Yog-Viyog - 32 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 32

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

યોગ-વિયોગ - 32

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૩૨

અંજલિ કોફીશોપમાંથી નીકળીને જાનકી ગઈ હતી તેની વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી. ગ્લાનિ અને ગુસ્સાથી એનું મગજ ફાટફાટ થતું હતું. એને કોઈ પણ સંજોગોમાં શફ્ફાક સાથેના સંબંધોમાં લાંબુ ભવિષ્ય નહોતું જ દેખાતું... પરંતુ એક પળભરના પ્રણયમાંથી એને અજબ પ્રકારનું સુખ મળવા લાગ્યું હતું !

એવું નહોતું અંજલિ રાજેશ સાથે સુખી નહોતી, પણ એની અંદર અચાનક બટકીને તૂટી ગયેલા શફ્ફી સાથેના સંબંધની કણી ખૂંચ્યા જ કરતીહતી. છેલ્લાં પાંચ વર્ષથી એને રાત-દિવસ શફ્ફીના વિચારો આવતા હતા એવું નહોતું, પણ ક્યારેક એ છાપામાં કે ટેલિવિઝન પર એનો ચહેરો જોતી અને એનો વિચાર આવતો ત્યારે અંદર એક પીડાની હૂક ઊઠી આવતી.

શફ્ફી જે રીતે પાછો મળ્યો અને જે રીતે આજે પણ એના માટે તરફડતો હતો એનાથી એનો અહં સંતોષાતો હશે કદાચ, કે પછી એની અંદર ઘડી વાળીને મૂકી દીધેલી સુષુપ્ત ઝંખનાઓ અચાનક જ આળસ મરડીને જાગી ગઈ હતી અને હાથ લંબાવીને પોતાના ભાગનું સુખ માગતીહતી એ દરમિયાન જ જાનકીએ બધું તહસ-નહસ કરી નાખ્યું.

‘‘હું કહેતને શફીને, હું કંઈ છુપાવવાની નહોતી.’’ અંજલિના પગ સડસડાટ રસ્તા પર ચાલી રહ્યા હતા. પગ વધુ ઝડપથી ચાલતા હતા કે વિચારો એ નક્કી કરવું અઘરું હતું... ‘‘મારી પ્રેગનન્સી આમેય છૂપી રહેવાની નહોતી, પણ સાવ આવી રીતે...’’ રસ્તામાં પડેલા એક નારિયેળના કોચલાને અંજલિએ જોરથી લાત મારી, ‘‘હું કંઈ ભાગી નહોતી જવાની એની સાથે. ભાગી જવાની હોત તો પહેલાં જ ભાગી ગઈ હોત...’’ એ મનોમન સંવાદ કરી રહી હતી, એ ઘેર જઈને જાનકીને આ બધું જ કહેવાની હતી. કોફીશોપમાં આ બઘું મોઢામોઢ ન કહી શકાયું એનો અફસોસ થતો હતો.

અંજલિ ખૂબ ગુસ્સે થઈ હતી. એને વારંવાર કોફીશોપનું દૃશ્ય નજર સામે દેખાતું હતું. જિંદગી આખી જાનકીને એણે ખૂબ ચાહી હતી. બલકે એમ કહો કે આખા શ્રીજી વિલામાં જો કોઈ એક જણનો અંજલિને પૂરેપૂરો ભરોસો હોય તો એ જાનકી હતી ! વૈભવીએ આવું કર્યું હોત તો કદાચ અંજલિને સહેજેય દુઃખ ન થયું હોત, પણ જાનકી ?!

‘‘એ તો બધું જ જાણતાં હતાં, મારી શફી માટેની લાગણી, મારા ઇમોશન્સ, મારે જે રીતે, જે સંજોગોમાં રાજેશ સાથે પરણવું પડ્યું એ પણ... મારા અધૂરા રહી ગયેલા સપનાને જો મેં ફરી થોડી વાર આંખ બંધ કરીને માણી લીધું તો એમાં એનું શું લૂંટાઈ જવાનું હતું ?’’ અંજલિ દાંત ભીંસીને સડસડાટ ચાલી રહી હતી. એ ક્યાં જઈ રહી હતી એની પણ એને ખબર નહોતી. ઘરે નહોતુંં જવું એવું નક્કી હતું, બીજી એવી કોઈ જગ્યા નહોતી જ્યાં એ જઈ શકે ! એની પાસેથી પસાર થઈ જતી ખાલી રિક્ષાઓ પળભર માટે ધીમી પડતી અને પછી ઝડપથી પસાર થઈ જતી. ગાડીઓ, મોટરસાઈકલ અંજલિની સાવ નજીકથી સડસડાટ પસાર થઈ જતા હતા. અંજલિ ક્રોધમાં લગભગ આંધળીભીત થઈને ચાલી રહી હતી. દિશાભાન વગર... આસપાસ જોયા વિના !

