Samarpan - 18 in Gujarati Fiction Stories by Nidhi_Nanhi_Kalam_ books and stories PDF | સમર્પણ - 18

Featured Books
Categories
Share

સમર્પણ - 18

આગળના ભાગમાં આપણે જોયું કે એકાંત, દિશાને જાણવા જોગ કેટલાક સવાલ પૂછે છે જેના જવાબ, દિશા સામાન્ય રીતે જ આપે છે. દિશાના જવાબની પણ એકાંત પ્રસંશા કરે છે. દિશા, એકાંત સાથેના ખેંચાણને લઈને એક પોસ્ટ પણ અભિવ્યક્તિમાં કરે છે, જે કર્યા બાદ એને અનુભવાય છે કે ખોટી પોસ્ટ થઈ છે અને તરત એ પોસ્ટને તે ડીલીટ કરે છે. રુચિની સગાઈની વાત કરવા માટે દિશાનો પરિવાર નિખિલના ઘરે જવા માટે તૈયાર થાય છે. રુચિને મોટી થઈ ગયેલી જોઈ, રીતેષની યાદ પરિવારને સતાવે છે અને સૌની આંખો ભીની થઇ જાય છે. નિખિલના ઘરે તેમનું ખૂબ જ સારી રીતે સ્વાગત થાય છે. બંને પરિવાર પોતાની વાત રજૂ કરે છે. રુચિના દાદા વિનોદભાઈ કેટલીક વાતો જણાવે છે. નિખિલના પિતા અવધેશભાઈ પણ રુચિને પોતાના ઘરની વહુ નહિ પણ દીકરી બનાવવા માંગે છે એમ જણાવે છે જેના કારણે બન્ને પરિવારોમાં ખુશી પ્રસરી ઉઠે છે. 15 દિવસ બાદ સગાઈનું મુહૂર્ત નક્કી થાય છે. બન્ને પરિવારો ખુશીથી છુટા પડે છે. હવે જોઈએ આગળ શું થાય છે.

સમર્પણ- ભાગ- 18


નિખિલના ઘરેથી પાછા આવ્યા બાદ રુચિ ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. પણ દિશાના ચહેરા ઉપર માત્ર બહારી ખુશી છલકાઈ રહી હતી. બાળપણથી જે છોકરીને આટલી મોટી કરી હવે થોડા જ દિવસની આ ઘરમાં મહેમાન છે. વિચારતા જ તેની આંખમાં આવેલું એક આંસુ તેને કોઈના જુએ એમ પોતાની આંગળીથી છુપાવી લીધું. બધા હોલમાં જ બેઠા હતા. વિનોદભાઈએ દિશાને સવાલ કર્યો આજે દિશા વિચારોમાંથી બહાર આવી. વિનોદભાઈએ પૂછ્યું..
"દિશા બેટા, તારા મમ્મી-પપ્પા અને બહેન રુચિની સગાઈ સુધી આવી જશે ?"
દિશાએ પરિસ્થિતિ સાચવતા જવાબ આપ્યો : "પપ્પા.. મારા મમ્મી-પપ્પા તો ત્રણ મહિનાની જાત્રા કરવા માટે ગયા છે એટલે એ તો સગાઈ પહેલા નહિ આવી શકે, અને મારી બહેન ઈશા પણ USA છે એટલે સગાઈમાં પણ એ નહિ આવી શકે. હું એમને આજે ફોન કરી અને જણાવી દઈશ. ઈશા તો સીધી લગ્નમાં જ આવશે."
"ભલે કઈ વાંધો નહિ. એમને અમારા તરફથી યાદ આપજે. અને આજે સાંજે ઘરે જમવાનું ના બનાવતા, આપણે બધા બહાર જમવા માટે જઈશું."
વિનોદભાઈ અને વિજયાબેન તેમના રૂમમાં ચાલ્યા ગયા. રુચિ પણ નિખિલ સાથે ફોન ઉપર વાત કરવા માટે ચાલી ગઈ. દિશા એકલી જ હોલમાં બેસીને આખા ઘરને તેની આંખો નિહાળતી રહી.. રુચિ સાથે બાળપણથી વિતાવેલી એક-એક પળ તેની આંખો સામે ખડી થવા લાગી. વિચારોમાં મન વધારે ઊંડું ઉતરે એ પહેલાં જ તેને પોતાના બેડરૂમમાં જવાનું વિચાર્યું.
બેડરૂમમાં જઈને તેને મોબાઈલ હાથમાં લઈ પહેલા જ ''અભિવ્યક્તિ'' ખોલી. એકાંતના સવાલો ચાલુ જ હતા. દિશા સામાન્ય ઉત્તર આપતી. પણ ધીમે-ધીમે વાતનો દોર વધવા લાગ્યો હતો. દિશા પણ એકાંત સામે ખુલીને અભિવ્યક્ત થવા માંગતી હતી. પણ કોણ જાણે તેને કોઈ બંધન રોકી રહ્યું હતું. આજે તેની પોસ્ટમાં પણ એ છલકાયું...

