Yog-Viyog - 39 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 39

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 39

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૩૯

‘‘હું હાર નહીં માનું.’’ વૈભવીએ મનોમન કહ્યું અને અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબ સામે જોઈ રહી... એક- બે- ત્રણ- ચાર... કોણ જાણે કેટલી ક્ષણ પસાર થઈ અને વૈભવીએ અભયની ગાડી ેગેટની બહાર નીકળવાનો અવાજ સાંભળ્યો. એના ચહેરા પર એક સ્મિત આવ્યું અને અચાનક વૈભવીએ ડ્રેસિંગ ટેબલ પર પડેલી પરફ્યુમની બોટલ ઊંચકીને અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબ પર છૂટ્ટી મારી.

એમાંથી તૂટીને નીચે પડેલા કાચના એક ટુકડાને એણે સાવચેતીથી ઉપાડ્યો. એ ટુકડો વાગે નહીં એમ હાથમાં લઈને એ ધીરે ધીરે નીચે ઊતરી.

ડ્રોઇંગરૂમમાં બેસીને શ્રીજી વિલાના કંપાઉન્ડનો દરવાજો ખૂલવાનો અવાજ આવે એ પળની બેચેનીથી પ્રતીક્ષા કરવા માંડી.

આજે એને છેલ્લો દાવ રમવો હતો. એવો દાવ જેની સામે અભય તો શું, આખા મહેતા કુટુંબને હથિયાર નાખ્યા સિવાય કોઈ બીજો રસ્તો બચે જ નહીં.

ગઈ કાલે જ એણે આ દાવ ગોઠવ્યો હતો. બ્લડ બેન્કમાંથી લાવેલી બ્લડ બોટલને ધીમેથી બહાર કાઢી. પછી એણે એક કાગળ લીધો અને એમાં પોતાની નોટ લખવા માંડી.

‘‘પ્રિય અભય,

મેં તો એમ માન્યું હતું કે તમારી અને મારી જિંદગીમાં ત્રીજી વ્યક્તિની કોઈ જગ્યા જ નથી. તમે મને એટલું ચાહો છો કે તમને બીજી કોઈ સ્ત્રીનો વિચાર પણ આવી શકે નહીં...

પણ એ ભ્રમ તૂટી ગયો અને હવે હું સત્ય સ્વીકારી લઉં છું, પરંતુ એ સત્ય સાથે જીવવું મારા માટે શક્ય નથી. એટલે હું તમને તમારી પ્રિયાને સોંપીને જઈ રહી છું. બાળકો હવે મોટાં થઈ ગયાં છે અને છતાં મને આશા છે કે પ્રિયા એમને માની ખોટ નહીં સાલવા દે.

મને મા પાસેથી ન્યાયની અપેક્ષા હતી, પરંતુ એમણે તો...

બોલ્યું-ચાલ્યું માફ કરજો.

જન્મોજન્મ તમારી જ

વૈભવી.’’

કાગળ લખીને એણે ડ્રોઇંગરૂમના ટેબલ પર બરાબર નજર પડે એમ ગોઠવ્યો. બ્લડ બોટલ ખોલીને સોફાની પાસે લોહી ઢોળ્યું. પછી બ્લડ બોટલને પ્લાસ્ટિકની થેલીમાં નાખીને એણે ઉપર પોતાના રૂમના વોર્ડરોબના એક ખૂણામાં સંતાડી દીધી અને આવીને હજી સોફા પર બેઠી જ હતી કે ગેટ ખૂલવાનો અવાજ આવ્યો.

‘‘ગુડ ! નસીબ મારી સાથે છે. લોહી સુકાય એ પહેલાં તો આ લોકો...’’ એણે આંખો મીંચીને પેલો કાચનો ટુકડો હાથમાં લીધો અને પછી મન મક્કમ કરીને પોતાના કાંડા પર ઘસીને ઘા પાડ્યો.

દરવાજો ખૂલવાનો અવાજ આવ્યો ત્યારે તો વૈભવી કાંડામાંથી ટપકતું લોહી નીચે પડેલા ખાબોચિયા સાથે મેચ કરીને આંખો બંધ કરીને બરાબર દૃશ્ય ગોઠવી ચૂકી હતી.

જાનકીએ દરવાજો ખોલ્યો કે સામે જ આ દૃશ્ય નજરે ચડ્યું.

‘‘માઆઆઆ....!’’ જાનકીનો અવાજ ફાટી ગયો. એ દોડી એણે વૈભવીનું કાંડું પકડીને લોહી રોકવાનોે પ્રયત્ન કર્યો. પણ વૈભવી એમ કાચી ખેલાડી નહોતી. એણે ઘા તો ખાસ્સો ઊંડો માર્યો હતો. એને ખબર હતી કે દસ મિનિટની અંદર અંદર એની બધી જ ટ્રીટમેન્ટ થઈ જવાની હતી એટલે જરાય ભય રાખ્યા વિના એણે પૂરેપૂરો ખેલ માંડ્યો હતો.

જાનકીની પાછળ પાછળ વસુમા અને સૂર્યકાંત અને છેલ્લે શ્રેયા દાખલ થયાં. વૈભવીની હાલત જોઈને શ્રેયાથી પણ ચીસ પડાઈ ગઈ. એણે દોડીને વૈભવીને ઊભી કરવાની કોશિશ કરી, પણ વૈભવી જાણે બેભાન હોય એમ વર્તી રહી હતી.