અચાનક સામેથી રોન્ગ સાઇડ આવતી એક ગાડી તરફ અંજલિની નજર પડી. અંજલિ પોતાની ઝડપ કન્ટ્રોલ કરે અને રસ્તો બદલે એ પહેલાં ગાડી સાવ નજીક આવી ગઈ. રવિવારની બપોરે બે-ચાર બિયર લગાવીને અંધાધૂંધ ગાડી ચલાવતા એ જુવાનિયાઓને શું થઈ રહ્યું છે એ ખ્યાલ આવે એ પહેલાં જ સ્ટિયરિંગ વ્હીલ પર બેઠેલો માંડ સત્તર-અઢારનો એ લબરમૂછિયો છોકરો ગાડી સંભાળવા માટે બ્રેક મારવા ગયો હશે પણ ઉશ્કેરાટમાં અને ગભરામણમાં એનો પગ એક્સેલરેટર પર વધારે દબાયો... ગાડી અટકવાને બદલે આવીને સીધી અંજલિને અથડાઈ. આખરે કાન ફાડી નાખે એવી બ્રેકની ચિચિયારી થઈ, પણ એ ત્રણ સેકન્ડ મોડી હતી. અંજલિ પોતાની અને ગાડીની ઝડપને કારણે ઊછળીને વીસેક ફૂટ દૂર પડી...

જૂહુના એ રસ્તા પર રવિવારની બપોરે આવતા-જતાં અનેક વાહનો થંભી ગયાં. ઊછળીને પડેલી અંજલિના કપાળમાંથી અને મોંમાંથી લોહી વહી રહ્યું હતું. એ બેભાન થઈ ગઈ હતી. એની પર્સ ક્યાંક દૂર ખૂણામાં પડી હતી. રેપઅરાઉન્ડ સ્કર્ટ ઊઘડી ગયો હતો. એક બહેને આવીને એનો સ્કર્ટ ઢાંક્યો, બેહોશ અંજલિ પર કોઈકે પાણી છાંટ્યું. લગભગ દસેક મિનિટ પછી અંજલિ હોંશમાં આવી અને સૌથી પહેલાં એણે પોતાનો મોબાઇલ માગ્યો... પરંતુ ભેગી થયેલી ભીડમાંથી કોઈક એની પર્સ ઉઠાવીને રવાના થઈ ગયું હતું.

થોડા લોકોએ અંજલિને બેઠી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંજલિએ હૃદયદ્રાવક ચીસ પાડી. એના પગના નળાનું હાડકું ફ્રેક્ચર થઈ ગયું હતું.

એણે આસપાસ જોયું. પછી એક મહિલા પાસે મોબાઇલ જોયો, એણે કહ્યું, ‘‘પ્લીઝ, મારા હસબન્ડને ફોન કરો. ૯૮૨૦૧-૩૪૩૪૨..’’ અંજલિને ચક્કર આવતા હતા. એણે આંખો બંધ કરી દીધી. પેલી સ્ત્રીએ ફોન લગાડવાનો પ્રયત્ન કર્યો, ‘‘બંધ મળે છે બહેન, ફોન સ્વીચઓફ છે.’’

‘‘ઓહ માય ગોડ...’’ માંડ માંડ ત્રણ-ચાર જણના ટેકે ઊભી થયેલી અંજલિને ખ્યાલ આવ્યો કે એના સ્કર્ટ પર પાછળની બાજુ પડેલું લોહીનું ધાબું બહુ જ ધીરે ધીરે પરંતુ વિસ્તરતું જતું હતું.

‘‘હોસ્પિટલ... પ્લીઝ, મને કોઈ હોસ્પિટલ લઈ જાવ.’’ અંજલિનો અવાજ ફાટી ગયો હતો.

જાનકી શ્રીજી વિલામાં દાખલ થઈ ત્યારે એનો મિજાજ સાવ જુદો જ હતો. સામાન્ય રીતે જાનકી બહુ જ ઓછું ગુસ્સે થતી. એની વાત ઓછા શબ્દોમાં સૌજન્યપૂર્વક કહેવાની એને ટેવ હતી, પણ આજે એનો ચહેરો જોઈને વસુમાને નવાઈ લાગી. ઓટલા પર બેસીને વસુમા સાંજનું શાક સમારી રહ્યાં હતાં. એમણે જાનકીને આવતી જોઈ, પણ જાનકી એમની સાથે કોઈ વાત કર્યા વિના સડસડાટ પોતાના ઓરડા તરફ ચાલી ગઈ.

‘‘શું બન્યું હશે?’’ વસુમા વિચારે ચડી ગયાં. એમણે તરત જ થાળી-છરીની સાથે બીજો સંસાર સમેટી લીધો અને ઘરમાં દાખલ થયાં. બધી જ વસ્તુઓ ડાઇનિંગ ટેબલ પર મૂકીને એ સીધાં જ જાનકીના ઓરડામાં ગયાં.

‘‘જાનકી...’’ એને પણ જાણે ખાતરી જ હોય કે વસુમા પૂછ્‌યા વિના નહીં રહે, એણે વસુમા સામે જોયું અને કહ્યું,

‘‘મને અંજલિ મળી હતી.’’ પછી સહેજ અટકીને હળવેથી ઉમેર્યું, ‘‘શફ્ફાક સાથે, કોફીશોપમાં.’’

‘‘હં...’’ વધુ પ્રશ્નો ન પૂછવાની વસુમાની ટેવ હતી અને એ જાણતાં હતાં કે જાનકી આમેય એમનાથી કંઈ છુપાવશે નહીં.

