Antar ni vaat. in Gujarati Moral Stories by Shakti Keshari books and stories PDF | અંતરની વાત.

Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

અંતરની વાત.

ગ્રીષ્મ ઋતુના ધોમધખતા તાપમાં અસહ્ય ઉકળાટ અને ગરમીની પરકાષ્ટાની વચ્ચે એક ગાડી નવાનગરના કાચા ધૂળિયા રસ્તા પરથી પસાર થઈ રહી હતી. અચાનક કારચાલકનું ધ્યાન ગયું કે ગાડી થોડી ડગમગ થઈ રહી છે એટલે એણે એક્સિલેટર પરથી પગ હટાવીને બ્રેક પર પગ મુક્યો અને પુરપાટ ઝડપે ચાલતી ગાડીના પૈડાં થંભી ગયા.

એણે બહાર આવીને જોયું તો આગળનું ટાયર સંપૂર્ણ સપાટ થઈને જમીનને સ્પર્શિ રહ્યું હતું. એસી ગાડીમાંથી બહાર નીકળતા જ એને પ્રચંડ ગરમીનો અનુભવ થયો. સૂર્યનારાયણ જાણે અગ્નિવર્ષા કરતા હોય એમ એના શરીરને દઝાડી રહ્યા હતા. ગાડીમાં બેઠા હતા ત્યારે એસીના ઠંડા પવને એને આ ગરમીનો અહેસાહ ના થવા દીધો પરંતુ ગાડીની બહાર નીકળતા જ જ્યારે ઠંડા પવનની જગ્યા લૂ ભર્યા વૈશાખી વાયરાએ લીધી ત્યારે એને આ ગરમીનો સાચો અનુભવ થયો.

કારચાલક મનમાં જ બબડ્યો: "આમાં પણ અત્યારે જ પંચર પડવું હતું, હવે આવામાં ક્યાં પંચર વાળાને શોધવા જવો. જગ્યા તો જો, સૂકું ભટ્ઠ પડ્યું છે બધું, દૂર દૂર સુધી કોઈ દેખાતું જ નથી"- એટલું વિચારીને એણે ખિસ્સામાંથી ફોન નિકાળ્યો અને કોઈકને ફોન કરવા જ જતો હતો ત્યાં સામે થી કોઈ આવતું દેખાયું.
એણે જોરથી બૂમ પાડી-" ઓ કાકા..." " બૂમ પાડતી વખતે એના ધ્યાનમાં ના રહ્યું કે એણે કંઈક વધુ પડતી જ જોરથી બૂમ પાડી દીધી છે, કદાચ મદદ મળવાની ખુશી હશે અવાજમાં.
એ વ્યક્તિ એના નજીક આવ્યો એટલે કારચાલક એકી શ્વાસે બોલી ગયો-" અહીં નજીકમાં કોઈ પંચર વાળો છે મારી ગાડીના આગળના ટાયરમાં પંચર પડ્યું છે અને મારે નવાનગર તરફ જવાનું છે. અને અહીં આવીને અટકી પડ્યો છું"

એ વ્યક્તિ ઘડીકભર એને તો ઘડીકભર એની ગાડીને જોઈ રહ્યો. કારચાલક અકળાઈને ફરી પૂછવા જતો જ હતો ત્યાં કાકાના મુખમાંથી સહાનુભૂતિની સરવાણી ફૂટી-
"સાહેબ, અયાં તો તમને આમ કોઈ નો મલે, એ માટે તો ગામ હુધી તો જાવું જ પડે, અને ગામ તો થોડું સેટે સે, તાં જાઓ તો તમને માણહ મલી જાહે."

કારચાલક નિરાશાભરી નજરે કાકા સામે જોઈ રહ્યો, પછી ઉમેર્યું-: કાકા, વાત એમ છે કે મારી જોડે બીજું ટાયર છે બદલવા માટે, પણ આવી ગરમીમાં જો મેં ટાયર બદલવાની જહેમત કરી તો આંખે અંધારા આવી જશે, એટલે થોડી ટાઢક થાય, છાંયો થાય ત્યાં સુધી અહીં કોઈ એવી જગ્યા છે જ્યાં હું આરામ કરી શકું, કોઈનું મકાન હોય કે કોઈ નાની હોટેલ જેવું કાંઈ હોય.

