Samarpan - 8 in Gujarati Fiction Stories by Nidhi_Nanhi_Kalam_ books and stories PDF | સમર્પણ - 8

Featured Books
Categories
Share

સમર્પણ - 8


આગળના ભાગમાં આપણે જોયું કે રુચિએ દિશાના જન્મદિવસે સવારથી જ એને ખુશ કરવાના પ્રયતનો આદરી દીધા હતા. સવારે જાતે બનાવેલી ચ્હા લઈને એને ઉઠાડવા પહોંચી ગઈ. પણ એક એક ક્ષણમાં રીતેષને યાદ કરવાનું દિશા ક્યારેય ભૂલતી નથી. રુચિએ પરાણે મોબાઈલ લેવડાવ્યો. દિશાની જૂની યાદોમાંથી એના લખવા-વાંચવાના શોખને આગળ વધારવા ઓનલાઈન એક એપ્લિકેશન શોધી આપી અને એમાં પોતાના જુના-નવા લખાણ તેમજ વિચારોને જાહેર કરવાની સલાહ આપી. દિશાની લાખ આનાકાની ઉપરાંત પણ ઓનલાઈન લખવા માટે સહમત કરી લીધી. સગા-સંબંધીઓમાં જાહેર થવાની બીકના લીધે એનું નામ બદલીને ''Breath'' રાખ્યું જેથી એની ઓળખાણ છતી ના થાય અને મુક્તપણે લખી શકે. રુચિએ એ એપ્લિકેશનમાં દિશાના એકાઉન્ટમાં એણે જ લખેલી જૂની ડાયરીમાંથી શોધીને એક પંક્તિ પણ મૂકી આપી. એ પંક્તિઓ ઉપરથી રીતેષ સાથે ગાળેલો સમય દિશાએ ફરી યાદ કરી લીધો. સાંજે આજુબાજુ રહેતાં ભૂલકાઓને બોલાવી નાસ્તા-પાણી સાથે નાનકડી પાર્ટી રાખી. રાત્રે દર વર્ષની જેમ જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરીને દિવસ હસી-ખુશી પૂરો કર્યો.

સમર્પણ - 8

સવારે ઉઠતાંની સાથે જ રુચિનું ઉતરી ગયેલું મોઢું જોઈ દિશાને અચરજ થયું. પૂછવા પર ડિબેટ વખતે નિખિલ ઉપર આવેલ ગુસ્સાને કારણે એને કોલેજ જવાનું મન ના હોવાનું તારણ મળ્યું.
દિશા : ''મેં તને સમજાવ્યું હતું ને કે દરેકના વિચારો અલગ હોય છે, અને બધાને હક છે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો. આટલું મન ઉપર ના લે. એને જે ઠીક લાગ્યું એમ એણે કહ્યું, પણ તને જે ઠીક લાગ્યું એ પણ બધાને ગમ્યું જ હશે એમ તો ના કહી શકાય ને ?''
રુચિ : (મમ્મીની વાત થોડી ગળે ઉતારતાં) ''મમ્મી, તું આ ત્રણમાંથી કયો વિષય વધુ પસંદ કરે ?''
દિશા : ''મેં તને કહ્યુંને, કે દરેક વિષયમાં પ્લસ અને માઇનસ બંને હોય જ છે. આ ત્રણમાંથી કોઈ એક વિષયને સજ્જડતાથી વળગી શકાય નહીં.''
રુચિ : ''મને સમજાતું નથી કે લિવ ઇન કે એરેન્જ મેરેજનું પ્લસ શુ હોઈ શકે ? એરેન્જ મેરેજમાં આ બાજુવાળા આંટી, તને તો ખબર જ છે ને કે અંકલ એમને કેટલું મારે છે તોય એ એમના પપ્પાના ઘરે જઇ શકતા નથી, એના કરતાં લવમેરેજ કર્યા હોત તો આવી જિંદગી તો ના જ હોત ને ?''