‘‘મા...’’ જાનકીની જીભ અચકાતી હતી. એણે અંજલિનાં લગ્ન વખતે વસુમાથી બધું જ છુપાવ્યું હતું. જે વાત પાંચ વર્ષ જૂની હતી અને જાનકી એમ માનતી હતી કે એનું કોઈ મહત્ત્વ નથી એ વાત આજે જાનકીની સામે આવીને ઊભી હતી. જો એ પોતાની નણંદનું ભલું ઇચ્છતી હોય તો એણે વસુમાને બધું જ કહેવું પડે એમ હતું, પહેલેથી છેલ્લે સુધી...

જાનકીએ વાત માંડી... શફ્ફાક પ્રત્યેની અંજલિની લાગણીથી શરૂ કરીને હમણાં અડધો કલાક પહેલાં કોફીશોપમાં બનેલા પ્રસંગ સુધી એણે બધું જ કહી દીધું ત્યાં સુધી વસુમાના ચહેરા પર કેટલાય રંગ આવ્યા અને ઊડી ગયા. જોકે એમણે વચ્ચે એક શબ્દ પણ કહ્યો નહીં. ચૂપચાપ, તદ્દન મૌન, માત્ર સાંભળતાં રહ્યાં.

વાત પૂરી થયા પછી ઓરડામાં એક ચૂપકિદી છવાઈ ગઈ. એક વજનદાર મૌન બંનેની વચ્ચે એક ધુમ્મસની જેમ ફેલાઈ ગયું.

‘‘મા... મેં કંઈ ખોટું કર્યું ?’’

‘‘ખોટું તો નહીં બેટા, પણ થોડી ઉતાવળ કરી નાખી એવું મને લાગે છે. અંજલિ આમેય થોડી જિદ્દી અને ગુસ્સાવાળી છે. એને જરા સાચવીને, સંભાળીને, ગોઠવીને કહ્યું હોત તો સારું થાત.’’

‘‘મેં નક્કી તો એમ જ કર્યું હતું મા, પણ કોણ જાણે કેમ...’’

‘‘બેટા, તું મા જ છે અંજલિની. તારા મનમાં એની ભલાઈ જ હોય અને એ કંઈ ખોટું કરતી હોય તો કહેવાય પણ જાય જ. મન નાનું ના કરીશ. અંજલિ આવશે એટલે આપણે વાત કરીશું.’’

‘‘મા...’’ જાનકીને હવે જાણે પસ્તાવો થવા લાગ્યો હતો, ‘‘એ એના ઘરે તો નહીં જતાં રહે ને ?’’

‘‘એમ થાય તો સારું જ છે.’’ જાનકી વસુમાની સ્વસ્થતા પહેલી વાર જોતી હતી એવું નહોતું. છતાં એને નવાઈ લાગી.

‘‘મા, મેં આવું ધાર્યું જ નહોતું. અંજલિબેનને મારે આવી રીતે કહેવું પડે... મેં કંઈ નક્કી કરીને એમને દુઃખ પહોંચે એવું વર્તન...’’

વસુમાએ સ્મિત કરીને વચ્ચે જ જાનકીની વાત કાપી નાખી, ‘‘બેટા, બધું જ આપણા ધાર્યા પ્રમાણે અને નક્કી કર્યા પ્રમાણે થાય તો આપણને માણસ કોણ કહે ? અને તોય, માણસ માત્રએ એક વાર નક્કી કરેલી વાત ઉપર બને એટલા અડગ રહેવું જોઈએ એમ હું માનું છું... હશે બેટા, જે થઈ ગયું તે થઈ ગયું. અંજલિ ક્યાં છે ?’’

‘‘મને નથી ખબર. કદાચ... કદાચ ઘેર જતાં રહ્યાં હોય સીધાં.’’

‘‘તું તારી સાથે ન લઈ આવી એને ?’’

‘‘મેં કહ્યું પણ એ...’’

‘‘...નહીં માની હોય ! દીકરી તો સૂર્યકાંત મહેતાનીને ? હશે, ફોન લગાડ એના ઘેર અને માત્ર એટલું જાણી લે કે પહોંચી કે નહીં. વાત તો હું આમેય કાલે જ કરીશ.’’

જાનકી એ પછીની પંદર મિનિટ અંજલિના ઘરે ફોન જોડતી રહી. કોઈએ ફોન ઉપાડ્યો નહીં. જાનકીનું મન વિચલિત થઈ ગયું. એણે રાજેશને મોબાઈલ જોડ્યો...

‘‘બોલો મા !’’

‘‘હું બોલું છું જાનકી, અંજલિબેન તમારી સાથે છે ?’’

‘‘અ...ના...’’ રાજેશનો અવાજ ગૂંચવાવા લાગ્યો. આગળ પુછાનારા પ્રશ્નોના જવાબ આપવાની માનસિક સ્વસ્થતા કેળવવા માંડી એણે. પછી હળવેકથી પૂછ્‌યું, ‘‘કેમ ?’’