સૂર્યકાંત પણ પ્રમાણમાં વિચલિત થઈ ગયા હતા. એક માત્ર વસુમા એકેય શબ્દ બોલ્યા વિના પોતાના ઓરડા તરફ દોડ્યાં. ઠાકોરજીના મંદિરમાંથી એમણે રૂ કાઢ્યું અને મોટા રૂના પોલને દિવાસળી ચાંપી. રૂ ફરફરાટ સળગી ગયું. પૂરેપૂરું બળેલું રૂ લઈને બે જ મિનિટમાં વસુમા પાછાં ફર્યાં અને વૈભવીના હાથને ઊંચો પકડીને એમણે જાનકીને કહ્યું, ‘‘ફર્સ્ટ એઇડના કબાટમાંથી ડેટોલ લાવ.’’ જાનકી દોડીને ડેટોલ લઈ આવી. વસુમાએ ખુલ્લા ઘા પર સીધી એન્ટીસેપ્ટિકની જ ધાર કરી... ધોયેલા ચોખ્ખા ઘા ઉપર એમણે બળેલું રૂ દબાવી દીધું. પછી ડઘાયેલી શ્રેયાને કહ્યું, ‘‘આ હાથ આમ ઊંચો પકડી રાખ... લોહી ક્યારેય હૃદયની ઉપરની દિશામાંથી ન વહે...’’

પછી જાનકીને કહ્યું, ‘‘પોતું લાવીને આ બધું સાફ કર.’’

ગાડીમાંથી ઊંઘતા હૃદયને સાચવીને ઊંચકીને અજય ઘરમાં દાખલ થયો એ પાંચ મિનિટમાં તો જાનકી પોતું કરી રહી હતી અને વૈભવીના ઘામાંથી વહેતું લોહી બંધ થઈ ગયું હતું.

‘‘મા, શું થયું આ ?’’

‘‘કંઈ નહીં. વૈભવીએ પોતાનો વિરોધ પ્રગટ કરવા આ રીત પસંદ કરી...’’

‘‘આ બાઈ ! શું કરું આનું હું ? મારી બધી મહેનત એણે પાણીમાં મેળવી દીધી.’’ બંધ આંખે વૈભવીએ મનોમન વસુમાને કોસવા માંડ્યા.

દાખલ થતાંની સાથે જે દૃશ્ય જોઈને જાનકી અને શ્રેયાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી એ બંને વસુમાની સ્વસ્થતા જોઈને નહીં ધારેલા સમયમાં સ્વસ્થ થઈ ગયાં હતાં.

એક માત્ર સૂર્યકાંત હજીયે આખી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવાની કોશિશ કરતા ત્યાં જ ઊભા હતા, ‘‘વસુ, તેં ગઈ કાલે વૈભવીની વાત સાંભળી લીધી હોત કે અભયને ઠપકાના બે શબ્દો કહ્યા હોત તો કદાચ આ પરિસ્થિતિ ન આવી હોત. તને નથી લાગતું કે તું આ વાતને તારા અંગત પૂર્વગ્રહને કારણે...’’

‘‘પૂર્વગ્રહ?’’ વસુમાના ચહેરા પર આ પરિસ્થિતિમાં પણ સ્મિત આવી ગયું, ‘‘મેં પૂર્વગ્રહ શબ્દને મારા શબ્દકોષમાંથી છેકી કાઢ્યો છે કાન્ત, હું ગઈ કાલે જે રીતે વર્તી એ મારા માનવા પ્રમાણે મારું સાચું વર્તન હતું અને વૈભવીએ આજે જે કર્યું છે એનાથી ખરું પૂછો તો મને મારા વર્તન વિશે હજુયે કોઈ અફસોસ નથી થતો.’’

‘‘કોણ જાણે કઈ માટીમાંથી ઘડાઈ છે આ ! કોઈ વસ્તુની અસર જ નથી થતી એને. સીધોસાદો પાટો બાંધશે મારા હાથ ઉપર. ના ટાંકા લેવાયા, ન હોસ્પિટલમાં એડમિટ કરી... નકામું પચીસ ટીપાં લોહી ગયું મારું.’’ વૈભવીની આંખો હજીયે બંધ જ હતી.

‘‘વસુ, હું આવ્યો એ દિવસથી જોઉં છું કે તને કોઈનાય દુઃખ-સુખની, કોઈનાય ઇમોશન્સની, કોઈના પશ્ચાત્તાપની કે કોઈનીયે લાગણીની અસર નથી થતી. તેં બધા જ દરવાજા બંધ કરી દીધા છે વસુ, તું જેને સન્યાસ કે નિસ્પૃહ વર્તન માને છે એ બધું જ તારું અભિમાનછે વસુ. તેં એવું નક્કી કર્યું છે કે તું હવે કોઈનેય તારા સુધી નહીં પહોંચવા દે.’’

સૂર્યકાંત બોલી રહ્યા હતા અને વૈભવી મનોમન ખુશ થઈ રહી હતી. ‘‘ચાલો, કંઈક તો થયું. આ બે જણા વચ્ચે તડાફડી થાય તોય ઘણું. મારું લોહી કામે લાગ્યું ગણાશે.’’