કાકો કંઈક વિચારતો હતો એ જોઈને કારચાલકને થોડી રાહત થઈ એને થયું કે આ વ્યક્તિ કંઈક રસ્તો સુઝાડશે. પણ કાકાની ચુપ્પી તેને મનોમન ડંખી. પરંતુ એમના સિવાય તો અહીં કોઈ આશરો એમને દેખાતો નહતો એટલે એ ચુપ્પીને સહન કર્યા સિવાય છૂટકો નહતો.
છેવટે કાકા બોલ્યા-: " ભલા માણહ અયાં હોટેલ તો સુ, દૂર દૂર સુધી એક પાકું મકાન તમને નહીં મલે, પણ અટાણે એક જગા સે જ્યાં તમે છાયો થાય તાં લગી આરામ કરી શકો અને એ સે મારુ ઘર, અયાં નજીકમાં જ સે, આ સેતરની પાર, પણ તમારા જેવા સાહેબ માણહ ને અમારા જેવા ગરીબ માણહ ને ઘરે બેસવામાં વાંધો ના હોય તો.

કારચાલકે વિચાર્યું કે આમ પણ અહીં દૂર દૂર સુધી કાંઈ છે નહીં અને અહીં ઉભા રહેવાનો પણ કોઈ મતલબ નથી તો ચલોને કાકાના ત્યાં આરામ કરશું અને પછી નીકળી જઈશુ.
કારચાલકે મનોમન હામી ભરી, અને કાકા પણ જાણે કારચાલકના મનની વાત સમજી ગયા હોય એમ બંને લોકો ખેતરની પેલે પાર જવા તરફ નીકળ્યા.

એક વાડા તરફ પહોંચતા જ ચાલકને થોડો ઠંડકનો અહેસાસ થયો એણે એક કાચું મકાન જોયું જે છાણ અને માટીના લીપણથી બનેલું હતું, એની દીવાલો પર કંઈક રંગીન ચિત્રકામ કરેલું હતું પણ એ જૂનું થઈ ગયું હોવાથી કાંઈ સમજાતું નહોતું કે શું દોરેલું છે, ઘરની સામે જ લીમડાનું ઝાડ હતું અને એથી જ એ ઠંડકનો અહેસાસ કરાવતું હતું, કાકાએ ઘરમાંથી ખાટલો લઈને બહાર આવેલા લીમડાના ઝાડ નીચે જ ઢાળ્યો.
ચાલક તેમાં બેસવા જ જતો હતો ત્યાં કાકાએ એને ટોક્યો-" રો રો.. સાહેબ ગોદડું વીસાવા દયો, એમ ને એમ નો બેહાય" એટલું બોલીને એ ઘરમાં જઈને ગોદડું લઈ આવ્યા.

ભરત ભરેલું એ ગોદડું કારચાલકને કંઈક અલગ જ અનુભવ કરાવતું હતું. જાણે કે પોતાના દીકરાનું માગું લઈને આવ્યા હોય અને થનારા વેવાઈ જેમ આગતા સ્વાગતા કરે એમ એ ગરીબ માણસે ચાલકને આવકારો આપ્યો. કાકા ઝડપથી જઈને પાણીનો એક લોટો ભરી લાવ્યા. પાણી પીધા બાદ તે ઘડીભર કાકા સામે જોઈ રહ્યો-" સફેદ પહેરણ, સફેદ પાઘડીમાં એને કાકો કોઈ દેવદૂત જેવો લાગ્યો, પણ આ દેવદૂતનો ચેહરો કરચલીઓથી તરડાઈ ગયેલો હતો, ઉંમરના લીધે આંખોમાં નિસ્તેજતા આવી ગઈ હતી, પાંપણો માંડ માંડ પોતાને ઊંચકીને સંભાળી રહી હતી જાણે કે એમને પણ આંખોને ખુલ્લી રાખવા મજૂરી ના કરવી પડતી હોય, શરીર પણ જાણે હવે બહુ સાથ ના આપતું હોય એમ ઢીલું પડી ગયેલું લાગ્યું, બની શકે કે ઘણા સમયથી બીમાર પણ રહેતા હોય. એણે પોતાના મનના વિચારો પર બ્રેક મારી અને કાકાને સવાલ કર્યો-" તમે અહીં એકલા જ રહો છો કે શું?