‘‘અ... કંઈ નહીં, એમ જ પૂછું છું.’’ જાનકીએ વાત વાળવાનો પ્રયાસ કર્યો.જે કંઈ થયું એ વિશે રાજેશને કહેવાની એને કોઈ જરૂર ના લાગી, ‘‘કદાચ તમે ઘરે પહોંચો ને અંજલિબેન હોય તો ફોન કરાવજો ને.’’

‘‘પણ એ આજે ઘેર નથી આવવાની, એ તો તમારે ત્યા ં જ રોકાવાની છે.’’

‘‘હા, હા, મને ખબર છે, પણ આ તો કદાચ એ તમને મળે, એમનો ફોન આવે કે...’’ જાનકીના અવાજમાંનો ઉચાટ અછતો રહે એમ નહોતો. હવે એને ખરેખર ચિંતા થવા લાગી હતી.

‘‘ભાભી ! ’’ રાજેશે સીધું જ પૂછી નાખ્યું, ‘‘કંઈ થયું છે ? પ્લીઝ મને કહો.’’

‘‘જાનકી, રાજેશને અહીં જ બોલાવી લે.’’ પાછળ ઊભાં રહીને વાત સાંભળતાં વસુમાને સામેથી બોલાતા સંવાદ કદાચ સમજાઈ ગયા હતા.

‘‘જી મા...’’ પછી રાજેશને કહ્યું, ‘‘કંઈ ખાસ કામ ના હોય તો તમે શ્રીજી વિલા આવી શકો ? મા યાદ કરે છે.’’

‘‘દસ-પંદર મિનિટમાં પહોંચું.’’ પછી આખીય વાતને હળવી કરી નાખવા રાજેશે પૂછ્‌યું, ‘‘જમાડશો ને ?’’

‘‘સવારનું કે સાંજનું ?’’ જાનકીએ સામે મજાક કરી. બંને જણા હસી તો પડ્યાં, પણ એમના અવાજમાં કશું દબાયેલું, કશુંક બોદું હતું, જે બંનેને સમજાઈ ગયું.

શ્રીજી વિલામાં નીચેના માળે ચાલી રહેલી ઘટનાઓથી ઉપરના માળે બેઠેલા ત્રણ જણા સાવ બેખબર, અને સાવ અજાણ હતાં. પોતાના ઓરડામાં લક્ષ્મી નીરવ સાથે બહાર જવા તૈયાર થઈ રહી હતી.

વૈભવી પોતાના રૂમમાં અભય આવે તો શું અને કેવી રીતે કહેવું એની બાજી ગોઠવી રહી હતી.

સૂર્યકાંત મહેતા પોતાના ઓરડામાં કંઈક વાંચી રહ્યા હતા. અચાનક એમનો મોબાઇલ રણક્યો.

‘‘બોલો મધુભાઈ.’’

‘‘ભાઈ... ભાઈ...’’ મધુભાઈનો અવાજ ગભરાયેલો હતો.

‘‘મધુભાઈ કંઈ પ્રોબ્લેમ છે?’’

‘‘ભાઈ, રોહિતબાબા આવ્યા છે.’’

‘‘મને હતું જ કે એ આવશે. મને ધાર્યા કરતા વધારે દિવસ થઈ ગયા એટલે એના પૈસા ખૂટી ગયા હશે. જુઓ મધુભાઈ, એને એક પણ પૈસો કેશ આપતા નહીં.’’

‘‘પણ ભાઈ...’’

‘‘મેં કહ્યુંને મધુભાઈ, એ કંઈ પણ કહે, એને એક કાણો પૈસા નહીં આપતા ત્યાંથી.’’

‘‘ભાઈ, રોહિતબાબા પાસે પિસ્તોલ છે.’’

‘‘અને એણે તમારા લમણે ધરી હશે !’’ સૂર્યકાંત મહેતાના અવાજમાં ગજબની શાંતિ હતી.

‘‘હેં ? હા...’’

‘‘એક કામ કરો, એને ફોન આપો.’’ થોડી વાર સુધી મધુભાઈની તરફ કોઈ કશું બોલ્યું નહીં. પછી એક તોછડો, સહેજ ઘોઘરો, નશીલો અવાજ સંભળાયો,

‘‘ટેન થાઉઝન્ડ ડોલર્સ.’’

‘‘બેટા રોહિત.’’

‘‘શટ-અપ ઓલ્ડ મેન... ખોટા સેન્ટીમેન્ટ નહીં જોઈએ. તારા માણસને કહે મને પૈસા આપે, કેશ.’’

‘‘આપશે, તું પહેલા મારી વાત સાંભળી લે.’’

‘‘ગો ઓન.’’

‘‘હું ત્યાંથી નીકળ્યો ત્યારે મેં તને કહ્યું હતું કે હવે પૈસા નહીં આપું તને.’’

‘‘એવું તમે પહેલાં પણ સો વાર કહ્યું છે. મને એ શબ્દોની કોઈ અસર નથી થતી. મને મારા પૈસા મળવા જોઈએ. હું જ્યારે માગું ત્યારે અને જેટલા માગું એટલા.’’