સૂર્યકાંતનો અવાજ ધીમે ધીમે ઊંચો થવા લાગ્યો હતો. અજય, જાનકી અને શ્રેયા આ પરિસ્થિતિમાં બે જણા વચ્ચે કાંઈ થાય નહીં એવા ભયથી ફફડવા લાગ્યાં હતાં. બંનેએ એક વાર વસુમાને રોકવાનો પ્રયાસ કર્યો

‘‘મા...’’

‘‘છોડોને પપ્પાજી...’’

બંનેએ એક વાર વસુમાને અને સૂર્યકાંતને રોકવાનો પ્રયાસ કર્યો.

પણ આજે કોણ જાણે કેમ યશોધરાના મળવાથી હોય કે યશોધરાની વાત સાંભળીને કે પછી યશોધરાની સામે પોતે જે રીતે નાના દેખાયા... એ બધાના સરવાળારૂપે સૂર્યકાંતનું મગજ ફાટફાટ થતું હતું. એમણે ઘણા દિવસથી જે વાત વસુમાને કહેવી હતી એ વાત આજે કહી નાખવાનું નક્કી કર્યું હોય એમ બંને છોકરીઓની વાત અવગણીને પોતાની વાત ચાલુ રાખી.

‘‘વસુ, ભલે કોઈને તારા સુધી ન પહોંચવા દે અને અત્યારે તને એમાં પોતાની જીત લાગતી હશે, પણ એક વાત યાદ રાખજે, તું જ્યારે માણસોના સાથ માટે, એમની લાગણી માટે તરફડીશ ત્યારે એક એક કરીને સૌ તને છોડી ગયા હશે.’’

‘‘કોણ કોને છોડી જાય છે એ તો આપણો કન્સેપ્ટ છે...’’ સૂર્યકાંતના ભયાનક ઉશ્કેરાયેલા અવાજની સામે વસુમા એકદમ શાંત અને સ્વસ્થ હતા, ‘‘બે ઘરોને જોડતા રસ્તા જમીનમાંયે નથી ઊતરી જતા ને નથી કોઈનું નામ તમારી સ્મૃતિમાંથી ભૂંસાઈ જતું કાન્ત... બધું યથાવત રહે છે- સંબંધો તૂટી જાય પછી પણ.’’

‘‘મને લાગે છે તારી વાત સાચી છે.’’ સૂર્યકાંતનો અવાજ કડવાશથી ભરેલો અને સહેજ ધ્રૂજતો હતો, ‘‘મેં વારંવાર તારા સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા, પણ તેં દરેક વખતે મને તરછોડીને કાઢી મૂક્યો છે... પચીસ વર્ષ પહેલાં જે સ્થિતિ હતી એમાં ને આજમાં ખાસ ફેર નથી પડ્યો વસુ.’’

વસુમા જ્યાં ઊભાં હતાં ત્યાંથી આગળ વધ્યાં. અજય, જાનકી અને શ્રેયાની હાજરીમાં એમણે સૂર્યકાંતનો હાથ પકડ્યો. ખૂબ માર્દવથી, ખૂબ મમતાથી, હઠે ચડેલા બાળકને મા સમજાવે એટલી સહાનુભૂતિથી એમણે સૂર્યકાંત સામે જોયું, ‘‘કાન્ત, ખરેખર પચીસ વર્ષ પહેલાં જે સ્થિતિ હતી એ જ આજે છે. મને તમારા માટે એટલી જ લાગણી છે, જેટલી પચીસ વર્ષ પહેલાં હતી અને તમને એ જ બધા વિરોધો આજે પણ છે, જે પચીસ વર્ષ પહેલાં હતાં.’’

‘‘વસુ, સાહિત્ય વાંચવા માટે હોય છે, જીવવા માટે નહીં. આપણા રોજબરોજના જીવનમાં આપણે સાહિત્યને શ્વાસની જેમ જીવી ના શકીએ.’’

‘‘જાણું છું કાન્ત, ને એવો પ્રયાસેય નથી કરતી, ખરું માનજો. પણ એક વાત કહું ? જે સાહિત્યની તમે વાત કરો છો એ આપણા રોજબરોજના જીવનમાંથી જ આવ્યું છે. એ સાહિત્યમાં ક્યાંક તમે ને ક્યાંક હું પણ છું જ... હું જાણું છું તમે શરૂઆતથી જ મારા વાંચન પરત્વે, મારી જીવનની ફિલસૂફી પરત્વે સહેજ અણગમાની લાગણી ધરાવો છો, પણ કાન્ત, સમયની સાથે બધું બદલાઈ જાય છે. માત્ર પ્રકૃતિ નથી બદલાતી...’’ પછી ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, ‘‘ન તમારી, ન મારી.’’

આંખ મીંચીને આ ચર્ચા સાંભળતી વૈભવી સહેજ કંટાળી હતી. એને માટે પોતાના ઉપરથી હટેલું ધ્યાન અસહ્ય હતું.

એણે હળવેથી હોઠ ફફડાવ્યા અને કહ્યું, ‘‘અ..ભ..ય.. અભય...’’

‘‘ભાનમાં આવી ગયાં.’’ શ્રેયાએ કહ્યું અને જાનકી પાણી લેવા દોડી. હૃદયને બેડરૂમમાં સુવાડીને અજય બહાર આવીને ઊભો રહી ગયો હતો.

‘‘સરસ.’’ વસુમાએ કહ્યું અને અજય તરફ ફર્યાં, ‘‘અભયને ફોન કરી દેજો.’’