ના ના.. બાપલિયા, એકલા તો જીવતરનું ગાડું કાં હાલે. ડોશી સે, પણ ઈ એના ગામ ગઈ સે.
કારચાલકે ફરી પ્રશ્ન કર્યો- અને છોકરા?
એક સોકરો સે અને વહુ પણ સે, ઈ લોકો શે'રમાં રે સે. કાકાએ જવાબ આપ્યો.
તો તમે એમની સાથે રહેવા નથી જતા? ચાલકે ફરી પ્રશ્ન કર્યો.
સાહેબ અમે ગામડાના માણહ અમને શે'રમાં નો ફાવે.
કારચાલકના પ્રશ્નો વધે એ પહેલા કાકાએ જ સામો સવાલ કર્યો- તે હે સાહેબ તમે આમ આવામાં કીયા હાલ્યા, અને તમે સુ કામ કરો સો?

વડીલ મારે મોટો બિઝનેસ છે અને મેં હાલમાં જ નવાનગરથી આગળ એક જગ્યામાં ઇંટોના ભઠ્ઠાંનો ધંધો શરુ કર્યો છે હું એજ જોવા જતો હતો. ત્યાં મારો ભાગીદાર મારી રાહ જોતો ઉભો છે.
કાકા બોલ્યા: ઈંટોનો ધંધો તો સારો કેવાય.
હા કાકા, બસ ભગવાનની કૃપા રહી અને આ ધંધો સફળ થાય તો સારું, આમ પણ આ વખતે વરસાદ મોડા આવવાની આગાહી છે, જો એવું જ થાય તો થોડા જ સમયમાં મને બહુ ફાયદો થાય એવો છે, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે બસ થોડો સાથ આપી દે.

"વરસાદ મોડો આવવાની આગાહી છે " કાકાનું ધ્યાન તો માત્ર આ જ શબ્દો પર અટવાઈ ગયું, પણ એ ચાલકના ધ્યાનમાં આવ્યું નહિ કે પછી કાકાએ ધ્યાનમાં આવવા દીધું નહીં.

ટ્રીંગ.. ટ્રીંગ.. સાયકલની ઘંટડીએ બંનેનું ધ્યાન ખડકી તરફ દોર્યું. કાકાએ જોયું તો મનિયો સાયકલ લઈને આવતો દેખાયો.
કાકા: અલ્યા મનિયા આજે સાયકલ તારા હાથમાં આઈ ગયી.
મનિયો: હા વાલાબા.. આજે મારા બાપા શે'ર ગયા સે તે સાયકલ મારા હાથમાં આયી ગઈ તે લઈને નીકળી પડ્યો સુ.
કાકાએ હસીને કહ્યું- હારું હારું.. હવ આયો જ સે તો એક કામ કર, ગામમાં જા.. અન ઓલો દલો સે ને દલપત, એને તેડી લાય, આ સાહેબની ગાડી બગડી સે તે દલાને કેજે કે ઝટ આવે, સાહેબ ને ઉતાવળ સે.

જેટલી ઝડપથી મનિયો આવ્યો એજ ઝડપથી તે પાછો ગામ તરફ વળ્યો.
એ ગયો એટલે કાકાએ કારચાલક ને પૂછ્યું- સાહેબ કંઈ ખાવાનું લાવું? રોંઢાનો ટેમ થયો સે તે તમને ભૂખ લાગી હસે.
એટલું બોલીને કાકા ચાલકની હા કે ના સાંભળ્યા વિના જ ઘરમાં ગયા ને બાજરીનો રોટલો, ગોળ અને છાસ લઈને પાછા ફર્યા.
સાહેબ અમાર ગરીબ માણહના તાં મિસતાં તો ના હોય પણ જે ઘરમાં સે એ લાયો સુ.

ચાલકે આભાર વ્યક્ત કરતા કહ્યું- અરે કાકા પ્રેમથી આપેલું તો ઝેર પણ અમૃત છે, લાવો મારા માટે તો આ રોટલો મિષ્ટાનથી પણ વધુ રૂડો છે.