‘‘નહીં તો ?’’ આજે પહેલી વાર આ નહીં તોનો પ્રશ્ન પુછાયો હતો. સૂર્યકાંત મહેતાના અવાજમાં એક અજબ પ્રકારની નિસ્પૃહતા હતી, જે રોહિતે પહેલા ક્યારેય નહોતી અનુભવી. સૂર્યકાંત મહેતા સામાન્ય રીતે જીવ બાળતા, રોહિતને સમજાવતા, ઉશ્કેરાઈ જતા, પણ આવી ઠંડક, આવી સાવ નિરાંત રોહિતે એમનામાં ક્યારેય નહોતી જોઈ. એ આ નહીં તોના સવાલ માટે તૈયાર નહોતો કદાચ.

એ આગળ કશું બોલે એ પહેલાં સૂર્યકાંત મહેતાએ ઉમેર્યું, ‘‘મધુભાઈને મારી નાખીશ ? મારી નાખ. આમ પણ બે-ચાર વર્ષમાં મરશે જ એ માણસ... પણ અમેરિકાની જેલ તને વીસ વર્ષ સુધી નહીં છોડે. સમજે છે ને ?’’ એ આગળ કશું બોલે એ પહેલાં ફોન ડિસકનેક્ટ થઈ ગયો હતો.

જાણે કશું જ નથી બન્યું એમ ફોન મૂકીને સૂર્યકાંત મહેતા ફરી પોતાના પુસ્તકમાં પરોવાઈ ગયા. લક્ષ્મી એમને કહેવા આવી, ત્યારે સૂર્યકાંતે એને વહાલ કર્યું અને સહેજ ચિંતાવાળા અવાજે કહ્યું, ‘‘વહેલી આવી જજે હોં.’’

‘‘વહેલી !’’ લક્ષ્મી હસી, ‘‘તમારા હિસાબે કે મારા હિસાબે ?’’

‘‘આ ઘરના નિયમોના હિસાબે.’’ લક્ષ્મી સૂર્યકાંત સામે જોઈ રહી. એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.

‘‘શું થયું ?’’ સૂર્યકાંતે પૂછ્‌યું.

‘‘ક... કંઈ નહીં. એમજ.’’ લક્ષ્મીએ આંખો લૂછી નાખી અને સૂર્યકાંતની બાજુમાં પલંગ પર બેસી ગઈ. એણે સૂર્યકાંતની છાતી પર માથું મૂકી દીધું અને થોડી વાર એમ જ બેસી રહી. સૂર્યકાંતનો સ્નેહાળ હાથ એની પીઠ પર ફરતો રહ્યો.

‘‘ડેડી !’’

‘‘હં...’’

‘‘મારી મમ્મી હોત તો આપણા ઘરમાં પણ આવા જ નિયમો હોત, નહીં ?’’

‘‘હં...’’

‘‘તો કદાચ રોહિત આવો ન હોત નહીં ?’’

સૂર્યકાંતને વિચાર આવ્યો, લક્ષ્મીને રોહિતના ફોનની વાત કહેવી કે નહીં ? એમણે થોડું વિચાર્યું અને પછી માંડી વાળ્યું. ‘‘તને અચાનક રોહિત ક્યાંથી યાદ આવી ગયો ?’’

‘‘અચાનક યાદ નથી આવ્યો. અભયભાઈ, અજયભાઈ અને અલયને જોઉં છું ત્યારે રોજ રોહિત યાદ આવે છે. મારો ભાઈ એમના જેવો નથી એ વાતે ક્યારેક ઓછું પણ આવે છે ડેડી.’’

‘‘કેમ ? એ લોકો તારા ભાઈઓ નથી ?’’

‘‘ડેડી...’’ લક્ષ્મી કશું બોલી નહીં, પણ એના નહીં કહેવાયેલા શબ્દો સૂર્યકાંતને સમજાતા હતા. આ ઘરમાં એણે જેવું ધાર્યું હતું એવું વાતાવરણ નહોતું મળી શક્યું એ સત્ય હતું. મોટા ભાગનો સમય બાપ-દીકરી ઉપર ગેસ્ટરૂમમાં ગાળતાં. લક્ષ્મી તો હજીયે રસોડામાં ઘૂસી જતી. વસુમા સાથે સમય પસાર કરતી... એમના રૂમમાં બેસીને, એમને સવાલો પૂછીને, એમની પાસે અંતરનાં કમાડ ઉઘડાવતી, ક્યારેક ! પણ સૂર્યકાંત આ ઘરમાં મહેમાનની જેમ જ રહેતા હતા અને ઘરના સભ્યો પણ એમને મહેમાનની જેમ જ રાખતા હતા...

શરૂઆતમાં જે વાતમાં સૂર્યકાંતને તકલીફ થતી હતી એ વાત હવે એમણે સ્વીકારી લીધી હતી, ‘‘પચીસ વર્ષ પહેલાં મેં જે રીતે આ ઘર છોડ્યું હતું એ વખતે સુરંગ મૂકીને ઉડાડી દીધેલા સંબંધોના પુલ બાંધતા પચીસ દિવસ તો લાગે કે નહીં ?’’ એ પોતાની જાતને પણ સમજાવતા.