‘‘અભય...’’ વૈભવીએ ફરી કહ્યું અને હળવેકથી આંખો ઉઘાડી.

‘‘કેવું લાગે છે ભાભી ?’’ શ્રેયાએ પૂછ્‌યું, ‘‘આવું કરાય?’’

‘‘શું કામ બચાવી મને ? મરી જવા દેવી હતી. હવે જીવીનેય શું કરવાનું છે મારે ?’’

‘‘વૈભવી, બેટા, આપણું જીવન આપણા માટે જીવવાનું...’’

‘‘કહેવું સહેલુંં છે મા, તમારો દીકરો જે કંઈ કરે છે એ પછી હું કોના માટે જીવું ? શું કામ જીવું ?’’

‘‘એટલે આજ સુધી તમે અભય માટે જીવતાં હતાં, બેટા ?’’

આનો વૈભવી પાસે ખરેખર કોઈ જવાબ નહોતો. જો ખરેખર એમ જ હતું તો એ અભયને કેમ સાચવી ન શકી એ સવાલ ઊભો થવાનો જ હતો અને જો એમ ન નહોતું તો પછી અચાનક અભયના આ પ્રેમપ્રકરણ અંગે પોતાને આવી રીતે રિએક્ટ થવાનો શું અધિકાર હતો ? એ સવાલ પણ આવવાનો જ હતો.

‘‘મા, હું અભય વિના નહીં જીવી શકું.’’ કહેતાં કહેતાં વૈભવીની આંખમાં સાચાં આંસુ આવી ગયાં. જે અભયને આજ સુધી પોતે ટેકન ફોર ગ્રાન્ટેટ લીધો હતો, જે અભયના ગમા-અગણમા વિશે પોતે આજ સુધી ક્યારેય ચિંતા કરી નહોતી અને જે અભય પાસે પોતે આજ સુધી માત્ર અને માત્ર ધાર્યું કરાવ્યું હતું એ અભયનું એની જિંદગીમાં ખરેખર મહત્ત્વ હતું એવું વૈભવીને કદાચ ધીમે ધીમે સમજાવા લાગ્યું હતું.

‘‘અભય વિના ક્યાં જીવવાનું છે વૈભવી ? એ આપણી સાથે જ રહેવાનો છે. એણે કહ્યુંને, એ ઘર છોડીને ક્યાંય નથી જવાનો.’’

‘‘પણ એ મારો નથી...એવું તો કહ્યુંને એણે. હવે એ ઘરમાં રહે કે બહાર રહે, શું ફેર પડે છે ? મને તો મારો અભય જોઈએ... બાકી...’’

‘‘બાકી શું વૈભવી ? જે તારો નથી એ તારે માટે કોઈ કામનો નથી?’’ વસુમાના આ સવાલની સાથે જ સૂર્યકાંતને વીજળીનો કરંટ લાગ્યો હોય એમ એ ચોંક્યા. આ સવાલ માત્ર વૈભવીને નહોતો પુછાયો, સૂર્યકાંતને પણ પુછાયો હતો કદાચ !

‘‘મેં વાંચ્યું હતું ક્યાંક, કે સ્વતંત્રતા એ મનુષ્યની આદિમ ઇચ્છા છે. એવી જ રીતે પ્રેમ આપવો અને પામવો એ મનુષ્યના મનુષ્ય હોવાપણાનો ભાગ છે... એની સ્વતંત્રતાની માગણી સામે તમે એની મનુષ્ય તરીકેના સ્વીકારની, પ્રેમ પામવાની ઝંખના કેવી રીતે નકારી શકો?’’

‘‘તું કોને કહે છે વસુ ?’’ સૂર્યકાંતથી પૂછ્‌યા વિના ના રહેવાયું.

‘‘સૌને.’’ વસુમા હજીયે સૂર્યકાંતની બાજુમાં ઊભાં હતાં, ‘‘એ સૌને, જે લાગણીઓને લેવડ-દેવડની વસ્તુ માને છે. અમુક આપો તો અમુક મળે... એવી રીતે સંબંધ ન જીવે, વૈભવી.’’

‘‘તારી વાત સાચી છે વસુ, પચીસ વર્ષે પાછા ફર્યા પછી હું આંખ ઉઘાડું ને મીંચું એટલી જ વારમાં તારી પાસે બદલાવાની, સ્વીકારની અને મારા અધિકારની અપેક્ષા રાખવા માંડું એ જરા વધારે પડતું છે.’’

‘‘વૈભવી બેટા, અભય ક્યાંય નથી ગયો. જે અભય તમારો છે એ તો તમારી પાસે જ છે. હા, અભયના અસ્તિત્વનો એક ટુકડો, જે આ ઘરના અને તમારા સંબંધના બંધિયાર વાતાવરણમાંથી નીકળીને ખુલ્લી હવામાં શ્વાસ લેવા લાગ્યો છે અને અભયના અસ્તિત્વનો એ ટુકડો હવે અભયના પોતાના કહ્યામાં નથી બેટા, એને બાંધવાનો પ્રયત્ન છોડી દો.’’

એ ઓરડામાં ઊભેલાં બધાં જ વસુમાની આ વાત સાથે પોતાની જાતને જોડીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા...

શ્રેયા અલય સાથેના સંબંધ અંગે, તો જાનકી રાજેશ અને અંજલિના સંબંધ અંગે આ વાતને જોડી રહી હતી...