દિશા : ''તે લવ મેરેજમાં દુઃખી થઈને છુટા પડતા લોકો નથી જોયા ? મારુ નસીબ સારું હતું કે મને તારા પપ્પા જેવો જીવનસાથી મળ્યો. કેટલાયના નસીબ એમના નિર્ણયને સાથ આપી શકતા નથી. લવમેરેજમાં ક્યારેક ફક્ત આકર્ષણ જ હોય છે જેને તારી ઉંમરના, પણ ઓછી સમજણ વાળા લોકો પ્રેમ સમજી બેસે છે. રોજ મળવું, એકબીજાને ગમે, તેવી જ વાતો કરવી, ગિફ્ટ આપવી, ફરવા જવું આ પ્રેમ જ છે એમ માની ના લેવાય. જ્યારે વાસ્તવિક રીતે બંને સાથે રહે, એકબીજાની સારી-નરસી આદતો સાથે જ એકબીજાને અપનાવે, એકબીજાના કુટુંબીજનોને દિલથી માન આપે, સુખ-દુઃખમાં એકસરખી રીતે સહભાગી થવાનું મન થાય ત્યારે સાચા પ્રેમની ઓળખ થાય.''
રુચિ પોતાને જોઈતા સવાલનો સચોટ જવાબ મળતાં સંતોષકારક રીતે હરખાઈ રહી.
દિશા : ચાલ, હવે રેડી થઈ જા, મેં નાસ્તો બનાવી લીધો છે, ઝડપ કર.
રુચિએ ફટાફટ દૈનિક ક્રિયાઓ પતાવીને નાસ્તો કરી લીધો. અને કોલેજ જવા રવાના થઈ.
કોલેજમાં જઇ રુચિએ નિખિલને શોધી લીધો. નિખિલ લોબીમાં જઇ રહ્યો હતો.
રુચિએ બુમ પાડીને એને અટકાવ્યો.
રુચિ : (હાથ લંબાવતા હળવા સ્મિત સાથે ) ''કોંગ્રેટ્સ...''
નિખિલે તે દિવસે હાર પછીનો રુચિનો ઉતરી ગયેલો ચહેરો જોયો હતો એટલે નવાઈ લાગી.
નિખિલ : (હવે ભાવ ખાવાનો વારો એનો હતો એટલે હાથ લંબાવ્યા વગર જ) ''થેન્ક્સ, (થોડું વિચારીને ) કેમ ? ત્યારે..ટાઈમ નો'તો ? વિશ કરવાનો ?''
રુચિ નિખિલના આવા એટીટ્યૂડ અને અણધાર્યા સવાલથી ચમકી એક જ ક્ષણમાં એનું સ્મિત પણ ગાયબ થઈ ગયું. એ ત્યાંથી કંઈ જ બોલ્યા વગર ચાલી ગઈ.
હવે જ્યારે પણ એ બંને કોલેજમાં સામ-સામે આવતાં ત્યારે, નિખિલના ચહેરા પર તોફાની સ્મિત આવી જતું અને જાણી જોઈને એ એની નજીકથી નીકળવાનો પ્રયત્ન કરતો. રુચિ એને જોતાજ રસ્તો બદલી નાખતી.
આજે કલાસ ના હોવાને લીધે રુચિ લાઇબ્રેરીમાં બેઠી હતી. નિખિલ એની સામેની ખુરશી પર આવીને કોઈ પુસ્તક કાઢીને વાંચવા લાગ્યો. રુચિએ પહેલા તો જોયા કર્યું એના સરખી રીતે બેસી ગયા પછી એ ઉભી થઇ અને સામેના વિભાગમાં જઇને બેસી ગઈ. નિખિલ હવે મૂંઝાયો, એ બેઠી હતી એની આજુબાજુ કે સામે બેસવાની જગ્યા જ નહોતી. થોડીવાર ચૂપચાપ બેસી રહ્યાં પછી ઉભો થઈને જતો રહ્યો. રુચિને મજા પડી ગઈ.
ઘેર આવીને એ દિશાને બધી જ વાત કરતી. દિશા એના બાલિશપણા પર ક્યારેક હસતી અને ક્યારેક સમજાવા જેવું સમજાવતી પણ ખરી. બંને માં-દીકરી કરતાં ફ્રેન્ડ્સ વધુ બની રહ્યાં હતાં.