ખાસ કરીને વસુમાનું વર્તન એમને બહુ વિચલિત કરી નાખતું. ખૂબ પ્રેમથી વર્તતી આ સ્ત્રી એમની નાની નાની જરૂરિયાતોનો ખ્યાલ રાખતી. એમને શું ભાવે છે ને શું નહીં એનું પણ રસોડામાં ધ્યાન રખાતું. જમવાના અને નાસ્તાના ટેબલ પર એમની રાહ જોવાતી. ઘરના માલિકની ખુરશી પર એમને સ્થાન અપાતું... એ બધું ખરું, પણ વસુંધરા એમની સાથે એમણે નહોતું ધાર્યું એની સ્વસ્થતાથી વર્તતી હતી અને એની સ્વસ્થતા સૂર્યકાંતને રોજેરોજ વિચલિત કરતી હતી.

એક દિવસ એમણે જાતને પૂછ્‌યુંય ખરું, ‘‘વસુનો આ આત્મવિશ્વાસ, પોતાની જાતમાં એની દૃઢ શ્રદ્ધા, ગમે તે પરિસ્થિતિમાં એને સ્વસ્થ રહેવાની એની સરળતા... આ બધું મને નડે છે ? વસુ ઝઘડો કરત, રડત, કંઈક કડવું-તીખું બોલત, મને પાછા ચાલ્યા જવાનું કહેત તો મને પરિસ્થિતિ સામાન્ય લાગી હોત એવું ખરું ?’’ પરંતુ એમને એનો જવાબ નહોતો મળતો.

એ રોજ એક જ વાત વિચારતા, ‘‘જો મને સમયસર સમજાયું હોત કે આ સ્ત્રીમાં આટલો આત્મવિશ્વાસ, આટલી સહજતા, આટલી સરળતા અને સ્વીકાર કરવાની આટલી મોટી તૈયારી છે તો... તો હું કદાચ ક્યારેય ઘર છોડીને ના ગયો હોત.’’ આ વિચાર સૂર્યકાંતને ક્યારેક ક્યારેક ઉદાસ કરી દેતો. એક નાનકડો અપરાધભાવ એમની અંદર બીજની જેમ રોપાઈ જતો અને ચોવીસ કલાકથી ઓછા સમયમાં એમની આસપાસ અને અંદર અપરાધભાવનું- ગિલ્ટનું જંગલ ઊગી આવતું.

લક્ષ્મીને આ વાતે ઓછું આવતું હતું. એણે સૂર્યકાંતને બે-ચાર કહ્યું હતું પણ, એમણે હસીને ટાળી દીધું હતું. લક્ષ્મી સમજતી હતી કે એના ડેડીને પણ એ વાત ક્યારેક છાતીના ડાબે ખૂણે દુઃખતી હતી, પણ એ કોઈને દેખાવા દેતા નહોતા.

લક્ષ્મી ખરા હૃદયથી ઇચ્છતી હતી કે આ ઘરમાં સૂર્યકાંતનો સ્વીકાર થાય... સૌ એને ઘરના સભ્યની જેમ સ્વીકારી લે. લક્ષ્મી એ પણ સમજતી હતી કે એમ થાય તો જ પિતાનો પચીસ વર્ષથી સંઘરી રાખેલો અપરાધભાવ કદાચ ઘટી શકે !

લક્ષ્મી સૂર્યકાંતની છાતી પર માથું મૂકીને બેઠી હતી કે નીચેથી જાનકીએ બૂમ પાડી, ‘‘પપ્પાજી.... પપ્પાજી...’’ જાનકીના અવાજમાં ગભરાટ હતો.

બાપ-દીકરી બંને હાંફળાં-ફાંફળા ઊઠીને દોડ્યા. હજી તો સૂર્યકાંત સીડી પર પહોંચ્યા હતા અને સામે ઊભેલી જાનકીએ લગભગ બૂમ પાડી, ‘‘અંજલિબેનને એક્સિડેન્ટ થયો છે.’’

સૂર્યકાંત એક પગથિયું ચૂકી જતા બચ્યા. લક્ષ્મીએ એમને સંભાળી લીધા. બંને નીચે પહોંચ્યા ત્યારે વસુમા એમના ઓરડામાંથી બહાર આવી ગયાં હતાં.

‘‘તને કોણે કહ્યું ?’’ એમણે જાનકીને પૂછ્‌યું.

‘‘ફોન... ફોન હતો.’’ જાનકી ધ્રૂજી રહી હતી. એની આંખોમાં પાણી આવી ગયાં હતાં. અવાજ થર્રાતો હતો. એણે ફોન મૂકીને વસુમાની સામે જોયું, ‘‘બધો વાંક મારો જ છે !’’

વસુમા એની નજીક આવ્યાં. એમણે જાનકીના ખભે હાથ મૂક્યો. પાણી તો એમની આંખોમાં પણ ધસી આવ્યાં હતાં, પણ આ રડવાનો પ્રસંગ નથી એમ માનીને એમણે જાનકીને કહ્યું, ‘‘વાંક કોઈનો કેવી રીતે હોય બેટા ? જે થવાનું હોય એ તો થઈને જ રહે. ચાલ, આપણે હોસ્પિટલ જઈએ ? ક્યાં ? કઈ હોસ્પિટલમાં છે ?’’

‘‘નાણાવટી...’’

