સાંજનો સમય થઈ રહ્યો હતો, શિયાળો હોવાથી સૂરજ હવે વહેલા આથમી જતો. અંધકાર ફેલાવાની શરૂઆત થતા જ ઠંડા પવન ના સુસવાટા શહેર ને ઘેરી રહ્યા હતા.
વિલ્સન એપાર્ટમેન્ટના ચોથા માળેથી સુશીલાબેને બૂમ પાડી: સૌમિલ, બેટા હવે ઘરે આવ, ક્યાં સુધી ક્રિકેટ રમીશ...? પણ જાણે સૌમિલ પર વાતની કોઈ જ અસર ના થઈ હોય એમ એણે રમવાનું ચાલું રાખ્યું.
સુશીલાબેને ફરી એને ટોક્યો: જલદી આવ, તારા માટે આજે હું પુલાવ બનાવાની છું અને નીતિ પણ હવે ટ્યુશન માંથી આવતી જ હશે.
નીતી ખૂબ જ હોશિયાર છોકરી હતી અને સુશીલાબેને એના ભણતરમાં કોઈ કચાશ ન રહી જાય એનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું અને હવે તો એ સાયન્સ માં હોવાથી સુશીલાબેન વધુ ધ્યાન રાખતા હતા. આમ પણ નીતિના પપ્પાના અવસાન પછી બધી જ જવાબદારી એમના ઉપર જ હતી. નીતી સુશીલાબહેનને ખૂબ જ વહાલી હતી, ભણવા માં એ એના પપ્પા ઉપર ગયી હતી એટલે એમને વિશ્વાસ હતો કે નીતિના નિયતિમાં કંઈક વિશેષ જ લખાયું હશે.
"સાંજ ના સાત વાગી ગયા અને નીતિ હજુ પણ ન આવી, આજે કેમ આટલું લેટ, કોઈકવાર શ્રેયાના ઘરે જાય તો લેટ પડે પણ આજે તો કંઈક વધારે જ સમય થઈ ગયો હતો સુશીલાબેન મન માં જ બબડ્યા."
એમના વિચારો માં ડોરબેલે ભંગ પાડ્યો. લ્યો આવી ગઈ. સો વર્ષ ની થશે મારી લાડકવાયી. પરંતુ દરવાજો ખોલતા સામે સૌમિલ દેખાયો. બેટ લઇને જાણે સચિનની એક્શન કરતો હોય એમ એતો એની મસ્તીમાં જ હતો.
સુશીલાબેનના ચહેરા પર થોડી ગંભીરતા આવી એમને આજે કંઈક અજુગતું જ બનવાના એંધાણ આવી ગયા. પોતાની મમ્મી નો ગભરાયેલો ચેહરો જોઈને ઘડીકવાર માટે સૌમિલ પણ ડઘાઈ ગયો.
નીતિ ને ફોન કરવા માટે તેઓ આમતેમ ફોન શોધતા હતા ત્યાં જ ફોન ની રીંગ વાગી.
ફોનમાં નામ જોતાં જ એમની ચિંતા થોડી હળવી થઈ. "નીતિ બેટા આટલી બધી વાર હોય, અમે ક્યારનાય તારી રાહ જોઈએ છીએ તું જલ્દી ઘરે આવ: સુશીલાબેન એક શ્વાસે બધું બોલી ગયા"
નીતિ એ પણ વળતો જવાબ આપ્યો: Sorry મમ્મી, બસ થોડી વારમાં આવુ છું love you.
ફોન કપાઈ ગયા પછી સુશીલાબેને થોડો હાશકારો અનુભવ્યો અને પુલાવ બનાવવાની તૈયારીમાં લાગી ગયા.
આજે નીતિને શહેર કંઈક અલગ જ લાગતું હતું, આવું એણે ક્યારેય જોયું નહોતું. એકબાજુ એ પવન ના સુસવાટા થી વીખરાયી ગયેલા એના વાળને સરખા કરવા મથતી અને બીજી બાજુ એ કોઈને ફોન કરવામાં વ્યસ્ત હતી. એની આંખોમાં ગુસ્સાની સાથે નિરાશા હતી. જો કોઈ ત્યાં હાજર હોત તો એને નિરાશા અને ગુસ્સો સ્પષ્ટપણે દેખાઈ આવત પણ ત્યાં તેના સિવાય કોઈ હાજર નહોતું.
"નિખિલ હું ક્યારની તને ફોન કરું છું પણ તું મારો ફોન કેમ કાપી નાખે છે તું મારી સાથે વાત કેમ નથી કરતો: નીતિ એ ગુસ્સો ઠાલવ્યો
તને ખબર તો છે કે કે મારે વાત નથી કરવી: નિખિલે પણ ગુસ્સા માં જ જવાબ આપ્યો.
"તું શું સાચે જ મને પ્રેમ નથી કરતો, તે મને ક્યારેય તારા પ્રેમને લાયક નથી ગણી...?? નીતિ એ પોતાના મન ની વ્યથા ઠાલવી".