નિખિલ રોજ રુચિની નજરે ચડવાનો પ્રયત્ન કરતો રહેતો પણ એ ગમે તેમ કરી છટકી જતી. હવે ધીમે-ધીમે રુચિને પણ એની આદત પડવા લાગી હતી. કોલેજમાં આવ-જા કરતી વખતે રુચિની આંખો હવે નિખિલને જ શોધતી. પરંતુ એ દેખાઈ જાય તો રુચિને એની નજર ચૂકવીને ભાગી જવાની મજા આવતી.
આજે કોલેજમાંથી વિદ્યાર્થીઓએ ભેગા મળીને નજીકમાં જ નાનકડી પીકનીકનું આયોજન કર્યું હતું. એક મોટી બસમાં વીસેક છોકરીઓ અને બત્રીસેક છોકરાઓ મળીને લગભગ બાવન વિદ્યાર્થીઓ હતા. વહેલી સવારે બસ કોલેજ પાસે આવી ગઈ હતી. રુચિ સમયસર આવીને બીજી બહેનપણીઓ સાથે જગ્યા લઈને બેસી ગઈ. એની નજર નિખિલને જ શોધતી હતી. એ આવવાનો છે કે નહીં એ પણ ખબર નહોતી. પુછાય પણ કોને ? ધીરે-ધીરે બધા જ વિદ્યાર્થીઓ આવી ગયા. બધી જ સીટ ભરાઈ ગઈ હતી. મુખ્ય કર્તા-હર્તા તરીકે ઉમેશે આખી પિકનીકની જવાબદારી ઉપાડી હતી. બધાએ એના કહ્યા મુજબ વર્તવાનું હતું. બે રસોઈયાને પણ સાથે લીધા હતા જેથી જમવાની અગવડ પડે નહીં. છેલ્લી ક્ષણ સુધી નિખિલ ના દેખાતાં, રુચિને હવે પીકનીક પર આવવાનો થોડોક અફસોસ થઈ રહ્યો હતો. ત્યાં અચાનક ઇમરજન્સી બ્રેકની ચિચિયારી સાથે બસ ઉભી રહી. બધાના જીવ તાળવે ચોંટી ગયા. બસની સામેથી કોઈ દોડતું આવી રહ્યું હતું. ઉમેશે ઉભા થઈને જોયું, તો એ નિખિલ હતો. દરવાજો ખોલતા જ હાંફતા-હાંફતા એ બસમાં ચડી ગયો.
ઉમેશ : ''અલા, એય તે ક્યાં પૈસા ભર્યા'તા ? તું શું કામ આયો છે ?''
નિખિલ :'' પ્લીઝ યાર, પૈસા હું આપું છું મારે આવવું છે.''
ઉમેશ : ''પણ હવે બસમાં જગ્યા પણ નથી, આવવું હતું તો પહેલા જ કહેવું'તું !''
નિખિલ : ''સોરી યાર, ડબલ પૈસા લઇ લેજે. હું આ પગથિયામાં બેસી જઈશ, પણ લઈ જા મને બસ. પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ...''(હાથ પણ જોડી જ લીધા)
બધાએ ભેગા થઈ, ઉમેશને એને સાથે લઈ લેવા સમજાવ્યો. ઉમેશે હકારો કર્યો અને બસ ઉપડાવી.
રુચિના જીવમાં જીવ આવ્યો. અને ચહેરા પર પણ એક અલગ રોનક છવાઈ ગઈ.
બસમાં બેઠેલા બીજા મિત્રોએ નિખિલને વારાફરતી બધે જ બેસવાનો મોકો આપ્યો. આ પરિસ્થિતિ અજાણતાં જ એના માટે સુખદ સાબિત થઈ રહી. બધા સાથેની હસીમજાકમાં પણ એ રુચીને લગતી ધારદાર કૉમેન્ટ્સ પણ કરી નાખતો.
વિક્રમ : ''અલ્યા, ઉમલા પીકનીક ગોઠવવી જ હતી તો પહેલા મને તો કહેવું હતું ? કોઈ રોમેન્ટિક હિલસ્ટેશન જઈને મસ્તી કરતા હોત.''
ઉમેશ : ''બધાને ખાલી કહેવું જ છે વહીવટ તો હાથમાં લેવો નથી. તો તારે જ લઇ જવા'તા ને બધાને...''