''કેવું બંધન આ મને રોકી રહ્યું છે,
ઉડવું છે ઊંચા આકાશે મારે,
દિલ ખોલીને હસવું છે મારે,
તારલાઓની ટોચે પહોંચવું છે મારે,
પણ કોણ જાણે કેમ,
કેવું બંધન મને રોકી રહ્યું છે !!!!''

દિવસો વીતવા લાગ્યા, રુચિ નિખિલમાં જ વધારે વ્યસ્ત રહેવા લાગી. દિશા પાસે તે થોડો સમય વ્યસ્ત કરતી. દિશા અને તેના સાસુ-સસરા સગાઈની તૈયારીઓમાં વ્યસ્ત થવા લાગ્યા, રાત્રે દિશા એકાંત સાથે થોડી વાતો કરી લેતી.
હવે રોજ દિશા, એકાંતના સવાલની રાહ જોવા લાગી હતી, અને એકાંત પણ ક્યાંકથી ને ક્યાંકથી અવનવા સવાલોની હારમાળા લઈને રોજ હાજર થઈ જતો. દિશા હજુ બરાબર ખુલી શકી નહોતી. એક અજાણ્યા માણસ સાથેની વાતચીતમાં એક અજ્ઞાત ભય એને સતાવી રહ્યો હતો કે ક્યાંક કંઈક ખોટું ના થઇ જાય.

બે દિવસ એકાંતના કોઈ સવાલ આવ્યા નહોતા. દિશાને એ ગમ્યું નહીં પરંતુ એને પૂછી પણ શકે એમ નહોતી, વારંવાર એપ ખોલીને એકાંતના મેસેજ ચેક કરવાની એને આદત પડી ગઈ હતી. રોજ સવારે વિચારતી કે આજે વાત નહિં કરું, આ ખોટું છે, પરંતુ એકાંતનો મેસેજ આવતા જ દિશાની આંગળીઓ મોબાઈલ ઉપર ફરવા લાગતી. દિશાના હૃદયે એના મન ઉપર કાબુ મેળવી લીધો હતો. બે દિવસ પછી એકાંતનો મેસેજ આવ્યો...

''એકલતામાં સરી પડે છે...
ત્યારે એક આંસુ ખરી પડે છે...
છે કોઈ ખાસ દુનિયામાં તારું ?
જે ફક્ત અને ફક્ત તારા માટે મરી પડે છે ?''

દિશા આ વાંચતાં જ સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે, અને જવાબ આપવા માટે વલખાં મારે છે પરંતુ આપી નથી શકતી. થોડી જ વારમાં બીજા એક મેસેજે દિશાની ધડકન હજુ થોડી વધારી દીધી.