‘‘તો ચાલ...’’ વસુમાએ એનો હાથ પકડ્યો. જાનકી આ સ્ત્રી સામે જોઈ રહી. સમય અને સંજોગોની શારડીએ એની અંદર ઊતરીને એને કેટલી સ્વસ્થ અને શાંત બનાવી દીધી હતી. સગ્ગી દીકરીને એક્સિડેન્ટ થયો છે અને એ હોસ્પિટલમાં છે એવું જાણ્યા પછી પણ એણે પોતાની સ્વસ્થતા નહોતી છોડી.

‘‘વસુ, હું આવું સાથે ?’’ સૂર્યકાંતના અવાજમાં અધીરાઈ સ્પષ્ટ દેખાતી હતી.

‘‘હા, પપ્પાજી.’’ વસુમાએ ફક્ત જાનકીની સામે જોયું. એક ક્ષણ માટે કંઈ વિચારી પછી અર્થપૂર્ણ હસીને જાનકીના માથે હાથ ફેરવ્યો, ‘‘હા કાન્ત, તમે ચાલો. છોકરાંઓને જરા સધિયારો રહેશે.’’ પછી એટલી જ સ્વસ્થતાથી જાનકીને કહ્યું, ‘‘અભયને ફોન કર, અજયને જગાડીને કહી દે કે આપણે જઈએ છીએ. સાથે આવવાની જરૂર નથી.’’

‘‘પણ મા...’’

‘‘હૃદય પાસે કોઈક તો જોઈશે ને ?’’

‘‘ઓહ માય ગોડ ! આવી પેનિકની, કટોકટીની ક્ષણમાં પણ આ સ્ત્રી કેટલા બધાના વિચાર કરી શકે છે ?’’ લક્ષ્મી એમની સામે જોઈ રહી, ‘‘મા, હું...’’

‘‘તું જા બેટા, ત્યાં ગયા પછી જરૂર પડશે તો અમે તમને ફોન કરીશું. બાકી દવાખાનામાં ભીડ કરવાનો કોઈ અર્થ નથી. રાજેશને બોલાવ્યા છે. એ આવતા જ હશે. અમે ત્રણ જણા પહેલા જઈએ છીએ.’’ પછી સૂર્યકાંત સામે જોઈને સુધાર્યું, ‘‘ચાર જણા.’’

જાનકીએ અભયને ફોન ટ્રાય કરવા માંડ્યો, ‘‘મા, અભયભાઈને ફોન બંધ છે.’’

‘‘અરે રામ ! ક્યાં ગયો હશે એ છોકરો ?’’ હજી આ વાત પૂરી થાય એ પહેલાં રાજેશ દાખલ થયો.

‘‘રાજેશભાઈ, અંજલિબેનને એક્સિડેન્ટ થયો છે.’’

‘‘ગોડ ! ક્યાં ? ક્યારે ? કેવી રીતે ? એ છે ક્યાં ?’’

‘‘બેસો રાજેશ, આપણે જઈએ છીએ હોસ્પિટલ...’’

‘‘મને ખબર હતી... આ આખાય પ્રકરણનો અંત ભયાનક જ આવશે. હું સવારથી એને ફોન કરતો હતો. કેટલી મનાવી... કોઈ રીતે સમજી નહીં...’’રાજેશનું ગળું ભરાઈ આવ્યું. એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. આવડો મોટો છ ફૂટનો, જુવાનજોધ પુરુષ આવી રીતે ઢીલો થઈ જાય એ જોઈને જાનકીને રાજેશની દયા આવી ગઈ.

‘‘કેટલું ચાહે છે આ માણસ અંજલિબેનને !’’ લક્ષ્મીએ રાજેશને પાણીનો ગ્લાસ આપ્યો. રાજેશના હાથ ધ્રૂજતા હતા. આંખોમાંથી ડળક ડળક આંસુ પડતાં હતાં. રાજેશને સંભાળીને, અજયને જરૂરી સૂચનાઓ આપીને વસુમા, સૂર્યકાંત, રાજેશ અને અંજલિ હોસ્પિટલ જવા નીકળ્યાં જ્યારે લક્ષ્મી ઘરમાં નીરવની રાહ જોઈને બેઠી.

‘‘નીરવ આવે એટલે અમે પણ હોસ્પિટલ જ જઈશું.’’ લક્ષ્મીએ મનોમન નક્કી કર્યું.

આ આખી ધમાલમાં ઉપર જ, પોતાના રૂમમાં ધુઆંપુઆં બેઠેલી વૈભવી કોઈને યાદ જ ના આવી !

અભયની આંખ ઊઘડી ત્યારે સાંજે પાંચ વાગ્યા હતા.

‘‘ચલો સ્વીટહાર્ટ, ચા પીવડાવો.’’ અભયે કહ્યું અને એના ખભે માથું મૂકીને, એની છાતી પર હાથ લપેટીને એક પગ, એના પગ પર નાખીને ઊંઘરેટી પડેલી પ્રિયા આળસ મરડીને બેઠી થઈ.