નિખિલ : (રુચિ સામે જોઇને) ''સારું છે હિલસ્ટેશન નથી જતા આપણે બાકી આમાંના અડધા તો આવતા જ નહીં..રોમાન્સ ના નામથી જ ભડકે છે.''
આખી બસ માં ખડખડાટ હાસ્ય ફરી વળ્યું.
રુચિએ પણ દુપટ્ટો આડો કરી થોડું મલકાઈ લીધું.
રોહિત : ''યાર, અત્યારે આપણા બગીચામાં ઝુલા ઝૂલવાના દિવસો છે કે રોમાન્સ કરવાના ?''
નિખિલ : (રુચિને જ સંભળાવતા) ''જો બેકા, રોમાન્સ તો ઝુલા પર પણ થાય, શરત એ કે સામે વાળું વ્યક્તિ સાથ આપે તો..''
ફરીથી બધાએ જ એને હાસ્યના ખિલખિલાટથી વધાવી લીધો.
મસ્તી-મજાક કરતાં લગભગ ત્રણેક કલાક પછી એક મોટા બગીચાના દરવાજા પાસે આવીને બસ ઉભી રહી. બધા પોત-પોતાની સાથે લાવેલા નાનકડી બેગ સાથે લઇને નીચે ઉતર્યા. રુચિના ઉતરવાના સમયે નિખિલ જાણી જોઈને દરવાજા વચ્ચે ઊંધો ઉભો રહી ગયો. રુચિ એને ખસવાનું કહેવા માંગતી નહોતી.પરંતુ નિખિલે મનમાં જ જીદ પકડી કે રુચિ કહેશે નહીં ત્યાં સુધી ખસીશ જ નહીં. રુચિની પાછળ બીજી દસેક છોકરીઓ હતી.એણે સહેજ ખસીને પાછળની છોકરીઓને આગળ જવા ઈશારો કર્યો.
અમિષા : ''ઓ નિખિલ, આમ આડો શુ ઉભો છે ? આઘો ખસ હજુ અમે ઉતરવાના બાકી છીએ દેખાતું નથી ?''
નિખિલ ખસિયણો પડી ગયો. રુચિ એ બધી છોકરીઓમાં વચ્ચે થઈને હરખાતી નીચે ઉતરી ગઈ.
મોટા દરવાજાની અંદર અલગ-અલગ બગીચાઓ હતા. બે-ત્રણ બગીચા પછી એક નાનકડું તળાવ જેવું હતું જ્યાં નહાઇ શકાતું હતું. ત્યાં જ બધાએ રોકાવાનું નક્કી કર્યું. છોકરીઓ પોતાના અલગ વર્તુળ બનાવી પોતાની મસ્તીમાં ખોવાઈ ગઈ. છોકરાઓ તળાવમાં નહાવાનું વિચારી રહ્યા હતા. ન્હાયા પછી જમવાનું નક્કી થયું હતું. બાવન જણા માં બે જણા એવા હતાં જે સાથે નહોતા છતાં એક-એક સેકન્ડ સાથે જ હતાં. નિખિલ અને રુચિ. એ બંને કાઈ પણ કરતા હોય, ગમે તે ખૂણેથી પણ એમની નજર એક થઈ જ જતી.
છોકરાઓ તળાવમાં નાહવા પડ્યાં. કલાક જેવું થયું હશે. ત્યાં તળાવ નજીક બે જણાની બોલાચાલીએ બધાનું ધ્યાન ખેંચ્યું. બંને પાણીથી ભીંજાયેલા હતા. છોકરી રડતી હતી અને છોકરો એની પાછળ ઝડપથી ચાલતો હતો. ધ્યાનથી જોયું તો એ લોકો સાથે જ આવેલા અનિલ અને પ્રિયા હતા. નિખિલ, ઉમેશ, વિક્રમ, રોહિત સાથે બીજા બે જણા પણ ઝડપથી તળાવની બહાર નીકળ્યાં અને એમની પાછળ જવા લાગ્યા. પ્રિયા, છોકરીઓના ટોળા તરફ આવી રહી હતી. રુચિ પણ ત્યાં જ હતી. વિક્રમે અનિલ પાસે પહોંચીને એને ખભેથી પાછળ ફેરવતા પૂછ્યું, ''શુ છે આ બધું ? શુ કર્યું તે એને ?''
વધુ આવતાં અંકે...