સૂર્યકાંતે આ વાત સાથે વસુંધરા સાથેના પોતાના આટલાં વર્ષોના સંબંધને જોડી જોયો અને એ જ પળે નક્કી કર્યું કે હવે પોતે પાછા જશે.

વસુંધરાની મનઃસ્થિતિ અને એની ફિલસૂફી જાણીને હવે અહીં રહીને વસુને જીતવાનો પ્રયાસ વ્યર્થ હતો એવું એમને આ જ પળે સમજાયું હતું.

એમણે એક પણ અક્ષર બોલ્યા વિના ઉપરના ગેસ્ટરૂમ તરફ જવા માંડ્યું. અજય પણ જાણે વાત પૂરી થઈ ગઈ છે એમ માનીને અભયને ફોન કરવા આગળ વધ્યો. હાથમાં પાણી લઈને ઊભેલી જાનકીએ એ પાણી વૈભવી તરફ આગળ ધર્યું...

વૈભવીએ ધ્રૂજતા હાથે પાણીનો પ્યાલો હાથમાં લીધો અને એકીશ્વાસે પી ગઈ. એને એ જ સમયે અજયનો અવાજ સંભળાયો, ‘‘ના, ના, થયું કંઈ નથી. એવી ચિંતા કરવા જેવું કંઈ નથી. ભાભી ઇઝ ફાઇન...’’

‘‘એ આવે છે ને ?’’ વૈભવીના અવાજમાં ફરી એક વાર નાનકડી જીતની આશા ઊભરાઈ આવી.

‘‘અ...’’ અજય ગૂંચવાયો, ‘‘ભાઈ મિટિંગમાં છે. રાત્રે જ આવશે.’’ એટલું કહ્યા પછી જરા સહાનુભૂતિમાં ઉમેર્યું, ‘‘તમારે ડોક્ટરને ત્યાં જવું હોય તો હું લઈ જાઉં. ગાડી તો શ્રેયા પાસે પણ છે.’’ શ્રેયાથી સહાનુભૂતિમાં વૈભવીના ખભે હાથ મુકાઈ ગયો.

હાથમાં પકડેલો પાણીનો પ્યાલો વૈભવીએ છૂટ્ટો ફેંક્યો, ‘‘મને ખાતરી જ હતી કે એ નહીં આવે... હવે શું જરૂર છે એને મારી ?’’ વૈભવી આખેઆખી ધ્રૂજતી હતી. હવે એની આંખમાંથી સરકી રહેલાં આંસુ રોકવા મુશ્કેલ હતાં.

એને કોઈ રીતે વિશ્વાસ નહોતો આવતો કે પોતાના આપઘાતના પ્રયાસની વિગતો જાણ્યા છતાંય અભયે ઘેર આવવાની પણ તૈયારી ના બતાવી... એટલું જ નહીં, પોતાને ફોન કરવાની પણ એણે તસ્દી ના લીધી.

‘‘શું આ સંબંધ સાવ પૂરો થઈ ગયો છે ?’’ વૈભવીને વિચાર આવ્યો અને એ વિચારની સાથે જ જાણે એનું મન પાછલાં પંદર વર્ષની સફરે ઊપડી ગયું. આ એ જ અભય હતો જેને પોતે પ્રેમ કરીને પરણી હતી અને જેણે પરણ્યા પછી પોતાને અઢળક પ્રેમ કર્યો હતો...

વસુમાનું વર્ચસ્વ, અજયની વકીલાત ના ચાલવી, અલયની ફિલ્મ બનાવવા માટેની ઘેલછા, વસુમાની જાનકી માટેની લાગણી, ઘર ચલાવવા માટે અભયની દોડાદોડીથી શરૂ કરીને કઈ એવી બાબત હતી જેને માટે એણે અભયને ખરીખોટી નહોતી સંભળાવી...

એની બધી જ વાત મૂંગે મોઢે સાંભળતો અભય કદાય ઘરની શાંતિ માટે આજ સુધી એક લેવડ-દેવડની જેમ આ સંબંધ નિભાવી રહ્યો હતો. આજે જ્યારે એ અભય આ સંબંધમાંથી બહાર જતો દેખાયો ત્યારે વૈભવીને પોતાની ભૂલ સમજાઈ હતી.

વૈભવી ઘરના તમામ લોકોની સહાનુભૂતિ ગુમાવી ચૂકી હતી.

‘‘કદાચ આવો જ ઘા જાનકીએ પોતાના કાંડે માર્યો હતો તો આખું ઘર ઉપરતળે થઈ ગયું હોત...’’ વૈભવીના મનમાં વિચાર આવ્યો, પણ સાથે જ બીજો વિચાર આવ્યો, ‘‘જાનકી શું કામ મારે આવો ઘા ? એણે તો બધા જ સંબંધોની ગાંઠો એક એક કરીને મજબૂત કરી છે. એનો પતિ એના કહ્યામાં છે અમારી સાસુ એ પીવડાવે એટલું પાણી પીએ છે. અભય પણ એના દાખલા આપે છે... ને અલય પણ...’’ વૈભવીના મોઢામાં જાણે કડવો-તૂરો સ્વાદ ઊભરાઈ આવ્યો, ‘‘અરે, આ ગઈ કાલનો આવેલો મારો સસરો પણ જાનકીથી ઇમ્પ્રેસ થઈ ગયો છે...’’