‘‘આજનો સન્ડે હું ક્યારેય નહીં ભૂલું.’’ એણે ઝૂકીને અભયના ગાલ પર પપ્પી કરી. આંખો મીંચીને સૂતેલા અભયે આંખ ખોલી. પ્રિયાના ચહેરા પર હાથ ફેરવ્યો અને બાજુમાં પડેલા પોતાના ચશ્મા લઈ આંખ પર ચડાવ્યા, બાજુમાં પડેલો પોતાનો મોબાઈલ ઊંચકીને સમય જોવા ગયો ત્યારે અભયને અચાનક ખ્યાલ આવ્યો કે એણે બપોરથી ફોન સ્વીચઓફ કર્યો હતો. એણે ફોન ચાલુ કર્યો.

‘‘વૈભવી... અને ઘરનો નંબર... આટલા બધા મિસ્ડ કોલ ?!’’ એણે ઘરનો નંબર જોડ્યો.

‘‘હલ્લો... મહેતાઝ.’’ લક્ષ્મીનો અવાજ અને ઉચ્ચાર બંને અમેરિકન હતા.

‘‘અભય બોલું છું લક્ષ્મી.’’

‘‘અભયભાઈ...’’ લક્ષ્મીના અવાજમાં ઉચાટ ઊતરી આવ્યો, ‘‘અંજલિદીદીને એક્સિડેન્ટ થયો છે. નાણાવટી હોસ્પિટલ લઈ ગયા છે.’’

‘‘શીટ...’’ અભયે કહ્યું, ‘‘હું પહોંચું છું. તને રૂમનંબર કે કંઈ ખબર છે ?’’

‘‘નો...’’

‘‘ઓ.કે. હું શોધી લઈશ.’’ અભયે ડિસકનેક્ટ કર્યો અને ઊભો થઈને બાથરૂમ તરફ ગયો.

ચા લઈને બહાર આવતી પ્રિયાએ અભયનો બદલાયેલો મૂડ જોયો, ‘‘શું થયું ?’’

‘‘હોસ્પિટલ જવું પડશે, અંજલિને એક્સિડેન્ટ થયો છે.’’ બે ઘૂંટડા ચા પીને અભય ભાગ્યો.

અભયના ગયા પછી સોફામાં પગ લંબાવીને નિરાંતે બેઠેલી પ્રિયા ચાની સાથે સાથે ગાળેલા સમયમાંથી નીતરતાં સુખના ઘૂંટડા ભરતી રહી.

નાણાવટી હોસ્પિટલમાં શોધતા શોધતા બધા જ્યારે ઓપરેશન થિયેટર પાસે પહોંચ્યા ત્યારે અંજલિનું સ્ટ્રેચર બહાર આવી રહ્યું હતું. બાજુમાં બ્લડની બોટલ લઈને એક નર્સ સાથે સાથે ચાલી રહી હતી. અંજલિની આંખો બંધ હતી. કદાચ બેભાન હશે એમ ધારીને રાજેશ અંજલિ પાસે ધસી ગયો, એ એને અડવા જાય એ પહેલાં નર્સે એને અટકાવ્યો, ‘‘એક્સક્યુઝ મિ...’’

‘‘હું... હું રાજેશ ઝવેરી, એનો હસબન્ડ.’’

‘‘ઓહ ! આઈ એમ સોરી મિસ્ટર ઝવેરી.’’

એ જ વખતે ઓપરેશન થિયેટરમાંથી બહાર આવી રહેલા ડોક્ટરે નજીક આવીને રાજેશના ખભે હાથ મૂક્યો, ‘‘તમારાં પત્ની તો આઉટ ઓફ ડેન્જર છે. અમે બાળકને નથી બચાવી શક્યા.’’

‘‘કંઈ વાંધો નહીં. મારી પત્નીનો જીવ બચી ગયો એ અગત્યનું છે. આઈ એમ વેરી થેન્ક ફૂલ ટુ યુ ડોક્ટર.’’ કહીને રાજેશે અંજલિના માથે હાથ ફેરવ્યો, ‘‘અંજુ, અંજુ આઈ એમ સોરી ! મને માફ કરી દે. હું તને ખૂબ પ્રેમ કરું છું.તું જેમ કહીશ એમ કરીશ, મારી સાથે રહેવા નહીં માગતી હોય તો હું તને રોકીશ નહીં... મારે માટે તારું સુખ સૌથી અગત્યનું છે. તું જ્યાં અને જેવી રીતે સુખી થતી હોઈશ, હું એમ જ કરીશ અંજુ...’’

રાજેશનો હાથ અંજલિના માથે ફરી રહ્યો હતો.

પાછળ ઊભેલાં વસુમા અને સૂર્યકાંત આ દૃશ્ય જોઈને લાગણીમાં તરબોળ થઈ ગયાં હતાં. જાનકીની આંખોમાં આંસુ રોકાતાં નહોતાં.

અંજલિની બંધ આંખોમાંથી આંસુનું એક ટીપું સરી પડ્યું.

રાજેશે એ ટીપું લૂછી નાખ્યું, એનો હાથ પકડ્યો, ‘‘આઈ લવ યુ અંજુ. તું ધારે છે અને માને છે એનાથી ઘણો વધારે પ્રેમ કરું છું હું તને...’’

અંજલિએ હળવેકથી આંખો ઉઘાડી. પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવી, પછી રાજેશની સામે જોયું-

‘‘રાજેશ, કદાચ આજે સમજી છું પ્રેમનો અર્થ...’’

(ક્રમશઃ)