''શાને આમ આંસુના સૂર રેલાવે છે ?
આજુ-બાજુ નજર તો નાખ...
તારા માટે પણ કોઈક હાથ ફેલાવે છે !!!''

દિશા હવે જાણે કે એકાંતના સવાલોના ચક્રવ્યૂહમાં ફસાતી જઈ રહી હતી. સાચું- ખોટું હવે બધું જ ભુલાવા લાગ્યું હતું. પોતે ખોટી રાહ પર જઈ રહી છે એ જાણવા-સમજવા છતાં એના પગ રોકાતા નથી. એકાંત એને હાથ પકડીને લઈ જઈ રહ્યો છે અને પોતે એની પાછળ જ યંત્રવત ચાલી રહી છે.
રુચિની સગાઈનો દિવસ પણ આવી ગયો. બંને પરિવારો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. પરંતુ દિશાને પોતાની અંદરથી કંઈ છૂટું પડી રહ્યું હોય એમ લાગી રહ્યું હતું. રુચિના ચહેરા ઉપર એક ગજબની ચમક છલકી રહી હતી. એને જોઈને દિશા પણ ખુશ થઈ જતી. ધામધૂમથી સગાઈ પણ થઈ. થોડાં જ દિવસમાં દિશાના સાસુ-સસરા પણ લંડન ચાલ્યા ગયા. હવે દિશાને ઘરમાં સાવ એકલું લાગવા લાગ્યા હતું. ક્યારેક તે તેના મમ્મી-પપ્પાને ફોન કરી લેતી તો ક્યારેક બહેન સાથે વાત કરીને સમય વિતાવતી. પણ હવે આ બધામાં એની સાથે એકાંતનો પણ સાથ ભળવા લાગ્યો હતો. પરંતુ એકાંત સાથે પણ સામાન્ય વાતો જ થતી. એકબીજાના સાચા નામ સુધીની જાણકારી જ મેળવી શક્યા.
દિશાને એકાંતનું સાચું નામ જાણવા મળી ગયું. ધૈર્ય. નામ એવા જ ગુણ. દિશા નામ જાણ્યા પછી વિચારવા લાગી. "ધૈર્યમાં કેટલી ધીરજ ભરેલી છે. ના એ ક્યારેય મને એવા કોઈ સવાલો પૂછે છે જેના કારણે મને કોઈ તકલીફ થાય. ના મારા વિશે જાણવાની ઉત્સુકતા તેનામાં છે. આટલી ધીરજ મેં આજ પહેલા ક્યારેય કોઈનામાં નથી જોઈ."
દિશા હવે એકાંત સાથેના સંબંધને એક જુદી દૃષ્ટિએ જોવા લાગી હતી. પરંતુ એ પહેલાં તે રુચિ સાથે પણ આ બાબતે વાત કરવા માંગતી હતી. જેથી તેને રાત્રે રુચિને જમતી વખતે જ જણાવ્યું કે..
"રુચિ આજે સાંજે નિખિલ સાથે થોડા વહેલા કોલ પૂરો કરજે.. મારે તારી સાથે થોડી વાત કરવી છે."
રુચિએ પણ સામે કોઈ સવાલ ના કર્યો અને બસ "હા" કહીને જમવાનું પૂરું કર્યું.
રાત્રે રુચિ નિખિલ સાથે વાત પૂરી કરીને જલ્દી આવી ગઈ. ફોન પણ બાજુ ઉપર રાખી દીધો.
પહેલો સવાલ દિશાએ જ કર્યો : "કેવું ચાલે છે તારે અને નિખિલ ને ?"
રુચિએ જવાબ આપતા કહ્યું.
"બહુ જ સરસ.. નિખિલ માટે જેટલું વિચાર્યું હતું એના કરતાં પણ બહુ જ સારો છે. દરેક વાતે હવે પહેલા કરતા પણ વધારે મારુ ધ્યાન રાખે છે."