ડૂસકે ડૂસકે રડતી વૈભવીના મનમાં આજે ખરેખર પોતે ક્યાં ઊભી છે એ સ્પષ્ટ થઈ ગયું હતું અને સાથે સાથે એને એ પણ સમજાયું હતું કે આ સ્પષ્ટતા થતાં થતાં ઘણું મોડું થઈ ગયું હતું...

વૈભવી ડ્રોઇંગરૂમમાં એકલી બેસીને રડતી હતી. બાકીના સૌ પોતપોતાના ઓરડામાં ને પોતપોતાની મનોદશા સાથે પોતપોતાના વિશ્વમાં હતા.

મરીન ડ્રાઇવથી નીકળીને ગાડી કોલાબા કોઝવે પાસે આવી, નીરવે મસ્તીખોર અંદાજમાં લક્ષ્મીની સામે જોયું, ‘‘શું કરવું છે ?’’

‘‘જઈને બેસીએ ક્યાંક.’’

‘‘ક્રૂઝ પર જવું છે ?’’

‘‘ક્રૂઝ ?’’ અમેરિકન છોકરીએ ક્રૂઝ એટલે લક્ઝરી લાઇનર સમજીને પૂછ્‌યું, ‘‘હમણાં ? અહીંયા ?’’

‘‘જવાનું અહીંંથી એલિફન્ટા સુધી, પણ મુંબઈગરા એને ક્રૂઝ કહે...’’ પછી હસ્યો એ.

‘‘આપણે એક વાર જવાના હતા.’’ લક્ષ્મીને યાદ આવી ગયું.

‘‘હં...’’ નીરવે કહ્યું અને ગાડી તાજના વેલેટ પાર્કિંગમાં આપી દીધી. બંને જણા ગેટવે ઓફ ઇન્ડિયા પાસે આવ્યા. ટિકિટ લીધી અને મોટરબોટમાં બેસી ગયાં.

થોડી વારમાં પ્રવાસીઓ ભરાયા અને મોટરબોટ ચાલુ થઈ.

ઉપર જવાના દસ રૂપિયા વધારે ખર્ચીને બંને છત પર આવીને બેઠા. લક્ષ્મીનો શિફોનનો દુપટ્ટો ફરફરાટ ઊડતો હતો. એના સોનેરી વાળ વારે વારે એના ચહેરા પર આવી જતા હતા. એની રાખોડી આંખોમાં જાણે દરિયાનું પ્રતિબિંબ પડતું હતું. દૂર ક્ષિતિજ તરફ જોઈને ઊભેલી લક્ષ્મીને નીરવ એકીટશે જોઈ રહ્યો હતો.

‘‘શું જુએ છે ?’’

‘‘તને જોઉં છું. ખૂબ સુંદર છે તું. ચહેરાથી અને મનથી- બંને.’’

‘‘નીરવ, મને તે દિવસે એક વાત પૂછવી હતી. પછી મેં ટાળી દીધી...’’ નીરવનો મૂડ જોઈને લક્ષ્મીએ વાત શરૂ કરી.

‘‘કયા દિવસે ?’’ નીરવને તો જાણે અત્યારે લક્ષ્મીની બે આંખો, એના સોનેરી વાળ... તડકામાં સહેજ તપી ગયેલો ગોરો ચહેરો અને આખાય વ્યક્તિત્વમાંથી નીતરતા સ્ત્રીત્વ સિવાય બીજું કશુંયે યાદ નહોતું.

‘‘જે દિવસે આપણે લગ્નની વાત થઈ...’’

‘‘ઓહ ! પૂછી લેવું હતું ને.’’ નીરવે લક્ષ્મીના ચહેરા પર ઊડતા સોનેરી વાળતને પોતાની આંગળીઓથી હટાવ્યા. નીરવની આંગળીઓના ગાલ પર થયેલા અછડતા સ્પર્શથી પણ લક્ષ્મીના શરીરમાં જાણે એક સિરહન થઈ ગઈ. નીરવ એની નજીક આવ્યો. એણે લક્ષ્મીની ચીબુક પકડીને એને ચૂમવાનો પ્રયાસ કર્યો. બહુ સ્પષ્ટતાથી નહીં પણ હળવેથી લક્ષ્મી ચહેરો ફેરવી ગઈ.

એની આંખોમાં જોઈને નીરવને લાગ્યું કે લક્ષ્મીના મનમાં કોઈ ગડમથલ ચાલતી હતી.

‘‘આજે પૂછું ?’’

‘‘હં...’’

‘‘નીરવ, બે- ત્રણ- ચાર- પાંચ, કોને ખબર કેટલાં વર્ષ સાથે ગાળ્યાં પછી જો તને એમ લાગે કે હું તારા માટે યોગ્ય છોકરી નથી તો?’’

‘‘તો... તો... ?’’ નીરવની આંખોમાં લક્ષ્મીનો સવાલ જાણે બોટના પડખામાં દરિયાનાં મોજાની જેમ અથડાઈ અથડાઇને ફીણ ફીણ થવા લાગ્યો. નીરવે આ રીતે તો વિચાર્યું જ નહોતું.