નીતિ... નીતિ... નીતિ... દિવસમાં હું ૫૦ છોકરીઓ જોડે વાત કરું છું, મન ની વાત શેર કરું છું પણ એનો મતલબ એ નથી કે હું દરેક ને પ્રેમ કરતો હોઉં તું મારી ફ્રેન્ડ હોઈ શકે પણ એનાથી આગળ તું ક્યારેય નહીં વધી શકે અને આમ પણ આજે મેં વિશ્વા ને પ્રપોઝ કર્યો છે અને એણે હા પણ કહી દીધી છે.
અને હું...??? નીતિ રડતા અવાજે બોલી.
"તું મારા માટે માત્ર ટાઈમપાસ હતી જેમ બીજી છોકરીઓ હોય છે અને તારામાં એવું છે જ શું કે હું તને લાઈક કે લવ કરું..? નીતિ ચુપચાપ બધું સાંભળી રહી.
પ્લીઝ હવે મને ક્યારેય ફોનના કરતી આમ પણ હવે તારો અવાજ સાંભળવામાં મને સહેજ પણ ઇન્ટરેસ્ટ નથી.
"પણ મેં તો હંમેશા તને જ પ્રેમ કર્યો છે હું તો તને જ ચાહતી હતી અને ચાહતી રહીશ, તું મારી સાથે આવું ના કરી શકે" નીતિ બોલતા બોલતા લગભગ રડી પડી.
નીતિ ભૂલ તારી જ છે હું તારી સાથે નોર્મલ વાતો કરતો હતો તું જ પોતે fairytale અને cindrella ના સપના જોવા લાગી હતી એમાં મારો કોઈ વાંક નથી: નિખિલ એને સમજાવાનો પ્રયત્ન કરતો રહ્યો.
"મારે બીજું કઈ સાંભળવું નથી તું મને પ્રેમ કરે છે કે નહીં માત્ર હા કે ના માં જવાબ આપ" નીતિ આજે જવાબ મેળવવા મક્કમ હતી.
"ના.. ના.. ના.. હું માત્ર વિશ્વા ને પ્રેમ કરું છું અને હવે મને ક્યારેય ફોન ના કરતી Just Get Lost... અને ફોન કપાઇ ગયો.
ઘડીકભર નીતિ ચુપચાપ બેસી રહી. એ એના મન ની દરેક વાત અને દરેક વેદના ને બહાર લાવા મથતી હતી પણ એને ખબર હતી કે નિખિલ હવે એની સાથે ક્યારેય વાત કરવાનો નથી. એ ઉભી થઇ ત્યારે એને ખ્યાલ આવ્યો કે પવન નું જોર પણ હવે ધીરે ધીરે વધી રહ્યું છે, પવન ની દિશા તરફ એ આગળ વધી, એના વિખરાયેલા વાળ પણ એને જાણે ક્યાંક ખેંચી ને લઇ જતા હતા, એ સંપૂર્ણપણે શૂન્યમનસ્ક સ્થિતિમાં હતી.
એ ત્રણ ડગલાં આગળ વધી. એણે ચારેકોર નજર ઘુમાવી, લાઈટો ના પ્રકાશથી શહેર જાણે આકાશ ના ટગમગતાં તારલા જેવું લાગતું હતું. વારંવાર એના મનમાં નિખિલની એ જ વાત યાદ આવતી હતી just get lost... just get lost અને બસ આજ વિચાર સાથે એણે પોતાની જાત ને મંથન એપાર્ટમેન્ટ ના દસમા માળે થી હવા માં તરતી મૂકી દીધી.
થોડીક ક્ષણોમાં જાણે કે કોઈ સ્કુટર નું ટાયર ફાટ્યું હોય એવો ભયાનક અવાજ થયો. આસપાસના બધા રહીશો ત્યાં દોડી આવ્યા. નીતિનું શવ લોહીના ખાબોચિયા થી ભરાયેલું હતું. જે વેદનાને એ બહાર લાવા માંગતી હતી એ વેદના એના સર્વ વિચારો સાથે અને અફસોસ કે એના જીવ સાથે લોહી ની મારફત બહાર આવી ચુકી હતી, ત્યાં હતું તો માત્ર એક નિર્જીવ શરીર...
"સૌમિલ જોતો જરા નીતિ આવી...?? સુશીલાબેને રસોડામાંથી બૂમ પાડી"
પણ સૌમિલ કંઈ કહેવા જાય એના પહેલા ફોનની રીંગ વાગી. સૌમિલે ફોન એની મમ્મીને આપ્યો.
સુશીલાબેન ગુસ્સા માં બોલ્યા: નીતિ હાલ જ ઘરે આવ, તું છે ક્યાં....? હજુ કેટલીવાર લાગશે..?
પરંતુ સામે થી એક ભારે અપરિચિત અવાજે એમને જે વાત કહી એ સાંભળીને સુશીલાબેન સ્તબ્ધ થઈને ત્યાં જ ઢળી પડ્યા એમના મોં માંથી એક મોટી ચીસ નીકળી. પરંતુ એ આર્તનાદ બીજા કોઈને સંભળાય એના પહેલા કુકર ની સીટીએ એને રસોડા માં જ શમાવી લીધો…..