બંને જમીને વાતોમાં મશગુલ બન્યા ત્યાં જ અવાજ આવ્યો- વાલાબા ઓ વાલાબા... કોની ગાડી બગડી સે, આ મનિયો હાચુ કેતો તો કે આજે પણ મને ઉલ્લુ બનાવે સે.
અરે દલા આય આય... આ સાહેબને નવાનગર બાજુ જવું સે અને ગાડી આયાં આવીને ઉભી રહી ગઈ સે જોતો.

એમની વાતમાં ચાલકે જ ટાપશી પુરાવી- અરે દલપતભાઈ ગાડી બગડી નથી ટાયર પંચર પડ્યું છે, સ્પેરવીલ છે ખાલી બદલવાનું જ છે.
હા વાંધો નહીં સાહેબ... હાલો બદલી નાખીયે, આપણે કંઈ જેવા તેવા કારીગર નથી. શે'રમાં આપણે બૌ કામ કર્યું સે.
અને ત્રણેય લોકો ગાડી તરફ જવા રવાના થયા.

ત્યાં પહોંચીને દલપત એના કામે લાગી ગયો.

ધાર્યા કરતા ઘણી ઝડપથી કામ કર્યું હો તે દલપત- સાહેબે દલપતના વખાણ કરતા કહ્યું. બહુ જલ્દી ટાયર બદલાવી નાખ્યું, તું અનુભવી ખરો હો.

હવે બોલ કેટલા થયા?
સાહેબ હવે આમાં સુ લેવાનું? આતો વાલાબાએ કીધું એટલે ઝટ આવી ગયો તમ તમારે રાજી ખુશીથી જે દેવું હોય એ દયો.
ચાલકે ખિસ્સામાંથી ૧૦૦-૧૦૦ ની ૨ નોટ આપી અને પૂછ્યું... ચાલશે ને?
અરે સાહેબ આટલા તો ઘણા કેવાય.
અરે ના ભાઈ તું આમ દૂરથી આવ્યો અને ઝડપથી મારુ કામ કર્યું એજ મોટી વાત છે.
પૈસા લઈ દલપત ચાલતો થયો- એ આવજો વાલાબા.. આવજો સાહેબ.
બન્નેને આવજો કહી એ નીકળી ગયો.

હવે આવજો કહેવાનો વારો કારચાલકનો હતો- ખબર નહીં કેમ પણ જાણે વર્ષો બાદ કોઈ સંબંધી કે સગાં મળીને છુટા પડતા હોય એવો અનુભવ કારચાલકને થયો, માત્ર થોડા જ સમયમાં આ કાકા સાથે કેવી લાગણી બંધાયી ગઈ, નામ પ્રમાણે ખરેખર એ મનને વાલા લાગી જાય એવા જ લાગ્યા, કોઈપણ ઓળખાણ વગર કોઈપણ જાતના સંબંધ વગર નિસ્વાર્થભાવે એમણે જે આગતા સ્વાગતા કરી એ કારચાલકને હૃદયથી સ્પર્શી ગઈ.

કાકા- તમે કરેલી મદદ માટે હું તમારો ઋણી છું, અને તમારા પ્રેમને હું કોઈ રીતે મૂલવી તો નથી શકતો પણ આ કેટલાક રૂપિયા રાખો તમને કામ આવશે, એમ કહીને એણે ખિસ્સામાં હાથ નાખ્યો.

ત્યાં જ કાકા બોલ્યા- સાહેબ, અમાર માટે મેમાન તો ભગવાન સરૂપ સે, એમની સેવામાં તો પુન મલે, પૈસા આપીને તમે અમાર લાગણીનું અપમોન ના કરો, અન અમે રયા ગોમડાના મોણહ, અન અમાર માટે તો તમારા જેવા સાહેબ મોણહ અમાર ઘરે આયા, અમાર ઘરે ખાધું એજ મોટી વાત સે.
કારચાલકે થોડી આનાકાની કરી પણ કાકા ના માન્યા તે ના જ માન્યા.