‘‘અમુક વર્ષો સાથે ગાળ્યા પછી જો હું આ છોકરીને ન પરણી શકું તો શું અધિકાર છે મને એની જિંદગી સાથે રમત કરવાનો ?’’ નીરવનો આત્મા એને પૂછી રહ્યો હતો. એની મા રિયાએ એક વાર એને કહ્યું હતું, ‘‘નીરવ બેટા... જ્યાં સુધી આપણને આપણા પ્રેમની ખાતરી ના થાય ત્યાં સુધી બીજાને ઊંડા પાણીમાં ઘસડવાનો આપણને કોઈ અધિકાર નથી. હું ઓળખું છું તને. તું જે રીતે જીવ્યો છે, એને સંબંધોની જે કડવાશ તેં જોઈ છે એ પછી કોઈ પણ છોકરીને વચન આપતા પહેલાં જાતને ત્રણ વાર પૂછજે...’’

‘‘શું વિચારે છે ?’’ લક્ષ્મીના સવાલે નીરવની તંદ્રા તોડી.

‘‘કદાચ હું તને પરણવાની ના પાડું તો ?’’ નીરવે લક્ષ્મીને એ સવાલ પૂછ્‌યો ત્યારે કદાચ જાતને પણ એ જ સવાલ પૂછી રહ્યો હતો...

‘‘જો નીરવ, હું અમેરિકામાં ઊછરી છું. બહુ મોડર્ન વિચારસરણી ધરાવું છું. ભૌતિકવાદના અને શરીર પર જીવતા એ દેશમાં લગ્નનું કોઈ મહત્ત્વ નથી, પણ મને મારા ડેડીએ ઊછેરી છે... એક એવા માણસે, જેણે એ દેશમાં પણ પોતાની પત્નીની યાદ અકબંધ સાચવી રાખી...’’

‘‘કઈ પત્નીની ?’’ નીરવના અવાજમાં ડંખ હતો, જે લક્ષ્મીને વાગ્યો.

‘‘મારી માની... કે વસુમાની... હું નથી જાણતી, પણ એ માણસને મેં ક્યારેય સ્ત્રીઓમાં રસ લેતો નથી જોયો. એના મનમાં કોઈકની યાદ હતી અને નજરમાં કોઈકનો ચહેરો એ નક્કી...’’

‘‘આ બે વાતને શું સંબંધ છે ?’’ નીરવ અકળાઈ ગયો.

‘‘છે, સંબધ છે...’’ લક્ષ્મીએ નીરવનો હાથ પકડ્યો, એને નજીક ખેંચ્યો અને ધીમેથી કહ્યું, ‘‘મારે માટે લગ્નનું મહત્ત્વ છે. મારે માટે પ્રેમની દિશા લગ્ન છે. હું તને ચાહું છું એમ જ્યારે હું કહું છું ત્યારે હું તારી સાથે જીવવા માગું છું એ વાત પણ એમાં જ આવી જાય છે.’’

‘‘તો ?’’

‘‘તો...’’ લક્ષ્મીની રાખોડી આંખો નીરવની આંખોમાં ઊંડી ઊતરી ગઈ, ‘‘તારે નક્કી તો કરવું પડશે.’’

‘‘ક્યાં સુધીમાં ?’’

‘‘હું અમેરિકા પાછી જાઉં એ પહેલાં ?’’લક્ષ્મીએ અજાણતાં જ નીરવને એવો સમય આપ્યો હતો જેની એને પોતાને પણ નહોતી ખબર.

‘‘જો એ પહેલાં હું નક્કી કરી શકીશ તો કદાચ તને જવા જ નહીં દઉં. લગ્ન જ કરી લઈશ તારી સાથે.’’ નીરવે નિઃશ્વાસ નાખ્યો, ‘‘પણ જો નક્કી નહીં કરી શકું તો ?’’

‘‘તો હું અમેરિકા જઈશ... અને ભૂલવાનો પ્રયત્ન કરીશ કે મેં તને પ્રેમ કર્યો હતો.’’ લક્ષ્મીનો અવાજ ભરાઈ આવ્યો. એને થયું કે પોતે કદાચ રડી પડશે, ‘‘આપણે... આપણે સારા મિત્રો બનીને રહીશું.’’

‘‘જો લક્ષ્મી, મેં તને પહેલાં પણ કહ્યું હતું, હું તને પ્રેમ કરું છું. ઘણો આગળ વધી ચૂક્યો છું મિત્રતાથી... હું તને એકાંતમાં મળું અને ચુંબન ના કરું એ મારા માટે શક્ય જ નથી અને જ્યાં સુધી હું સમજ્યો છું ત્યાં સુધી તારી મિત્રતાની વ્યાખ્યામાં એ નથી આવતું...’’

બંને ઘણી ક્ષણો સુધી એકબીજાનો હાથ પકડીને, એકબીજાની આંખોમાં અપલક જોઈ રહ્યા. પછી નીરવ આગળ વધ્યો, એણે લક્ષ્મીના હોઠ પર એક હળવું ચુંબન કર્યું. દરિયાના પવનની ખારાશ લક્ષ્મીના હોઠ પર ઊતરી આવી હતી. એ ખારાશ મમળાવતા એણે એના ચહેરા પર હાથ ફેરવ્યો, ‘‘તો નક્કી રહ્યું, તું અમેરિકા જાય એ પહેલાં મારે નિર્ણય કરવાનો, નહીં તો આપણા સંબંધ પૂરા થશે.’’

‘‘નીરવ !’’

