

‘‘મા, આ છેલ્લી વાર.’’ અલયની ભાવવાહી આંખોમાં જાણે આજીજી હતી. એના ચહેરા પર થોડું ગિલ્ટ, થોડી મૂંઝવણ, બહુ બધી તકલીફ અને જે કંઈ થઈ ગયું એનું દુઃખ હતું.

‘‘જો બેટા, સ્ત્રી માત્ર સ્વભાવે અસલામત હોય છે. એમાં થોડો એનો ઉછેર જવાબદાર છે અને થોડી એની પ્રકૃતિ.’’ વસુમાની આંખોમાં કોણ જાણે કયા ભાવ હતા, અલયને પોતાની મા જ જાણે અજાણી લાગવા માંડી, ‘‘બેટા, સ્ત્રી પ્રેમ કરે ત્યારે એને બધું જ જોઈતું હોય છે. સત્યનો આગ્રહ રાખતી સ્ત્રી હંમેશાં સત્ય પચાવી જ શકે એ જરૂરી નથી.’’ અલયને શ્રેયાનો ચહેરો દેખાવા લાગ્યો, ‘‘અને વફાદારી ન માગવાનો દાવો કરતી, ઉદાર હોવાનો દેખાવ કરતી સ્ત્રી પણ આખરે પોતાના પુરુષ ઉપર સંપૂર્ણ અધિકાર ઇચ્છે છે. એના મન અને તન પર સંપૂર્ણ અધિકાર...’’ અલયના કાનમાં અનુપમાની ચીસો ગૂંજતી હતી.

એ અચાનક જ ચીડાઈ ગયો, ‘‘આ બધું હવે હું સમજી ગયો છું. શું કરવું એટલું જ કહે. અત્યારે મારામાં ફિલોસોફી સાંભળવાની તાકાત નથી.’’

‘‘આ ફિલોસોફી નથી.’’ વસુમાના ચહેરા પર હજીયે સ્મિત હતું, ‘‘એક સમજ છે, સાદી.’’

‘‘હું શું કરું એટલું કહે મા.’’ અલય હાથ ખંખેરી ઊભો થવા લાગ્યો, ‘‘પ્લીઝ ! મને ડર લાગે છે. અનુપમા આપઘાત...’’

વસુમાના ચહેરા પર આટલાં વર્ષોમાં પહેલી વાર એક હળવા આતંકની છાયા જોઈ અલયે, ‘‘બેટા, મારી જિંદગીમાં આ પહેલી એવી વ્યક્તિ છે, જેને વિશે હું કોઈ ધારણાઓ કરી શકતી નથી.’’ વસુમાના ચહેરા પર હળવી મૂંઝવણ હતી. જેનાથી અલય જરા વધારે ડરી ગયો, ‘‘એ કંઈ પણ કરી શકે છે બેટા, કંઈ પણ... તું માનસિક રીતે કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહેજે.’’

‘‘મા, તું પણ આમાંથી બહાર નીકળી જાય છે ? એટલે બધી જવાબદારી મારા ખભા પર ?’’ અલયની આંખો ભરાઈ આવી, ‘‘એને કંઈ થશે તો હું...’’

‘‘બેટા !’’ વસુમાએ અલયની આંખોમાં જોયું, ‘‘શું ઇચ્છે છે ? હું શાની જવાબદારી લઉં ?’’ એમના ચહેરા પર ફરી એક વાર એ જ મક્કમતા અને સત્ય આવી ગયા હતા, ‘‘દરેકે પોતાના સારા અને ખરાબની જવાબદારી જાતે જ લેવી પડે છે. પોતાને જડી દેવા માટેનો હોય તો પણ ક્રોસ ઊંચકીને જવું તો જાતે જ પડે બેટા.’’

‘‘મા, મને કંઈ સમજાતું નથી. હું શ્રેયાને હવે છેતરી શકું એમ નથી અને અનુપમા સહેલાઈથી મને નહીં છોડે.’’ અલયનો ચહેરો સાવ મ્લાન થઈ ગયો હતો, ‘‘મારી કરિયર, મારું લગ્ન, મારાં સપનાં અને મારું પોતાનું અંતઃકરણ બધું જ દાવ પર લાગી ગયું છે...’’

‘‘એટલે જ.’’ વસુમાના ચહેરા પર ખૂબ સરળતા અને વહાલ હતું. એમણે ફરી એક વાર અલયના ચહેરા પર હાથ ફેરવ્યો, ‘‘હવે તું જે કરીશ, અથવા જે થશે તે આખરી હશે. જ્યાં સુધી બધું દાવ પર ના લાગે ત્યાં સુધી માણસ મરણિયો થઈને રમતો નથી.’’

‘‘મા ! એક સવાલ પૂછું ?’’ વસુમાએ જવાબ આપ્યા વિના જાણે આંખોથી જ મૂક સંમતિ આપી દીધી, ‘‘અનુપમાને કંઈ થાય તો તું મને માફ કરીશ ?’’

‘‘મારી માફી ઉપર આટલો બધો આધારિત કેમ રહે છે બેટા ? સૌથી મોટી માફી કે સૌથી મોટી સજા માણસને એની જાત આપે છે, એનો આત્મા ! આપણે જ્યારે કોઈ નિર્ણય કરીએ ત્યારે એમાંથી ઉદભવનારાં પરિણામો પણ આપણે જ ભોગવવાના રહે છે. ઇચ્છીએ તો પણ, ના ઇચ્છીએ તો પણ.’’

અલય વસુમાની સામે જોઈ રહ્યો. એમના ચહેરા પર ગજબની શાંતિ અને શીતળતા હતી. આટઆટલી ઊબડખાબડ જિંદગીમાંથી પસાર થયેલી આ સ્ત્રી આજે જે કંઈ કહી રહી હતી એ એના આટલાં વર્ષોનો સંતાપ અને તકલીફોમાંથી આવેલો, સુખ અને સંતોષમાંથી જન્મેલો, ભૂલો અને ભયમાંથી નીપજેલો અનુભવ હતો !

મેનહટ્ટનમાં સાંજ પડી રહી હતી. ધીરે ધીરે સ્ટ્રીટ ખાલી થતી જતી હતી. નીઓન લાઇટ્‌સ ઝળહળવા લાગી હતી. રેસ્ટોરન્ટ્‌સ અને પબ્સ ધીમે ધીમે ભરાવા લાગ્યાં હતાં. બેન્ક ઓફ અમેરિકાની મેનહટ્ટન બ્રાંચની ડ્યૂટી બદલાઈ. પોતાનું કામ પૂરું કરીને એની પટેલ ટ્‌વેન્ટી ફોર્થ સ્ટ્રીટમાં પાર્ક કરેલી પોતાની ગાડી તરફ આગળ વધતી હતી ત્યારે કોઈકે એનો હાથ પકડ્યો.

‘‘એની, હવે એક પર્સોનલ મેનેજર તરીકે નહીં, એક સ્ત્રી તરીકે તારી મદદ માગું છું.’’ લક્ષ્મીએ એનીની આંખોમાં જોયું, ‘‘એક માણસને એના બીઇંગની, એના અસ્તિત્વની ખોજ છે...તું એટલી મદદ નહીં કરે ?’’

એની લક્ષ્મીની આંખોમાં જોઈ રહી. એ આંખોમાં ફક્ત આજીજી હતી. મદદની ભીખ, પોતાના અસ્તિત્વની શોધ અને એક સ્ત્રીની એવી રાખોડી આંખો હતી એ... જે એનીને ભીતર સુધી હલબલાવી ગઈ.

(ક્રમશઃ)