દિશા : "બહુ જ સારું કહેવાય. પણ મારે આજે તારી સાથે એકવાત કરવી છે, હું તારાથી કઈ છુપાવવા નથી માંગતી. આજ પહેલા પણ મેં તને બધી જ વાત કરી છે. આ વાત પણ હું તને ઘણાં સમયથી કહેવા માંગતી હતી, પરંતુ તું નિખિલ સાથે વ્યસ્ત હોવાના કારણે તને જણાવવા માટેનો સમય જ નહોતો મળી શકતો." દિશાએ રુચિ સામે નજર ઝુકાવતા કહ્યું.
રુચિએ પણ દિશાના બંને હાથ પકડી લીધા અને પોતાની ભૂલ માટે "સોરી" કહ્યું.
દિશાએ વળતો ઉત્તર આપતા કહ્યું : "બેટા, એમાં સોરી કહેવાની જરૂર નથી. હું પણ સમજુ છું, અને આ સ્વાભાવિક છે. અત્યારે નિખિલ તારી પ્રાયોરિટી છે. અને હોવી જ જોઈએ. તારે આખી લાઈફ નિખિલ સાથે વિતાવવાની છે. પરંતુ મને તારા વગર એકલતા સતાવતી હતી. તું મને સોશિયલ મીડિયા ઉપર લઈ આવી અને ''અભિવ્યક્તિ'' જેવી એપમાં હું મારા હૃદયની અભિવ્યક્તિ કરવા લાગી. મને એ ગમવા પણ લાગ્યું. પરંતુ સોશિયલ મીડિયામાં માત્ર આપણે નથી જોડતાં. બીજા લોકો પણ આપણી સાથે જોડાય છે. એમ જ મારી સાથે પણ ઘણાં લોકોએ વાત કરવાનો પ્રયાસ કર્યો. મારા લખાણને ઘણાં લોકો પ્રોત્સાહન આપવા લાગ્યા. વખાણવા લાગ્યા, એ બધા માટેના અંગત મેસેજ પણ મને આવવા લાગ્યા. એ બધાને હું માત્ર આભાર પૂરતા જ જવાબ આપતી. પરંતુ આ બધામાં એક એવી વ્યક્તિ આવી જે મારા કહ્યા વગર પણ મને સમજવા લાગી. એની સાથે પણ હું માત્ર સામાન્ય વાતો જ કરતી. પણ છેલ્લા કેટલાય દિવસથી એની સાથે સતત વાતો થવા લાગી."
દિશા રુચિ સામે જોયા વગર જ બોલી રહી હતી. રુચિ દિશાની સામે જ જોઈ રહી હતી. તે પોતાની મમ્મીને વચ્ચે રોકવા માંગતી નહોતી. તેથી તેને દિશાને બોલવા જ દીધી.
દિશાએ પણ પોતાની વાતને આગળ વધારતા કહ્યું.
"આટલા સમયથી વાતો કરવા છતાં હજુ મેં એને મારા વિશે કંઈ જણાવ્યું નથી. ના એના વિશે મેં કાંઈ જાણ્યું છે. બસ અમે બંને એકબીજાના સાચા નામ સિવાય કંઈ જ જાણતા નથી. હવે મને આગળ શું કરવું કઈ સમજાઈ રહ્યું નથી. આટલો સમય તારી સાથે મેં વિતાવ્યો. ક્યારેય મને કોઈની ખોટ વર્તાઈ નથી. પણ હવે થોડા જ સમયમાં તું પણ ચાલી જઈશ. આ આખું ઘર મને સાવ એકલું લાગવા લાગશે, બસ એ ડર મને સતાવ્યા કરે છે."
બોલતા જ દિશાની આંખો પણ ભરાઈ આવી. રુચિએ તેના બંને હાથ પકડી લીધા. રુચિને પણ હવે શું જવાબ આપવો સમજાઈ રહ્યું નહોતું.

વધુ આવતા અંકે...!!!