‘‘યેસ, ધેટ્‌સ ફાઇનલ !’’ નીરવે હજી સુધી લક્ષ્મીના ગાલ પર મૂકી રાખેલો પોતાનો હાથ સહેજ થપથપાવ્યો, ‘‘હું તારી વાત સમજું છું અને મારી જાતને પણ ઓળખું છું. મને જો ડેડલાઇન આપવામાં નહીં આવે તો હું કદાચ જીવનભર નિર્ણય ના કરું એટલો ડરપોક છું.’’

આટલું કહીને નીરવ દરિયા તરફ એવી રીતે જોઈ રહ્યો જાણે દૂર ક્ષિતિજ પર એને આવનારું ભવિષ્ય દેખાવાનું હોય.

અનુપમા લગભગ ગાંડી થઈ ગઈ હતી. એણે આવતાંની સાથે ઘર સાફ કરાવી દીધું હતું. પોતાના બેડરૂમની સાથે જોડાયેલી સિટિંગ અરેન્જમેન્ટવાળો એન્ટીરૂમ એકદમ જુદી જ રીતે ગોઠવાવ્યો હતો. પંદર-વીસ મોટી-મોટી મીણબત્તીઓના પ્રકાશમાં એ રૂમ એકદમ રોમેન્ટિક દેખાતો હતો. સુગંધી મીણબત્તીઓની સુગંધ આખા ઓરડામાં પ્રસરી હતી. પેરિસથી લાવેલા ક્રિસ્ટલ ગ્લાસ અને શ્રેષ્ઠ મોલ્ટ વ્હીસ્કી એણે બહાર કઢાવી હતી.

નોકરાણીને દસ જાતની રસોઈ કરવાની સૂચના આપી હતી.

અલયે આવવાનું કબૂલીને અનુપમા પર જાણે અહેસાન કર્યો હોય એમ અનુપમા ગદગદ થઈને વર્તી રહી હતી. બહાર હજી પણ ધોધમાર વરસાદ ચાલુ હતો.

અનુપમા પોર્ચમાં ઊભી રહીને રાહ જોતી હતી ત્યારે સંજીવે આવીને એના ખભે હાથ મૂક્યો, ‘‘હું નીકળું અનુ ?’’

‘‘તમે નહીં રોકાવ દાદા?’’ અનુપમાએ પૂછ્‌યું તો ખરું, પણ એની ઇચ્છા આજે અલય સાથે એકલા જ સમય પસાર કરવાની હતી એવું એની આંખોમાં સ્પષ્ટ લખ્યું હતું.

‘‘અનુ, આજે તો આવે છે અલય, હું નથી માનતો એ ફરી આવી રીતે...’’

‘‘દાદા !’’ અનુની આંખોમાં કોણ જાણે શું હતું કે સંજીવ બોલતો અટકી ગયો. અનુપમા સંજીવ સામે એવી રીતે જોઈ રહી હતી જાણે આજે અલયને અહીં બોલાવીને સંજીવે એને જીવનભરની ઋણી બનાવી દીધી હોય.

સંજીવ કંઈ બોલે એ પહેલાં પોર્ચમાં એક રિક્ષા આવીને ઊભી રહી. પોતાની બેગ બચાવતો અલય દોડતો પોર્ચના પગથિયાં ચડ્યો.

અનુપમા એની સામે જોઈ રહી.

‘‘હજી કોઈ આવ્યું નથી ?’’

‘‘કોણ ?’’ અનુપમાએ પૂછ્‌યું.

‘‘કેમ ? મને તો શૈલેષભાઈએ કહ્યું કે પાટર્ી છે. ફિલ્મના મુહૂર્તની પાટર્ી...’’ સંજીવ અને અનુપમાએ એકબીજાની સામે જોયું.

‘‘બે જણાની પણ પાટર્ી હોઈ શકે, અલય !’’ અનુપમાની આંખોમાં ઘેરાયેલા વરસાદના વાદળ જેવું આમંત્રણ હતું.

સ્કાયબ્લૂ કલરના શિફોનના ફ્રોકમાં અનુપમા ખરેખર અદભુત દેખાતી હતી. એના લાંબા છૂટ્ટા વાળ અને મેક-અપ વગર તગતગતી ત્વચા જાણે મોલ્ટ વ્હીસ્કીની બોટલ હોય એમ એ થાંભલાને અઢેલીને પોર્ચમાં ઊભી હતી.

‘‘વ્હાય નોટ ?’’ અલયની આંખોમાં જાણે એ વાત સોંસરી ઊતરી ગઈ, ‘‘ઇનફેક્ટ મને આવી જ પાટર્ીની અપેક્ષા હતી.’’ અલયે કહ્યું અને અંદર, ડ્રોઇંગરૂમ તરફ આગળ વધી ગયો.

પોર્ચમાં ઊભેલા સંજીવ અને અનુપમાએ ફરી એકબીજાની સામે જોયું. એ અર્થસભર સંવાદ પૂરો થયો કે તરત સંજીવે અનુપમાના ખભે હાથ મૂક્યો, ‘‘ટેઇક કેર...’’ અને સંજીવ પોતાની ગાડી તરફ આગળ વધી ગયો.

એક ક્ષણ અનુપમા ત્યાં જ ઊભી રહી અને ધોધમાર વરસતા આકાશ તરફ જોઈ રહી... ત્યાં અંદરથી અલયની બૂમ સંભળાઈ, ‘‘અનુપમા... મને બદલવા માટે શટર્ મળશે ?’’

(ક્રમશઃ)