અને છેવટે ચાલકને કાકાના પ્રેમ આગળ વશ થવું પડ્યું- "તો કાકા આવજો, અહીં થી ફરી નીકળવાનું થશે તો ચોક્કસ આવીશ, આભાર તમારો."

એ હારું સાહેબ આવજો....

અને ધૂળની ડમરીઓ ઉડાડતી એ ગાડી નવાનગરના રસ્તા તરફ ચાલતી થઈ અને કાકા એને પોતાની નજર જાય ત્યાં સુધી તાકતા જ રહ્યા...

થોડાક મહિના પછી ફરીથી કારચાલકને એ જ રસ્તા પરથી નીકળવાનું થયું તો એણે વિચાર્યું કે ગઈ વખતે તો કાકાએ કંઈ લીધું નહોતું પણ આ વખતે તો હું એમને કોઈ ને કોઈ રીતે પૈસાની મદદ કરીને જ રહીશ. એમ વિચારતા વિચારતા એ એજ જગ્યા પર આવીને ઉભા રહી ગયા જ્યાં છેલ્લી વાર એમની ગાડી પંચર પડીને ઉભી રહી ગઈ હતી.

એ ગાડીમાંથી બહાર નીકળ્યો ને ખેતરની બાજુમાં આવેલા કાચા રસ્તા તરફથી વાલાબાના ઘર તરફ જવા પગ ઉપાડ્યા ત્યાં જ એક જાણીતા અવાજે તેને અટકાવ્યો.
સાહેબ કાં જાઓ છો?
ના, તે અવાજ ઓળખીતો હતો પણ વાલાબાનો નહતો, એ અવાજ હતો દલપતનો.

અરે દલપત હું તો વાલાબાને મળવા જાઉં છું, અહિયાંથી નીકળ્યો તો થયું કે એમને મળતો જાઉં. ચાલ તું પણ સાથે.

દલપત મૂંગા મોઢે અને આંખોમાં એક ગંભીર ઉદાસી સાથે સાહેબ ને જોઈ રહ્યો, એના પગ એક ડગલું ભરવા પણ સક્ષમ નહોતા,

એની ચુપ્પી સાહેબને થોડી ખટકી- એ ધીમા અવાજે ફરીથી બોલ્યા- અરે ચાલ શું થયું? કાકા ઘરે નથી કે શું?

દલપત કંઈ પણ બોલ્યા વિના ચુપચાપ ઉભો રહ્યો.
સાહેબને કંઈક અજુગતું બનવાના એંધાણ આવી રહ્યા હતા.
દલપત શું થયું...? બધું બરાબર તો છે ને..? તું કંઈ બોલતો કેમ નથી…? વાલાબા કેમ છે?

સાહેબ તાં હવે કોઈ નથ રહેતું , વાલાબા... વાલાબા ગુજરી ગયા. દલપત વધુ કંઈ બોલી ના શક્યો.

આ એક વાક્ય સાહેબ માટે ખુબ જ આંચકાજનક હતું, એમણે ફરીથી ખાતરી કરતા હોય એમ પૂછ્યું- દલપત શું કહે છે તું, શું થયું વાલાબાને?

જાણે કોઈ અંગત વ્યક્તિના મૃત્યુના સમાચાર સાંભળીને જે વેદના થાય એ જ વેદના હાલ સાહેબ અનુભવી રહ્યા હતા.
એમના મુખમાંથી બસ એક જ શબ્દ નીકળ્યો- કેવીરીતે?

"સાહેબ, અમાર ખેડૂત માટે તો વરહાદ એ વરદાન સમોન સે,જો હારો વરહાદ થાય તો અમાર વરહ સુધરી જાય અન ના થાય દુકાળ પડ તો એ અમારો જીવ લઈને જાય, ઓણ વરહાદના નોમે એક ટીપુંય નથ પડ્યું, આખું વરહ બરબાદ થઈ જ્યું, અન સેલ્લા ૨ વરહ તો ખરાબ જ્યાંતા ને આ વરહની લગીર આસા હતી તે મૂઓ આ વરહે ના પડ્યો. વાલાબાની હંધીય મૂડી ખાલી થઈ જઈ, દેવું તો એમના માથે ચેટલુંય હતું અને જે આસા હતી એમના સોકરા પર એય ભૂંડો નીકળ્યો, હારા વરહાદની આસામાં ને આસામાં વાલાબા દહાડા કાઢે જતા તા ને એક દી એમણે એમના ઘરની પાંહે ઓલું લીમડાનું ઝાડ સે ને ત્યાં જ ટૂંપો ખાઈ જીવ દઈ દીધો. બિચારા ચેટલું સહન કરતા,
સાહેબ અમાર જોડે પૈસા હોત તો અમેય થોડી મદદ કરત પણ અમારાં બધાના હાલ એમના જેવા જ હતા, સુ કરીયે કો..??"

એટલું બોલીને દલપતે શબ્દો પર વિરામ મુક્યો,
પણ દલપતનો એક એક શબ્દ સાહેબને અસહ્ય વેદના પહોંચાડી રહ્યો હતો, જાણે કાંઈ જ સમજાતું ના હોય એમ એ માત્ર જડ થઈને નિઃસહાય અવસ્થામાં એની વાત સાંભળી રહ્યા.

એમને પારાવાર અફસોસ થયો કે કાશ હું થોડો વહેલો આવ્યો હોત તો વાલાબાની થોડી મદદ કરી શકત. એમને પૈસાની જરૂર હતી તો મને કહ્યું કેમ નહિ, મેં એમને પૈસા આપવા બહુ ભાર કરેલો પણ એમણે એક રૂપિયો નહોતો લીધો. અને કહેલું કે મહેમાન તો ભગવાન સમાન છે એમની પાસેથી રૂપિયા ના લેવાય. કેવો ખુદ્દાર માણસ..!!

વિચારમાં પડી ગયેલા સાહેબને જોઈને દલપતથી ના રહેવાયું તે ફરી બોલ્યો- "સાહેબ તમે દુઃખી થાઓ મા, આતો કિસ્મતની વાત સે, ભગવાનની આગળ કુનું ચાલ્યું સે તે આપણું ચાલવાનું?"

બાકી કઈ કામ હોય તો કો સાહેબ નહીં તો મારે હજુ સેતર જાવાનું સે,

સાહેબ કાંઇ જ બોલી ના શક્યા માત્ર નકારમાં ડોકું ધુણાવ્યું.
અને દલપત ત્યાંથી રવાના થયો.

ઘડીકવાર સુધી તો સાહેબ દલપતને જતો જોઈ રહ્યા... એના શબ્દો હજુ એમના મનમાં પડઘા પાડી રહ્યા હતા,
"અમાર ખેડૂત માટે તો વરહાદ એ વરદાન સમોન સે,જો હારો વરહાદ થાય તો અમાર વરહ સુધરી જાય અન ના થાય, દુકાળ પડ, તો એ અમારો જીવ લઈને જાય,"

સાહેબને એ પોતાના શબ્દો યાદ આવી ગયા જયારે પહેલીવાર અને અફસોસ કે છેલ્લીવાર વાલાબાને મળ્યા હતા, ત્યારે એમણે વાલાબાની સામે જ ભગવાનને વરસાદ મોડો આવાની પ્રાર્થના કરી હતી.

સાહેબને પસ્તાવાનો પાર ના રહ્યો - "હું તે કેવો નિષ્ઠુર માણસ કે પોતાના થોડા સ્વાર્થ ખાતર કોઈક ખેડૂતની જીવાદોરી સમાન વરસાદને મેં પાછો ઠેલવવાની પ્રાર્થના કરી અને હે ભગવાન તું પણ કેવો કે મુજ પૈસા વાળાની વાતને તે માન આપ્યું અને એ જગતના તાત, એ અન્નદાતાની વાતને તે કાને ના ધરી?
મને માફ કરશો વાલાબા,"

પણ સાહેબની વાત કે વેદના સાંભળવા વાળું હવે ત્યાં કોઈ હાજર નહોતું, એ વેદના એમની આંખોમાંથી અશ્રુરૂપે બહાર આવી, અને મેહુલો પણ જાણે કે સાહેબને સાથ આપતો હોય એમ અનરાધાર વરસી પડ્યો અને એમના આંસુઓને પોતાનામાં જ સમાવી લીધા.

-શક્તિ કેશરી